- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
અં ધારી ઘનઘોર રાત હતી. નદીની મઝધારમાં નૌકા વહ્યે જતી હતી. એમાં એક પ્રેમી યુગલ વિહાર કરતું હતું.
એકાએક જોરદાર પવન ફૂંકાવો શરૂ થયો. નૌકા ડોલવા લાગી. બધા આકુળ-વ્યાકુળ બની ગયા, પરંતુ પેલો પ્રેમી યુવક એ જ શાંતિ અને નિશ્ચિતતાથી બેઠો હતો.
યુવતીને ખૂબ આશ્ચર્ય થયું. આ તે કેવો યુવક ? બધાં જીવ બચાવવા માટે હવાતિયાં મારે છે, ત્યારે આ યુવકના પેટનું પાણીયે હાલતું નથી. યુવતી અકળાઈને બોલી ઊઠી :
'અરે ! તમે તો કેવા છો ? સામે મોત ઊભું છે અને તમારું તો રુંવાડુંયે ફરકતું નથી. જુઓ, બીજા લોકો પોતાના પ્રાણ બચાવવા માટે કેવું કેવું કરે છે.'
યુવક ઉત્તર આપવાને બદલે તલવાર કાઢીને ઊભો થઇ ગયો. તલવાર એણે યુવતીની ગરદન પર મૂકી અને બોલ્યો,
'બોલ ! હવે તારો જીવ પણ જોખમમાં જ છે ને ? ગળા પર તલવાર છે ને છતાં તને કેમ કંઇ થતું નથી ?'
યુવતી ખડખડાટ હસી પડી. એણે કહ્યું, 'તમે તો કેવી વાત કરો છો ? તમે મારા પ્રિયજન છો. તમારા હાથમાં તલવાર હોય, તેનાથી હું ડરું કઇ રીતે ? તેનો વળી ભય શો ?'
પ્રેમી યુવકે ઉત્તર આપ્યો, 'બસ, આવું જ મારું છે કે જ્યારથી મને પરમાત્માની ઝાંખી થઇ છે, ત્યારથી કોઈ પીડા કે આપત્તિ મને ડરાવી શક્તા નથી. પરમાત્મા જે કંઇ પરિસ્થિતિ સર્જે તેનો સ્વીકાર કરવો. નદીનો પ્રવાહ કેવો વહે છે ! જીવન નદીનાં પ્રવાસ જેવું છે. જેમ વહે તેમ વહેવા દેવું. પરમાત્મા જે કંઇ કરે, તે યોગ્ય જ કરે છે.
એના પર મને અસીમ શ્રદ્ધા છે અને એથી મને સહેજે ડર નથી. પ્રેમમાં વળી ભય કેવો ?'
શ્રદ્ધા અભય અર્પે છે અશ્રદ્ધા ભય જન્માવે છે. ભય સ્વસ્થતાને હરી લઈને માનવીને બેચેન બનાવે છે. માનવની અંદર રહેલું માયકાંગલાપણું બહાર કાઢે છે.
શ્રદ્ધામાંથી પ્રેમ અને સમર્પણ જન્મે છે. જે માનવીને છેક અભયને આરે અને આનંદના ઓવારે લઇ જાય છે.


