ઇરાન-ઇઝરાએલ-ઇન્ડિયા : આજ પુરાની રાહોં સે, કોઈ હમે આવાઝ ના દે...!
- અનાવૃત-જય વસાવડા
- ઇરાનના જીન્સમાં કળા ને તેજસ્વીતા છે. તગડી ફિલ્મો જડસુ મુલ્લાશાહીના પ્રતિબંધો છતાં દુનિયા ડોલાવી દે એવી ઇરાની ફિલ્મમેકરો બનાવે છે. બેસ્ટ ઇન ધ વર્લ્ડ!
દ ર્દ, હિંગ, તાજમહાલ, અશોકના શિલાલેખ, ૩૦૦ ફિલ્મ, મયુરાસન, તાતા, પોખરણ, સરકાર, હિન્દુસ્તાન.
આ બધા સાવ અલગ અલગ લાગતા શબ્દો વચ્ચે શું સમાનતા છે? એ જ કે બધાનું ઇરાન કનેકશન છે!
લાશ, રોજગાર જેવા સેંકડો આપણા સ્વદેશી લાગતા શબ્દો મૂળે ફારસી છે. આપણે ત્યાં મુઘલોને લીધે અરેબિક કરતા ફારસ યાને પર્શિયા યાને ઇરાનની સંસ્કૃતિનો પ્રભાવ વધુ રહ્યો ને એના અભિન્નપણે આ શબ્દો વણાઈ ગયા, જેને આપણે પાકિસ્તાની ઉર્દૂ માનીએ છીએ ! જો કે, ઉર્દૂ પણ ભારતમાં જ જન્મેલી ભારતીય ભાષા છે, એટલું સામાન્ય જ્ઞાન સતત પોતાને અસામાન્ય માની લેતા સોશ્યલ મીડિયાના ગડબેશોને નથી હોતું ! ગમે ત્યારે બોયકોટ ફલાણું ઢીકણું કરનારાઓને એ પણ ખબર નથી કે ગુજરાતી રસોઈમાં એક અગત્યનું અંગ ગણાતી ને વૈદકના ઉપચારોમાં પણ સ્થાન પામેલી હિંગ ભારતમાં ઉગતી જ નથી ! એ સ્વદેશી નથી, પ્યોર પરદેશી છે અને મોટાભાગની ઇરાનથી આવે છે !
તાજમહાલની સ્થાપત્યકળા બેનમૂન ગણાય છે, જેના પર ચોખ્ખો પ્રભાવ પર્શિયન યાને ઇરાની છે. ૩૦૦ ફિલ્મમાં ગ્રીક સંસ્કૃતિના પાયા ઉખાડી દેતું આક્રમણ જે ઝોક્સસે કર્યું, એ ઇરાની હતો અને એની જીત પાછળ જવાબદાર પરિબળોમાં એક હતું ભારતીય ધાતુવિજ્ઞાનમાંથી જન્મેલી તલવારનું ! જેનો તોડ ગ્રીક યોદ્ધાઓની બટકણા શસ્ત્રો પાસે નહોતો ! ભારત પર પહેલું પરદેશી આક્રમણ ભલે મોહમ્મદ ગઝનવીનું જાણીતું થયું, પણ ઐતિહાસિક રીતે ઇસ્વીસન ૫૧૬માં ઇરાનના દારાયસ પ્રથમનું હતું જેણે પંજાબ અને સિંધના થોડા પ્રદેશો જીતી લીધેલા. એ વખતે ઇરાનમાં ઇસ્લામ નહોતો. એ આવ્યા પછી કેટલાક જરથોસ્તી યાને 'ઝેરોષ્ટ્રીયન્સ' ગુજરાતમાં સંજાણ બંદરે પહોંચ્યા એ આજના પારસીઓ !
જેમાંથી જ એર ઇન્ડિયાના કંગાળ મેનેજમેન્ટ બાબતે જેના પર પસ્તાળ પડી રહી છે, એવા પારસીઓ ભારતીય થઇને રહ્યા ને તાતા જ નહિ, ભારત જે પરમાણુ શક્તિ હોવા બાબતે રાષ્ટ્રવાદનો દમ ભરે છે, એ એટોમિક એનર્જીનો ભારત માટે પાયો નાખનારા ડૉ. હોમી જહાંગીર ભાભા પારસી એટલે ઇરાની મૂળના ! ને પાકિસ્તાનને અણુસત્તા બતાવવામાં ફાળો આપનાર નોબેલ પ્રાઈઝ વિનર હોવા છતાં ત્યાં જ હડધૂત થનાર ડૉ. અબ્દુસ સલામ અહમદિયા શિયા, ને દુનિયામાં સૌથી શક્તિશાળી શિયા મુસ્લિમ રાષ્ટ્ર હોય તો ઇરાન ! જો કે, ત્યાંથી મોહમ્મદ શાહ રંગીલાને ધૂળ ચાટતો કરીને લૂંટારો નાદિરશાહ આવી આજના જમાનામાં પંદર લાખ કરોડ થાય એવી કિંમતની લૂંટ દિલ્હીમાં ચલાવી ગયો ને હિન્દુ, મુસ્લિમ બધાને કાપીને કોહીનૂર તફડાવી ગયો !
પણ ઇરાનના જીન્સમાં કળા ને તેજસ્વીતા છે. તગડી ફિલ્મો જડસુ મુલ્લાશાહીના પ્રતિબંધો છતાં દુનિયા ડોલાવી દે એવી ઇરાની ફિલ્મમેકરો બનાવે છે. બેસ્ટ ઇન ધ વર્લ્ડ ! બળવાખોર ને કળાત્મક ફિલ્મો. કહેવાય છે કે અશોકના શિલાલેખ જે ખરોષ્ઠી લિપિમાં લખાતા એની પર ઇરાની પ્રભાવ છે. ગજબનાક તથ્ય તો એ છે કે હડપ્પાની પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો આદાનપ્રદાનનો વહેવાર ત્યારના ઇરાનની જેગ્રોસ ઘાટીની 'ઇલામ' સંસ્કૃતિ સાથે ! ઇસ્વીસન પૂર્વે ૧૪૦૦ બોમોઝેકોઇ શિલાલેખમાં હિટ્ટાયઇટને મિતન્ની રાજાઓની સંધિની વાત છે, જેમાં મિત્ર, વરૂણ, નાસ્ત્ય જેવા દેવતાઓની વાત આજના ઇરાનની ભૂમિ પર છે ! અગ્નિની પૂજા ને અસુર જેવો લાગતો અફર શબ્દ તો હતો જ ! ઇનફેક્ટ, ઇસ્લામિક સંસ્કૃતિમાં જે ભવ્યતા, જે કળા, જે સાહિત્ય, જે સૌંદર્ય, જે સ્થાપત્ય, જે વાનગીઓ, જે ખૂબસુરત વસ્ત્રો, જે સંગીત અને જે સંશોધનનું વિજ્ઞાન છે, એ મોટાભાગનું ઇરાન, તૂર્કી અને ઇરાકને આભારી છે ! થોડુંક સીરિયા, અઝરબૈજાન, કઝાકિસ્તાન, આજે પેટ્રોલિયમને લીધે કુબેર ભંડારી બનેલા આરબ દેશોનો એમાં એટલો ફાળો નથી !
એટલે આર્ટ કે સાયન્સ ઇરાન માટે સદીઓ જૂની બાબત છે, ખૌમેનીનો કડક ઇસ્લામ એના પ્રમાણમાં નવી બાબત છે. એ આયાતોલ્લાહ ખૌમેની જેણે ઇરાનને લિબરલ વેસ્ટર્નાઇઝડ નેશનમાંથી સંકુચિત ઇસ્લામિક રાષ્ટ્ર બતાવ્યું એ મૂળે ઉત્તરપ્રદેશના બારાબંકીના ! સેનાના વડાઓ ત્યાંથી ગયેલા એક સદીથી પણ પહેલા ઇરાન ! જો કે, ઇરાન સાથે એને સમૃધ્ધ બનાવતા ગેસ, પેટ્રોલિયમની ખરીદીનો ભારતનો બહુ જૂનો નાતો છે. બરફી, જલેબી, કલાકંદ, શરબત, સમોસા (બધું ઇરાનથી આવ્યું ભારત !)નો તો ખરો જ. પણ આપણા રાજદ્વારી સંબંધો મધુર છે. ઇરાનને પહેલેથી જ ભૌગોલિક રીતે પડખે રહેલા પાકિસ્તાન સાથે ફાવ્યું નથી.
છેલ્લે હમણા ઓપરેશન સિંદુર વખતે ઘણા આર્મીની નોકરી નિયમોનો લાભ ઉઠાવી થોડા વર્ષ કરીને પછી ટીવી યુટયુબમાં એક્સપર્ટ બનીને બેસે છે, એવા બટકબોલા ગૌરવ આર્યે ડિબેટમાં ઇરાનના એક પ્રતિનિધિને લેવાદેવા વિના ગંદી ગાળ ઓન કેમેરા આપી ત્યારે ઇરાને વિદેશ મંત્રાલયને ચીમકી ભરેલી કે અમારે પાકિસ્તાનને મદદ કરવા બાબતે કંઇ લાગતું વળગતું નથી, જો હોત તો બોર્ડર પરનું ચિત્ર અલગ હોત ને ટીવીમાં તમારા આવા બની બેઠેલા નિષ્ણાતો સુખેથી વાતો ન કરતા હોત ! ચાબહાર બંદર માટે આપણી તો ભાગીદારી છે. પણ ગરબડ એ છે કે આપણે તો ઇઝરાયેલ સાથે પણ સારાસારી છે ! છેલ્લાં ઓપરેશન સિંદૂર વખતે તાલિબાની અફઘાનિસ્તાન ને ઇઝરાએલે ભારતને સમર્થન જાહેર કરેલું. ને આજે ઇરાન-ઇઝરાએલ બાખડી રહ્યા છે.
આ બહુ કફોડી સ્થિતિ હોય છે. આપણી સાથે જોડાયેલા બે મિત્રો કે બે સગાઓ એકબીજાના લોહીતરસ્યા વેરીઝેરી બને ત્યારે મનોમન બેઉ આપણું સમર્થન ઝંખે, ને આપણે એ વિવાદ સાથે ન્હાવાનીચોવવાનો સંબંધ હોય નહિ. આપણે બેઉ જોડે વહેવાર રાખી, હસતા મોંઢે શાંતિથી રહેવું હોય પણ બીજાઓ આપણને એમાં ઘસડયા વિના રહે નહિ ! અને અજબ અચરજ તો એ છે કે એક સમયે ઈરાન-ઈઝરાએલ પણ દોસ્ત હતા ! એવા દોસ્ત કે ઈઝરાએલ જ્યારે બીજા વિશ્વયુદ્ધના વિજય બાદ પશ્ચિમી દેશોએ ધરાર રચ્યું, ત્યારે ઝિઓનિસ્ટ યહુદીઓ સાથે ઉદ્ભવથી જ માથાકૂટ કરતા મોટા ભાગના મુસ્લિમ દેશોએ એને માન્યતા નહોતી આપી પણ ત્યારે શાહ મોહમ્મદ રઝા પહેલવીના શાસન નીચે રહેલું ઈરાન કમાલ પાશાના તુર્કીની જેમ મોડર્ન વેસ્ટર્ન કલ્ચર તરફ ઢળેલું હતું. એટલે અમેરિકાનું બગલબચ્ચું ગણાતું.
૧૮૫૮માં જે તેલ અવીવ પર ઈરાન આજે આતશબાજીની જેમ મિસાઇલો છોડે છે, એમાં જેમના નામનું એરપોર્ટ છે એવા સ્વાધીન ઈઝરાએલના પ્રથમ પ્રમુખ બેન ગુરિઅન તુર્કીના તત્કાલીન વડાપ્રધાન અદનાન મોન્ડેરેસને મળ્યા ને એમાં ઈરાનના શાહ ભળતા 'ટ્રાઈડેન્ટ' (એટલે ત્રિશૂળ!) નામનો સિક્રેટ પેક્ટ કરવામાં આવ્યો, જેમાં હથિયારોથી લઈને જાસૂસી બાતમી સુધીનું અંદરોઅંદર શેરિંગ કરી, બધાની કોમન એલર્જી એવા આરબ રાષ્ટ્રો સામે ગુપ્ત રીતે મજબૂત ધરી બનાવવાની હતી. ઈઝરાએલની જાણીતી સિક્સ ડે વોર પછી ૧૯૬૭ બાદ પણ ઈરાન ઈઝરાએલને ક્રૂડ ઓઈલ આપતું. ઈઝરાએલ એગ્રીકલ્ચર ટેકનોલોજીમાં ઈરાનની મદદ કરતું. ૧૯૫૬ની સૂએઝ કટોકટી બાદ ઈથિયોપિયા પણ ભળેલું એમાં ! બધાને અમેરિકા સાથે મીઠા સંબંધો હતા ત્યારે.
આ બધું કંઈ અધ્ધરતાલ અનુમાન કે આઈટીએલના વોટસએપિયા ગપ્પા નથી. અમેરિકન એજન્સી સીઆઈએના હવે જાહેરમાં આવેલા ડોક્યુમેન્ટસ છે ! પણ ૧૯૭૯માં ઝટકો લાગ્યો આ ગોઠવણને. જ્યાં લિબરલ શાસકો વધુ હોય, ત્યાં ઘણી વાર ઉદારતા કમજોરી થઈ જતા ભ્રષ્ટાચાર વધે. ઈરાનમાં પશ્ચિમથી પ્રભાવિત શાહનું 'વ્હાઇટ રિવોલ્યુશન' ચાલ્યું હતું. જેમાં સ્ત્રીઓને વિશેષ અધિકારો મળ્યા, હિજાબ-બુરખાથી પૂર્ણ મુક્તિ મળી. બિકિની પહેરી બીચ પર મહાલતી સુંદરીઓ એ ઈરાનમાં ના અપવાદ હતી, ના અપરાધ ! હાઈટેક એજ્યુકેશન હતું. સમૃદ્ધ આવક હતી. પણ એક વર્ગ ઈસ્લામિક રૂઢિચુસ્તોનો હતો, જેમને આ બધા પરિવર્તનો ને પ્રગતિ સંસ્કૃતિ વિરૂદ્ધની લાગતી. ધર્મ સામેનું વિદેશી સંસ્કૃતિના આક્રમણનું કાવત્રું લાગતું ! કટ્ટરવાદીઓના અડ્ડા હંમેશા ભવ્ય ભૂતકાળના નામે જ ચાલતા હોય. ધર્મના નામે લાકડાંઓ તૈયાર હોય, બસ મહાનતાનું ઘી હોમીને તણખો પેટાવનાર જોઈએ. જે ભૂમિકા ઈસ્લામિક ધર્મગુરૂ આયાતોલ્લાહ ખૌમેનીએ ભજવી. નૂતન ક્રાંતિથી દેશ ફરી મજબૂત ને મહાન બનાવવાના સપના મઝહબી ચાસણીમાં બોળીને પીરસ્યા બાદ એ ત્યાંના સર્વેસર્વા થઈ ગયા ને સુન્ની ઈસ્લામના તાકાતવાન દેશ ઈરાક સામે યુદ્ધ છેડી દીધું.
જે યુવકયુવતીઓ શાહની છૂપી પોલિસ કે ભ્રષ્ટાચારથી કંટાળીને મોટે ઉપાડે ખૌમેનીના સમર્થનમાં જોડાયેલા, એમને વ્યવસ્થા તો મળી, પણ આઝાદી છીનવાઈ ગઈ ! હંમેશા કટ્ટરવાદી જૂથો શિસ્તબદ્ધ હોય, ને ઉદારવાદી કરતા ઓછા ભ્રષ્ટ એ જ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનમાં આપણે જોયું ને ! રશિયામાં પણ ઉદારીકરણ બાદ એમ જ પુતિન આવ્યા. પણ પછી એ આઝાદમિજાજ મોડર્ન યંગસ્ટર્સને સમજાયું કે બકરું કાઢતા ઊંટ પેઠું જેવું થયું છે. કમસેકમ શાહની સરકાર એકહથ્થુ હોવા છતાં એની જાહેર ટીકા તો થતી. મુલ્લાશાહીએ તો ઈરાની લોકોની લોકશાહી જ છીનવી લીધી. ચૂંટણીઓ નાટક થઈ ગઈ અને આધુનિકોને અપરાધી ગણવાની વૃત્તિ-પ્રવૃત્તિ વધી ગઈ.
એ દરમિયાન પણ અમેરિકાના કહેવાથી ઈરાક સામે લડવા ઈઝરાએલ છૂપી રીતે ઈરાનને હથિયારો આપતું ! એમાં ઈઝરાએલ તરફથી પેલેસ્ટાઇનના વડા યાસર અરાફાત સાથે સમજૂતી થઈ. પણ જેમ એક ગોરા અમેરિકને જ લિંકનને માર્યા, જેમ એક સનાતની હિન્દુએ જ ગાંધીજીને માર્યા... એવા જ કારણોથી એક યહૂદી યુવકે રેબિને તો ખોટું કર્યું કહીને એમને માર્યા ! વાત વણસી ગઈ પછી કાયમ માટે ને એમાં ઈરાનનાં પરમાણુ પરીક્ષણો એક પરિબળ બન્યા. દોસ્તી દુશ્મનીમાં હિન્દી ફિલ્મોની માફક ફેરવાઈ ગઈ !
અત્યારના વડા ખામેનાઈ ખૌમેનીના આનુવંશિક નહિ, પણ વૈચારિક વારસદાર છે અને અમેરિકાને એની વ્યક્તિગત દાઝ છે. અમેરિકા જ નહિ, ઈરાનની ઘણી સ્ત્રીઓ પણ આ ઈસ્લામિક રાજથી ત્રાસી મરવાનું જોખમ લઈને પણ ક્રાંતિની ચિંગારી પેટાવી રહી છે. ઈઝરાયલપ્રેમી યુવા પેઢી સેન્સરપ્રેમી મુલ્લાશાહીથી ગૂંગળાઈ ગઈ છે. પણ જડબેસલાક પક્કડ ઈરાની નેતૃત્વ છોડતું નથી. અમેરિકા તો બધી જ લડાઈઓમાં હથિયારોથી મીડિયા સુધી બધામાં પ્રોફિટ બનાવતું વેપારી છે. પણ સાઉદીથી લઈને યુએઈ, જોર્ડન, ઈજીપ્ત વગેરેએ ઈઝરાએલ સામે ઢીલું મૂક્યું છે, ત્યારે હિઝબુલ્લાહ, હૂતી, હમાસ વગેરેને ઓથ ઈરાનની મળે છે. લેબેનોન પણ ઈરાની ધમાચકડીમાં 'મારે મોગલ ને ફુલાય પિંજારા'ની જૂની કહેવતની જેમ હરખાય છે. આખો રંગ જ ફરી ગયો છે. વાત પેલેસ્ટાઇનની જ ફક્ત નથી રહી, હવે ઝિઓનિસ્ટ યહૂદીઓ શેતાનને છૂટો કરે એ પહેલા દુનિયા બચાવવાની જવાબદારી લેવાની વાત છે, ઈસ્લામિક વિશ્વમાં ! એ જુદો વિષય છે ને આપણે ત્યાં ચર્ચાતો નથી પણ યાદ એ રાખવાનું કે મુસ્લિમ હિન્દુ એક રાષ્ટ્ર તરીકે ન રહી શકે એ કહીને છુટું થયેલ પાકિસ્તાન ઈરાનની સામે જ અમેરિકા તરફથી છે ! મુસ્લિમ-મુસ્લિમ પણ સાથે રહી શકતા નથી. અફઘાનિસ્તાન હોય, ઈરાન હોય કે પાકિસ્તાન હોય !
ઝિંગ થિંગ
આપણે યુદ્ધો નહિ અટકાવીએ, તો યુદ્ધો આપણને અટકાવી દેશે !
(એચ.જી.વેલ્સ)