સંતને સંત મળે એટલે શબ્દ આથમી જાય છે!
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
એ ક વિરલ સંયોગ ઊભો થયો. દેશના બે મહાન મર્મી સંતોના મિલનની શક્યતા જાગી.
સંત કબીર તો સદા કાશીમાં વસતા હતા. એ કાશીની નજીકથી સંત ફરીદ પોતાના શિષ્યો સાથે પસાર થવાના હતા.
બંને સંતોના શિષ્યોને ઇચ્છા જાગી કે આ બે મહાન સંત મળે તો કેવી વિરલ ઘટના સર્જાય ! એમની એકબીજા સાથેની ચર્ચા સાંભળવા મળે તો કેવા ધન્ય થઈ જઈએ ! આથી ફરીદના શિષ્યોએ ગુરુને વિનંતી કરી, 'ચાલોને, સંત કબીરના આશ્રમમાં જઈએ, અને બે દિવસ વિશ્રામ કરીએ.'
આવી જ વાત સંત કબીરના શિષ્યોએ કબીરને કરી અને કહ્યું કે સંત ફરીદ આવે છે એમનો આપણે આદર-સત્કાર કરીએ, અને થોડો સમય આપણા આશ્રમમાં વ્યતીત કરવા વિનંતી કરીએ.
સંત કબીર શિષ્યોની વાત સ્વીકારીને ફરીદનો આદર-સત્કાર કરવા નીકળ્યા. સામે જ ફરીદની મંડળી મળી. કબીર અને ફરીદ એકબીજાને ભેટી પડયા.
કબીરના આશ્રમમાં એકબાજુ કબીર અને એમના સાથીઓ અને બીજી બાજુ ફરીદ અને એમના સાથીઓ બેઠા. બંનેના શિષ્યોને ભારે ઉત્કંઠા હતી કે ક્યારે આ મર્મી સંતોની જ્ઞાનચર્ચા ચાલે.
પણ આ શું ? કબીર અને ફરીદ સામસામે બેઠા. આંખોમાં આંખ પરોવી, પણ પછી કોઈ કશું બોલે નહીં.
સમય વીતતો ગયો તેમ તેમ શિષ્યોનો અજંપો વધતો ગયો.
થોડો સમય બંને એકબીજા સામે બેઠા અને વિદાય લીધી.
બપોરે બંને સંતો ફરી મળ્યા. શિષ્યોએ માન્યું કે કદાચ સવારે વાત કરવાની પહેલ કોણ કરે તેની પ્રતીક્ષામાં વાત નહીં થઈ હોય.
સવારે બન્યું હતું તેવું જ બપોરે થયું. બંને બેઠા. એકબીજાને જોયા, પણ એકેયના મુખમાંથી કોઈ શબ્દ સર્યો નહીં.
આવી નિ:શબ્દ બેઠકનો સીલસીલો ચાલુ રહ્યો. સાંજે બંને મળ્યા. એ પછી બીજે દિવસે પણ સવાર, બપોર અને સાંજે મળ્યા, પણ કોઈ વાતચીત નહીં.
ત્રીજે દિવસે ફરીદ એના શિષ્યો સાથે સંત કબીરની વિદાય લેવા આવ્યા. કબીરે વિદાય આપી.
બંને સંતોના શિષ્યો હેરાન-પરેશાન થઈ ગયા. બે-બે દિવસ સુધી રાહ જોઈ કે આ સંતો શબ્દ સમાગમ કરે, સત્સંગ કરે, પણ એવું કશું બન્યું નહીં. શિષ્યોની અકળામણનો પાર રહ્યો નહીં.
હકીકતમાં પરસ્પરના હૃદયને ઓળખનારને વિનિમય માટે ભાષાની જરૂર હોતી નથી. સંતને મળે ત્યારે શબ્દ આથમી જાય છે. જ્યાં હૃદય-હૃદય વચ્ચે વાતચીત ચાલતી હોય, ત્યાં અર્થ બતાવનારા શબ્દો શું કરી શકે ? જ્યાં આત્માનો આત્મા સાથે સંવાદ હોય ત્યાં શબ્દની દીવાલ ભેદાઈ જાય છે. કબીર અને ફરીદ બંનેને એકબીજાના અંતરની પહેચાન હતી પછી શબ્દોની ઓળખ શા કામની ?