ખજૂરનો ખજાનો સુપરફૂડનો સ્વાદ મજાનો!
- અનાવૃત-જય વસાવડા
- ભારતના વૈદો પણ ખજૂરના ગુણગાન તો ગાય છે અને આ મામલે મેડિકલ ડોકટરો પણ અલગ અભિપ્રાય ધરાવતા નથી
ઇ ટાલીના રેવન્નાની એક બેસીલિકામાં એક ભીંતચિત્ર છે. જેમાં કિવદંતી મુજબ ઇસુના જન્મની વધામણી માટે પેલા થ્રી વાઈઝ મેન યાને ત્રણ શાણા પુરુષો મધર મેરી પાસે જાય છે. એના બેકગ્રાઉન્ડમાં મોટા મોટા ખજૂરીના વૃક્ષો છે. સંદર્ભો કહે છે કે ઇસ્લામમાં ખુદ અલ્લાહે મરિયમ ( મેરી ) ને પ્રેગનન્સીનું લેબર પેઈન હળવું કરવા માટે ખજૂર ખાવાની સલાહ આપી હતી. ચમત્કારોમાં ઢળી ના પડવું હોય તો એમ માની શકાય કે જે ગાળામાં કુરાન કે બાઈબલ જેવા ગ્રંથો લખાયા ત્યારે સગર્ભા સ્ત્રીઓને ખજૂર ખવડાવવાનું સંસ્કૃતિક ચલણ હશે. આમે બાઈબલમાં પચાસેક વખત અને કુરાને શરીફમાં બાવીસેક વખત ખજૂરનો ઉલ્લેખ આવે છે. લોકો વેસ્ટર્ન વર્લ્ડમાં વ્યાપેલો ક્રિશ્ચિયન પ્રભાવ જોઇને ભૂલી જાય છે કે ઇસુ એશિયન હતા અને ત્રણે અબ્રાહમિક ધર્મો ખ્રિસ્તી, ઇસ્લામ, યહૂદી ઓલ્મોસ્ટ એક જ વિસ્તારમાં જ જન્મ્યા છે ! એટલે તો જેરુસલામમાં ઝગડા ખતમ નથી થતા !
એની વે, આ પ્રસૂતિની પીડા હળવી ખજૂર ખાવાથી થાય એનું કૂતુહલ કેટલાક આધુનિક વિજ્ઞાાન ભણેલા રિસર્ચરોને થયું. એમણે કરેલા પ્રયોગોના તારણો એવા આવ્યા કે વાતમાં તો દમ છે ! પણ ધર્મમાં બધું શ્રધ્ધાથી માની લેવાનું હોય, જયારે સાયન્સ તો સવાલો પૂછવામાં માને. એટલે ઊંડા ઉતરતા જાણવા મળ્યું કે ખજૂરમાં એવા નેચરલ કેમિકલ્સ છે, જે શરીરમાં ઓક્સિટોસીન સતેજ કરે. આ હોર્મોનનો બાળકને જન્મ આપવા માટે જે સ્નાયુઓ સંકોચન આકુંચન (કોન્ટ્રાકશન્સ ) અનુભવે એમાં ભાગ ભજવે છે.
આમે સગર્ભા સ્ત્રીઓ નિયમિત ખજૂર ખાય તો એમાં એનર્જી તો ભરપૂર છે. નેચરલ સ્યુગર, હેલ્ધી કાર્બોહાઈડ્રેટસ ને ચિક્કાર ફાઈબર છે. કેળાં કરતા વધુ પોટેશ્યમ છે, મેગ્નેશિયમ છે. મેંગેનીઝ. તાંબુ, વિટામીન બીસિક્સ વગેરે પણ વિપુલ છે. પ્રોટીનની માત્રા પણ સારી અને કેટલાક અન્યત્ર ના મળે એવા એમિનો એસિડસ અને પુષ્કળ એન્ટીઓક્સિડન્ટસ પણ ખરા. આધુનિક ફૂડ સાયન્સ તો એવું પણ કહે છે કે ઉંચી ક્વોલિટીનો (અને એટલે મોંઘોદાટ) ખજૂર ખાવાથી કેન્સરથી લઈને સ્ટ્રોક સુધીનો ખતરો ટાળી શકાય છે. ૬૧ વર્ષની વયે દાંડીકૂચમાં સૌથી આગળ રહેનાર, 'મૂઠી હાડકાંના નવજુવાન ડોસલા' તરીકે ઓળખાનાર અને બ્રિટિશ સલ્તનતને હચમચાવનાર ગાંધીજી પણ સવારના નાસ્તામાં રોજ ખજૂર લેતા હતા. ખજૂર ડાયાબિટીસ રોકવામાં પણ મદદરૂપ થાય કારણ કે એનો જીઆઈ ઉર્ફે ગ્લાઈસેમિક ઇન્ડેક્સ પ્રમાણમાં ઓછો છે. સ્વીટ હોવા છતાં એની શુગર કોમ્પ્લેક્સ છે,તરત બોડીમાં ઈન્સ્યુલિનને સ્પાઈક યાને તીરવેગે ઉછળતી નથી. ધીમે ધીમે લોહીમાં ભળે છે. એટલે ગળપણ જો એનું હોય તો માપમાં લો ત્યાં સુધી સ્વાદ મીઠો રહે પણ મીઠી પેશાબના રોગની ચિંતા ના રહે.
આવું બધું સદીઓ પહેલા કોને ખબર હોય ? પણ ખજૂરનો દબદબો રમઝાનમાં ઉપવાસ છોડવા માટેના ફળ તરીકે બરકરાર છે. કારણ કે મોહમ્મદ પયગંબરસાહેબે પણ ત્રણ પેશી ખજૂર ખાઈને રોજા છોડયા હતા. એમણે ખજૂરીના ઝાડને સ્વર્ગનું ઝાડ કહેલું. બુખારીની હદીસ એવું ફરમાવે છે કે 'જે સવારે નરણા કોઠે સાત આજવા (કાળા રંગનો નરમ ખજૂર, બેહદ ઉત્તમ) ખાય છે, એના પર કોઈ મેલા જાદૂ કે ઝેરની પણ અસર થતી નથી !' આવું અતિશયોક્તિ અલંકારમાં મહિમા વધારવા લખવાની વૈશ્વિક પરંપરા છે. પણ ભારતના વૈદો પણ ખજૂરના ગુણગાન તો ગાય છે અને આ મામલે મેડિકલ ડોકટરો પણ અલગ અભિપ્રાય ધરાવતા નથી.
ભલે, સમય જતા એવું થયું કે રોજા ખોલવા માટે ખજૂર ખાવો એક રિવાજ બની ગયો અને એના પછી ઇફ્તારમાં તો અવનવી વાનગીઓનો રસથાળ જમવાનું શરુ થઇ ગયું. કદાચ મૂળ હેતુ લાંબા સમય સુધી વિધાઉટ વોટર ફાસ્ટિંગ બાદ ડિટોક્સ થયેલા બોડીમાં તરત તેલમસાલા કે ખાંડથી ભરપૂર ભોજન પેટ ભરીને ખાવાને બદલે શરીરને જરૂરી ઊર્જા આપતા ખજૂર ખાઈને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી થતા કેટોસિસની પ્રોસેસથી કાયાકલ્પ કરવાનો હશે. આમ પણ એ રીતના નવતર શરુ થયેલા ડાયેટિંગ માટેના ઉપવાસમાં એ તોડતી વખતે સલાડ કે ફ્રુટ ખાવાની સલાહ છે એટલે શરીરને ઉપવાસનો ફાયદો થયો હોય એ તરત ફૂલ ચરબીદાર થાળી ખાઈને ભૂંસાઈ ના જાય. પણ એમ માણસ સ્વાદ છોડી નાં શકે. શિર ખુરમામાં પણ ખજૂર હોય ને ખજૂર અંજીરની માફક દૂધમાં પલાળીને પણ ખાવ તો બહુ ભાવે. બચપણના દૂધનો એ સ્વાદ છે. આઈસ્ક્રીમમાં હોય એ તો સમજ્યા પણ શોખીનો તો સૌરાષ્ટ્રમાં ખજૂરના ભજીયાંની જયાફત ઉડાવે છે અને દુબઈથી આવનારા લોકો મોટે ભાગે ભેટમાં વચ્ચે બદામ કે પિસ્તા હોય એવો ખજૂર તો ઠીક પણ ચોકલેટ કોટિંગવાળો ખજૂર લઈને આવે !
એ આમે બહુ ભાવે. ખજૂર પોતે જ ચોકલેટ જેવો કથ્થાઈ કેરેમ્લાઈઝ્ડ કલરનો. વળી ચ્યુઈ યાને ચાવવાની મોજ પડી જાય એવું મોટે ભાગે બંધારણ એનું. અમુક સુક્કા ખજુર કડક હોય. બાકી માબૂ્રમ જેવા ખજૂર ખાવ તો એકલેયર ચોકલેટ્સ ભૂલી જાવ ! ચોકલેટમાં તો રિફાઈન્ડ ખાંડ હોય જેનો અતિરેક અનેક નુકસાન નોતરે છે. પણ અરેબિયામાં ગરીબોની કેક કહેવાતા ખજૂરમાં એ ખતરો નહી. અમેરિકામાં તો 'ભારતીય ભોજન'માંથી પ્રેરણા લઈને સિલ્વી ચાર્લ્સે સ્યુગરની અવેજીમાં ૨૦૧૮માં જસ્ટ ડેટ નામથી ડેટ યાને ખજૂરનું સિરપ લોન્ચ કર્યું ને એવા અન્ય સિરપ કે ડેટ પેસ્ટ યાને ઠળિયા કાઢીને મિક્સ કરેલા ખજૂરની કોઈ પણ વાનગીમાં તરત ભેળવી શકાય એવી લુગદી એવી પોપ્ય્યુલર થઇ કે ૨૦૧૨ના પ્રમાણમાં ત્યાં ખજૂરની ખરીદી અને વપરાશમાં ૭૫%નો ઉછાળો આવ્યો ! ખજૂરનું એમીલોડ પ્રોટીન ને અમુક અજોડ એમીનો એસિડ એવા છે કે જે બધા ફ્રુતમાં ના હોય ને એને લીધે બ્રેઈનની હેલ્થ સુધરે.
લેટેસ્ટ ક્રેઝ ખજૂરની માર્કેટ હાઈપ વધારતો સ્કિન કેરમાં છે ! માણસની માફક વનસ્પતિમાં પણ તાજગી અને યૌવન ટકાવી રાખતા હોર્મોન્સ હોય છે. ખજૂરના એવા અમુક હોર્મોનને લીધે ત્વચા પરની કરચલી દૂર થઇ જાય છે. આંખ નીચેના કુંડાળા પર લગાડવાની એ ધરવતી ક્રીમ પ્રોડક્ટ્સ પણ પ્રીમિયમ ગણાય છે. જો કે, અમેરિકાના કેલિફોર્નિયામાં અફલાતૂન ખજૂર પેદા થાય છે. છતાં, અમેરિકા એક કરોડ ટનના ગ્લોબલ પ્રોડક્શન ચાર્ટમાં આગળ નથી. એમાં કબજો બધા ઇસ્લામિક એવા આરબ દેશોનો છે. ઈજીપ્ત અને સાઉદી અરેબિયા ટોપ પર છે. પછી અલ્જીરિયા, ઈરાન, ઈરાક, પાકિસ્તાન, ટયુનીશિયા, ઓમાન, કુવૈત, ઈઝરાએલ, જોર્ડન વગેરે આવે. આપણા કચ્છ, રાજસ્થાન અને પંજાબ વિસ્તારમાં ખજૂર થાય પણ બેસ્ટ ખજૂર તો આયાત જ કરવો દે છે. મેજૂલ જેવો ખજૂર તો ભર્યું ભાણું જ છે વિશાલ અને રસાળ. મોઢામાં મુકો તો રવો રવો થઇ જાય!
મેજુલ જાણે સરતાજ પણ કિમિયાથી આજવા સુધીની, ખલાસથી ફાતિહ, ખુનેજીથી સગાઇ સુધીની ખજૂરની પચાસેક જાણીતી અવનવી વરાયટી છે. મોટા ભાગની જે શ્રેષ્ઠ ગણાય છે એ આપણે ત્યાં નથી થતી. બધામાં સ્વાદ ને દેખાવ અલગ. કોઈ સોનેરી ઝાંય વાળો લાગે તો કોઈ મરૂન. કોઈની પેશીઓ નરમ મુલાયમ તો કોઈની કડક ને ઉપર કરચલીવાળી. કોઈમાં રસના ફુવારા તો કોઈમાં ચાવવાની મજા. દરેકમાં ઉપર ટોપકું ષટકોણીયું અને અંદરના ભાગમાં જાણે ચાંદીના તારથી મખમલી અસ્તર કર્યું હોય એવા રેસાનું પડ. ખારોપાટ જેવા સૂક્કા રણની પેદાશ છતાં મીઠાશ તો આહાહાહા ! ખાતા ખાતા જ એ વિચાર આવે કે ખજૂર જેવા થવું પડે. ભલે મૂળિયાં ગરમ રેતીમાં હોય, રસકસ લઈને આપણે તો પોચાં અને મીઠડા થવું કે બધા આપણું મૂલ્ય વધારે.
એમ જ મસ્કત જેવામાં રહેતા શેખો તો રમઝાન સિવાય પણ વર્ષે માથાદીઠ ૫૬ કિલો જેટલો ખજૂર ખાઈ જાય છે ! ખજૂરની અવનવી વાનગીઓ પણ બને. આપણે ત્યાં શિયાળામાં ઉષ્ણ સમજીને રક્તશુદ્ધિ અને શક્તિ માટે ખજૂરના પાક ખવાય. આયુર્વેદના નિષ્ણાતો ઘી સાથે એને ખાવાની ભલામણ કરી ચૂક્યા છે. ખજૂર સાથે ટોપરું પણ એકદમ મસ્ત લાગે. કિસમિસકાજુ નાખેલી ખજૂર પૂરી તો રાજકોટમાં મળે છે. નાના બાળકોને ખાંડવાળી કેન્ડી કે પીપર ને બદલે ખજૂરની પેસ્ટની ચોકલેટ આપવાનો હેલ્થ ટ્રેન્ડ છે. જમ્યા પછી ક્રેવિંગ થાય સ્વીટનું તો ખજૂર ખાવાના ફાયદા છે.
'ફૂડ ઓફ ધ ઇસ્લામિક વર્લ્ડ' એવી કિતાબ લંડનમાં બેસીને લખનાર અનિસાએ જાતભાતની વાનગીઓ વર્ણવી છે. ઓમાનમાં મદુલ્કા વાનગીમાં તલ સાથે ખજૂરનો માવો ખવાય, મીઠાઈઓમાં મધની જેમ સ્વીટનર તરીકે ઉપયોગ તો ખરો જ, સાથે કુવૈતમાં તાહિની સાથે તો કતારમાં તાજા દહીં યાને યિજીટ સાથે ખવાય. સ્પેનમાં સહેજ સાંતળેલો ખજૂર ખવાય તો મોરોક્કોમાં માંસની ખારી વાનગીઓમાં સૂકો ખજૂર ભભરાવાય અને મામુલ તરીકે ઓળખાતી અરેબીક કૂકીમાં પણ ખજૂર મળે. અરેબિકમાં ખજૂરને જોકે તમ્ર કહેવાય અને ટર્કીશમાં હુર્મા, ઇન્ડોનેશિયનમાં બુઆહ ખુરમા ને આપણે અપનાવેલું ખજૂર નામ ભારતીય ભાષા ઉર્દૂનું ફારસીની અસરમાં. ઇસ્લામમાં તો ખજૂરનો દરજ્જો વધારવા એવું કહેવાયું છે કે આદમ બનવ્યા બાદ જે સામગ્રી વધી એમાંથી ઉપરવાળાએ ખજૂર બનાવ્યો !
પણ જેમ ગાયનું દૂધ માત્ર હિંદુઓ માટે નથી (ઉલટું ભારત કરતા તો પરદેશમાં વધુ પીવાય છે !) એમ ખજૂર ફક્ત મુસલમાનોનો એવું ય નથી. ખ્રિસ્તી ધર્મમાં પામ સન્ડે છે ને યહૂદીમાં સુકકોત છે, જેની ઉજવણીમાં ખજૂરીની ડાળીઓ છે. ખજૂરનો ઈતિહાસ આમ તો એકદમ પ્રાચીન છે. પાકિસ્તાની બોટનિસ્ટ શાહિના ગઝનફારે સંશોધન કર્યું છે કે માણસે ખેતી શરુ કરીને જંગલી ફળોને પોતાના કર્યા એમાં આરંભના જે વૃક્ષો હતા એમનું એક આજે પણ ૧૫૦ વર્ષનું આયુષ્ય ધરાવતું ખજૂરીનું હતું ! જે સમયે જગતમાં માણસ ધર્મો બનાવવા જેટલો સમજણો નહોતો (કે કદાચ એટલે વધુ સુખી હતો !) એ સમયથી ખજૂર એના મેન્યુમાં છે ! ઇસ્લામ તો ૧૪૦૦ વર્ષ જૂનો ગણાય, પણ ખજૂર તો લાખો વર્ષોથી ધરતી પર હોવાનું મનાય છે. છ હજાર વર્ષ પહેલાના જે ઈજીપ્તમાં ખજૂરીના પાન કે થડમાંથી બનેલી વસ્તુઓના અવશેષો મળ્યા છે. અમુક પિરામિડોની દિવાલ પર એના વૃક્ષો કોતરાયેલા છે. રોમ પાસેના જ્વાલામુખીમાં નષ્ટ નગર પોમ્પેઈની દીવાલો પર ગ્રીક સિકંદરના લગ્નનું એક દ્રશ્ય છે એમાં પણ ખજૂરીનું ઝાડ છે ! એ ઝાડના પાન ને થડ પણ ઉપયોગમાં આવે છે ને ખજૂરના રસમાંથી લેધર કોટિંગ પણ બનાવાતું!
સાયન્ટીસ્ટોએ અતિ પ્રાચીન કાળની ખજૂરીના અવશેષો સચવાયેલા (જ્યુરાસિક પાર્ક ફિલ્મનો પેલો મચ્છર યાદ છે અશ્મિભૂત યાને ફોસિલ થયેલો ? એવા ) મેળવી એના જીન્સને આફ્રિકા અને પર્શિયન ગલ્ફની આજની ખજૂરી સાથે મેચ કરીને પુરવાર કર્યું છે કે ધરતી પર શરૂઆતમાં જે ફળાઉ ઝાડ આવ્યા એમાં ખજૂર હતો. સફરજન યુરોપમાં વધુ થાય ત્યાંની વાર્તાઓમાં એ આવે અને ભારતમાં કેરી કે જાંબુ થાય તો એ આવે સાહિત્યમાં એમ અરેબિક રણ વિસ્તારમાં ખજૂર આવી ગયો સંસ્કૃતિમાં. કારણ કે વરસાદ ઓછો હોય એવી રેતાળ જમીન એને વધુ માફક આવે. ખારેક જેવા ફળો એના ૭૫ ફિટ સુધીની ઊંચાઈ પર પણ હોય જ્યાં અનુભવી ઉસ્તાદો કમરે દોરડું બાંધી ચડી જાય એની પાકવાની જુલાઈ આસપાસની મોસમમાં. ખજૂર કોઈ પ્રિઝર્વેટીવ કેમિકલ્સ વિના લાંબો સમય એમ જ રહે (જોકે, એને ફ્રિજ કોલ્ડ કરીને ખાવાનો અલગ ટેસ છે !) એટલે જગતભરમાં વેચાય.
હવે તો સ્મૂધીમાં પણ સુપરફૂડ તરીકે એને ઉમેરવાનો ક્રેઝ છે. પણ ખજૂરની પાર્ટીમાં આધુનિક જગત તો મોડું જોડાયું છે. એ પહેલાથી જ માણસને પોષણ આપતો રહ્યો છે, ભોજન ન મળે ત્યારે એની ગરજ સારીને ! 'એ ખજૂર દું ક્યા ખર્ચાપાની?' જેવા ડાયલોગમાં ખજૂર એ ફળ નથી પણ ડફોળ માનવી છે ને ખર્ચાપાની એટલે રૂપિયા કે પાણી નહિ પણ એની ધોલાઈ. આમ, એ જીવનમાં એવો વણાયો છે કે ગુજરાતમાં મકાન બનાવવા માટે દાનને લીધે વધુ જાણીતા થયેલા કલાકારનું નામ ખજૂરભાઈ મશહૂર થઇ ગયું એક બ્રાન્ડ તરીકે !
તો અખરોટ ને ખજૂરની બ્રાઉની ખાતા ખાતા વિચારો કે અંગ્રેજીમાં ખજૂરને ડેટ કહેવાય તો ખજૂરને બે હોંઠ વચ્ચે રાખીને મીઠું બટકું ભરવાની ક્રિયાને ડેટિંગમાં કિસિંગ કહેવાય કે નહિ ? એલઓએલ્ઝ.
ઝિંગ થિંગ
'બરફનો મોટો ગચ્ચો પણ છેવટે એક ગાંગડો , ટુકડો અને પછી કાઠિયાવાડી શબ્દ વાપરીને કહું તો એક ચપતરી અને તે પછી પાણીનું ટીપું બની રહે છે અને છેવટે તે પણ ટકી રહેતો નથી ,માથે તડકો પડતાં વરાળ બનીને ઉડી જાય છે. મરણનો ભય રહ્યો નથી. નહિ તો માણસોને મરણથી સતત છળેલા રહેતા મેં જોયા છે. એ બિલકુલ સહજ છે. પાણીના નાનાં એવાં વહેણમાં તણાતાં કીડી - મંકોડા પણ એમાંથી બચવા માટે તરફડિયાં મારતાં આપણે જોયાં છે.તો છેક ઉપરની કોટિના જીવ એવો મનુષ્ય તો એમાંથી શી રીતે બાકાત હોય?માણસ પોતાની જીજીવિષાને પણ ઢાંકતો ફરે છે. મોટા મોટા કહેવાતા વિતરાગીઓ, તપસ્વીઓ, સાધુ- સંન્યાસીઓ, યોગીઓ, સાધકો, એમાં મારા જેવા સાદા નગણ્ય સંસારીને પણ ગણી લો, કોઈ પણ મૃત્યુને મળવા તૈયાર નથી. એ દરેક પાસે આ દુનિયામાં હજુ વધારે રહી પડવાના કારણો કે બહાનાં છે. એમને ખબર છે કે અત્યારે એમની જે ખલક એટલે કે ભોગવટાની દુનિયા છે એ યાવચ્ચંદ્રદિવાકરૌ એમની નથી પણ તોય એને આ ઘડીએ એમણે છોડવી નથી. બધું લખવા છતાં, આટલું ડહાપણ ડોળવા છતાં હું પોતે એમાં અપવાદ નથી. બસ,આ જ ચિરંતન સત્ય છે.' ( આવું અદ્ભુત વાસ્તવ એમની ટ્રેડમાર્ક સરળ રસાળ શૈલીમાં જતાં જતાં પણ લખી ગયેલા ગુજરાતીના સમર્થ સાહિત્યકાર રજનીકુમાર પંડયાને આખરી અલવિદા !)