Get The App

ચર્ચિત ચહેરે 2022 : જરા હટ કે... .

Updated: Dec 27th, 2022

GS TEAM


Google News
Google News
ચર્ચિત ચહેરે 2022 : જરા હટ કે...                             . 1 - image


- અનાવૃત-જય વસાવડા

- દરેકને બધું યોગ્ય સમયે જ મળે એવી આ દુનિયા નથી. એમાં મરી જવાના કે મારી નાખવાના વિચાર કરવા કરતાં, મોડેથી પણ મળ્યું તો ખરું... બીજાઓને તો એ ય નથી મળતું વાળી લિજ્જત માણતા શીખો ! નહિ તો જીવતર ઝેર થઈ જશે. અને ધીરજ રાખી ચૂપચાપ કર્મ બેહતર કરતા રહો, જેથી આપણા કરતા અફસોસ જમાનાને વધુ થાય તક મોડી આપવા માટે, નોંધ પાછળથી લેવા માટે ! 

''અ મારી ચર્ચાઓ ખૂબ જ હકારાત્મક રહી અને અમે જે કંઈ સૂચનો કર્યા એમનો એમણે એકદમ મોકળા મને, ખુલ્લા દિલે અને પોઝિટીવલી સ્વીકાર કર્યો !''

કોણે કહ્યું આવું કોના વિશે ? નો આ સ્ટેટમેન્ટ એનડીટીવીના હવે ભૂતપૂર્વ માલિક કહી શકાય એવા પ્રણય રોય, રાધિકા રોયનું છે, નવા માલિક ગૌતમભાઈ અદાણી બાબતે ! એ પણ પેલા લોન પેટેના શેર કબજે કર્યા એ બાબતે નહિ ! એ પછી હમણા બાકીના માલિકી હક્ક માટે નિયમ મુજબ અદાણીની ઓપન ઓફર આવેલી, બીજા શેર ખરીદવા. જેમાં અગાઉના ૨૯ ટકા પછી ફરી પોતાનો જ ૨૭ ટકા શેરહિસ્સો સારા ભાવે રોય દંપતીએ જ વેંચી નાખ્યો એમને. ૫ ટકા શેર રાખ્યા ને બાકી દેણું ભરપાઈ થયા ઉપરાંત ૨૭ ટકા શેરના રૂપિયા મેળવી લીધા. રવિશભાઈ શેઠજી શેઠજી કહીને કટાક્ષ કરતા રહ્યા ને ઉપર બે શેઠજીઓએ ડીલ કરી દીધી.

ઓનલાઈન સામસામી વિચારધારા માટે તલવારો તાણી ખડાજંગ મચાવતા ખબખબિયાંઓ માટે આ ૨૦૨૨નો મોટો બોધપાઠ છે. મૃત્યુ માટે કહેવાય છે, ડેથ ઇઝ અ ગ્રેટ લેવલર. અમીર-ગરીબ, શહેનશાહ-ભિખારી, સ્ત્રી-પુરૂષ, શહેરી-ગ્રામીણ જગતના દરેક સજીવને મોત એકસરખા કરી દે છે બધા એના આગોશમાં પોઢી જાય છે. પણ લાઇફમાં મની ઇઝ ગ્રેટ લેવલર. રૂપિયા ભલભલાને એક લેવલ પર ભેગા કરી દે છે. સત્ય આ છે, એનો આદર્શવાદી ઇન્કાર એ માયા છે. જુઓ, કપડાં બાબતે બુરખા-હિજાબના હિમાયતી કટ્ટર ઇસ્લામનું આચરણ કરતા કતારમાં ફૂટબોલ વર્લ્ડકપ ફિફા યોજાયો, એના યજમાન તરીકે હસતું મોં રાખી ત્યાં પોતાના દેશના રાષ્ટ્રધ્વજની બિકિનીમાં ફરતી ક્રોએશિયાની મોડલ ઇયાના સાથે આરબોએ સેલ્ફી પડાવી, અને 'ઉષ્માપૂર્ણ આવકાર' વધાવી ઇવાના સ્વદેશ ગઈ. એ તો ઠીક, સ્ત્રીઓને ડ્રાઇવિંગ પણ કરવાનો હક ન દેનાર, હજયાત્રા પર બિનમુસ્લિમોની એન્ટ્રી બંધ કરનાર અને એક સમયે ફિલ્મ માધ્યમ જ પ્રતિબંધિત કરનાર સાઉદી અરેબિયા ટુરિઝમ ખાતર પરદેશી ફિલ્મીસ્ટારો એકઠા કરી 'સાઉદી ફિલ્મ ફેસ્ટિવલ' કરતું થઈ ગયું આ વર્ષે ! અને આપણે જામેલી એક્સપોર્ટ એવી પોતાની જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કાંગરા હીરોઈનની ચડ્ડીના રંગ જેવા વાહિયાત મુદ્દે ખેરવવા બેઠેલા સંકુચિત થઈ ગયા !

૨૦૨૨માં યુક્રેન યુદ્ધ માટે પુતિન સામે બાથ ભીડનાર ઝેલેન્સ્કીને ટાઇમ મેગેઝીને પર્સન ઓફ ધ ઇયર બતાવ્યા. ગુજરાતમાં અસાધારણ બહુમતી આપી મતદારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હીરો બનાવ્યા. આફતાબ જેવા કે ફેનિલ જેવા પોતાની જ પ્રેમિકાઓને કાતિલ બની મારનારા સેંકડો વિલનો પણ આ વર્ષે જોયા. મેસીની મહાનતા અને કોહલીનું પુનરાગમન પણ આ વર્ષે જોયું. મોરબીનો ઘોર બેદરકારીને  કારણે ઝૂલતોમાંથી 'તૂટતો' થયેલો પુલ પણ કમનસીબે આ વર્ષે જોયો અને શ્રીલંકામાં ઝૂલતી આર્થિક હાલતથી ગબડી પડતું તંત્ર પણ આ વર્ષે જોયું. પેટ્રોલના વધતા ભાવ અને ડોલર સામે ડૂબતો રૂપિયો, સઘળું પસાર થઈ ગયું. ક્રિપ્ટોકરન્સીના કડાકા ને ...જેમ્સ વેબ ટેલિસ્કોપના આકાશી ભડાકા આવતા વર્ષે પણ રહેશે.

પણ આ વખતે એ બધું બાજુએ. સીધી બાત એ કે અઢળક ખબરોના ધોધ વચ્ચે ગમી ગયેલા, જાણવા જેવા થોડા ફેસ ઇન ધ ક્રાઉડને યાદ કરીને વર્ષ પૂરું કરીએ. જેમાં થોડી તરખટ મસ્તી પણ હોય અને થોડંા ગણીને ગાંઠે બાંધવા જેવું જ્ઞાન પણ હોય, થોડી સંઘર્ષની પ્રેરણા પણ હોય અને થોડું કાળચક્ર સામે કલ્ચરનું ગૌરવ પણ હોય. લેટ્સ જોઈન ધિસ પર્સનલ રિકેપ:

(૧) બર્ના આર્નો : ઇલન મસ્કે ટ્વીટર લેતાં ટેસ્લા ખોયુંની જેમ સોશ્યલ નેટવર્ક સંભાળવા જતા પોતાની સોશ્યલ ઇમેજમાં ગાબડાં પાડીને શેરબજારના કડાકા સાથે જગતના નંબર વન કુબેરપતિનું બિરૂદ હાલ પૂરતું ગુમાવી દીધું છે. જો કે, આ ઇઝીલી બાઉન્સ બેક કરી જશે ને આ વર્ષે તો જગતના ટોપ ફાઈવ શ્રીમંતોમાં આપણા અદાણી પણ છે. પણ સતત પહેલા પાંચમાં અચળ એવું એક નામ તો છે, ફ્રેન્ચ લકઝરી બ્રાન્ડ લુઈ વિત્તોનાં રણીધણી એવા બર્ના આર્નોનું ! (ફ્રેન્ચ ભાષામાં છેલ્લે અંગ્રેજી લિપિમાં લખાતો આકાર મોટે ભાગે ના બોલાય. એટલે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ નહિ, પણ કાન ફિલ્મ ફેસ્ટિવલ હોય !)

બર્નાભાઈની સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ છે. આ નવી પેઢીના ડિજીટલ અબજપતિ નથી. એકદમ ટિપિકલ ટ્રેડિશનલ ધનકુબેર છે. ફિલ્મોમાં ગંભીર કોર્પોરેટ લૂકમાં જે કોટવાળા બડે લોગ બતાવવામાં આવે તેવા ડઝનેક બેશકીમતી લકઝરી બ્રાન્ડસના એક પછી એક કબજા બાદ એમણે તોતિંગ 'મનીસ્પીનર' ગુલદસ્તો સજાવ્યો છે. ક્રિસ્ટિન દિયોરથી બલ્ગારી જેવું ઘણું એમની પાસે છે, જેમની ફેશન કે કોસ્મેટિક્સની પ્રોડક્ટસ કે જ્વેલરી કદી ઝાંખી પડવાની નથી. કારણ કે, એ લકઝરિયસ ગુડ્સ છે, જે ખરીદનારાને મંદી કદી નડતી નથી. ટિફનીના આભૂષણ કે ડોન પેરિંગ્તોનના શેમ્પેઈન સામાન્ય માણસના ગજા ને ગજવાની ઉપરવટ છે.

કહેવાય છે કે આ બર્ના સાહેબ એકવાર સ્ટીવ જોન્સને મળેલા જ્યારે એમણે નવોનવો આઇફોન લોન્ચ કરેલો. જગતમાં એનો ક્રેઝ હતો. ત્યારે એમણે જોબ્સને કહેલું કે ૩૦ વર્ષમાં નવી શોધો થશે, એમ આ આઇફોન જૂનો થઈ ભૂલાઈ જશે. પણ શરાબનો જામ હજારો વર્ષથી ભરાતો આવ્યો છે, ને સ્ત્રીની હેન્ડબેગ પણ સદીઓ સુધી એની સાથે ઝૂલવાની છે ! પોઇન્ટ ટુ બી નોટેડ. એમ જ આર્નોભાઈ જગતના નંબર વન ધનપતિ બની ગયા. જે આમ તો એ સ્થાને બેસનાર પ્રથમ યુરોપિયન છે ! એમના માટે ૧૯૮૯માં એમનો ઇન્ટરવ્યૂ કરનાર એક પત્રકારે લખેલું કે ''એમનું સ્મિત સૌમ્ય છે, પણ દાંત સ્ટીલના છે !''

પણ સૌથી મોટી સિદ્ધિ તો છે એમણે અમેરિકા જઈ શીખેલો એક નુસખો. જેણે યુરોપના ઉમરાવશાહી કલ્ચરમાં નવો ચીલો કંડારી દીધો ! એ છે ''સેલિંગ એક્સક્લુઝિવલી ટુ ધ મિલિયન્સ !'' અગાઉ જે મોંઘેરી બ્રાન્ડેડ ચીજો હોય એ માત્ર લિમિટેડ લોકો માટે જ રહેતી. બીજા તો રજવાડી હવેલીઓમાં જઈને જોઈ પણ ના શકતા. બર્ના આર્નોએ એ વસ્તુઓને દામ મોંઘા રાખી, પણ ઉત્પાદન જથ્થાબંધ કરાવી સોશ્યલ માર્કેટિંગ કેમ્પેઈન અને સ્ટોર્સથી એમણે પબ્લિક વચ્ચે પહોંચાડીને નફો અનેકગણો કરી દીધો ! ચુસ્ત ફેમિલી ઓન્ડ બ્લડનાઇન બિઝનેસમાં માનતા જૂનવાણી જીવે બીજા ગતકડાંને બદલે ફોક્સ એક જ એ ચીજ પર રાખ્યું ને પંદર વર્ષથી એકધારા એમના હરીફ એવા અલ્મા હાયકેના પતિની કેરિંગ કંપનીને હંફાવી ટોચના બિલિયોનર્સ લિસ્ટમાં છે !

(૨) ઋષિ સુનક : બહુ બધું લખાઈ ગયું એમના વિશે. યુરોપિયન દેશોની લીડરશિપ ક્રાઇસિસ જોતાં ઋષિભાઈ કેટલો સમય રહેશે એ આવનારા વર્ષ ૨૦૨૩માં નક્કી થશે. પણ દેખીતી રીતે એ તો કવિન્યાય, પોએટિક જસ્ટિસ છે જ. માણસ બદલો લે, એમાં કચાશ હોય છે. વિધાતા બદલો લે એમાં નથી હોતી. અંગ્રેજોની ખોજી મનોવૃત્તિ અને સાહસિકતાએ માનવજાતને ઘણું આપ્યું, પણ અન્યાયી શોષણ ઓછું નથી કર્યું, આજે ય એક ટિપિકલ બ્રિટિશ સ્નોબરી યાને નકચઢી વૃત્તિ ઈંગ્લેન્ડમાં મહેસૂસ થાય. સેન્સ ઓફ હયુમર, સાયન્સ ને ચિલ્ડ્રન્સ લિટરેચરના એક્કા અંગ્રેજો વર્ષો સુધી કલબમાં ડોગ્સ-ઇન્ડિયન નોટ એલાઉડના પાટિયા મારતા, જૂતા ને ટાઇ વિના એન્ટ્રી ના આપતા.

એમાં મોરારિબાપુની રામનામી ઓઢી લેનાર, ગાયનું ય પૂજન કરનાર અને જેમના સાસુ ભારતીય સંસ્કૃતિ અને પરદેશ અંગે મજબૂત પુસ્તકો લખી ચૂક્યા હોય ને સસરાનું નામ એક તબક્કે ભારતના રાષ્ટ્રપતિ તરીકે બોલાતું હોય (સુધા મૂર્તિ અને નારાયણ મૂર્તિ) એવા પરિવારના સભ્યને બ્રિટનનું વડાપ્રધાનપદ મળે, એ કરોડરજ્જૂમાં કોશનો સળિયો લઈ ફરતા ને જજને ય માય લોર્ડ કહેતી રોયલ ઉમરાવશાહીને વાગેલો સાયલન્ટ સાટકો તો છે જ. જસ્ટ થિંક, બ્લ્યુ બ્લડની ધમાલમાં તો મેગન માર્કેલને આજની એકવીસમી સદીમાં બ્રિટિશ રાજપરિવારે વહુ તરીકે સ્વીકારી નહિ ને પ્રિન્સ હેરીએ રાજવી ઠાઠને બદલે અમેરિકા જવાનું પસંદ કર્યું પત્ની સાથે.

એ દેશમાં કોઈ બ્રાઉન સ્કિન અને એ ય ફેઈથમાં હિન્દુ લખાવતો જણ એણે બીજાઓને શીખવાડેલી લોકશાહીના સર્વોચ્ચ પદે બેસે એનું ગૌરવ તો ભારતીયોને રહે જ. ભલે ઋષિ સુનક ભારતમાં રહ્યા નથી, અખંડ ભારતની રીતે જોઈએ તો એમના વડવાઓનો સંબંધ પાકિસ્તાન સાથે પણ છે. અને નાનું કિકલું ય જાણે કે એ તો બ્રિટનના રાજકીય હિતમાં જ નિર્ણય લેશે. પણ રોબર્ટ ક્લાઇવ, ડેલહાઉસી, હેસ્ટિંગ્સ, મેકોલે અને વિક્ટોરિયાના દેશના મૂળનિવાસીઓએ 'ઋષિ' બોલવું પડે છે, એ કંઈ જેવી તેવી વાત છે ?

હા, બ્રિટને અન્ય ધર્મ કે સંસ્કૃતિના ચહેરાઓને આગળ વધવા અને રહેવા જે નોન જજમેન્ટલ પહેચાન આપી, રશદીથી ઈદી અમીનથી ઘવાયેલા ગુજરાતીઓ, શેખની પત્નીઓથી ભારતીય બિઝનેસમેનોને શરણ આપ્યું અને એમને પોતાના બનાવ્યા જૂની રાજાશાહીનો તોરતુમાર છોડીને, એમાંથી ફોરનના જ નેટવર્ક પર પરદેશી ફોન્ટમાં ભારત સંતોની ભૂમિ છે, સાન્તાની નહિ એવા ગાંડાગોકીરા કરતા ગડબાઓએ જરૂર શીખવાનું છે !

(૩) સૂર્યકુમાર યાદવ : ભારતની પશ્ચિમી દેશોના હવામાન જેવી અનિશ્ચિતતા ધરાવતી ટીમમાં અત્યારે એક વાત નિશ્ચિત છે કે જ્યારે જ્યાં પણ સૂર્યકુમાર યાદવ રમશે ત્યાં ટીમ કે પીચ ગમે તે હોય બેટિંગની બટાઝટી અને અદાઓની આતશબાજી અચૂક નિહાળવા મળશે ! જગત આખાના ધુરંધરો પણ એની રમતથી દંગ થઈ ગયા છે.

પણ એવું વિસ્ફોટક સમયાંતરે ઈશાન કિશનથી ઋષભ પંત બધા રમ્યા છે. આ વર્ષે સૂર્યકુમાર જ કેમ ? કારણ કે, સતત એવું લાગ્યું છે કે એને ઘણી વહેલી તક મળવી જોઈતી હતી. ઉંમર આજે એની સાથે નથી. પણ ફિટનેસ જરૂર છે. એમાંથી રિયલ લાઇફ મોટીવેશન મળે છે, વર્ષોવર્ષ પરફોર્મન્સનો ઝગમગાટ કસોકસ રહે એવું. પેલા વીર એમ્બાપ્પેની જેમ એકલે હાથે લડી બતાવવાનું છેલ્લી ક્ષણ સુધી, એ તો ખરું જ. પણ એ ઉપરાંત એવું સતત લાગ્યું છે કે સૂર્યકુમારને જે કંઈ હતાશા કે ફ્રસ્ટ્રેશન કે વસવસો, અફસોસ હશે વહેલા પૂરેપૂરી તક ન મળ્યાનો... એનો પીડામિશ્રિત રોષ એ પોતાની જાત પર નથી ઉતારતો, મેચમાં હરીફ બોલર પર ઉતારી વધુ સ્કોર કરે છે !

યાદ રખિયો, દરેકને બધું યોગ્ય સમયે જ મળે એવી આ દુનિયા નથી. એમાં મરી જવાના કે મારી નાખવાના વિચાર કરવા કરતાં, મોડેથી પણ મળ્યું તો ખરું... બીજાઓને તો એ ય નથી મળતું વાળી લિજ્જત માણતા શીખો ! નહિ તો જીવતર ઝેર થઈ જશે. અને ધીરજ રાખી ચૂપચાપ કર્મ બેહતર કરતા રહો, જેથી આપણા કરતા અફસોસ જમાનાને વધુ થાય તક મોડી આપવા માટે, નોંધ પાછળથી લેવા માટે ! આવી જે કંઈ વેદના કે ક્રોધ હોય એ સ્વજનો કે ખુદ પર ઠાલવવાને બદલે સામે ઉભેલા પડકાર પર ઠાલવીને ચેમ્પિયન બની જવું !

(૪) સોફિયા અન્સારી : વેલ, સાંતાક્લોઝનું લાલ કપડું જોઈને આખલાની જેમ ભડકતા સંસ્કૃતિરક્ષક બુદ્ધિબુઠ્ઠાઓને વલસાડી - ઉંબાડિયા જેવી તીખાશ આ નામ વાંચીને લાગી શકે છે. જોકે, આ બધા દોઢદંભીઓને પાછી ખબર મજાની હશે એ કોણ છે એ ! એકચ્યુઅલી, ગુજરાતમાં રહેતી વડોદરાની ગુજરાતણ કહી શકાય, એખલાસ અને એકતાની આજના વાતાવરણમાં નિર્વિવાદી બ્રાન્ડ એમ્બેસેડર કહી શકાય એવી એના જીન્સને લીધે બંગાળી મીઠાઈ જેવી રસભરી લાગતી સોફિયાએ ટિકટોક બંધ થયા બાદ ઈન્સ્ટાગ્રામ ઈન્ફલ્યુએન્સર તરીકે રાષ્ટ્રવ્યાપી તો શું વિશ્વવ્યાપી ઝંડા નાખી દીધા છે. કોઈ સુપરમોડલ કે હીરોઈન ના હોવા છતાં, એવી એચિવર સેલિબ્રિટી ના હોવા છતાં એના ઓલમોસ્ટ એક કરોડ ફોલોઅર્સ છે. જે જાહેરમાં સંતાડી ખાનગીમાં જોઈ લેતા બીજા કરોડો હશે.

ના, એ કંઈ પોર્ન ફિલ્મોની સ્ટાર નથી પણ બેધડક, બોલ્ડ, બિન્દાસ છે. બ્યુટીફુલ તો છે જ. ઉપરવાળાએ નવરા હાથે ઘડી હોય એવી જ. સંસ્કૃત સાહિત્યમાં વર્ણવાયેલા તમામ વર્ણનો એની કામણગારી કાયાના વળાંકોને લાગુ પડે, કાલિદાસે 'તન્વી શ્યામા...' શ્લોક મેઘદૂતમાં યૌવનના ઉભારોનું વર્ણન કરવા આ ગજગામિની કામિનીને જોઈને લખ્યો હોય એવું જ લાગે !

યસ, સોફિયા ઈઝ હાર્ટથ્રોબ. લબ. બટ મિસ અન્ડરસ્ટૂડ. એ નટખટ નખરાળી રૂડીરૂપાળી છે, અને ખબર છે કે કલીવેજ જોઈને જ 'ઓગેઝમિત' થઈ જતી આપણી ભૂખાળવી જનતાને શું જોઈએ છે. પણ એવા અંગપ્રદર્શનોની તો ઈન્ટાગ્રામમાં હોડ લાગેલી હોય છે. તો સોફિયા જ કેમ ૨૦૨૨ના બધા સમાચારોથી થાક લાગે, ત્યારે કંટાળો દૂર કરવાનો વ્હાલુડો વિસામો બની રહે છે, કોઈ બીજી લપ્પનછપ્પન વિના ?

એક તો એના ડાન્સ મૂવ્ઝ. એમેઝિંગ ડાન્સર. શકિરાને મેદાન છોડાવી દે એવી. બીજી એની માસૂમિયત. તો ખ્યાલ આવે કે મિજાજ અને ઠુમકાલટકાઝટકામાં વાઈલ્ડ એવી આ છોકરીના ચહેરા, આંખો અને અવાજમાં ચાઈલ્ડ છે ! લીથલ કોમ્બિનેશન. એના ફરવાના, ફોન લેવાના, ડ્રેસના કે જમવાના થોડા લાંબા વિડિયો કે લાઇવ સેશન્સ જુઓ એટલે ખબર પડે કે એ એલિસ ઈન ધ વન્ડરલેન્ડ જેવી એક ઈનોસન્સ, સેન્સ ઓફ વન્ડરની માસૂમિયત ધરાવે છે. એ સેક્સી બને છે, પણ જાણે બાળક તોફાને ચડયું હોય એમ. બાકી બર્થ ડે પણ મમ્મી પપ્પા જોડે ઉજવે છે. એક બહેનપણીને લઈને ફરે છે. ઘણી વાર સાદી જગ્યાઓએ વિડિયો શૂટ કરે છે. અને લાડના લહેકાથી કહે છે - સબ કો મેરે સાથ શાદી કરની હૈ, લેકિન પતા ભી હૈ મૈં કૌન હું ? બસ, આ જ કરૂણકથા છે પૃથ્વીલોકની અપ્સરાઓની. પણ આપણા માટે તો કોઈક આવું ય જોઈએ. ફિલોસોફીથી દૂરનું ફન !

ઝિંગ થિંગ

શરૂઆતમાં તો ખબર નહોતી બહુ, પણ એરલાઇન્સવાળા ઈન્ટરનેશનલ ફલાઈટમાં આરટીપીસીઆર ટેસ્ટ ને માસ્ક ફરજીયાત રાખે છે, તો ય કોરોના ઉડીઉડીને પાસપોર્ટથી રેશનકાર્ડ સુધી કેમ પહોંચી જાય છે ?

Tags :