Get The App

ચોવીસ કલાક સાથે રહે છે, તેનો વિચાર કરો

Updated: Mar 4th, 2025

GS TEAM


Google News
Google News
ચોવીસ કલાક સાથે રહે છે, તેનો વિચાર કરો 1 - image


- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

સ મ્રાટ અશોકે ભારતના પડોશી દેશોમાં બૌદ્ધધર્મના પ્રચાર માટે પ્રયત્ન કર્યો. ભારતમાં આઠમી સદી પછી બૌદ્ધ ધર્મ પ્રભાવક ન રહ્યો, પરંતુ વિદેશના ઘણા દેશોમાં એ પ્રભાવક રહ્યો.

બૌદ્ધ ભિક્ષુ બોધિધર્મએ ચીનમાં જઈને બૌદ્ધ ધર્મનો પ્રસાર કર્યો. ભગવાન બુદ્ધે આપેલા સિદ્ધાંતો પ્રમાણે જીવવાનો ઉપદેશ આપ્યો. એકવાર ચીનના સમ્રાટે બોધિધર્મને પ્રશ્ન કર્યો,

''હે મહાન ભિખ્ખુ, મને વારંવાર ક્રોધ આવે છે, મનમાં ક્યારેક લોભ પણ જાગે છે, ચિત્ત પણ ઘણીવાર અશાંત બની જાય છે. તો શું કરવું ?''

બોધિધર્મએ કહ્યું, ''બસ, આંખો બંધ કરી દેવી.''

સમ્રાટે આંખો બંધ કરી દીધી એટલે બોધિધર્મએ પૂછ્યું, ''અત્યારે તમને ક્રોધ ચડે છે ખરો ? લોભ પજવે છે ખરો ? ચિત્ત અશાંત બનીને આમતેમ ભટક્યા કરે છે ખરું ?''

સમ્રાટે કહ્યું, ''ના. આંખ બંધ કરું છું તે સાથે બધું ચાલ્યું જાય છે. ક્રોધ કે કચવાટ કશું રહેતું નથી.''

બોધિધર્મએ કહ્યું, ''સમ્રાટ, આનો અર્થ એ કે ક્રોધ, લોભ કે અશાંતિ એ તમારો સ્વભાવ નથી. સદા મનમાં રહેતો સાથી નથી, બલ્કે એ આવે છે અને એ ચાલ્યો જાય છે. ખરું ને ?''

સમ્રાટે કહ્યું, ''હા. હું સતત ક્રોધથી ધૂંધવાયેલો કે લોભથી લાલચુ રહેતો નથી. ક્યારેક જ મારામાં એ જાગે છે અને શમી પણ જાય છે.''

''જુઓ, જે ક્યારેક જ જાગે છે અને ચાલ્યો જાય છે તે ચોવીસે કલાક રહેનારો તમારો સ્વભાવ નથી. આવી જ રીતે તમને ક્યારેક ઊંઘ આવે છે, 

ક્યારેક સુખાનુભવ થાય છે. ક્યારેક શાંતિ તો ક્યારેક અશાંતિ લાગે છે. આ બધું આવે છે અને જાય છે. જેમ સાગરમાં કોઈ મોજું ઉછળે અને પાછું શમી જાય. ખરુંને ?''

સમ્રાટે કહ્યું, ''હા, બસ એમ જ. સરોવરના જળમાં જેમ વમળ થાય એમ ગુસ્સો થાય અને શમી જાય.''

''સમ્રાટ ! તમારે ક્ષણજીવી મોજાંનો નહીં, પણ સનાતન સાગરનો વિચાર કરવો જોઈએ. વમળનો નહીં, પણ સરોવરના શાંત જળનો વિચાર કરવો જોઈએ. જે સતત તમારી સાથે છે એનો વિચાર કરો. જે એક લહેરરૂપે આવીને વિલય પામે છે તેનો વિચાર ન કરો.''

સમ્રાટ બોધિધર્મની વાતનો મર્મ સમજ્યા. વિભાવથી અળગા રહીને સ્વભાવમાં જીવવા લાગ્યા. પોતાના સ્વભાવની શાંતિ, સ્વસ્થતા અને ભાવના જાળવીને જીવવા લાગ્યા, પરિણામે ચોવીસે કલાક મૂળ પ્રકૃતિ સાથે રહેવા લાગ્યા. વિકૃતિઓ એનાથી આપોઆપ દૂર રહેવા લાગી.

Tags :