Get The App

2023માં આ 23 પુસ્તકો વાંચ્યા? .

Updated: May 30th, 2023

GS TEAM


Google News
Google News
2023માં આ 23 પુસ્તકો વાંચ્યા?                           . 1 - image


- અનાવૃત-જય વસાવડા

- નવી પેઢીના હિન્દી વ્યંગ લેખકોમાં નીરજ બધવાર ટોચનું નામ છે. ઘણી વખત આપણે ફોરવર્ડ મેસેજમાં જે કાતિલ વન લાઈનર્સ કરંટ અફેર્સ પર આવે છે, એ મૂળ એમણે સોશિયલ નેટવર્ક પર રમતા કરેલા હોય છે

પ્રસ્તુત છે આ સમર વેકેશન માટેનું રીડિંગ લિસ્ટ !  

(૧) મેવરિક ઇફેક્ટ : આજે વાત થાય છે સિલિકોન વેલીના ભારતીયોની. કોઈપણ ને પૂછો એટલે આવતીકાલ વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની છે, એવી વાતો કરવા લાગશે ! જગત ક્રિપ્ટો અને મેટામાં શિફ્ટ થઈ રહ્યું છે. અને ભારતના ૨૦૦ અબજ ડોલરનું મૂલ્યાંકન ધરાવતા આઇટી ઉદ્યોગમાં રોજગારી મેળવી ચૂકેલા ૪૦ લાખ લોકોની તકદીર ચમત્કારિક રીતે ફરી ગઈ છે. સ્ટાર્ટઅપના યુનિકોર્ન કે ડિજિટલ કેશલેસ ઇન્ડિયા કશું જ આઈટી વિના સંભવ નથી પણ આ આઇટી ભારતમાં કેવી રીતે સંભવ બન્યું ?

૧૯૭૦ના દાયકામાં ૨૦ વર્ષનો એક લબરમુછિયો યુવાન અમેરિકાની નોકરી છોડી ભારત આવ્યો, ત્યારે એણે જોયું કે કોમ્પ્યુટર બાબતે તો આ દેશ હજુ પાષાણ યુગમાં છે. અને એણે આ વાસ્તવિકતા ધરમૂળથી પલટાવાનું બીડું ઝડપ્યું.  સમય ગયો અને એણે એક સંસ્થા બનાવી જે સ્વર્ગસ્થ સ્વ. દેવાંગ મહેતાને કારણે આજે પણ જાણીતી બની છે અને એ હતી : નાસકોમ જેને લીધે ધીરે ધીરે ભારતના રાજનેતાઓ ઉદ્યોગપતિઓ અને કેળવણીકારો આઈટીની સમજ કેળવતા થયા અને રેસ્ટ ઇઝ હિસ્ટ્રી એવું તો નહીં કારણ કે વર્તમાન છે આપણી આસપાસ ભજવાઇ રહેલો. પણ એની પાછળ ભૂતકાળમાં શું થયું હતું? કેવી રીતે થઇ આ ક્રાંતિ ? દેશને એક નવા જ ગિયરમાં અને આધુનિક આત્મનિર્ભરતામાં લઈ જતી આ ઘટનાઓ કેવી હતી? બસ એને નજરે નિહાળી અને મોટાભાગે આકાર આપવાનું કામ કર્યું છે એક ગુજરાતી નામે હરીશ મહેતાએ. જાણે સરદાર પટેલ ખુદ ભારતના એકીકરણ વિશે લખે, એમ હરીશ મહેતાએ આ ડિજીટલ યુગ ભારતમાં ઘડવામાં સિંહફાળો આપી પછી સાક્ષીભાવે એનો રોમાંચક ઇતિહાસ લખે છે. દુનિયામાં એમના નામનો ડંકો વાગે છે, પણ હજુ કમનસીબે ગુજરાત જ પૂરું ઓળખતું નથી હરીશ મહેતાને. તો આ હરીશભાઈએ બહુ રસપ્રદ રીતે ભારત દેશમાં આઈટીની કહાની કહેતું સંસ્મરણાત્મક પુસ્તક લખ્યું અને સીધું એનું અંગ્રેજીમાં આંતરરાષ્ટ્રીય પ્રકાશન થયું એ છે આ ''મેવરિક ઇફેક્ટ'' . મેવરિક એટલે ચોકઠામાં ન બંધાય એવું તોફાની. અહીં કહાની માત્ર ડિજિટલ ટેકનોલોજીની જ નથી પણ ભારત રાષ્ટ્રના સ્વભાવમાં આવેલા પરિવર્તનની અને એની ઉજ્જવળ આવતીકાલની પણ છે. મસ્ટ રીડ. 

(૨) ચિત્રાંગદા : રામાયણ અને મહાભારતના પાત્રોને લઈને સાવ જુદા અને નવા જ અર્થઘટનોથી અનેક કવિતાઓ નાટકો અને કથાઓ આ દેશમાં રચાય છે જ. ભારત તાલિબાન જેવી બંધિયાર સંસ્કૃતિ નથી કે જેમાં બુદ્ધની પ્રતિમાઓ તોડવાની થાય. અહીં તો મૈથિલીશરણ ગુપ્ત પણ 'સખી વે મુજ સે કહ કર જાતે' થકી યશોધરાના મનોભાવોને પોતાની રીતે લખી શકે. કનૈયાલાલ મુનશી અગત્સ્ય અને વિશ્વામિત્રની સાવ જુદી કલ્પના કરતી નવલકથાઓ રચી શકે. ઉત્તમ કવિઓ પણ આવું કરી ચૂક્યા છે. જેમ કે, ઉમાશંકર જોશીનું ''પ્રાચીના'' કે વિનોદ જોશીનું ''સૈરંધ્રી''.  મહાભારત પરથી જ કાલિદાસે અદભુત નાટક અભિજ્ઞાન શાકુંતલમ લખ્યું. અને એ જ મહાભારતની એક નાયિકા ચિત્રાંગદાને લઈને નોબલ પ્રાઈઝ વિનર ગુરુવર રવીન્દ્રનાથ ટાગોરે મૌલિક અર્થઘટન કરતું અને મૂળ પાત્ર તથા ઘટનાઓમાં રંગપૂરણી કરતું આ અદભુત નાટક લખ્યું. જેનો લાજવાબ અનુવાદ વર્ષો પહેલા ગુજરાતીમાં સાહિત્યસમર્થ સ્વ. નિરંજન ભગતે કરેલો છે. ટાગોરે શું ફેરફાર કર્યા અને વાત કેવી રીતે ઉપસાવી એ અહીં નથી લખવું. પણ જ્ઞાન અને સમજણ થોડીક વિસ્તારવી હોય તો ભગત સાહેબ અનેક સમજૂતીથી ભરેલો ગુજરાતી અનુવાદ અચૂક વાંચવા જેવો છે.

(૩) બાગી સુલતાન : ચોલ સામ્રાજ્યના સૌથી મહાન સમ્રાટની દક્ષિણ ભારતમાં કેમ શરૂઆત થઈ એની વાત કહેતી પોન્નિયન સેલ્વન ફિલ્મો મણીરત્ન મેં બે ભાગમાં બનાવી, એ ઘણાને પચાવવી ભારે પડી કારણ કે, પલ્લવ ચાલુક્ય એવા વંશો કે વિજયનગર જેવા સામ્રાજ્ય અંગે દક્ષિણ ભારતની બહાર બહુ ઝાઝી ગતાગમ નથી. આમ રાજ્યો અને સંસ્કૃતિ જુદી પણ આશ્ચર્યજનક રીતે દક્ષિણ ભારત, ઉત્તર માટે એક કોયડો રહ્યો છે. આજના રાજકારણમાં પણ એ કોયડો ઉકેલાયો નથી તો આ દખણના પ્રદેશમાં જે સરખી રીતે મુગલોથી પણ જીતાયો નહોતો ત્યાં હિંદુ વંશના મહારાજાઓની વિદાય પછી શું થયું ? ત્યાં ખિલજીથી શિવાજી સુધીના સમયમાં અલગ અલગ જગ્યાએ ઇસ્લામનો પ્રવેશ કેવી રીતે થયો ? કેવી રીતે જુદા જુદા સુલતાનો દક્ષિણમાં છવાયા, જેને દિલ્હીની સલ્તનત સાથે ખાસ કંઈ લેવાદેવા નહોતા ? અભ્યાસુ પત્રકાર લેખક મનુ પિલ્લાઈએ તટસ્થભાવે અને અધિકૃત માહિતી સાથે વાર્તારસ પણ રહે એમ આ પુસ્તક લખ્યું છે. અંગ્રેજી નામ છે રેબેલ સુલતાન અને આ એનો હિન્દી અનુવાદ છે.

(૪) લિટરરી લેન્ડસ્કેપ્સ : એરાઉન્ડ ધ વર્લ્ડ ઇન એઈટી ડેઈઝના લેખક જુલે વર્ને માત્ર અલગ અલગ લોકોના વર્ણનો વાંચીને ફ્રાન્સમાં બેસીને જ વિશ્વની સફરની નવલકથા લખી હતી. જ્યારે આપણા અશ્વિની ભટ્ટ જાતે પોતાની કથામાં વર્ણવાયેલા દરેક લોકેશન પર જઈ એનો તાગ લેતા અને પછી એનો વિડીયો જોતા હોઈએ એવું આબેહૂબ વર્ણન શબ્દોથી કરતા! જગતની મહાન કૃતિઓ માં જેમ મજબૂત પાત્રલેખન હોય છે, એમ ઘટના પ્રવાહમાં એક પાત્ર બની જતા લોકેશન પણ હોય છે. ચાર્લ્સ ડિકન્સ હોય કે વિક્ટર હ્યુગો, લંડન અને પેરિસ એમની કથામાં જીવંત થઈ ઊઠે છે. બસ, વિશ્વસાહિત્યની આવી અમુક યાદગાર ફિક્શનના લેખકોએ એમની કથાઓમાં વર્ણવાયેલા સ્થળો કેવી રીતે આલેખે છે, અને કેવા કેવા લોકેશનને કઈ રીતે પોતે આત્મસાત કર્યા એની દસ્તાવેજી સફર સમું આ અફલાતૂન પુસ્તક ખાસ્સી મહેનત બાદ લખાયું છે.  બધા રંગીન પાનાઓમાં અવનવી ટિટ બિટ્સ અને નકશાઓ, ચિત્રો, ફોટોગ્રાફ્સ તથા કથા અને લેખકોની ઝલક આપતી વાતોનો ખજાનો ! પુસ્તક મોંઘું છે, પણ કેવળ કંટાળાજનક જૂથના કરવાને બદલે આવા પ્રોજેક્ટ પણ આપણી સાહિત્ય સંસ્થાઓ કરી શકે એટલું સમજવા માટે પણ નોંધપાત્ર છે. 

(૫) ગાય તેના ગીત : 'ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાની મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે'... ગુજરાતીને પ્રેેમ કરતી કોઈ પણ વ્યક્તિ તરત આટલું વાંચીને કહેશે કે આ તો ધ્રુવ ભટ્ટ નું ગીત! ધ્રુવભાઈ આપણી ભાષાના અનોખા નવલકથાકાર. જુદું જીવે, વેગળું લખે. અને આવા જ અનેક અદભુત ગીતોના એ સર્જક પણ ખરા. બારડોલીમાં સરદાર કન્યા વિદ્યાલયની આદિવાસી વિદ્યાર્થીનીઓના કંઠે 'મેં તો ઉંબર પર દીવડો મુક્યો કે ઘર મારું ઝળહળતું' જેવું ગીત સાંભળો તો મનમાં અજવાળું થઈ જાય! ધ્રુવભાઈના આવા ભીતરની આરપાર ઉતરીને ઝીણી ઘંટડીઓ વગાડતા ગીતોનો સંગ્રહ એટલે આ ગાય તેના ગીત. એમાંથી પસાર થાવ, તો જાણે બધી ઋતુઓમાં ધુબાકા મારી બાળકની આંખમાં ડોકિયું કરી પક્ષીની પાંખમાં બ્રહ્માંડના શૂન્યાવકાશમાં સફળ કરતા હોય એવું લાગે!

(૬) યસ ટુ લાઈફ : બીજા વિશ્વયુદ્ધમાં ઘર પરિવાર સહિત બધું જ જેમનું ખતમ થઈ ગયું અને પછી વતન મૂકીને અમેરિકા આવવું પડયું એ ડોક્ટર ફ્રેેન્કલ જાણીતું નામ છે એમનું ક્લાસિક પુસ્તક મેન સર્ચ ફોર મિનિંગ દાયકાઓથી બેસ્ટ સેલર્સ લિસ્ટમાં ટોચ પર છે આખરે આ ઘરે બેસીને અપાતો હકારાત્મકતાનો ઉપદેશ નથી પણ જેને કરુણમાં કરુણ આઘાત તો સહન કર્યા અને છતાં સજુબીને બેઠા થયા એવા વિદ્વાન મનોચિકિત્સક ની પોતાની કહેલી વાત છે આ પુસ્તકમાં એમના ત્રણ યાદગાર પ્રવચનો સામેલ છે જે સમસ્યા સામે સંઘર્ષનો અભિગમ ખીલવી શકે એનો ગુજરાતી અનુવાદ પણ તકલીફમાં જીવનની તલાશ નામે થયો છે.

(૭) વાડાનું બારણું અને વાતોનું વૃંદાવન  :  તોબરો એટલે શું એ ઇન્સ્ટાગ્રામ રીલ જનરેશન ને ખબર છે? બંગડી પર તમને નિબંધ લખવાનું કહે તો શું લખો? નાતની દાળ કેવી હોય? ચોપડીમાંથી નીકળતા ભેજ, ગુણિયાના પગલૂછણિયા, છૂંદણા, ફરાળ, છેડાછેડી, ચોરખિસ્સા,માનતા, સરગવો, અડદની દાળ, કંસાર, રસાવાળું શાક, સંચાનો આઈસ્ક્રીમ, દાંતિયો, ખાખી પરબીડિયાં, રજાઈ, કોરા કંકુનો ચાંદલો... આવી અઢળક બાબતો પણ સંસ્કૃતિ છે, જે બચાવવાની તો ઠીક - યાદ કરવાની પણ મહેનત ભાગ્યે જ કોઈ લે છે! એકદમ રસાળ અને શીરાના કોળિયાની જેમ લસરક ગળે ઉતરી જાય એવી શૈલીમાં નોસ્ટાલ્જીક સફરની મહારત ધરાવતા અનુપમ બુચનું આ નવું પુસ્તક પણ રીતસર એક ટાઇમ ટ્રાવેલ કરાવી દે છે. 

(૮) મસાલા લેબ : પરદેશી પ્રકાશનોના લેખોના અનુવાદમાંથી આપણા વિજ્ઞાન લેખનને બહાર કાઢવું અઘરું છે  કારણ કે ન એ પ્રકારનું આપણે ત્યાં ભણતર છે, ન એ માટેનું બજેટ છે, ન એનું મોટું ઓડિયન્સ છે. પણ કોરોનાકાળ જેવા સમયમાં ઘરે બેસવાનું આવે તો જરૂરી નથી કે ભણવાનું બધું એના એ જૂના કોર્સમાં મોબાઈલ થકી થાય. આપણું રસોડું પણ એક વિજ્ઞાનઘર છે. કહો કે સાયન્સ લેબ જ છે! ફિઝિક્સ કેમિસ્ટ્રીના અવનવા પ્રયોગો રોજ આપણી રસોઈમાં થતા રહે છે. પણ આપણને એવા એન્ગલથી વિજ્ઞાન ભણાવાતું નથી એટલે સાયન્સના ટોપર્સ પણ આ બાબતે દિશાહીન રહે છે. ખાસ્સી મહેનતે લખાયેલા આ ઓરીજનલ પુસ્તકમાં આપણી વાનગીઓ અને રાંધણ કળાના માધ્યમે વિજ્ઞાન શીખવાડાયું છે. રસ જોડે પુરી ગળે ઉતરી જાય, એમ અમુક સાયન્સ ફન્ડામેન્ટલ્સ આપણા મનમાં આ પુસ્તકમાં સ્વાદના ચટાકા સાથે ઉતરી જાય છે. રોટલી ફૂલકા કેમ થાય અને શાક વઘારો ત્યારે શું પ્રોસેસ થાય એવું ઘણું આ વાંચીને સમજવા મળે.

(૯) બ્રિટિશ સબ્જેક્ટ : દુનિયામાં પોતાના મૂળ વતનથી નીકળીને બીજે વસેલા ઈમીગ્રન્સ અને વસાહતીઓની આખી અલગ દુનિયા છે. આવા જગતમાં જે લાખો કરોડો ઇમિગ્રન્ટસ છે, એમાં સૌથી વધુ મજબૂત યુગાન્ડાથી યુકે ગયેલા ગુજરાતીઓ છે. ના આવું આપણે નથી કહેતા પણ બ્રિટનમાં વડાપ્રધાનપદ માટે મ્યુઝિકલ ચેર ચાલુ થઈ, એ પહેલાના સૌથી કાબેલ વડાપ્રધાન નીવડેલા ડેવિડ કેમેરૂન કહે છે. એમણે જ બ્રિટનમાં વસેલા આ ગુજરાતીની આત્મકથાની પ્રસ્તાવના લખી છે! આ ગુજરાતીનું નામ ડોલર પોપટ. બ્રિટનની કન્ઝર્વેટીવ પાર્ટીમાંથી હાઉસ ઓફ લોર્ડ્સ માં ચૂંટાયેલા પહેલા ગુજરાતી. પછીથી મિનિસ્ટર પણ બન્યા.  હજુ પણ જાહેરજીવનમાં ખાસ્સું વજનદાર નામ છે, અને કાયમી ધોરણે બેરોનનું પદ પણ એમને મળ્યું છે. પણ આ પુસ્તક વાંચવાની મજા એટલે છે કે અહીં એમની સંઘર્ષ કથા ઉપરાંત ઇંગ્લેન્ડ વિશે ઘણું નવું જાણવા મળે એમ છે. ત્યાંનું જીવન, જગ્યાઓ, ત્યાં વસેલા ગુજરાતી પરિવારની રહેણીકહેણી, એની ખૂબીઓ અને ખામીઓ, રાજનીતિ ધંધાવેપાર અને માનવીય મૂલ્યો જેવું ઘણું. ટાઇટલ મુજબ આ એક શુદ્ધ રામભક્ત ગુજરાતી આત્માનો કર્મભૂમિ બ્રિટનને લખાયેલો લાંબો પ્રેેમપત્ર છે. 

(૧૦) બાતેં કમ સ્કેમ જ્યાદા : નવી પેઢીના હિન્દી વ્યંગ લેખકોમાં નીરજ બધવાર ટોચનું નામ છે. ઘણી વખત આપણે ફોરવર્ડ મેસેજમાં જે કાતિલ વન લાઈનર્સ કરંટ અફેર્સ પર આવે છે, એ મૂળ એમણે સોશિયલ નેટવર્ક પર રમતા કરેલા હોય છે. સટીક હાસ્યની સાથે આસપાસની સ્થિતિનું સચોટ નિરીક્ષણ એમની આગવી લાક્ષણિકતા છે. એમ તો ગંભીર સાહિત્યિક ફિલોસોફી પણ સુપેરે લખી શકે એવા લેખકના આ નવા સંગ્રહમાં કહેવાતી સટાયર ફિલ્મો કરતાં વધુ કાતિલ કટાક્ષ છે. સેમ્પલ :  કોઈ આદમી અગર ભ્રષ્ટાચાર કરને કે બાવઝૂદ ભી ફલફૂલ રહા હૈ ઔર બચાવન હુઆ હૈ તો માન લીજીયે કે યહ ઉસકે પીછલે જન્મ કે અચ્છે કુકર્મો કા ફલ હૈ ઓર હેર ડાઈ કી તરફ આપકો બેઈમાની સૂટ નહીં કર રહી તો બહુત સંભવ હે કી પુરાને સદકર્મ ઇસ જન્મ મેં આપકે ભ્રષ્ટ હોને મે આડે આ રહે હૈ.... ફેસબુક પર 'ઓકે' કો 'કે' ટાઈપ કરકે ટાઇમ બચાને વાલે લોગ અપની ઇસ બચે હુએ ટાઈમ કા ક્યા કરતે હૈ.. ભારતીય પ્રેમી દુનિયા કા ઇકલૌતા પ્રાણી હૈ, જો અપને પ્યાર કા ઇઝહાર પ્રેમિકા કે સામને કરને કે બજાય ટોયલેટ કી દિવાલો પર લિખકર કરના પસંદ કરતા હૈ ! 

(૧૧) સેલફોન : ગુજરાતીમાં ઈન્ટ્રેસ્ટિંગ અને ગ્રીપિંગ ફિલ્મો બનાવનાર વિપુલ શર્માએ આ પાતળા પુસ્તકમાં ૧૬ જેટલી ટૂંકી વાર્તાઓ સમાવી છે. ઘટનાના લોપ જેવી વિચિત્ર આધુનિકતાને લીધે ધીરે ધીરે ગુજરાતીમાં સારી શોર્ટ સ્ટોરી લખાતી બંધ થઈ ગઈ જે સરળ પણ હોય, ચોટદાર પણ હોય,અંત બાબતે થોડુંક રહસ્ય પણ ઊભું કરે અને વળી ટિપિકલ ચાંપલીચિબાવલી સામાજિક ન હોય. અહીં થોડીક આવી વાર્તાઓ મળશે. જરા ફિલ્મી પણ વાંચવાની મજા પડે એવી. 

(૧૨) સંભવામિ યુગે યુગે : ભદ્રંભદ્ર આપણી ભાષામાં રમણભાઈએ એક સદીથી પણ વધુ સમય પહેલા રચી કાઢેલું અમ રપાત્ર  રૂઢિચુસ્ત માનસિકતાને લીધે સુધારક સમયમાં હાંસીપાત્ર ગણાય એવી વેવલી વાયડાઈ અને અતિ શુદ્ધ ગુજરાતી ભાષાને લીધે હાસ્યસ્પદ બનતા સંવાદો. મૂળ સર્વન્ટીસના ડોન કિહોટે ઉપરથી પ્રેરિત આ પાત્રને પોતીકું ગણી ઘણા લેખકોએ પોતપોતાના કથાનકો રચ્યા. પણ રતિલાલ બોરિસાગરે આ નાનકડા પુસ્તકમાં બહુ સરસ રીતે આ વેદિયાપણાની ઠેકડી ઉડાડી છે અને હવે ભુલાઈ ગયેલા પણ એક સમયે ગુજરાતનો જીવ ખાધો હતો એ દોઢડાહ્યા નર્મદા બચાવો આંદોલન વાળાઓની પણ. 

(૧૩) કલાવૈભવ  : ઉત્તમ કળાત્મક દસ્તાવેજી ગ્રંથો સરસ રીતે છપાવી નિશુલ્ક આપતા કળાધર જીવ રમણિક ઝાપડીયાના સંપાદનમાં પ્રકાશિત આ કલા વૈભવ પ્રત્યેક ગુજરાતીએ વાંચવા અને પછી વાંચીને ફરવા જેવો ગ્રંથ છે. કારણ કે અહીં આપણે જ્યાં સામાન્ય રીતે ફોટા પડાવીને આવતા રહીએ એવા ગુજરાતના સ્થળોનો કલાત્મક ઈતિહાસ કોઈ કોર્સની ગરજ સારે એમ આપવામાં આવ્યો છે. સોમનાથ હોય કે ધોળાવીરા દ્વારકા હોય કે ડભોઇ ઘુમલી હોય કે રાણકી વાવ ઘણું જાણ્યા પછી આવા સ્થળો માણવાની મજા ઓર થઈ જાય. 

(૧૪) પ્રણામ પપ્પા : જૂન મહિનો પિતૃ મહિમા નો મહિનો છે કારણ કે એમાં ફાધર્સ ડે આવે. અને ગુજરાતીની અઢળક જાણીતી વ્યક્તિઓએ પોતપોતાના પિતા પર લખેલા લેખોનું આ આ વિશાળ સંકલન વારંવાર પસાર થવા જેવું છે.  આપણે ત્યાં જે માતાની સાપેક્ષે ઉવેખાયેલો સંબંધ છે એ પિતૃત્વ પર સુંદર લાગણીઓ અહીં પાને પાને વહી છે.  અઢળક પ્રસંગો, સેકડો સેલિબ્રિટીઓ અને બધેથી પ્રગટ થતું પપ્પા નામનું પ્રેમ સભર ચરિત્ર !

(૧૫) અદભુત : નાના બાળકોને ગુજરાતી ભાષામાં રસ લેતા કરવા માટે આ સચિત્ર પુસ્તક એના નામ મુજબના ગુણો ધરાવતું એકદમ ઉપયોગી છે. વર્ષો પહેલા એક જાપાનીઝ પુસ્તકમાંથી પ્રેરણા લઈ ગુજરાતીમાં ચિત્ર અને બાળ સાહિત્ય બંનેમાં કામ કરી શકે એવા બે દિગ્ગજો રજની વ્યાસ અને ચંદ્ર ત્રિવેદીએ આ એવું નાનકડું સ્લિમ એન્ડ ટ્રીમ પુસ્તક બનાવ્યું કે જેમાં માત્ર ચિત્રો આગળ પાછળ ફેરવવાથી હજારો અવનવી વાર્તાઓ રચાય ! આજના મોબાઇલ યુગમાં પણ ભૂલકાઓને હાથમાં લેવા આકર્ષિત કરે એવું પુસ્તક !

(૧૬) એનલાઈટન્ડ મેરેજઃ રિલેશનશિપમાં જેમણે પીએચડી કરેલું છે એવા જેડ ડાયમંડે લખેલી આ કિતાબ શરૂઆતના હનીમૂન પિરિયડ પછી જેમની મેરેજ લાઇફમાં પ્રોબ્લેમ શરૂ થતા હોય એમણે ખાસ વાંચવા જેવી છે. આમ તો દાંપત્યમાં પ્રવેશ કરતા પહેલા ભાવિ પતિપત્ની વાંચી લે તો પણ મેરેજ લાઇફ બાબતે ઘણું સમજી અને શીખી શકે. લગ્ન કેવળ સંસ્કાર કે કોન્ટ્રાક્ટ નથી. એક એક સંયુક્ત જવાબદારી છે જે એકમેકને સમજી, પરસ્પર રાજી થવા માટે નિભાવવાની છે - એના પદ્ધતિસરના વૈજ્ઞાનિક પગથિયાં સમજાવતું પુસ્તક. 

(૧૭) દૂર દુર્ગમ દૂરુસ્ત : હજુ પણ જ્યાં નાની મોટી ધમાલો થયા કરે છે, એ આપણા ઈશાન ભારતના રાજ્યો વિશે બાકીનું ભારત ઓછું જાણે છે અને ત્યાં ઓછું જાય પણ છે.  ત્યારે ઉમેશ પંતનું પુરવધાર ભારતના પ્રવાસનું આ પુસ્તક એક પરફેક્ટ ગાઈડ બનીને સેવન સિસ્ટર્સ ગણાતા રાજ્યોની સફર જરાય થાક ન લાગે એવી મસ્તમૌલા શૈલીમાં કમાલ કિસ્સાઓ સાથે કરાવે છે. વાંચ્યા પછી પુસ્તક બાજુએ મૂકી પ્રવાસે નીકળવાનું મન થાય એવું. 

(૧૮) વૃંદાથી રક્ષાયેલો જલંંધર : ટાઈટલ ભલે અરસિક લાગે પણ પુસ્તક બહુ રસિક છે  કારણકે સર્જક પન્નાલાલ પટેલે મહાભારત અને અન્ય પુરાણોમાંથી પોતે પસંદ કરેલી પ્રેમકથાઓ એમની કસાયેલી કલમે આલેખી છે. આપણા વારસામાં ધાર્મિકતાના અતિરેકને લીધે જે બેનમૂન વાર્તારસ પડેલો છે એ ઘણીવાર ઢંકાઈ જાય છે. પણ આ પ્યોર ઇન્ડિયન લવ સ્ટોરીઝ માંથી પસાર થવાની મજા પડી જશે. 

(૧૯) વિદ્રોહ : વર્ષો પહેલા ગૌતમ શર્માએ આલાતરીન સીબીઆઇ સિરીઝની કથાઓ લખેલી. ઍહેડ ઓફ ધ ટાઇમ. આજની વેબ સિરીઝના જમાનામાં કચ્છમાં બેસીને સ્વ. ગૌતમ શર્મા આવું ધમાકેદાર લખતા હોત તો ચપોચપ ગરમાગરમ ભજીયાની જેમ એમની કથાઓના રાઈટ્સ વેચાઈ ગયા હોત ! શ્યામસુંદર, બીના રોય, રણવીર સિંહ, શિરીન પાલખીવાલા, દિલાવર ખાન, ગુરુબક્ષસિંહ, પ્રાણજીવન આ બધા પાત્રો અને બદરુદ્દીન તથા જિબ્રિલ જેવા ખૂંખાર ખલનાયકો ! દિલધડક સિચ્યુએશન્સ અને ઉપરાંત લચકતી માદકતાનો પણ મનમોહક ડોઝ ! વિદ્રોહમાં આ બધું છે અને એ પછી વિસ્ફોટ અને વિચ્છેદમાં પણ. 

(૨૦) વિજ્ઞાનકથા વિહંગાવલોકન :ગુજરાતીમાં મૌલિક કહેવાય એવી વિજ્ઞાન કથાઓના અભાવ વિશે અગાઉ સવિસ્તર લખ્યું છે. થોડી ઘણી વિજ્ઞાન કથાઓ છે ખરી, પણ અપવાદો ગણાય એવી  અમુક તો જેમાં વિજ્ઞાન પણ ન હોય અને કથા પણ ન હોય એવી હોય છે! એવામાં વિશ્વની ઉત્તમ વિજ્ઞાન કથાઓના સંદર્ભ સાથે અને એના લેખકોના પરિચય સાથે સરસ રજૂઆત કરતું , એના સ્વરૂપ તથા ઘડતરની ચર્ચા કરતું એવું આ ચરબી વગરનું પુસ્તક સિદ્ધહસ્ત અને વયોવૃદ્ધ સાહિત્યકાર યશવંત મહેતાએ તૈયાર કર્યું છે. જે વાંચીને કદાચ કોઈ નવા વિજ્ઞાન કથા લેખક નો જન્મ થાય ખરો!

(૨૧) સેકસ લેસન્સ ફ્રોમ હિસ્ટ્રી : ફર્ન રિડેલનું આ પુસ્તક સેક્સ જેવા વિષય પર ગલગલિયાં કરાવવા માટે નથી, પણ એના સિરિયસ અભ્યાસ માટે છે  અલબત્ત, નેચરલી એ એકદમ મસ્ત રીતે લખાયેલું છે  સેક્સ વિના તો માનવજાત નું અસ્તિત્વ જ ન હોય એટલે આ સૌથી જૂની ક્રિયાઓમાંની એક છે. ધર્મથી પણ જૂની! પણ પહેલી વખત કોઈએ  રિસર્ચ થિસીસની જેમ સેક્સનો આરંભથી આ જ સુધીનો વિગતે ઇતિહાસ લખ્યો છે. અઢળક સાઇટેશન્સ, કવોટ્સ, રેફરન્સીઝ અને ચટપટી માહિતી એમાં તબક્કાવાર તવારીખ સાથે પ્રકરણો પાડીને મુકાઇ છે. આપણા પૂર્વજોની રતિક્રીડાથી શરૂ કરી ડિજીટલયુગમાં સેક્સના ભવિષ્ય સુધીની ચર્ચા આ ૩૫૦ પૃષ્ઠ ધરાવતા ભરાવદાર પુસ્તકમાં વાંચવાની મજા પડી જાય એમ છે. 

(૨૨) વિલ : ઓસ્કાર જીતતા જીતતા પત્ની ખાતર તમાચો મારતા બેન થયેલા એક સમયે જગતના એકધારા બ્લોક બસ્ટર્સનો રેકોર્ડ કરનાર સુપરસ્ટાર વિલ સ્મિથની આ આત્મકથાને આધુનિક યુગના મોટીવેશનલ લેખકોમાં સૌથી સ્માર્ટ ને પ્રેક્ટિકલ એવા માર્ક મેન્સનનો સાથ મળતા એ માત્ર જીવનકથા ને બદલે એક પ્રક્રારની સેલ્ફ હેલ્પ બુક પણ બની છે. બંને લેખકો વળી ગંજાવર સેન્સ ઓફ હ્યુમર ધરાવે. એટલે એવા વન લાઇનર્સ જડે અંદરથી. જેમ કે, મૂર્ખ સાથે ઝઘડો એટલે કરવો નહીં કે દૂરથી જોનારાઓને અક્કલવાળા અને અક્કલ વગરના વચ્ચેનો ફરક સમજાતો નથી હોતો !

(૨૩) ભારત એક અમૃત પથ : બીજું કોણ હોય આ લખનાર ? વન એન્ડ ઓન્લીથ ઓશો રજનીશ. એમની વાણીનું આ લેટેસ્ટ સંકલન આપણી અસલી વિરાસત ની ચમક રજૂ કરે છે. આજકાલ સનાતનના નામે ઈગો બુસ્ટિંગ થાય કે ટોળાઓ ભેગા થઈ જાય છે. પણ હાલત કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના જેવી હોય છે! ખરેખર ભારત કઈ રીતે અને શા માટે વિશ્વ ગુરુ છે એ સમજવું હોય તો આ બુકનું પાને પાનું ચાવી ચાવીને વાગોળવા જેવું છે. જેમાં ટોળાના સીનસપાટા નથી, પણ જ્ઞાનના સંવેદનશીલ ઝાપટા છે સાચા અનુપમ ભારતને સમજવા માટે અનિવાર્ય એવું પુસ્તક. 

ઝિંગ થિંગ 

આપણે વાંચીએ છીએ, એટલા માટે કે આપણને અહેસાસ થાય કે આપણે એકલા નથી. આપણી જેવું જ વિચારતું બીજું કોઈ પણ છે ! ( વિલિયમ નિકોલસન)

Tags :