- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
એ ક નામાંકિત ચિત્રકાર હતો. એવાં અદ્ભુત ચિત્ર બનાવતો કે જાણે હૂબહૂ જ લાગે.
એણે એક સુંદર પોટ્રેટ બનાવ્યું. એક ગરીબ માનવીનું એ ચિત્ર હતું. ભૂખથી એ રિબાતો હતો. પેટની આગથી એ ચીસ પાડી ઊઠતો હતો. એના ચહેરાની એકેએક લકીરમાં ગરીબીની ધગધગતી વેદના હતી. આબેહૂબ ચિત્ર બન્યું હતું. આ ચિત્ર જોવા એણે એના એક ડૉક્ટર મિત્રને બોલાવ્યો. એ પોતાનું નવીન સર્જન બતાવવા અને પ્રમાણવા ચાહતો હતો. ડૉક્ટર-મિત્ર આવ્યા અને ચિત્ર પર એમની નજર ચોંટી ગઈ. કેટલીય મિનિટો સુધી એ ચિત્ર જોતા જ રહ્યા, જોતા જ રહ્યા. ચિત્રમાં આલેખાયેલા માનવીની એકેએક રેખાને ડૉક્ટર ઝીણવટથી જોતા હતા.
ખુદ ચિત્રકાર પણ આશ્ચર્ય પામ્યો. એણે કલ્પના નહોતી કરી કે ડૉક્ટરને ચિત્રમાં આટલો બધો ઊંડો રસ પડશે. ચિત્રકાર અત્યંત ઝીણવટથી એ ચિત્રને જોતા ડૉક્ટરને કહ્યું, 'ઓહ ! મને તો ખબર જ નહોતી કે ચિત્રકલામાં તમને આટલી ઊંડી દિલચસ્પી છે. ક્યારનાય એકીટશે જુઓ છો. એની પ્રત્યેક રેખાનો કેટલી બધી બારીકાઈથી અભ્યાસ કરો છો !'
ડૉક્ટરે કહ્યું, 'અરે ! આમાં વળી ચિત્રકલાની વાત ક્યાંથી લાવ્યા ? આ ચિત્રમાં આલેખાયેલા માનવીને એપેન્ડિક્સનું દર્દ છે. એ દર્દની પીડા જ એના ચહેરા પર દેખાય છે.'
ચિત્રકાર ખામોશ બની ગયો.
ડૉક્ટરને દર્દ દેખાય તે સ્વાભાવિક હતું, કારણ કે એની નજર બીમારી પારખવા ટેવાયેલી હોય છે.
કવિને સૃષ્ટિમાં કાવ્ય દેખાય છે. તો વળી વૈજ્ઞાનિકને જુદું જ નજરે પડે છે. કોઈ સુંદર સ્થળેથી આવતો કવિ વાતાવરણ લઈને આવે છે. એ જ જગ્યાએથી આવતો વનસ્પતિશાસ્ત્રી વનસ્પતિના વર્ગીકરણને લઈને આવે છે.
માનવીની જેવી દ્રષ્ટિ હોય છે, એ જ પ્રમાણે એ સૃષ્ટિને જુએ છે. એની આંખની જે બારી ઊઘડી હોય છે એ જ બારીએથી બધું નિહાળે છે. જે તરફ એનું ધ્યાન હોય છે, એ જ એની નજરે પડે છે.
આમ બહાર જે દેખાય છે તે ખંડદર્શન છે. બહાર જે જોઈએ છે તે તો એક અંશ જ જોઈએ છીએ. બાહ્ય જગત એ આપણી મનોવૃત્તિનું પ્રતિબિંબ બની રહે છે.
ખરી નજર કરવાની છે ભીતરમાં. 'જેને અખંડદર્શન પામવું છે, એણે અંદર જોવું પડશે.'


