- અનાવૃત-જય વસાવડા
- ઇસ્લામિક ઈરાન બન્યું 1979માં પછી એક તબક્કે લગ્નની કાયદેસરની ઉંમર જ સ્ત્રી માટે 9 વર્ષ કરેલી જે પછી ફેરવીને 13 વર્ષ કરી ! અને સ્પેશ્યલ કેસમાં જ્યુડિશિયલ મંજુરી હોય તો એથી ઓછી ! આ બાળકીઓ પરનો કાયદેસરનો બળાત્કાર નથી તો શું છે ?
પા કિસ્તાની પોપ સિંગર હસન જહાંગીરનાં એક સમયે ધૂમ મચાવી ગયેલા 'હવા હવા' સોંગનો 'ધુરંધર'માં હમણા જીર્ણોધ્ધાર થયો. ૧૯૮૭માં એ રિલીઝ થયું પછી હિન્દી ફિલ્મોમાં જ એની અડધો ડઝન નકલો આવી ગયેલી. પણ ત્યારે કોપીરાઈટના કાયદા બાબતે જાગૃતિ નહોતી. હમણાં રિપોર્ટ્સ હતા કે હજાર કરોડ ઉપર કમાણી કરી ગયેલી ધુરંધરમાંથી હસન જહાંગીરને પણ પચાસ હજાર ડોલર મળ્યા.
પણ કેટલા જાણે છે કે ખુદ હસન જહાંગીરે પણ હવા હવા ગીત ચોરી કરેલું ! પેરિસથી મિત્ર મોઈનખાન પઠાણે લિંક મોકલી તો સાંભળીને ખબર પડી કે ઈરાનના કુરોશ યાઘમાઈએ ૧૯૭૬માં રિલીઝ કરેલા સોંગ 'હવર હવર'ની બેઠ્ઠી કોપી હતી હવા હવા ! હસન જહાંગીરે ડિસ્કો બીટ્સ ઉમેરેલી. મૂળ ફારસીમાં હવર એટલે પ્રિયજનને પોકાર. એનું હવા કરી નાખ્યું બાકી શબ્દોમાં યાર મિલા દે' ને એ બધું હતું એ પણ મૂળ પર્શિયન સોંગમાં હતું. તો કેમ જગતને એની ખબર જ ના પડી ?
કારણ કે આજે પણ હયાત અને ૮૦ વર્ષના થવા આવેલા બિચારા ઈરાનિયન રોક મ્યુઝિશ્યન કુરોશ પર જાતભાતના પ્રતિબંધો આવી ગયેલા ! ફલાણું વાદ્ય જ વગાડી શકાય ને ઢીકણું સંગીત જ વગાડી શકાય એવા. કારણ ? ઈરાનમાં ક્રાંતિ બાદ આવી ગયેલું ઇસ્લામિક શાસન !
***
ગત રવિવારે ઈરાનના ઇતિહાસના ત્રીજા ભાગમાં ઈરાનના શાહ મહમ્મદ રઝા પહેલવીના લિબરલ શાસન સામે કેવી રીતે કયા કારણે ઉકળાટ વધ્યો એ સ્પેક્ટ્રોમીટરમાં વાંચ્યું હશે. ના વાંચ્યું હોય તો રિફર કરી લેજો. શાહના સમયમાં અમેરિકાના પીઠબળથી ઈરાનની સમૃદ્ધિ વધી ને જિંદગી આકરા પ્રતિબંધો વિનાની મોકળી હતી. પણ પેલી ૧૯૫૩ની ચૂંટાયેલી સમાજવાદી સરકાર ઉથલાવી અમેરિકન સીઆઈએ દ્વારા ઓઈલ માટે રાજાશાહી લાવવામાં આવી, ત્યારથી એક ચોક્કસ વર્ગમાં શાહ એમ જ અળખામણા હતા. એ વર્ગ સાવ સામાન્ય ખેડૂતો અને મજૂરોનો પણ હતો અને ઉચ્ચ ફિલોસોફર કલાકાર બૌદ્ધિકોનો પણ હતો જેમનો ડાબેરી ઝુકાવ સમાજવાદી લોકશાહી તરફ હતો. શાહની પ્રગતિના નામે પશ્ચિમીકરણ તરફ ઝૂકતી નીતિઓ સામે ઈરાનની અસ્મિતા અને સંસ્કૃતિના ઝંડા લહેરાવવા માંગતો બહોળો પ્રજાનો વર્ગ હતો જેને વળી દુષ્ટ પાપી વેસ્ટર્ન કલ્ચર થકી ઈરાનની નિજતા ને આગવી ઓળખ નષ્ટ થવાના કાવતરાંનો કાલ્પનિક ભય સતાવતો હતો !
વળી આપણે ત્યાં જેમ ગાંધીજીએ આગ્રહથી અપાવેલા અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો દુરુપયોગ કરીને એમને જ ગપ્પા ફેલાવીને ગાળો આપનાર ગડબા ગોડસેપૂજકો ફાટીને ધુમાડે ગયા છે અને મનમોહનસિંહના આર્થિક ઉદારીકરણમાં સમૃદ્ધ થયેલા જ એ ઇન્ટરનેટ અને સેટેલાઈટ ચેનલોનાં પ્રતાપે કોંગ્રેસવિરોધી થઇ ગયા, એવો કૈંક ઘાટ ઈરાનમાં શાહ સામે હતો. જમીન સુધારા બાદ નવા નવા સમૃદ્ધ બનેલા વર્ગને શાહનો પરિવારવાદ અને ભ્રષ્ટાચાર ખટકવા લાગ્યો. તો એમણે શરુ કરાવેલી કોલેજોમાં ભણતા યુવાવર્ગને આમ પણ જે જુનું હોય એની સામે બળવાખોરી ગમે એ ન્યાયે એ પણ સેક્યુલર શાહને વિલન માનવા લાગ્યો ! સૌથી મોટી ઘટના એ બની કે શાહના સમયમાં એકદમ બિન્દાસ અધિકારો ભોગવતી સ્ત્રીઓ શાહ સામેના જનઆંદોલનમાં મોખરે હતી. એમને હતું કે રાજાશાહી જતા લોકશાહીમાં કાયમ માટે સમાન હકો મળશે. ઘણી સ્ત્રીઓ મધ્યમ અને ગરીબ વર્ગની હતી અને એમને મોંઘવારીથી મુશ્કેલી પડતા એને માટે શાહને જવાબદાર માનવા લાગેલી. સ્ત્રીઓના એક વર્ગને મોડર્ન લાઈફથી સંસ્કૃતિ ખતમ થઇ જતા પોતાનું બેફામ શોષણ થશે કે પોતાને એક વસ્તુ માની લેવાશે એની બીક હતી.
આ બધામાં જેના વિષે ગયા લેખમાં વિગતે જાણ્યું એ અલી શરિયાતીની ફિલસૂફીએ ક્રાંતિને એકજૂટ કરી. બિચારા અકાલ મૃત્યુ પામેલા શરિયાતી તો આદર્શવાદી ચિંતક હતા. એમને તો મૌલવીઓના ઇસ્લામમાં કોઈ રસ નહોતો, પણ ઇસ્લામના મૂળ સિદ્ધાંતો યાને વ્યાપક અર્થમાં ધર્મ નહિ પણ સારપ અને સદગુણના મૂલ્યો રાજકારણ હોય કે શિક્ષણ, સમાજજીવનના દરેક પાસામાં આવવા જોઈએ, જેથી મનુષ્યની અધ્યાત્મિક ઉન્નતિ થાય એ એમનો સંદેશ હતો. અન્નાની સાધુતાના નામે આંદોલનમાં બીજા તકસાધુઓ ઘૂસીને ભારતીય આદર્શોને આગળ કરીને પોતે આગળ આવી ગયા ને અન્ના જેપીની જેમ ફકીરની ઝુંપડીમાં રહી ગયા એના જેવો ઘાટ થયો.
ઘણા લોકોને હતું કે ક્રાંતિ પછી પશ્ચિમી સ્વછંદતા (જે ખરેખર તો સ્વતંત્રતા હતી, પણ સંસ્કૃતિના નામે ડરપોક થઇ જતા ભયભીતો ના સમજે !) જશે પછી શરિયાતી કહેતા એવું સત્ય, સંયમ અને સમાનતાનું રાજ આવશે. ઇસ્લામના નામે ઈમાન આવશે. સહુને શાંતિ, સલામતી ને રોજીરોટી મળશે. ખુદના નેક બંદાઓના માર્ગદર્શન નીચે અમન અને એજ્યુકેશન સાથે ભ્રષ્ટાચાર નહિ રહે. આપણી પર્શિયન ગ્લોરીનો વારસો સચવાયેલો રહેશે.
શરિયાતી તો મુલ્લાઓની ખુલ્લેઆમ ટીકા કરતા અને ઇસ્લામના માનવીય ચહેરા એવા શુદ્ધ સ્વરૂપની વાત કરબલા યાદ દેવડાવીને બલિદાન આપીને પણ ક્રાંતિ કરવા માટે યુવાઓને હાકલ કરતા. પણ એ વખતે દેશનિકાલ અવસ્થામાં રહેલા આયાતોલા રુઓલ્લાહ ખૌમેની અલી શરિયાતીની ટીકા કરવાની એમને મઝહબપરસ્તો દ્વારા અપીલ થતી હોવા છતાં ના કરતા. ઉલટું, એમના મૃત્યુ બાદ એમને આદર આપી એમના સમર્થકોને પોતાની તરફ ખૌમેનીએ કરી દીધા. મૂળ વડવાઓના ઉત્તર પ્રદેશના બારાબંકી ખાતે ધરવતા ખૌમેનીનો ખેલ જુદો હતો. જે ફ્રાન્સમાં એમણે પેરિસથી થોડે દૂર શરણ લીધેલું ઓક્ટોબર ૧૯૭૮થી ચાર મહિના માટે. પણ ઈરાન પરત આવી સર્વેસર્વા થયા ત્યારે ફ્રાંસને જ નાનકડું શેતાન કહી દેતા ખચકાયા નહિ એ મૂળ ભારતના સલમાન રશદીના પુસ્તક માટે મોતનો ફતવો દેનાર ખૌમેની !
ઈરાનના શાહને કેન્સર હતું. લોકો બળવો કરતા હતા એને ત્યારે કચડી શકયા હોત, કારણ કે પાંચેક લાખની સેના શાહને વફાદાર હતી. પણ પોતાની જ પ્રજાને પોતાની સત્તા બચાવવા ખાતર મોટી સંખ્યામાં મારવી શાહને ગમી નહિ. શાહ ઈરાન છોડી ભાગી નીકળ્યા. કેન્સરની સારવારના બહાને અમેરિકાના તત્કાલીન પ્રમુખ જીમી કાર્ટરે એમને એસાયલમ આપ્યું. આજે ઈરાનીના રાજકુમાર રાજકુમારી વગેરે સપરિવાર અમેરિકા જ રહે છે. ધણીધોરી વિનાની સેનાને નાગરિકો પર તૂટી પડવાના આદેશ હતા નહિ. ભાંગફોડીયા ક્રાંતિકારીઓ જીત્યા. આ ગઠબંધનમાં માત્ર દસેક ટકા એમાં રૂઢિચુસ્ત મુલ્લાપરસ્ત મુસ્લિમો હતા. પણ એમના આગેવાન તરીકે ખૌમેની સર્વસ્વીકૃત હતા. બીજા મુસ્લિમોએ એમની લીડરશિપને ટેકો આપ્યો. ઈરાનનું વેસ્ટર્નાઇઝેશન રોકવા ખૌમેનીએ જનમત કરાવ્યો કે ઈરાનને સત્તાવાર શરીયાથી ચાલતો ઇસ્લામિક દેશ બનાવવામાં આવે. લોકોના મનમાં હજુ શરિયાતીવાળા સુધારાવાદી, પ્રામાણિક અને પર્શિયન અસ્મિતાવાળા વ્યક્તિની સારપ અને દિવ્યતાના શિખરે લઇ જતા ઇસ્લામની ઈમેજ હતી. એ વિકલ્પ બધાને ગમ્યો હતો. ગાંધીજીનાં મોકળાશભર્યા ગીતાસારથી કોઈ આકર્ષાઈને કોઈ દેશની લડતમાં જડાય ને રાજ એના પર અચાનક ઇન્દિરા ગાંધીની ઈમરજન્સી કરે એવો ઘાટ ઘડાઈ રહ્યો હતો.
૯૮% મતદાતાઓએ હોંશે હોંશે ભ્રષ્ટાચારમુક્ત ઈરાન માટે ખૌમેનીને સમર્થન આપ્યું. ૧ એપ્રિલ, ૧૯૭૯ના રોજ ઈરાન ઇસ્લામિક સ્ટેટ બનીને રીતસર એપ્રિલ ફૂલ બની ગયું. પોતે સત્તાધીશ નહિ બને એવું કહેનાર ખૌમેની બાળ ઠાકરેની જેમ વગર ખુરશીએ પણ સુપ્રિમ લીડર તરીકે ગોઠવાઈ ગયા. પહેલું કામ એમણે યુવાનોની ભરતી થકી અત્યારે પણ મચક ન આપતા કાતિલ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડસની ધામક સુપ્રીમ લીડરને વફાદાર ફોજ બનાવવાનું કર્યું. ધીરે ધીરે ત્યાં ક્રાંતિ પહેલા જનતાને અપાયેલા સબ કા સાથ સબ કા વિકાસ ટાઈપ વચનોમાંથી ખૌમેની ખંધાઈપૂર્વક ફરી ગયા. ખુલ્લેઆમ એમણે પોતાને મજબૂત કરી ઉદારતાનો ઉલાળિયો કરવાનો શરુ કર્યો. જે ીઓએ એમને સર્વેસર્વા થવામાં મદદ કરી એની જ પાંખો કાપી નાખી. અરે, દેશનિકાલમાં જે જોડે હતા એવા સોફ્ટ ફેસ અબોલહસન બનીસદરને એમણે ૧૯૭૯ના ઇસ્લામિક ઈરાનના પ્રથમ પ્રમુખ બનાવ્યા. હવે એ બિચારા પ્રમુખ પોતે જ ફરજીયાત હિજાબમાં માનતા નહિ.
પોતે જ નીમેલા પ્રેસિડેન્ટની સાથે ખૌમેનીના હાર્ડલાઈનર એપ્રોચને લીધે એવા તણખા ઝર્યા કે પ્રમુખ બનીસદરે સુપ્રિમો ખૌમેનીની સેન્સરશિપ ને જુનવાણી ધામકતાનો વિરોધ કર્યો. તો એને હટાવી દેવામાં આવ્યા. માંડ જાન બચાવીને બનીસદર કાયમ માટે ફ્રાંસ ભાગી આવ્યા. એમની જગ્યાએ આવેલા મોહમ્મદઅલી રાજાઈ પણ ઇસ્લામના નામે ઓર્થોડોક્સ મુલ્લાશાહીના અતિરેકના સમર્થનમાં ના રહ્યા તો એમની હત્યા થઇ ગઈ ! પોતાના જ ગોઠવેલા પ્રમુખો સાથે ખૌમેનીનો આ વહેવાર હતો તો બીજાનું ક્યાં પૂછવું ત્રીજા પ્રમુખ તરીકે છેક હમણાં સુધી સર્વસત્તાધીશ રહેલા અલી ખામેનાઈ આવેલા. જે બધી રીતે ખૌમેનીના વૈચારિક વારસદાર હતા એટલે તો રુઓલ્લાહ ખૌમેનીના મોત બાદ એ અલી ખામેનાઈ જ એમની જગ્યાએ સજ્જડ બેસી ગયા !
બિચારી ઈરાની મહિલાઓ ડઘાઈ ગઈ કારણ કે એમણે પશયન સંસ્કૃતિ માટે ક્રાંતિમાં ભાગ લીધેલો અને શાહ કાઢવા જતા ગાળિયો એમના ગળામાં ભેરવાઈ ગયો ! જાહેરમાં માથે હિજાબ ફરજીયાત આવી ગયો. ભણવા ને કામ કરવાના અધિકાર રહ્યા પણ જડસુ ઈરાની મુલ્લાઓની મર્યાદામાં. લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ જેવી હાલત થઇ. બિકિની ગઈને બુરખો રહી ગયો. દુનિયાના દરેક કટ્ટરવાદીને ીના શરીરને પવિત્ર રાખવાના ધરાર રખેવાળ થઇ જવાનો રેઢીયાળ શોખ હોય છે. માલિકની જેમ એને ગળે મર્યાદાનો પટ્ટો બાંધી દે કે એને ઢાંકીને રાખે એને જ એ નારીસુરક્ષા ગણે છે ! મર્યાદા જાતે નક્કી કરવાની હોય, કોઈ તમારા માટે નક્કી કરી દે તો એ બંધન છે એટલી સમજ એ પિતૃસત્તાક બુદ્ધિબુઠ્ઠાઓને હોતી નથી. એટલે જ કટ્ટર થઇ ગયેલા સંસ્કૃતિના સડેલાઓ પ્રતિકાર ખાતર પણ સ્ત્રીના ખુલ્લા તનબદનને ભારતના મૂળ વારસાની જેમ બેખૌફ ને બેશરમ થઈને વખાણવું એ સમાજસેવા છે ને ત્રાસવાદી પર ફોડેલા હિંસા વિનાના 'બોમ્બ' છે !
ફિલ્મો, પાર્ટી, ડાન્સ, મ્યુઝિક બધું પ્રતિબંધિત થવા લાગ્યું ઇસ્લામિક ઈરાનમાં ! આ બાબતે અલગ મત રાખતા ઇસ્લામિક સ્કોલર મૌલવીઓની પણ ધરપકડ થવા લાગી ! હોંઠ બંધ ના કરો તો ગરદન કપાઈ જાય એવું કટ્ટરવાદી રાજ શરુ થયું. ખૌમેનીને એના આવા યુ ટર્ન બાબતે કોઈએ ક્રાંતિ વખતના એમના ઉદાર અને બધાનું ધ્યાન રાખવાના વચનો સામે રાખી એમાંથી પલાયન યાદ કરાવ્યું તો એને 'જુમલા' ગણાવી નફફટાઈથી જવાબ આપ્યો : એ તો ઇસ્લામી કિતાબ મુજબ ધર્મયુદ્ધ (જેહાદ) જીતવા માટે જૂઠ બોલવું કોઈ અપરાધ નથી ! જર્મનીમાં જેમ લોકશાહીમાં જર્મની ફરી મહાન બનાવવાના સપના આપી, ચૂંટાઈને હિટલર બધી જ સંસ્થા ને મશીનરી પર કબજો કરીને સરમુખત્યાર બની ગયો, એમ શાહની રાજાશાહી કાઢવાની ક્રાંતિ કરવા નીકળેલી ઈરાની પ્રજા માથે ધાર્મિક વડાનું કાયમી શાસન ગોઠવાઈ ગયું ! જેમાં ચૂંટણી પણ એણે જ નક્કી કરેલા બે ઉમેદવારો વચ્ચે નાટકની જેમ થાય ! વિપક્ષ જેવું કશું રહે જ નહિ. લોકશાહી તો આજની તારીખે ખ્વાબ જ રહી ગઈ ઈરાન માટે ! ભ્રષ્ટાચાર ઘટાડવા જતા વાણી સ્વાતંત્ર્ય એવું ગયું કે ઈરાનની ઉત્તમ ફિલ્મો બનાવનારા ઈરાનમાં આરામથી જીવી ના શકે ! ધર્મ એક ઘૂટન થઇ ગયો ઈરાનમાં.
શાસનના આરંભે જ ખૌમેનીએ અમેરિકા સામે ફૂંફાડો માર્યો. બીજા વિશ્વયુદ્ધ બાદ ઓઇલના પોલીટીકલ કેહ્લમાં તો અમેરિકાને ઈરાન દુશ્મન ગણતું જ હતું, પણ ત્યાના સ્થાનિક રાજકારણમાં અમીર ને વગદાર યહૂદીઓની પક્કડ જોતા ખૌમેની માટે ઇઝરાએલનું તરફદાર અમેરિકા પણ દુશ્મન હતું. ઝાયનિસ્ટ યહૂદીઓ અને જેહાદી મુસ્લિમો એ બે રેડીકલ ફિરકાઓ વચ્ચેનો ગજગ્રાહ તો સદીઓ જુનો છે. એક સમયે જે ઈરાન અમેરિકાના ભાગીદાર તરીકે ઇઝરાયેલનું દોસ્ત હતું એ ગ્રેટર ઇઝરાયેલના વિસ્તારવાદ સામે નડતું સૌથી મોટું દુશ્મન બની ગયું ! એટલી હદે કે એને ખતમ કર્યા વિના ઇઝારેયલની આણ વર્તાય નહિ એના માટે કાયમ એની સામે લડતા ખાડીના અરેબિક દેશો સાથે પણ ગઠબંધન કર્યું છે.
ખૌમેનીના ઈરાને તો યુવા વિદ્યાર્થીઓના ટોળાનો 'દુરુપયોગ' કરી નવેમ્બર ૧૯૭૯માં તહેરાનની અમેરિકન એમ્બેસી પર હુમલો કરીને દુનિયાની સૌથી મોટી હોસ્ટેજ ક્રાઈસીસ ઉભી કરેલી ! બેન એફ્લેકની આર્ગો ફિલ્મ યાદ છે ? જેમાં કેનેડીયન એમ્બ્સેડરના ઘરમાં છુપાયેલા અમેરિકનો માટે ફિલ્મ શૂટિંગના સ્વાંગમાં સીઆઈએની ટીમ ગયેલી ! પણ ૪૪૪ દિવસ સુધી અમેરિકન એમ્બેસીમાં ૫૨ અમેરિકનોને બંધક રાખી ઈરાને અમેરિકાનું નાક કાપ્યું એમાં ખૌમેની એમના બ્લાઈન્ડ ફોલ્ડરોમાં પોપ્યુલર થઇ ગયા ને અમેરિકાએ એ ખીજમાં ઈરાકને ચાવી ચડાવી યુદ્ધ શરુ કરાવ્યું. ઈરાન ભૌગોલિક રીતે કબજે કરવું અઘરું, એટલે આઠ વરસ યુદ્ધ ચાલ્યું પણ ઈરાને નમતું ના જોખ્યું ને મેચ ડ્રો ગયો. ઉલટું એ યુધ્ધને લીધે ખૌમેની મજબૂત થતા ગયા અને એમના વિરોધીઓને યુધ્ધના હવાલે ચૂપ કરી દેવાયા !
હા, શાહને શરણ આપનાર અમેરિકન પ્રમુખ જીમી કાર્ટર આ હોસ્ટેજ ક્રાઈસીસને લીધે રિપબ્લિકન રોનાલ્ડ રીગન સામે બીજી ટર્મનું ઈલેકશન હારી ગયા !
પણ ઈરાનમાં ઇસ્લામિક શાસનનો ગાળિયો એવો મજબૂત છે કે નક્કર વિકલ્પ એનો આજે પણ દેખાતો નથી. ઈરાન એમ સિધ્ધાંતવાદી હજુ પોતે ટેરરિસ્ટ ક્યાંય મોકલ્યા નથી. યુધ્ધમાં પણ ઇઝરાએલની ખુવારી સિવાય એટેકમાં હજુ નિર્દોષો મોટા પાયે મરે નહિ એટલું ધ્યાન વગર નેતાગીરીએ પણ રાખે છે. પણ ખામેનાઈની ઓથ અને શસ્ત્રોની સહાયથી હૂતી (યમન), હિઝબુલ્લાહ (લેબેનોન) અને હમાસ (ગાઝા) ઉપરાંત સીરિયાના અસદ જેવાને આડકતરી મદદ કરી જેમણે હજારોના જીવ લઇ લીધા. એક રીતે ઈઝરાએલ સામે ઈરાન એ ચેક એન્ડ બેલેન્સ છે, હવે આપણા દોસ્ત એવા ઈરાનને અમેરિકી પ્રતિબંધોને લીધે ચીન ને રશિયા જેવા જોડીદારો પણ જડયા છે. પણ પરિવર્તન પહેલા કદાચ અસ્થિરતા આવી જશે. કાં ઇસ્લામિક તાકાતો અભૂતપૂર્વ મજબૂત થઇ ખતરનાક થઇ જશે ઘાયલ સિંહની માફક !
પશયાના ચિહ્ન જેવા સિંહ અને સૂર્ય ધ્વજમાંથી ખૌમેનીએ હટાવેલા. પણ મૂળ અહુર મઝદની સંસ્કૃતિમાં સ્ત્રી પુરુષ સમાન હતા. જયારે ઇસ્લામની થીયોલોજીના ફેનેટિક ધર્મગુરુઓ તો સ્ત્રીઓના શરીરનો કેટલો ભાગ ઢંકાયેલો રહે એના પર જ ચિતન કર્યા કરે છે માલિક બનીને. જે લોકો એપ્સ્ટાઇન સામે ઈરાનના નેતાઓ રાખીને શરાફ્તના હવાલા આપે છે એમને ખબર નથી કે બધા પશ્ચિમી રંગીલા પુરુષો કંઈ એપ્સ્ટાઇન જેવા ક્રિમિનલ નથી. અને ખૌમેની, ખામેનાઈ અન્ય ઈરાની મુસ્લિમ નેતાઓના લગ્નોની સત્તાવાર વિગતો તો જોજો. ચારથી પણ વધુ પત્નીઓ છે. નાની ઉંમરની પરણી ગયેલી કે કઝીન પણ હોય એવી !
ઇસ્લામિક રિવોલ્યુશન બાદ પહેલા જ હિજાબને ક્રાંતિમાં ભાગ લેનારી સ્ત્રીઓને રિસ્પેકટ આપવાના રૂડા નામે ફરજીયાત કરી દેવાયો, એની સામે વિરોધ કરવા નીકળેલી હજારો સ્ત્રીઓ સામે કડક હાથે કામ લેવાયેલું. એ હજુ પણ ચાલુ જ છે. ખૌમેની ને પછી ખામેનાઈએ સ્ત્રીઓને ટોચના શાસનમાં બેસવા જ નથી દીધી. જજ તરીકે પણ નહિ. ડ્રેસ કોડ ચુસ્ત છે. આપણા અમદાવાદના ફિલ્મમેકર અદિતિ ઠાકોર ઈરાન ગયેલા તો એમને સ્થાનિક લોકોના સરસ અનુભવ થયા ને ઈરાનમાં હજુ અદ્ભુત કળાઓ સંગ્રહિત છે. પણ માથે તો પ્રવાસીઓએ પણ ઓઢી રાખવું પડે જાહેરમાં ! મરજીની વાત નહિ, ફરજીયાત ! ઇસ્લામિક ઈરાન બન્યું ૧૯૭૯માં પછી એક તબક્કે લગ્નની કાયદેસરની ઉંમર જ સ્ત્રી માટે ૯ વર્ષ કરેલી જે પછી ફેરવીને ૧૩ વર્ષ કરી ! અને સ્પેશ્યલ કેસમાં જ્યુડિશિયલ મંજુરી હોય તો એથી ઓછી ! આ બાળકીઓ પરનો કાયદેસરનો બળાત્કાર નથી તો શું છે ? પુરુષ ગમે તેટલી શાદી કરે ને મૌખિક તલાક આપી શકે. શાહના જમાનામાં ડિવોર્સ બાદ બાળક મા પાસે રહેતું. હવે એ બાપનો જ અધિકાર. વારસામાં દીકરીને અડધી જ મિલકત મળે એકનું એક સંતાન હોય તો પણ. વિદેશ જવા કે નોકરી કરવા માટે પતિની સહમતી કે કોર્ટમાં કે વળતરમાં સ્ત્રીની સાક્ષી કે સંપત્તિ અડધી જ ગણવાની ! સ્ત્રીએ જાહેરમાં એકલા નહિ ગાવાનું. ફિલ્મોમાં પણ પતિ પત્નીના પાત્રો જ એકબીજાને સ્પર્શ કરી શકે ! અમુક રમતમાં પણ સ્ત્રીને ભાગ લેવા પ્રેકટીસ કરવા જુદા નિયમો. હમણાં ઓસ્ટ્રલિયા ગયેલી મહિલા ઈરાની ફૂટબોલ ટીમે પ્રોટેસ્ટમાં રાષ્ટ્રગીત ના ગાયું ને છ ખેલાડી તો શરણ માંગી ત્યાં રહી ગઈ તો સરકારી આદેશથી મહિલા ટીમની કેપ્ટનના પરિવારને ગાયબ કરી દેવાયો ઈરાનમાં જેથી એણે પાછા ફરવું પડયું !
મહસા અમીનીએ માથું ખુલ્લું રાખ્યું ને જે રીતે એને ટોર્ચર કરીને ગશ્ત એ ઈર્શાદ જેવી ખામેનાઈની સિક્રેટ પોલીસે મારી નાખી એ પછી ફાટી નીકળેલા તોફાનોમાં ૪૦૦થી વધુ નારીઓના જીવ ગયા એ વખતે તો લેખ લખેલો. ઈરાનમાં તો ફાંસીની સજા પામેલી સ્ત્રી ૧૩ વર્ષની બાળકી હોય તો ધરાર મૃત્યુદંડ પહેલા એના લગ્ન કરાવાય કે બળાત્કાર પણ જેલમાં એટલે એ કુંવારી ના મરે ! ગે હોવા બદલ પણ જાહેરમાં મારી નાખવાની સજાઓ થઇ છે. નાનની બચ્ચીઓ સામે એના મા બાપને જાહેરમાં મારી નાખવામાં આવ્યા છે માત્ર નોર્મલ લાઈફ જીવવાના અધિકારના 'અપરાધ' સબબ !
એટલે આપણી થઇ ગયેલી મૂળ ઈરાની મુસ્લિમ એકટ્રસ એલનાઝ નૌરોઝીએ વિદેશમાં રહેતી અન્ય બોલ્ડ ઈરાનીયન યુવતીઓની જેમ ખુલીને કહ્યું કે લોકોને પૂરી કંઈ અલી ખામેનાઈ રાજમાં ઈરાની સ્ત્રીઓની દુર્દશા બાબતે ખબર જ નથી. એમની બીજી સારી બાબતો રાજકીય કે ધાર્મિક જે હોય એ પણ સ્ત્રીઓ પરના અત્યાચારો અને ન્યાય માંગવા જાવ તો જલ્લાદ જેવી નકલી કોર્ટો દ્વારા થયેલા જુલ્મોસિતમ અનુભવ્યા જ નથી એટલે નેતાન્યાહુ ને ટ્રમ્પ ભલે ખોટા, નાલાયક કે ડફોળ પણ હોય, અને ખામેનાઈએ ભલે બોમ્બ સામે ફતવો આપી શહાદત વહોરી હોય, ઈરાનના ઇસ્લામિક શાસનને પણ કોઈ માથાનું ભટકાય એની જરૂર તો છે એવું ત્યાની મોટા ભાગની આધુનિક સ્ત્રીઓની હાયબળતરા છે !
દેખિયે, અબ આગે ક્યા હોતા હૈ !
ઝિંગ થિંગ
'તમે જયારે લોકોની મદદ કરવા માંગતા હો ત્યારે લોકોને સત્ય કહો છો. પણ તમે ખુદની મદદ કરવા માંગતા હો ત્યારે લોકોને ગમી જાય એવું જૂઠ બોલતા થઇ જાવ છો !'
(થોમસ સોવેલ)


