- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
મ હાનગરના મુખ્ય બજારમાં સોની અને લુહારની દુકાન સાવ પડખોપડખ હતી. સોની જ્યારે સુવર્ણ પર કોઇ આકારની ઘડાઈ કરતો હોય, ત્યારે એની દુકાનમાંથ હથોડીના ધીમા ધીમા અવાજો આવતા હતા. બાજુમાં જ રહેલી લુહારની દુકાનમાં જ્યારે લોઢું ટીપાતું હોય, ત્યારે હથોડાના કાન ફાડી નાખે તેવા અવાજો થતા હતા.
એક દિવસ એવું બન્યું કે સોનીની દુકાનમાંથી સુવર્ણનો એક નાનકડો ટુકડો લુહારની દુકાનમાં જઇને પડયો. અહીં એની મુલાકાત લુહારની દુકાનમાં પડેલા લોખંડના ટુકડા સાથે થઇ. સુવર્ણના ટુકડાએ લોખંડના ટુકડાને કહ્યું, 'કેમ છે તું ? કેવું છે તારું જીવન ?'
લોખંડના ટુકડાએ કહ્યું, 'મારું જીવન ? કહેને આપણું જીવન. આપણા ંબનેનું જીવન તો સમાન જ છે ને ! આપણું દુઃખ પણ ક્યાં જૂદું જૂદું છે?'
સુવર્ણનો ટુકડો સંમતિ આપતા બોલ્યો, 'સાચી વાત છે તારી. આપણને બંનેને ભડભડતી આગમાં નાખવામાં આવે છે. અગ્નિનો એ તાપ આપણે બંને સહન કરીએ છીએ. આખું શરીર ધગધગી જાય એટલા આપણને તપાવવામાં આવે છે.'
લોખંડના ટુકડાએ કહ્યું, 'અહીં પણ ક્યાં આપણી યાતના પૂરી થાય છે. એક બાજુ ભઠ્ઠીમાં સળગવાનું અને એ પછી હથોડીથી ટીપાવવાનું ય ખરું ને ?'
સુવર્ણના ટુકડાએ કહ્યું, 'સાવ સાચી વાત. મને સોની ટીપે અને તને લુહાર. હા, એટલો ફરક ખરો કે તારા કરતાં મારી વેદના ઓછી. સોની ખૂબ સંભાળીને મારા પર હથોડી ચલાવે, જ્યારે લુહાર તો આંખો મીંચીને તારા ઉપર હથોડા પર હથોડા મારે જ જાય.
મારા કરતાં તારું દુઃખ વધુ ભારે હોં !'
લોખંડના ટુકડાએ કહ્યું, 'આ તો થઇ બહારના દુઃખોની વાત. તપાવવું કે ટીપાવવું એ તો ખરું જ, પણ એનાથી ય બીજું મોટું અંતરનું દુઃખ મને વધુ કોરી ખાય છે.'
સોનાના ટુકડાએ પૂછ્યું, 'એવું તે કયું છે તારું અંતરનું દુઃખ ? કહે તો ખરો'
'જો, તને અને મને બંનેને ટીપવામાં આવે છે, પરંતુ તું જેનાથી ટીપાય છે તે લોખંડની હથોડી એ તારો સગો ભાઈ નથી. જ્યારે મને જે લોખંડના હથોડાથી ટીપવામાં આવે છે, એ તો મારો સગો ભાઈ છે. આનું દુઃખ હું કોને કહું ?'
સોનાના ટુકડાએ કહ્યું, 'સાચી વાત છે તારી. પારકાની અપેક્ષાએ પોતાના હોય તેમની ચોટ અસહ્ય લાગે છે !'
સાચે જ વ્યક્તિ એના જીવનમાં આઘાત-પ્રત્યાઘાત અનુભવતી હોય છે. એને અન્ય મનુષ્યો આઘાત આપતા હોય છે. એની સંવેદનાને ચોટ પહોંચાડતા હોય છે. એના હૃદયમાં પ્રપંચ, દગાબાજી, કૂથલી કે નિંદાથી પીડા પહોંચાડતા હોય છે. આમાં પણ વ્યક્તિને જ્યારે પોતાના નજીકના લોકો વેદના પહોંચાડે, ત્યારે ઘણો આઘાત લાગે છે. કાંટાથી તો લોકો જખમ પામે, પરંતુ અહીં તો ફૂલોથી જખમ પામે તેવું બનતું હોય છે.


