- અનાવૃત-જય વસાવડા
- શોખની પસંદગી, સિદ્ધાંતોની પસંદગી, સૌંદર્યની પસંદગી, સર્જકતાની પસંદગી, શ્રધ્ધાની પસંદગીમાં ફોલોઅર ના થવાનું હોય. ખુદની પહેચાન જાતે બનાવવાની હોય.
Here's to the ones who dream
Foolish as they may seem
Here's to the hearts that ache
Here's to the mess we make
A bit of madness is key
To give us new colors to see
Who knows where it will
lead us?
And that's why they need us
So bring on the rebels
The ripples from pebbles
The painters, and poets,
and plays
And here's to the fools
who dream
Crazy as they may seem
Here's to the hearts that break
Here's to the mess we make.
યા દ છે પેલી ઘંટીઘોબાળી ઠીકરાંઠોબારી ગેગંધારી 'મૂનલાઈટ' ( જેને હજુ કોઈ સમ ખાવા પણ યાદ નથી કરતું ) જેના હકનો બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર છીનવી ગયેલી એ ''લા લા લેન્ડ''નું આ સોંગ ? ગીત તો લાંબુ હતું, પણ એની અમુક કડીઓ અહીં યાદ આવી એ મૂકી છે. જાણે જામ ઉઠાવીને ચીઅર્સ કહેવામાં આવે છે. કોને? જે સપના જોવાની હિંમત, સોરી જુર્રત કરે છે એને. મૂરખા લાગે છે એવા લોકો. હોય પણ છે. એમના દુ:ખતા દિલના દૂઝતા જખ્મ કોઈને બતાવતા નથી, પણ એને લીધે ગરબડગોટાળા થાય એ જીરવવા પડે છે એમને. પણ સલામ છે એમને એ માટે, એ ક્રેઝીનેસ વગર તો જીના ભી ક્યા જીના હૈ લલ્લુ.
થોડું પાગલપન તો હોવું જોઈએ. તો નવા રંગો દેખાય જીવનમાં. ભલે મંઝિલ ક્યાં છે એની પરવા ના હોય. જગતને આવા માથાફરેલા ધૂની મિસફિટ લોકો જ જીવતું રાખે છે. આખિરકાર. સમાજના ચોકઠાં બહાર ચોઈસ જેવું પણ કૈંક હોય ને. શોખની પસંદગી, સિદ્ધાંતોની પસંદગી, સૌંદર્યની પસંદગી, સર્જકતાની પસંદગી, શ્રધ્ધાની પસંદગીમાં ફોલોઅર ના થવાનું હોય. ખુદની પહેચાન જાતે બનાવવાની હોય.
આ બધું અત્યારે કેમ યાદ આવ્યું ? ઈન્ટરનેટ પર એક પેંગ્વીન વાઈરલ થયું. ધુ્રવપ્રદેશોના બરફમાં ક્યુટ બચ્ચાંની જેમ ડગુમગુ ચાલતા આ પ્રાણીઓની એક પેટર્ન હોય છે. બરફમાંથી સમુદ્ર તરફ જવાની. ખોરાક મેળવવાની. જીવનસાથી પસંદ કરીને કોલ નિભાવવાની. બચ્ચાં ઉછેરવાની. શુભ્ર શ્વેત ધવલ એવી ડાઘ ના પડે એવી હિમાચ્છાદિત જિંદગાની.
એમાં હમણાં એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મમેકરે વિડીયો લીધો એમાં એકધારા ચાલ્યા જતા સમૂહથી એક પેંગ્વીન છુટું પડી એકલુંઅટૂલું ચાલી નીકળ્યું સ્નોમાં ફૂટપ્રિન્ટ્સ પાડતું અજાણી કોઈ વાટે. દૂર ઊંચા બરફીલાં શિખરો તરફ. પેલા વિડીયોગ્રાફરને થયું જઈને એની મદદ કરું ને એને સાચા રસ્તે વાળું. પણ ત્યાં હાજર નિષ્ણાતોએ કહ્યું કે એનો કોઈ ફાયદો નથી. એ એની ધૂનમાં જ આગળ જશે. અને કઠોર ભાવિ ભાખતા વિજ્ઞાનીઓએ કહ્યું કે મોટે ભાગે એ બચી નહિ શકે. એ અલગ રસ્તે જાય છે, જ્યાં એકલું હશે અને પરીસ્થિતિ એને અનુકુળ નહિ હોય. સાયન્સના એન્ગલથી એની અંદરની નેચરલ નેવિગેશન સીસ્ટમ ખોરવાઈને ખરાબ થઇ હોઈ શકે. જેથી એ અંધ માનવીની જેમ રસ્તો ભૂલી ગયું.
પણ આ ય એક અનુમાન છે. ખરેખર એ કેમ દેશી ભાષામાં ઉફરું ચાલ્યું એ ખબર નથી. શું એ રોબર્ટ ફ્રોસ્ટની કવિતા રોડ લેસ ટ્રેક ( ઓછો ખેડાયેલો માર્ગ ) વાંચી ગયું કે જાવેદ અખ્તરની મુજે પામાલ ( બહુ બધાએ ચાલી ઘસી નાખેલા, રૂટીન) રાસ્તોં કે સફર અચ્છા નહીં લગતા ગઝલ સાંભળી ગયું ? માણસ એમ તો જન્મજાત પોએટિક છે. એને પશુપંખીઓમાં ઈમોશન મુકીને પોતાના જેવી સૃષ્ટિ ધરવી બહુ ગમે છે. એમાંથી તો અનેક એનિમેશન ફિલ્મો બની. બહુ સમજણા ના થયા હોય એવા ભૂલકાંઓ પણ કોઈ ગમતું ઢીંગલુ દોસ્તની જેમ પડખામાં લઈને સૂઈ નથી જતા ?
ફળદ્રુપ ભેજાંઓ નેટ પર કિસમ કિસમની કોમેન્ટ્સ કરવા જ અવતર્યા હોય છે. કોઈએ એને નિહિલીસ્ટિક કહ્યું. જે સબ મોહમાયા કરી ને સંસારને અસાર ગણે એવું. કોઈએ એને ડિપ્રેસ્ડ કહ્યું. જે હતાશાને લીધે અંધકારમય દિમાગનું થઇ ગયું હોય. કોઈએ એને લોન્લી કહ્યું. એકલતાનો શિકાર, નાં કોઈ સંગી, ના કોઈ સાથીની વેદનામાં ઘૂંટાતું. ખરેખર તો મોટા ભાગની સાઈબર જેન ઝી જ આવી છે. બહારથી સ્માર્ટ ને હેપી લાગે પણ અંદરથી ખાલીખમ. કોઈએ એને મજાકમાં ટ્રમ્પનું ગ્રીનલેન્ડ કહ્યું. એક મિમ જો કે બહુ મસ્ત બન્યું. નીચે પેલું આખું પેંગ્વિનટોળું જે એકધારું બસ આગળનાને જોઇને એની પાછળ ચાલ્યા કરે છે. એના પર લખ્યું : ધે સર્વાઈવ્ડ. એ બચ્યાં. અને પેલા એકલા ચલો રે વાળા પેંગ્વિનના ફોટા પર કેપ્શન મુક્યું : ઈટ લિવ્ડ. એ જીવી ગયું !
આ સ્ટોઇક પેંગ્વિન એકલું ગયું. કદાચ એને અકેલે હૈ તો ક્યા ગમ હૈ ગાતા નહિ આવડયું હોય. પણ ચાલુ ચીલો છોડી ભલે મોત મળે તો એની સામે મલકવા. જોખમો સામે ઝઝૂમવા જે ખુદની મરજીની કોઈ નવા જ સાહસિક પંથે ભય વિના કે ઝાઝા તમાશાના ઢોલનગારા વિના ચૂપચાપ ચાલી નીકળ્યા એ જ તો જીવી ગયા. ભલે વર્ષો ઓછા કદાચ, પણ જેટલા હતા એટલા પોતાની ચોઈસ મુજબના. ઇસી કો તો કહતે હૈ ફ્રીડમ !
જેક ગિલ્બર્ટ અને એડવર્ડ ફિલ્ડ બેઉ કવિઓએ અંગ્રેજીમાં ઇકારસ પર કવિતાઓ લખી છે. ઇકારસ અગાઉ લખેલું એમ ગ્રીક દંતકથાનો ફોલન હીરો, યાને નાયક થવામાં વેંત છેટું પડી ગયું એવું પાત્ર. એ પિતાની મદદથી પક્ષીઓના પીંછામાંથી પાંખો બનાવી, મીણથી એ ચોંટાડીને સૂરજ સામે ઉડવા ગયો આપણા બજરંગબલિની જેમ. ગરમીથી મીણ ઓગળી જતા ધરતી પર પટકાઈને મૃત્યુ પામ્યો. ગિલ્બર્ટ આમ તો ડિવોર્સ પર કવિતા કહે છે કે કોઈ સંબંધ ખતમ ભલે થયો પણ એમાં કેટલીક મધુર સુંદર પળો એક સમયે તો હતી. એમ જ ઇકારસ પણ નીચે પડયો ત્યારે ને કે એ ઉડયો ! તો એણે કશુંક અનોખું પ્રાપ્ત તો કર્યું, પહેલો એવો ઇન્સાન બન્યો જે ઉડયો. એણે આકાશમાં જઈને સુરજની આંખમાં આંખ નાખીને જોઈ લીધું, એ જીતનો અંત આવતા નીચે પછડાયો પણ એ પહેલા એણે જે દ્રશ્ય માણ્યું એ બીજાઓના નસીબમાં પણ ક્યાં હતું જે સલામત રીતે ધરતી પર રહ્યા !
ફિલ્ડની કવિતા નવો જ એન્ગલ આપે છે. એમાં ઇકારસ આકાશમાંથી જમીનને બદલે પાણીમાં પડીને બચી જાય છે. પણ પછી એ ગુમનામ બને છે. પીંછાની પંખો નથી બનાવતો. એને બસ હેટમાં ખોસે છે ! અર્થાત હવે ફર્સ્ટ હેન્ડ એડવેન્ચરનો રોમાંચ નથી રહ્યો એની લાઈફમાં. બસ, એક સમયનો સારી શકયતાઓ ધરાવતો ખેલાડી ગ્રાઉન્ડ પર જવાને બદલે, રમવાનું છોડી ટાઈમપાસ કરવા ટીવી પર મેચ જુએ એવું. કોલેજમાં ક્વીન થઈને ફરતી સરસ નાચતી ગાતી કોઈ છોકરી વર્ષો બાદ બસમાં લટકીને સંસારના ચક્કરમાં કંતાઈ ગયેલી નિસ્તેજ બીમાર જોવા મળે એવું કૈંક. એવા ઘણા હોય જ છે ને કે એક સમયે સંભાવના દેખાય એનામાં. પણ પછી ટકી જવાને બદલે ભટકી જાય કે થોડાક માટે ચાન્સ ગુમાવી દે વિજયનો અને પછી જીવનની રોજીંદી ઘટમાળમાં પરોવાઈ જાય. આ બધાના ખભે કોઈને કોઈ યુવા સપનાની લાશ હોય છે. જેનો બોજ ઊંચકી એ ઢસડયા કરે છે ને ભીતરથી કંટાળા અને ચીડમાં સડયા કરે છે. કોપીકેટ થઈને બીજાઓ જેવું જીવ્યા કરે છે. સેફ છે, પણ સેડ છે. કારણ કે ગમતું જીવી શકવાની શક્યતા છોડયાનો ગમ એમને નાસીપાસ કરે છે.
ડુ યુ નો ? સાચું કહીને યુવા પેઢીની આઝાદી અને નવીનતાની વકીલાત કરવાના ''અપરાધ'' ખાતર ગ્રીસમાં મહાન દાર્શનિક સોક્રેટિસને મોતની સજા મળી, પછી એક મિત્રે જેલમાં જઈ એને માફી માંગવાનો જુગાડ સ્વીકારી શરણે થઈને જીવ બચાવવાનું કહેલું. સોક્રેટિસે હસીને કહેલું. કે ''મારા શ્રે જુવાનીના વર્ષો આમે વીતી ગયા છે. હવે તો હું જીવન લંબાવું એમાં પણ આગળ તો બુઢાપો છે, જર્જર થતી કાયાની પીડા આવશે, પછી માંડ મોત આવશે. પણ એના કરતા અત્યારે હું જે સત્ય દ્રઢપણે માનું છું એ કહેવા ખાતર મરું તો એ મૃત્યુ જ મને અમર બનાવી દેશે !''
સ્ટેન્લી કુબ્રિકે ''કલોકવર્ક ઓરેન્જ'' જેવી ફિલ્મમાં એ જ ચિત્કાર કરેલું કે સાવ સરખું, એકનું એક સામાન્ય જીવન જીવીને એને નૈતિક ઉપલબ્ધિ માનવા કરતા તો ભલે અપરાધી હો, પણ પોતાની પસંદથી જીવવાનો 'ગુનો' સારો. એ ક્રાઈમ પાછળ પણ કોઈ વિદ્રોહી થવાની, સમાજની વ્યાખ્યાઓ ફગાવી દેતી મૌલિકતાની ચિંગારી તો છે !
એવું પણ બને કે પેંગ્વિન રેબેલીયન યાને ક્રાંતિકારી પણ ના હોય ને ડિપ્રેશન યાને નિરાશામાં પણ ના હોય. એ કશે જાણી જોઇને ગયું પણ ના હોય. ડેથ કે એડવેન્ચર કોઈ શબ્દનો અર્થ એને ખબર ના હોય. એ બસ, જગતથી મોં ફેરવી ને એમ જ ચાલ્યું ગયું હોય. એના એકશનમાં કોઈ સ્ટોરી, કોઈ મેસેજ, કોઈ પ્રતીકાત્મક ગૂઢ અર્થ ના હોય. એ તો માણસનો સ્વભાવ છે કે એ વેદનામાં પણ વિચાર શોધવા મથે છે. દુ:ખમાં પણ એને કોઈ ફિલોસોફી પકડવી છે , જેને લીધે એને રાહત મળે. એ ગીતા કે કુરાન કે બાઈબલ વગેરેમાં મૃત્યુનો કોઈ ડીપ મીનિંગ શોધવા સદીઓથી ફાંફા મારે છે,ને ધર્મના નામે પોતાનો અહં મજબૂત કરે છે. પેઈનમાંથી મોટીવેશન શોધવાની આપણને ટેવ હોય છે. સંઘર્ષની દાસ્તાનો સફળતાના નામે વાગોળવી બધાને ગમતી હોય છે.
પરંતુ, ક્યારેક તમે બહાદૂર નથી હોતા. બધાથી અલગ નથી હોતા. તમે કે તમને ચાહનારા માની લે એટલા પ્રતિભાશાળી પણ નથી હોતા. તમે માત્ર રસ્તો ભૂલીને ખોવાઈ ગયેલા ને એને લીધે સહન કરનાર સિમ્પલ બીઈંગ છો બસ. આવો લેખ પણ એક પ્રકારની માનસિક કસરત જ હોઈ શકે.
લેકિન, રીડરબિરાદર નીતા શાહ બ્રાઝિલના સરતાજ લેખક પાઉલો કોએલ્હોને યાદ કરાવે છે (આ બધું કેવળ અધ્યાત્મને આદર્શ માનતા પૂર્વ કરતા આનંદની તલાશ કરતા પશ્ચિમમાં વધુ મળે !) એમ ''કદાચ આ સફર કશુંક બનવાની નથી. પણ તમે જે ખરેખર સાચે જ છો એ સિવાયનું બની ના જાવ એ માટેના ઢોંગ કે અંચળા કે વધારાની વાતો છોડવાની છે ! ઇટ્સ એબાઉટ અનબિકમિંગ એવરીથિંગ ધેટ ઇઝન્ટ રિયલી યુ !''
યસ, એ જ મશક્કત એ જ જદ્દોજહત, એ જ મથામણ, એ જ વિપ્લવ આ લખવૈયાના જીવનમાં છે, મિસફિટ હોવાને સમાજ ભલે સજા ગણે, આપણે મજા ગણવાની બેપનાહ. કૂલ હોવાનું તો હવે આવ્યું. પણ એ પહેલા જ ચાલુ ચીલાઓ, બોરિંગ રૂટીન છોડવાનું ચાલુ છે. શાળાએ બધા ફરજીયાત જાય તો આપણે પગથિયું ચડયા વિના હોમ સ્કૂલ યાને ઘરે ભણવાનું. બધા પરીક્ષા માટે પાઠયપુસ્તકો વાંચે ત્યારે પણ આપણે વેકેશન સમજી અવનવી વાર્તાઓ વાંચવાની. પગાર પેન્શનવાળી લોકો જેના માટે ભ્રષ્ટાચાર કરીને ઝાંવા નાખતા હોય એવી નોકરી સંઘર્ષ કરીને પણ કશુંક ગમતું પોતાની શરતે જીવી લેવા માટે છોડી દેવાની. આર્થિક અને સામાજિક મોરચે બધું બરાબર ના હોય તો પણ હિંમતથી નવા રોમાંચ અને રસ મુજબ જીવવાનો પડકાર ઉઠાવવાનો. બધા ચોક્કસ ઉંમરે મનની ભૂખ કે તનની ભૂખ ખાતર થાળી કે પથારી માટે અથવા વડીલોની ઈચ્છા અને સમાજમાં પ્રતિા ખાતર કોઈ મનમરજિયાં વિના જ પરણી કાઢે છે, એ સીસ્ટમનો ઇનકાર કરીને વિકલ્પો છતાં સિંગલ રહેવાનું, પોતાના શોખ યાને પેશનને પ્રોફેશન બનાવવાનું. લર્નિંગમાંથી અર્નિંગ મેળવવાનું ને એ અર્નિંગ યાને આવક નવા લર્નિંગ યાને શીખવા પાછળ ટેસથી એટલે ખર્ચવાની કે આમે આપણે ગયા બાદ કપડાં હોય કે કમાણી કાચી સેકન્ડમાં બધું એમ જ પડી રહેવાનું છે. એનો નાશ થાય કે બીજા વાપરે એના કરતા આપણે જ ના જલસાથી જીવીએ જે જેટલું હોય એ મુજબ !
યસ, કોઈ બધાથી અવળું ચાલીને સવળું જીવનારા પેંગ્વિન કોલમ લખવામાં ત્રણ દસકા પણ કાઢીને હજુ શિશુસહજ વિસ્મય અનુભવતા હોય છે !
ઝિંગ થિંગ
''સમસ્યા એ નથી કે લોકો અભણ છે. સમસ્યા એ છે કે લોકો એટલા શિક્ષિત તો છે કે જે ભણાવો એ માની લે છે, પણ એટલી હદે શિક્ષિત નથી કે જે શીખવાડો એમાં પોતાના આગવા સવાલ કરે !''
(ફિઝીક્સના ખ્યાતનામ વિજ્ઞાની ને અદ્ભૂત લેખક એવા રિચાર્ડ ફેઈનમેન)


