Get The App

એ હાય હાય ! : બરબાદ એ એજયુકેશન કિ ખાતિર એક હી ગલગોટિયા કાફી હૈ હર ગાંવ મેં ગલગોટિયે બૈઠે હૈ, અંજામે એજ્યુકેશન ક્યા હોગા?

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
એ હાય હાય ! : બરબાદ એ એજયુકેશન કિ ખાતિર એક હી ગલગોટિયા કાફી હૈ હર ગાંવ મેં ગલગોટિયે બૈઠે હૈ, અંજામે એજ્યુકેશન ક્યા હોગા? 1 - image

- અનાવૃત-જય વસાવડા

- આ દેશ છે જ્યાં એક સમયે શિક્ષણ સિંહાસનથી સ્વતંત્ર હતું એની વાર્તાઓ કહેવાય છે, વસિષ્ઠથી ચાણક્ય સુધીની. આજે એજ્યુકેશન ગલગોટિયા ગુલાંટ મારતું થઇ ગયું કારણ કે સેલ્ફ ફાઈનાન્સ કહેવાતી સંસ્થાઓ પણ આડકતરી રીતે રાજ્યાશ્રિત છે

ના નપણમાં સાંભળેલો જોક હજુ જુનો નથી થયો.  એક વાર અમેરિકા, બ્રિટીશ,જર્મની, ફ્રાંસ, રશિયા, જાપાન અને ભારતના છ મિત્રોએ એક વિમાન બનાવવાનું નક્કી કર્યું. બ્રિટીશરે રિસર્ચ કર્યો. જર્મને એન્જીન બનાવ્યું. જાપાનીઝે બોડી બનાવ્યું, ફ્રેન્ચે લૂકની ડિઝાઈન કરી, અમેરિકને સીસ્ટમ બનાવી. પ્લેન રેડી થયું. બધાએ ભેગા થઈને એ વખતે આરામ કરતા રહેતા ભારતીયને પૂછયું. હવે આમાં તું શું બનાવીશ ? એ જુગાડુ ઈન્ડિયને ઠંડા કલેજે બેઠા થઈને વિમાન પર લખી નાખ્યું : મેઈડ ઇન ઇન્ડિયા !

કડવી લાગે એવી સચ્ચાઈ છે. જોક તો ત્યારે હતો. હમણાં દિલ્હીમાં આપણી ગ્લોબલ એ આઈ સમિટમાં ભજવાઈ પણ ગયો. આમાં કોપી તો બધે થાય છે એમાં ગલગોટિયામાં થાય એમાં ખોટું શું કહી છટકબારી શોધવાની જરૂર નથી. ચાઈનીઝ કૂતરાના રોબોટને પોતાની આઈટી લેબનો આવિષ્કાર ઠસાવી દેતી એ પહેલી કે છેલ્લી યુનિવર્સીટી નથી. એવી તો ગુજરાતમાં પણ છે. અને એના લૂલા બચાવ મુજબ આ કોઈ માહિતીની ગલતી નહોતી. એમના ડોગને એ લોકોએ જ એમની ફ્રન્ટ પેજ એડમાં હાઈલાઈટ કરેલો. એમનું એક ડ્રોન પણ કોરિયન કોપી નીકળ્યું. એમનો આપણી વૈશ્વિક પ્રતિષ્ઠાના સ્તંભ પર એક પગ ઉંચો કરી શ્વાનકાર્ય કરી ગયેલો રોબોટ કૂતરો આઈટી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પાછળથી ડિલીટ કરેલી રીલમાં પણ ભારતની ઉપલબ્ધિ તરીકે હતો ! એ મંત્રીશ્રી જેમણે પહેલા દિવસે અવ્યવસ્થા માટે જાહેર માફી માંગી હતી. ગ્લોબલ આઈટી સમિટમાં ભારતની ઓળખ બનેલ યુપીઆઇ પેમેન્ટ થતું નહોતું. સિક્યોરિટીના નામે કારની ચાવી બહાર કઢાવવામાં આવતી હોવાના અને ભીડ ખાલી કરવામાં કોઈના સમાન ચોરાઈ ગયાના પણ અહેવાલો આવેલા. 

વિપ્રો પણ ભારતની દિગ્ગજ આઈટી કંપની, લાખો કરોડનું માર્કેટ કેપ, અને એઆઈમાં એ પણ ચાઇનીઝ પ્રોડક્ટ લઇ પહોંચી ગયેલી! મતલબ, બેહદ બેશરમી ! ગલગોટિયાને સરકારે પછી કાઢી મૂકી પણ એને ચાર ગણું પેવેલીયન મળેલું જેમાં વિજ્ઞાનમેળામાં પણ ના હોય એવું થર્મોકોલનું વિમાન લઈને એ બધા પહોંચી ગયેલા ૩૫૦ કરોડના રોકાણની વાતો કરતા ! પછી તો ખણખોદિયા વિડીયો શોધી લાવ્યા કે ગલગોટિયા સત્તાધારી ભાજપને વહાલા થવા કોંગ્રેસના સામ પિત્રોડાના સ્ટેટમેન્ટને વખોડવા બેનર સાથે સ્ટુડન્ટસ મોકલતું હતું, જેમના એકેને પોતે જે રાજકીય નારાબાજી કરવા આવ્યા એ મુદ્દો જ ખબર નહોતી ! ને મોટે ઉપાડે એ લોકો કેમ્પસમાં ચાપલૂસીના પ્રદર્શન પણ યોજતા હતા. એટલી હદે કે ત્યાના એક અધ્યાપકે એક આમ જ પોસ્ટ લખવા બેઠેલા ગુજરાતી તબીબની જેમ કોરોના વાઈરસ થાળી વગાડવાથી કેમ ભાગી જાય એનું રિસર્ચ પેપર પણ લખી નાખ્યું હતું બોલો ! આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ યાને બુદ્ધિ કૃત્રિમ તો આને કહેવાય જે સાયન્સનું પણ બિઝનેસ માઈન્ડથી પોલિટિક્સ બનાવી દે ! અને આવી ગલગોટિયાને પાછો યુજીસીનો એક સમયે અતિ અઘરો ગણાતો નાક (એનએએસી) નો એ પ્લસ ગ્રેડ પણ મળી જાય. હવે એની કમિટીમાં પણ સુનિલ આમ્બેકર જેવા મામકા: ગોઠવાયેલા છે અનેક શિક્ષણસંસ્થાઓની માફક. જેમની લાયકાત એમનું મેરિટ નથી. એમનો ચોક્કસ વિચારધારા સાથેનો લગાવ હોય છે. 

દાખલા અનેક છે. એઆઇ સમિટમાં ભારત માટે સારું કર્મ કરતી સર્વમના સ્માર્ટ ચશ્માની ચર્ચા ચાલી. આવા ચશ્મા એક વરસ પહેલા જ અમેરિકામાં વસતા ગુજરાતીઓ પાસે રોજીંદા વપરાશમાં જોયેલા છે ને ફોરેન બ્રાન્ડ્સના એમેઝોન પર મળે છે. એવું ત્યાં રજુ થયેલ સ્વદેશી એર ટેક્સીના મોડેલનું છે. ૨૦૨૩માં જ ચીનની ઈહોગ કંપનીએ એર ટેક્સીનું વર્કિંગ મોડેલ પહેલું મુક્યું પછી પણ બીજી કંપનીઓ એમાં છે. હમણાં સ્વદેશી મહિન્દ્રાએ એમની કારમાં 'દુનિયાનું પ્રથમ' દ વિન્ચી સસ્પેન્શન હોવાનું પીઆર કરેલું. એમાં કશું નવું નહોતું. એ બીજે વપરાય જ છે. તાતાએ સુમન મુલગાંવકરની યાદમાં એસયુવીને સુમો નામ આપ્યું એ મર્સિડીઝનો એક એન્જીનિયર સફાઈ કરતો પ્રદેશમાં જોઈ ગયેલા એમાંથી અહીં ડિઝાઈનો શરુ કરેલી એ પણ મૂળ તો વિદેશી ડિઝાઈન હતી વાલચંદ હીરાચંદની પ્રીમિયર પદ્મિની કે અશોક લેલેન્ડની જેમ. ઉપરના જોકમાં પણ ત્રણ દસકા પહેલા ચીનનું નામ નથી આજે ચીને બાકીનાને જોક ઠેરવી દીધા છે, એકધારું ઇનોવેશન કરીને મેઈડ ઇન ચાઈનાની આખી છાપ સુધારી દીધી છે. અને આપણે ગધેડાના મૂત્રથી વૈમાનિક શાસ્ત્રમાં વિમાન કેમ ઉડતા ને અગત્સ્યની બેટરી ફોર્મ્યુલા શું હતી એવા મિથ્યાભિમાની સંશોધનો કરીને હજુ પણ તેજસ પટકાઈ ગયા બાદ રફાયલના જ સોદા કરી ફ્રેચ સત્તાધીશોને બોલાવીએ છીએ અને અમેરિકન આઈફોનના પ્લાન્ટ નાખીએ છીએ. 

અમેરિકાએ આઈટી ક્રાંતિ અને ઈન્ટરનેટ સ્માર્ટફોન સોશ્યલ નેટવર્ક થકી આખું જગત કબજે એકવીસમી સદીના પહેલા દાયકામાં કરી દીધું ત્યારે આપણે કહેતા હતા કે મોડા પડયા. ચીને એ જ બસ પકડીને ઉલટું હરોળમાં પોતાની ટ્રેન દોડતી કરી દીધી. આપણે સેટેલાઈટથી શસ્ત્રો સુધી, મેડીસીનથી મોબાઈલ સુધી આ કોલમમાં ત્રણ દસકાથી અરણ્યરૂદન થાય છે એમ કશું પહેલું બનાવતા નથી. બીજા બનાવે પછી એને ડિકોડ કરી કોપી કરીએ છીએ કે રાઈટ્સ ખરીદી એસેમ્બલ કરીએ છીએ. વેક્સીન હોય કે વાહન, વિજ્ઞાન બાબતે આપણી સ્વદેશી આત્મનિર્ભરતા જાતને છેતરતો ઢોંગ છે ફક્ત. જેમાં માત્ર લેબલ કે સ્ટીકર સ્વદેશી હોય છે. ફન્ડામેન્ટલ કોન્સેપ્ટ નહિ !

રિઝલ્ટ આ છે તો રિઝન છે મિડીયોકરથી પણ નીચેના તળિયે જતું રહેતું આપણું ગલગોટિયા બ્રાન્ડ એજ્યુકેશન. હજુ જૂની પેઢીના શિક્ષકો ને સંસ્થાનો સક્રિય હતા ત્યારે કૈંક ક્વોલિટી હતી. આજે મેરિટના જોરે જે સ્ટુડન્ટસ અમેરિકા યુરોપ વગેરે દેશોમાં ટેકનોક્રેટ કે સીઈઓ છે, એ બધી એ પેઢીના ભણતર વાળા છે. તમે યાદી કરો. મોટા ભાગના એવા ભારતીયો છેલ્લા થોડા વર્ષોથી શિક્ષણનું 'ગલગોટિયાકરણ' થયું જેમાં સાચું સામે બોલી શકે એવા પ્રતિભાવાન લોકોને બદલે રાજકીય જીહજૂરી કરે એવી નિમણૂકો વધતી ચાલતી એ પહેલા ભારતમાં ભણેલા નીકળશે. જેમ નિર્મલા સીતારામન કે એસ જયશંકર કેવા કોર મિનિસ્ટરો જેએનયુના પૂર્વ વિદ્યાર્થી છે એમ. અને બાકી અત્યારના જે છે ઓલરેડી મોકો મળે એટલે પરદેશ જ જઈને ભણનારા છે, જે ધીમે ધીમે ત્યાં જ રહી પડે છે. 

ચીન કે સિંગાપોરે જેમ અભિયાન ચલાવ્યું એમપા વતન પાછા નથી ફરતા. ફરે તો આમે સડક પર કોઈ ખુલ્લા ખાડામાં ક્યારે ગબડી ન પડાય એની કોઈ ગેરેંટી નથી. હજુ એના એ કોમવાદ ને જ્ઞાતિવાદના ઝગડા છે. હવા, પાણી ને ખોરાકમાં ઝેરી પ્રદૂષણ છે. સીધું નળમાંથી પાણી પી નથી શકાતું. સીધી માસ્ક વગર મહાનગરોમાં હવા શ્વાસમાં લેવી જોખમી છે. અકસ્માતોમાં આખી દુનિયામાં વધુ મૃત્યુ થાય એવો નોનસેન્સ ટ્રાફિક છે. કરપ્શન એન્ડ સેન્સરશિપની ક્રિએટીવિટીને ગળે ગાળિયો નાખતી હલકાઈ છે. એટલે તો દર વર્ષે ભારતની નાગરિકતા છોડી દેનારનો આંકડો વધતો જાય છે !

***

ફ્રાન્સ, બ્રિટન, સાઉથ કોરિયા બાદ ભારતે ગ્લોબલ એઆઈ સમિટનું આયોજન કર્યું. વેરી ગુડ. આપણે બેશક પ્રતિભાશાળી શક્યતાઓનો દેશ છીએ. પણ એઆઈનો યુગ જૂના આઈટી જેવો નહીં હોય, જ્યાં કોઈને પણ પ્રોજેક્ટ પર બેસાડી દો અને ક્લાયન્ટ બિલ ચૂકવી દે. અહીં ઊંડાણ જોઈશે, સંશોધન જોઈશે અને મૌલિકતા જોઈશે. અને આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે એઆઈએ હજુ તો પરંપરાગત પ્રોગ્રામિંગને સપાટી પર જ હલબલાવ્યું છે. છેલ્લા બે-ત્રણ મહિનામાં આ ક્ષેત્રમાં અચાનક વિસ્ફોટ જેવો બદલાવ આવ્યો છે. 'ક્લોડ' જેવા એક ટૂલે એક જ દિવસમાં બજારમાં દસ ટકાનો ફેરફાર લાવી દીધો. આ માત્ર નોકરીનો બદલાવ નથી, આ આખા 'સ્કિલ-બેલેન્સ'નું પરિવર્તન છે.

નવી વાર્તા એ લોકોની હશે જે મશીનની સાથે ચાલવાનું શીખશે, તેની વિરુદ્ધ નહીં. જે પોતાની વિચારવાની રીત નહીં બદલે, તે સિસ્ટમની બહાર ફેંકાઈ જશે.ભારતની સરકારી એઆઈ સમિટને ગ્રહણ લાગ્યું છે સરકારની જ અસરકારકતા વગરની સાધારણ એકેડેમિક ઇકોસિસ્ટમનું. મૂર્ખતા અને ધૂર્તતા થકી શિક્ષણ આપવાને બદલે વેંચીને માલેતુજાર થનારા રાજકીય ધાર્મિક નેક્સસ ધરવતા વર્ગને લીધે આપણે કેવળ એડ્મિશનને એકેડેમિકસ માનીને ફક્ત માર્ક્સને લેન્ડમાર્ક માનતો સમાજ પેદા કરી દીધો છે. અહી તમે ગમે તેટલું હોશિયારીથી ભણો, કલેકટર કમિશ્નર ને પણ કોઈ ટેકનોલોજીમાં ટેં થઇ જાય એવો અભણ મિનિસ્ટર નચાવશે ! આપણને લગ્નની નોંધણીમાં સુધારા કરીને હજુ યુવાનોના મગજમાં ખાડા પાડવા છે. પણ સડકના ખાડા પૂરવા નથી. વેલેન્ટાઇન્સ ડે પર હમણાં કેટલાક અભણ મવાલી ગળામાં ગમછા નાખી હાથમાં લાઠી લઇ કોણ દેશમાં પાવરફૂલ છે એનું પ્રદર્શન કરી રહ્યા હતા. આ ભાવિ નેતાઓ છે, જે નક્કી કરશે કે ટેલેન્ટેડ યુવાઓને કેટલી આઝાદી મળવી જોઈએ ! અહી બાબુથી બાબા બધા વિડીયોજીવી છે. દેશના નામે ગમે તે ગોરખધંધા વેંચાઈ જાય છે. સોસાયટીની કમિટીથી લઈને આપણા ધર્મસ્થાનો અને કમ્યુનિટીથી લઈને યુનિવર્સિટીઓ સુધી આવા જ લોકોનું પ્રભુત્વ છે! ટેલેન્ટેડ લોકો બિચારા કાં તો ચૂપ રહીને પોતાનું જીવન વિતાવે છે અથવા ગૂંગળાઈને વિદેશ ભાગી જાય છે. ત્યાં જઈને તેઓ અસલી પરાક્રમો કરે છે, જેની ચોરી કરીને તેના પર પોતાનું લેબલ ચિપકાવવા માટે આપણા ભારતના પેલા 'મિડિયોકર' ગલગોટિયાહંમેશા ઉત્સુક હોય છે. અપવાદો બાદ કરતા પૈસા અને સન્માનો એમને જ મળે છે. 

પછી? મૂળ ભારતના શ્રીરામ કૃષ્ણન જેવા યુવાન ૨૦૦૫માં અમેરિકા જઈને અમેરિકન નાગરિક બની, પ્રેસિડેન્ટ ટ્રમ્પના એઆઈ બાબતે મુખ્ય સલાહકાર બનીને ભારતની એઆઈ સમિટમાં આવી પ્રવચન કરે છે કે આવનરા વર્ષોમાં અમેરિકાના એઆઇ પ્લેટફોર્મ પર ભારતે વિકાસ કરવાનો છે ! અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સ અને એઆઈમાં પીએચડી કરનાર વિશાલ સિક્કા જર્મન સોફ્ટવેર દિગ્ગજ સાથે કામ કરતા હતા. નયા ભારતના નિર્માણના સપના જોઇને તેઓ ઈન્ફોસિસના પ્રથમ સ્થાપક સિવાયના બહારના સીઈઓ બન્યા. તેમનું વિઝન હતું કે ભારતીય આઈટી ઉદ્યોગ માત્ર સસ્તા લેબર મોડલ પર નિર્ભર ન રહે, પણ ઇનોવેશનમાં નેતૃત્વ કરે.

૨૦૧૫માં, જ્યારે દુનિયાને એઆઈ કઈ બલા છે તેની ખબર પણ નહોતી, ત્યારે તેમણે ચેટજીપીટીવાળા ઓપનએઆઈની ક્ષમતા પારખી લીધી હતી અને વિચાર્યુંં હતું કે તેમાં ઈન્ફોસિસનું રોકાણ કરાવવું જોઈએ. પરંતુ કંપનીના ભારતીય બોર્ડે એમને જ ખંખેર્યા સાયરસ મિસ્ત્રીની માફક. સ્ટેનફોર્ડનો બાપ પણ ના ભણાવે એવું બ્રહ્મજ્ઞાન વિશાલ સિક્કાને થયું. કે ભારતની મોટા ભાગની પ્રજા જ ટાંટિયાખેંચ વાળી પોલિટીકલ છે. અહીં લોકોને ઈમેજ ચમકાવવામાં રસ છે, ઇનોવેટીવ રિસર્ચમાં નહિ. બિઝનેસ ટ્રેડિંગનો ફાવે છે. કમિશન એજન્ટ ટાઈપ. ને લોકોને મોટાઓની મહેરબાનીમાં રસ છે, ધાર્મિક જડતાથી સંકુચિત ચિત્ત છે એટલે સાચું બોલનાર ગમતા નથી. રાજકારણીઓના દાવાઓ પાછળ પોતાના ઓળખીતાઓનો વિકાસ હોય છે. સિક્કાને ઈન્ફોસીસ ને દેશ છોડવો પડયો. 

પછી સિક્કાચિપ ઉત્પાદનના એનાકોન્ડા જેવી એનવીડીયાના બોર્ડમાં જોડાયા. આજે એમણે ઈન્ફોસીસ માટે લેવા ધરેલી એ ઓપનએઆઈ (ચેટજીપીટી) સેમ ઓલ્ટમેન ભારત આવે છે જે અગાઉ ૨૦૨૩માં કહી ચુકેલા કે દસ લાખ ડોલરના ઇન્વેસ્ટમેન્ટથી ભારત એઆઇમાં પાપડ પણ ભાંગી ના શકે. નિષ્ણાતો કહે છે કે જો ઈન્ફોસિસે વિશાલ સિક્કાની વાત માની હોત, તો તે રોકાણની કિંમત આજે ૪૫ અબજ ડોલર (આશરે ચાર લાખ કરોડ રૂપિયા)થી વધુ હોત. ઈન્ફોસિસ માત્ર એક લેબર સર્વિસ કંપની નહીં, પણ દુનિયાની સૌથી મોટી ટેક માલિક હોત. એને શરુ કર્યું હોત તો બીજા પણ આવત પાછળ. ટીસીએસ જેવા. પણ વિઝન ને વિઝડમ આપણને પ્રોફિટેબલ નથી લાગતું. અહીના રામાનુજનોની કદર કોઈ પરદેશી હાર્ડી જ કરે છે ! અહી તો તમારે ટકવું હોય ને શાંતિથી જીવવું હોય તો કોઈ ગલગોટિયા માટે ગલોટિયા ખાતા નેહા સિંહ જ થવું પડે !

ટ્રમ્પના અમેરિકા પાસે એજ એઆઇમાં ચેટજીપીટી છે, જેમિની છે, ગ્રોક છે. ચીન પાસે પોતાનું ડીપસિક છે. અમેરિકન કંપનીઓ માટે ચીનનો ડેટા મેળવવો અશક્ય છે, તેથી આ તમામ પ્લેટફોર્મ્સને ડેટા 

મફતનો જોઈએ ટ્રેનિંગ માટે એ ભારતમાં વધુ છે. એનો ઉપયોગ કરી એમણે બેહતર મોડેલ બનાવી પણ લીધા. અને આપણે હજુ સ્લોગન બનાવ્યા કરીએ છીએ. કારણ કે અમેરિકા, યુરોપના સ્કેન્ડેવિયન જેવા નાના દેશો, કોરિયા, જાપાન ને ચીન વગેરે પોતાના એજ્યુકેશનનું ફાઉન્ડેશન મજબૂત રાખે છે. ત્યાં ખોટી ખટપટને બદલે અલગ વિચારના પણ મેરિટમાં લાયક લોકો હોય એને કારભાર સોંપે છે. સંશોધનો અને સર્જકતાને મોકળાશ આપે છે. લોકોની પ્રાઈવેટ લાઈફ પર મુલ્લાશાહી તરાપ મારતા નથી. શિક્ષણમાં સાયન્સ આગળ રાખી ધર્મ અંગત પ્રવૃત્તિ રાખે છે. 

આપણને આંકડાની હેરાફેરી હવે આવડી ગઈ છે. શુગર ખાધા વિના ડાયાબીટીસનો રિપોર્ટ નોર્મલ લઇ આવે એમ. એટલે ઇનોવેશન ઇન્ડેક્સમાં આગળ વધ્યા એવું કહીએ છીએ. પણ શિક્ષણ સંસ્થાઓ અને સરકાર સાથેના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ રેન્કમાં છેક ૮૬માં સ્થાને છીએ એ છુપાવી દઈએ છીએ. હજુ એક વેબ બ્રાઉઝર પણ આપણે એવું નથી બનાવ્યું કે દુનિયા વાપરે. આપણે જેટલો ડેટા જનરેટ કરીએ એનો ચોથા ભાગનો પણ સ્ટોરેજ કરી શકતા નથી. આપણું એજ્યુકેશન ગોખણપટ્ટી અને ચાપલૂસીથી આગળ વધવાના મોડેલ આપે છે. જીજ્ઞાસા અને નવીનતાથી નહિ. પ્રાઈવેટ કંપનીઓ જગતની સાતસો અબજ ડોલરનું માર્કેટ એઆઇમાં જુએ છે જેમાં હજુ સેંકડો નોકરી જવાની છે. જિંદગી મનોરંજન બધું બદલાવાનું છે. અમેરિકા ને ચીન ૧૦૯ બિલીયન ડોલર અને ૧૨૫ મિલિયન ડોલર આર એન્ડ ડીમાં લગાડી બેઠા છે. આ દેશ છે જ્યાં એક સમયે શિક્ષણ સિહાંસનથી સ્વતંત્ર હતું એની વાર્તાઓ કહેવાય છે, વસિષ્ઠથી ચાણક્ય સુધીની. આજે એજ્યુકેશન ગલગોટિયા ગુલાંટ મારતું થઇ ગયું કારણ કે સેલ્ફ ફાઈનાન્સ કહેવાતી સંસ્થાઓ પણ આડકતરી રીતે રાજ્યાશ્રિત છે. મંચ ગજાવી શકે પણ અભ્યાસમાં નૂર ના હોય એવા કેટલાય ઘુવડ ગંભીરો વાંચતા, વિચારતા, વિહરતા દિમાગોના બોસ થઈને શિક્ષણ સંસ્થાઓમાં બેઠા છે. સંસ્કૃતિના નામે આપણે ધાર્મિક ભૂતકાળ તરફ જોઈએ છીએ. વૈજ્ઞાનિક ભવિષ્ય તરફ નહીં. અને પબ્લિકને તો કશી પડી જ નથી આ મામલે. એમને માટે એઆઈ સમિટ પણ એક ઇવેન્ટ છે. ટેલન્ટની આત્મખોજ નથી. 

કાશ, ઈલેકશનનું જેટલું મેનેજમેન્ટ છે, એટલું એજ્યુકેશનનું ભારતમાં થતું હોત !

ઝીંગ થીંગ

'આપણી સૌથી મોટી બે સમસ્યા છે : આર્ટીફશ્યલ ઇન્ટેલીજ્ન્સ ને નેચરલ સ્ટુપિડિટી.' (રામ ગોપાલ વર્મા)