- અનાવૃત-જય વસાવડા
- તારા હૃદયનું મૂલ્ય તું કેટલો પ્રેમ પ્રદર્શિત કરે છે તેમાંથી નક્કી નથી થતું, પણ બીજાઓ દ્વારા તમને કેટલી ચાહના મળે છે, તમે તમારી આસપાસની વ્યક્તિઓનો પ્રેમ કેટલો જીતો છો, તેનાથી નક્કી થાય છે!
જ ર્મન, સ્કોટિશ બ્રિટિશ અને આઈરિશ પૂર્વજો ધરાવતો એ બાળક જન્મ્યો અમેરિકાના ન્યુયોર્કમાં. બાપ ધનાઢય વેપારી. એટલે ૧૨ વર્ષની ઉંમર સુધી એ ઘેર ભણ્યો અને ગુલાબથી છવાયેલી સ્વર્ગ જેવી સુંદર બાપીકી એસ્ટેટમાં એનું જીવન વીત્યું. અને દિવસે સપનાઓ જોવાની ટેવ ! એટલે મા-બાપે એને જરા તપાવવા માટે મિલિટરી એકેડેમીમાં મૂક્યો, પણ ત્યાંથી બે વર્ષમાં પાછો આવી ગયો. શોખથી ફટાકડા બનાવતો અને પાડોશી બાળકો માટે સાન્તાક્લોસ બનતો. બાપે એને એક ડ્રામા થિએટર પણ બાંધી આપ્યું હતું.
જો કે, ધંધામાં એ નિષ્ફળ હતો. પણ અવનવા અનુભવો એના મનમાં ડિપોઝિટ થયા કરતા હતા. બાળપણમાં જર્મનીના ગ્રીમબંધુઓ અને હાન્સ ક્રિશ્ચયન એન્ડરસનની પરીકથાઓના બીજ એનામાં વવાયેલા હતા. લુઈ કેરોલની 'એલિસ ઈન ધ વનરલેન્ડ' એને ગમતી. મિશીગનમાં એ વેકેશન ગાળવા જતો ત્યાં ભવ્ય કિલ્લા જેવા બિલ્ડિંગમાં રોકાતો. ત્યાં પીળી ઈંટોથી ચમકતા વળાંકોવાળા રોડ પર એ રમતો. મેળામાં જઈ સરકસના ખેલ નિહાળતો, સપનામાં ખેતરના ચાડિયાઓ એનું ગળું દબાવતાં હોય એવી કલ્પનાઓ એને આવતી. એકવાર વળી રસોડાના વાસણો અને સામગ્રીથી એણે વિન્ડો ડિસ્પ્લેમાં રખાય એવું પૂતળું તૈયાર કરેલું. બાપના હરીફ એવા પેટ્રોલિયમના વેપારી રોકફેલરનું ટાલકું માથું ય એ ધારીધારીને જોતો !
અને એને બરાબર પૂરક જીવનસાથી મળી! એની પત્ની નાણાંકીય બાબતો અને વહીવટી કુશળતાથી સજ્જ હતી ! એને પરણ્યા બાદ એ બંદો પોતાનામાં વર્ષોથી જમા થતા અનુભવોમાં ક્રિએટિવીટીનો આથો લઈ ફેન્ટેસીની ફલાઈટમાં ઉંડવા મુક્ત થયો. અને વીસમી સદીની સવારે એની રોશની પલટાવી નાખી! ઈ.સ. ૧૯૦૦માં ૪૪ વર્ષની વયે એણે લખેલી બાળકો માટેની પરીકથા છપાતાવેંત પચાસેક હજાર નકલો વેંચાઈ ગઈ !
એ ઈન્સાન એટલે એલ. ફ્રેન્ક બાઉમ અને એની એ અમર કથા એટલે 'ધ વન્ડરફૂલ વિઝાર્ડ ઓફ ઓઝ!' ચિલ્ડ્રન લિટરેચરની કલ્ટ ક્લાસિક! સમવ્હેર ઓવર ધ રેઈનબો, વન્સ ઈન લલબાય ! એક વખત હાલરડાં સાંભળતા (એટલે સપનામાં) કરેલી મેઘધનુષની પેલે પારની રોમાંચક સફર !
વિઝાર્ડ ઓફ ઓઝ પેઢીઓ સુધી સ્મેશિંગ સુપરહિટ સ્ટોરી બની ! ફ્રેન્ક બામે સાબિત કર્યું કે બધા શ્રીમંત નબીરાઓ બાપાના પૈસે દારૂ પીને ગાડી ઠોકનારા જ બનતા નથી, કથાની સફળતા પછી એણે એનું જ નાટક લખ્યું. એક પછી એક સિકવલ્સ લખી જેમાં પ્રિન્સેસ ઓઝથી ટિક-ટોક સુધીના પાત્રો ઉમેરાતા ગયા. બાઉમની ઈચ્છા તો દરેક બાળકને જ્યાં રહી પડવાનું ગમે એવા અદભુતરસની મોજમસ્તીથી છલોછલ ઓઝની દુનિયાને હકીકતમાં સર્જવાની હતી. એક ટાપુ ખરીદી ડિઝનીલેન્ડના વિચારથી દાયકાઓ પહેલા બાળકો જયાં જઈ રસીલીરંગીલી દુનિયામાં ડોરોથી સહિતના પાત્રોને મળે, એવો પાર્ક રચવાની ડિઝાઈન એણે બનાવેલી, એક પ્રકારનું કાયમી સર્કસ ત્યાં વિચારેલું, પણ બધું તો એ જમાનામાં ધાર્યા મુજબ થયું નહિ. ૧૮૫૬માં જન્મીને ૧૯૧૯માં મૃત્યુ પામતી વખતે કુલ ૧૪ ઓઝ કથાઓ, પછી એની ફિલ્મ જોવા જીવતી રહેલી પત્ની અને ચાર દીકરાઓ સાથે એ મુકતો ગયો !
આ ઓઝ નામ કયાંથી આવ્યું, એના જવાબમાં ફ્રેક બામે કહેલું કે કથામાં તો અમેરિકાથી જ સરકસના બલૂનમાં જઈ ચડેલા જાદૂગરે પોતાના નામના ઇનિશ્યલ ઓસ્કાર ઝોરોસ્ટર ભેગા કરી નામ બનાવેલું, પણ મને તો કેબિનેટમાં રહેલી ફાઇલ પર 'ઓ-ઝેડ' એવી કાપલી ચીપકાવેલી દેખાઈ એમાંથી સૂઝયું!
૧૯૦૦ની સાલમાં પ્રગટ થયેલી આ કૃતિનો ૨૦૨૫માં સવા શતાબ્દી મહોત્સવ છે. સવાસો વર્ષે પણ એ માણસની માફક વૃદ્ધ કે વાસી નથી થઈ, પણ નવી નવી પેઢીનાં સંખ્યાબંધ બાળકો તેની સૃષ્ટિમાં સમાઈને ખીલતાં જાય છે એ જોતાં એ વધુ તાજી અને વધુ માસૂમ બની છે. જેનો પુરાવો એ કે એમાંથી જ ફૂટેલી શાખા જેવી બે ભાગમાં બનેલી વિકેડ ફિલ્મનો બીજો ભાગ તાજેતરમાં રિલીઝ થયો છે. જોન ચુ જેવા ક્રેઝી રિચ એશિયન્સના સિંગાપોરિયન એક્ટર ડાયરેક્ટરની આ ફિલ્મને સરખી સમજવી હોય તો અત્યારે 'વિઝાર્ડ ઓફ ઓઝ'ની સ્મૃતિ પર બાઝેલી ધૂળ ખંખેરવી પડે !
એ નામથી ૧૯૩૯માં વિક્ટર ફ્લેમિંગે એક બેનમૂન બાળફિલ્મ હોલિવૂડમાં સર્જી હતી. આ વિક્ટર ફલેમિંગ એટલે સદીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણાતી ક્લાસિક ધ ગોન વિથ ધ વિન્ડ'ના દિગ્દર્શક ! ૧૯૩૯માં રજૂ થયેલી, આ ૧૦૧ મિનિટ લાંબી, શરૂઆતનાં દ્રશ્યોમાં શ્વેતશ્યામ અને બાકી રંગીન એવી ફિલ્મે એ સમયે ટિકિટબારી પર ૪૦,૦૦,૦૦૦ ડોલર રણકાવ્યા હતા! એમ.જી.એમ. સ્ટુડિયોની સંગીત માટે ઓસ્કાર વિજેતા આ ફિલ્મ થકી 'અવતાર' અને 'ટાઈટેનિક'ના સર્જક જેમ્સ કેમેરૂનને બચપણથી ફિલ્મ માધ્યમનું ઘેલું લાગ્યું હતું અને એ હજુયે તેમની મોસ્ટ ફેવરિટ ફિલ્મ આફ ઓલટાઇમ છે. જે એની દીકરી માટે માટે બેબી સીટરની ભૂમિકા ભજવતી.
એ કાળની વિખ્યાત અભિનેત્રી શર્લી ટેમ્પલે આ ફિલ્મની કિશોર વયની નાયિકાની ભૂમિકા છોડી દીધા પછી જૂડી ગાર્લેન્ડે રોલ ભજવ્યો. રાતોરાત જૂડી ફિલ્મ ઇતિહાસનો અવિસ્મરણીય સિતારો બની ગઈ. કારણ કે આ ફિલ્મ સંખ્યાબંધ વિવેચકોના મતે હજુય વિશ્વની સર્વશ્રેષ્ઠ ચિલ્ડ્રન ફિલ્મ છે ! સાહિત્ય અને સિનેમા જેવા વેગળા માધ્યમોમાં એક જ કૃતિ પોતાના કાગળ અને કચકડા બંનેના સ્વરૂપમાં સદાબહાર સુંદર ગણાય, એ જ અનોખી સિદ્ધિ છે. ઉન્નતભ્રૂ (હાઈ બ્રો, યુ સી) સાહિત્યવિવેચકો ગુજરાતમાં બાળસાહિત્ય સાથે બાળકબુદ્ધિથી જ વર્તે છે. સાદ્યંત સર્વાંગ સંપૂર્ણ બાળફિલ્મો ન બનાવી શકતો આ મુલક પછી સિનેમાની બાળમાનસ પરની અસરનાં બાલિશ ફીફાં ખાંડયા કરે છે.
ઓઝકથા ટકી ગઈ તો કેવી? બામના મૃત્યુ પછી એમના વારસદારો અને પ્રકાશકોએ સમજૂતીથી એમના પાત્રો અને ઓઝની 'ઓસમ' સૃષ્ટિને લઈ નવી નવી વાર્તાઓ અડધો ડઝન લેખકો પાસે લખાવડાવી. એવી ૨૬ બૂક્સ થઈ. કોપીરાઈટ સમાપ્ત થયા બાદ એજ પાત્રો-વિશ્વ પર બીજા ડઝનબંધ લેખકોએ હાથ અજમાવ્યો. કોમિક્સ-ટીવી સિરિઝ ફિલ્મો બધું જ બન્યું. હમણાં લાસ વેગાસમાં નવા બનેલા સિનેમા સ્ફીઅરમાં એ ફરી વિશાળ ડોમના અનોખા વર્ઝનમાં રિલીઝ થઇ !
આજે અમેરિકાના બ્રોડવે મ્યુઝિકલની ભવ્યાતિભવ્ય દુનિયામાં દેશ-દેશાવરનું ધ્યાન ટોચના લોકપ્રિય મ્યુઝિકલ્સના લિસ્ટમાં જે બિરાજે છે, એ 'વિકેડ' પણ વિઝાર્ડ ઓફ ઓઝના જ પાત્રોની પ્રિક્વલ છે. જે નાટક વળી ગ્રેગરી મેગ્વાયરની ૧૯૯૫માં લખાયેલી પોલિટિકલ મેટાફોરથી સભર રોમેન્ટિક ફેન્ટેસી નોવેલનું સ્ટેજ એડોપ્શન છે! અને માશાલ્લાહ, મેગ્વાયરે વિઝાર્ડ ઑફ ઑઝની જ ઘટનાઓ-પાત્રોનો એક-એક તંતુ લઈ એમાંથી નવા તાણા-વાણાથી જુદું જ વણાટકામ, જુદી જ ભાત સર્જી બતાવી છે! નવી વિકેડ ફિલ્મો એના પરથી પ્રેરિત છે. જો કે પહેલા ભાગ જેટલો મજબૂત બીજો નથી બન્યો.
૨૦૨૬માં મુંબઈ નીતા અંબાણી સેન્ટરમાં જેના શો થવાના છે એ વિક્રેડ તો મનહટનમાં એ જોયા બાદ જ મેરમેરાઈઝડ થઈ ગયેલા મનડામાં હજુ તાજું છે. વિઝાર્ડ ઓફ ઓઝના બ્રાઈટ કથાપ્રવાહ સામે એના - જ પાત્રોની બેકસ્ટોરી એક સદી પછી કહેતું આ અડધિયું મૂળ કથા સાથે જોડો તો વાત કમ્પલીટ આકાર ધારણ કરે છે. પછી ૨૦૧૩માં તો ઇવિલ ડેડ અને સ્પાઈડરમેન વાળા સામ રાઈમીએ ઉલટી ચેલેન્જ લઈ કોમ્પ્લિકેટેડને બદલે ડિઝની ધરાનાની સિમ્પલ ફેરીટેલ બનાવવાનો પડકાર ઝીલ્યો અને વિકેડથી સાવ જુદી જ તરહ અને મિજાજની ફુલગુલાબી પ્રિક્વલ બનાવી હતી. ઓઝ ધ ગ્રેટ એન્ડ પાવરફુલ! ત્યારે એના પર પણ લખેલું.
'વિઝાર્ડ ઑફ ઓઝ' અહીં જ મેદાન મારી જાય છે. એ 'સુખાનુભૂતિ' અનુભવશો કે આપોઆપ સમજાઈ જશે સર્જકોની સિદ્ધિ ! દરેક ઉત્તમ બાળકલક્ષી સર્જનની માફક અહીં પણ પાયાનાં માનવીય જીવનમૂલ્યોનો બોધ જ છે. પરંતુ આ નૈતિકતાની વાતોનો ઉપદેશ ઠોકી બેસાડવામાં નથી આવ્યો. ભુલકાંઓ જ નહીં, સાફદિલ મોટેરાંઓને પણ સ્પર્શી જાય તેવી રસીલી અને રંગીલી કલ્પનામપુર સૃષ્ટિ સર્જી, તેમાં એ સાદાં પણ સચોટ સત્યોને અત્યંત સરળ અને સહજ રીતે ગૂંથી લેવાયાં છે.
મૂળ કિતાબ કેન્સાસ પ્રદેશની કિશોરી ડોરોથીની છે, જેને એમ લાગે છે કે તેની ગરીબીની કારણે સતત કામ કરતાં મા-બાપને પોતાના પર પ્રેમ નથી. દરેક બાળકે અણસમજુ અવસ્થામાં અનુભવી હોય જ એવી લાગણી થકી દોરવાઈ, એ ધુંધવાટમાં ઘર છોડી પોતાના ગલૂડિયાં સાથે ભાગે છે. ત્યારે જ જબરું વાવોઝોડું આવતાં એકલી ઘરમાં ઢબૂરાઈ છે. બીકથી ફફડતી બેહોશ થઈ જાય છે. આંખ ખોલે ત્યાં અહેસાસ થાય છે કે ચક્રવાતમાં તેનું ઘર ઊડી રહ્યું છે...એ ઘર અને પાલતુ શ્વાન ટોટો સાથે ડોરોથી એવી દુનિયામાં પહોંચે છે 'જ્યાં મુસીબતો લેમન જયૂસના ટીપાંની માફક ઓગળી જાય. વાદળોની આગળ, મેઘધનુષની પારનો એવો પ્રદેશ કે જ્યાં સપનાં સાચાં પડે ! સમવ્હેર ઓવર ધ રેઇનબો..'
ડોરોથી અનાયાસે એક ડાકણ યાને વિચ ઓફ ધ ઇસ્ટને ખતમ કરી ફૂલો જેવાં શરીર અને ચહેરાવાળા મંચુ પ્રદેશને મુક્તિ અપાવે છે. એક પરી જેવી ગ્લીન્ડા ધ ગુડ થકી તેને માણેક જેવા ચળકતા રૂબી સન્ડલ મળે છે પણ તેને ઘર યાદ આવે છે. ગ્લીન્ડા કહે છે, 'ઘેર જવા માટે તો તારે અહીંના ઓઝ પ્રદેશના સર્વેસર્વા જાદુગરની જ મદદ લેવી પડશે' ડોરોથી સોનાની ઈંટથી બનેલા રસ્તા પર સપ્તરંગી જંગલ વીંધી લીલા પન્ના યાને એમેરાલ્ડ સિટીના ઓઝમહેલ તરફ ચાલી નીકળે છે.
માર્ગમાં તેને ઘાસ-ભૂંસાનો બેહાલ ચાડિયો મળે છે. ચાડિયાને દુ:ખ છે કે તેની પાસે ભેજું નથી, એટલે બધા તેને નકામો મૂરખ ગણી ચીડવે છે. ડોરોથી તેની દોસ્ત બની આશ્વાસન આપી કહે છે કે, 'ચાલ, ઓઝસ્તાનનો જાદુગર મને ઘરે પહોંચાડે, તો તને બુદ્ધિ જરૂર આપશે.' પછી પતરાંનો મજબૂત પણ રડતો કઠિયારો મળે છે, જેને ફિકર છે કે તેની પાસે હૃદય નથી. લોકો તેને લાગણીશૂન્ય યંત્ર માને છે. એ પણ ડોરોથીના સંઘમાં જોડાય છે. એક જુવાનજોધ હટ્ટોકટ્ટો સિંહ મળે છે, જે ખૂબ બીકણ છે. એ ગભરુ સિંહ હિંમત મેળવવા ડોરોથી ઍન્ડ કંપનીનો મિત્ર બને છે. અવનવી મુસીબતો અને રોમાંચક ઘટનાઓમાંથી પસાર થઈ ઓઝના વિઝાર્ડ સુધી બધા નાચતાકૂદતા પહોંચે છે. ઓઝના જાદુગર યાને વિઝાર્ડની દુનિયા કમાલની છે, એ સિંહાસન પર વિશાળ ટાલિયા માથારૂપે દેખાય છે. પણ તે એક ચુડેલ વિકેડ વિચ ઓફ ધ વેસ્ટને મારવાની શરતે ડોરોથીને ઘેર પહોંચાડવાનું સ્વીકારે છે. ડોરોથી અને તેના સાથીદારો ખભેખભો મિલાવી પાંખોવાળા વાંદરાઓ સામે લડી ને, એ વિકેડ વિચનો ખાત્મો કરે છે. ડોરોથીને બચાવવા બધા પોતાનો જાન જોખમમાં મુકી, જીવ-સટોસટનાં જોખમો ખેડીને ઓઝના જાદુગર પાસે માંગણીઓ મુકે છે. ત્યાં ભાંડો ફુટે છે કે એ કોઈ કરામાતી જાદુગર નથી પણ સરકસના બલુનમાં બેસી ભાગેલો એક કલાકાર છે, જે એ પ્રદેશના લોકોને ટ્રિકથી ઉલ્લુ બનાવે છે !
હેરી પોટરના સર્જનની ઓલમોસ્ટ સદી પહેલા ગાતી ટોપી, બોલતાં સફરજન, કાચના માણસો, હસતા ઝરણા, નાચતા ફૂલો, પાંખોથી ઉડતા વાંદરા, ખોફનાક જંગલ, રમણીય બાગ અને સોનાની ઈંટોનો બનેલો રસ્તો ! માણસના મનમાં ઊંડે ઊંડે ધરબાયેલી અવાસ્તવિક છતાં અતિરમણીય દનિયાથી સભર કહાણીનો અંત ગણીને ગાંઠે બાંધવા જેવો છે. પેલો વિઝાર્ડ ભેજાની માગણી કરતા કંદરૂપા ચાડિયાને સમજાવે છે : 'કોણ કહે છે તારી પાસે દિમાગ નથી ? તારા મિત્રો માટે પોતાનું સર્વસ્વ હોમી મુશ્કેલીઓ સામે લડવાની ચતુરાઈ તો તારામાં છે જ. મોટાં ભેજાંબાજો પોતાની બુદ્ધિનો દુરપયોગ કરી દુનિયાને ડરાવે છે. છેતરે છે. એ પંડિતો પાસે તોતિંગ ચિંતન છે. પણ જિંદગી માણવાની પારદર્શક સંવેદનાઓ નથી. નિર્મળ નિર્દોષ લાગણીઓથી ઊભરાતું તારા જેવું વ્યક્તિત્વ એ બુદ્ધિમાનો કરતાં હજારગણું ચડિયાતું છે.'
હૃદયવાંચ્છુ કઠિયારાને કહેવામાં આવે છે : 'હૃદય નથી એ સારું જ છે. આ જગતમાં હૃદયવાળા બધા લાગણીની તલાશમાં ભટકીને દુ:ખીના દાળિયા જ થયા છે. દિલેર થવાની વાતો કરવાવાળાઓ દિલદારોનું ફૂટી કોડીનુંય માન રાખતા નથી. છતાંય તને હૃદય જોઈતું હોય તો યાદ રાખ કે તારા હૃદયનું મૂલ્ય તું કેટલો પ્રેમ પ્રદર્શિત કરે છે તેમાંથી નક્કી નથી થતું, પણ બીજાઓ દ્વારા તમને કેટલી ચાહના મળે છે, તમે તમારી આસપાસની વ્યક્તિઓનો પ્રેમ કેટલો જીતો છો, તેનાથી નક્કી થાય છે! તને આવા પ્રેમાળ જોડીદારો મળ્યા છે, એ જ બતાવે છે કે તારી પાસે સોને મઢેલું હૃદય છે !'
બીકણ સિંહને શીખ મળે છે : 'બહાદુરી કંઈ નબળાને ધમકાવી પ્રભાવ પાડવામાં અને ત્રાસ ફેલાવવામાં નથી. બહાદુર બનવા માટે જોઈતાં દેહ અને દિમાગ તને કુદરતે આપ્યાં જ છે. ખૂટે છે ફક્ત આત્મવિશ્વાસ! એ બહારથી બીજાઓ નહીં આપી શકે. એ તારે અંદરથી ઉગાડવો પડશે. સાહસ કરીશ તો અનુભવ મળશે. અનુભવ થકી જ્ઞાન મળશે. એ જ્ઞાન થકી આપોઆપ આત્મશ્રદ્ધા કેળવાતી જશે. તારા દોસ્તોને મદદ કરવા તેં ગભરાયા વિના જાંબાઝપણું દાખવ્યું છે, એ જ દર્શાવે છે કે તું અસલ સિંહ છો !'
બધા મિત્રો ભારે હૈયે ડોરોથીને વિદાય આપે છે. ઓઝનો વિઝાર્ડ તો લાચાર છે, પણ સદ્ભાવનાની દેવી થકી થોડાં વધુ પરાક્રમો પછી ડોરોથી જાદુઈ મોજડી 'રૂબી સ્લીપર્સ' વડે ઘેર પહોંચે છે. અહીં દ્રશ્ય પલટાય છે અને ડોરોથી આંખ ઉઘાડે છે ત્યાં તેને ફરતે ગોઠવાઈ ગયેલા તેના વાલીઓ અને આડોશીપાડોશીઓ દેખાય છે કોઈ સ્નેહાળ ખેતમજૂરમાં તેને ચાડિયો દેખાય છે તો કોઈ પ્રેમાળ પાડોસીમાં કઠિયારો.. ડોરોથીના બેહોશ થવાની ખબર કરનાર ભલો વૃદ્ધ ચહેરે મહોરે આબેહૂબ ઓઝના વિઝાર્ડ જેવો જ છે.. ડોરોથીએ પોતે સપનામાં સફર કરી કે હકીકતમાં નક્કી નથી કરી શકતી, ત્યાં તો તેનાં માતા-પિતા તેના માટે ભેટ તરીકે લઈ આવેલા ઝગમગતી મોજડીઓ તેને આપે છે. એ વળી અદલોઅદલ પેલા રૂબી સ્લીપર્સ જેવી જ દેખાય છે. આંખમાં આંસુ સાથે ડોરોથી સસ્મિત કહે છે થ 'ધરતીનો છેડો ઘર !
'ગુજરાત સમાચાર'ના એક જમાનાના મસ્ત ચિલ્ડ્રન મેગેઝીન 'બુલબુલ'માં આ વિઝાર્ડ ઓફ ઓઝનો હપ્તાવાર ગુજરાતી અનુવાદ 'ઓઝ્સ્તાનનો ઉલ્લુ' નામથી રમણલાલ સોનીએ કરેલો ! અને એ કથા તથા એમજીએમની ફિલ્મ પર ૧૯૯૮માં એનો સાર સમજાવતો લેખ વગર ડિજીટલયુગ પહેલા લખેલો. ત્યારના બાળકોની ઘેર આજે તો બાળકો રમતા હશે.
જો આગળ ધ્યાનથી ફ્રેન્ક બામની જીવનકહાણી વાંચ્યા બાદ આ કહાણી વાંચો તો ખ્યાલ આવશે કે પોતાના
જીવનમાં જોયેલા સ્થળો, બનેલી ઘટનાઓ બધાને પરોવીને બ્લેક એન્ડ વ્હાઇટ જેવા વાસ્તવ સામે મેઘધનુષી મલ્ટીકલર કલ્પનાનો પ્રદેશ બામે સર્જેલો ! જેમ કે, સૂક્કા ખેતરના સ્થાને બ્લ્યુ, રેડ, વાયોલેટ, ગ્રીન, પર્પલ, યેલો, મેજેન્ટા, ઓરેન્જ ફલાવર્સનો બાગ ! કે ચીન ગયેલો ત્યાંથી ઘડેલો મંચુ દેશ. દેખાતી દુનિયાને ટવીસ્ટ ઓફ ઈમેજીનેશન આપીને મનગમતો આનંદલોક ઘડવાનો કસબ આ કસબીને હાથવગો થઈ ગયો હતો !
વિઝાર્ડ ઓફ ઓઝની આ વન્ડરફૂલ સ્ટોરી મૂળભૂત રીતે આત્મખોજની કહાની છે. જેમાં સફરની શરૂઆતમાં દરેક માત્ર જે શોધવા નીકળે છે (ઘર, બુદ્ધિ, લાગણી, હિંમત) એ છેલ્લે પહેલેથી એમની પાસે જ હતું. એ નક્કી થાય છે. માનવજીવન માટે જરૂરી ટૂથ (ડોરોથી), ઈન્ટેલીજન્સ (ચાડિયો), ફીલિંગ્સ (કઠિયારો), કરેજ (સિંહ) ચારે ય એલીમેન્ટસનું ફ્રેન્ડલી કોમ્બિનેશન ! આ કથામાં કે છે, જે જોયફુલ રાઈડ સાથે શીખવે છે, ખુદ પરની જ શંકા અને આત્મશ્રદ્ધાના અભાવથી આપણે નબળા હોવાનું માનીએ છીએ, પણ યોગ્ય માર્ગ અને મિત્રો જડે તો ખ્યાલ આવે કે આપણે કેવા પાવરફુલ છીએ!
ઝિંગ થિંગ
તમે તમારા બાળકોને બુદ્ધિશાળી બનાવવા માંગતા હો તો એમને પરીકથાઓ વાંચી સંભળાવો. જો તમે એમને વધુ બુદ્ધિશાળી બને એવું માનતા હો, તો એમને વધુ પરીકથાઓ વાંચી સંભળાવો ! (આલ્બર્ટ આઇન્સ્ટાઇન)


