- બદલાતી તારીખો, પલટાતી ઓળખો ને દૂર દેશના બરફીલા ગામડે સાન્તાબાપાની ડેલીએ ખેડેલી સફર !
- અનાવૃત-જય વસાવડા
- નાતાલને આખરે તેની વર્તમાન તારીખ ઈસુના જન્મની ઘટનાના 300 થી વધુ વર્ષો પછી મળી. ૨૫ ડિસેમ્બર અગાઉથી જ પ્રકાશના અન્ય એક પ્રાચીન દેવની ઉજવણી માટે નક્કી હતી, ઇસુ ફરતે એક 'હેલો' યાને મસ્તક પર મુગટ જેવું તેજોવલય દેખાડવામાં આવે છે, એવું એ ગ્રીસ રોમના પેગન દેવને માથે પણ હતું.
ક્રિસ્મસ યાને નાતાલ યાને ૨૫ ડિસેમ્બરનો ઉત્સવ એટલે ?
જીસસ ક્રાઈસ્ટનો જન્મદિન. એવું કેબીસીમાં પણ પૂછાય તો સાચો જવાબ લાગે. પણ વાસ્તવમાં ૨૫ ડિસેમ્બર અટલબિહારી વાજપેયી જેવાના જન્મદિન તરીકે કન્ફર્મ છે, પણ ઇસુના બર્થ ડે તરીકે ઈતિહાસવિદોનો મતે નહિ !
એક્ચ્યુઅલી,ઈસુનો જન્મ ક્યારે થયો હતો તેની કોઈનેપણ સાચી જાણ નથી. તેમ છતાં, શરૂઆતમાં ખ્રિસ્તીઓએ શિયાળાનો દાવો કરવાનું ચાલુ રાખ્યું હતું. પણ એક પ્રારંભિક લેખકે - સ્વયં 'ગોડ' થી પ્રેરિત થઈને - ઈસુનો જન્મદિવસ ૨૮ માર્ચ નક્કી કર્યો હતો. અન્યોએ ૨ એપ્રિલ, ૧૯ એપ્રિલ, ૨૦ મે અથવા ૧૭ નવેમ્બર પર પસંદગી ઉતારી હતી. ૨૫ ડિસેમ્બરનો તો ક્યાંય ઉલ્લેખ પણ નહોતો.
નાતાલને આખરે તેની વર્તમાન તારીખ ઈસુના જન્મની ઘટનાના ૩૦૦ થી વધુ વર્ષો પછી મળી. ૨૫ ડિસેમ્બરની પસંદગી સ્માર્ટ મૂવ હતો ત્યારે. ૨૫ ડિસેમ્બર અગાઉથી જ પ્રકાશના અન્ય એક પ્રાચીન દેવની ઉજવણી માટે નક્કી હતી, ઇસુ ફરતે એક 'હેલો' યાને મસ્તક પર મુગટ જેવું તેજોવલય દેખાડવામાં આવે છે, એવું એ ગ્રીસ રોમના પેગન દેવને માથે પણ હતું.એમનો જન્મ પણ કડકડતી ઠંડીમાં થયો હતો. આ દેવનું નામ હતું 'સોલ ઇન્વિક્ટસ' !
૧૨મી સદીના એક સીરિયાઈ લેખકની હસ્તપ્રત મુજબ ચર્ચના તત્કાલીન ધુરંધરોએ નોંધ્યું કે 'ખ્રિસ્તીઓ આ ઉત્સવ પ્રત્યે અનુકૂળ હતા' જેમાં પહેલેથી 'મીણબત્તી પ્રગટાવવાની' પરંપરા હતી, તેથી તે દિવસથી જ નાતાલ ઉજવવાનું નક્કી કર્યું. આ અટકળો પણ પાછળથી થયેલી છે. એ શિયાળુ ઉત્સવ એ દેવ 'સોલ'નો એકમાત્ર અથવા મુખ્યઉત્સવ પણ નહોતો. પણ ૨૫ ડિસેમ્બર ઈસુના જન્મદિન તરીકે તવારીખી ચોપડે લખેલી તારીખ નથી, પણ એ પાછળથી ફિક્સ થઇ ગઈ એ હકીકત છે. અગાઉ લેખ લખી સમજાવેલું એમ ક્રિસ્મસમાં ચર્ચ વિના પણ સાન્તાક્લોસ એન્ટર થઇ ગયા એમ !
મૂળે સેન્ટ નિકોલસ ચોથી સદીના ગ્રીક બિશપ હતા, ઓર્થોડોક્સ પરંપરાના ક્રિશ્ચિયન. પશ્ચિમ યુરોપમાં તેઓ બાળકોના રક્ષક સંત (પેટ્રન સેઈન્ટ) તરીકે જાણીતા બન્યા. તેમના કથિત ધર્મકાર્યોમાંનું એક, ત્રણ કન્યાઓને કરિયાવર આપવાનું હતું જેમને અન્યથા વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હોત ! બીજું ત્રણ બાળકોને ફરી જીવિત કરવાનું હતું જેમના ટુકડા કરી મીઠાના પાણીમાં આથવામાં આવ્યા હતા. તેમની પુણ્યતિથિ, ૬ ડિસેમ્બર, લાંબા સમય સુધી નાના બાળકો માટે ઉજવણી અને ભેટ આપવાનો દિવસ હતો. યાદ રાખો ૨૫ નહિ ૬ ડિસેમ્બર !
આજના તુર્કીમાં આવેલા અને ત્યારના ગ્રીસના એક ભાગમાં રહેતા આ નિકોલસ પ્રવાસી ખલાસીઓના પણ પ્રેરક હતા. એટલે વધુ પોપ્યુલર હતા. નિકોલાઈ ને નિકોલસ જેવા નામો એના પરથી છે. ૧૮૯૨માં, રશિયાના ક્રાઉન પ્રિન્સ (અને ભાવિ કમનસીબ શાસક શાસક ઝાર) નિકોલસ દક્ષિણ-પૂર્વ ઇટાલીના બારી શહેરની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે એક મધ્યયુગીન બેસિલિકાના ભોંયરામાં જઈને પ્રાર્થના કરી હતી. એ હતો સેઇન્ટ નિકોલસનો અંતિમ વિસામો !
એક વર્ષ પહેલા, ભાવિ ઝાર નિકોલસે વ્લાદિવોસ્ટોક જઈને ટ્રાન્સ-સાઈબેરીયન રેલવેના પેસિફિક મહાસાગરના છેડે સેઈન્ટ નિકોલસની પ્રતિમા સ્થાપિત કરીને રેલવેના બાંધકામને આશીર્વાદ આપ્યા હતા. માન્યતા મુજબ જેમના આશીર્વાદ લાંબા સમયથી જળમાર્ગે મુસાફરી કરનારાઓનું રક્ષણ કરતા હતા, હવે તેમને ટ્રેન દ્વારા મુસાફરી કરનારાઓની રક્ષા કરવા વિનંતી કરવામાં આવી હતી.૧૯ ડિસેમ્બર ઓર્થોડોક્સ કેલેન્ડર મુજબ એમની પુણ્યતિથિનો દિવસ છે, બારી બેસિલિકાનું ભોંયરું ધૂપની સુગંધ અને સ્લેવોનિક મંત્રોચ્ચારથી ત્યારે ગુંજી ઉઠતું. ઠેરઠેર વસેલા રશિયનો ત્યાં આવતા. તમામને ઇટાલીના આ છેવાડાના ભાગ સુધી ખેંચી લાવનારને રશિયનો 'નિકોલાઈ ઉગોદનિક' એટલે કે 'સહાયક નિકોલસ' કહે છે. આ સંત રશિયનોને એટલા પ્રિય છે કે ઇસુ, મેરી અને નિકોલસની છબીઓ ત્રણના સેટમાં વેચાય છે ને ઘણા રશિયન ઘરોમાં જોવા મળે !
ઈસુના જન્મસ્થળ બેથલેહેમમાં ખ્રિસ્તીઓ નિકોલસ પર પોતાનો હક જમાવે છે અને તેમને એક સ્થાનિક વ્યક્તિ માને છે. મૂળ પેલેસ્ટિનિયન પાદરીના શબ્દોમાં 'અમારા પરદાદા'. આ માન્યતા એક ગુફા પર આધારિત છે, જ્યાં કહેવાય છે કે યુવાન નિકોલસે ઈસુ ખ્રિસ્તના જન્મસ્થળની પોતાની યાત્રા દરમિયાન આરામ કર્યો હતો. આ ગુફા પર બંધાયેલું ચર્ચ દર ૧૯ ડિસેમ્બરે સ્કાઉટ્સની ભવ્ય પરેડ અને પડોશના રક્ષણ માટેની પ્રાર્થનાઓનું સેન્ટરપોઈન્ટ બને છે. આ ચર્ચ અને આસપાસના ઘણા ઘરો પર પેલેસ્ટિનિયનો અને ઇઝરાયેલી સૈન્ય વચ્ચેના તાજેતરના યુદ્ધના નિશાનો છે. શહેરના ઘણા લોકો માને છે કે જો તેમના આ પ્રિય સંતની મધ્યસ્થી ન હોત, તો સ્થિતિ વધુ ખરાબ હોતત તેઓ માને છે કે સંતને તે સ્થળ પ્રત્યે વિશેષ લગાવ છે. નિકોલસનું નામ જાપાન પણ પહોંચ્યું છે. અધ્યાત્મિક પવિત્રતા વ્યક્તિની હોય, વાર્તાની હોય કે કોઈ ધર્મસ્થળની, હંમેશા યાત્રાની પ્રેરણા આપે છે. કાં તો લોકો પવિત્ર સ્થળે જાય, અથવા તો તે દિવ્ય ચેતના પોતે જ લાંબા અંતર સુધી ફેલાય અને જે-તે સ્થળની માન્યતાઓને પોતાનામાં સમાવી લે !મધ્યયુગીન સમયમાં, ધાર્મિક પ્રસારનું સૌથી મોટું માધ્યમ 'અવશેષો' રેલિક્સની નિકાસ હતી. એના વેપારનું એક વિશાળ આંતરરાષ્ટ્રીય બજાર બન્યું હતું. ઈસુના જન્મ યાને નેટીવિટી થકી ખ્રિસ્તી શ્રદ્ધા મુજબ ઈશ્વરે મનુષ્યનું રૂપ ધારણ કર્યું હતું, તેથી અન્ય મનુષ્યો માટે તેમના શરીર અને આત્મા બંનેની મુક્તિ શક્ય બની હતી.
ખ્રિસ્તી ધર્મમાં રિફોર્મેશન થયું ને વિવિધ સંતોને બદલે કેવળ ઇસુ પર ધ્યાન આપતો પ્રોટેસ્ટન્ટ શ્રદ્ધાળુઓનો પંથ બન્યો. જ્યારે અંગ્રેજી ચર્ચ દ્વારા સેન્ટ નિકોલસ ડેની ઉજવણી કરવાનું બંધ કરવામાં આવ્યું, ત્યારે થોડા અઠવાડિયા પછી આવતી નાતાલ ડિસેમ્બરમાં ઉત્સવની ઉજવણી બની ગઈ. આના કારણે પાછળથી સેન્ટ નિકોલસ અને ત્યાંના સ્થાનિક 'ફાધર ક્રિસમસ'નું એકબીજામાં મિશ્રણ થઈ ગયું, જે એક અલગ પાત્ર હતું. જેને ઘણીવાર લાલને બદલે લીલા વોમાં દર્શાવવામાં આવતા.
પરંતુ અમેરિકામાં ઇંગ્લેન્ડની વસાહતોમાં ઘણા ડચ પ્રોટેસ્ટન્ટ આવ્યા. જે સંતોને પણ માનવા લાગેલા. કેટલાકે ભેટ આપનારા 'સિંટ નિકોલસ'ની ઉજવણી કરી, તેમનું નામ ટૂંકાવીને 'સિંટરક્લાસ' કરી દેવામાં આવ્યું હતું. તેમની આસપાસના અંગ્રેજી બોલનારાઓએ કંઈક 'સાન્તાક્લોઝ' જેવું સાંભળ્યું હશે, જેનો ઉલ્લેખ સૌપ્રથમ ૧૭૭૩માં એક અખબારમાં 'સેન્ટ નિકોલસ'ના વિકલ્પ તરીકે થયો હતો. અમેરિકન ઈતિહાસકાર ચાર્લ્સ જોન્સ મુજબ ક્રાંતિ પછી ન્યૂયોર્કના અમેરિકન દેશભક્તોએ જ સેન્ટ નિકોલસની ઉજવણીને અપનાવી હતી, જે ન્યૂયોર્કમાંએ સમયની અંગ્રેજોની હકુમત સામે બ્રિટિશ વિરોધી પ્રતીક હતા.
સાન્તાક્લોઝને ૧૮૦૯માં પ્રકાશિત થયેલા શહેરના વ્યંગાત્મક ઈતિહાસ 'નિકરબોકર્સ હિસ્ટ્રી ઓફ ન્યૂયોર્ક'માં વોશિંગ્ટન ઈરવિંગ દ્વારા લોકપ્રિય બનાવવામાં આવ્યા હતા. સાન્તાની કથાઓ'જેમાં તેમનું મોટું પેટ અને રેન્ડિયરનો સમાવેશ થાય છે' ૧૮૨૩માં ક્લેમેન્ટ ક્લાર્ક મૂરની કવિતા 'ધ નાઈટ બીફોર ક્રિસમસ' માં વિગતવાર રજૂ કરવામાં આવી હતી. ૧૯મી સદીના મધ્યના કાર્ટૂનિસ્ટ થોમસ નાસ્ટે 'હાર્પર્સ વીકલી' માટે તેમનું ચિત્ર દોર્યું હતું.જેમણે સાન્તાક્લોઝની ચમકતી આંખોવાળા દાદા જેવી છબી બનાવી હતી, તેમણે સાન્તાની વર્કશોપ ઉત્તર ધુ્રવ યા નોર્થ પોલ પર રાખવા પાછળ ત્રણ કારણો આપ્યા હતા. પ્રથમ, આ સ્થળ સાન્તાની સ્લેજગાડી ખેંચતા રેન્ડિયર માટે પૂરતું ઠંડું હતું; બીજું, તે એટલું દૂરને દુર્ગમ હતું કે જિજ્ઞાસુ બાળકો ખરાઈ કરવા ત્યાં જવાનો વિચાર પણ ન કરી શકેત અને ત્રીજું, તે એક તટસ્થ પ્રદેશ હતો, જેને લીધે સાંતા આસાનીથી સદભાવ માટે ઇન્ટરનેશનલ થઇ શકતા હતા !
સાન્તાના હરીફો પણ છે !હજુ ડચ લોકોના નેધરલેન્ડસમાં 'સિંટરક્લાસ' ઉજવણી ૫ ડિસેમ્બરે, એટલે કે તેમના નામના દિવસની પૂર્વસંધ્યાએ ચાલુ છે, જ્યાં કેટલાક માતા-પિતા બાળકોને માત્ર તે જ દિવસે ભેટ આપે છે. બેલ્જિયમમાં ભેટો ૬ ડિસેમ્બરે આપવામાં આવે છે. સ્પેનમાં મોટાભાગના બાળકો સાન્તાદાદાને બદલે 'થ્રી કિંગ્સ' (ત્રણ રાજાઓ) માંથી તેમના મનપસંદ રાજાને પત્ર લખે છે જેઓ બાળ ઈસુના દર્શન કરવા આવ્યા હતા : બાલ્થાઝર, મેલ્ચિયોર અને કેસ્પર. તેમની ગિફ્ટની વિશ ૬ જાન્યુઆરીએ પૂરી થાય છે. કેટલોનિયામાં લોકપ્રિય 'કાગા ટીઓ' એ એક પોલું લાકડું છે જેના પર ચહેરો બનાવેલો હોય છે અને તેને ધાબળાથી ઢાંકવામાં આવે છે. આ 'કાગા ટીઓ' ને લાકડીથી ફટકારવામાં આવે છે, ત્યારબાદ તે તેના પાછળના ભાગમાંથી ભેટો આપે છે ! સ્થાનિક લોકવાયકાઓના ભાગરૂપે આવા અન્ય અનેક પાત્રો અસ્તિત્વમાં છે.
પરંતુ સાન્તાક્લોઝ અત્યંત સફળ અમેરિકન એક્સપોર્ટ છે જેને ટેરિફ વોર નડતી નથી ! બ્રિટનમાં તેઓ 'ફાધર ક્રિસમસ' સાથે ભળી ગયા છે, જેમણે સાન્તાનો દેખાવ અપનાવી લીધો છે પરંપરાવાદીઓના રોષ વચ્ચેતેમનું નામ પણ ધારણ કરી લીધું છે. ભલે તમે તેમને 'પેરે નોએલ' (ફ્રાન્સ) કહો કે 'જ્યુલેમેન્ડેન' (ડેનમાર્ક), તેઓ થોમસ નાસ્ટના દોરેલા પેલા કાર્ટૂન જેવા જ દેખાશે, જેને રેડ એન્ડ વ્હાઈટ કલરમાં પોતાના લોગો માટે કોકોકોલાએ પ્રમોટ કરેલા ! સાન્તાના હરીફ પાત્રો ધરાવતા ઘણા દેશોના પરિવારો હવે નાતાલ અને તેમની પરંપરાગત તારીખો એમ બંને દિવસે ભેટો આપે છે. પણ દરેક કલ્ચરના પિત્ઝાડિઝની બ્રાન્ડ 'અમેરિકનાઈઝેશન'ને લીધે હવે સાન્તાક્લોઝ ક્રાઈસ્ટ કરતા ક્રિસ્મસમાં વધુ ફેમસ છે !
અને આ સાન્તાક્લોઝનું ઘર છે નોર્થ પોલ. આર્કિટિક સમુદ્રનો છેડો !ત્રણ દેશો રશિયા, ડેનમાર્ક અને કેનેડદાવો કરી રહ્યા છે કે વિશ્વની એ ટોચ પર આવેલ સમુદ્રતળ અને પેટાળ તેમના દેશોના વિસ્તૃત ખંડીય છાજલીનો ભાગ છે. આ દાવાઓ ૧૯૮૨ના 'યુએન કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી' હેઠળ કરવામાં આવ્યા છે, જે એક આંતરરાષ્ટ્રીય સંધિ છે. આક્ટક દરિયાકાંઠો ધરાવતા તમામ દેશોએ આ સંધિને બહાલી આપી છે, સિવાય કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા.
સંધિ જણાવે છે કે દેશના કિનારાથી પ્રથમ ૧૨ નોટિકલ માઇલ એ પ્રાદેશિક જળ સીમા છે, જેનો અર્થ છે કે તે દેશને પાણીની ઉપર, નીચે અને હવાઈ ક્ષેત્ર પર વિશિષ્ટ અધિકારો છે. દેશો કિનારાથી ૨૦૦ નોટિકલ માઇલ સુધીના વિસ્તારને વિશિષ્ટ આર્થિક ક્ષેત્રતરીકે પણ જાહેર કરી શકે છે, જે તેમને પાણીમાં રહેલા દરિયાઈ જીવો અને સમુદ્રતળ પર કે તેની નીચે રહેલા ખનિજો પર અધિકાર આપે છે. જો કોઈ દેશ વૈજ્ઞાનિક પુરાવાઓની મદદથી સાબિત કરી શકે કે સમુદ્રતળ એ તે દેશના ખંડીય છાજલીનું વિસ્તરણ છે, તો આ ક્ષેત્રને વધુ લંબાવી શકાય છે.રશિયા, ડેનમાર્ક (ગ્રીનલેન્ડ વતી), અને કેનેડાએ 'કમિશન ઓન ધ લિમિટ્સ ઓફ ધ કોન્ટિનેન્ટલ શેલ્ફ' સમક્ષ પોતાના દાવા રજૂ કર્યા.
આર્કટિક એ વિશ્વનો સૌથી નાનો મહાસાગર છે (૧.૪ કરોડ ચોરસ કિલોમીટર). તેમાંથી જે હિસ્સો કોઈ પણ દેશના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં નથી આવતો તે માત્ર ૨૮ લાખ ચોરસ કિમી છે. આ વિસ્તારમાં રશિયા ૧૨ લાખ, ડેનમાર્ક/ગ્રીનલેન્ડ ૧૦ લાખ અને કેનેડા ૧૨ લાખ
ચોરસ કિમી પર દાવો કરી રહ્યા છે. ત્રણેય દેશો ૧,૮૦૦ કિમી લાંબી 'લોમોનોસોવ રિજ' અને ભૌગોલિક ઉત્તર ધુ્રવ પર પોતાનો હક જમાવી રહ્યા છે. અને જો એમના કોઈને હકહિસ્સો મળે તો ક્રિસ્મસની તારીખની જેમ સાન્તાક્લોઝનું સરનામું પણ કદાચ ફરે. જે હાલ ફિનલેન્ડના લેપલેન્ડ વિસ્તારમાં છે,
ને જ્યાં આ વર્ષે જ આ લખવૈયાને રૂબરૂ જવાનો લ્હાવો મળ્યો કોઈ શેઠ શામળશાની ભેટની માફક !
***
ફિનલેન્ડનો લેપલેન્ડ વિસ્તાર ફરવા માટે નોર્વેની નજીક રોવેનઆમીમાં ટચૂકડું એરપોર્ટ છે, મોટે ભાગે બરફથી છવાયેલું રહે સમરટાઈમ સિવાય. હેલસિંકીથી ફ્લાઈટ મળે. ટ્રેન પણ છે ને ડ્રાઈવ કરીને પણ જઈ શકાય. રોવેનઆર્મીની નજીક બરફ ના હોય તો ચાલીને જી શકાય એમ બે અઢી કિમી દૂર ૧૯૮૫માં બનેલું સાન્તા વિલેજ છે. એનું ફિનીશ નામ તો જીભના લોચા વળે એવું અટપટું છે, પણ સાન્તા વિલેજ જ હવે ખ્યાતનામ છે. એ એક પ્રકારનો વિવિધ રાઇડ્સનો ડિઝનીલેન્ડ જેવો એમ્યુઝમેન્ટ પાર્ક જ છે. જેમાં એન્ટ્રન્સની ટિકિટ નથી પણ દરેક આકર્ષણમાં ટિકિટ છે.
મૂળ તો એ જગ્યાએ આજે પણ ઉભેલી રુઝવેલ્ટ લોજ નામની લાકડાની દેખાતી હોટલ બનેલી. આ વિસ્તારમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાના પ્રમુખ રહેલા ફ્રેન્કલીન રુઝવેલ્ટના પત્ની એલિનોર રુઝવેલ્ટ આવી ત્યાં રોકાયેલા. એમાં એનું નામ જ પ્રસિદ્ધ થઇ ગયું. લાકડાનું સાન્તાનું ઘર છે. સાન્તાદાદા ત્યાં મુલાકાતીઓને વહાલથી મળે છે. ત્યાં લાંબી લાઈનમાં ઉભા રહો તો વિશ્વના વિવિધ મહાનુભાવોની તસવીરો દીવાલ પર દેખાય. એમાં સાન્તા જોડે બેઠેલા ભારતના સ્વર્ગસ્થ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ જીનપિંગ જેવા સાથે જોવા મળે. સાન્તાકલોઝને એક ભારતીય પ્રવાસીને મળીને ખુશી થઇ અને એમણે મુંબઈ કલકત્તાની વાતો એવી રસાળ કરી કે પોતે ત્યાં આંટો મારી આવ્યા હોય ! જે એક્ટર હોય તે, એને દેખાવ ને મેકઅપ ઉપરાંત દુનિયાની ભૂગોળ ને વિશ્વની સંસ્કૃતિઓની ભરપૂર માહિતી હતી ! ત્યાં વિવિધ શહેરોના અંતર લખતા બોર્ડ છે એમાં ન્યુ દિલ્હી પણ શોભાયમાન છે !
ત્યાં જ પોપ્યુલર પોસ્ટ ઓફિસ છે, જેમાં રંગીન પોસ્ટકાર્ડ ખરીદી સાન્તા વતી વિશ્વના કોઈ પણ ખૂણે રહેલા દોસ્તોને ત્યાની ટપાલપેટીમાં રવાના કરી શકો. બીજા સોવેનિયર્સ પણ મળે. પાસે જ સ્લેજ ગાડીઓમાં રેન્ડીયરની ખાલના ધાબળામાં લોટપોટ થઈને એમના દ્વારા ખેંચાતી સ્લેજ યાને બરફ પરની ગાડીમાં સહેલગાહ કરી શકો આસપાસની. ગળે ઘંટડીવાળા કૂતરાં દ્વારા ખેંચાતી ગાડીઓ પણ છે. બરફમાં ઠંડી હવા ઝીણી ટાંચણી બનીને ગાલ પર ભોંકાતી હોય એવી ઠંડી સહન કરવા ખાસ્સાં ગરમ લેયર્સ ને સ્પેશ્યલ શૂઝ જોઈએ. પણ ચાલો તો ત્યાં આર્કિટિક સર્કલ યાને વિધિવત સાતસો મીટરની લાઈન જોવા મળે જે ક્રોસ કરતો ફોટો પડાવો એટલે નોર્થ પોલમાં પગ પડી ગયો કહેવાય !
સાન્તાની ગિફ્ટસ ને એના જોડીદાર એલ્વ્સનું અલાયદું મ્યુઝિયમ બાળકોને મોજ કરાવવા બનાવ્યું છે. સાન્તાની પત્ની સાથે પણ ફોટો પડાવવા અલાયદી કોટેજ છે. બીજી હોટલો છે. આઈસ સ્કીઈંગ કરાવતી જગ્યાઓ છે. નજીકમાં અરોરા નામે ઓળખાતીને શિયાળાની કાતિલ ઠંડીના અંધારે જ દ્રષ્ટિગોચર થતી નોર્ધન લાઈટ્સની રંગછોળો નિહાળવાના પણ પોઈન્ટ્સ છે. અવનવી ગેઈમ્સ, મ્યુઝીયમ ને સાન્તાની ઓફિસ ને ટાવર પણ છે. જાણે એક્ચ્યુઅલ સાન્તાક્લોઝ રિયલ હોય ને તમે એના પ્રદેશના રોયલ ગેસ્ટ હો એવી આહલાદક રોમાંચક અનુભૂતિ થાય !
ચોમેર શ્વેત હિમ, ઊંચા પાઈન ટ્રીઝ, સાન્તાના રેડ કલરથી રંગાયેલા મકાનો. ગ્રીન ટાઈટલ્સ ને પર્પલ બ્લ્યુ ઓરેન્જ લાઈટ્સ, એક સરરિયલ વિશ્વમાં વિહાર કરવા મળે, જો માસૂમ ભૂલકાંનું દિલ રાખો અને નફરતને બદલે મહોબ્બતની ફિતરત રાખો તો ! સાન્તાક્લોઝ વિલેજમાં વિરાટ સ્નો મેન જુઓ ને ને ઝીણી હિમકણી યાને સ્નોફ્લેક્સ વાળ કે ઓવરકોટ કે ટોપીને ભીના કર્યા વિના રૂપેરી બનાવે, એના સોનેરી અહેસાસમાં જ બોલી ઉઠાય બાળકોના સપના, વિસ્મય અને આશાને વ્હાલ કરવા : મેરી ક્રિસ્મસ, જય સાન્તાક્લોઝ !
ઝિંગ થિંગ
'ક્રિસ્મસ એવો સમય છે, જયારે તમે ઉંમરમાં ના ચાહતા હો તો પણ પરાણે એક વર્ષ વધુ ઉમેરવાના છો ને બેંકમાં પર્વના ખર્ચ માટે બેલેન્સ ઘટાડવાના છો ! આ આનંદની નહિ, વિષાદની વાત છે !'
- ( ૨૦૦૯ની ક્રિસ્મસ કેરોલ ફિલ્મમાં સ્ક્જનું વ્યંગબાણ )


