Get The App

શાતિર શેતાન ચીન, અન્યનું તો એક વાંકુ આપના અઢાર છે !

- અનાવૃત- જય વસાવડા .

Updated: Jun 23rd, 2020

GS TEAM

Google News
Google News

- જમાનો આજે ઘોડા પર આવીને બર્બર યુદ્ધો કરવાનો ને કિલ્લાઓ પર ઝંડા ફરકાવવાનો રહ્યો નથી. ને અહીં જ ચીનનું 'પાવર ડ્રીમ' એની ફોલ્ટલાઇન છે. સતત આઝાદ જિંદગી કોઇ રિમોટ કંટ્રોલ હેઠળ રહે, એ નવી પેઢીને ગમતું નથી 

શાતિર શેતાન ચીન, અન્યનું તો એક વાંકુ આપના અઢાર છે ! 1 - image

''હું તો ઈશ્વરે પૃથ્વી પર મોકલેલી સજા છું. જો તમે પાપ ન કર્યા હોત તો હું તમને ભટકાત જ નહિ !''

આ કુખ્યાત કે સુખ્યાત વાક્ય ચંગીઝ ખાનનું છે. આમ તો બોલાય ચંગેઝ ખ્હાન. પણ આપણે ત્યાં ચંગીઝ ખાન જીભે ચડી ગયું છે. ક્રૂર યોધ્ધો. એણે લડેલા યુદ્ધોમાં ૨ થી ૪ કરોડ એટલે એ સમયથી પાંચથી દસ ટકા વસતિ વધેરાઈ ગઈ હોવાનું ઈતિહાસકારો માને છે. એ મુસ્લિમ નહોતો મોંગોલ હતો. ઈનફેક્ટ, જેહાદી ત્રાસવાદીઓના ધર્મઝનૂની પૂર્વજ જેવા હસેસીન્સનો ઓથ વાળી દઈ ઈસ્લામને પૂર્વ એશિયામાં પ્રવેશતો રોકવામાં એનો ફાળો હતો. ૯ વર્ષની ઉંમરથી જ આંતરિક કબીલાઓની લડાઈમાં જોડાઈ ગયેલો. વીસ વર્ષે કેદ પૂરાયેલો. અને ૪૬ વર્ષે સમ્રાટ બની ગયો. મોંગોલ ચીફ લીડર 'ખાન.'

કેવળ તાકાતથી કોઈ મહાન વિજેતા બની શકતું નથી. એની સાથે સમય પારખવાની સૂઝબૂઝ, વ્યૂહરચનાની ચાલાકી અને હાર માન્યા વિના ઝઝૂમવાનો અડગ આત્મવિશ્વાસ જોઈએ. ચંગીઝ ખાન બેધડક દુશ્મનને મૂળમાંથી વાઢીને પૂરો કરવાની પોલિસીમાં જ માનતો હતો. પણ સાથોસાથ કબજે કરેલા પ્રદેશો અને શરણે આવેલા શત્રુઓ બાબતે રહેમદિલ હતો. એના કેટલાય સેનાપતિઓ એણે હરાવેલા દુશ્મનોમાંથી જ પસંદ કરેલા હતા. પ્રજા એના સ્થિર શાસનમાં રાજી રહેતી.

ચંગીઝ ખાન તો મોંગોલિયાનો હતો. ત્યારે જેને મેઈનલેન્ડ ચાઈના, ચીન કહીએ એની ત્રેવડ નહોતી. ચંગીઝ ખાન સામે ટકી રહેવાની, મૂળ ઓસ્ટ્રિયાનો હિટલર જેમ જર્મનીનો સર્વેસર્વા બન્યો, એમ જ મોંગોલ ચંગીઝ ચીનનો સર્વસત્તાધીશ થઈ ગયો. એ સમયે જગતનું સૌથી વિરાટ સામ્રાજ્ય ચંગીઝ ખાનનું ચાઈનીઝ સામ્રાજય હતું. ૧૨૨૭ની સાલમાં આજથી ઓલમોસ્ટ આઠસો વર્ષ પહેલા એ મર્યો, ત્યારે એક કરોડ પાંત્રીસ લાખ ચોરસ કિમી.નો પ્રદેશ એના માલિકીનો હતો. આખા એશિયા ખંડનો ત્રીજો ભાગ. ગ્રેટ એલેકઝાન્ડર ઉર્ફે 'વિશ્વ વિજેતા' ગણાતા સિકંદરથી બમણો મોટો પ્રદેશ - પેસિફિક ઓશનથી કાસ્પિયન સી સુધી.

ચંગીઝ ખાનનો પૌત્ર કુબ્લાઈ ખાન તો દાદાથી સવાયો હતો. ચંગીઝ ખાનને ત્રણેક હજાર રાણીઓ હતી તો એને સાતેક હજાર (ઘણા ચહેરેથી ચાઈનીઝ દેખાતા લોકો, જગતની અડધો ટકો વસતિ ચંગીઝના જીન્સ ધરાવતા હોય, એવી એક સિરિયસ સાયન્ટિફિક થિયરી છે !) પણ કુબ્લાઈની રાજનીતિમાં મહાકુશળ માતાએ એને બચપણથી મલ્ટીકલ્ચરલ એજ્યુકેશન આપી મોંગોલ ઉપરાંત ક્રિશ્ચિયન, ઈસ્લામ, બૌદ્ધ, તાઓઈઝમ જેવા એની આસપાસ જે ધર્મો હતા, એનું પ્રશિક્ષણ આપી શિખામણ આપેલી કે લાંબુ સમૃદ્ધ રાજ કરવું હશે, તો માત્ર લશ્કરી પરાક્રમ નહિ ચાલે, પ્રજાનો વિશ્વાસ જીતવા - બધાનો સુમેળ જાળવતું યેલરન્સ કેળવવું પડશે. એટલે આઉટસાઈડર ચંગીઝ ખાનનો વંશજ કુબ્લાઈ ખાન સત્તાવાર રીતે ચીનમાં 'યુઆન વંશ' એનો ઈતિહાસમાં ભેળવી દઈ, ચાઈનીઝ શાસક તરીકે સ્વીકૃત થયો. જોકે મોંગોલ ટ્રેડિશન અપનાવી એણે સ્ત્રીઓને ઉંચો દરજ્જો આપેલો. કામિકાઝી પવનોને લીધે જાપાનમાં એનો નૌકાકાફલો પરાજીત થયો એ સિવાય કુબ્લાઈ દાદાના પંથે સરહદો વિસ્તારતો ગયો. એનો શાંગડુ (ઝનાડુ)નો સોના અને આરસનો બનેલો સમર પેલેસ તો બચ્યો નથી. પણ બૈજીંગને પાટનગર બનાવવાનો નિર્ણય બચેલો છે.

કુબ્લાઈ ચીનના રાજવંશોને હરાવવા યુરોપની (લોર્ડ ઓફ ધ રિંગ્સ કે બાહુબલી જેવી ફિલ્મમાં દેખાતી) મોટી ગોફણોથી દીવાલો તોડતા ગોળા ફેંકવાની ટેકનિક લઈ આવ્યો. જે વાયા પર્શિયા (ઈરાન) આવી હતી. કુબ્લાઈએ પૌત્ર તેમૂર (તૈમૂર ઉર્ફે તિમૂર લંગ ભારત આવેલો એ અલગ)ને રાજ સોંપ્યું. સો વર્ષ એ વંશ ચાલ્યો. ચીનની ગ્રેટ વોલથી બહાર મોંગોલિયાથી આવેલા યોદ્ધાઓ ચાઈનીઝ બન્યા. એમણે સ્વકેન્દ્રી ચાઈનીઝ એમ્પાયરને બહારની ચીજો સ્વીકારવા પણ જરા ખુલ્લા કર્યા પછી પેલા ટિપિકલ ચાઈનીઝ ગાજ અને બટન વચ્ચે જગ્યા રહે એ ટૂગલ એન્ડ લૂપ બટન આવ્યા. ટીપોટસ અને મરચાં બહારથી આવ્યા. અને એમ જ આવ્યું અફીણ !

    

ચંગીઝ-કુબ્લાઈએ ચીનનો જે નકશો બાવડાંના બળે ઉભો કરેલો પછી સ્ટીરોઈડ લઈને પહેલવાન થયેલા હલ્ક સાઈઝના ચીનનો દબદબો શરૂ થયો. શાસકોના વંશ બદલાતા ગયા પણ પેલો નકશો બાપીકા વારસાની જેમ પેઢી દર પેઢી મનમાં ચોંટી ગયો, જે ખરેખર તો પાડોશી પરદેશી મોંગોલિયાથી આવેલા લડાકૂઓની ભેટ હતી. ચાથી રેશમ જેવા અનેક ઉત્પાદનમાં અવ્વલ ચીન પાસે વિસ્તાર જેવડી મોંગોલિયન બ્રીડ (ચૂંચી આંખ, નીચું કદ, પીળાશ પડતી ચામડી અને યુવા રહેતા ગોળાકાર ચહેરા) વસતિ પણ વધતી ગઈ. શિસ્તબધ્ધ પ્રજા અને ભારતમાંથી આયાત કરેલા બુદ્ધનો મધ્યમમાર્ગી સાંસારિક સંદેશ. પણ પૂર્વના દેશો ટણીમાં એક ભૂલ કાયમ કરતા આવે છે, જે પશ્ચિમના દેશો નથી કરતા. એ ભૂલ છે: પ્રાચીન પરંપરાઓને સંસ્કૃતિમોહમાં વળગી રહેવાની જીદને લીધે નવીનતાનો તિરસ્કાર. પરિવર્તન તરફ આંખ મીંચામણા. પરિણામે ઉભો થતો સુપિરિયોરિટી કોમ્પલેક્સ. ધીરે ધીરે અર્ધ સત્ય, અર્ધ સરમસત્યમાંથી ઉભો થતો વાયોલન્ટ ઈગો.

મુઠ્ઠીભર અંગ્રેજોએ આમ જ કેન્યાથી કેનેડા, ઈન્ડિયાથી ઓસ્ટ્રેલિયા સુધી ઝંડા ફરકાવી દીધા. વિસ્તારવાદ સાથે ભળ્યું સાયન્ટિફિક એક્સપ્લોરેશન એન્ડ એડવેન્ચરનું મિક્સ અપ. હોશિયારી મેદાનની સાથે મનના યુદ્ધમાં પણ કામ લાગે એવી ઘડાતી જાય. અને ખુદની જ ભૂલોની જૂની બેડીઓ તૂટીને નવી નવી પ્રગતિ થતી જાય.

એની વે, અંદરોઅંદર લડતા રહી ને રૂઢિચુસ્ત મદમાં નવું શીખવા તરફ બેદરકાર ભારત પર પરદેશી હૂમલાખોરો આવતા ગયા અને અંગ્રેજો એમાં છેલ્લે મજબૂત અને સ્થિર થયા. ને બાજુમાં જ અથડાયું ચીન. એક વર્તમાન વિસ્તારવાદીનો એક ભૂતકાલીન વિસ્તારવાદી સામેનો આ ટકરાવ હતો અને બ્રિટિશ રાજના હિન્દ તથા ઇમ્પિરિયલ ચાઇનાની પડખે અડોઅડ એ સમયના બે વિશાળ સામ્રાજ્યો હતા. ઓટોમન તુર્ક અને રશિયા.

અંગ્રેજોએ એક બાજુ અફઘાનિસ્તાન સુધી જઈ રશિયા પર પોલિટિક્સ ચેસના 'ચેક' ગોઠવવાની શરૂઆત કરી (આ 'કેસરી' જેવી ફિલ્મોની કહાની ત્યાંથી તો આવી !) બીજી બાજુ ચીન પર ડોળો માંડયો. ચીન ભૌગોલિક વિસ્તાર અને વસતિ જતાં હડપી શકાય એવડો કોળિયો નહોતો. મોટો લાડવો ખાવા જવામાં ગળું ચિરાઈ જાય. માટે એને ફસકવા દેવો પડે કે ચૂરચૂર કરવો પડે. ભારતમાં થોડા હજાર ગોરા અંગ્રેજો હોય ત્યાં તરત તો લશ્કરી જીત કેમ મળે ?

બળને બદલે કળથી કામ લેવાની કુટિલ કોઠાસૂઝ ધરાવતા અંગ્રેજોને આજના ચીનની જેમ રસ ટ્રેડિંગ યાને વેપારમાં હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપની જ વેપારી પેઢી હતી, સરકાર નહિ. ચીનને તો જન્મજાત એમાં જ રસ હતો. પણ છેલ્લા બે દસકામાં ચીને જેમ લેબર પ્રોડક્શનના જોરે યુરોપ- અમેરિકાના નાણાં બાકાયદા પડાવી લીધા, એમ જ એ વખતે વ્યૂહરચના રાખેલી ચીનની ચા, રેશમ અને પાર્સેલીન યુરોપમાં પ્રિમિયમ દામ અપાવતી ચીજો ગણાતી.

એક ઉદાહરણ છેક સત્તરમી સદીના મધ્ય ભાગે બ્રિટનમાં ચાઇનીઝ ટી અડધો કિલોના ૨૦ પાઉન્ડ (ત્યારના ! આજે ય ૨૦ પાઉન્ડ એટલે બે હજાર રૂપિયા થાય ઓલમોસ્ટ)ના ભાવે માત્ર રોયલ લોકોને પોસાય એમ વેચાતી. તે એનાં વધુ વેપાર નેધરલેન્ડસના લોકો ચીન સાથે કરતા. સારાક રોઝે થ્રીલર જેવી એની હિસ્ટ્રી બુકમાં નોંધ્યું છે કે, ચીનથી ચાનો વેપાર (જે ચાનો પરિચય અંગ્રેજોને ભારતમાં થયેલો) મેળવવા ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સ્કોટિશ રાબર્ટ ફોર્ચ્યુન નામના ઉસ્તાદ તજજ્ઞાને ૫૦૦ પાઉન્ડ વાર્ષિકના 'માતબર' પગારે રાખ્યા એણે ચાઇનીઝ ભાષા શીખી. માથે મૂંડો અને ચોટી રાખી. શાંઘાઈથી ત્રણ મહિના ચાલીને ચાના બગીચે પહોંચ્યો. ગ્રેટ વોલની પેલે પારનો (જ્યાં ત્યારે ચીનની ચીંધ્યુ કામ કરતી પ્રજા કદી જતી જ નહિ) ચાઇનીઝ હોવાની ઓળખ આપી ચાના હજારો બીજ ભારત પહોંચાડી ભારતમાં ચાનુ ઉત્પાદન વધારવાનું શરૂ કર્યું.

બીજી એથી મોટી ઘટના જેની અસરથી ઇતિહાસ બદલાયો. ચીન બ્રિટિશ વેપારીઓને ચીજો વેચતું પણ એમની ચીજો બદલામાં ખરીદતું નહિ ! (આ વાયડુ વલણ આજે પણ ચાલુ છે !) ચીજોના બદલામાં એ એકમાત્ર ચાંદીના સિક્કા જ માંગે. બ્રિટનનો સિલ્વર સ્ટોક ધીરે ધીરે ચીનમાં જવા લાગ્યો ! (આજે ય એમ જ થાય છે !) ને સીધું યુદ્ધ તો જીતી શકાય એમ નહોતું.

ખુરાફાતી દિમાગના અંગ્રેજોએ લડાવેલો ચીનને ચકરાવે ચડાવી દેતો આઇડિયા આજે ય મશહૂર છે. સ્ટીફન પ્લાટનું 'ઇમ્પિરિયલ ટ્વીલાઇટ' પુસ્તક વાંચવા જેવુ છે એ માટે (સરખી કોલમ ન વાંચે અખબારમાં, એવા લોકો આખી ઓથેન્ટિક બૂક વાંચે એ દૂરનું સપનું ગણાય જો કે.) એ 'ઓપિયમ વૉર'ચીનની તાકાત એની કાર્યશક્તિ (ફેક્ટરી ઓફ ધ વર્લ્ડ બનવાની ગુ્રપ ડિસિપ્લીન) હતી. એમ પાયામાં જ ઘા મારવા અંગ્રેજોએ કાયદેસર અને ગેરકાયદેસર ભારતીય ઉપખંડના પ્રદેશોમાંથી અફીણ ત્યાં ઘુસાડવાનુંશરૂ કર્યું. એ ૧૯મી સદીના આરંભે દર્દશામક પણ ખરું અને કેફી પણ ખરું.

ચીનની પ્રજાને અફીણના 'રવાડે' ચડાવી દીધી. બ્રિટિશરોએ લડવાની, ઉત્પાદન કરવાની, સાચું વિચારવાની સામાજિક તાકાત તૂટતી ગઈ. હિન્દુસ્તાન, ઇસ્લામિક દેશોને આવી જ રીતે ધર્મનો નશો ચડી ગયો છે. એટલે ક્યારેય સાયન્સ, ટેકનોેલોજી, ઇનોવેશન જેવી ચીજો તરફ ધ્યાન જતું જ નથી.

પ્રાચીન, વારસાના ગૌરવના નામે અંદરોઅંદર જ કૂટાઈ મરે છે. પણ કદી પેટન્ટ, એજ્યુકેશન, આર્ટ જેવા મામલે ઇન્ટરનેશનલ લેવલ પર ટકે એવી ટેલેન્ટનું ફ્યુચર બનાવતા નથી. ધર્મને અફીણ કહેતા કાર્લ માર્કસનો સામ્યવાદ જ અફીણની જેમ ઘણાં દેશોને ખોટી દિશામાં ખોખલા કરીને જૂઠા ગુમાની બનાવતો ગયો. જડસુઓ પોતપોતાના અફીણી કેફમાં ગુલતાન રહી એમના સાચા હિતચિંતકોને જ કોસ્યા કરે અને વેસ્ટર્ન યાર્ડ કે એ જ રાહ પકડેલા અન્ય દેશો સાચુકલો વિશ્વાસ કર્યા કરે છે.

ડ્રગ એડિક્ટ બની ગયેલા ચીને એના દેશમાં બ્રિટીશરો દ્વારા ઠલવાતો અફીણનો જથ્થો રોકવાની કોશિષ કરી. તરત જ એવી કજીયો કરવાની તકની રાહ જોતા અંગ્રેજો બાહોશ નેવલ કમાન્ડોના લશ્કર સહિત ગાફેલ ચીન પર તૂટી પડયા. લડતાં પહેલાં જ સામા પક્ષને આભાસી નશામાં ખોખલો કરી દેવાનું આયોજન કર્યું હતું.

ચીન ઝીંક ન ઝીલી શક્યું. સુવર્ણ યુગની જગ્યાએ કથીરયુગ શરૂ થયો. ભારતીય સૈનિકો ય જેમાં હતા એ બ્રિટિશ આર્મીએ ચીનને ભૂંડે હાલ હરાવ્યા બાદ અંગ્રેજોએ રાબેતા મુજબ યુદ્ધના ખર્ચ ઉપરાંત આખું હોંગકોંગ માંગી લીધું અને બેરોકટોક ચીનમાં કોઈ પણ સાથે 'ફ્રી ટ્રેડ' કરવાના અધિકાર મેળવી લીધા.

ડિટ્ટો આરબ વર્લ્ડમાં આમ જ કર્યું છે, યુરોપે પણ એ જુદી કહાની થઈ. ચીન નબળું પડતાં જ ચંગીઝખાનના જમાનાથી કબજે થયેલા પ્રદેશોની અસ્મિતા જાગવા લાગી એમાં ય ૧૭૪૪માં જ્યોર્જ બોગલ નામના સ્કોટિશ ગોરાએ વેપાર માટે જ્યાં પગરણ કરી દીધેલા એ દુર્ગમ પહાડોવાળા તિબેટે છેડો ફાડી નાખ્યો. ધાર્મિક વડા દલાઈ લામાના નેતૃત્વમાં એ સ્વતંત્ર થાય એ પહેલાં બ્રિટીશરોએ એને ય પછાડી (૧૨ બ્રિટિશ હિન્દ આર્મીના સૈનિકો સામે તિબેટિયન આર્મીના ૬૦૦ સૈનિકો મરાયેલા !) ત્યાં 'લ્હાસા ટ્રીટી' કરીને પોદળામાં 

પોતાનું સાંઠીકડુ બફર સ્ટેટ તરીકે ખોસી દીધું પણ અંગ્રેજો જ ભારતમાંથી જતા રહ્યા, એ વખતે પાયાલ થયેલ દરેક દેશ જેનું સપનું જોવે એ વાયડા વામપંથીઓની ક્રાંતિ ભૂખડીબારશ ને દુકાળિયા બનેલા ચીનમાં સફળ થઈ.

અને ૧૯૫૦માં ચીનની સામ્યવાદી સરકારે તિબેટ પર કબજો સ્થાપી ત્યાંના શાસક વર્તમાન ૧૪મા દલાઈ લામાને ઘૂંટણિયે પાડી દીધા. જેના શોકવેવ ભારત આવ્યા !

ચીન અને ભારત સાથે ભાઈ-ભાઈના નારા લાગતા હતા. નેહરૂ ચ્યાંગ કોઈ શકેના ત્યારે ચીન તાઇવાન પણ કબજે કરી લીધું. આપણો કાશ્મીર પ્રશ્ન ત્યારે સળગેલો હતો. છતાં ભાગીને તિબેટથી આવેલા દલાઈ લામાને ભારતે શરણ આપ્યું. ચીન ધૂંધવાયું. બ્રિટીશરોએ કબજે કરેલા - ભારતીય પ્રદેશોની સરહદોનો આજે ય વિવાદી દાવો શરૂ કર્યો ને દગાખોરીથી ૧૯૬૨ની વોર શરૂ કરી, ભારતને ઉંઘતું ઝડપી હંફાવ્યું. પછીનો ઇતિહાસ આજકાલ તો ઉલટો વધુ જાણીતો છે.

દલાઈ લામાએ પણ ઘણી વાર ભારતમાં રહી ફેરવી તોળ્યું છે. ચીનને એના તિબેટમાં ક્રાંતિ કરતા દલાઈ લામાને ભારત આશ્રિત બનાવે એમાં વાંધો છે. ભારતને તિબેટ પરંપરાગત રીતે વધુ મિત્ર લાગે છે. તિબેટીયન ભાષાના અંકો ય દેવનાગરી જેવા છે. ચાઇનીઝ નથી. ચીન તિબેટની સામે કાશ્મીરમાં ઉંબાડિયા શરૂ કરે, જેમાં નેચરલી પાકિસ્તાન મદદ કરે છે.

ચીનમાં માઓએ વર્તમાન લોખંડી એકહથ્થુ શાસનના પાયા નાખ્યા ત્યારે જ ૧૯૪૫માં કહી દીધેલું કે - પ્રોગ્રેસ ન થાય તો વાંધો નહિ, પહેલા 'પ્રોપેગેન્ડા' કરો. પ્રચાર ભરપૂર કરો. ગપ્પાં મારો, ઉંધી ઇતિહાસની પટ્ટી પઢાવીને ય મહાનતાનું ગૌરવ લોકોના મનમાં ઘૂસાડી દો ને એના સંરક્ષક થઈ જાવ એટલે આપણે ક્રાંતિ કરી, એવી જનતા આપણી સામે ક્રાંતિ ન કરે ! આજે ય ચીનના કલ્ચર કે ખાનપાન કે દવાઓ કે સેન્સરશિપ સામે ત્યાં ફિલ્મોમાં ય જરાક જુદો મત આપો તો ગયા કામથી.

આજે ય ચાંદીના સિક્કાની જેમ ચીન બધા પાસેથી નાણા એકઠાં કરે છે વન વે. પણ પોતે ઘણા વેપારની બાંધી મુઠ્ઠી રાખે છે. દેંગ કિયાઓ પેંગની દીર્ધદ્રષ્ટિને લીધે આજે ચીન આર્થિક મહાસત્તા છે. અને આજે ય એને હજુ પેલો ચંગેઝ-કુબ્લાઈ ખાન વાળો નકશો સપનામાં આવે છે.

ખાટલે મોટી ખોડ એ છે કે જમાનો આજે ઘોડા પર આવીને બર્બર યુદ્ધો કરવાનો ને કિલ્લાઓ પર ઝંડા ફરકાવવાનો રહ્યો નથી. ને અહીં જ ચીનનું 'પાવર ડ્રીમ' એની ફોલ્ટલાઇન છે. સતત આઝાદ જિંદગી કોઇ રિમોટ કંટ્રોલ હેઠળ રહે, એ નવી પેઢીને ગમતું નથી. હોંગકોંગે બ્રિટિશ આધુનિકતાનો સ્વાદ ચાખેલો છે, એટલે જ સુખસુવિધા અને સંરક્ષણ છતાં ત્યાં યૂથમાં ચાઈનીઝ કબજા સામે ચણભણાટ છે.

તાઇવાનને કોઇ માન્યતા નથી આપતું પણ હોંગકોંગના વિશેષાધિકાર ને લિબર્ટી જોઈ એને ય ફરી જૂના વેર યાદ આવ્યા છે. માઓએ જે કેમિંગતાંગને હરાવ્યા એ તાઇવાન ગયેલા. ચીનનું સત્તાવાર નામ 'પીપલ્સ રિપબલ્કિ ઓફ ચાઇના' તો તાઇવાને રાખેલું 'રિપ્બ્લિક ઓફ ચાઇના' !

વિધિની વક્રતા તો એ છે કે ચીનને મહાસામ્રાજ્ય બનાવનાર ચંગીઝ-કુબ્લાઇ ખાનના વતન મોંગોલિયાનો જ મોટો દક્ષિણ હિસ્સો ચીને પડાવી, એને આંતરિક સ્વાયત્તતા આપી પોતાનું (કુલ ક્ષેત્રફળના ત્રીજા ભાગ જેટલું મોટું) સબડિવિઝન બનાવ્યું છે. આવી જ સ્વાયત્તતા તિબેટમાં ચીને આપી છે.

જે તિબેટની ૭૮% વસતિ દલાઈ લામાને આધ્યાત્મિક ભગવાનતુલ્ય માનતી બૌદ્ધ છે. અકસાઇ (સફેદ) કારા કોરમ (કાપા કાંકરા) જેવા નામો ધરાવતા પ્રદેશોથી આગળ પૂર્વ તુર્કી રાજ્ય છે. જેને શિનજીયાંગ નામ આપી, ચીને સ્વાયત્તતા આપેલી છે. પણ એમાં ૪૦% હાન ચીની સામે ૪૫% ઉઇગર મુસ્લિમ છે. જે ઉઈગરીસ્તાન માંગે છે. ભારત દુનિયામાં બીજા નંબરનો મુસ્લિમ વસતિવાળો દેશ છે.

ચીન કરતા આપણા ગલ્ફને અન્ય અરબ દેશો સાથે સારા સંબંધ છે. ભારત આગેવાની લે તો એ પ્રાંત છૂટો પડી શકે એમ છે, ને બદલામાં પાકિસ્તાન કબજાનું કાશ્મીર જ નહિ, સિંધ-બલૂચીસ્તાન પણ જુદા કરાવી શકાય ! (મુસ્લિમોનું ભારતમાં હોવું આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં સોગઠી મારો તો ફાયદો ય લાંબા ગાળે કરાવી શકે) મકાઉ તો હોંગકોંગની જેમ જ પોર્ચુગીઝો પાસેથી ચીને ખાસ કરાર હેઠળ લીધેલું છે. ભારતીય એરફોર્સના કબજાવાળું દૌલત બેગ ઓલ્ડી ય મુઘલોના સગા સુલતાન સઇદ ખાનનું મૃત્યુ સ્થળ છે. જ્યાં જવાના રસ્તે ગળવાન ઘાટી છે.

ટૂંકમાં, રશિયા અને કેનેડા પછી દેખાવે સૌથી મોટો લાગતો ચીનનો નકશો નક્કર સ્નાયુબદ્ધ અમેરિકા જેવો નથી. ચરબીદાર ફુલેલો છે. જેમાં છ પ્રાંત વાસ્તવમાં છ સ્વતંત્ર રહી ચૂકેલા દેશો છે. ૯૭,૦૬,૯૬૧ કિમીનો વિસ્તાર અને ૨૨,૧૧૭ કિમીની ૧૪ દેશો સાથે અડતી સરહદ ચીનની વિશ્વમાં અનોખી સ્પેશ્યાલિટીમાંથી લાયાબલિટી બની શકે એમ છે ! સમુદ્રના વિવાદો ને જાપાન-દક્ષિણ કોરિયા સાથેની માથાકૂટ જુદી ! ને હજુ નેપાળ-ભૂતાન પર ડોળો છે એ અલગ.

ચીન જીનિપિંગના સમયમાં જોરાવર છે, પણ ૧૯૮૯ના ટાઇનામેન સ્કવેરમાં વિદ્યાર્થીઓને કચડયા બાદ કોરોના-વુહાનને લીધે ફરી વાર એણે રૂડીરૂપાળી ચમકાવેલી ઇમેજ દુનિયામાં ધોવાઇ છે. યુરોપે એન્ટી ડમ્પિંગ ડયુટી ચાલુ કરી છે ને અમેરિકામાં તો ટ્રમ્પને વાંધો છે જ. ચીન પણ ઘૂરકિયા કરે છે. લડતું નથી. ઝૂમ કે પબજી તો ચાઇનીઝ જ નથી, પણ ટિકટોક જેવી એપ અનઇન્સ્ટોલ કર્યે ચીનને ફરક નહિ પડે.

કારણ કે ચીન જે ટોચના અગિયાર દેશો સાથે વેપાર કરે છે, એમાં ભારત નથી. પણ ભારત જે દેશો સાથે વેપાર કરે છે, એમાં ચીન અગ્રેસર છે. ઓસ્ટ્રેલિયાની કોરોના બાબતની કોમેન્ટથી ખીજાઇને ચીને ઓસ્ટ્રેલિયન માંસનો બહિષ્કાર કરેલો. પણ એ સરકારી હતો એટલે અસરકારી હતો. આપણે ત્યાં વેપારમાં ચીન અંદર સુધી ઘૂસેલું છે. બાકાયદા.

અત્યારે ૨૦૧૮થી આપણે દલાઇ લામાને ઉઘાડું સમર્થન બંધ કર્યું, છતાં વીસ જવાનોના બલિદાન દેવાયાં. જેની ખબર પણ પાછળથી પડી, ને આપણું એક ઇંચ જમીન પર કબજો નથી વાળું નેરેટિવ તો ખંધા ચીને પકડી લીધું, ને આપણે ખુલાસો કરવો પડયો. પણ વીરગતિપ્રાપ્ત શહીદોને વંદન માટે આપણે એકી અવાજે આપણી આસ્થાના પ્રતીક જેવા કૈલાસ-માનસરોવર માંગવાની શરૂઆત દેશવ્યાપી ન કરી શકીએ ? શરૂ તો કરીએ, પડઘો ભલે મોડો પડે. હર હર મહાદેવ.

ઝિંગ થિંગ

'જો ડરો તો એ બાબત કરો નહિ, કરો તો પછી ડરો નહિ.' (ચંગીઝ ખાનનું વિજયસૂત્ર)

Tags :