જય શિવ શંકર : સચ્ચિદાનંદ સ્વરૂપમ્... પ્રેમોહમ્ શિવોહમ્!
- અનાવૃત-જય વસાવડા
- ફ્યુઝન પાવર એ શિવ છે, એટોમિક રિએક્ટર જેવો લિંગનો આકાર છે. જ્યોર્તિલિંગમાં પ્રકાશ છે. શક્તિ છે, એ સૂચક છે
કર સિંગાર પિય પૈ ચલી
હાથ કુસુમ કી માલ
હરિ છોડ હર પે ગઈ
કારન કૌન જમાલ ?
સં સ્કૃતિના નામે તાલિબાનની ટપોરી નકલ કરનારાઓને આવા દોહાઓનો અર્થ સીધો સમજાય, એટલું એમની દોણીમાં બુદ્ધિતત્વ હોતું નથી. જમાલે લખેલા આ દોહરામાં કાવ્યતત્વ પણ છે ને શિવસ્તુતિ પણ છે. સામાન્યત: વિષ્ણુને એમના રૂપો માટે હરિ અને શિવ માટે હર શબ્દ આપણી પરંપરામાં છે. તો અહીં મન્મથગામિની (નવો રચેલો છે, અર્થ માટે કસરત કરી લેજો !) યુવતી સરસ શણગાર સજીને, તૈયાર થઇને ઘેરથી નીકળી છે. શું કામ ? પિયુને, પ્રિયતમને, લવરને મળવા. હાથમાં ફૂલોની માળા છે. મનના મણીગર માટે ?
હરિલીલામાં નેત્રકટાક્ષ ને ચિત્તવિલાસ છે. વ્હાલોજીનો વૃંદાવનીય રાસ છે. હરિપૂજનનો અર્થ અહીં કરવાનો છે, કૃષ્ણ-ગોપીની જેમ પ્રેમમય થવા શ્રૃંગાર સજીને નીકળી છે. પણ કોયડો એ છે કે કેમ બધું મૂકી શિવમંદિરે પૂજા કરવા ગઈ ? નો જવાબ એ છે કે પ્રિયતમ નહિ મળે એવા માર્ગમાં સમાચાર આવ્યા ! કહો કે મોબાઈલ મેસેજમાં બ્લ્યુ ટિક જ ન થઇ ! મિલનનો ઉમળકો વિરહની વેદના બની ગયો. તો ગોપિત આપેલું ઇંગિત (ગર્ભિત, છૂપો ઇશારો) એ છે કે હવે પ્રેમી સાથે મુલાકાત સંભવ નથી એ જાણતા જ જે સીનેમેં જલન વાળી તડપની, પીડાની, દુ:ખની હૈયે અગન ઉઠી, એમાં જે ફુલોની માળા હતી એ વિરહાગ્નિના તાપમાં બળીને ભસ્મ થઇ ગઈ ! રાખ થઇ ગયા ફૂલો અરમાનોની સાથે ! કરમાઈ, મૂરઝાઈ ગયા સપના !
તો આ રાખનું શું કરવું ? અને એ ભભૂતિ કોને ચડે ? દેવાધિદેવ મહાદેવને ! એટલે એ હરિ (વિષ્ણુ, સંસાર, મિલન)ને મૂકી હર (સ્મશાન, જોગ, વિરક્તિ) મંદિરે ગઈ ! પોતાની વિરહવેદનાની રાખ શિવને ભભૂત તરીકે ચોળવા ! અહા, શું છે સંસ્કૃતિ આપણી ! કેવી રસિક, કેવી સર્જનાત્મક, કેવી પ્રેમાળ !
મહાશિવરાત્રિ માટે પણ ઘણી કથાઓ છે. એમાં એક આડકથા સમુદ્રમંથન યાને અમૃતમંથનમાંથી નીકળેલા હળાહળ વિષ ધારણ કરેલા શિવને નીલકંઠ ઉપમા મળી એ રાત્રિ છે, અને પ્રચલિત કથા તો જાણીતી છે કે મહાશિવરાત્રિ એટલે કે શિવ અને પાર્વતીના વિવાહ થયા છે ! અગેઇન, પ્રેમ દેવો ભવ ! ગંગાસ્નાન માટે ઘોડાપૂર ઉમટયું છે, આ છપાશે ત્યાં સુધીમાં અડધો અડધ ભારતે (૬૫થી ૭૦ કરોડ) પ્રયાગરાજમાં જઇ કુંભમેળામાં ડૂબકી લગાવી હશે, એવું અહેવાલો કહે છે. ને ઘરે જળ લઇ આવી સ્નાન કરનારા તો અલગ. એમાં વળી પર્યાવરણ પ્રેમીઓએ પ્રદૂષણનું ટચકુ મૂક્યું, સામે વળી અજય સોમેકર જેવાઓએ ગંગાની વિશિષ્ટતાની વાત કરી જેમાં હાનિકારક બેક્ટેરિયા લાંબુ ટકી ન શકે.. છોડો બધી વાતો. જલન માતરી અફર સત્ય કહી ગયા છે : શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શી જરૂર... કુંભમાં જનારા ભાગ્યે જ આ બધી પળોજણમાં પડે છે, અને ઘેરબેઠાં ચોવટ કરનારા ત્યાં જતા નથી.
પણ વિશ્વ આખાનું ધ્યાન ખેંચતા આ મેળા નિમિત્તે અતિ પ્રસિદ્ધ હોવા છતાં સમગ્ર ભારત વર્ષમાં કોઇએ એ યાદ ન કર્યું કે ત્રિવેણી સંગમમાં જે પ્રમુખ પવિત્ર પાપનાશિની મોક્ષદાયિની ગણાય એ ગંગાની પણ સનાતન પ્રેમકહાની છે ! સનાતન કહીએ એ ભારતીય વારસાનો મૂળ આધાર જ પ્રેમ છે ! આ દેશની રગરગમાં પ્રેમ છે. પ્રકૃતિ માટે પણ પ્રેમ છે. નદીને નારીરૂપે કેમ કલ્પવામાં આવી છે ? ધરતીને મા કેમ કહેવાઈ છે ? કે એમાં થૂંકતા, મળમૂત્ર જેવી નૈસર્ગિક કે કચરા જેવી રાસાયણિક ગંદકી કરતા સંકોચ થાય. એ જડ, મૌન પર્યાવરણને બદલે સજીવન ચેતનવંતી આત્મીય સૃષ્ટિ લાગે ! પણ અબૂધો વાર્તાઓમાં જ અટકી પડે છે. વિચાર સુધી પહોંચવામાં દિમાગને કષ્ટ પડે, ને એમના ઘૂંટણમાં દર્દ થવા લાગે !
એની વે, તો ગંગા પણ પ્રેયસી છે, અભિસારિકા છે. મર્ત્ય એવા શાંતનુના પ્રેમમાં પડે છે, એ તો મહાભારતનો આરંભ છે. પ્રેમસભર દાંપત્યમાં 'મિસીસ' જેવી ફિલ્મો નહોતી આવી ત્યારની શરત છે : સંગિની શું, શા માટે કરે એ પૂછવાનું નહિ! ક્વિદંતી મુજબ વસુઓ જે જન્મેલા એ વહાવી દેવામાં આવે છે. અને એક બચે છે, ગંગાપુત્ર ભીષ્મ (દેવવ્રત) એ પણ માતા-પિતાના પ્રેમલગ્નનું સંતાન છે ! શાંતનું પછી બીજા પણ પ્રેમલગ્ન કરે છે. પાંડવો કૌરવોનો જન્મ એ પ્રેમલગ્નોના મૂળ પરના ફળ છે. વેદવ્યાસ તો લગ્નવિનાના આકર્ષણનું સંતાન છે, જે આ બધું લખે છે. અને એ લેખનનું ગુરૂશિખર એ ભગવદ્ ગીતા પણ એક પ્રેમલગ્ન કરનાર શ્રીકૃષ્ણ બીજા પ્રેમલગ્ન કરનાર અર્જુનને સુપાત્ર ગણી કહે છે, એટલે અર્જુનના મુખમાં કોઇએ નાખેલી વર્ણસંકરતાની વાત જ પોકળ ઠરે છે !
અને આ ગંગા ધસમસતા વેગે પૃથ્વી પર આવે છે, ભગીરથ તપસ્યાના પ્રતાપે ત્યારે એના આવેગને ખાળવા શિવ ચંદ્રમાની જેમ એને જટામાં ધારણ કરે છે ! જટામાં એટલે કે હૃદયમાં તો પાર્વતી છે ! શિવનો ભારતનો અદ્ભુત પ્રેમસંદેશ આધુનિક જગતને આપે છે. નહિ પેટ્રિઆર્કી (પુરૂષસત્તાક) નહિ ફેમિનિઝમ (સ્ત્રીચળવળ)-બસ બેઉના આગવા અસ્તિત્વની જાળવણી છતાં સંયુક્ત મિલનના યુગલયોગનું અર્ધનારીનટેશ્વર! એક અણુના પ્રોટોન-ઇલેક્ટ્રોન, એક કાળખંડના દિવસ-રાત. બેઉ અંતે તો એક જ છે. એકમેકમાં સમાયેલા છે. મંદિરોનાં લિંગ અને ફરતું થાળું પણ એ સર્જનસંયોજનના એકત્વનો જ સંદેશ છે! પ્રેમ માણસને થોડી ભીનાશ આપે. જેને લીધે એકમેક સાથે જોડાવું શક્ય બને. શિવ શક્તિનું સાયુજ્ય પ્રેમની આર્દ્રતા યાને ભેજ થકી છે.
અને આ એ શિવ છે, જે નટરાજ બનીને તાંડવ કરે છે ! શું કામ ? એટલે કે પોતાની સાથે સ્નેહલગ્ન કરનાર પ્રિયા સતી પિતાની ઘેર પિયરમાં જાતે પસંદ કરેલા જીવનસાથી વિશે બોલાતા ઉતરતી કક્ષાના વેણ સાંખી નથી શક્તી. અને પ્રેમને ખાતર યજ્ઞાની જ્વાળામાં જાત હોમીને આત્મબલિદાન દે છે, પણ પ્રેમલગ્નના પતિનો તિરસ્કાર કરતા પિતા સામે પરાણે માતૃપિતૃપૂજનના નામે ખોટું સહન કરીને શરણે નથી થતી. પ્રિયતમને સમર્પિત સતીનો આ અંત જોતા શિવગણો તોફાન મચાવી દે છે. અને શિવ સતીના મૃતદેહને ખભે મુકીને તાંડવ કરે છે ! આ શિવનું ભયંકર સ્વરૂપ છે. રૂદ્રમાંથી ક્રોધ માટે રૌદ્ર શબ્દ આવ્યો છે. લેકિન આખિર ભોલેનાથ કો ગુસ્સા ક્યૂં આતા હૈ ?
એ પુણ્યપ્રકોપનું કારણ છે : પ્રેમ ! પ્રિયાવિરહની વેદનાનું એ 'ડાન્સિંગ મેનિફેસ્ટેશન' છે. આ રૂદ્ર પાછળ રૂદન છે પ્રેમના વિચ્છેદનું ! પ્રેમીઓ પર, શૃંગારિકતા પર સેન્સર બનીને તૂટી પડતા કેન્સર જેવા સંસ્કૃતિ સંતરાઓની સડેલી સોચની ઔકાત નથી. આપણા દેશના સનાતન વારસાનો તાગ લેવાની ! તાંડવના પ્રતાપે સતીના દેહના અંગો જ્યાં જ્યાં પડયા ત્યાં શક્તિપીઠો રચાઈ, એ તો જગજાણીતી વાત છે. તો વાસ્તવમાં માતાજીની પૂજાના આ ભારતીય સ્થાન તો પ્રેમતીર્થો છે. એકમેકમાં એકાકાર શિવશક્તિના તાંડવનો પરિપાક ! (આ પરિપાક એટલે શું એટલું તો કોઈ ડિજીટલ ડેવિલ એવા મોરલ પોલીસના મૂરખચંદને પૂછજો !)
શિવ પ્રેમ છે. પાર્વતી-સતી-ઉમા જે નામે પોકારો, શક્તિ પ્રેમ છે. નર-નારીનો પ્રેમ એ સર્વોચ્ચ કૈલાસશિખર છે, જ્યાં અહમ્ ઓગળી જાય છે. અનુરાગની અનહદ ભરતી જ વૈરાગનું ઉદ્ગમસ્થાન છે ! એટલે શિવ લિંગની સૃજનઉર્જા રૂપે પૂજાય છે, જેનો સ્પષ્ટ ઉલ્લેખ સંસ્કૃતમાં પ્રાચીન ગ્રંથોમાં મહાભારત સહિત છે. એટલે જ એની જોડે સ્ત્રીને નેગેટિવ ગણીને હડસેલી દેવામાં નથી આવી કે પછી બુરખાબંધ કરવામાં નથી આવી. સ્ત્રી ને પુરૂષ બે અલગ હોવા છતાં નવા જીવનના પ્રજનન માટે એક બને ત્યારે અલગ રહેતા નથી. આ સંસાર અને બ્રહ્મ પણ માયાવી રીતે જુદા લાગે પણ આસ્થાથી અધ્યાત્મનું એક મિલનબિંદુ છે, જ્યાં એ અલગ નથી - બધું એક જ છે, એકબીજામાં ભળેલું છે, એક જ ચૈતન્યના ભિન્ન ભાસતા અંશ છે, એ સમજાય છે. આ આલિંગન, આ 'મૈં તૂજ મેં સમા જાઉં, તૂ મુજ મેં સમા જાયે...'ની દૂરી ના રહે ના કોઈના ભાવનું પ્રતીક એ અથાતો બ્રહ્મ જીજ્ઞાસાના સવાલનો જવાબ જડે એનું પ્રથમ ચરણ છે !
ફ્યુઝન પાવર એ શિવ છે, એટોમિક રિએક્ટર જેવો લિંગનો આકાર છે. જ્યોર્તિલિંગમાં પ્રકાશ છે. શક્તિ છે, એ સૂચક છે. સ્ત્રીના મુખ જોઈને છળી મરી હડે હટ જેવા વ્યવહારો કરતા પંથો સુધરીને સમજે નહિ ત્યાં સુધી ભારત નહિ બની શકે, કારણ કે ભારત શંકર વિના શક્ય નથી! અને શિવ એવા પુરૂષ નથી જે એકલા રહે ! એમાંથી તો શિવ-પાર્વતીના યુગલયોગનો આરંભ થયો અને મદહોશ પ્રણયશૃંગાર વિખેરતી કાલિદાસની 'કુમારસંભવ' (યાને માતા-પિતા શિવ-પાર્વતીના મધુર મિલનના યોગથી રચાયેલો કુમાર કાર્તિકેયના જન્મનો સંભવ) જેવી અણમોલ કાવ્યકૃતિ આપણને જડી ! કોણ જાણે કઈ ગુલામીમાં ગડબેશોનંમ માનસ ભારતમાં ગોબરું થયું કે શિવ-પાર્વતીના સુંદર પ્રણયચિત્રો પર જ તૂટી પડયું !
ઈલોરાની ગુફાઓ હજુ સદ્નસીબે એક જ પર્વતમાં ઉપરથી નીચે કોતરીને બનાવાયેલા વિરાટ ને ભવ્ય કૈલાસ મંદિર સહિત સચવાઈ છે, ત્યાં એકથી વધુ ગુફાઓમાં એક જ શિલ્પ જોવા મળશે. શિવ-પાર્વતીનું. લગ્નનું તો રિપિટ થાય જ છે. પછી પતિપત્ની આનંદમાં રમતો રમે છે જોડે, ક્રીડા કરે છે એનું પણ નિરૂપણ છે. પૂ. મોરારિબાપુ નવદંપતીઓને કાયમ સલાહ આપે એમ શિવ-પાર્વતી પણ ગોસ્વામીજીએ લખ્યું છે એમ વિવાહ પછી એકબીજાની સંગાથે એમના નિજએકાંતના આનંદકાળને કોઈ ખલેલ ન પહોંચાડે એમ ફરવા ગયા છે !
રાઈટ પ્રીતિ વિના તો ભક્તિ કેવી શુષ્ક, બોરિંગ લાગે. રતિ વિના તો તલ્લીન થઈને 'હું' પણ ખોવાનો ભાવ આવે જ ક્યાંથી ? કોઈનામાં ગુલતાન થઈ જવું એ જ સ્તુતિ ! આદિ શંકરાચાર્ય થકી કુંભમેળાના અખાડા છે. તો એમણે પણ દેવી ભગવતીની સૌંદર્યલહરી સ્તુતિ કેવી મનમોહક લખી ! એટલે જ સનાતનને અવનવી કથાઓના અડાબીડ જંગલમાં શોધવા માટે સ્થૂળ બુદ્ધિ ના ચાલે. આદિ શંકરાચાર્ય તો ભજગોવિંદમ્ મૂઢમતેમાં પહેલી જ કડીમાં ચેતવે છે કે ખાલી વ્યાકરણના પાઠ કરનારા એટલે શાસ્ત્રોને ગોખણપટ્ટીની જેમ રટી લઈને ટાંક્યા કરનારા - જેની આજકાલ યુટયુબમાં ભરમાર છે - એ મૂઢ છે ! ઓશો કહેતા કે મૂઢ એટલે મૂરખ કે અજ્ઞાની નહિ. એ તો હોય એવા દેખાય ! મૂઢ એટલે પોતાને જ્ઞાન સાચું છે એવા વહેમમાં ફરતા જડસુ અહંકારી ! મૂઢાત્મા શબ્દ ગીતામાં પણ છે ! ઈશ્વરનો નાદ એને પોતાના ઉંચા થયેલા 'આઈએમ ધ બેસ્ટ વિશ્વગુરૂ'ના સાદમાં સંભળાવાનો નથી ! માટે શંકરાચાર્ય એમાં નારીના દેહની કામનામાં ન લપટાવાના સંકેત કરે છે, એ પ્રલોભન ને તમારી એકાગ્રતા ભંગ કરે એ મોહના પ્રતીક તરીકે છે, પ્રેમ કે શૃંગારસુખનો વિરોધ હોત તો સૌંદર્યલહરી જ હવનકુંડને સમર્પિત ના કરી હોત ? ઈનફેકટ મંડનમિશ્રના અર્ધાંગિનીએ આ મુદ્દે તો શાસ્ત્રાર્થમાં એમની સામે વિજય મેળવેલો !
તો અલ્ટીમેટ પાર્ટનર માટેનું ગૌરીવ્રત (જયાપાર્વતી) પણ લોકસંસ્કૃતિમાં જે શિવના નામે છે, એ શિવની એક વિરાટ શિલ્પકૃતિ ઈલોરાની ગુફામાં હજારો વર્ષોથી અડીખમ છે ! જેમાં રાવણ કૈલાસ ઉંચકે છે. પતિની ગોદમાં (હા, એમ જ બેસાડી શિવે તંત્ર સંભળાવેલું ને વાર્તાઓ કહેલી કથાસરિત્સાગરની !) બેઠેલા પાર્વતી કૈલાસના ઉંચકાવાથી આવતી ધુ્રજારીથી વિહ્વળ છે. વરીડ છે. શિવ ઈઝ કૂલ ! એક પગે અંગૂઠાથી દબાવી એ કૈલાસને સ્થિર કરી રાવણને કાબૂમાં રાખે છે. બીજી બાજુ એમનો હાથ પત્નીના વક્ષ પર છે. જાણે હૈયાધારણ આપે છે. દેવી, ગભરાવાનું શું ? પડખે છું ને ?
મૈં હૂં ના!
નીલા આસમાન સામે જુઓ એ નીલકંઠનો વિસ્તાર છે. શિવ શૂન્યતાની સત્તા છે. કેવળ સંહાર નથી કરતા પણ સંહારના નામે પૂર્ણતા આપે છે અંતને ! શૂન્યતા એ પૂર્ણતા છે. આ ભારતનું સનાતન દર્શન છે. એટલે એમાં રંગરાગનો તિરસ્કાર નથી. એની લીલાની પેલે પાર જવાની યાત્રા છે. પ્રેમ તો એનું બીજ છે. જે વિસ્તરીને બ્રહ્મ તરીકે વ્યાપ્ત બને છે !
અને એટલે જ આખલો, સર્પ, ધસમસતો પ્રવાહ, સ્મશાનભસ્મ, હિંસક પશુ (વ્યાઘ્રચર્મ), અગ્નિ (ત્રીજું નેત્ર) કાલકૂટ ઝેર, શસ્ત્ર (ત્રિશૂળ), ભૂતપ્રેત, કંકાલ બધું ધારણ કરી બેઠાં છે શંભુ ! બધું જ એ કે જેનાથી માણસ ડરે છે, ને છતાં એ નેગેટિવ નથી. પોઝિટિવ છે. ડરાવતા નથી. તારે છે. ઉગારે છે.
જેના દરવાજા કાયમ ખુલ્લા છે ! જે સત્ય, પ્રેમ, કરૂણાનું બિલિપત્ર ઝંખે છે કેવળ આપણી પાસેથી ! અને કુમારસંભવમાં આ શિવ એમને જીતવામાં કામનાથી નિષ્ફળ ગયા બાદ તપસ્વિની બનેલી પાર્વતીની સહજ સમર્પિત વિનમ્રતા જોઈ પ્રસન્ન થઈ કહે છે - 'અધ્યપ્રભુત્યવનતાંગિ તવાસ્મિ દાસ:' 'હે નમેલા અંગોવાળી સુંદરી, હું તમારો દાસ છું !' અહીં રૂપના બાહ્ય સૌંદર્યની સાથે જ કાલિદાસે પરમ આંતરિક ભક્તિ લક્ષણ ગૂંથી લીધું છે - નમન ! તપને લીધે અંગો નમે એ મરોડ, ને અહંકાર નમે એની જોડે મનનો તો ત્રિપુરારિ ત્રિલોકેશ્વર દાસ બને, કારણ કે પરમાત્મા તો પ્રેમના દાસ છે, પૂજા એ પ્રેમ છે ! જય ભોલે ભંડારી !
ઝિંગ થિંગ
दो ऐसा वरदान, मैं देखूं हर मंज़र में शिव ही शिव,
तन में मन में, जल में थल में, और अम्बर में शिव ही शिव।
तुझ में मुझ में, रोम रोम में, कण कण भर में शिव ही शिव,
भोर साँझ में, हर एक सांस में, हर आखर में शिव ही शिव।
सर, सरिता में शिव को देखूं, और सागर में शिव ही शिव,
घट घट में, पनघट में देखूं और गागर में शिव ही शिव।
देखूं अपने अंतर्मन में, भीतर स्वर में शिव ही शिव,
मौन में देखूं, शोर में देखूं, और अंतर् में शिव ही शिव।
सूक्ष्म जीव में और विशाल में, वन में घर में शिव ही शिव,
मिट्टी मिट्टी शिव को देखूं और पत्थर में शिव ही शिव।
जीवन के हर एक पहलू में, हर दृष्टि में शिव ही शिव,
शिव में देखूं सृष्टि सारी, और सृष्टि में शिव ही शिव।
- नितिन कुमार हरित