Get The App

થર્ટીફર્સ્ટ અને શરાબ : 2025 સુધી 'ઝેર તો પીધાં જાણી જાણી'નાં હવે 2026થી વળતાં પાણી?

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
થર્ટીફર્સ્ટ અને શરાબ : 2025 સુધી 'ઝેર તો પીધાં જાણી જાણી'નાં હવે 2026થી વળતાં પાણી? 1 - image

- અનાવૃત-જય વસાવડા

- સમૃદ્ધ દેશોમાં દારૂના વેચાણમાં ધીમો ઘટાડો થઈ રહ્યો છે. જગત હવે 'પીક બૂઝ' (દારૂના મહત્તમ ઉપયોગ) ના સ્તરે પહોંચી ગયું છે, માટે ધરાઈ ગયા પછી ઘટી જતી ભૂખની જેમ હવે તે ઘટશે

ભા રતમાં ખ્રિસ્તીઓની વસતિના પ્રમાણમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીઓનું આકર્ષણ અનેકગણું છે, એનું મુખ્ય કારણ તો આવું જ માનતી પ્યાસી આત્માઓ છે ! દંભી અને તદ્દન નિષ્ફળ એવી ભ્રષ્ટાચારના ઘર જેવી દારુબંધીને લીધે અમુક ગુજરાતી છોકરા છોકરીઓ (હા, છોકરીઓ પણ )ના મોં માં તો મફત જામ પીવાના નામમાત્રથી લિટરેક પાણી છૂટી જાય છે ! આમ પણ મોટા ભાગના યંગસ્ટર્સ માટે તો પાર્ટીનો માહોલ જ બને ડાન્સ એન્ડ ડ્રિંંકથી ! કોમનવેલ્થ ગેમ્સનું હરખથી મોટું યજમાનપદ અમદાવાદમાં લીધું છે એટલે તો ગિફ્ટ સિટીથી શરુ કરીને ગુજરાતમાં દારુ બાબતે મોકળાશ થઇ રહી છે. ટુરિઝમ પાડોશી રાજસ્થાનમાં વધવાનું કિલ્લાઓ સિવાયનું આ પણ એક કારણ છે ને કોર્પોરેટ વર્લ્ડ પાડોશી મહારાષટ્રમાં વધવાનું આ પણ એક તારણ છે !

એની વે, ૩૧ ડિસેમ્બરના નામમાત્રથી જેમને હિક હિકની કિક લાગી જાય છે, એવા લોકો માટે ઈકોનોમિસ્ટ જેવા માતબર મેગેઝીને સ્ટોરી છાપી છે કે હવે દુનિયામાં દારુ પીવાનું પ્રમાણ વધવાને બદલે ઘટવા લાગ્યું છે ને ડ્રગનાં કારોબાર વચ્ચે પણ એવી જેનઝી વધતી જાય છે જે ધાર્મિક નહિ પણ આધુનિક હેલ્થ કોન્શ્યસ થઈને શરાબ અને સ્મોકિંગથી દૂર રહેવા લાગી છે !શરાબ સાથેની માનવજાતની લવસ્ટોરી બ્રેક અપ થવાની હોય એવા સંકેતો છે. વિકસિત દેશોમાં તેનું વેચાણ ઘટી રહ્યું છે. એના વપરાશની લિમિટ આવી ગઈ છે.  જગતની સૌથી મોટી આ પાર્ટી હવે પૂરી થવાની છે?

એ વાત માંડતા પહેલા એ જોઈએ કે આખરે માનવજાત દારૂની નજીક કેવી રીતે આવી? 

***

ગ્લાસમાં પરપોટા છોડતી શેમ્પેઈન હોય,  ફીણથી ઉભરાતી બીયર હોય, કે હોઠ પર ડાઘ છોડતી રેડ વાઇન હોય -દારૂ યાને આલ્કોહોલ પોતાની હાજરીની છડી વાસથી તરત પોકારે છે. ને પછી સ્વાદથી. સૌથી પહેલાં એક હળવી બળતરાનો અનુભવ થાય છે, એક નાનકડો રાસાયણિક 'તણખો', જો પેટ ખાલી હોય, તો આ દારૂ મિનિટોમાં લોહીના પ્રવાહમાં ભળવાનું શરૂ કરે છે - અને પછી શરીરના લગભગ દરેક કોષ અને પેશી સુધી પહોંચી જાય છે. કહે છે કે લીવરની કેપેસિટી દિવસના એક ડ્રિંંકની માંડ હોય છે. પણ પીનારા એમ અટકતા નથી. 

શરાબની ચડતી મસ્તીનું રહસ્ય એની લોહીમાં તરત ભળતી કેમિસ્ટ્રીમાં છે. જેનું સાયન્ટીફિક નામ છે ઇથેનોલ, એક અત્યંત નાનો અને ચપળ અણુ જે બે કાર્બન પરમાણુઓનું માળખું ધરાવે છે અને તે પાણીમાં ભળી જાય છે. તે 'બ્લડ-બ્રેઈન બેરિયર' (લોહી અને મગજ વચ્ચેનો અવરોધ) ને એક ધુરંધર જેવા કસાઈનુમા અંદાજમાં પળવારમાં ઓળંગી શકે છે. પછી શરુ થાય છે અસલી ખેલ !

આપણા મગજમાં આમ દબાણપૂર્વક પરાણે પ્રવેશ કરીને, દારૂએ માનવઇતિહાસને આકાર આપ્યો છે. આપણા પૂર્વજોના વૃક્ષો પરથી નીચે ઉતરવાથી લઈને આધુનિક શહેરોની રચના સુધી. છતાં, એને લીધે મોજ અને મેળાવડાની સાથે દુ:ખ અને બીમારી પણ આવી. પણ મૂળ મુદ્દો છે એનું બંધાણ વળગ્યું કેવી રીતે? 

બાયોકેમિસ્ટ્રી મુજબ આલ્કોહોલમાં રહેલું ઇથેનોલ એટલું તો ઝેરી છે કે તેનું સેવન કરનારા મોટાભાગના પ્રાણીઓ કાં તો તરત જ નશામાં ચૂર થઈ પોતાને ખતમ કરે ! પણ મનુષ્યો પાસે એન્ઝાય્મ્સની એવી પેર છે જે તેને નાઈટક્લબના બાઉન્સરની જેમ શરીરની બહાર બહાર કાઢી મૂકે છે ! દારૂને પચાવવાની આપણી ક્ષમતાના ઊંડા મૂળ ઉત્ક્રાંતિમાંછે.

એકાદ કરોડ વર્ષો પહેલા, મનુષ્યો, ચિમ્પાન્ઝી અને ગોરિલાના પૂર્વજ એવા એપ યાને નરવાનરમાં માણસમાં રહેઠાણના ફેરફાર સાથે એક એવું મ્યુટેશન પરિવર્તન આવ્યું જેનાથી તેઓ શરીરમાંથી ઇથેનોલને વધુ કાર્યક્ષમ રીતે દૂર કરી શક્યા ! ઓક્સફર્ડ યુનિવસટીના રોબિન ડનબાર નોંધે છે કે તે સમયે ઉષ્ણ કટિબંધીય જંગલો નષ્ટ થઈ રહ્યા હતા. લગભગ ૯૦% એપ કહો કે વાનરની જેમ જીવતા પૂર્વજો લુપ્ત થઈ ગયા. એક ફાંટો એમનો અસ્તિત્વ ટકાવવા વૃક્ષો છોડીને જમીન પર ખોરાક શોધવા આવ્યો ને જીવ્યો ! એ જ આપણે !

જ્યારે વૃક્ષો પર રહેતા વાનરો ડાળીએથી તાજા ફળો આરોગતા હતા, ત્યારે જમીન પર રહેનારાઓને નીચે પડેલા ફળો મળ્યા, જેમાં એ સડવાને લીધે આથો આવતો હતો.  વધુ પડતા પાકેલા ફળ મીઠાં લાગતા એમ આ આથો એને નેચરલ મૂડ એલીવેટર લાગતો. એમાંથી આપણા પૂર્વજોએ આરામ અને એનર્જીની તલાશમાં દારૂનો સ્વાદ કેળવ્યો હોઈ શકે છે.  અલબત્ત,તેમણે પસંદ કરેલું આ 'ઝેર' પ્રમાણમાં હળવું રહ્યું હશે. પનામાના જંગલી ખજૂરના અતિશય પાકેલા ફળો પરના અભ્યાસમાં જાણવા મળ્યું કે તેમાં આલ્કોહોલનું પ્રમાણ ૫%થી વધુ નહોતું. હનીકેન બીઅર જેટલું.

યુવલ નોઆહ હરારીએ લખેલું એમ ક્યાંક માણસે ખેતી કરી ભરી રાખેલા જવ યાને બર્લીનાં ભંડારમાં વરસાદી પાણી પડતા દાણા સડયા અને અને એમાં અનાયાસ બીઅર જેવું કેફી પીણું બન્યું. જે ચાખતા હોગા યૂં નશા જો તીયારની જેમ માણસે એ બનાવવાની વિદ્યા કેળવી ને પછી બીજા અનાજ ને ફળો સડાવીને અવનવા શરાબ બનાવ્યા. દારુ હોવાનો પ્રથમ મજબૂત પુરાવો લગભગ ૧૦,૦૦૦ વર્ષ પહેલાંનો મળે છે. ચીનમાં જિયાહુ નામના નવપાષાણ/ નિઓલીથીક  યુગનાસ્થળે, બરણીઓમાં મળેલા અવશેષો સૂચવે છે કે તેમાં ચોખા અને ફળોના દારૂ સાથે મિશ્રિત મધમાંથી બનેલો દારૂ હતો. દારૂ કદાચ આનાથી પણ ઘણો સમય પહેલાં બનાવવામાં આવતો હશે, કદાચ તુંબડા કે પ્રાણીઓના ચામડામાં.

દારૂએ માનવ વસાહતોને એકજૂટ વિકસવામાં મદદ કરી ! વિજ્ઞાન કહે છે કે ૧૦૦થી વધુ સભ્યો સાથે સીધા વ્યક્તિગત સંબંધો જાળવવા મુશ્કેલ બની જાય છે. જે એકબીજાને સારી રીતે ઓળખતા નથી તેમની વચ્ચે વિશ્વાસ કેળવવા માટે સામાજિક પધ્ધતિ શું ? એમાં જ સમૂહપ્રાર્થના આવી, એમાં જ ગરબા કે ભાંગડા જેવા સમૂહનૃત્યો આવ્યા, એમાં જ આવ્યો શરાબ જેવો ઉત્સવની સાહેદી પુરતો નશો ! 

આદિ સમાજોમાં સામૂહિક ભોજન સમારંભો થતા એવા પુષ્કળ પુરાવા છે. ખેતી પણ સમૂહમાં થતી ને થાક ઉતારવા પર્વ મનાવાતા. સાથે હસવું, ગાવું, નાચવું, વાર્તા કહેવી અને પૂજા કરવી. આ બધી પ્રવૃત્તિઓ દિમાગમાં સુખ, સુરક્ષા અને સાથ વિકસાવતા 'એન્ડોફન્સ'  ને ઉત્તેજિત કરે છે. એ જ અસર શરાબ કરે છે. મગજના કુદરતી અફીણ તરીકે ઓળખાતા, એન્ડોફન્સ થકી આનંદ, પ્રાપ્તિ અને તણાવમુક્તિની લાગણી પેદા કરે છે. ચિંતા હળવી કરે, પણ અગત્યનું એ કીએ સામાજિકતા સાચવવા સંકોચ દૂર કરે છે.

એન્ડોર્ફિન સિસ્ટમ વ્યક્તિની પીડા સહન કરવાની શક્તિ / અપર લિમિટ વધારી શકે અને પોતીકાપણાની ભાવના કેળવી શકે. મતલબ,સામૂહિક મદ્યપાન સામાજિક સંબંધોને મજબૂત બનાવે છે, સંઘર્ષમાં સહકાર જેવું સૂત્ર જ સમજી લો સમાજ ચલાવવાનું. ગુસ્સે થયેલા પડોશી જૂથોને વિવાદ ભૂલીને એકબીજા સાથે હળીમળીને રહેવા માટે આ એક શ્રેષ્ઠ ઉપાય હતો, 

મગજના બે ન્યુરોટ્રાન્સમીટરનામે સેરોટોનિન અને ડોપામાઇનને પણ દારુ ઉત્તેજિત કરે છે. હંમેશા લહેરમાં રહેલો માણસ અજાણ્યા પર તરત ભરોસો કરે. એ રીતે દારુ સામાજિકતાનું હથિયાર અને દર્દ ભૂલાવતું ઔષધ બન્યો. એની અસરમાં ઘણા વધુ મીઠા ને વાતોડિયા બને. અન્ય લોકોના જોક્સ વધુ રમુજી લાગે કે મેલ / ફિમેલ પાર્ટનર વધુ આકર્ષક લાગે ! (એ ભરમનો શબ્દ છે 'બીયર ગોગલ્સ'!). ચહેરા પર સ્માઈલ ને મસ્તીનું તેજ આવે. ગુલાબી મૂડ ગુલાબી ગાલ બનાવે ! આપણે ત્યાં દારુ પીનારા છાકટા થઇ ઉલટીઓ કરે ને બકવાસ કરે ને અપરાધ કરે એવા બનાવો વધુ છે, પણ દુનિયા ફરતા જોયું કે પીધા પછી ભાગ્યે જ કોઈ જાહેરમાં તોફાન કરે. પોઝીટીવ બને ને ઝૂમે બસ. 

શરાબ મગજના 'પ્રી-ફ્રન્ટલ કોર્ટેક્સ'ની ગતિવિધિ ધીમી પાડે છે. આ એ હિસ્સો છે જે સેલ્ફ કન્ટ્રોલ કરે ને નિર્ણય લેતી વખતે એક્ટીવ હોય. એટલે નશામાં માણસ પોતાના વિવેકનો પટ્ટો થોડો લૂઝ કરે. એટલે સતત વધુ પડતું પીવાને લીધે સેક્સ ડ્રાઈવ પર અસર થતી હોવા છતાં પીધા બાદ બિન્દાસ બનીને સેક્સ કરવાનું કે ભેટવા ચૂમવાનું મન થાય એના જોખમોનો અંદાજ જખમ પર વેદના ઘટાડવા રેડાતા શર્બની જેમ ધૂંધળો બને. 

આજે પણ પબમાં નિયમિત જનારા લોકો પાસે મોટું અને ગાઢ મિત્રવર્તુળ હોય કે પછી ઘેર બાર રાખીને મેળાવડો ભરતા લોકો વધુ લોકપ્રિય અને સુંદર સંગાથથી ઘેરાયેલા રહે. એક સમયે આજના જેવા કોમ્યુનિકેશન વગરના સતત ભયમાં જીવાતા જીવનમાં એ અગત્યનું પરિબળ હતું. એટલે માનવસભ્યતા જામના રણકાર સાથે આગળ વધી છે. એટલે પ્રાચીન મેસોપોટેમિયા, ઇજિપ્ત, સુમેર, ગ્રીસ, ચીન, મય સામ્રાજ્ય અને અન્ય ઘણી સંસ્કૃતિઓમાં લોકોએ દેવતાઓને દારૂ અર્પણ કર્યો છે, આપણે પણ સુરાપાનનાં ઉલ્લેખો છે જ. પિરામિડ બનાવનારા મજૂરોને વળતર રૂપે ગ્રોગ નામનો આલ્કોહોલ અપાતો. 

બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીના એડવર્ડ સ્લિંગરલેન્ડે ૨૦૨૧માં 'ડ્રંક હાયપોથેસિસ' આપેલી. એ મુજબ માનવદિમાગના પ્રી-ફ્રન્ટલ કોર્ટેક્સ પર શરાબની અસરોને લીધે મોટા પાયે, 'ભયંકર રીતે જંગલી માનસિકતા ધરાવતા પ્રાઈમેટ્સ અજાણ્યા લોકો સાથે રહેવા' પ્રેરાયા અર્થાત્, સમાજના ઉદભવમાં એક ફેક્ટર હતું આલ્કોહોલ ! ખેતીના શ્રમને ભૂલવામાં ને રાજકીય રીતે ગઠબંધન બનાવવામાં એનો ઉપયોગ થતો ! 

આજના સમયમાં શરાબ મેળવવો આપણા પૂર્વજો કરતા સાવ સરળ છે. ફેક્ટરીઓમાં નજીવા ખર્ચે પુષ્કળ દારૂ બને છે. બધી સરકારો  વપરાશ ઘટાડવા માટે એના  ભારે ટેક્સ લગાવે છે,  ગેરકાયદે જીવલેણ લઠ્ઠો પીનારા પણ આદત છોડતા નથી. બ્રિટનના પૂર્વ ને અપૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ બડાઈ મારતા : 'મેં આલ્કોહોલમાંથી જેટલું મેળવ્યું છે, તેના કરતા આલ્કોહોલે મારી પાસેથી ઓછું લીધું છે.' પરંતુ એ બધા માટે સાચું નથી. 

***

વિશ્વભરમાં, આલ્કોહોલના દુરુપયોગથી દર વર્ષે લગભગ ૧૮ લાખ મૃત્યુ થાય છે ! શરાબ તે લીવર જ નહિ કરિઅર બરબાદ કરે છે. ધ્યાન જ નહિ લગ્ન પણ તોડે છે ! હાર્ટ એટેકથી લઇ કેન્સરમાં એની જવાબદારી દેખાય છે.  લાંબા સમય સુધી એવું માનવામાં આવતું હતું કે અમુક શરાબ જેમ કે વાઈન મધ્યમ માત્રામાં પીવાથી તબિયત સારી રહે. પણ તાજેતરના વર્ષોમાં એ તથ્ય પુરવાર થયું ઓછી માત્રા પણ હાનિકારક છે.

પચાસ વર્ષ પહેલાના અભ્યાસો સૂચવતા કે દિવસમાં એક કે બે ડ્રિંંક 'ગુડ કોલેસ્ટ્રોલ' વધારે અને લોહીના ગઠ્ઠા ઘટાડે. પણ વૈજ્ઞાનિકોએ ક્યારેય ન પીનારા અને બીમારીને કારણે પીવાનું છોડી દેનારા લોકો વચ્ચેનો તફાવત સમજવામાં ભૂલ કરી હતી.જાન્યુઆરી ૨૦૨૩માં, વિશ્વ આરોગ્ય સંસ્થા 'હૂ'એ જાહેર કર્યું કે આલ્કોહોલનું કોઈપણ પ્રમાણ સુરક્ષિત નથી. તેમણે તેને 'ઝેરી, સાયકોએક્ટિવ અને પરાધીનતા પેદા કરતો પદાર્થ' તેમજ 'ગુ્રપ ૧ કાર્સિનોજેન' (કેન્સર પેદા કરતું તત્વ) ગણાવ્યું. પુરાવા દર્શાવે છે કે આલ્કોહોલ મોઢા, ગળા, લીવર અને આંતરડાના કેન્સરનું જોખમ વધારે છે. લોકો ડિપ્રેશન ઘટાડવા દારુ પીવે, પણ સરવાળે માનસિક સ્વાસ્થ્ય એની લતને લીધે ફનાફાતિયા થઇ જાય. 

જે લોકોના જીન્સ જનીન આલ્કોહોલ પચાવવા માટે ઓછા સક્ષમ છે, તેમના માટે આવા જોખમો વધુ હોય છે. ઇથેનોલ કાઢતા ફિલ્ટર એમના નોર્મલ કામ નથી કરતા.વિશ્વમાં આશરે ૫૪ કરોડ લોકો - જેમાંથી મોટાભાગના પૂર્વ એશિયાઈ મૂળના છે -તેઓ 'એસેટાલ્ડિહાઈડ' નામના દારૂના ઝેરી તત્વને પેટમાં ગયા બાદ પાચન તોડવામાં મુશ્કેલી અનુભવે છે. દારૂ પીધા પછી ઘણા લોકોનો ચહેરો દેખીતી રીતે લાલ કે ફૂલેલો થઈ જાય છે, જેને બોલચાલની ભાષામાં 'એશિયન ફ્લશ' કહેવાય !

આંકડાશાસ્ત્રી ડેવિડ સ્પિગેલહાલ્ટર દલીલ કરે છે કે જો તમે બહુ ઓછું ને સાવ ક્યારેક જ ( વરસમાં માંડ પાંચ સાત વાર ) પીતા હોવ, તો જોખમ નહિવત છે. પણ મુદ્દો એ છે કે શરાબમાં વ્યસનને બ્રેક મારવાનું મનોબળ છે ? થોડું પીવાનું કહેનારા પછી ક્યારે ઝાઝું પીવા 

લાગે છે, એનો અહેસાસ એમને થાય ત્યારે અફસોસ જ રહે છે એમના માટે ને એમના સ્વજનો માટે. દારૂ તરત એડિકશન પેદા કરે છે, એટલે  છોડવો અઘરો છે. માનવીનું શરીર કલાકમાં માંડ આઠ ગ્રામ આલ્કોહોલ પચાવી શકે છે, જે અડધો પિન્ટ બીયર થયો વધુ પીવાથી લોહીમા એસેટાલ્ડિહાઈડ જેવા હાનિકારક તત્વો જમા થવા લાગે છે.

નવી વાત એ છે કે લગભગ તમામ સમૃદ્ધ દેશોમાં આ નવી સદીની શરૂઆતથી યુવાઓમાં મદ્યપાન ઘટયું છે. યુવાનો હવે મિત્રોને મળવા બહાર જવાને બદલે સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગમાં સમય વિતાવે છે. ઘણા યુવાનો દારૂને ઊંઘ બગાડનારી અને મગજ બંધ કરનારી એક મોંઘી ને ખતરનાક વસ્તુ તરીકે જુએ છે. એમને એનો રજવાડી ખર્ચ પોસાતો નથી. 

એટલે સમૃદ્ધ દેશોમાં દારૂના વેચાણમાં ધીમો ઘટાડો થઈ રહ્યો છે. જગત હવે 'પીક બૂઝ' (દારૂના મહત્તમ ઉપયોગ) ના સ્તરે પહોંચી ગયું છે, માટે ધરાઈ ગયા પછી ઘટી જતી ભૂખની જેમ હવે તે ઘટશે. હવે ભારતમાં પણ આવી ગયેલી 'ઓઝેમ્પિક'  જેવી વજન ઘટાડવાની દવાઓના ઉપયોગમાં જબ્બર ઉછાળ આવ્યો  છે. આ દવાઓ મગજના રિવોર્ડ પાથવેને અસર કરીને દારૂ પ્રત્યેની રુચિ ઘટાડે છે, ઉલટું વધુ પીધા પછી ઉબકાની લાગણી વધારે છે. ફિટનેસ ક્રેઝ વિડીયોને લીધે વધી ગયો ને બહુ સેલિબ્રિટીઝના શરાબને લીધે અકાળે મરણ જોયા એટલે નવી પેઢી સાવધ થતી જાય છે.

આલ્કોહોલ ઉદ્યોગ આ તમામ પ્રવાહો પર ધ્યાન આપી રહ્યો છે. તેઓ દારૂના વિકલ્પો તરીકે 'નો-આલ્કોહોલ' અથવા 'લો-આલ્કોહોલ' જેને 'નોલો' કહેવાય છે એવાપીણાં તૈયાર કરી રહ્યા છે. રિયલ પલ્પવાળા ફ્રુટ ને મેડીકેટેડ નેચરલ જ્યુસ તેજીમાં છે. જોકે આ માર્કેટ હજુ નાનું છે, પણ તે ખૂબ ઝડપથી વધી રહ્યું છે. દસ વર્ષમાં ડબલ થઇ જવાનું છે ! બીજો નુસખો એવા નવા પીણાં બનાવવાનો છે જે દારૂ જેવી જ મજા આપે પણ તેના ઘટકો અલગ હોય. જિનસેંગ, અશ્વગંધા, લાયન્સ મેન, મેગ્નેશિયમ કે સીબીડીજેવા વનસ્પતિના અર્કથી ભરપૂર 'ફંક્શનલ' ડ્રિંક કે પછી અવનવા વિટામીન ધરાવતા સ્પેશ્યલ ડ્રિંંકનો રાફડો ફાટયો છે. 

હા, અસલી દારૂ જેવો નશાકારક, અસરકારક અને અમુક અર્થમાં સ્વાદિષ્ટ પણ નુકસાનકારક ના હોય એવો એવો ફળ, અનાજ જેવો વનસ્પતિ આધારિત હર્બલ દારૂ બનાવવો મુશ્કેલ છે. (નહિ તો પતંજલિનો આસવ આવી ગયો હોત ને !) 'ઈમ્પોસીબુ્ર'  અને 'થ્રી સ્પિરિટ' જેવી બ્રાન્ડ્સે પ્રયાસો કર્યા છે. આ વર્ષે ટેન્શન ઘટાડતી વનસ્પતિ 'રોડિયોલા' નો નોન આલ્કોહોલિક બીઅર પીધો હતો. કિકની મજબૂત અસર માટે, કેટલીક કંપનીઓ ફ્લેવર સાથે વનસ્પતિના અર્કનો અર્ક લઈને મૂડ બદલી શકે તેવા મોકટેલ બનાવે છે.

પણ પેલી બ્લડ બ્રેઈન બેરિયર તોડતી જે નશાની મજા આલ્કોહોલ મોંઘી કિંમત ગજવા અને સ્વાસ્થ્યની વસૂલ કરીને આપે છે એની હેલ્ધી નકલ હજુ શક્ય નથી. દારૂની જેમ એન્ડોર્ફિન્સને મુક્ત કરવામાં બીજું કંઈ પણ સક્ષમ નથી. રિલેક્સ કરે ને ભાવે ને હાથમાં લઇ પાર્ટીમાં બેસી શકો. પણ હવામાં ધીરે ધીરે તરતા હો એવી લિજ્જત ના આવે.

મગજની કુદરતી શાંત રાખવાની પ્રણાલીનો ભાગ ગાબા પર દારૂની પ્રબળ અસર પડે છે. લંડનની એક કંપની અલ્કારેલી નામનો સ્વાદહીન પદાર્થ વિકસાવવાનો પ્રયાસ કરી રહી છે જેની સમાન અસર થાય છે. પણ તે કેમિકલ સુરક્ષિત છે તે સાબિત કરવા માટેના પરીક્ષણોમાં વર્ષો લાગી શકે છે. એટલે શ્રેષ્ઠ રસ્તો શરાબની આદત કે નશાથી સદંતર દૂર રહેવાનો છે ભવિષ્યના બારટેન્ડર્સ કદાચ  ઓરેન્જ જ્યુસ વિથ જીંજર કે મરીવાળું લીંબુ શરબત આપશે હળદર ને તજના શોટ સાથે !

જે લોકો માનસિક રાહત મેળવવા નશો કરે છે, એમના માટે ધ્યાન, સાયકેડેલિક્સ મૂળિયાં, નૃત્ય, સંગીત અને મંત્રોચ્ચારની પ્રાર્થના છે જે મગજની સ્થિતિને મોરારિબાપુની કથાની જેમ બદલે ને સમૂહમાં ભેગા પણ કરે ! પણ ૧ કરોડ વર્ષ જૂની આદત રાતોરાત અદ્રશ્ય થશે નહીં. જે સમાજો સફળતાની ઉજવણી શેમ્પેઈનથી કરવા,  વાઈન ટકરાવી રોમાન્સ કરવા  અથવા ટકીલાના શૉટ્સ સાથે પાર્ટીમાં નાચવાથી એ કંઈ આટલી સહેલાઈથી સ્વિચ નહીં કરે. પણ સમય જતાં જેમ જેમ નોન-આલ્કોહોલિક ડ્રિંંક વધુ સ્વાદિષ્ટ ને મસ્તીખોર બનશે, તેમ વધુ લોકો તેનો ઉપયોગ સારી સામાજિક છાપ પાડવા અને સુરક્ષિત રીતે ઘરે ડ્રાઈવ કરવા માટે કરશે. ઇથેનોલની તલપ ઘટાડતી દવાની કોઈ 'જાદુઈ ગોળી' આવશે જે લોકોને એક ગ્લાસ પછી અટકી જવામાં મદદ કરશે.

સૌથી સુખી દેશ ફિનલેન્ડમાં 'કાલ્સારીકાનિત એવો શબ્દ છે. મતલબ, કોઈ કંપની વિના ઘેર કેઝયુઅલ ચડ્ડા બદન જેવા કપડામાં એકલા એકલા પીવું.  આજકાલ એક બાજુ પાર્ટીનો શોર હોય ત્યાં આવા પણ ઘણા છે. પણ ઉત્સવને ભીતરના આનંદની જરૂર છે. અંદરનો નશો અખંડ હોય મોજની ખોજમાં ખોવાઈ જવાનો, સૌન્દર્ય અને નવીનતાનો તો લાઈફ ઈઝ ફોરએવર પાર્ટી ! 

ઝિંગ થિંગ 

'હું એટલે પીતો હોઉં છું કે મને આસપાસના બીજા બોરિંગ લોકો વધુ ઇન્ટરેસ્ટિંગ લાગે' 

- (અર્નેસ્ટ હેમિગ્વે )