Get The App

કોક્રોચ પાર્ટી તો ઓનલાઈન જોક છે, પણ દેશને વળગેલી કરપ્શનની ઊધઈ તો ઓફલાઇન રોગ છે!

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
કોક્રોચ પાર્ટી તો ઓનલાઈન જોક છે, પણ દેશને વળગેલી કરપ્શનની ઊધઈ તો ઓફલાઇન રોગ છે! 1 - image

- અનાવૃત-જય વસાવડા

- ઉત્પાદન ગમે તેટલું વધારો, યોજનાઓ ગમે એવી ઘડો પણ તળિયું જ કરપ્શનના બાકોરાંવાળું હોય ત્યાં ડોલર, યુરો બધા સામે રૂપિયો સરકી જ  જવાનો !

પે લું હજુ પણ જેનો તાગ નથી મળ્યો અને જેના મેડિકલમાં કરિયર બનાવવા માંગતા યુવાઓના મોત પણ થયા એવા વ્યાપમ કૌભાંડવાળા મધ્યપ્રદેશમાં જ્યાં ઓશો ભણાવતા એ જબલપુરમાં નાનાજી દેશમુખ વેટરનરી સાયન્સ યુનિવર્સિટી આવી છે એ ખબર છે ? કારણ કે એ ખબરોમાં ચમકી હતી. આપણે ત્યાં રિસર્ચના ઓઠાં નીચે ધાપબાજીના ધુપ્પલ બહુ ચાલે, કારણ કે ખરેખર સાયન્સનું જ્ઞાન તો ઠીક, અંગ્રેજીમાં વાચન પણ ભાગ્યે જ કોઈ કરે છે. આપણા  આખા દેશની માનસિકતાની હેડલાઇટ ભૂતકાળ તરફ ફિટ થયેલી છે. ભવિષ્ય તરફ નહીં. અહીં જૂની વાતોને ધરાર શુદ્ધ સનાતન વિજ્ઞાન માની લેવાની કુટેવ છે જે છોડયા બાદ જ યુરોપ કે અમેરિકા કે ઈવન ચીન, રશિયા, જાપાન, કોરિયા વગેરેની પ્રગતિ થઈ. આસ્થા છોડી દેવી એમ નહીં. પણ અંગત ધાર્મિક શ્રદ્ધાની સાયન્સમાં ભેળસેળ નહીં કરવાની. 

તો આ યુનિવર્સિટીમાં કેન્સરની સારવાર માટે ગૌમૂત્ર અને ગાયના છાણ (પંચગવ્ય) ના સંભવિત ઉપયોગ રાજ્ય સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલું. વર્ષો વીતી ગયા, પણ આવી પ્રાચીન ઠોકમઠોકમાં વિજ્ઞાનનો છાંટો હોતો નથી. બાકી તો ગૌમૂત્રમાં ગોલ્ડ છે એવો દાવો કરનારાના ભારતમાં સ્વદેશી સોનું બનાવીને એનું ફરીથી સ્મગ્લિંગ થાય, એવા નિયમો કરવા પડયા છે એ કટોકટી હળવી બનાવી દે ? દેશી ઇલાજોમાં અમુક અસરકારક છે, પણ બાકીના ધુપ્પલ ચાલે છે જેમાં સેંકડો લોકો ધૂતાઇ જાય છે. મધ્યપ્રદેશ સરકારે વર્ષો સુધી કરોડો રૂપિયા પંચગવ્યમાંથી કેન્સરની દવા શોધવા મંજૂર કર્યા. એના બિલ બન્યા ને તપાસમાં હવે ભોપાળું ફૂટયું કે છાણ જેવા કાચા માલ દસ પંદર લાખના આવે ત્યાં બે કરોડ જેટલા બિલ ફાટેલા ! સંબંધિત કુપાત્રો સરકારી ખર્ચે લકઝરી ગાડી ખરીદતા ને વિવિધ સફરો મફતિયા કરતા સંશોધનના નામે. એ રિસર્ચ જેનો પાયો જ કાલ્પનિક જૂઠ પર હતો! જેમાં સફળતા મળવાની પણ નથી! 

આ માત્ર સેમ્પલ કેસ સ્ટડી છે. સમારંભોના મંડપ, ફૂલના કૂંડા, ખુરશી કે પાણીની બોટલોના મામલે પણ આ બધું ચાલતું હોય છે. વચ્ચે સરકારી ''કેગ''નો જ એક રિપોર્ટ સમાચારોમાં હતો. જાદૂગરોના ખેલને શરમાવે એવો ! બનેલું એવું કે એનએમપી (નીલિમા મૂવિંગ પિક્ચર્સ) નામની એક બિઝનેસ એજન્સીએ 'કૌશલ વિકાસ યોજના' (સ્કિલ ડેવલપમેન્ટ સ્કીમ) હેઠળ લોકોને તાલીમ આપવાનો સરકારી કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. એનો દાવો હતો કે તેણે ૮ રાજ્યોમાં કુલ ૨૩,૪૯૩ લોકોને તાલીમ આપી છે. 

એક વ્યક્તિને તાલીમ આપવા માટે સરકાર અંદાજે ૭૫૦૦ રૂપિયા આપે. આ ગણતરી મુજબ, નીલિમા મૂવિંગ પિક્ચર્સે લોકોને નાનાં-મોટાં કૌશલ્ય શીખવવાના નામે સરકાર પાસેથી ૧૭,૬૧,૯૭,૫૦૦ મેળવ્યા. આ ઉપરાંત વીજળી-પાણી વગેરેના ખર્ચા પેટે લીધેલી રકમ તો અલગ! તાલીમ પૂરી થયા પછી લોકોને સર્ટિફિકેટ વહેંચતા હોય તેવા ફોટા પણ એજન્સીએ 'સ્કિલ ઇન્ડિયા'ના પોર્ટલ પર અપલોડ કર્યા હતા. 

પણ સરકારના જ (કેગ) ઓડિટ દરમિયાન ખબર પડી કે આ એજન્સીનું ક્યાંય અસ્તિત્વ જ નથી! અરે, કોર્પોરેટ અફેર્સ મંત્રાલયમાં પણ તેનો કોઈ જ પત્તો ન મળ્યો. નિયમ મુજબ, કોઈપણ એજન્સી કે કંપની બનાવ્યા પછી તેનું નામ અને સરનામું કોર્પોરેટ અફેર્સ મંત્રાલયમાં નોંધાવવું ફરજિયાત હોય છે. જો સરકારના પોતાના રેકોર્ડમાં જ કોઈ કંપનીનું નામોનિશાન ન હોય, તો પછી તે લોકોને તાલીમ આપવાનો કોન્ટ્રાક્ટ કઈ રીતે મેળવી શકે? 

હવે વાત કરીએ 'રેડિએટ ડિઝાઇન કંપની'ની. તેણે કૌશલ વિકાસ યોજના હેઠળ તમિલનાડુ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ૧૫,૭૧૮ લોકોને તાલીમ આપીને ૭૫૦૦ લેખે સરકાર પાસેથી માત્ર ત્રણ મહિના માટે ૧૧,૭૮,૮૫,૫૦૦ ખંખેરી લીધા. પણ ઓડિટમાં ભાંડો ફૂટયો કે કંપનીએ દર્શાવેલા સરનામા પર તો કોઈ કરિયાણાની કે નાની-મોટી દુકાન ચાલી રહી છે! વળી, આ કંપનીએ ૨૦૧૪-૧૫ પછીથી કોઈ ઇન્કમટેક્સ રિટર્ન પણ ફાઈલ કર્યું નથી. એની વેબસાઇટ પર અલગ અલગ તાલીમમાં એકના એક ફોટા અપલોડ થયેલા હતા ને એક જ વ્યક્તિએ એક જ દિવસમાં આઠ અલગ અલગ શહેરોમાં સુપરમેનની જેમ ઉડીને તાલીમ આપી હતી ! ટૂંકમાં બધું લોલમલોલ. પોલમપોલ. 

આજકાલ જે બધા પૂછે છે ને કે વર્ષો સુધી ઇન્ટરનેશનલ ક્રૂડનો ભાવ સસ્તો હતો, જેની કોઈ રાહત સરકાર કે ઓઈલ કંપનીઓએ અગાઉની જેમ પબ્લિકને તો આપી નહીં ને કાયદેસર સેંકડો કરોડોનો નફો અંકે કર્યો ને લોકોએ ભવિષ્યમાં તકલીફમાં કામ આવશે એમ માની ઊંચા ભાવ ટેક્સ ચૂકવ્યો. ૨૦૧૪ સમયે ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ ૧૦૦ ડોલર થઈ તો આપણે ત્યાં પેટ્રોલ સિત્તેરનું થયું તો પણ જનતા ત્રાહિમામ થયેલી. પછી વર્ષો સુધી  ક્રૂડનો ઘટી ગયેલો ભાવ રહ્યો જે કોરોનાકાળમાં માઇનસ થઈ ગયો ! છતાં આપણે ત્યાં એ પછી વધી ગયેલા પેટ્રોલના ભાવ ઘટયા નહીં. પણ ફરી સો ડોલર બેરલદીઠ અત્યારે થયો ૫છી ભાવ વધવા લાગ્યા ! ને ખરેખર ઇમરજન્સી આવી એના માટે પ્રજાએ અબજો અબજોનું અધધધ ભંડોળ એકઠું કરી આપેલું એ ક્યાં ગયું ? 

અમુક બેશક યોગ્ય સરકારી ખર્ચમાં હશે. પણ બાકીના અબજો તો આવા લાગવગિયા ભ્રષ્ટાચારમાં જાય છે. અહીં દાખલા આપ્યા એ તો માત્ર સેમ્પલ છે. આવા તો કંઈક  મોરલાઓ ઉંદર બનીને ભંડોળ કાતરી જતા હશે. નવો બને ને તરત ખાડા પડે એવા હાઈ વે માટે વાહન ને રસ્તા ને પેટ્રોલના ટેક્સ પછી પણ નોનસ્ટોપ ટોલની વસૂલી ચાલુ જ રહે છે. ભંડોળ માટે ઇન્કમ સિવાય બેશુમાર ખર્ચવેરાની માયાજાળ છે. દરેક પક્ષ, દરેક સરકારની આ જ ઈન્ડિયા સ્ટોરી છે. ઉપર બેઠેલા ગમે તેટલી અદ્ભૂત વાતો ને યોજનાઓ કરે, ઘટવાને બદલે સતત વધતું જતું કરપ્શન હવે તો લોકપાલ  વખતે રસ્તા પર આવેલા લોકો પણ બહુ બોલતા પણ નથી ખુલીને એમ જાણે એ સ્વીકારી લીધું છે. 

એનો માર એટલો પડે છે આપણને કે ગ્રોથ સ્ટોરીમાં ગીઅર જ આગળ નથી પડતા ! ગ્રોથ સ્લો-થ થતો જાય છે. ચીને દરિયાના તળિયેથી એશિયાનો સૌથી મોટો સુવર્ણભંડાર શોધ્યો. આપણા ભેટમાં બ્લૂ ઇકોનોમીની વાતો પણ છે. પણ અમલમાં ગોબાચારી છે. કાં તો એવી વાર્તાઓ છે, જે વૈજ્ઞાનિક રીતે વાસ્તવિકતા બને એ શક્ય નથી. એક્સકલુઝીવ સાયન્ટિફીક શોધ વિના સ્પેશ્યલ ગ્લોબલ માર્કેટ મળે નહીં. પણ આપણને પરીક્ષામાં ગોખવા સિવાય વૈજ્ઞાનિક અભિગમ કેળવવામાં મુદ્દલ રસ નથી. હવે તો એવું ધર્મઝનૂન ચાલે છે કે અગાઉ હતો એટલો રસ પણ સંસ્કૃતિઘેલા સમાજને આધુનિક વિજ્ઞાન અને એ માટે મુક્તિનું વાતાવરણ બનાવવામાં નથી. દુબઇ મ્યુઝિયમ ઓફ ફ્યુચર બનાવે છે. પણ આપણો આખો દેશ સાયકોલોજિકલ મ્યુઝિયમ ઓફ પાસ્ટ છે. એટલે ૯૩૦૦૦ સરકારી સ્કૂલો બંધ થાય કે નેતાઓ પણ અપવાદ સિવાય રેગ્યુલર સરકારી હોસ્પિટલમાં ભાગ્યે જ ક્રિટિકલ હાલતમાં કોઈ દાખલ થાય છે. એવી પાયાની બાબતો સરખી નથી ત્યાં ઇન્ટરનેશનલ બ્રાન્ડના ગુંબજ ક્યાંથી ચણાય? સ્વદેશી ઉત્પાદનની વાતો થાય છે. પણ ખરેખર જેમાં વિદેશી નામો કે એની ભાગીદારી હોય એમાં જનતાને ભરોસો પડે છે. કારણ કે આપણે ત્યાં ક્વોલિટી કંટ્રોલમાં દૂધમાં પાણી ઝાઝું છે. 

અને આપણે જેના આશ્રિત બનીએ એટલી હદે જેના કાચા માલ પર આધારિત છીએ એ ચીનમાં પોતાના નાગરિકો પાછા આવી, ત્યાંથી શીખેલું બધું દેશના વિકાસમાં વાપરે એના માટે પધ્ધતિસરની યોજનાઓ ચાલે છે. એમને જોઈએ તે પગાર આપો, વિશેષ સુવિધા આપો, ઘર ને વાતાવરણ આપો. અરે સાઉદી અરેબિયા વિકાસ માટે રોનાલ્ડો ને ગર્લફ્રેન્ડનો ધાર્મિક કાનૂન છોડીને બોલાવે છે ને ફિલ્મ ફેસ્ટિવલ ઉજવે છે. અને આપણે હરીફરીને એની એ કોમવાદ, ધાર્મિકતા, જ્ઞાતિવાદ વગેરેને લીધે સંસ્કૃતિના નામે સંકુચિતતા ફેલાવી, સાચું કહે એના પર ટ્રોલિયાઓનો ઝોમ્બી એટેક કરીને એને જ વંદો સમજીને બાર ફગાવી દઈએ છીએ ! 

આપણે ગાંધીજીએ ચેતવેલા છતાં ગ્રામવિકાસના નામે માત્ર અમુક મળતિયાઓનો વિકાસ કર્યો. દુનિયાના દરેક વિકસિત દેશોમાં સાચે જ નાના નાના ગામોમાં મોટા શહેરોની હારોહાર સગવડો છે. આપણે ખાતર મંગાવવા માટે ડોલર જોઈએ છે, પણ છેલ્લા બજેટમાં વૈકલ્પિક સજીવ ખેતી માટે રકમ કેટલી ફાળવી ? એક કરોડ ખેડૂતોને એમાં જોડવા માટે માત્ર ૭૫૦ કરોડ. યાને માથાદીઠ ૭૫૦ રૂપિયા ! 

અને એક છે સીપીઆઈ. કન્ઝયુમર પ્રાઈઝ ઇન્ડેક્સ. જેને આધારે મોંઘવારીનો દર નક્કી થાય. એમાં જૂન ૨૦૧૧ના ધોરણો મુજબ ૨૯૯ ચીજો છે. સેન્સેક્સની માફ્ક એ ચીજોના ભાવવધારા મુજબ મોંઘવારી ગણાય. ૪૬% ચીજો એમાં ફક્ત ખોરાકને લગતી છે. પણ સ્કૂલની ફી કે ઓટીટીના ભાડા જેવા ખર્ચા અપગ્રેડ નથી થયા. જેનો વાર્ષિક કારોબાર ૧૫ અબજ અમેરિકન ડોલર જેટલો થયો છે એવો એક ખર્ચો છે, હેલ્થને લગતા મેડિકલ ટેસ્ટ કરાવવાનો ભારતમાં ! એ મજબૂરી છે, પણ એ ય નથી. અર્થાત મોંઘવારીનો સાચો ગ્રાફ જ આપણને મળતો નથી ! રોટી, કપડા ઔર મકાનમાં ઘરનું સપનું કેટલા લોકોનું પૂરું થાય છે ? ભ્રષ્ટાચારની 'ગટરોત્રી' રિયલ  એસ્ટેટ છે. મકાનના ભાવ એવા વધે છે ખાલી પડેલા હોય છતાં શહેરોમાં કે બારેક ટકા ગ્રાહકોને જ પોસાય. બાકીના ઘાણીના તેલની જેમ પરસેવો પાડી એક સારા ઘર માટે બચત કરે ત્યાં તો એનો ભાવ વધી ગયો હોય ! 

કાર્લ માર્કસનું નામ પણ ઘણાને ગાળ જેવું લાગશે. પણ એણે પહેલી વાર ધ્યાન ખેંચેલું કે અઢળક લોકો મહેનત કરે અને અમુક લોકો જ બેફામ કમાય, એને લીધે ઉત્પાદન તો વધે છે. પણ સામાન્ય માણસની ખરીદશક્તિ વધતી નથી. એટલે ઉત્પાદનનો શ્રમ એ વસાવવા જેટલું મૂલ્ય આપતો નથી. જે મજૂર કોઈ બિલ્ડિંગની સાઇટ પર મજૂરી કરે છે, એ ખુદ આખી જિંદગીમાં એવા મકાનમાં રહેવાનો નથી. જે ઊંચી બ્રાન્ડના પર્સ કે શૂઝ સીવે છે, એ પોતે એ ખરીદી શકવાનો નથી. જેમની આવક જ ઓછી હોય એને થોડા વધુ પૈસા આપો તો પણ એનો ખાડો સરભર  નથી થવાનો. ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર છે એવું પાઠયપુસ્તકોમાં લખનાર પાસે અદાલત માફી મંગાવે છે, પણ નીટ જેવી પરીક્ષા નીતિથી આપણે લઈ શકતા નથી એ હાલત શિક્ષણની છે ! 

ઉત્પાદન ગમે તેટલું વધારો, યોજનાઓ ગમે એવી ઘડો પણ તળિયું જ કરપ્શનના બાકોરાંવાળું હોય ત્યાં ડોલર, યુરો બધા સામે રૂપિયો સરકી જ  જવાનો ! 

***

અમેરિકામાં થયેલા એક તાજા સર્વે મુજબ, એક ભારતીય પરિવાર (હાઉસહોલ્ડ)ની વાર્ષિક સરેરાશ આવક ૧,૫૧,૨૨૦ ડોલર છે. જ્યારે અમેરિકાની રાષ્ટ્રીય સરેરાશ લગભગ ૮૩,૦૦૦ ડોલર છે. અત્યારે અમેરિકામાં વસતા કોઈપણ એથનિક ગુ્રપની સરખામણીમાં ભારતીયો સૌથી વધુ સમૃદ્ધ અમેરિકન છે. એટલું જ નહીં, અમેરિકાની કુલ વસ્તીમાં ભારતીયોનો હિસ્સો ભલે માત્ર ૧.૪% જ હોવા છતાં અમેરિકાના કુલ ટેક્સના ૬% ટેક્સ તો માત્ર ભારતીયો જ ચૂકવે છે. 

આ સમૃદ્ધિનું મુખ્ય કારણ એ છે કે અન્ય સમૂહોની સરખામણીમાં ભારતીયોએ અમેરિકામાં એજયુકેશન, બિઝનેસ અને ટેકનોલોજી પર સૌથી વધુ ફોકસ કર્યું છે. ટેકનોલોજી, હેલ્થકેર, એન્જિનિયરિંગ અને ફાઇનાન્સ જેવા સેક્ટર્સમાં ભારતીયોનું જ વર્ચસ્વ છે. ડલાસ જેવા નવા ટેકનોલોજી હબમાં તો હવે ભારતીયોની વસ્તી ૨૫% સુધી પહોંચી ગઈ છે ! સાર, એ કે ભારતમાં પ્રતિભાઓની કમી નથી. પણ અમેરિકા કે અન્ય દેશો જેવું મુક્ત અને ન્યાયી વાતાવરણ આપણે નથી આપી શકતા એ ખામી છે ! 

એમ તો નરસિંહરાવે ગ્લોબલાઇઝેશન કર્યું એ નેવુંના દાયકા સુધી અમેરિકાની નજરમાં ભારત પણ એક ગરીબ દેશ હતો. અમેરિકન ફિલ્મોમાં મોટેભાગે ભારતની ગરીબી જ બતાવવામાં આવતી અને ત્યાંની અમીર ક્લબોમાં ભારતના ભૂખ્યા લોકોના ભોજન માટે દાન આપવાની અપીલ કરવામાં આવતી. 

પછી વીસમી સદીના અંતથી ભારત ખરેખર આત્મનિર્ભર બન્યું. ભારતના સોફ્ટવેર એન્જિનિયરોએ અમેરિકામાં પોતાની પ્રતિભાનો ડંકો વગાડયો. અમેરિકામાં ભારતીયો સૌથી સમૃદ્ધ માનવામાં આવવા લાગ્યા. ફિલ્મોમાં ભારતની છબી ફરી. એનઆરઆઈ સ્ટોરીઝનું શાહરૂખખાનથી આખું માર્કેટ ઉભું થયું. ભારતની એક શાનદાર ભણેલા ને શાંત લોકોની ઇમેજ ઊભી થઈ. 

પણ પછી ભારતીય કોલ સેન્ટરોએ ભારતની ઇમેજ ત્યાં અમુક અંશે 'ફ્રોડ નેશન' (ઠગ દેશ) તરીકેની બનાવી દીધી ! બાકી લાઉડ થઈને કલ્ચર ને ધાર્મિકતા બધે જાહેરમાં ઘોંઘાટ સાથે દેખાડવાની ટેવ નવા ગ્રેટ અમેરિકા બનાવવા માંગતા રૂઢિચુસ્તોને ખટકવા લાગી. આપણા ઘણા લોકો નવી પેઢી સિવાય સાંસ્કૃતિક સંબંધ ભારત સાથે રાખે, એમાં ભારત અમેરિકાની જોબ છીનવી લે છે એવી પણ છાપ કોઈક જગ્યાએ આવી. આપણી વસતિ વધે એમ ગેરશિસ્ત ને ઘોંઘાટ પણ વધે જ. 

ઉપરથી હવે ભારત તરફથી દરેક ભૂલને એવા ફાલતુ બહાના આપીને જસ્ટિફાય કરવામાં આવવા લાગી કે ''અંગ્રેજોએ ભારતને લૂંટયું હતું, તો અમે તમારી સામે વટ કર્યો તેમાં શું ખોટું કર્યું!'' ભૂલ સ્વીકારી સુધારવાને બદલે આડોડાઈના કિસ્સા આવવા લાગ્યા. દેખીતી રીતે ભારત તરફથી થતા આવા એક કાંડના બદલામાં અમેરિકામાં દસ નવા ધિક્કારકો પણ પેદા થતા ગયા. 

છતાં ભારતીયો પરદેશ જવા લાઇનો લગાડે છે ને પોતાની મરજીથી પાછા નથી આવતા. અમેરિકા કે પછી મોટા ભાગના પશ્ચિમી દેશો પણ 'લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી' છે. અહીં જો તમે સાવ સામાન્ય માણસ છો, તો પણ તમારા ટેલેન્ટ, મહેનત અને સંઘર્ષથી તમે કંઈ પણ કરી શકો છો, કંઈ પણ મેળવી શકો છો. તમારી જાતિ, ધર્મ કે રંગથી ફરક નથી પડતો. બસ, તમારામાં મહેનત કરવાની ધગશ અને આગવી ટેલેન્ટ હોવી જોઈએ. તમારે કોઈની પાસે મદદ માંગવાની, કોન્ટેક્ટ્સ (ઓળખાણ) બનાવવાની, જુગાડ કરવાની કે સ્ટેટ્સ યાને 'રોફ' દેખાડવાની કોઈ જ જરૂર નથી. ભારતની સિસ્ટમ થોડી અલગ છે. અહીં મહેનત કે ટેલેન્ટ કરતાં કોન્ટેક્ટનો પાવર ચાલે છે. કોઈ નેતાજી સાથે કનેક્શન ધરાવનારા કે કોઈ વીઆઈપી ગુરુજીના મળતિયા કે કોઈ ધનવાનના ચમચા ખાસ સગવડ ને ફેવર મેળવે છે. ટૂંકમાં, દસેક મોટા માથાને સીધો કોલ કરી શકો તો ભારતમાં તમે રાજા ! 

પરંતુ જો તમે 'સામાન્ય જનતા' છો (અને મોટા ભાગના લોકો સામાન્ય જ હોય છે, બસ તેમને એવો વહેમ હોય છે કે તેઓ 'ખાસ' છે), તો, તમારે તમારાથી વધુ પહોંચ ધરાવનારાથી ધરબાઈને ભારતમાં જીવવાનું છે. ૨૦૦૪માં જીવનનો પહેલો પરદેશપ્રવાસ અમેરિકાનો કરીને જે તારણ કાઢેલું, એ હજુ પણ પરમ સત્ય છે. ત્યાં ''હુ આર યુ'' યાને તમારી લાયકાત, તમે કોણ છો કેવી આવડત ધરાવો છો એ ચાલે છે. અને અહીં ''હુમ ડુ યુ નો?'' તમે કોને ઓળખો છો, તમારા છેડા ક્યાં અડે છે એ ચાલે છે. આ મોટું નડતર છે નકકર આર્થિક મહાસત્તા બનવા આડે. કારણ કે એમાં પ્રતિભાની ખેતી ના થાય, એમની મેથી મરાઇ જાય. 

ભલે ડેમેજ કંટ્રોલ માટે ટિપિકલ ખેલ થયા કરે, પેલી ઇન્ટરનેટની ગમ્મત જેવી કોક્રોચ પાર્ટીએ સ્વયંભૂ જે રિસ્પોન્સ દરેક પ્રકારનો મેળવ્યો, કે જોક માટે સિરિયસ એકશન લેવા પડયા. એની પાછળ જવાન જનરેશનની હૈયાવરાળ પણ છે. ભારતના અર્થતંત્રને પાયામાંથી લાગેલી ઊધઈ બાબતનો રોષ ને રુદન પણ છે. એ ઊધઈ છે : ભ્રષ્ટાચાર ! 

ઝિંગ થિંગ 

''વિરોધ કે વેદનાનો ક્રિએટિવ અહિંસક માર્ગ યુવાઓ લે, ત્યારે એને બળપૂર્વક કચડી નાખવા કરતાં એને સમજવા જોઇએ. દૂતને મારી નાખવાથી સંદેશ નથી મરતો. એ દેશહિતમાં સાંભળવો જોઇએ.'' (સોનમ વાંકચૂક)