ફુટપાથ પર પાણીપૂરી ખાવાની ઇચ્છા પૂરી ન કરી શકતો માણસ ગરીબ કહેવાય !
ત્રિકોણનો ચોથો ખૂણો - ખલીલ ધનતેજવી
તમે ફુટપાથ પર ચાલી શકો છો, પાણીપુરી ખાઇ શકો છો, લીંબુપાણી પી શકો છો એ જલસા કંઇ ઓછા છે? આ રીતે જલસા કરો અને આનંદથી જીવતા શીખી લો તો કોઇની સામે તમારી આવક ગણાવવાની જરૂર પડે નહિ!
આપણી ભાષામાં એક અદભૂત ઉક્તિ છે - 'અધૂરા ઘડા છલકાય!' આ ઉક્તિ સમજદાર થયો ત્યારથી સાંભળતો આવ્યો છું. પણ એ વિશે મને જાતઅનુભવ નહોતો એટલે અધૂરા ઘડા છલકાતા જોયા નહિ ! અધૂરા ઘડા કેમ છલકાય એ વિશે પણ હું અજાણ રહ્યો. મારા માટે સાવઅજાણ્યા એવા એ ઘડાએ અન્ય સ્વરૂપે મને પ્રતીતિ કરાવી અને એ અધૂરો ઘડાએ માનવરૂપ ધારણ કરીને મારી સામે આવી મને ચોંકાવ્યો !
અધૂરા ઘડાને છલકાતા જોવાની મારી જિજ્ઞાાસાએ અધૂરા માણસને છલકાઇ જતો જોયો. એટલે માત્ર અધૂરા ઘડા જ છલકાય છે એવું નથી. અધૂરા માણસો પણ છલકાતા હોય છે ! એમની છાલકોથી એ પોતે જ ભીંજાતા હોય છે. એની આ કુટેવને જાણનાર એની આસપાસના માણસોના ચહેરા પરના હાવભાવમાં ચપટીક ભેજ પણ વર્તાતો નથી !
એમનો શુષ્ક પ્રતિભાવ જોઇને એની ભીનાશ ઊડી જાય છે અને એ તરત જ કોરોકટ થઇ જાય છે. પછી એ ત્યાં બેસી પણ શકતો નથી. એ કોઇ બીજી ટોળીમાં જઇને બેસી જાય છે ! લોકોના પ્રતિભાવનાં કઠારાઘાતની કળ વળી ન હોવાથી બીજી ટોળીમાં જઇને એ ચુપચાપ બેસે છે ! એને ખબર છે કે એ અધૂરો ઘડો છે ! એ વાત બીજા લોકો ન જાણે એટલા માટે તો એ બાર કરોડ છપ્પન લાખનો આસામી હોવાનો દેખાવ કરે છે પણ આંતરિક અવસ્થામાં નકરી કંગાલિયતનું સામ્રાજ્ય વ્યાપ્યુ હોય છે !
આ કોઇ એકલદોકલની વાત નથી ! આવા લોકોની એક આખી જમાત છે જે એક એકથી ચડિયાતી વાતો કરવા જ ટેવાઇ ગયેલી., દરેક પોતપોતાની આવકના સ્ત્રોત ગણી બતાવે છે. આમાંથી મને આટલા મળે છે ને આમાંથી આટલા મળે છે. એટલે કે કુલ આટલા મળે છે. આને જ કદાચ છલકાઇ જવાનું કહેવાતું હશે ! તું કેટલા કમાય છે એવું આપણે પૂછ્યું ન હોય છતાં આપણી પાસે આવીને એની આવક ગણાવી બેસી જાય છે !
પોતે કેટલું કમાય છે, એ નાના માણસને જ શા માટે પુરવાર કરવું પડતું હશે ? કારણ કે એની બાહ્ય વાતોમાં અને આંતરિક અવસ્થા વચ્ચે જે ભેદ છે એ ભેદ એને પરેશાન કરતો હોય છે ! આમ જોઇએ તો આ પરેશાનીનો કોઇ ઇલાજ નથી અને આમ એ સાવ સહેલી છે ! બહારની ભ્રામકતાને દૂર કરી વાણી અને વર્તનમાં આંતરિક વાસ્તવિકતાની આંગળી ઝાલીને ચાલવું જોઇએ ! જેવા હોઇએ એવા જ દેખાઇએ તો લઘુગ્રંથિની પીડા વેઠવી ના પડે !
આની સમાન્તરે કરોડો - અબજોપતિની દુનિયામાં જીવતા અને અબજો રૂપિયાનો કારોબાર કરતા લોકોની દુનિયા છે. એ લોકો પાસે તમે બેસો, તો તમારી સાથે એ ધર્મથી લઈને રાજકારણ સુધીની તમામ સામાજિક વાતો કરશે. પણ પોતાના કારોબાર વિશે અથવા પોતાની કમાણી વિશે એક શબ્દ પણ ઉચ્ચારે નહિ ! આવી એકાદ બેઠક નહિ, પાંચ પાંચ દસ દસ વર્ષ સુધી એમની સાથે તમારે ઉઠવા બેસવાનો વહેવાર હોય તો પણ કદાચ એમના કારોબારની એકાદ કિનારી જોવા મળે પણ કમાણી જાણવા ન મળે ! કારણ કે પોતે ધનવાન છે એવું પુરવાર કરવાની એમને જરૂર નથી !
સમગ્ર વિશ્વ અમીર- ગરીબ પર નથી ટક્યું, માણસ પર ટક્યું છે ! અમીર પણ માણસ છે ને ગરીબ પણ માણસ છે. આ રીતે બંને સરખા છે ! બંનેમાંથી કોઈને પણ માણસ હોવા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવું પડતું નથી ! માણસ હોવું જ મહત્વનું છે. અને માણસ માટે ધનદોલતનું નહિ, માણસાઈનું મહત્વ છે ! માણસાઈથી માણસ શોભે છે. અને માણસથી વિશ્વ શોભે છે ! આપણે ગરીબ છીએ કે અમીર છીએ, એ મહત્વનું નથી. આપણે માણસ છીએ એજ મહત્વનું છે. અને જો માણસ હોવું જ પૂરતું હોય તો એ માણસ અદૂરો ઘડો શી રીતે ગણાય ?
આપણા દેશમાં ઓગણીસ કરોડ લોકોને બે ટંક ખાવાનું નથી મળતું ! એ પણ માણસ જ છે ને? એ કંગાલ માણસ સમગ્ર વિશ્વનો ભાર વેઠે છે પણ એનો ભાર વિશ્વથી વેઠાતો નથી ! એની શરણાગતિ પણ કોઈનાથી વેઠાતી નથી, તમે માણસ છો ! અને માણસને જીવવા માટે શું જોઈએ ? કોઈ એક સીધા સાદા માણસને પોતે સારું એવું કમાય છે. એ પુરવાર કરવા એને પોતાની કમાણીનાં સોર્સીસ ગણી બતાવવા લાચાર થવું પડે, એ માટે આપણે સૌ જવાબદાર છીએ ! કારણ કે માણસને અમીરી-ગરીબીનાં ત્રાજવે તોલવાની ભયંકર કુટેવ આપણને પડી ગઈ છે. અમીરી- ગરીબીના આધારે માણસનું મૂલ્યાંકન થતું હોવાને કારણે ગરીબને પણ પૈસા પાત્ર હોવાનો દેખાવ કરવો પડે છે !
ગરીબ પ્રત્યે એક પ્રકારની છોછ રાખવામાં આવે છે ! ગરીબની માણસ તરીકે ઈજજત કરવાનો વિવેક આપણે ગુમાવી બેઠા છીએ. ગરીબ એટલે જૂઠ્ઠો, લૂચ્ચો , અને ચોર હોવાની માન્યતાનો આપણે દ્રઢતાપૂર્વક માવજત કરતાં રહી છીએ ! આ પ્રકારની માન્યતાએ એક એવી કઢંગી સ્થિતિનું નિર્માણ કર્યું છે કે સમાજમાં તમને કોઈ માણસ જડે જ નહિ ! તમે શોધવા જાવ તો ગરીબ મળશે, અમીર મળશે, હિન્દુ મળશે, મુસ્લિમ મળશે પણ માણસ ક્યાંય મળશે નહિ ! માણસને પોતે જ હવે માણસ હોવાની શરમ લાગવા માંડી છે ! માણસ ન હોય ત્યાં માણસાઈ- ઈન્સાનિયત પણ ક્યાંથી હોય ? અને જ્યાં માણસાઈ ના હોય ત્યાં નિષ્ઠા અને પ્રામાણિકતાનો દુષ્કાળ જ હોય! એવા જ દુષ્કાળમાંથી આપણે પસાર થઇ રહ્યા છીએ! આપણી સામાજિકતા, આપણી આધ્યાત્મિકતા અને આપણો રાષ્ટ્રપ્રેમ પણ એ દુષ્કાળનાં ભોગ બન્યા છે!
ગરીબ માણસ ગરીબીની માન્યતામાંથી બહાર આવીને ખમીરવંતો બની શકે છે. એ ખમીરવંતો છે જ! ગરીબ છે પણ પોતાની મહેનતનો રોટલો ખાય છે. હું સુખી માણસ છું એવી માનસિકતા એણે પોતાની જાત માટે કેળવી લેવી પડે! તમને ખરીદી કરવામાં ચાર દુકાને ફરવાનો અને ભાવતાલ માટે બાર્ગેઇન કરવાનો સંકોચ નડતો નથી. તમને ફુટપાથ પર ઊભા રહી પાણીપૂરી ઝાપટતાં સંકોચ થતો નથી! ધીરૂભાઇ અંબાણી પાનના ગલ્લે બેસીને ગપ્પાં મારી શકતા હતા. ફુટપાથની ધારે ઊભેલી લારીવાળા પાસેથી લીંબુપાણીનો આખો ગ્લાસ ગટગટાવીને શેરમાર્કેટ તરફ ઝોલો હલાવતા ચાલવા માંડતા હતા! એ એમના સંતાનોને અઢળક સંપત્તિ તો આપી શક્યા પણ ફુટપાથ પર ઊભા ઊભા લીંબુપાણી પીવાનું સુખ એ પોતાના સંતાનોને આપી શક્યા નથી.
આજે એમનો દીકરો વિમાન ખરીદી શકે છે પરંતુ ફુટપાથ ઊભા રહીને પાણીપૂરી ખાવાની ઇચ્છા પૂરી કરી શકતો નથી! તમને વિમાન ખરીદવાની ઇચ્છા થતી નથી એટલે ઇચ્છા પૂરી કરવાના અભરખા તમને પજવતા નથી! જ્યારે મૂકેશ અંબાણી ફુટપાથ પર પાણીપૂરી ખાવાની પોતાની ઇચ્છા પણ પૂરી કરી શકતા ન હોય તો સુખી માણસ કોને કહેવો? તમે ફૂટપાથ પર ચાલો છો ત્યારે ચાલવા સાથે મહાલવાનું સુખ પણ તમને પ્રાપ્ત થતું હોય છે! એ લોકો પણ એમની દુનિયામાં માલતા હોય છે પરંતુ તમારી જેમ બિનધાસ્ત રીતે મહાલી શકતા નથી. એમણે પહેરેલા મૂલ્યવાન સૂટની ઇસ્ત્રી ન તૂટી જાય એનો એમને ખ્યાલ રાખવો પડતો હોય છે! અને એ ખ્યાલ જ એમના આનંદમાં વિક્ષેપ બને છે! તમે ફુટપાથ પર ચાલી શકો છો, પાણીપુરી ખાઇ શકો છો, લીંબુપાણી પી શકો છો એ જલસા કંઇ ઓછા છે? આ રીતે જલસા કરો અને આનંદથી જીવતા શીખી લો તો કોઇની સામે તમારી આવક ગણાવવાની જરૂર પડે નહિ! પૈસાનું મહત્વ છે પણ પૈસાદાર હોવું જરૂરી નથી. આપણા વહેવાર- તહેવાર અને પ્રસંગો સચવાઇ જતા હોય તો દુઃખી થવાની શી જરૂર છે? ઝુપડપટ્ટીમાં પણ ડીજે વગાડી શકાતું હોય તો એનાથી અદકેરો આનંદ બીજો શો હોઇ શકે? અમીરી ગરીબીના લેખાજોખાં કરવાને બદલે તમે જે સ્થિતિમાં હો એ સ્થિતિમાં આનંદથી જીવોને યાર!
ઘણી ખામીઓ મારામાં છે,
કોનામાં નથી હોતી,
સુગંધ ફૂલોની સૌ સરખી બગીચામાં નથી હોતી!