For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પત્ર વાંચું, પત્ર બોલું, સાંભળું, ફક્ત એ રીતે હવે તમને મળું પત્ર સાથોસાથ હું ઊગ્યો હતો, પત્ર જ્યાં પુરો થયો કે હું ઢળુ

Updated: Nov 22nd, 2022

Article Content Image

- અનાવૃત-જય વસાવડા

- વિદાય લઈ ગયેલા સ્વજનો માત્ર સુખડના હારવાળા ફોટામાં જ નહિ, એમના ચિરપરીચિત અક્ષરોમાં ય એમની આત્માનો અંશ છોડીને ગયા હોય છે

कुछ लोग अभी भी ख़त लिखते हैं

शब्दों में सपने बुनते हैं,

भरी दुपहरी में भी चाँदनी

अलसाई-सी वो लिखते है,

कुछ लोग अभी भी ख़त लिखते है।

मन के सागर से चुन-चुन कर

मोती काग़ज़ पर रखते है,

स्याही में छिप-छिप कर उनके

ह्दय पटल पर बिखरे अंकुर,

स्फुटित हो क्रंदन करते है

कुछ लोग अभी भी खत लिखते है।

घोर अंधेरी रातों में भी

गहरे नीले लाल गुलाबी

गुब्बारे-से बादल उनके,

घर-आँगन बरसा करते है

कुछ लोग अभी भी ख़त लिखते है।

गोबर-मिट्टी को मथ-मथ कर

जैसे लीपे आँगन माँ,

ऐसे मथ-मथ कर भावों को

मन की ताक रखा करते हैं,

कुछ लोग अभी भी ख़त लिखते हैं।

कभी-कभी आकर के जिंदगी

इनसे लिपटकर रोती है,

वक्त के टुकडे जो बिखरे

ये उनको समेटा करते हैं,

कुछ लोग अभी भी ख़त लिखते हैं।

जाने कब-किस दर्पण में उनको

सतरंगी-सी सांझ मिली

जहां ना मिलाये हाथ कोई भी

ये दिलों से गुफ़्तगू करते हैं,

कुछ लोग अभी भी ख़त लिखते हैं।

नये दौर की नयी चाल को

वो कैसे चल पायेंगे.

ना जाने और कितने दिन

ये ख़त वाले रह पायेंगे।

ક પિલ શર્મા (કોમેડિયન નહિ, કવિ)ની આ કવિતા છે. જરા વિન્ટેજ મૂડ સેટ કરે એવી. એક જમાનો હતો, જ્યારે ગિફટસ ખોલવામાં જેવો રોમાંચ થાય, એ પત્રો ખોલવામાં થતો. પોસ્ટકાર્ડ તો નાનકડાં છોકરા જેવા, નાગડાંપૂગડાં ને ઉઘાડા. વળી સંદેશા એનાં સાવ ટચૂકડા. ઇનલેન્ડ લૅટરનો વાદળી રંગ વડીલ જેવો લાગતો. જરા ઠાવકા અને ચારે બાજુથી બંધ. પણ ખોલવા માટે ખૂણા હોય ખુલ્લા. માફકસરનું લખાણ લખવા માટેની અનુકૂળતા પણ બહુ લાંબી વાત નહિ, અને ખાખી, કથ્થાઈ કે પીળા રંગના કવર/એન્વેલેપ ઉર્ફે પરબીડિયાં. એ યૌવન. અંદર દળદાર કાગળોનો જથ્થો હોય, ઢળતી સાંજ તારામઢેલી રાત થઈ જાય એવી વિસ્તારની વાતો હોય. એમાં ફેન્સી સફેદ કે આછા લીલા રંગના કવર્સ એટલે સ્ટાઇલિશ  ફૂલ જવાની. એવા કવર બંધ આવે એના પર લખેલા સરનામાના અક્ષર ઉકેલી કોણે લખ્યો હશે એ કળી લેવાની 'શેરલોકિયન' મજાઓ. ઉપરની બીજના ચંદ્ર જેવો સિક્કો લાગેલો હોય. એ ટિકિટો ઉખાડીને સાચવવાની લિજ્જત.

પત્રમાં એક રહસ્ય હતું. ત્યારે નેકસ્ટ ડે ડિલિવરી કરતા કુરિયર એટલા પ્રચલિત નહોતા. પોસ્ટ ઓફિસની વાર્તાઓ લખાતી અને ડાકિયા ડાક લાયાના ગીતો ગવાતા. રોમાંચ રહેતો કાયમી ધોરણે કોમ્યુનિકેશનનો. એમાં વળી ક્વોન્ટમ ફિઝિક્સ જેવું રિયાલિટીનું ઇલ્યુઝન ભળતું. વિજ્ઞાનના વિકાસથી આપણને ખબર પડી કે આપણે રોજ રાત્રે આકાશી ચંદરવામાં ટમટમતાં તારાઓ જોઈએ છીએ, એ રોશની તો એ જ વર્તમાનની ક્ષણની નથી. જૂની છે. પૃથ્વી સુધી એના પ્રકાશને પહોંચતા સમય લાગે છે. એટલે એવું ય બને કે આપણી તસવીરમાં જે તારો ટમટમતો દેખાતો હોય, એ કદાચ વિસ્ફોટ થઈ મરી પરવાર્યો હોય ! રોજેરોજ હોસ્ટેલથી ઘેર અને ઘેરથી હોસ્ટેલ કે સગાઈ પછી ભાવિ નવદંપતીમાં લખાતા પત્રોમાં આ રિલેટિવિટી રહેતી રિયાલિટીમાં. એ લખ્યો ત્યારનો વર્તમાન ભૂતકાળ થયો હોવા છતાં ભવિષ્યમાં સજીવન થઈ ઉઠતો ! વાંચનાર માટે તો એ ઘટના વાંચતી વખતે તાજી જ બનતી. કોઈ દૂર રહેતું સ્વજન ગુજરી ગયું હોય અને કાળી શાહીથી 'અશુભ' લખેલો પત્ર આવે, ત્યાં સુધી એ ફાની દુનિયા છોડી ગયા હોવા છતાં, એ સમાચાર ન મળ્યા હોવાના અભાવે મનમાં જીવતા ! 

લાલ શાહીવાળા પત્રો બોરિંગ લાગતા, કારણ કે એમાં મોટે ભાગે સારા સમાચારો કે શુભેચ્છાઓ જ હોય. જે ફોર્મલ હોય. પર્સનલ ના હોય ! મજા તો અંગત વાતો ઠાલવતા અને હૈયું ખોલતા પત્રો વાંચવાની રહેતી. ખાનગી રહસ્યો એમાં છુપાઈ રહેતા. ઓડિયો કે વિડિયો રેકોર્ડિંગ થતા નહિ આસાનીથી ત્યારે. પ્રેમવિચ્છેદ થાય તો એકમેકને લખેલા અને સાચવેલા સુગંધી પત્રોની આપ-લે કરી, સંબંધ પર પૂર્ણવિરામ મુકાતું. બ્રેકઅપ કે બાદ એ પત્રો જલતા બદનથી બળતાં હૈયાં સુધી પહોંચેલી લવસ્ટોરીમાં સળગાવી દેવામાં આવતા અને હૈયાની આગ એ જોઈ થોડીક ઠરતી. 

આમે ય બોલાયેલા શબ્દોનો જાદૂ જોરદાર હોવા છતાં લખાયેલા શબ્દોનો પ્રભાવ વધુ લાંબો ટકે છે. શું વાત થઈ એ સમય જતા ભૂલાઈ જતી હોય. પણ જો એ કોમ્યુનિકેશન પત્રના સ્વરૂપે હોય તો વારંવાર એમાંથી પસાર થઈ શકાય. ફરીફરી એનો લુત્ફ માણી શકાય. એમાં 'બિટવિન ધ લાઇન્સ' યાને (મભમ)માં જે ગોપનીય, છુપાયેલો સંદેશો હોય એ મહિનાઓ, વર્ષો બાદ ઉકેલી શકાય. ફરી ફરી એની લાગણીઓની 'થ્રિલિંગ રાઈડ'માં રિપિટ કરી બેસી શકાય. એમ તો આજે ચેટ પણ આર્કાઈવ થતી હોય છે. પણ એ લગ્નના વિડિયો શૂટિંગ જેવી હોય છે. બધા કરાવે, સાચવે પણ ફરીને જુએ નહિ. પત્રો હાથમાં આવે તો ફરી વંચાતા.

અને એ પત્રોમાં કાગળ સાથે ઘસાતી રિફિલના છરા કે કલમની ટાંકના ઘર્ષણથી ઉપસતા અક્ષરોમાં જીવનના સંઘર્ષો બયાન થતા. પત્રલેખનની શુદ્ધતા કે સુંદર સુઘડ અક્ષરોની પ્રસ્તુતિ થકી મળ્યા વિના જ વ્યક્તિત્વની ઓળખ થતી. એના અક્ષરના વળાંકોમાં કોઈ કાયાના કર્વ્ઝ ઉપસતા. એમાં છોડેલી જગ્યાઓ એ પત્ર મેળવનારનું ચિત્તડું પૂરી દેતું. ખોવાઈ જતાં સરનામાને લીધે ક્યારેક આખેઆખા માણસો જીવનમાંથી જીવતેજીવ સદેહે ધુમાડો બનીને ઓગળી જતા. ક્યારેક તો સરનામા વગર પણ પત્રો ઉડી ઉડીને પહોંચતા. પત્રો હાથોહાથ દેવાય તો ય ઉડતાં હોય એવું જ લાગતું. પ્રેમના પત્રોમાં તો વળી સુંદર સજાવટ થતી. એનો ખાસ રંગીન કાગળ પણ રહેતો. શાયરીઓ ત્યારે પણ 'ફોરવર્ડ' થતી. કોઈ જોઈ ન જાય એમ પત્ર વાંચવાનું ને પછી કોઈના હાથમાં ન આવે એમ છુપાવવાનું પ્લાનિંગ થતું. છોકરીઓની ચોળીમાં ધબકતા કલીવેજ પર છુપાઈ જવાનો જે લાભ લવલેટર્સને મળતો, એ લવ મેસેજના વિડિયો કે મોબાઈલ મેસેજને મળતો નથી !

એ પત્રોમાં આંધળી માના કાગળ રહેતા અને દેખતા દીકરાના જવાબ રહેતા. એમાં સાસરે ગયેલ દીકરીના ડૂસકાં અને ભણવા ગયેલ દીકરાના ડૂસકા રહેતા. અભ્યાસમાં પત્રલેખન ક્યારેક શીખવાડવામાં આવતું. જમણા ખૂણે લખનારનું નામ, ઠામ (સ્થળ) અને તારીખ. ડાબા ખૂણે સંબોધન અને નામ પછી અલ્પવિરામ. નીચેથી શરૂ થાય પત્ર. 'એભનથી' ને જત જણાવવાનું કે ના લટકણિયા તો ખરી પડેલા. પણ હવે જે ખુદ લુપ્ત થઈ ગયા છે એવા મેગેઝીન્સમાં ચેટિંગ ડેટિંગ એપ્સની જેમ પત્રમૈત્રીના વિભાગો આવતા. કોઈ પત્રો છાપતું તો કોઈ શોખ સાથે સરનામા. એમાંથી પોતાની વ્યથા અને વ્હાલની વેન્ટીલેશન વિન્ડોઝ શોધાતાં બધા.

પત્રોમાં મહત્ત્વ તો ભાષા કરતાં ભાવનું રહેતું. પણ વિશ્વમાં અનેક સેલિબ્રિટિઝના પત્રો સાહિત્યની સ્તરે સચવાયા છે ! સર્જકો, નેતાઓ, કલાકારો, ઉદ્યોગપતિઓ, વિજ્ઞાનીઓ આત્મકથા કે જીવનકથાથી વધુ એમના પત્રોમાં પ્રગટ થયા છે. ઇન્દિરા ગાંધીને જેલમાં બેઠા બેઠા જવાહરલાલ નહેરૂએ લખેલા પત્રો વિશ્વના ઇતિહાસની સફર કરાવે એવા છે. 'લિખિતંગ: હું આવું છું' (ઝવેરચંદ મેઘાણી) અને 'ચિ.ચંદનને' (કાકા સાહેબ કાલેલકર)તો ગુજરાતી કક્કો-બારાખડી સમજાય એ સહુ કોઈએ વાંચવા જેવા. ગાંધીજી અને એમના સમકાલીનોના પત્રો તો ખૂબ સચવાયા અને છપાયા. રવિન્દ્રનાથ ટાગોર અને એમનાથી ઘણી નાની પરદેશી કન્યા વિક્ટોરિયા ઓકામ્પો વચ્ચેની પત્રાવલિ તો કલ્પનાથી કામણ સુધી વિસ્તરેલી. સ્વ. સુરેશ જોશી તો આયખાના અંતિમ વર્ષોમાં જર્મન કવિ રિલ્કેને પોતાની ઉઘડતી યુવાનીએ પ્રેમમાં પડી પત્રો લખતી એરિકાના પત્રવ્યવહારમાં છલકાતી ક્રિએટિવિટીના પ્રેમમાં પડી ગયા હતા. ક્રીટ્સ હોય કે ઓસ્કાર વાઈલ્ડ, કનૈયાલાલ મુનશી હોય કે હરિવંશરાય બચ્ચન અનેક સુખ્યાત લોકોના પત્રો સંગ્રહ બની છપાયા છે, ઊંચા ભાવે લીલામ થયા છે.

ઓશો બન્યા પહેલા આચાર્ય રજનીશે એમને આત્મીય લાગે એવી વ્યક્તિઓને સુંદર પત્રો લખ્યા, જે પુસ્તકોની હજુ આવૃત્તિઓ થયા કરે છે. લિંકને પુત્રના શિક્ષકને કે આઈન્સ્ટાઇને પુત્રીને લખ્યો એવા શિખામણના પત્રોનો તો ભંડાર છે. એવો જ ખજાનો ખતગીતનો 'જબ ના માના દિલ દીવાના, કલમ ઉઠા કે જાનેજાના...' થી 'ચિઠ્ઠી આઈ હૈ વતન સે...' જેવા ફિલ્મગીતોનો છે. આ 'ચિઠ્ઠી ચબરખી' વળી શાળા કોલેજોમાં ચોરીછુપીથી અપાતી અને જો જાહેર થઈ જાય તો ચર્ચાતી ! અંગ્રેજીમાં તો આવી જાણી-અજાણી ઈન્ટરેસ્ટિંગ ચિઠ્ઠી ચપાટી યાને નોટસના ત્રણ ભાગમાં દમદાર સંગ્રહો પ્રગટ થયા છે ! મોટા માણસોના ઉપદેશક પત્રો કરતા આ નાના બનાવી દેતી ચિઠ્ઠીઓ વધુ રસપ્રદ નીવડે !

વન્સ અપોન અ ટાઇમ, જ્યારે કબૂતરના ઉડવાના ગીતો આવતા ત્યારે પત્રલેખનની સ્પર્ધાઓ યોજાતી ! અલગ અલગ વ્યવસાયના રમૂજી પ્રેમપત્રોના ટૂચકાઓ રચાતા ! ઈન્ડિયન પોસ્ટ ઓફિસ અનેક જીવંત કહાનીઓનું પણ મ્યુઝિયમ છે. દર વર્ષે એના દ્વારા વિદ્યાર્થીઓ માટે કાલ્પનિક થીમ સાથે પત્ર લખવાની ઈનામી હરીફાઈઓ થતી. સ્વર્ગસ્થ સાયન્ટીસ્ટ સ્ટીફન હોકિંગે તગડા ઈનામ સાથે એલિયન્સને પૃથ્વી શું છે, એ સમજાવવાની પત્ર સ્પર્ધા અમેરિકામાં યોજેલી. જે કશું જાણતા ઓળખતા ન હોય, એને ઇન્ટ્રોડક્ટરી પત્ર લખવો એ એક ચેલેન્જ છે. પત્રોના આધારે સીસીટીવી ફૂટેજ કે મોબાઈલ લોકેશનની જેમ જાસૂસો રહસ્ય ઉકેલતા. ચંદ્રહાસનું આખ્યાન હોય કે રૂકિમણીની કૃષ્ણપ્રીતિ, સૂરજ ચંદ્રની સાક્ષીઓની દેવાદારની લોકવાર્તા હોય કે બ્રામ સ્ટોકરની કથા 'ડ્રેક્યુલા'... કેટકેટલી કૃતિઓમાં પાત્રો જ બની ગયા પત્રો !

જૂના પત્રો સાચવેલા હોય તો એની ગડીઓમાંથી ઝરે છે, વીતી ગયેલો સમય ! એ કાગળોની વિશિષ્ટ ગંધ જાણે પરફ્યુમની જેમ મદહોશ બનાવે છે ! વિદાય લઈ ગયેલા સ્વજનો માત્ર સુખડના હારવાળા ફોટામાં જ નહિ, એમના ચિરપરીચિત અક્ષરોમાં ય એમની આત્માનો અંશ છોડીને ગયા હોય છે. પત્રોની બેવડમાંથી કોઈ બોરસલ્લીના સૂકા જાળીદાર ફૂલો કે ઝાંખુ પડેલું કોઈ પીંછુ અટકી પડે છે, ટાઇમ ટ્રાવેલ કરાવતું. પત્રોની ખાસિયત એ હતી કે કોપી પાસે રાખો એ સિવાય ઓરિજીનલ કાયમ માટે લખનાર નહિ પણ વાંચનારની - માલિકીના બની જતા. શબ્દો સ્વયં એક્સક્લૂઝિવ ગિફ્ટ બની જતા. આ લકઝરી ડિજીટલ મેસેજ કે ઈમેઈલમાં નથી. એટલે ક્યારેક એ સ્કેન્ડલના પર્દાફાશના સ્ક્રીનશોટ બની જાય છે. લાગણીના દસ્તાવેજ નહિ !

જાણીતી વ્યક્તિઓને હજુ ખુલ્લા પત્રો લખાય છે, પત્રોના ફોર્મેટમાં કોલમો કે વિડિયો રચાય છે. સિર્ફ તુમ કે લેટર્સ ટુ જુલિયટ જેવી ફિલ્મો બને છે. પણ હવે ખરખરા, શોક કે શુભેચ્છાના સંદેશ કે ઔપચારિક આમંત્રણ સિવાય નવી પેઢી પત્રો નથી લખતી, જૂની પેઢી પત્રોમાંથી મોબાઈલ સુધી પહોંચી, પણ યંગસ્ટર્સ ભાગ્યે જ મોબાઈલથી પત્રો સુધી પહોંચે છે.

ત્યારે તાજી કલમમાં, પોસ્ટ સ્ક્રિપ્ટમાં લખવાનું કે આ પત્રો યાદ આવ્યા કારણ કે સ્ટેજ પર એ પઠન થકી ભજવાતા જોયા ! મૂળ તો ૧૯૮૮માં અમેરિકામાં એ.આર. ગર્નીએ એક નાટક લખ્યું. લવ લેટર્સ. કોઈ વિશેષ મંચસજ્જા કે લાઇટિંગનો તામઝામ નહિ. ઝાકઝમાળ ભવ્ય નાટકો માટે જાણીતા બ્રોડવેમાં આ સાદગીએ સફળતા મેળવી. માત્ર બે ખુરશી સ્ટેજ પર. ગોખેલા ડાયલોગને બદલે, એક સ્ત્રી એક પુરૂષ માત્ર એકમેકને લખેલા પત્રો વાંચે. એમાં બંનેનાં સંબંધની રેખાઓ આખા એક કાળખંડનો આકાર રચે. નામ રાખ્યું ''લવ લેટર્સ''.

આ પ્રયોગને અપાર લોકચાહના મળી. ૧૯૯૯માં તો એક અંગ્રેજી ફિલ્મ બની ગઈ. ભારતમાં ૧૯૯૨માં જાવેદ સિદ્દિકીએ એ માળખા પરથી પ્રેરિત થઈને ઉર્દૂ-હિન્દીમાં 'તુમ્હારી અમૃતા' લખ્યું. ફારૂક શેખ અને શબાના આઝમી જેવા ધરખમ કલાકારોની અદાયગીને લીધે એ સુખ્યાત બન્યું. દેશ-પરદેશમાં એ ભજવાયું. ઝુલફીકારને પત્રો લખતી અમૃતાનું પાત્ર ચિત્રકાર અમૃતા શેરગિલ પરથી પ્રેરિત હતું એમ કહેવાયું. ગાંધી: માય ફાધર અને મુગલ એ આઝમ (સ્ટેજ) વાળા ફિરોઝ અબ્બાસખાનના એ પ્રયોગનો તાજમહાલમાં ભજવાયા પછી ફારૂક શેખના અવસાન બાદ પડદો પડયો. પણ ૨૦૦૪માં એની સિક્વલ સોનાલી બેન્દ્રેને લઈ લખવામાં આવેલી. અનુપમ ખેર - કિરણ ખેરે 'સાલગિરહ' નામનું એવું નાટક ભજવેલું. મધુ રાયે ગર્નીના લવ લેટર્સ પરથી પ્રેરિત થઈ 'ચતુષ્કોણ' ગુજરાતીમાં લખ્યું એમાં વળી વાર્તા જુદી હતી. જાવેદ સિદ્દિકીએ (અખ્તર નહિ) તુમ્હારી અમૃતામાં હિન્દુ-મુસ્લિમ ક્રોસકલ્ચરલ રોમાન્સ તે ભાગલાનું બેકડ્રોપ લીધેલું.

તો નૌશીલ મહેતા જેવા સજ્જ કલાધરે ગુજરાતીમાં 'પત્રમિત્રો' નામથી રૂપાંતર કર્યું એમાં આઝાદી પછીના ભારતની આશા અને સમય જતા પલટાતી વાસ્તવિકતાની વાત છે. માત્ર બે વ્યક્તિ પત્રો વાંચે અને એમાંથી અવનવી સુગંધ પ્રગટતી જાય અને એ જુગલબંધી થકી બધી ઘટનાઓ સાંભળીને પ્રેક્ષકના મનમાં ફિલ્મની જેમ એ ભજવાતી જાય ! ભૂતકાળમાં સીનિયર પરફોર્મસ 

દ્વારા ભજવાયેલું નાટક ''પત્રમિત્રો'' ચિરાગ વોરા - દેવકી જેવી સક્ષમ પ્રતિભાઓએ જીવંત કર્યું અને એ સંજીવની સ્પર્શે જાણે અહલ્યાની જેમ આળસ મરડી મનમાં બેઠો થયો પત્રોનો જાહોજલાલીનો જાજરમાન જમાનો. જ્યારે વાચકો પણ પત્રો લખતા યાદ રાખીને ! ને મા-બાપના આશીર્વાદ પત્રોથી સચવાતા, મુઠ્ઠીભર ચુમીઓ પ્રેમી-પ્રેમિકાની બીડાઈ હોય એમ જ ! પત્રોમાં ઘણું અપ્રગટ રહી જતું, અધુરું રહી જતું અને એટલે જ એની તડપ થતી ! એમાં સંભળાતી બંગડી કે ઝાંઝર, એમાંથી ઉડતો ગુલાલ, એમાં છુપાતો ઝળાંહળાં સૂરજ !

માધવ રામાનુજ કેવું મુલાયમ લખે છે:

મનગમતી વાતો જે મનમાં, મનમાં ઉગે આથમે

એનું ગીત કરી ગણગણવું સાજન તમને ગમે ખરું કે ?

પત્ર લખું કે કવિતા, સાજન તમને ગમે ખરું કે ?

વાત કરું કે વાર્તા, સાજન તમને ગમે ખરું કે ?

(શીર્ષક: હર્ષદ ચંદારણા)

ઝિંગ થિંગ

प्रेत आएगा

किताब से निकाल ले जायेगा प्रेमपत्र

गिद्ध उसे पहाड़ पर नोच-नोच खायेगा

चोर आयेगा तो प्रेमपत्र ही चुराएगा

जुआरी प्रेमपत्र ही दांव लगाएगा

ऋषि आयेंगे तो दान में मांगेंगे प्रेमपत्र

बारिश आयेगी तो प्रेमपत्र ही गलाएगी

आग आयेगी तो जलाएगी प्रेमपत्र

बंदिशें प्रेमपत्र ही लगाई जाएंगी

सांप आएगा तो डसेगा प्रेमपत्र

झींगुर आयेंगे तो चाटेंगे प्रेमपत्र

कीड़े प्रेमपत्र ही काटेंगे

प्रलय के दिनों में सप्तर्षि मछली और मनु

सब वेद बचायेंगे

कोई नहीं बचायेगा प्रेमपत्र

कोई रोम बचायेगा कोई मदीना

कोई चांदी बचायेगा कोई सोना

मैं निपट अकेला कैसे बचाऊंगा तुम्हारा प्रेमपत्र..

(बदरी नारायण)

Gujarat