રૂઢિ અને રૂઢિપ્રયોગોથી સમૃદ્ધ એવી યોદ્ધાઓની ભાષા ડોગરી..
- અક્ષરનો અજવાસ - જયેન્દ્રસિંહ જાદવ
ભા રતના મુકુટમણિ એવા જમ્મુ પ્રાંત માંરાવી અને ચીનાબ નદીનાં પટમાં બોલાતી ભાષા તે ડોગરી. અગિયારમી સદીનાં તામ્રપત્રોમાં મળતાં 'દુર્ગર' શબ્દ સાથે ડોગરીને સીધો સંબંધ છે. આ દુગ્ગરમાં ઉધમપુર, રામનગર, ચમ્બા, ધરમશાળા અને કુલ્લુત કાંગરા, બસોહલી, નૂરપુર, સામ્બા, જમ્મુ અને અખનૂર તથા ગુરુદાસપુરત પઠાણકોટ અને હોશિયારપુર વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાંની પાંત્રીસ બોલીઓમાં મુખ્ય બોલીઓ તે ડોગરી ને કાંગરી. જમ્મુ-કાશ્મીરના ડોગરાસમુદાય દ્વારા બોલાય તેને 'ડોગરી' ને હિમાચલ પ્રદેશના ડોગરાસમુદાય દ્વારા બોલાય તે 'પહાડી'. ડોગરી ભાષા બોલવાવાળા લોકોને ડોગરા કહેવાય છે અને તે પ્રદેશને ડુગ્ગર પ્રદેશ કહેવાય છે. ડોગરીનો ઉલ્લેખ તેરમી સદીથી મળે છે. અમીર ખુસરોએ જે ભારતીય ભાષાઓની સૂચિ આપી છે તેમાં ડોગરીનો ઉલ્લેખ જોવા મળે છે. વૈજ્ઞાાનિકતા, પ્રાચીનતા અને ભાષા સાહિત્યની સમૃદ્ધીની દ્રષ્ટિએ ડોગરી ઉત્તર ભારતની ભાષાઓમાં પ્રથમ ક્રમે આવે છે. આ ભાષામાં ખૂબ મોટા પ્રમાણમાં લોક સાહિત્ય છે. તેનું એક કારણ એ છે કે સામંત યુગમાં અહીના કવિઓએ પોતાની રચનાઓને નામ આપ્યા વગર સમાજની વચ્ચે વહાવી દીધી. જે કાળક્રમે લોકસાહિત્ય તરીકે ઓળખાઈ. ડોગરી લોકગીતોમાં બિહાઈ (વિવાહગીતો), લોરીઓ (હાલરડાં), થાલ, નરાંતે (નવરાત્રિગીતો), ગોપાલકૃષ્ણનું લીલાગાન રજૂ કરતા ગુજરી તથા દેવદેવીઓની આરતીઓના પ્રકારો મળે છે. વળી ડોગરીમાં હિન્દી ભજન જેવાં બિસનપતા અને છિન્જાન, રિત્તડી તેમજ ઢોલરું જેવાં ઋતુઓને અનુલક્ષીને ગવાતાં ગીતો અને ફુલ્લુની દશેરાના મેળાઓને લગતાં ઉત્સવગીતો મળે છે. વાવણીઋલણણી વગેરે વેળાએ ગવાતાં સ્વાડી નામનાં ગીતો અને લાકડાં લઈ જતાં ગવાતાંલાડ્ડી ગીતો પણ ઉલ્લેખનીય છે. આ ગીતો સાથે કુડ્ડ, ફૂમની ને ભાંગરા જેવાં નૃત્યો પણ સંકળાયેલાં છે. લગ્નવેળાએ વરપક્ષે 'ઘોડી'તો કન્યાપક્ષે'સુહાગ' ઉપરાંત 'બોલી', 'સિહાની' અને 'છન્દ' પણ ગવાય છે. ડોગરીના પાંચ હજારથી વધુ લોકગીતો પ્રકાશિત થઇ ચૂક્યા છે. લોકસાહિત્યના વિદ્વાનો કહે છે કે ડોગરીના માત્ર દસ ટકા જેટલા જ લોક સાહિત્યનું હજુ સંપાદન થયું છે. ડોગરી લોકગીતોનો પહેલો મુદ્રિત સંગ્રહ 'જાગો ડુગ્ગર' નામે ૧૯૪૦માં પ્રકાશિત થયો હતો. ડોગરીને કોઈ મેઘાણી મળે તો ભારતીય લોક સાહિત્યના ઇતિહાસમાં સોનાનો સૂરજ ઉગશે. જ્યોર્જ ગિયર્સને ડોગરીને પશ્ચિમી પહાડીનું શિખર કહી નવાજી છે. આ ભાષામાં શબ્દ સમૂહો, કહેવતો અને રૂઢિપ્રયોગ મોટા પ્રમાણમાં છે. કોઈ પણ ભાષા કેટલી સમૃદ્ધ છે તે જાણવું હોય તો તેમાં કહેવતો અને શબ્દસમૂહો કેટલા પ્રમાણમાં છે તે પણ એક માપદંડ છે. વળી કહેવતો અને રૂઢિપ્રયોગો રાતોરાત જન્મ લેતા નથી. તેના માટે ભાષાએ વર્ષો સુધી વિકસવું પડે છે. લોકજીભે રમવું પડે છે. ડોગરી આ બધામાં ખરી ઉતરી છે તે જ તેની પ્રાચીનતા અને સમૃદ્ધિનો પુરાવો છે.
ડોગરીની મૂળ લિપિ ટાકરી છે. ડુગ્ગરની ડોગરીનો સૌપ્રથમ લેખ તે ૧૧૭૦માં સેચુનાળા પરનો શિલાલેખ છે. જે ટાકરી લિપિમાં છે. અઢારમી સદીમાં કોટલા નરેશ ધ્યાનસિંગના સમયમાં લખાયેલી 'રાજાઉલી' તે ફારસી ઇતિહાસનું સરળ ડોગરીમાં થયેલું ભાષાંતર છે. ત્યારબાદ ડોગરી પર ફારસી અને ઉર્દૂનો પ્રભાવ વધતા ફારસી લિપિ પણ અસ્તિત્વમાં આવી. સાથે જ સત્તરમી સદીથી ડોગરીમાં દેવનાગરી લિપિનો પ્રયોગ કરવાનું પણ શરુ થયું હતું. આજે ડોગરીમાં મોટા ભાગનું લખાણ દેવનાગરી લિપિમાં થાય છે. આદિકાલીન ડોગરી કવિતાથી અત્યારની કવિતા સુધી તેમાં રહસ્યવાદ અને આધ્યાત્મિકતાનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. જેનું કારણ જમ્મુ પ્રદેશનો નાથસંપ્રદાય સાથેનો નાતો માનવામાં આવે છે. નાથ સંપ્રદાયના સહજ્નાથ અને પૂરણનાથની રચનાઓ જૂની ડોગરીની યાદ અપાવે છે. ડોગરીમાં વાર્તાઓ ખૂબ લખાઈ છે. ગઝલ સ્વરૂપ પણ વિકસ્યું છે. પરંતુ નવલકથા અને નિબંધ ક્ષેત્રે હજુ જોઈએ તેટલું કામ થયું નથી. ડોગરીનાટકો પણ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ડોગરી હવે ડોગરા હિમાલય સંસ્કૃતિ સંગમ જેવી ભાષાપ્રેમી સંસ્થાઓના કારણે આજે પણ આ ભાષા છવ્વીસ લાખ લોકો બોલી રહ્યા છે. ડોગરી ભણનાર વિદ્યાર્થીઓ અત્યંત ઘટતા જતા પ્રમાણ સામે ડોગરીએ ટેકનોલોજીના નવા વાઘાપહેરી સમાજ સામે આવવાની
જરૂરિયાત છે.
અંતે...
એવું માની લેવાનું શું કારણ છે કે સત્ય હંમેશા કઠોર જ હોય..
- વિમલા ઠકાર