વો જો બેખૌફ મહોબ્બત કા હુનર દેતા હૈ વહી શખ્સ બિછડને કા ભી ડર દેતા હૈ!
- અનાવૃત-જય વસાવડા
- નવી જનરેશનને સમજ્યા વિના, ઓળખ્યા વિના એમની સાથે કોઈ કોમ્યુનિકેશન કર્યા વિના જૂની પેઢીના વસૂકી જઇને બબૂચક વિવેચક થઇ ગયેલા ખોરા ટોપરાઓ એમના જજમેન્ટ લેવા બેસી જતા હોય છે
સા હિત્ય હોય કે સિનેમા, કોઈપણ કૃતિ બ્લોકબસ્ટર સકસેસ ક્યારે મેળવે ?
વેલ, આવી કોઈ ફોર્મ્યુલા કે રેસિપી હોત તો દુનિયામાં બધા સર્જકો ને તમામ સર્જનો સુપરહિટ જ હોત ! પણ એવું તો થતું નથી. ભલે, ઇરાદા ગમે તેટલા સારા હોય કે સ્ટોરી આઇડિયા, પ્લોટ પણ મૌલિક કે દમદાર હોય !
એનો એક જવાબ એ છે કે કહાનીમાં જે કિરદાર હોય, યાને કેરેકટર્સ, પાત્રો એની જોડે વાચક કે પ્રેક્ષકનું કનેકશન બનવું જોઇએ. એમના સુખે સુખી ને એમના દુ:ખે દુ:ખી એવો અહેસાસ થવો જોઇએ. પ્યારની માફક આ બોન્ડિંગ પણ આપણા હાથમાં નથી. બસ, એ તો કોઈ જાદૂઈ ચમત્કારિક રીતે થઇ જતું હોય છે.
અને હિન્દી ફિલ્મોમાં દરેક જનરેશનને પોતાના આવા કિરદારો મળી જાય છે, જેમની સાથે એ જોડાઈ જાય છે. મુઘલ-એ-આઝમ એમ જ કલ્ટ ક્લાસિક નહોતી અને બોબી પાછળ એમ જ જવાન જનરેશન ઘેલી નહોતી થઇ. એક દૂજે કે લિયે જોઇને આપઘાત વધી ગયેલા જાતિ કે ભાષા જેવા ભેદને લીધે મળી ન શકેલા પ્રેમી યુગલોના અને કયામત સે કયામત તકની સફળતાએ એકશન રિવેન્જ મસાલાનો અમિતાભની જંઝીરથી શરૂ થયેલો પ્રવાહ પલટાવી નાખેલો ! ડર હોય કે કહો ના પ્યાર હૈ, લવ સ્ટોરી હોય કે બેતાબ, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે હોય કે કુછકુછ હોતા હૈ, રાંઝણા હોય કે કબીરસિંહ, રામલીલા હોય કે હમ દિલ દે ચૂકે સનમ...
અને હવે 'સૈયારા'.
***
સૈયારા ફિલ્મ અણધારી ચાલી ગઈ એમાં કેટલાય ને એમ જ ધોળે દિવસે તારા દેખાઈ ગયા ! ફિલ્મો નબળી હોય તો ન ચાલે, બાકી રોકી રાની કી પ્રેમકહાની પણ ચાલે અને આમીર ખાનની ચેમ્પિયન્સની બેઠ્ઠી રિમેક 'સિતારેં જમીન પર' પણ ઓફબીટ હોવા છતાં ઝંડા ગાડી દે. બોયકોટના બોયઝના કોટ ઉતરી જાય ! સૈયારામાં વળી ખાન, કપૂર, કુમાર વગેરેના ઢગલામાં પાંડેની એન્ટ્રી છે. ભલે નેપો કિડ્સ કહેવાય. તક એમને મલે ઝટ, પણ સફળતા એમ મળતી હોત તો અભિષેક હજુ પણ સ્ટ્રગલર જેવી ફીલ ન આપત. એમ તો લવયાપાની વાર્તામાં પણ દમ હતો ને નેપો કિડ્સ હતા, પણ ક્લિક ના થઈ.
સૈયારા કેમ સફળ થઇ આટલી ? ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. નવી જનરેશનને સમજ્યા વિના, ઓળખ્યા વિના એમની સાથે કોઈ કોમ્યુનિકેશન કર્યા વિના જૂની પેઢીના વસૂકી જઇને બબૂચક વિવેચક થઇ ગયેલા ખોરા ટોપરાઓ એમના જજમેન્ટ લેવા બેસી જતા હોય છે.
ભલે એકની એક વાત લાગે, પણ આકર્ષણ કુદરતી છે, એટલે જેમ દર ચોમાસે વરસાદ નવો લાગે કે દર ઉનાળે કેરી મીઠી જ લાગે એમ પ્રેમ કાયમ માટે પેઢી દર પેઢી મધુર અને તાજો જ રહે છે. લવ ઇઝ એવરગ્રીન. એની ઓટ પછી ભરતી આવવાની જ છે. દુનિયાની બધી કળા પાછળનું ચાલકબળ તો પ્રેમ જ છે. કોઇનો પર્સન માટેનો, કોઇનો પ્રોફેશન માટેનો સફળતાની ખુશીમાં કોઈ અભિવ્યક્તિ થાય છે, તો બરબાદીના ગમમાં કોઈ એક્સપ્રેશન રચાય છે. પણ લવ તો એ બાબત છે કે મજનૂને અલ્લાહની ઇબાદતમાં પણ લૈલા લૈલા સંભળાય ને માંગડાવાળો પ્રીતને ખાતર પ્રેત બનીને પણ લોહીના આંસુડે રોવે !
સૈયારા ઘણા સમય પછી હિન્દી સિનેમામાં થયેલું આ પ્રેમનું સેલિબ્રેશન છે. સાઉથના હેંગઓવરમાં લાર્જર ધેન લાઇફ એકશન હીરોમા ઝપાટાસપાટા વચ્ચે કોઈ ભેખડ નીચે વહેતી નદી પરથી આવતી લહેરખી જેવી એ લાગે. કંઈક હિન્દીમાં આવું થાય એવી રાહ જોવાઈ રહી હતી કે મલ્ટીપ્લેક્સમાં જતા જેનઝી ને જનરેશન આલ્ફાના યુવક યુવતીઓ ફિદા થઈ શકે.
આમ પણ 'સૈયારા'ના બે મુખ્ય પાત્રો જુઓ. આ બેઉ અલ્ટીમેટ મેલ એન્ડ ફિમેલ ફેન્ટેસીના નવા પેકેજમાં થયેલા ટેમ્પલેટ છે. એવરેજ પુરૂષને કેવી સ્ત્રી ગમે ? સુંદર હોય પણ માસૂમ હોય. સેક્સી હોય તો માત્ર એના મનના માણીગર સાથે જ હોય. શાંત, ડાહી અને આજ્ઞાંકિત હોય. મહાનગરોમાં રહીને, મોડર્ન ક્રિએટીવ જોબમાં હોય છતાં રાત્રે સાડા આઠે તો એને ઘેર પાછા ફરી જ જવું હોય. ફેમિલી સેટ કરી શકે એવા કમિટમેન્ટ ને સેક્રિફાઈસમાં માનતી હોય. વળી સ્માર્ટ હોય, ટેકનોસેવી હોય, સોશ્યલ મીડિયા સમજતી હોય, ડિસન્ટ ઘરેલું લૂકમાં પણ ફેશન સાદી, સૌમ્ય છતાં આકર્ષક કરતી હોય. જરા પારેવા જેવી ગભરુ હોય જેને સોડમાં લપાવવી ગમે. પણ ડફોળ ન હોય. ઇન્કપેનથી દેવનાગરી (અંગ્રેજી આવડતું હોય છતાં !) લિપિમાં ડાયરીમાં શાયરી લખે એવી હોય ને પોતે તો ગાંજા, ચરસ, દારૂ, સિગારેટથી તદ્દન દૂર રહે, પણ એના પ્રિયતમને પણ સુધારે એવી હોય !
અને નાયક પુરૂષ ? પહેલા તો સ્ત્રી માત્ર ઘર એટલે સંભાળી શકે કે એને સુધારવું ગમતું હોય છે. કચરો સાફ કરવાથી કપડાં ગડી કરવાની જેમ મર્દને પણ સુઘડ કરે. અને પુરૂષ ગમતી સ્ત્રી કહે તો આમ ભલે આખી દુનિયા ઘોળીને પી જાય એવો હોય, તો પણ પ્રેયસી સામે હસતા હસતા ઝૂકી જાય. એની અંદર કશાક કચવાટને લીધે ઘૂંઘવાટ હોય જે રોષ એનું પૌરૂષ જગાવતો હોઈને આકર્ષક લાગે. પણ મવાલી જેવો દેખાવ, હોય નહિ. એમ તો ખાસ્સો ટેલેન્ટેડ હોય. પાછો એકદમ કેરિંગ હોય. બધું પડતું મૂકીને, પૈસા-પ્રતિષ્ઠા-પબ્લિકની પરવા વિના પ્રેમ ખાતર દોડે એવો, ઊભો રહીને માંદગીમાં ઉજાગરા ને સેવા કરે એવો. પણ નરમ નરમ નહિ, ગરમગરમ હોય. પોતાના પ્રેમને પોતાના અન્યાય બાબતે કોઈનો ગંદવાડ સાંખી ના લે, એવો મજબૂત લડવૈયો, પાછો પરિવારનો બોજ નહિ, એકલો સ્વતંત્ર જીવી જાણે, સમાધાનો કરે નહિ ને મક્કમ રહીને દુનિયાને પડકાર ફેંકે. આક્રમક હોય એવો આકર્ષક હોય. આંખોમાં કશીશ ને તડપ દેખાય. કન્ફયુઝડ ના લાગે, કોન્ફિડન્સથી પ્રિયાને બાઈક પર બેસાડી ભગાવે. રોકસ્ટાર ઇમેજ છતાં લફરાંઓ ન કરે, ગુસ્સો બહુ કરે પણ ફ્રસ્ટ્રેશનને લીધે, અબ્યુઝીવ બનીને ધોલધપાટ પોતાને ગમતી વ્યક્તિની ન કરે, ઊલટું મદદ કરે !
આ બે પાત્રો અસરકારક રીતે રચાયા ક્રિશ કપૂર અને વાણી (વાની નહિ રે બાબા) બ્વાના રચાયા એ જ ડાયરેક્ટર મોહિત સૂરીની સફળતા. આદિત્ય ચોપરાએ પ્રોડયુસર તરીકે આમ તો સૂરજ બડજાત્યાની જ ફિલ્મ બનાવી છે. તોફાની શરારતી પુરૂષ અને નિર્દોષ ને નમણી એના પ્રેમમાં પડી જતી છોકરી, જેને માટે પુરૂષ પોતાનો પ્રેમ અડગ રહી દરેક કસોટીમાં સાથ આપીને સાબિત કરે. ને જે છોકરી પણ ગમતા પુરૂષ પર નેગિંગ યાને કચકચ કરીને એને પરેશાન કરવાને બદલે એની ચાહતને લીધે ખુદને દુ:ખ આપીને પણ એને ઉડવા દે !
આ પાત્રાલેખનમાં જ સક્સેસનું સિક્રેટ છે. આ તો અલ્ટીમેટ મેલ ઓર ફિમેલ ફેન્ટેસી છે નોર્મલ ભારતીયોની દરેક છોકરીને આવો છોકરો જોઈએ છે ને દરેક છોકરાને આવી છોકરી. રિયલમાં નહિ તો સ્ક્રીન પર સહી. હવે બીજી સિદ્ધિ મોહિત સૂરીની એ કે અદાન પાંડે અને અનીત પડ્ડા જેવા બે ફ્રેશ ફેન શોધીને રજૂ કર્યા. જે વલ્નરેબલ લાગે, બિલિવેબલ લાગે ને સાચે જ આજની પેઢીના નાની ઉંમરના હોય. વળી પરફોર્મન્સ મહેનતથી સારું કરે. અભિનય આવડે. મૌન રહે તો આંખો બોલતી હોય. કનેકશન ઇઝ ફિટ એન્ડ હિટ.
હવે જુઓ બાકીના એક્સ ફેકટર્સ, બોલીવૂડમાં એક સમયથી બે બાબતનો દુકાળ છે, જે એક સમયે એની ઓળખ હતી. નવા સ્ટાર્સ અને વાર્તાને આગળ લઈ જતા સાંભળવા ગમે એવા ગીતો. હિન્દી સિનેમા અભિનય પછી, ચહેરા પર અને વાર્તા પછી, ગીતો પર દર્શકોને શરૂઆતના દિવસોમાં થિએટર સુધી ખેંચતું. નવી પેઢીના વાસ્તવવાદી ફિલ્મકારોએ કીમોથેરાપી કેન્સર મટાડતા સાજા કોષને મારી નાખે એમ આ બે બાબતો જ ફગાવી દીધી હતી.
સૈયારામાં એ બંને છે. ભલે ભટ્ટ કેમ્પની કે યશરાજની અગાઉની ફિલ્મો જેવું સદાબહાર સંગીત નથી. પણ શબ્દો ભાવવાહી કવિતાના ગીતોમાં ને આજના ટ્રેન્ડ જેવું સૂફિયાના આશિકાના વિથ એક એન્ડ જેઝ ફ્લેવર જેવું મ્યુઝિક સારું છે. એકના એક ચહેરા જોઈ ઉબકા આવે ત્યારે બે નવા સારું પરફોર્મ કરી શક્તા, નાચી શક્તા એક્ટર્સ છે, જે દેખાવડા સોહામણા છે ને હોઠ ફફડાવી ગીતો ગાઈ શકે છે પડદા પર. આ રો (કાચી) લવસ્ટોરી છે. એની તરવરતી તાજગી કનેક્ટ થાય છે. અહીં બેવફાઈ નથી, આઈટેમ સોંગ નથી, ફૂહડ કોમેડીનો એક સિંગલ સીન નથી, આંસુઓ ભરપૂર છે. હીરોહીરોઇન રોવે છે, મિલન માટે, ઇન્તેઝાર માટે, વિરહ માટે. બ્રેકઅપ છે, બ્રેકઅપનું તરત જ ઘાયલ કી ગત ઘાયલ જાને જેવું રિલેટેબલ લાગે એવું પેઇન છે. આજની જનરેશનને સ્પર્શે એવી લોન્લીનેસના ખાલીપા છે. મૂડીસ્વિંગ્સ છે ને બોરડમમાંથી બહાર કાઢીને જીવવા, કામ કરવા પ્રેરિત કરતો લવ છે !
ભલે પ્રમોશન માટે રીલમાં નકલી રીતે લોકો બેહોશ થતા હોય કે રોતા હોય, આ તો ગણપતિના દૂધ પીવા જેવું છે. નવી ટ્રિક છે, તરત રહી ગયાની ફીલિંગ થાય ને બીજાને અસર થવા લાગે. પણ ફિલ્મ રોકસ્ટાર, સદમા, આશિકી ટુ (મૂળ તો સ્ટાર ઇઝ બોર્ન), કબીર સિંહ, નોટબૂક, થ્રી ઇડિયટસ (ક્લાઇમેક્સ) જેવી ઘણી ફિલ્મોની ભેળપુરી છે દેખીતી. સેન્ટ્રલ થીમ જ મહેશ ભટ્ટ પરંપરા મુજબ 'મોમન્ટ ટુ રિમેમ્બર' નામની કોરિયન ફિલ્મમાંથી ઉઠાવાઈ છે, જે એક જાપાનીઝ ટીવી સિરીઝ પર આધારિત હતી ! મોહિત સૂરીએ કારકિર્દીની શરૂઆતમાં લોસ્ટ ઇન લવના દર્દની 'આવારાપન' પણ કોરિયન ફિલ્મ પરથી બનાવેલી.
પણ 'દૂર કહીં જાયેંગે, નઇ દુનિયા બસાયેંગે' ની ફેન્ટેસી, સપોર્ટિવ ફેમિલી, ફ્રેન્ડશિપ બોન્ડિંગ ને પ્યારની કશ્મકશભરી તડપ ને ઘૂટનના પેઇનને લીધે ઓનેસ્ટ લાગે છે. મોહિત સૂરીની મલંગ કે વોહ લમ્હે, એક વિલન કે ઝહર બધી ફિલ્મોનાં લવ ઇન્ટેન્સ હોય છે. કારણ કે એક્ટ્રેસ પત્ની ઉદિતા ગોસ્વામી સાથેની એની લવસ્ટોરી ૨૧ વર્ષથી તગડી રીતે મળેલી છે. પરણ્યા પહેલા ને પરણીને બે સંતાનો પછી હજુ ઉદિતા એના માટે ભીના ટુવાલ સૂકવતો જજે સરખા જેવી પોસ્ટ લખીને મસ્તી સાથે એના પેશન ને મૂવીમેકિંગને રિસ્પેક્ટ કરે છે. પ્રિયા તમારા માટે સન્માન મનોમન રાખે, એ તમારી આંતરિક શક્તિ વધારી દે !
બોલીવૂડમાં હજુ સ્માર્ટફોન યુગ પહેલાના ફિલ્મ મેકર્સ મોટી હિટ આપી શકે છે એ જોયું ? અનીસ બઝમી હોય કે મોહિત સુરી. કારણ કે ભલે એ પ્લોટ તફડાવી લાવે, એમની જિંદગી વિશેની સમજ નેચરલ છે. ડિજીટલ નથી ! એ લોકોએ જવાની, ઇશ્ક, તડપ, ખાલીપો બધું ખુદ ક્યાંકને ક્યાંક અનુભવ્યું છે. વિધુ વિનોદ ચોપરા કે સંજય ભણસાલી આખો દિવસ ઇન્સ્ટા-ટ્વીટ પર આંટા નથી મારતા. એમની ક્રાફ્ટ માટે વિચારે છે. સંકટ છે ઘિસીપિટી કહાની સાથે ઘિસેપટે થોબડેવાળું. રિટાયર્ડ ટીમ જેવી હાઉસફુલ ફાઈવમાં એના એ જ મુખડા ત્રણ ચાર દસકાથી ચાલ્યા આવે એ જોવા પડે છે.
સૈયારા ગ્રેટ ક્લાસિક નથી. પીઆર ઇનોવેટિવ છે, પણ દર્શકો ટિકિટ ટાઈમ ખર્ચી જોવા જાય છે. હવે અમારી પેઢી કરતા આજની પેઢી વેવલી કહીને જે કાખલી કૂટતા તૂટી આવે છે જજમેન્ટસ ઝાંખરાઓને તો પોતે કંઇક વિશિષ્ટ છે, તે બાકીના તુચ્છ છે એવો અહંકાર છે. કળા છે જ એટલે કે સ્પર્શે. સિનેમા જોઈ લોકો રડે એ કોઈ નવીનવાઇની વાત નથી. પોતાના પાકિઝા ઇમોશન્સ વેલિડ ને આજના સૈય્યારા ઇમોશન નાટક એવું કેમ ચાલે ? લાગી છૂટે ના અબ તો સનમ હોય કે સૈય્યારા તૂ તો બદલા નહિ - પ્રેમને પરિપકવતા સાથે કોઈ નિસ્બત નથી. આજના વડીલોને પણ એમના સમયના સૈય્યારા હતા જ !
(શીર્ષક : ઇરશાહ કામિલ)
ઝિંગ થિંગ :
તંત્રી નાદ, કવિત્ત રસ, સરસ રાગ રતિ રંગ/અનબૂડે બૂડે તિરે, જે બૂડે સબ અંગ. સંગીત, કાવ્યસાહિત્ય અને પ્રણયક્રીડા આ ત્રણ બાબતોમાં જે ડૂબતા નથી, એ વાસ્તવમાં ડૂબી જાય છે ! યાને એમનું જીવન નકામું છે ! (કવિ બિહારી)