આ પાઘડી નથી, પણ પ્રેમનું પ્રતીક છે!
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
ગો પાલ કૃષ્ણ ગોખલે સતત ત્રણ દાયકા સુધી આપણા દેશ પર અનેકવિધ પ્રવૃત્તિઓથી છવાયેલા રહ્યા. એક તરફ તેઓ ભારતના રાષ્ટ્રીય આંદોલનના અગ્રણી નેતા હતા. બીજી બાજુ તેમની સામાજિક પ્રવૃત્તિ પણ ચાલુ હતી. એમણે જ્ઞાતિપ્રથાનો વિરોધ કર્યો અને કન્યા-કેળવણી તથા મહિલા- મુક્તિની હિમાયત કરી. પત્રકાર તરીકે એમની કલમ અનેક વિષયો પર ચાલતી રહી. 'મરાઠા' અને 'સુધારક' જેવાં સામયિકોમાં લખ્યા બાદ એમના તંત્રીપદે 'કવાર્ટલી' શરૂ થયું. એ પછી એમણે 'રાષ્ટ્રસભા સમાચાર' નામનું નવું સામયિક પણ શરૂ કર્યું. કેળવણીકાર તરીકે પણ એમનાં અનેકવિધ કાર્યો ચાલતાં રહેતાં.
આમ આઝાદીના આંદોલનના નેતા, અગ્રણી સમાજસુધારક, નિર્ભીક પત્રકાર અને અનેકવિધ સંસ્થાઓના સ્થાપક એવા ગોપાળ કૃષ્ણ ગોખલે એક પછી એક કાર્યોમાં ખૂબ ડૂબેલા રહેતા. એમનો મોટા ભાગનો સમય એમના કાર્યાલયમાં જતો.
એક વાર ઘરનું કોઈ કામ લઈને એમની પુત્રી એમને મળવા આવી. એણે જોયું તો બહાર લાંબી કતાર જામી હતી. એક પછી એક વ્યક્તિઓ ગોપાળ કૃષ્ણ ગોખલેને મળવા જતી અને તેમની પાસેથી માર્ગદર્શન મેળવતી. એમના કાર્યાલયમાં આવી ભીડ રોજ જામેલી જ રહેતી.
એમની પુત્રી કાર્યાલયની બહાર લાંબી કતારમાં ઉભી રહી. ક્યારે પિતાને મળવાની તક મળે એની રાહ જોવા લાગી. મુલાકાતીઓનો ઘણો ઘસારો હતો અને ગોપાળ
કૃષ્ણ ગોખલે દરેકની વાત પૂરી સાંભળતા તેમજ એને યોગ્ય ન્યાય મળે તેવું માર્ગદર્શન આપતા. ગોખલેની પુત્રી બે કલાક તો કતારમાં રાહ જોઈને ઉભી રહી. પણ છેવટે એમ લાગ્યું કે ચાર કલાકે પણ એને મળવાની તક મળે તેમ નથી. આથી તે નિરાશ થઈને પિતાને મળ્યા વગર ઘેર પાછી આવી !
સાંજે ગોપાળ કૃષ્ણ ગોખલે ઘેર આવ્યા ત્યારે એમની પુત્રી રિસાઈ હતી. ગોખલેએ એની રીસનું કારણ જાણ્યું અને એમના મનમાં ભારે ખેદ થયો. પોતાની વ્યસ્તતાને કારણે પુત્રીને આવું થાય તે મનોમન ગમ્યું પણ નહીં. આથી આખી રાત ઊંઘ ન આવી.
સવારે એમણે વિચાર કર્યો કે દીકરીને કઈ રીતે મનાવવી. તેઓ એને માટે સરસ સાડી લઈ આવ્યા અને દીકરીને ભેટ આપી.
દીકરીને પણ પિતાના દુ:ખનો ખ્યાલ આવ્યો એટલે એણે એના બદલામાં એક સુંદર મજાની રંગીન પાઘડી પિતાને આપી.
ગોપાલ કૃષ્ણ ગોખલેને એ સમયે વારંવાર ઇંગ્લેન્ડ જવું પડતું. એમના જીવન દરમ્યાન તેઓ સાત વખત મવાળ પક્ષના નેતા તરીકે ઇંગ્લેન્ડ ગયા. આ સમયે એમણે દીકરીએ આપેલી રંગીન પાઘડી-મરાઠી પાઘડી પહેરી રાખી. આ પાઘડી એમના પોશાકનું અવિભાજ્ય અંગ બની ગઈ.
ઇંગ્લેન્ડમાં રાજકીય મંત્રણા કરતા ગોપાળ કૃષ્ણ ગોખલેના આવા વિચિત્ર વેશને જોઈને ઘણાને સવાલ થતો. એમાં પણ એમની રંગીન મરાઠી પાઘડી સૌનું ધ્યાન ખેંચતી. એના જવાબમાં ગોપાળ કૃષ્ણ ગોખલે કહેતા, 'અરે ! આ પાઘડી નથી, આ તો પિતા પ્રત્યેના પુત્રીના પ્રેમનું પ્રતીક છે. એને હું કોઈ રીતે છોડી શકું નહીં.'