- અનાવૃત-જય વસાવડા
- નુપૂરથી સાંકળી અને કડલાથી પાજેબ સુધીના નામો ધરાવતા મુખ્યત્વે સ્ત્રીઓ પગમાં પહેરે એ એન્ક્લેટ નામના આભૂષણ પર આગવો સંશોધનલેખ
- સાઉન્ડ સીસ્ટમ નહોતી એ યુગમાં પણ ભારતમાં નૃત્યો હતા. જેમાં પગના ઠેકા કે તાલ સાથે છમ છમ ઝાંઝર વાગે એની આગવી અસર રહેતી.
ઝાંઝર અલકમલકથી આવ્યું રે,
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.
એને મુખડે તે બેઠા મોરલિયા,
એને પડખે તે ચમકે ચાંદલિયા,
એને ઘૂઘરે ઘમકે તારલિયા.
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.
ઝાંઝર પહેરી પાણીડાં હું ચાલી,
મારી હરખે તે સરખી સાહેલી,
એને ઠમકારે લોકની આંખ પાણી.
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.
એ રાજાએ માગ્યું ઝાંઝરણું,
એ રાણીએ માગ્યું ઝાંઝરણું,
તોયે વહાલે દીધું મને ઝાંઝરણું.
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.
સુ ન્દરમ્ ના આ ગીત જેવી રચનાઓ યાદ કરવા બેસો તો આ લેખ એના થી જ ભરાઈ જાય શીર્ષકના જ કવિ અવિનાશ વ્યાસે ફટાણાની જેમ લખ્યું છે : 'ખેતર વચ્ચે પાળીયો, સસરો તારો ચાડીયો...ખેતર વચ્ચે વરિયાળી, નણંદ તારી નખરાળી...ખેતર વચ્ચે ધતુરો, સાસુ જાણે તંબુરો...લીલી પાઘડી પહેરી ગ્યો વગડો રે...એ વગડા વચ્ચે કોયલ કરતી ગાન રે.. હોવે રે હોવે ઝાંઝર ઝમકે રે સવા લાખનું !' મૃદુકવિ નીતિન વડગામા ચોમાસાંની ચાહતમાં લખી નાખે કે 'મનના મોર કરે છે નર્તન ટહુકા સાથે ,જળના વાગે ઝીણાં ઝાંઝર, મેઘ-મુબારક !' તો રસકવિ વિનોદ જોશી એમના વિખ્તાત ગીત કાચી સોપારીનો કટકોમાં લખે કે 'એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે... એક ઝાંઝરનું ઝીણું તોફાન,... ઝાલજો રે તમે ઝીલજો રે એનાં મોંઘાં
ગુમાન !'
બસ, નવરાત્રિ એટલે આ ઝાંઝરના ઝીણા તોફાનના દિવસો, મતલબ કે રાતો ! પગમાં પાયલ વિના તો કેવી રીતે નોરતાંનો શણગાર સજી શકાય ! ઝાંઝરીને લીધે તો ઠુમકા લેવામાં એક લય ભળે. ક્યારેક તો ગરબે ઘૂમતી ગોરીના પગ પર દેખાતા તલ ને નીચે ઝળકતી ખનકતી સાંકળીને જોઇને જ મીઠ્ઠી તલસાંકળી ખાવાનો અહેસાસ થાય ! અમેરિકામાં વીસમી સદીમાં એક પગમાં એન્ક્લેટની જે ફેશન આવી એમાં તો પગની પાનીથી સુડોળ પિંડીથી કસાયેલ જંઘા સુધીના ફોટોશૂટના ઢગલા થઇ ગયેલા સુપરમોડેલ્સના. પણ આપણે ત્યાં ગરબા લેતી રમણીઓના સવાસો મણ કામણ સામે પાણી ભારે દુનિયા ! નરસિંહ મહેતાના શૃંગારથી મદઝરતા રાસના વર્ણનમાં ગોપી માટે લખાયું છે કે 'ચોળી ઉર ચમચમે, ઘમઘમે ઘૂઘરી, ઠમક ઠમકાવતી નેપૂર ભારી' ! શામળીયાને સાંવરિયા માનતા દેશમાં તો શણગારના પણ સેલિબ્રેશન જ હોય ને !
એટલે જ આજનો વિષય છે ઝાંઝર ! કેવું કહેવાય કે ગુજરાતીમાં વિશ્વકોશ તો આવ્યો પણ એમાં ગુજરાતણના શણગાર વિષે વડીલ વિદ્વાનોએ કોઈ અધિકરણો સરખા ના લખ્યા. બીજા તો કોઈ લખે જ શા માટે ? એ ખોટ પૂરવા ચણિયા ચોળી ને નથણી પર પણ લખ્યું છે. ઈન્ટરનેટ પર ચેક કરો તો વિકી કે બ્રિટાનિકામાં કશું ના જડે એવી વિગતો તપસ્યાથી તારવીને મૌલિક નિરીક્ષણો સાથે. એમાં આ નોરતાં પર એક વધુ ઝગમગ પ્રકરણ એટલે ઝાંઝર. મૂળ તો એ પંજાબીનો શબ્દ અને એમ તો હિમાચલમાં ઝાંઝર નામનું એક નૃત્ય પણ થાય પણ આજે ઝાંઝર કે નાની સાઈઝ હોય તો ઝાંઝરી એ ગુજરાતી ઓળખ છે. ગુજરાતીના બેજોડ શબ્દકોશ ભગવદગોમંડલમાં મહારાજા નોંધ કરાવે છે કે 'ઝમઝમ વાગે એવું સ્ત્રીઓના પગનું એક ઘરેણું; નૂપુર; પગલાને ઠેકે ઠેકે રૂમઝૂમ રૂમઝૂમ થતું સ્ત્રીઓને પગે પહેરવાનું ઝીણી ઝીણી ઘૂઘરીઓવાળું ઘરેણું.' એમાં એક અર્થ પગની બેડી પણ છે. ખબર નહિ ઉર્દૂમાં જંઝીર શબ્દ ઝાંઝર પરથી આવ્યો હશે કે વાઈસા વર્સા, પણ ઝાંઝર નારીના પગની જંઝીર આજે નથી. ભલે એ પગની બેડીની સાંકળો પણ અવાજ કરતી, આ ઝાંઝર તો સ્ત્રીના અલ્લડ ઠુમકાનું છડીદાર છે !
કેવી રીતે આવી પગમાં આ હિન્દીમાં ગોરી તેરી પૈજનિયા ગવાય કે તુને પાયલ જો છનકાઇ જેવા ગીત રચાય... (ક્યારેક પાસટાઈમ કરવા પાયલ પરના હિન્દી ફિલ્મસોંગ્સની યાદી તો કરજો ! ) એ લૈલા રજુ કરવા માટે 'યે રેશમી પાજેબ કી ઝંકાર કે સદકે' લખાય કે વસંતસેનાને રજુ કરતા ઉત્સવ ફિલ્મના ગીતમાં 'ઝાંઝર ઝમકે... આધી રાત કો' ગવાય એવું આ ઘરેણું પગમાં ? જવાબ ગૌરવ લેવા જેવો છે. અનેક આભૂષણની જેમ એનું ઉદ્ભવસ્થાન પણ ભારત છે ! સિંધુ ખીણની સંસ્કૃતિમાં જ પહેલા એના ઉલ્લેખ છે, આર્કિયોલોજીકલ પુરાવા સાથે. પ્રાચીન શિલ્પોમાં આપણે પુરુષના પગમાં તોડા કહેવાય એવા કડાં અને સ્ત્રીના પગમાં કડલાં કહેવાય (કડલાની જોડ એક હિટ ગુજરાતી ફિલ્મ પણ હતી) એવા આભૂષણ જોવા મળે. પેલું ગીત પણ કેવું નમણું છે : મારૃં ઝાંઝર ખોવાણું કોઈ શોધો રે,મારૃં મનગમતું ગાણું કોઈ શોધો રે...
તમિલ કવિ ઈલોંગવનની પ્રસિદ્ધ કૃતિ 'સિલ્પદ્દીકારમ'માં તો વાર્તાના કેન્દ્રસ્થાને જ ઝાંઝર છે. દક્ષિણની આ લોકકથા પર પર આધારિત મહાકાવ્ય પરથી ઉત્તર ભારતના મશહૂર સાહિત્યકાર અમૃતલાલ નાગરે નવલકથા લખેલી : 'સુહાગ કે નૂપુર!' કોવલન પ્રેમાળ પત્ની કન્નગી હોવા છતાં એક દેવદાસી યાને ગણિકા એવી માધવીના પ્રેમમાં પડે છે. વારસાગત રીતે પુત્રવધૂને મળતા નૂપુરની જોડ પત્ની પાસે છે, એ માધવીને જોઈએ છે. મતલબ એને પણ સત્તાવાર દરજ્જો જોઈએ છે, પત્નીનો એક ઉપવસ્ત્ર ગણાતી સ્ત્રીને બદલે. એ કશ્મકશમાં પત્નીની પોતાના અન્ય સ્ત્રી સાથેના સંબંધ બાદ માફી માંગી પતિ ગામ છોડે છે એની સંગ. ગુજરાન ચલવવા પત્નીનું એક રત્નજડિત ઝાંઝર જ વેંચવા જાય છે, સોની એને મહારાણીની પાયલ સમજી રાજાને ફરિયાદ કરે છે. રાજા કોવલનને ચોર સમજી મારી નખાવે છે, પણ કન્નગી જોડનું બીજું નૂપુર લઈને જાય છે ત્યારે ભૂલ સમજાય છે ! ક્રોધમાં પતિવ્રતા રહેલી કન્નગી શ્રાપ આપે છે નગરનાં નાશનો !
આપણી પુરાતન સંસ્કૃતિમાં ઝાંઝર બધે ઝળહળે છે. ઝાંઝરનો ચડાવો માતાજીને થાય.માનસમાં તુલસીદાસજી રામ સીતાની સુંદરતા અનિમેષ નેત્રે યાને મટકું પણ માર્યા વિના નિહાળે છે એ વખતે શણગારના વર્ણનમાં લખાયું છે મનમોહક નુપુર ધુનિ સોહેનો ઉલ્લેખ છે.લક્ષ્મણ તો ભાભીમાતા સીતાને ઝાંઝરથી ઓળખતા એમાં જ જટાયુ પાસેથી ભાળ મળી હતી ! કાનુડાના કે ઠુમક ચલત રામજીના તો ઝાંઝરના ભજનો રચાયા છે બ્રહ્માનંદ સ્વામીએ રચેલા એવા. ગુહ્યસૂત્રમાં અર્ધનારીનટેશ્વરના વર્ણનમાં એક પગમાં પુરુષ પહેરે એવો ઘૂઘરી વગરનો નક્કર ધાતુનો તોડો ને બીજા પગમાં ઘુઘરીવાળી સ્ત્રી પહેરે એ ઝાંઝરી એવા વર્ણન છે. ભરતમુનિના નાટયશાસ્ત્રમાં અલંકાર તરીકે અને નૃત્યની મુદ્રામાં પણ નૂપુરના ઉલ્લેખ છે. રાજા વત્સરાજે રચેલી કામસિદ્ધિ સ્તુતિમાં દેવી નિત્યાના એકે એક અંગ ને શણગારના વર્ણન છે એમાં પણ ઝાંઝર છે. અષ્ટાવક્રગીતામાં જનક સાથેના સંવાદમાં હાર, વીંટી, કંગન, બાજુબંધ, ઝાંઝર બધું મૂળ સોનાનું જ બનેલું છે એવા ઉદાહરણ સાથે અંતે તો હેમનું હેમ હોયે વાળો દાર્શનિક બોધ અપાય છે, એમાં આ બધા આભૂષણોના ઉલ્લેખ સાહેદી પૂરે છે કે ઝાંઝરનું અસ્તિત્વ ત્યારે પણ ખાસ્સું લોકભોગ્ય હતું.
મૂળભૂત રીતે આ શોધ જ નથડીની જેમ શુદ્ધ સ્વદેશી છે. નારી પગમાં ઝાંઝર પહેરી મ્હાલે એ દ્રશ્ય ૮૦૦૦ વર્ષથી ભારતભૂમિમાં હોવાનું મનાય છે. ભારત સિવાય સૌથી પ્રાચીન ઉલ્લેખ એના ઈજીપ્તમાં છે. જેમાં ઉચ્ચ કુલીન ખાનદાનની સ્ત્રીઓ જ ઝાંઝર પહેરી શકતી. પછી ગ્રીકો કે બેદૂઈન કબીલા બધે ઝાંઝરની વાત આવે છે. એટલે ઇન્સ્ટાની હે સ્વદેશી સુંદરીઓ, રીલરમણીઓ માત્ર ઇયરિંગ નહિ, નથડી ને ઝાંઝર પણ ધારણ કરો આત્મનિર્ભર ભારતની ઓળખમાં. આપણા દેશની મૂળ શોધ આપણે નહિ પહેરીએ, તો પરદેશીઓને ક્યાંથી રસ પડે ? અલબત, હિપ્પી કલ્ચરને લીધે ઝાંઝરમાં અમેરિકા યુરોપને ખાસ્સો રસ પડયો. એન્કલેટ વિવિધ ડિઝાઈનના ત્યાં પણ પહેરાય છે. ફ્રેક સિનાત્રાના ચાહકો તો બોબી સોક્સ તરિકે ઓળખાતા મોજા ઉપર પહેરતા !
ઝાંઝર મોટે ભાગી ચાંદીના હોય. ચાલતા ચાલતા પડી જાય કે ખોવાઈ જાય કે તૂટીછૂટી જાય તો અફસોસ ઓછો થાય એટલે ? કે પછી સોનું પગમાં પહેરી એનું અપમાન ના કરાય એટલે ? ઘૂંટી પાસેના એક્યુપ્રેશરની થિયરીઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. પણ એ કહ્રું કે રૂપાની ઘૂઘરીઓની ખનક મીઠી હોય ! એટલે સિલ્વર ઈઝ ધ મેટલ ફોર એન્ક્લેટ. પાયલ ઘૂઘરી વિનાની પણ આવે અને મધુબંસી જેવા ઘૂઘરીઓની ત્રણ ચાર સેર હોય એવા ઝાંઝર પણ આવે ! કોન્દર, ઝેહર, છેલચૂડા, અનોખા, ચુલ્લા, ચુરા, પૈજના જેવા અનેક પ્રકાર છે આપના નાજુક નૂપુરના !
ઓક્સિડાઈઝડથી લેબ ગ્રોન ડાયમંડ સુધી પહોંચેલા ઘૂંઘરુંની ડિઝાઈનની વાત જ્વેલરીવાળા પર છોડીએ. પણ ઝાંઝર શા માટે પહેરાય ? પહેલો જવાબ તો તમામ ઘરેણાને લાગુ પડે છે. ટુ એન્હેન્સ ધ લૂક ! સૌંદર્ય વધુ નિખારવા. પગ 'અડવા' યાને કોરા તો કેવા લાગે ! બીજું કારણ, જૂના સમયમાં કોઈ મોબાઈલમાં ડિજીટલ મ્યુઝિક તો આવતું નહિ. તો આવા બંગડી ને ઝાંઝરના ધ્વનિ જ લાઈફમાં રોમેન્ટિક મૂડની રંગોળી પુરતા ! ત્રીજું, સ્ત્રીઓની હાજરીની છડી પોકારવાની. ઝાંઝર મુખ્યત્વે સ્ત્રીનું આભૂષણ. ઘરમાં એ કે રસ્તા પર એહાજર છે કે ચાલે છે એની આલબેલ પોકારે ઝાંઝર ! ચોથું, સાઉન્ડ સીસ્ટમ નહોતી એ યુગમાં પણ ભારતમાં નૃત્યો હતા. જેમાં પગના ઠેકા કે તાલ સાથે છમ છમ ઝાંઝર વાગે એની આગવી અસર રહેતી. અરેબિક વિશ્વમાં એમ જ ઘૂંઘરું આવ્યા ને ડાન્સ સાથે ! પાંચમું, ઝાંઝર ઐશ્વર્ય બતાવે પરિવારનું. પતિ કે પિતા કેટલા સમૃદ્ધ છે એની સાબિતી આપે. છઠ્ઠું, પહેર્યે કપડે ભાગવાનું થાય તો નારીશરીર પર જ એટલા ઘરેણા હોય કે તાત્કાલિક ક્રેડિટ કાર્ડ કે યુપીઆઈ વિના ખર્ચાને પહોંચી વળાય ! સાતમું, પોતાની આગવી પહેચાન !
તો બસ, નૂપુરઝાંઝર એટલે કેસરચંદન જેવી ત્વચા પર સરકતી નજર ગળાની માળા કે કેડના કંદોરાની જેમ પગની પાયલમાં ગૂંથાઈ જાય એ ઘાટીલી ઘટના ! ક્યારેક બે આંખોની જેમ બે ચરણો જોઇને પણ ચાહતમાં ચકચૂર થઈને ચહેરાની કલ્પના કરવામાં લિજ્જત છે. નવરાત્રિ એટલે બીટ્સના સાઉન્ડ સાથે તાલ મિલાવી થિરકતાગુંજતા ઝાંઝરના અવાજમાં ખોવાઈને ચિત્ત શાંત અને મન પ્રસન્ન કરવાની પણ મોસમ ! કાનમાં ઝાંઝરના ઝમકાર ગૂંજે ને કોઈ મલપતી ચાલ પર રેલાતું ને ફેલાતું મરકલડું જોઇને એના નાભિસોતા કમરના હિલોળ પર દિલનો ઘડૂલો છલકાઈ જાય એ જવાનીના જલસા !
સુન્દરમ્ થી આરંભ કરેલો તો હરીન્દ્ર દવેથી અંત કરીએ.
રાત આખી ઝરમરનાં ઝાંઝર વાગે
કે માડી ગેબના મલકથી ઊતરતાં લાગે
ધીમું ધીમું રે કોઈ જંતર વાગે
ને વિના વેણ કોઈ સંભળાય ગાણું
મધરાતે મન એના સૂરમાં પરોવ્યું
એને સાંભળી રોકાઈ ગયું વ્હાણું
જરા હળવેઃ કે ચાંદનીના ફોરાં વાગે
આભથી પનોતાં કોઈ પગલાં પડે ને
પછી ધરતીનું હૈયું મ્હેક મ્હેક
ભીનાં તરણાંનું બીન સાંભળું ત્યાં
અજવાળું પાથરે છે મોરલાની ગ્હેક
હજી કળીઓ સૂતી'તી, હવે ફૂલો જાગે !
ઝિંગ થિંગ
चलतन परत पैजना झनके!
पाँवन गौरी धन के!
सुनतन रौम रोंम उठ आवत, धीरज रत ना तनके॥
छूटे फिरत गैल खोरन में, सुर मुख़्तार मदन के॥
करबे जोग भोग कुछु ना ते, लुट कए बालापन के॥
‘ईसुर’ कौन कसाइन डारे, जे ककरा कसकन के॥
કવિ ઇસુરીના આ બુંદેલખંડી ફાગ કહે છે કે ગોરીના ચાલવાથી જે પગમાં પાયલ ખનકે છે, એનો મધુર સ્વર સાંભળીને રુંવાડે રુંવાડા ઉભા થઇ જાય છે, રોમાંચક ઉત્તેજનાથી. તનમાં ધીરજ નથી રહેતી પછી અને એ અવાજ કામદેવનું ગુંજન છે જે ગામની સાથે મનના માર્ગે પણ ડોલાવતું ફરી વળે છે ! પહેલાથી જ એ કામણમાં લૂંટાઈ ગયેલા અમે પછી બચપણથી બીજા કોઈ કામના રહેતા નથી. અરે ઇસુરી, આ ઝાંઝરમાં હીરામોતી કે મીનાકારીને બદલે કોઈ કસાઈએ એવા પથ્થર જડયા છે જે દિલમાં ખૂંચીને ને ને ખટકે છે, ઘાયલ કરે છે !


