ધર્મની સમગ્ર વ્યાપકતામાં આંટો મારી આવવામા આ જનમ ટૂંકો પડે!
- દરેક યુગમાં દરેક સમાજમાં ખ્યાતનામ વ્યક્તિની ટીકા થઈ જ છે! ખ્યાતનામ માણસે ટીકા,નિંદા, કુથલી જેવી નકારાત્મક બાબતોથી ટેવાઈ જવું પડતું હોય છે
- ત્રિકોણનો ચોથો ખૂણો-ખલીલ ધનતેજવી
ત મારે રાતોરાત સમાજમાં જાણીતા થવું છે ? ખ્યાતનામ થવું છે ? કોઇ પણ માનવતાવાદી સંત, સર્જક કે સખીદાતાની વાસ્તવિક અને સ્વભાવિક વાતને આઘાતજનક મુદ્દો બનાવીને લાગણી દુભાયાનો આક્ષેપ એના પર મૂકી દો! સોશિયલ મિડિયાનો આ જમાનો છે એટલે તમારો મુદ્દો ગામના ચોરાચૌટા સુધી જ સીમિત ન રહેતા સોશિયલ મિડિયામાં વાયરલ થશે અને એ વાયરલ કરવા તમારા આઠદસ બૂડથલ મિત્રો તો હોય જ ! એ બધા બુડથલો પણ તમારી વાતને સમર્થન આપવા સોશિયલ મિડિયા પર તૂટી પડશે અને સોશિયલ મિડિયાના કારણે એ સમર્થકોના નામ પણ લોકોની નજરે ચડશે.
હુમલો કરવા માટે ખ્યાતનામ માણસને જ પકડવો. તો જ તમે જાણીતા થઇ શકો ! નામની દ્રષ્ટિએ તો ખ્યાતનામ માણસો જેટલા જાણીતા હોય છે એટલા જ જાણીતા કુખ્યાત લોકો પણ હોય છે. પણ એકને સન્માનિત દ્રષ્ટિએ અને એકને તિરસ્કૃત દ્રષ્ટિએ જોવામાં આવે છે. ગાંધીજી સાથે ગોડસેનું નામ પણ જાણીતું થયું જે લોકો ગાંધીજીને ઓળખે છે એ બધા ગોડસેના નામથી અજાણ નથી છતાં ગાંધીજીની ગરિમા સ્હેજ પણ ઓછી થઇ ખરી ? આવી મૂલ્યહિન મૂર્ખ ઘટનાઓ બુધ્ધિજીવીઓને પણ ધર્મસંકટમાં સંડોવી દેતી હોય છે. કારણ કે મૂર્ખાઓને સમાજમાં ખ્યાતનામ થવું છે.
વેપારધંધામાં હરિફાઇ હોય, સર્જકો અને સંતો વચ્ચેની હરિફાઇ નવાઇ ઉપજાવે છે. કારણ કે બાબત વિચારધારા પર નિર્ભય હોય છે. વિચારધારા અને દ્રષ્ટિકોણ દરેકના પોતાના આગવા હોય છે. બીજાની વિચારધારાથી પ્રભાવિત થનાર સર્જક પોતાની મૌલિકતા ગુમાવી દે છે. આ વાત હરિફાઇ સુધી કે તંદુરસ્ત હરિફાઇ સુધી જ સીમિત હોય તો એને આવકારવી જોઇએ. પણ હરિફાઇની આડમાં અદેખાઇ પરવરિશ પામતી હોય તો ક્યાંક કશુ અણગમતુ થવાની દહેશત રહે છે. સૌથી ગંદી હરિફાઇ રાજકારણમાં છે. રાજકારણમાં હરિફાઇ છે અદેખાઇ છે.
લૂચ્ચાઇ છે તે છેવટે હિંસક વિચારધારા પણ એમાં પોષાતી હોય છે ! આ બધા જોખમકારક તત્વો છે. એમાં ધર્મનો સમાવેશ વધુ ખતરનાક છે. રાજકારણની ટીકા કરનારે, ખાસ કરીને શાસકપક્ષની ટીકા કરનારે નોકરી ગુમાવવાની કે જેલમાં જવાની તૈયારી રાખવી પડે. એમાં મૃત્યુ પણ પડખે હોવાની સંભાવના છે ! ધર્મની ટીકા કરનારે સમાજના આખા એક વર્ગને પરેશાનીમાં નાંખી દેવાની તૈયારી રાખવી જોઇએ.
ખરેખર જોવા જઇએ તો કોઇ સમજુ માણસ ધર્મની ટીકા કરતો નથી. પણ એના અંગુલી નિર્દેશને ટીકાનું રૂપ આપીને તોફાન જગાવવાની કેટલાક લોકોની ખાસિયત હોય છે. અને એ બધુ અદેખાઇને કારણે જ થાય છે. લોકોમાં સહજ રીતે સ્વીકારવાની શક્તિ ઘટી ગઇ છે ! અને બધા જ પોતાની વાત સ્વીકારે એવી અપેક્ષા પણ રાખવી મુનાસિબ નથી ! દરેક આપણી વાત સાથે સંમત થાય એ જરૂરી નથી ! બધાને વિરોધ કરવાનો અધિકાર છે પણ એ વિરોધમાં વિવેકભાન જળવાવુ જોઇએ.
એ ન જળવાય તો સામેવાળાની ભૂલ કરતાં આપણી અભદ્રતા વધુ તિરસ્કૃત ગણાય. વિરોધ સહન થઇ શકે, અભદ્રતા સહન કરવાનું સહજ નથી. આપણે ત્યાં કોઇ વાતે વિરોધ ઊઠે છે તો કેટલાક લોકો સમજીને અને કેટલાક લોકો સમજ્યા વગર તૂટી પડે છે.
એક વંટોળ સર્જાય છે અને એ વંટોળ સોશિયલ મિડિયા પર વાયરલ થાય છે ત્યારે વાવાઝોડાનું રૂપ ધારણ કરે છે ! અને વાવાઝોડામાં વિવેક નથી હોતો એ ખરાબ સાથે સારી વસ્તુને પણ છિન્નભિન્ન કરી નાખે છે. વાવાઝોડુ વાર્તાલાપની ગુંજાઇશને પણ હણી નાખે છે! જયાં વાર્તાલાપથી વાત પતી જતી હોય ત્યાં હોબાળો મચી જાય છે ને એ હોબાળો સંવેદનશીલ વ્યક્તિની આંખમાં પાણી લાવી દે છે! એ પાણી અસ્વીકૃતિ કે વિરોધની આક્રમકતાના કારણે નહિ પણ વિરોધીઓની અભદ્રતાને કારણે આવી જતું હોય છે.
મારા સમાજમાં આવા અભદ્ર લોકો વસે છે? એ વિચારીને એની આંખમાં આંસુ આવી જાય છે! પણ એથી કશો ફેર પડતો નથી! સત્ય હમેશાં સત્ય રહે છે. અને સત્યવક્તાને આ ઝેરના ઘૂંટડા ભરવા જ પડતા હોય છે. સોક્રેટિસને પણ ઝેર પીવું પડયું હતુ. જો કે એને નીલકંઠ કહેવાની ધૃષ્ટતા કરી નથી. સોક્રેટિસ સાચું બોલ્યો હતો એ જ એનો વાંક. ઇશુને પણ શૂળીએ લટકાવી દેવાયા હતા. મહંમદ પયગમ્બરને હિજરત કરવી પડી હતી અને મહાત્મા ગાંધીની છાતીમાં એક સામટી ત્રણ ગોળીઓ ધરબી દેવામાં આવી હતી! આ બધી ઘટનાઓમાં રાજકારણ અને ધર્મની જ મધ્યસ્થતા રહેલી છે.
આમ તો માનવસમાજની દ્રષ્ટિએ દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે પરંતુ એ માટે ધર્મ અને રાજકારણના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. એમને ગમતું હોય તે બોલો એમને ગમતુ હોય એ લખો! અથવા અમે જે કહીએ તે બોલો અને એ જ લખો. સ્હેજ ઘસાતું બોલ્યા કે લખ્યું તો વેઠી લેવાની તૈયારી પણ રાખવી જોઇએ. આપણામાં ધર્મનું જ્ઞાાન કેટલું છે? ધર્મ વિશે આપણે કેટલું જાણીએ છીએ? ધર્મ વિશાળ ક્ષેત્ર છે. ધર્મની પૂરેપૂરી વ્યાપકતામાં આંટોમારી આવવા માટે આપણને આ જનમ ટૂંકો પડે!
ધર્મ અને રાજકારણમાં અણઘડ અને અભદ્ર લોકોની સંખ્યા વધી ગઇ છે અને પ્રતિદિન વધતી જ રહે છે. ધર્મ અને રાજકારણ એક પ્રકારનો મધપૂડો છે. મધપૂડામાં સ્હેજ સળી કરો તો મધપૂડામાંથી હજારો માખીઓ વછૂટે છે ને સેંકડોને બચકાં ભરી જાય છે. ધર્મ અને રાજકારણનો ડંખ પણ મધમાખીના ડંખ જેવો અસહ્ય હોય છે. ધર્મ અને રાજકારણની બાબતમાં સમજી વિચારીને બોલવું જોઇએ અથવા તો બોલવું જ ન જોઇએ.
તો શું આદેશમાં પ્રસરતી જતી અનૈતિકતાને રોકવા કશું જ ન કરવું? કોઇને તો બોલવું પડશેને ? કોણ બોલશે? આપણામાંથી જ કોઇએ બોલવું પડશે. પણ એ માટે નૈતિક રીતે આપણે નિર્ણય કરી લેવો પડે કે આપણે જે બોલ્યા તે સત્ય હોય તો એ વિશે ખુલાસો આપવાની જરૂર નથી. વિરોધીઓને જવાબ આપવા આપણે બંધાયેલા નથી! સોશિયલ મિડિયાનો જમાનો છે. એકને જવાબ આપશું તો સામે સત્તર પ્રશ્નો વછૂટશે અને વાયરલ થશે ! એના કરતાં જવાબ ન આપવો ! જવાબો આપીને કે સામેવાળાને ખુલાસા આપીને ટાઢો પાડવામાં સમય અને શક્તિ વેડફાય છે છતાં એ ટાઢો પડતો નથી.
એમના પ્રશ્નોની અવગણના કરી મૌન રહેવું જ ઉચિત છે. એમના પ્રશ્નોની અવગણ ના કરો ! એ અવગણના જ એમને ટાઢા પાડી દેશે. એ દરમ્યાન એમના તરફથી વંટોળને વાવાઝોડું બનાવવાના પ્રયાસો જારી રહેશે ! પરંતુ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી અત્યાર સુધી એવું કોઈ વાવાઝોડું આવ્યું ન હોય જે શમી ગયું ન હોય ! આપણી સામેનું વાવાઝોડું પણ શમી જશે એવી ખાતરી રાખીને આપણે આપણું કામ કર્યા કરવાનું !
થોડાક ટીકાકારો તો હોવા જ જોઈએ. ના હોય તો ક્યાંકથી ઊભા કરી લેવાના ! આપણી ખ્યાતિ સામેવાળાથી જીરવાતી ન હોય ત્યાં સુધી તો એ સામાન્ય બાબત છે. પરંતુ આપણી ખ્યાતિ ખુદ આપણે જીરવી ન શકીએ તો સમજી લેવાનું કે આપણામાંના માણસનું મૃત્યુ થઈ ગયું છે.