Get The App

ગોલ્ડનાં વધતા ભાવ અને એના માટે માનવનાં વધતા ભાવની તવારીખ!

Updated: Feb 7th, 2023

GS TEAM

Google News
Google News
ગોલ્ડનાં વધતા ભાવ અને એના માટે માનવનાં વધતા ભાવની તવારીખ! 1 - image

- અનાવૃત - જય વસાવડા

- આદમ અને ઈવના બાગમાં સુવર્ણની ભૂમિમાં પહોંચતી ફિશોન નદીની વાત છે, અને સુવર્ણમૃગની માંગણી કરતી મૈથિલીની કથા ભારતીય જનમાનસને કોઠે પડેલી છે. સોનાની ચમક પાછળ રંગહીન પરસેવો માનવઈતિહાસમાં નીતરતો રહ્યો છે! 

હિરણ્યમયેન પાત્રેણ, સત્યસ્ય અપિહિતમ મુખમ.

ઈશાવસ્યઉપનિષદના આ શ્લોકનો ભાવાર્થ છે ઃ સત્યનો ચહેરો હંમેશા ઝગમગતા સુવર્ણથી ઢંકાયેલો રહે છે! સદીઓ  અગાઉનું ભ્રષ્ટાચાર અંગેનું આ પ્રામાણિક સત્ય છે.

સોના અને સમશેરની કશ્મકશ, નર - નારી કે પ્રોટોન - ઈલેકટ્રોનની ખેંચતાણ જેટલી જૂની છે. વૈભવાનું - વિલાસનું - ઐશ્વર્યનું - સમૃધ્ધિનું સૌથી 'ઓલ્ડ' પરિમાણ હોય, તો એ છે - ગોલ્ડ! જેને થોડંુ-ઘણું પણ આંતરરાષ્ટ્રીય સાહિત્ય વાંચ્યું છે, એને પેલી રાજા મિડાસની વાર્તા નજરે ચડયા વિના નહિ રહી હોય, જેણે પારસમણિની જેમ પોતાનો હાથ જેને સ્પર્શે  એ સોનું બની જાય, એવું વરદાન માંગ્યું હતું, અને પછી પોતાની વ્હાલસોયી દીકરી જ એનો ખોળામાં બેસવાં જતાં સોનાની પ્રતિમા થઈ ગઈ હતી!

માણસમાત્રમાં સદીઓથી એક મિડાસ બેઠો છે. જેને અનાજ કે મિષ્ટાન્નની જેમ સુવર્ણની ભૂખ કે તડપ છે! અર્વાચીન ફિલ્મો હોય કે પ્રાચીન સાહિત્યકૃતિઓ - જયાં ખજાનાનું વર્ણન આવે ત્યાં ફકત હીરા- મોતી - ચાંદી તો ફિક્કાં પડે, અચુકપણે પીળી ધાતુ નો સોનેરી રંગ તો ખજાનાની ભવ્યતાને પહેરાવવો જ પડે ને! આપણી અંદરનો મિડાસ કયારેય મરતો નથી. કોઈ ષિ નાગાર્જુન પારામાંથી સુવર્ણ બનાવવાનો કિમિયો રચી કાઢે છે, જેની પાછળ આજે ય ઘણા ઘેલચંદ્રો પોતાનાનું બાપદાદાનું સોનું ગીરવે મૂકીને પણ ફના થઈ જાય છે! 

બાળવાર્તાઓનો રાજકુમાર પારસમણિની શોધમાં નીકળે છે. અમૃત પછીનો આ બીજો ફેવરિટ 'સર્ચ ઓબ્જેકટ રહ્યો છે! જગતની મોહમાયા છોડી દીધી હોવાનું માનતા સાધુસંતો પણ પોતાના મંદિર પર સુવર્ણકળશ, પોતાનાં ચર્ચમાં સુવર્ણ શણગાર, કે પોતાની દરગાહ પર સોનાના તારવાળી ચાદર સુધીના મોહમાંથી મુકત થયા નથી! આપણી પાસે તો 'અમૃતસર'માં રીતસરનું 'સ્વર્ણ મંદિર' જ મોજુદ છે! બાલાજી સોનાના પતરે મઢેલા મંદિરમાં બેઠાં છે, ને સોનાનું દાન ઉઘરાવાય પણ છે.

જો કે, વિશ્વઈતિહાસમાં અસલી સુવર્ણમંદિરોનો અંબાર લગાવનાર સંસ્કૃતિ હતી, મિસર યાને ઈજીપ્તની! સૂર્યપૂજા કરતા આ દેશને માટે સુવર્ણ કદાચ સૂર્યકિરણોનું પદાર્થમય સ્વરૂપ હતું. (સૂર્યનારાયણની પૂજાની પરંપરા ધરાવતા ભારતનાં કેટલાક પ્રાચીન ગ્રંથોમાં સુવર્ણને અગ્નિનું બીજ કહેવાયું છે!) સીસીયમ (દુર્લભ) અને તાંબા સિવાય આર્યન કોષ્ટકમાં મળતા તમામ રાસાયણિક તત્વોમાં એક સોનું જ એવું છે કે જે શ્વેત કે ભૂખરા રંગ કાચા માલ સ્વરૂપે મળી આવે છે! માટે એ જોઈને સોનેરી ચમક આંખોમાં આવવી કંઈ નવી નવાઈની વાત નથી! 

ઈ.સ. પૂર્વે ૨૬૦૦માં લખાયેલો હોવાનો મનાતા મળેલા એક દસ્તાવેજમાં ઈજીપ્તનાં મિટ્ટાનીના સમ્રાટ તુશારટ્ટાએ એવું લખાવ્યું છે કે 'અહીં ધૂળ કરતા સોનું વધુ છે!' વિસ્વનાં પ્રાચીનતમ નકશામાંના એક ગણાતા 'ટયુરિન પેપિરસ'માં ઈજીપ્તનાં કબજામાં રહેલી નુબિયાની સોનાની ખાણોની નિશાનીઓ છે! ઈ.સ.પૂર્વ ૨૪મી સદીમાં મેસોપોટેમિયા (આજના ઈરાક)ના ''અક્કદ' પ્રદેશના લડાયક રાજા સાર્ગોને સોનું લૂંટવા ઈજીપ્ત પર હુમલો કરેલો, પણ સફળ થતો નહોતો. અંતે તૂતનખામેન જેવા ફારાઓન શાસકોના 'મમી' પાસે પણ સુવર્ણભંડાર ધરાવતા ઈજીપ્તને ઈ.પૂ. ૭મી સદીમાં અસીરિયાના રાજા એસ્સારહૈદને લૂંટયું હતું!

પણ એક સદી જેટલા જ સમયમાં અસીરિયાની રાજધાની નિનેવેહ પર હુમલો કરીને બેબિલોનિયન્સે એ ખજાનો છીનવી લીધો! ત્યાં તો ઈ.પૂ. છઠ્ઠી સદીના અંતભાગમાં પર્શિયા (આજનું ઈરાન) ના રાજા સાઈરસે બેબિલોન પર કબજો કરી, એ ખજાનો લૂંટી લીધો! સાઈરસનો દીકરો સમ્બાઈસેસ ફરી ઈજીપ્તના દૂર દક્ષિણના પ્રદેશોમાં પહોંચ્યો, જયાંથી એને વધુ સોનું મેળવવાની આશા હતી, પણ એને ત્યાં મળ્યું મોત!

પશયાએ બેબિલોન જીતી લીધું પછી પર્શિયાનો એક રાજા દેરિયસ હતો એણે એક બેબિલોનિયન રાણીની કબર શહેરની વચ્ચોવચ જોઈ. એના પર એવો શિલાલેખ હતો કે 'જો બેબિલોનના સિંહાસન પર મારા વારસદારોમાંથી કોઈને સોનાના ખજાનાની જરૂર હોય, તો એ આ કબર ખોલીને જેટલો જોઈએ એટલે સુવર્ણભંડાર લઈ લ, પણ આવું એ ત્યારે જ કરે, જયારે એને ખરેખર જરૂરિયાત હોય!' બેબિલોનનો 'બાય ડિફોલ્ટ' શાસક બનેલો દેરિયસ લલચાઈ ગયો. એણે કબર તોડાવીને ખોદકામ કર્યું. પણ અંદર સોનાનો બદલે એક પથ્થર મળ્યો, જેના પર લખાયેલું હતું. 'જો તું આટલો લાલચુ ન હોત, તો મૃતાત્માઓની કબરોને પણ તબાહ કરવા માટે તૂટી ન પડત!'

પણ કોઈ ચેતવણી સુવર્ણ માટેના સંગ્રામને કદી ઝાંખો પાડી શકી નથી. કહેવાય છે કે મેસેડોનિયાના સિકંદરે જયારે પર્શિયાને હરાવ્યું, ત્યારે એના ત્રણ નગરો પરોયોસિલ, સૂસા અને એકબાટીનમાં ૧૦,૦૦૦ ટન જેટલો સોનાનો ભંડાર એને મળ્યો હતો! સિકન્દરના પતન પછી એ ખજાનો, દુનિયાભરના દેશોમાં ફેલાતો ગયો. એટલે જ કદાચ બેકિટ્રયા (મધ્ય એશિયાનો એક તત્કાલીન દેશ)ના એક ગ્રીક શાસકે વિશ્વની સૌથી મોટી સુવર્ણમુદ્રા 'સ્ટાટર' ઢાળીને ચલણમાં મૂકી હતી.... ૧૬૮ ગ્રામ વજન અને ૫૮ મિલિમીટર વ્યાસની! પાછળથી ગાઉલ કે ઇજીપ્ત જીતનારા જુલિયસ સીઝરે પણ દેવતાઓના પવિત્ર ગણાતા સ્થળોમાંથી સોનું લૂંટયુ હતું. મોહમ્મદ ગઝની અને સોમનાથના ખજાના કે નાદિર શાહ અને દિલ્હીના ખજાનાની લૂંટ ભારતવાસીઓને યાદ દેવડાવવાની જરૂર ખરી?

ધર્મસ્થળો સાથે સોનાનો નાતો કદાચ માનવજાતની શ્રદ્ધા જેટલો જ જૂનો છે. મિડાસ જયાંનો હોવાની દંતકથા છે, એ લિડિયામાં ક્રેયસસ નામનો શાસક હતો જેને બુ્રનેઇના સુલતાનની માફક એ વખતે વિશ્વનો સૌથી વધુ અમીર શાસક કહેવામાં આવતો! (બાય ધ વે, પેટ્રોલિયમને પણ 'કાળું સોનું' જ કહેવાય છે ને!) ક્રેયસસને લૂંટવા માટે પર્શિયનો તેના પર ચડાઇ કરવાના હતાં. લડાઇમાં વિજય માટે આપણે ત્યાં માતાજીના મંદિરમાં સુવર્ણછત્ર ચડાવાય (કે પછી તિરૂપતિ જેવા મંદિરોને દાતાઓ સુવર્ણથી મઢી દે) એવી અદામાં ક્રેયસસે સૂર્યદેવ એપોલોના મંદિરમાં વિજયપ્રાપ્તિ 'ભોગ' ચડાવ્યો. એમાં એણે ૧૧૭ પાટો ભેટ આપો. એ વખતે ૨૬.૨ કિલોગ્રામ બરાબર ૧ 'તાલેન્ત' એવો તોલમાપનો એકમ હતો. (એટલે શ્રીમંત માટે શબ્દ બન્યો તાલેવંત!) ેક્રેયસસે 'ચઢાવા'રૂપે આપેલી પાટોમાંથી ૪ પાટો તો પ્રત્યેક અઢી-અઢી તાલેન્તની શુદ્ધ સોનાની હતી! બાકીની બધી જ બે-બે તાલેન્તની સોના-ચાંદી મિશ્રિત હતી. અને એક હતી ૨૭૦ કિલો વજનની શુદ્ધ સોનાની સિંહની મૂર્તિ!

આ ટનબંધ સુવર્ણના દાનથી શું દેવતાઓએ પ્રસન્ન થઇને ક્રેયસસને વિજેતા બનાવ્યો? હી..હી..હી.. ઉલ્ટું જ થયું! આની ખબર પર્શિયામાં પહોંચી ત્યારે પર્શિયનોને થયું કે રાજાએ કંઇ બધુ સોનું તો મંદિરમાં નહિં આપ્યું હોય, આટલું દાન આપ્યું છે, તો સાચવ્યું કેટલું હશે! બસ, પર્શિયનોએ યુદ્ધનો ફેંસલો લઇ લીધો. વધુ ઉત્સાહમાં આવીને ઝપાટાબંધ કૂચ કરી. ક્રેયસસને હરાવીને ઢગલાબંધ સોનું લૂંટી લીધું!

એટલે જ પ્રારંભિક માનવ અધિકારવાદીઓમાંના એક ગણાય એવા સ્પેનિશ પાદરી બાર્તોલોમ દે લા કસાસે એના પુસ્તકમાં એક કિસ્સો નોંધ્યો છે. સ્પને જયારે એસ્પેનાલા દ્વીપ (આજનું હૈતી) પર કબ્જો કર્યો ત્યારે એક સામંતી રાજકુમાર કાસિક હાતુએય ત્યાંથી ભાગીને કયુબા પહોંચ્યો. ત્યાં પહોંચીને અમેરિકાના મૂળ નિવાસી એવા 'રેડ ઇન્ડિયન્સ'ને એણે કહ્યું કે ગોરા લોકોનો દેવતા ગોલ્ડ છે! એણે સલાહ આપી કે બચવું હોય તો રેડ ઇન્ડિયનોએ એમનું બધું જ સોનું નદીમાં પધરાવી દેવું, એટલે ભવિષ્યમાં ત્યાં ગોરા લોકો આવે, તો સોનાની લાલચમાં લડે નહિ અને એમને શાંતિથી રહેવા દે. પણ આર્થિક મૂલ્ય કરતાં સદીઓથી સોનાની ચમકથી અંજાયેલા રેડ ઇન્ડિયન્સે કાસિકની વાત કાને ન ધરી.

ગોલ્ડનાં વધતા ભાવ અને એના માટે માનવનાં વધતા ભાવની તવારીખ! 2 - imageઅને ઇન્ડિયા શોધતા શોધતા અમેરિકા શોધી કાઢયું એવા કોલંબસે સ્પેનની રાણી ઇઝાબેલાને લખેલા પત્રોમાં ઠાંસી-ઠાંસીને બસ સોના ઉપરની જ વાતો લખી. સુવર્ણની ચકાચૌંધથી અભિભૂત કોલંબસે એવું લખ્યું કે 'અહીં તો સોનાની નદીઓ વહે છે. લાગે છે કે અહીં સોનાના પર્વતો હશે. અહીંના બેવકૂફ આદિવાસીઓને સોનાની કશી જાણકારી નથી, એના મૂલ્યની ગતાગમ નથી. એ મામુલી ચીજોના બદલામાં સોનું દઇ દે છે!'

જો કે, પાછળથી પહેલે જ ધડાકે કોલંબસના વર્ણન જેટલું સોનું મળ્યું નહિં, અને એટલે જ સ્પેનના રાજદરબારમાં એની પ્રતિષ્ઠા ઘટી! હૈતીમાં ફકત ૨૨ ટન સોનું મળ્યું. આ 'ફકત' એટલા માટે કે એના લોભમાં ૨૦ લાખથી વધુ સ્થાનિક નિવાસીઓનું ક્રૂરતાપૂર્વક નિકંદન નીકળી ગયું અને માંડ થોડાક હજાર આદિવાસીઓ બચ્યા! (મતલબ, એક ટન સોના સાટે એક લાખ જીવ!) પાદરી લાસ કૈસાસે પોતાના જ દેશવાસીઓ માટે લખ્યું ક 'એ હાથોમાં ક્રોસ અને હૃદયમાં સોનાની ભૂખ લઇને આગળ વધ્યા!'

કોલંબસ સાવ ખોટો ય નહોતો. જેના પરથી 'મેકેના'ઝ ગોલ્ડ' જેવી કંઇક ફિલ્મો હોલીવૂડમાં બની છે, એવા 'કેલિફોર્નિયા ગોલ્ડ રશ'માં અમેરિકનોએ સોના સાટે નરસંહાર કર્યો. દક્ષિણ અમેરિકામાં આખા શરીરે સોનું ચોળીને ફરતા રહેવાસીઓના નગર 'અલ ડોરાડો' (સ્પેનિશનો અંગ્રેજી અનુવાદઃ ધ ગોલ્ડન વન)ની કહાનીઓ ચાલી. મયદાનવે સર્જેલા સોનાના નગર (જેનો શિવના તીરથી વિનાશ થયો) કે બાઇબલમાં યેરૂશાલેમ વિશે લખાયેલી દંતકથાઓની જેમ 'અલ ડોરાડો' પણ આખું સોનાનું બનેલું શહેર હતું, એમ કહેવાય છે!

પરિણામ? સોનું તો બધેથી થોડા કિલો જ મળતું રહ્યું, પણ આખરે સભ્યતાઓનો મૃત્યુઘંટ વાગતો રહ્યો! ૧૫૩૨માં પેરૂ ખાતે પહોંચ્યા પછી સ્પેનિયાર્ડો 'ઈન્કા' સંસ્કૃતિના રાજા 'અતાહુલ્લાપ્પા'ને હરાવ્યો. જીવતા બચવા માટે ઈન્કા રાજાએ ૨૨ બાય ૧૮ ફીટનો સોનાથી ભરેલો ઓરડો હોય એટલો સુવર્ણભંડાર ખંડણી તરીકે આપ્યો. સોનાનો કબજો લેવાઈ ગયો. પણ રાજાને મુક્તિને બદલે મોત મળ્યું! આવું જ એઝટેક સિવિલાઈઝેશન સાથે થયું.

ગોલ્ડનાં વધતા ભાવ અને એના માટે માનવનાં વધતા ભાવની તવારીખ! 3 - image મેક્સિકોમાં આક્રમણ સમયે તેની રાજધાનીના ૩ લાખ નાગરિકોમાંથી અઢી લાખની સોના માટે કતલ થઈ ગઈ! એ સમયે વિધર્મી યહૂદીઓને સ્પેનમાંથી દેશનિકાલ કરવામાં આવતા, પણ એમને મોરારજીભાઈ દેસાઈના ગોલ્ડ કન્ટ્રોલ (જેમાંથી વિના કારણે ભારતમાં ગોલ્ડ સ્મગલિંગ અને એમાંથી વર્તમાન માફિયાગીરીના મૂળિયા નખાયા!)ની જેમ સાથે સોનું લઈ જવાની મનાઈ હતી. એવી અફવા ફેલાઈ કે કેટલાક નિષ્કાસિતો સોનાને કૂટીને આયુર્વેદિક ભસ્મની જેમ એનું ચૂર્ણ ખાઈને સોનું બહાર લઈ જાય છે! ખલ્લાસ સુવર્ણ મેળવવા માટે એમને મારી એમના આંતરડા પીંખવામાં આવતા!

બસ, સોનાનો ભંડાર લઈને જતા સ્પેનિશ જહાજો પર ફ્રાંંસિસી લૂંટારાઓએ દરિયામાં હુમલો કર્યો, અને મધ્યયુગી પાઈરેટસ (દરિયાઈ ચાંચિયા)ઓનો આતંક ત્રણ-ત્રણ સદી સુધી એટલાન્ટિક મહાસાગરને ધમરોળતો રહ્યો. ઈંગ્લેન્ડની રાણી એલિઝાબેથ પ્રથમે કેપ્ટન ફ્રાન્સિસ ્રડ્રેકને પેરૂથી પનામાના જળમાર્ગ પર સ્પેનિશો પર હુમલો કરવા મોકલ્યો. ડ્રેક ૧૫૮૦માં ટનબંધ સોના સાથે પાછો આવ્યો, ત્યારે પૃથ્વી ફરતે પરિક્રમા કરનાર બીજો વ્યક્તિ બન્યો! ઈ.સ. ૧૭૦૨માં ઈંગ્લીશ-ડચ જહાજોએ વિગોની ખાડીમાં સ્પેનિશ- ફ્રાંસિસી સુવર્ણવાહક વહાણો પર લૂંટ માટે હુમલો કર્યો. એ વખતના ૬ કરોડ સ્ટલગ પાઉન્ડની કિંમતનું સોનું ૩૦૦૦ માણસોનો ભોગ લેતી ભીષણ લડાઈ પછી ખુંટ સ્પેનિશોએ જ દુશ્મનોના હાથમાં ન જાય એટલે દારૂગોળાથી ઉડાડી દીધું! આજે ય એ ખજાનો સમુદ્રના તળિયે પડયો છે! આવી જ રીતે આઝાદી અગાઉ 'ફોર્ટ સ્ટાઈકાઈન' સ્ટીમરના ધડાકાને લીધે મુંબઈની ગોદીમાં પણ સેંકડો સોનાની પાટો અને ઈંટોએ જળસમાધિ લીધી છે! તો હિટલરના નાઝી સૈન્યે જર્મનીમાં કોર્સિકા પાસે પાણીમાં છુપાવેલો હોવાનો મનાતા સુવર્ણભંડાર મેળવવા માટે ઈટાલિયન માફિયાઓએ કંઈક હત્યાઓ કરાવી છે! ચંગીઝખાને તો પોતાનો અફાટ ખજાનો મૃત્યુ પછી છુપાવી એમના વફાદારો દ્વારા એનું સરનામું જાણનારાની હત્યા થાય એવો કારસો રચ્યો હતો. એટલે હજુ મેળ પડયો નથી એ સુવર્ણભંડાર શોધવાનો !

આદમ અને ઈવના બાગમાં સુવર્ણની ભૂમિમાં પહોંચતી ફિશોન નદીની વાત છે, અને સુવર્ણમૃગની માંગણી કરતી મૈથિલીની કથા ભારતીય જનમાનસને કોઠે પડેલી છે. ખાણમાં કામ કરતા મજૂરો, આભૂષણો ઘડનારા કારીગરો, સોનું મેળવવા ફના થઈ જતા સૈનિકો... સોનાની ચમક પાછળ રંગહીન પરસેવો માનવઈતિહાસમાં નીતરતો રહ્યો છે! ગોલ્ડ પ્લેટેડ 'રોલેક્સ' વોચ કે ગોલ્ડન 'વર્તું' મોબાઈલ પર પસીનો બાઝે છે, એવો જ! મહારાજાના સોનાના વાસણો હોય કે શેખોના સોનાના ફીટિંગ્સવાળા બાથરૂમ... જમીનની જેમ જ માંગ વધે તો ય પુરવઠો ન વધે એવું સોનું હમેશા વર્લ્ડઝ બેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ ગણાય છે! અમેરિકાનું અર્થતંત્ર એટલે જ એમ ભાંગી પડવાનું નથી, જે જગતનો સૌથી મોટો ૪૫૮૦ મેટ્રિકટન ગોલ્ડનો ખજાનો કબજે કરી બેઠું છે. દિવાળી-ધનતેરસ-પુષ્ય નક્ષત્ર હોય કે ન હોય, સોનારણ નહિ તો, સોનું ભાવની સર્વોચ્ચ સપાટીએ કાળજાનો કટકો જ છે! શેરબજારમાં ને ક્રિપ્ટોમાં ભાવ ઊંચાનીચા થાય, પણ સોના ડાર્લિગ ને કાયમ ચડતી જવાની ને ચાલ મસ્તાની જ રહેવાની છે ! 

ઝિંગ થિંગ

'બહુ બધા પૈસા કમાવાના મોટા ભાગના રસ્તાઓ સાથે કરુણતા એ છે કે એમાં સમય વીતી જાય છે એ કમાણી કરનાર પોતે એ ભોગવવાના સમયે વૃદ્ધ થઈ ગયો હોય છે !'