- અનાવૃત-જય વસાવડા
- પેરન્ટસ પણ પોતાની મોજમસ્તીમાં જ રચ્યાપચ્યા છે. એ ટ્રેઝર આપી દે છે, ટાઈમ નથી આપી શકતા બાળકોને
હિ ન્દી ફિલ્મોમાં શુદ્ધ હિન્દી બોલી શકે એવા કલાકરો જૂજ છે. એમાં એક છે આશુતોષ રાણા. ઉત્તમ લેખક અને વક્તા પણ ખરા. મૌલિક ચિંતક. એમણે સવિસ્તર એક અનુભવ બચપણનો એમનો એક વાર વર્ણવ્યો છે. સમજવા જેવો છે. વાંચો
ટૂંકાવેલો સાર :
'પિતાજીએ બેહતર શિક્ષણ માટે અમને ત્રણ ભાઈઓને મધ્ય પ્રદેશમાં ગાડરવાડાની સ્કૂલમાંથી ઉઠાડીને જબલપુરની ક્રાઈસ્ટચર્ચ કોલેજમાં એડ્મિશન કરાવ્યું. હોસ્ટેલમાં અમને મુકીને પછી આવતા અઠવાડિયે જરૂર મળવા આવશે એવા આશ્વાસન સાથે માતાપિતા વિદાય થયા. દિવસો વીત્યા અને એ રવિવાર આવ્યો જયારે મા બાપ મળવા આવવાના હતા. અમે અત્યાર સુધી તો મા બાપનો પ્રેમ મેળવવા માંગતા હતા, પણ હવે અંદરથી અમે એમને પ્રભાવિત પણ કરવા માંગતા હતા. એમને ઈમ્પ્રેસ કરવા બ્લેઝર, શર્ટ, પેન્ટ, ટાઈ, પોલિશ કરી ચમકાવેલા શૂઝ... અને મા બાબુજી આવ્યા. જવાહર બંડી અને ગાંધી ટોપીમાં બાબુજી અને સોનેરી કોર વાળી સાડીમાં મા મીટીંગ હોલમાં મળ્યા.
મને તો બહુ મન હતું કે આટલો વખત પહેલી વાર દૂર રહ્યો એ માને વળગી પડું. પણ બધાની સામે મારી ઇમ્પ્રેશન શું રહે એ ડરથી ડિસીપ્લીનમાં ટટ્ટાર ઊભીને કહ્યું ગૂડ ઇવનિંગ મમ્મી, ગૂડ ઇવનિંગ પાપા. માએ હસીને બાબુજી સામે જોયું. મને થયું કે માબાપ પ્રભાવિત થઇ ગયા. પછી અમે બેસીને શું શું થયું છેલ્લા સપ્તાહમાં એની વાતો શરુ કરી. અંતે બાબુજીએ કહ્યું કે 'સામાન પેક કરો, આપણે ગામની જૂની સ્કૂલમાં પાછા જઈએ છીએ !' મા પણ એમના નિર્ણયથી સહમત હોય એવું લાગ્યું. અમે મૂંઝાયા. પિતાનો આદેશ હતો, પણ અમારા ઘરમાં નાનાને સવાલ કરવાની આઝાદી હતી. એટલે પહેલા મેં જ પૂછયું કે કેમ આ છોડીને પાછા જવાનું ?
બાબુજીએ કહ્યું એ હજુ યાદ છે. એમણે કહ્યું : રાણાજી, અમારે તમને એક સારા વિદ્યાર્થી જ નહિ પણ સારા વ્યક્તિ પણ બનાવવા છે. તમને અહીં નવું શીખવા મોકલ્યા હતા, આપણું ભૂલવા નહિ. આપણા ઘરમાં તો અપરીચિત પણ ઉંમરમાં મોટા હોય તો એમને ચરણસ્પર્શ કરી સન્માન આપવામાં આવે છે. પણ આ વાતાવરણે તો સાત દિવસમાં આપણે નથી કહેતા એવા ઔપચારિક અભિવાદન ગૂડ ઇવનિંગ માબાપને જ કહેતા કરી દીધા. હું એમ નથી કહેતો કે એ બોલવું ખરાબ છે. પણ આપણને એ કૃત્રિમ લાગે છે, વિદ્યા વ્યક્તિને સંવેદનશીલ બનાવવા માટે છે. સંવેદનહીન બનાવવા માટે નહિ. મેં જોયું કે તમારે માને વ્હાલથી ભેટવું હતું. જે સહજ છે. પણ તમે તો દૂર અક્કડ ઉભા રહ્યા. વિદ્યા તો દૂર ઉભેલાને નજીક લઇ આવવા માટે છે, નહિ કે નજીક છે એમને દૂર કરવા માટે ! શિક્ષણ દર્દ સમજી ના શકે તો ફક્ત સાક્ષરતા કહેવાય. અહીં તમને અંગ્રેજી ભાષા શીખવા મોકલેલા. આપણી આત્મીયતા ભૂલવા નહિ. સંવેદનહીન શિક્ષિત કરતા તો સંવેદનશીલ અભણ સારા. ચાલો હવે ઘેર.'
આશુતોષ રાણાએ કહ્યું કે 'બાબુજીએ જરાય ગુસ્સો કર્યા વિના પણ મક્કમતાથી મોટો પાઠ જીવનનો ભણાવ્યો હતો કે આદર બધાને આપો, પણ કોઈના જેવા પરાણે બનવાની કોશિશ ના કરો. બીજા પ્રભાવિત કરવાની લાહ્યમાં પ્રેમ ના ભૂલો !'
***
ગુજરાતમાં સામાન્ય રીતે શાળામાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીનું ખૂન કરે એવી ઘટના નથી બનતી. પણ તાજેતરમાં અમદાવાદની જાણીતી ગણાતી શાળામાં બની. અધૂરી અક્કલના ઓથમીરો સીધા ધર્મ પર કૂદી પડયા એમાં પણ એ પછી બીજે પણ આવી મારામારીના કિસ્સા સમાચારોમાં આવ્યા. દહેરાદૂનમાં તો સ્ટુડન્ટે ટીચરને ગોળી મારી દીધી.
વેલ, કોઈ ખાસ કિસ્સામાં હજુ પૂરી વાત બહાર ના આવી હોય ત્યાં સુધી જજમેન્ટ આપવાની ઉતાવળ ના કરાય. પણ વિદ્યાર્થીઓમાં વાયડાઈ અને હિંસા વધતી જાય છે, એ તો કોઈ સમાચાર કે સર્વે વિના દેખાય એવી વાસ્તવિકતા છે. અંગ્રેજીમાં એગ્રેશન કહેવાય એવી ઝનૂની આક્રમકતા વધી છે, ને સહનશક્તિ ઘટી છે. વડીલોની ભાષામાં કહીએ તો બે આંખની શરમ નથી રહી. બધા આવા જ છે, એવું પણ નથી. આવું પહેલા થતું નહોતું એમ પણ નથી. પણ અત્યારે નાની ઉંમરમાં આનું પ્રમાણ ઝડપભેર વધી રહ્યું છે. કેમ ?
તરત જ હાય હાય વેબ સિરીઝને ફિલ્મો ને મોબાઈલ એવો ટિપિકલ કારણકકળાટ ચાલુ થશે. કાં રાજકરણીઓના કોપી પેસ્ટ જેવા ડિનાયલ મોડ. આવું તો અમેરિકામાં ક્યાંય વધુ થાય છે ટાઈપ.
પહેલી વાત તો એ કે અમેરિકા કે કોઈ દેશ બધી બાબતોમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ ના હોય. ત્યાં ગમે તે હથિયાર લઈને ફરે એવી ગન લોબી છે, તો અહીં નવી સડક પર એક ચોમાસે ખાડા પડે એવા ભ્રષ્ટ ધનલોભી છે. ત્યાં જો ડ્રગ કે સ્કૂલ શૂટિંગ છે તો અહીં માવાફાકીગુટકા કે કન્યા ભૂ્રણહત્યા છે. એટલે બીજાના પ્રોબેલ્મ ગણાવીને પોતાની નબળાઈઓનો બચાવ કરવો એ સાચા શિક્ષિત માણસનું લક્ષણ નથી. આપણે આપણી સમસ્યા ઉકેલવામાં ફોકસ કરવાનું હોય બીજાની ગણાવવાને બદલે.
મોબાઈલને ગાળો દેનારા પણ એના માટે મોબાઈલનો જ ઉપયોગ કરે છે. ગમે કે ના ગમે મોબાઈલમુક્ત જગત એમ થવાનું નથી. એટલે એને મેનેજ કરવાનું હોય એકની એક હાયવોય વિના. સિમ્પલ સૂચન વર્ષો પહેલા આપેલું કે મફત નેટ ને મફત સોશ્યલ મીડિયા એપને ચાર્જેબલ કરો એટલે બેફામ દુરુપયોગ પર લગામ આવે અને સોશ્યલ નેટવર્ક પ્રોફાઈલ સાથે રાષ્ટ્રીય ઓળખપત્ર (આધાર કે પાસપોર્ટ વગેરે ) લિંક કરવાનું ભારતમાં ફરજીયાત કરો જેથી જવાબદારી તરત ફિક્સ થાય. પણ રાજકીય પક્ષોએ પોતાના ફાયદા માટે આવા અનપોપ્યુલર નિર્ણયો લેવાનું ટાળવું હોય હશે કે પછી આ ગંભીરતા એમને સમજાતી નથી એટલે વધારાની આવક ઉભી થતી હોવા છતાં મફત નેટ ચાલ્યા કરે છે.
ફિલ્મો કે સિરીઝ તો સમાજનો અરીસો હોય છે. એમાંથી લોકોની માનસિકતામાં આવેલા પરિવર્તનની ખબર હવામાન માપતા સાધનોની જેમ પડે. એને લીધે લોકોની માનસિકતામાં ખાસ ફરક નથી પડતો. આ કશું નહોતું ત્યારે પણ ક્રાઈમ, હત્યા, લૂંટ, બળાત્કાર બધું જ હતું અમીરઅલી ઠગ હોય કે જેક ધ રિપર. એકલ દોકલ નબળા મનની વ્યક્તિઓની અલગ છે. બાકી, કોવિડ વખતે હમણાં જ સૌથી વધુ જોવાયેલી સિરીયલ રામાયણ હતી, તો કંઈ રામરાજ્ય લોકોમાં નથી આવી ગયું. આમ પણ, તમારી આસપાસ જુઓ, જે લોકો સિનેમા કે વેબ સિરીઝના અઠંગ શોખીનો હશે અને ખૂબ બધો કન્ટેન્ટ જોતા હશે એ ભાગ્યે જ ક્રિમિનલ હશે. એ તો આપણા દોસ્તો, પરિવારના સભ્યો કે પ્રોફેશનલ કરિઅર બનાવનાર કે સિમ્પલ મિડલ ક્લાસ કે ગૃહિણી કે આપણા સીધાસાદા સંતાનો હશે. એ કોઈ વધુ પડતું એન્ટરટેઇનમેન્ટ જોઈ ક્રિમિનલ નથી થતા. કારણ કે એમની પાસે વિચાર છે, સંસ્કાર છે, અનુભવ કે વાચન કે સારાખરાબની વિવેકબુદ્ધિ છે. એને તો ભણતર કહેવાય. આશુતોષ રાણા કે શાહરૂખખાન કે રણબીર કપૂર થોડા પર્સનલ લાઈફમાં વિલન કે એનિમલ કે રેપિસ્ટ થઇ ગયા ? મિરઝાપુરના દિવ્યેંદુ કે પંકજ ત્રિપાઠી કે અલી ફઝલ કે વિજય વર્મા કે શ્વેતા કેમ એમણે ભજવેલા પાત્રોની અસરમાં નથી આવતા ? કારણ કે એમની પાસે અક્કલ હોય છે, સમજણ હોય છે. હવે એ જેની પાસે ના હોય ને અવળી રીતે દોરવાઈ જાય તો પ્રોબ્લેમ અક્કલનો અભાવ છે, પિકચરનો પ્રભાવ નહિ !
હા, ચિંતાજનક બાબત એક જરૂર છે. એ છે સાઉથમાંથી ગ્લોરિફાય થઈને આવતા રહેતા વાયોલન્ટ મેલ ડોમિનન્ટ હીરોનાં પાત્રોને મળતું માસ એપ્રુવલ. આમ પણ સંસ્કૃતિને સતત આગળ રાખવાને લીધે અમુક ઘેલાઘેટાઓમાં વખણાતી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સ્ત્રીઓના એકતરફી શોષણ માટે કુખ્યાત રહી છે, ને અનેક વખત એ બાબતે અવાજો ઉઠયા એ દબાવી દેવાયા છે. એ છોડો, પણ ૫૦ વર્ષ પહેલા શોલે જેવી ફિલ્મમાં જે ગબ્બર જેવા સાયકો વાયોલન્ટ કેરેક્ટર્સ વિલન હતા, એવા લક્ષણો ધરાવતા પાત્રો ભજવીને યશ (કેજીએફ) કે આલુ અર્જુન (પુષ્પા) નેશનલ સુપરસ્ટાર થઇ ગયા ! અને એ હીરો છે, વિલન નહિ ! બાઝીગરનો શાહરૂખ કે દુશ્મનનો આશુતોષ કે ધૂમનો જોન નેગેટીવ કેરેક્ટર ગણાતા હતા. પણ હવે નેગેટીવ પોઝીટિવ જેવું કંઈ રહ્યું નથી. માર્કો જેવી કચરો ફિલ્મ કોઈ જોન વિક કે ઇક્વિલાઇર નથી. એમાં ચીતરી ચડે એવી ગંદી હિંસા છે, પણ સેન્સર સુપરમેનની કિસ કાતરી નાખશે પણ માર્કો પાસ કરશે ને લોકો પણ એને નાપાસ નહી કરે. કેમ આજકાલ હોરર ફિલ્મો વધુ ચાલવા લાગી છે ભારતમાં ? પ્રજામાં વિજ્ઞાાન કરતા વહેમ અંદરખાનેથી વધુ ગમવા લાગ્યા છે ?
આપને ત્યાં પણ શૃંગાર કે ઈરોટિક કન્ટેન્ટ પર તરત વલ્ગર વલ્ગર કહેનારા ધરમધાડા તૂટી પડશે. પણ હિંસા બાબતે એમના રૃંવાડા પણ નહિ ફરકે. લાશોના ફોટા કે તસ્વીરો બધાને કોઠે પડી ગઈ છે, જાહેરમાં હગ કરો તો કેટલાયને આંતરડામાં આંટી વળી જશે પણ પણ જાહેરમાં ગાળાગાળી ને મારામારી કોઈને અશ્લીલ નથી લાગતી ! સ્ત્રી કે પુરુષના નગ્ન શરીરો પર કાતર ફેરવી દેતા સંસ્કૃતિપ્રેમીઓ લોહીના ફુવારાવાળા દ્રશ્યો સ્વીકારી લે છે. આપના પ્રાચીન ગ્રંથોમાં તો શૌર્ય ને શૃંગાર બંનેનું સહજ સંતુલન રહેતું. પણ એમાંથી માત્ર વેરઝેર કે યુદ્ધ આપણે જાળવી રાખ્યા ને રસિકતા ખોઈ નાખી તો અરસિક વ્યક્તિ કે સમાજ હિંસક જ હોવાનો ! સિનેમા કે વેબના કન્ટેન્ટ નહિ પણ સિનેમા થકી ખબર પડે છે એ લોકોની બદલાયેલી ચોઈસની માનસિકતા પ્રોબ્લેમેટિક છે. પહેલા આવી બાબતો રિજેક્ટ થતી. ગમતી તો પણ એને સામાજિક સ્વીકૃતિ નહોતી. અથવા એની પાછળ કોઈ ક્રિએટીવ થોટની ડેપ્થ રહેતી. તો કશુંક બદલાયું છે સમાજના સ્તરે જેથી નેગેટીવિટી વધુ સ્વીકૃત થાય છે.
શું છે એ ? આખી દુનિયામાં યુદ્ધ વધી રહ્યા છે એ જુઓ. બધે દેશો અને નેતાઓ સંયમ ગુમાવી બાંયો ચડાવી ખાંડા ખખડાવી સામસામા હાક્લાપડકારા કરી રહ્યા છે. મતલબ મેચ્યોર લીડરશિપ ઘટતી જાય છે જે સમાજને વધુ સમજણ અને શાંતિ તરફ દોરી જાય આ પહેલું પરિબળ છે. બીજું એ કે છેલ્લા દસકામાં ઈન્ટરનેટ ને મોબાઈલના વપરાશમાં આવેલા જંગી ઉછાળાને લીધે વાંચન ઘટી ગયું. મતલબ શોર્ટ એટેન્શન સ્પાન વધ્યો અને વિચાર કરતા શીખવે સાચો એવા એકેડેમિકસ પર એની અસર પડી. જેમ જે મીઠાઈ ખાઈ પણ કસરત જોડે કરે એ શુગર પચાવી જાણે એમ મોબાઈલ જેવા ડિજીટલ મીડિયા વાપરે પણ જોડે વિચાર ને કળા પણ હોય તો એની આડઅસરથી મુક્ત રહી શકે. ઓછું ધ્યાન એટલે આછકલાઈ વધુ. સંતાનો તો શું, પેરન્ટસ પણ પોતાની મોજમસ્તીમાં જ રચ્યાપચ્યા છે. એ ટ્રેઝર આપી દે છે, ટાઈમ નથી આપી શકતા બાળકોને વેકેશન સિવાય ! ત્રીજું, જગત આખામાં ઈન્ટરનેટના વધતા વ્યાપ સાથે વધુ ફેલાતી જતી ધાર્મિક જડતા.
સ્કોલર મુસ્લિમો કહે છે કે ઇસ્લામનો સંદેશ શાંતિ છે, પણ એના નામે જ કેટલાય મુસ્લિમો જગતમાં કે ભારતમાં તો શું ઇસ્લામિક દેશોમાં જ ઘોર હિંસક અશાંતિ ફેલાવી રહ્યા છે એ તો જગજાહેર છે. ધાર્મિક લાગણી દુભાવાના નામે સર તન સે જુદા વાળી ઘટના એની વાનરનકલની જેમ શીખોમાં પણ થાય છે. હિંદુ ધર્મ તો પહેલેથી અલાયદો હતો જેમાં શુદ્ધિ, સત્કર્મો અને સહિષ્ણુતાથી પોતાનું અને બીજાનું કલ્યાણ કરવા પર જ ભાર હતો. હિંસા ઈશ્વરના અવતારો પણ સંવાદ અને સમાધાનના બધા જ પ્રયાસો નિષ્ફળ જાય, સામી વ્યક્તિએ અન્યાય કરીને હિંસા આચરી હોય એના જવાબરૂપે માત્ર આખરી વિકલ્પ તરીકે કરે એના પર જ ભાર હતો, કારણ કે દરેક કર્મના પરિણામો તો ભલભલા મહાન વ્યક્તિત્વોએ પણ ભોગવવા પડે છે. એટલે એક પ્રકારની નૈતિકતાની મર્યાદા હતી, (જેને સંકુચિત સમાજે ખાલી વસ્ત્રો ને જ્ઞાાતિઓ પુરતી સીમિત કરી નાખી !). પણ હવે તાલિબાની અને વિક્ટોરિયન ક્રિશ્ચિયન ઓર્થોડોક્સ અસરમાં ઉગ્રતાને વીરતા માનવાનું નવતર હિન્દુત્વ પોલિટીકલ દાવપેંચમાં ફાયદાકારક હોઈને છવાઈ ગયું છે. જે હનુમાન બાળકોને ગમી જાય એવા વિનોદી રમતિયાળ પાત્ર હતા અને જેમને બુદ્ધિ અને કળાની ધીરતા પ્રાપ્ત હતી એવા વર્ણનો છે, એમને ગાડીના સ્ટીકર પર ચોંટાડવા આપણે એન્ગ્રી હનુમાન બનાવી દીધા છે !
ભારતમાં ઘણા સમયથી શિક્ષણનું ઘોર વેપારીકરણ પણ થયું છે. એજ્યુકેશન હબ મોટા ભાગના બિઝનેસ સેન્ટર થતા જાય છે. રાજકીય ખટપટને લીધે ભાગ્યે જ કોઈ જેન્યુઈન સ્કોલર શિક્ષણના ક્ષેત્રે ઉચ્ચ હોદ્દાઓ પર છે. જીહજૂરી કરનારા કે ખુલ્લા મનનને બદલે ચોક્કસ જૂથ કે વિચારધારાને સમપત મિડીયોકર માનવીઓ કારમાં ફરતા કેળવણીનાં કલાકાર થઇ બેઠા છે. ટોપ ટુ બોટમ આવું જ ચાલે છે એમાં વિદ્યાર્થીઓ પર શું અસર પડે ? એ જ કે બળિયાના બે ભાગ. શિક્ષણના સંચાલકો પણ એકબીજાને પાડી દેવાની વેતરણમાં હોય અને અમુક શિક્ષકો પણ લાગવગથી ગોઠવાઈને સબ્જેક્ટને બદલે વ્યસનથી વાયડાઈ બધી વાતે એક્સપર્ટ હોય ત્યાં છાપ શું પડે?
કાયદાનો તો કોઈ ડર નથી. સજા ઝડપથી થતી નથી જાહેરમાં દાખલો બેસે એવી. સોશ્યલ મીડિયાના નામે વાઈરલ ધમકીઓ અને પોલીટીકલ સમીકરણોને લીધે પોલીસ પુરા એક્શન લઇ શકતી નથી. ધીમો ને નબળો ન્યાય છે. ઉચ્ચ કોટિની ગુણવત્તા ધરવતા જજોની પણ અછત છે. ધાક નથી અનુશાસન માટે. શિક્ષકોને એવું લાગે છે કે અમારી પાસે છડી નથી રહી એટલે છોકરાઓના હાથમાં છરી આવી છે. પણ એ જ તો ચેલેન્જ હતી કે શિસ્ત
શિક્ષણ થાકી આવે કે વ્યવસ્થાનો ભંગ અભણ કરે, ભણેલા નહિ. પણ કાયદા તોડવા એ સ્માર્ટનેસ કે ડેરિંગ ગણાય એ માહોલ ઘણા ઘરમાં જ હોય છે. શિક્ષણસંસ્થા કોઈ બાળસુધાર ગૃહ નથી સાયકો સ્ટુડન્ટસ માટે. ટીનએજર કે બાળક વધુ સમય સ્કૂલમાં નથી રહેતા. એની બહાર રહે છે. ઘરના વ્યવહાર વર્તનની અસર સૌથી વધુ પડે છે મનમાં. બીજું છે પીઅર ગુ્રપ. યાને મિત્રવર્તુળ. સર્કલમાં સ્વીકૃતિ મળે એ માટે જાતભાતના ખેલ શરુ થઇ જાય છે જેની ખબર માબાપ કે શિક્ષકને તો હોતી જ નથી. એમાં ભળે છે બે એવી વાતો જેની ચર્ચા જ નથી થતી. ડ્રગ્સનું વધતું જતું દૂષણ અને સેક્સ એજયુકેશનના અભાવે હોર્મોન્સ કુદરતી રીતે બદલાય ત્યારે એના મેનેજમેન્ટના અભાવે ઉભું થતું સાયકોલોજીકલ ફ્રસ્ટ્રેશન !
પેરન્ટસ અને પીઅર ગુ્રપ બાબતે આપણે કોઈ માર્ગદર્શન નવી પેઢીને ગમે એવી રીતે આપતા નથી. માત્ર ધાર્મિક ઉપદેશો આપ્યા કરીએ છીએ. અને સમાજમાં જ જ્ઞાાતિ કે ધર્મના નામે ઈગો ટ્રીપ કરાવતી સેનાઓ ને આગેવાનોની બોલબાલા છે. આડાઅવળા રસ્તે પૈસા કમાયેલા લુખ્ખાઓ મોટા ઉત્સવોમાં શક્તિપ્રદર્શન કરી ને અંદરખાનેથી દાદાગીરી કરીને મિલકતો બનાવી બેઠા છે. ઓફલાઈન ડાયરા હોય કે ઓનલાઈન કોમેન્ટ્સનાં દાયરા હોય બધે શૂરવીરતાના નામે બીજાની ઉપર ધોંસ જમાવતી મવાલીછાપ હિંસાને જ ગ્લોરિફાય કરાય છે. ગમે ત્યાં જઈને કોઈ સમજ વિના સીધા પર્સનલ થઇ જતા ટ્રોલિયાટપોરીઓને નાથવા આપણે સમાજ તરીકે જરાય જાગૃત નથી. ઉલટું એવી વિકૃતિઓને ભયભીત થઈને કે સંકુચિત થઈને પ્રોત્સાહન આપીએ છીએ. એ માનસિકતામાંથી જ હિંસા આવે છે.
સ્કૂલોમાં સાહિત્ય ને કલાની વાતો માર્ક્સ સામે સાઈડમાં ધકેલાતી જાય છે. ઘણી સ્કૂલો પાસે ગ્રાઉન્ડ નથી સરખા. શહેરોમાં મનને શાંત કરતુ હરિયાળું મોકળું પ્રાકૃતિક વાતાવરણ નથી. ચિત્ર અને સંગીતના શિક્ષકોની ભરતી જ નથી થતી. સ્પોર્ટ્સ સરખું રમાડાતું નથી જે હાર જીરવતા શીખવે. ટ્રાફિક જુઓ કે ટોળા જુઓ, બધે જ જયારે હોર્ન કે ઓવરટેક કરી આગળ નીકળી જવાનું એગ્રેશન છવાયેલું હોય અને કાયદાના રાજમાં બંધારણ નીચે દેશ એક બની ચાલે ને અગાઉ થતી એવી વાતેવાતે કાયદો તોડીને હાથમાં લઈને થતી ઘાતકી હિંસા ના થાય એ માટે અહિંસાના પાઠ ભણાવનાર દીર્ઘદ્રષ્ટા મહાત્મા ગાંધી કરતા માત્ર અલગ વિચાર માટે એક વિરાટ વૃદ્ધ પ્રતિભાનું ખૂન કરી નાખતા જંગલી ગોડસેને હીરો માનવાનો ટ્રેન્ડ ચાલતો હોય ત્યાં વિધાર્થીઓ હિંસક બને કે શાંત ?
ઝિંગ થિંગ
'શાસ્ત્રો કેવા સુંદર છે, છતાં તેમને વાંચનારા ઘટી ગયા, શસ્ત્રો ખતરનાક છે તોય તેમને વાપરનારા વધી ગયા !' (ડો. દીપક રાજ્યગુરુ)


