Get The App

કેટલાક ચોમાસુ માણશે, કેટલાકને વેઠવું પડશે

- ત્રિકોણનો ચોથો ખૂણો- ખલીલ ધનતેજવી

- ચોમાસું હોય કે, શિયાળો હોય કે ઉનાળો હોય એ ત્રણે ઋતુઓ શહેરીજનો માટે ઉજવવાની અને ભરપૂર માણવાની ઋતુઓ હોય છે

Updated: Jul 14th, 2020

GS TEAM

Google News
Google News
કેટલાક ચોમાસુ માણશે, કેટલાકને વેઠવું પડશે 1 - image


ગા જતું  ને ગરજતું, ને ધોમધકતા તડકાને કચકચાવીને ભીંજવી નાખતું ચોમાસું એની સમગ્ર લાક્ષણિકતા સાથે ચહેરા પર બુકાની બાંધ્યા વગર આવી ગયું છે  !   હવે આ ચોમાસાના ચહેરે બુકાની કોણ બાંધશે ? કે પછી ચોમાસુ કોરોનાને બુકાની પહેરાવશે ? પણ કોરોનાને  ચહેરો જ  ક્યાં છે ? વગર બુકાનીએ પણ એનો ચહેરો દેખાતો નથી જ એટલે જ આજ સુધી કોઈ એને ઓળખી શક્યું ં નથી ! કોરોનાને ભગાડવા બધા રાજા દશરથની જેમ અંધારામાં જ તીર છોડયા કરે છે અને નિર્દોષ શ્રવણો વીંધાયા કરે છે !  ચોમાસા પાસે કોરોનાને વીંધી નાંખે એવું તીર હશે ખરું ? ચોમાસાની ખાસિયત તો જમીનને ફળદ્રુપ બનાવે છે.

એ કોરોનાનો નાશ કરવાને બદલે એને વધુ ફળદ્રુપ નહિ બનાવે એની શી ખાતરી ? ઉનાળાનો ધકધકતો  તડકો કોરોનાને ઓગાળી નાખશે એવી આશા રાખી હતી તે સાવ  ઠગારી નીવડી ! ઉલટાનું ઉનાળાના તડકાએ એને છંછેડયો અને  એ તો વધુ મસ્તીમાં આવી ગયો ! ડાકણની જેમ ધૂણવા મંડી પડયું ! હવે ચોમાસા પાસે સૌને અપેક્ષા છે કે, વરસાદમાં કોરોના પલળીને  લોચો થઈ જશે. હવે શી  ખબર કે ચોમાસાનો વરસાદ કોરોનાને તાણી જશે કે ભીંજવીને વધુ ફળદ્રુપ બનાવશે, એ વિશે કંઈ કહેવાય નહિ ! ઉનાળાની જેમ  ચોમાસું ય છેતરી જાય તો શું કરીશું ? કરી પણ શું શકવાના હતા ? 

કેટલાક લોકોને વરસાદમાં પલળવાની મઝા આવે છે. એમને વરસાદમાં પલળવું  પણ એક પ્રકારની ઊજાણી હોય છે. પિકનિક હોય છે. કેટલાક લોકો બારેમાસ વરસાદમાં પલળવાના એહસાસને જીવતો રાખવા બાથરૂમમાં સાવર નીચે જ નહાતા હોય છે ! ચોમાસું એટલે તનમન સાથે ભીંજાવાની  મોસમ પણ કેટલાક લોકો એ મોસમને પૂરેપૂરી માણી શકતા નથી. એમનાં તન ભીંજાય છે અને મન કોરૂં રહે છે. ગમે તે રીતે વરસાદમાં ભીંજાવાની નવાઈ માત્ર શહેરી લોકોને જ  હોય છે. ગામડાના લોકોને વરસાદમાં પલળવાની નવાઈ નથી હોતી.

ગામના માણસને તો ખેતરમાં વરસતા વરસાદમાં જ કામ કરવાનું હોય છે. આખે આખો પલળી જાય છે.  ખેતરમાં કપડાં પણ ક્યાં બદલે ? કપડાં નીચોવી પણ શકતો નથી. કપડાં આપમેળે નીચોવાઈ જવાને બદલે નીતરી જતા હોય  છે  અને વાયરાના જોરે શરીર પર જ સૂકાઈ જતા હોય છે. ખેડૂતને આવા પ્રયોગમાંથી દિવસમાં એકવાર નહિ બબ્બે ત્રણ ત્રણ વાર પસાર થવું પડે છે. બબ્બે ત્રણ ત્રણ વાર પલળવું અને બબ્બે ત્રણ ત્રણ વાર નીતરી નીતરીને સૂકાઈ જવાનું થાય છે.

ચોમાસું હોય કે, શિયાળો હોય કે ઉનાળો હોય એ ત્રણે ઋતુઓ શહેરીજનો માટે ઉજવવાની અને ભરપૂર માણવાની ઋતુઓ હોય છે. જ્યારે ખેડૂત માટે  એ ત્રણે ઋતુઓ માણવા નહિ,  વેઠવાની હોય છે. પણ એ ત્રણે ઋતુઓ ખેતીલાયક હોવાથી એ વેઠી લેવામાં જ આનંદ અનુભવે છે ! વરસાદ પડે ત્યારે શહેરીજનો પલળી જવાની બીકે દોડીને  છજ્જાની નીચે કે છત નીચે ભરાઇ જતા હોય છે. જ્યારે ખેડૂત માટે તો  વરસાદમાં પલળવું, એ જ એનું કર્તવ્ય હોય છે !  ખેડૂતને છત્રી લઇને ખેતરમાં જવું પરવડે નહિ !  શહેરીજનો છત્રી  લીધા વગર કે રેઇનકોટ પહેર્યા વગર બહાર નીકળે નહી !  મુંબઇમાં તો આખું ચોમાસુ ગલીએ ગલીએ છત્રીઓનો મેળો ભરાતો હોય છે.  પહેલા માળની ગેલેરીમાં ઊભા રહી તમે નીચે જુઓ તો તમને સડક ન દેખાય, માણસો જ દેખાય, છત્રીઓની નાની નાની ઢગલીઓ એકબીજાને અડીને યંત્રવત સરકતી દેખાય !   શિયાળો એટલે શહેરીજનો માટે સ્વેટર અને સૂટ સહિત પૂરેપૂરા વસ્ત્રો પહેરીને મહાલવાની મોસમ, શિયાળો ખેડૂત માટે ધુ્રજી ધુ્રજીને શરીરની નસો તોડવાની મોસમ !  કડકડતી ઠંડીમાં વહેલી સવારે ખેતરમાં કામે વળગવાનું અથવા જુવારનાં ખેતરમાં ચકલા ઉડાડવાનું કામ કરવું પડે. પણ શિયાળામાં ફસલ પાડવાનો આનંદ ખેડૂતને  આ બધું  વેઠી લેવાની શક્તિ પુરી પાડે છે ! ઉનાળો શહેરીજનો માટે એરકન્ડિશન રૂમમાં બેસીને આઇસક્રીમ ખાવાની અને હિલસ્ટેશન પર જઇને જલસા કરવાની મોસમ !  ખેડૂૂતો માટે ઉનાળામા માદરપાટ જેવા તડકામાં છીદ્રો પાડવાની મથામણમાં જ પરસેવે રેબઝેબ થઇ અધમૂવા  થઇ જવાની મોસમ !  

આ બધુ અત્યારે એટલા માટે કહેવું પડે છે કે ગાંધીજીએ ભારતના સાત લાખ ગામડાનું ધ્યાન રાખવાનું ફરમાન કર્યુ હતું. આજે ગાંધીજીના એ ફરમાનની ભારોભાર અવગણાના થઇ છે. ગાંધીજીની દ્રષ્ટિમાં ગામડાનું મહત્વ એટલા માટે હતું કે ભારતમાં સૌથી પ્રથમ કોઇ  ઉદ્યોગની સ્થાપના થઇ એ ઉદ્યોગ એટલે ખેતી !  અને એ સૌપ્રથમ ઉદ્યોગની સ્થાપના કરનાર ભારતનો સૌથી પહેલો ઉદ્યોગપતિ ખેડૂત !  ને એને કારણે  ભારતની ઓળખ ખેતીપ્રધાન દેશ તરીકે થઇ હતી !  આજે  એ ખેતીપ્રધાન દેશનું મલ્ટી પરપઝ ઔદ્યોગિકકરણ થઇ ગયું છે. ત્યારે ભારતના એ પ્રથમ ઉદ્યોગને ભૂલી જવામાં આવ્યો છે અને પ્રથમ ઉદ્યોગપતિ ખેડૂત આજે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે.  જગતનો તાત ગણાતો ખેડૂત આજે જગતમાં ઓશિયાળો થઇને તદ્દન નિઃસહાયતામાં જીવી રહ્યો છે !  એની આ સ્થિતિમાં એને મદદરૂપ થવાને બદલે એની નિઃસહાયતાનો લાભ લઇને ઔદ્યોગિકકરણે પૈસાની લાલચ આપીને એના ખેતરો પડાવી લીધા છે. બસો પાંચસો રૂપિયા માટે ફાંફા મારતા ખેડૂત આગળ  લાખો રૂપિયા ધરી દેતાં ખેડૂતનાં મોઢામાં  પાણી જાય એ સ્વાભાવિક હતું. એણે જીવતરના આધારસમ ખેતરને હસતે મોઢે વેચી દીધું. નિઃસહાયતાથી વાજ આવી ગયેલો માણસ બીજું કરી પણ શું શકે?

આ દેશ આઝાદ થયો ત્યારે પ્રજાને પણ આઝાદી મળી. અનેક પ્રકારની સ્વતંત્રતાનો અધિકાર દરેકને પ્રાપ્ત થયો પણ ખેડૂત એ અધિકારથી આજે પણ વંચિત છે! દરેક પ્રકારના ઉદ્યોગો પોતાના ઉત્પાદન વિશે દરેક વસ્તુનો ઉત્પાદન ખર્ચ ધ્યાનમાં રાખીને કિંમત નક્કી કરે છે. પરંતુ ખેડૂતને પોતાના ઉત્પાદનની કિંમત આંકવાનો અધિકાર પ્રાપ્ત થયો નથી. ખેડૂત તો વેપારી જે ભાવ નક્કી કરે એ ભાવે વેપારીને માલવેચી મારે છે ત્યારે એના ઉત્પાદન ખર્ચને ગણકારવામાં આવતું નથી પરિણામે ક્યારેક તો એના ઉત્પાદનખર્ચ કરતાં પણ ઓછી કિંમતમાં માલ વેચાઇ જાય છે. આ સ્થિતિમાં ખેડૂતને કયારેક ગુસ્સો આવે છે ત્યારે ગાડાં ભરીભરીને ટામેટા રોડ પર ફેંકી મારે છે. ખેડૂતનો ગુસ્સો મંકોડા જેવો હોય છે. મંકોડાને રીસ ચડે છે ત્યારે વાંકો વળીને પોતાના જ પૂંછડે બચકું ભરે છે એમ ખેડૂતને પણ રીસ ચડે છે ત્યારે પોતાનું જ ઉત્પાદન આ રીતે વેડફી મારે છે. આજે બધા જ ક્ષેત્રે મોંઘવારી વધી ગઇ છે અને 

વધતી જ રહી છે. દરેક વસ્તુ મોંઘી થઇ છે. પણ પ્રજાને મોંઘવારી માત્ર ખેડૂતના ઉત્પાદન પર જ દેખાય છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ તો દર આંતરે દા'ડે વધે છે. દરેક પ્રકારના નાહવાનાં સાબુનો ભાવ સો ગણો વધી ગયો છે. બ્રાન્ડેડ વસ્ત્રો મોંઘા થયા છે. ઠંડા પીણાઓ મોંઘા થયા છે. એવી અન્ય ઉદ્યોગની દરેક વસ્તુના ભાવ ઘણા વધી ગયા છે. છતાં એ અંગે કોઇ કશું બોલતું નથી! શાકભાજી પર  ભાવ વધે તો બૂમરાણ 

મચી જાય છે. ડુંગળી ટામેટાનો એક રૂપિયો ભાવ વધી જાય તો કાગારોળ 

મચી જાય છે. દૂધ મોંઘુ થાય છે તો અખબારોમાં પણ એની ટીકા થવા માંડે છે. બજારની મોંઘવારીમાં તો ખેડૂતની એક ખેતરની આવક જૂતાં ખરીદવામાં જ ચાલી જાય છે તોય બીચારો એ કશું બોલે છે? બોલે તો એનું કોણ સાંભળે? ખેડૂતને પોતાની મરજી મુજબના અથવા પોતાને પોષાય એ મુજબની કિંમત નક્કી કરવાનો અધિકાર મળે એવી કોઇ જોગવાઇ છે કોઇની પાસે? 

ગરીબી, બેકારી અને મોંઘવારી આ ત્રણ બાબત તો આપણે દેશને લમણે લખાવીને જ આવ્યા છીએ. પણ એ અંગે માત્ર ખેત ઉત્પાદનને જ  જવાબદાર ગણવો એ વાજબી નથી. અને હવે આ કોરોના પ્રસર્યો છે. એના કારણે લોકડાઉનમાં ભારતનો તમામ કારોબાર નષ્ટ થઇ ગયો નોકરીઓ છૂટી ગઇ, ધંધા બંધ થઇ ગયા, આર્થિક પરિસ્થિતિ સાવ કંગાળ થઇ ગઇ છે. હવે આ અનલોકમાં બજારો ખુલી ગયા પરંતુ કોરોનાની ધાકે લોકોએ ઘરની બહાર નીકળવાનું બંધ કર્યું હોવાથી બજારમાં ઘરાકી પણ સાવ પાંખી થઇ ગઇ છે. મજુરો અને કારીગરોના અભાવે ફેક્ટરીઓ પણ હજી ચાલુ થઇ શકી નથી. આ સ્થિતિમાં બેકારી વધશે, ગરીબી વધશે અને મોંઘવારી પણ વધશે. એ માટે માત્ર ખેડૂતને જ દોષિત ઠેરવવો કે ખેડૂતને જ સૌથી વધુ નુકશાન વેઠવું પડે એ યોગ્ય નથી.

વાહ કયા બાત હૈ

રાતના આંસુ છે ઝાકળ નથી,

સૂર્ય સામેની કશી ચળવળ નથી!

Tags :