Get The App

ઓફિસ અને અફેર્સ : છાનું ને છપનું કંઈ થાય નહિ, થાય નહિ...

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
ઓફિસ અને અફેર્સ : છાનું ને છપનું કંઈ થાય નહિ, થાય નહિ... 1 - image


- અનાવૃત-જય વસાવડા

- 'અફેર્સ આર ધ ઈમોશનલ પેઈનકિલર્સ!' આ ચોટડૂક વાક્ય કેથી નિકરસનનું છે જેણે ૨૫ વર્ષથી આ વિષયમાં કામ કરીને પીએચડી થઈને પુસ્તકો લખ્યા છે રિલેશનશિપ એક્સપર્ટ તરીકે!

જી મીનો જન્મદિન હતો. સવારે ઉઠયો ત્યારે એને હતું કે એની પત્ની એને પહેલા હેપી બર્થ ડે કહેશે. પણ એ તો કંઈ બોલ્યા વિના કામમાં પરોવાયેલી રહી. સામેથી જીમીએ એને કહ્યું કે 'આજે મારો બર્થ ડે છે તું ભૂલી ગઈ ?' ત્યારે એણે પરાણે કોઈ સ્માઈલ વિના ઠંડા સાદે કહી દીધું  : હેપી બર્થ ડે. જીમી હતાશ થયો પણ એને હતું કે બાળકોને તો વિશ કરશે ને પાર્ટી માંગશે. પણ દીકરો સીડીના પગથીયે બેસીને કોઈ ગેમ રમતો હતો ને દીકરી હેડફોન પર મ્યુઝિક સાંભળતી સોફામાં આળોટતી હતી. કોઈએ જીમીના તૈયાર થઈને આવવા ને ઓફિસે જવાની નોંધ પણ ના લીધી. જીમીને અજીબ લાગ્યું કે બર્થ ડે પર પોતાનાઓની આવી બેરુખી ? 

ઓફિસે એની ફેશન મોડલ જેવી ફૂલફટાક ફૂટડી સેક્રેટરી સ્ટેલાએ એને આવતાવેંત જ મસ્ત સ્માઈલ આપીને હેપી બર્થ ડે કહી ને ચોકલેટ આપી ને અડધી શેર પણ કરી ! સ્ટેલા જાણે કોઈ ફંક્શન હોય એમ તૈયાર થઈને આવેલી. લટકમટક ચાલ જોવી કે એના હાઈ હિલ સેન્ડલનો ફર્શ પર ટકરાવાનો અવાજ સાંભળવો એ જીમીને સમજાયું નહિ. એની ફ્રોસ્ટેડ લિપસ્ટિક પણ મોહક હતી ને હળવા મેક અપ સાથે ચુસ્ત પહેરેલો ડ્રસ પણ આકર્ષક હતો. દેખીતી રીતે મોંઘુ પરફ્યુમ પણ છાંટેલું હતું. જીમીએના નિઓન નેઈલ પોલિશથી રંગેલા નખોથી જાણે વીંધાઈ ગયો હતો. એ ધ્યાન પરાણે કામમાં પરોવાયેલું રાખવા પ્રયાસ કરતો હતો ત્યાં સ્ટેલાએ કહ્યું કે 'સર આજે તમારો બર્થ ડે છે, તો જોડે લંચ પર જઈએ ?'

જીમીને થયું કે બેકદર પરિવાર ભૂલીને પણ પ્યાર સામેથી મળી શકે છે, જો જરાક રિલેક્સ રહીને જાતને મજાઓ માટે મોકળી કરીએ તો. એણે હા પાડી. સ્ટેલાએ કહ્યું 'આસપાસના પોપ્યુલર રેસ્ટોરાંમાં ક્રાઉડ હશે. ઘોંઘાટમાં વાતોની મજા નહિ આવે. મારા ઘરની નજીક એક શાંત જગ્યા છે, ત્યાં જઈએ ?' જીમીને તો મનમાં ચોકલેટ્સ ફૂટવા લાગી. એણે હા પાડી. લંચમાં જોયું કે સ્ટેલાનું ફોકસ જાણે એને વધુ ને વધુ સમય ત્યાં બેસાડી રાખવા પર છે. એને સારું લાગ્યું ને પોતાના દર્દને ખોલીને દાસ્તાન કહેવાનું શરુ કર્યું. અંતે સ્ટેલા જ ટહૂકી : આજનો બર્થ ડે ઓફિસમાં જઈને બોર થવા માટે નથી. મારું ઘર પાસે જ છે, ત્યાં બેસીએ થોડી વાર. જીમીને થયું ઉપરવાળાએ પર્સનલ પાર્ટીની ગિફ્ટ એરેન્જ કરી છે. તરત જ એ તૈયાર થઇ ગયો.

સ્તેલાનું ઘર પણ પોશ એરિયામાં હતું. જીમીને થયું પ્રોફેશનલ ફિલ્ડમાં આટલી પ્રગતિ એણે ઝપાટાબંધ કરી નાખી હશે. સેક્રેટરી સ્ટેલાએ ઘેર હાથ પકડીને ખાસ એક સોફા પર બેસાડયો. જીમી રાજીરાજી થઇ ગયો એકાંત અને ગમતો સાથ જોઇને. સ્તેલાએ આંખો નચાવી લાડથી કહ્યું, 'સર એક સરપ્રાઈઝ છે, પણ બેસો હું જરા ચેન્જ કરીને આવું !' જીમીનું દિલ ધડકવા લાગ્યું ને આવેગ ફૂંફાડા મારી આળસ મરડવા લાગ્યો. 

થોડી મિનિટો બાદ ગોલ્ડન બોર્ડરવાળો રેડ ગાઉન લહેરાવતી સ્ટેલા પ્રગટ થઇ અને એના બેડરૂમનું બારણું ખુલ્યું. 'હેપી બર્થ ડે ડાર્લિંગ...' એ અવાજ સંભળાયો પણ એ સ્ટેલાનો નહોતો. એ તો જીમીની વાઈફનો હતો. અચાનક જ જીમીને સરપ્રાઈઝ પાર્ટી આપવા જીમીના બાળકો મસમોટી કેક હાથમાં લઇ આવ્યા પાછળ એની પત્ની ને ઓફિસના સાથીઓ, મિત્રો, પારિવારિક સ્વજનો ને પડોશીઓનું ચાલીસેક વ્યક્તિઓનું ટોળું હતું ! 

પણ જીમી આનંદિત થવાને બદલે થીજીને સ્તબ્ધ થઇ ગયો હતો ! બર્થ ડે સોંગ એના કાનમાં જતું નહોતું. કારણ કે એ સ્ટેલા આવે ત્યાં સુધીમાં બર્થ ડે સૂટમાં આવી ગયો હતો ! બેઠો હતો એની રાહ જોતો બધા જ કપડાં કાઢીને અનાવૃત !

***

થોડો સાહિત્યનો સ્પર્શ આપી ટૂંકી વાર્તાની જેમ રજુ કરાયેલો આ ટુચકો ઘણી વાર હકીકત બની જતો હોય છે. ફર્ક એ કે એમાં સ્ત્રી કે પુરુષના રોલ બદલાતા રહે ને ઓફિસમાં સાથે કામ કરનાર કલીગ સાવ માસૂમ મૈત્રીમાં પરોવાયેલા નથી હોતા. જેમ કોલ્ડપ્લેની કોન્સર્ટમાંએક સ્કેન્ડલએક્સપોઝ થઇ ગયું ! અમેરિકન કંપની એસ્ટ્રોનોમરના સીઈઓ એન્ડી ને એની હમણાં જ કંપનીમાં પ્રમોશન પામેલી એચ આર મેનેજર  ક્રિસ્ટીન બાહોંમાં બાંહો નાખી ડોલતાચૂમતા કેમેરાની આંખે ચડી ગયા ! લીડ સિંગર ક્રિસ માટીને આ પ્રૌઢ યુગલનો પુરુષ જે ઝડપે લપાઈ ગયો ને સ્ત્રીએ ચહેરો ઢાંક્યો એની હળવી મજાક કરીને નેટીઝનોએ ઓળખ શોધી કાઢી !

પણ આ કોઈ નવીનવાઈની વાત નથી. અરે અમેરિકન કે વેસ્ટર્ન પણ નથી. આ મામલે દેશ દેશ માટીના ચૂલા છે. લગ્નેત્તર સંબંધો કે અફેર લગ્નસંસ્થા માણસજાતે શોધી એટલા જ જૂના છે. મહાભારતમાં એક જગ્યાએ ર્દુર્યોધન રાધેય કર્ણને સૂતપુત્ર કહેવામાં પાંડવોને ટોણો મારે છે કે તમારા કોઈના જન્મ ક્યાં ખરેખર પાંડુના પુત્રો તરીકે થયા પણ છે ! એમ તો દુર્યોધન ને કૌરવો પણ જરા વેગળી રીતે જન્મેલા છે. ને ધૃતરાષ્ટ્ર કે વિદૂર કે પાંડુ પણ ક્યાં સીધી રીતે લગ્ને જોડાયેલા માતાપિતાની સંતતિ છે ! દરેક અર્થમાં એ વેદવ્યાસનું સર્જેલું જગત છે !

દુનિયાભરના ધાર્મિક સાહિત્ય હોય કે સાંસ્કૃતિક કથાકવિતાઓ હોય, અફેર્સ અજાણી બાબત નથી. બાળકોના ગણાતા પંચતંત્રમાં આવી કામકથાઓ છે. વિનય શુક્લાએ એમાં 'મિર્ચ' જેવી તમતમતી ફિલ્મ બનાવેલી. પહેલી સ્ટોરી રાજપાલ અને રાઈમાની યાદ છે? પતિને પોતાના કરતા અનેકગણી સુંદર પત્ની હોઈને અસલામતી વર્તાય છે, અને એ કામ પર જવાના બહાને નજર રાખે છે. પથારી નીચે સંતાયેલો રહે છે ને પાડોશી પુરુષ એની પત્ની સાથે શય્યાસાથી બને છે પણ ચબરાક સ્ત્રી શંકાશીલ પતિની હાજરી કળી જઈને એને સંભળાય એમ કહે છે કે મારા પતિનું મૃત્યુ ટાળવા માટે મારે અન્ય પુરુષનો સંગ કરવો એવું જ્યોતિષીએ કહ્યું છે, માટે હું આ ક્રીડા તો એક પતિવ્રતા નારી તરીકે કરી રહી છું! 

રાજવી કવિ કલાપી શોભનાથી વડાપ્રધાન નેહરુ એડવિના સુધી એની વાસ્તવિકતા વાર્તા કરતા ઘણી ઘેરી છે. પણ જગતમાં અફેર સૌથી વધુ થાય છે ઓફિસમાં, યાને સાથે કામ કરવામાં એવું કેટલાક સર્વેક્ષણ પુરવાર કરે છે. બીજા નંબરે સોશ્યલ મીડિયા કે ને ત્રીજા નંબરે પાર્ટી ટાઈપ મેલવાળા લગ્નો કે જાત્રા ટાઈપ ઉત્સવો આવે છે. 

કેમ ઓફિસમાં આટલા અફેર્સ થાય છે? આ જ ડરથી પિતૃસત્તાક માનસિકતાએ સ્ત્રીને બુરખો પહેરાવ્યો અને વધુ ભણવા કે સ્વતંત્ર કરીઅર બનાવવા પર પાબંદીઓ નાખી. પણ કોઈ લફરું થોડંય એકલી સ્ત્રી કે એકલો પુરુષ કરે છે? બેઉ પક્ષ એમાં એકસાથે સંકળાયેલા ને સંડોવાયેલા હોય છે. પાછળથી વાંકું પડે તો એકબીજા પર દોષારોપણ કરતા ગંદા લૂગડાં જાહેરમાં ધુએ એ પહેલા ખાનગીમાં તો કોઈને કોઈ અપેક્ષા અને આનંદ માટે લહેરથી લપસી પડેલા હોય છે. બીજાઓની નીતિમત્તાની ઠેકેદારી લેતા રાજકારણ, ધર્મ અને સાહિત્યના ક્ષેત્રે જ આની ભરમાર હોય છે. પણ તારક મહેતા જેવા ઓછા ભડ હોય છે જે ખુલીને આ બધું લખે. બાકી તરુણ તેજપાલ હોય કે એમ જે અકબર, એન ડી તિવારી હોય કે તેજપ્રતાપ યાદવ... ઇસ હમામ મેં સબ.... ધારાસભ્યોના વાઈરલ વિડીયો આવે છે, અહીં તો ઉપપત્નીઓ છતાં પુરુષ મંત્રી મુખ્યમંત્રી થઇ જાય અને સ્ત્રી પણ એમ જ સહારો લઈને એવા હોદ્દા પર પહોંચે એ પણ અજાણ્યું નથી. બટ વ્હાય, વર્કપ્લેસમાં તો સ્ટ્રેસ હોય કામનો ત્યાં રોમાન્સ ક્યાંથી?

***

'અફેર્સ આર ધ ઈમોશનલ પેઈનકિલર્સ!' આ ચોટડૂક વાક્ય કેથી નિકરસનનું છે જેણે ૨૫ વર્ષથી આ વિષયમાં કામ કરીને પીએચડી થઈને પુસ્તકો લખ્યા છે રિલેશનશિપ એક્સપર્ટ તરીકે ! વેલ, મૂળભૂત રીતે કોઈને ચાહવાનું ને કોઈ આપણને વળતું ચાહે એ સ્વીટ ફીલિંગ અનુભવવાનું એક પ્રકારનું એક્સાઈટમેન્ટ પેદા કરે છે. દરેક કામ એક પ્રકારનો કંટાળો તો ભલભલાને માટે લઇ જ આવે. એમાં ભલે ઉજાગરા કે ટાર્ગેટના પ્રેશર કે દોડધામનો શારીરિક અને અજાણ્યા લોકો સાથે માથાફોડી કરવાનો માનસિક થાક. સતત સાબિત કરવાની આવે જાતને ત્યાં થોડોક સ્ટ્રેસ તો આવે જ. બાયોલોજીકલી પણ કામ યાને વર્કના થાકને ભગાવવા કામ યાને સેક્સનો એન્ટીડોટ અકસીર અને આસાન છે. અને એમાં વધુ નજીક યાને પ્રોક્સીમિટી અને ફેમિલિઆરિટીમાં રહેલા લોકો સાથે સંબંધ બંધાઈ જાય છે. 

કામના સ્થળે માણસ આમે પ્રોફેશનલ થઇ જાય. એના વસ્ત્રો વ્યવસ્થિત હોય, વાતચીત વિવેકી હોય, અને તરવરાટથી બીજા કરતા વધુ ઉત્સાહ કે જોશ બતાવે સરખામણીમાં આગળ નીકળે એ માટે. પોતાનું બેસ્ટ ઠાલવે. મેક અપ હોય કે મેનેજમેન્ટ. ત્યાં કંઈ બાળઉછેર કે કરિયાણા કે સાફસફાઈ કે રસોઈની વાતો ના હોય. ઉલટું એ બધામાંથી વેલકમ બ્રેક મળે. એક જ પ્રોફેશનલ સાઈડ ચમકાવીને દેખાડવાની હોય ત્યાં. નેચરલી પોતાના રેગ્યુલર પાર્ટનર કે જીવનસાથી કરતા આ વ્યક્તિત્વ વધુ મોહક અને પ્રભાવશાળી લાગે. વધુ સમય સાથે વીતાવવામાં ક્યાંક ઘરમાં કે ફેમિલીમાં માથાકૂટ થઇ હોય એની હતાશા ખંખેરવાની નિકટતા પણ મળે ! એમાં સાથે કામ કરતા સહયોગી દાંપત્યના પતિ કે પત્ની કરતા વધુ સહાનુભુતિ ધરાવતા લાગે. ક્યારેક ઘરમાં વારંવારના ઘર્ષણથી સાથી સુંદર કે સંસ્કારી હોવા છતાં એના માટેનું આકર્ષણ ઓસરી નજાય કે કારણ કે કાયમી દલીલો કે એકબીજાના કોન્સ્ટન્ટ ક્રિટિસિઝ્મમાંથી મોટે ભાગે પુરુષોને અને ક્યારેક સ્ત્રીઓને એક પ્રકારની માનસિક શાંતિ ને નિરાંત જોઈતી હોય.

લગ્નેત્તર સંબંધો પર ત્રણેક જેટલા બોલ્ડ પુસ્તકો લખનારા મનોવ્યાપારના મરમી એવા દિવંગત સાહિત્યકાર રજનીકુમાર પંડયાએ એમના 'મહામંડપ' પુસ્તકમાં લગ્ન પર લખ્યું છે : 'શબ્દો હવામાં ફેંકાઈને વીખરાઈ જ નથી જતા-ચોંટી પણ જાય છે. ધીરેધીરે એમાંથી એકબીજાના સ્વભાવ, વર્તન વગેરે વિષેનાં તારણો નીકળવા માંડે છે અને એ તારણોને સમર્થવા માટે મન નવાનવા કાચાપાકા પુરાવા પણ શોધતું જ રહે છે. એ બધી માનવીના મનમાં પડેલા અહંની લીલા છે. 'એ તો આવી ને આવી છે.' એમ કહેવા માટે પતિ અને એ તો 'સાવ આવા જ છે' એમ કહેવા માટે પત્નીનું મન કાચા-પાકા અધૂરા-પધૂરા પુરાવા શોધવા માંડે છે. એ તારવેલાં તારણો પરિપુષ્ટ થઈનેનુ પૂર્વગ્રહોનું રૂપ ધારણ કરે છે. પૂર્વગ્રહો બંધાયા પછી તટસ્થ મતિનાં તો બારણાં જ દેવાઈ જાય છે. આંખોનો કબજો પણ પૂર્વગ્રહો જ લઈ લે છે. કાનનો અને બુદ્ધિનો પણ. લગ્ન પછીનાં બેત્રણ વરસમાં જ આ બધું એટલું ઝડપથી બની જાય છે.

માણસના સ્વભાવને ઘડનારાં પરિબળો અનેક છે. જન્મજાત પ્રકૃતિ એ એક વાત છે અને પાછળથી કેળવાયેલી પ્રકૃતિ એ એમાં થતો ઉમેરો કે બાદબાકી છે. સ્વભાવના કાંઈ સારો' અને 'ખરાબ' એમ બે જ વર્ગીકરણ નથી. એકબીજાથી વિપરીત એવાં સ્વભાવલક્ષણો વ્યક્ત થતાં રહે છે. એ બધા જ પાછા કાંઈ વોટરટાઈટ કંપાર્ટમેન્ટ જેવા નથી. એક અત્યંત શાંત અને ડાહ્યો ગણાતો માણસ પત્ની સાથેના પોતાના વ્યવહારમાં ઉગ્ર હોઈ શકે. એટલે સ્વભાવના આવા ગુપ્ત પ્રવાહો પિછાણીને એ મુજબ આદર્શ જોડું સર્જવાનું શક્ય નથી.'

યસ, અને આમાં એક બાબત જે જાહેરમાં ઓછી ચર્ચાય છે એ સેકસના સુખમાં એકવિધતાને લીધે આવતી ઓટની ભળે છે. જેને લીધે મન સ્પર્શમાં નવીનતા શોધે છે. પછીશબ્દકોશમાં જેનો 'પીડા નોતરવી' એવો અર્થ બાકાયદા છે, એ લફરું શરુ થાય. કયારેક કોઈ અણધારી ઘટનાથી કે મોટે ભાગે ધીમા ધીમા માઈક્રોચીટીંગથી. એમાં પણ એક ખાસ વાત એ છે કે આ અન્ય સહકર્મચારીઓ કે ફ્રેન્ડસ એન્ડ ફેમિલીથી છુપાઈને કરવાનું હોય. અને આમાં માનો કે ના માનો, એક જબ્બર થ્રિલનો અહેસાસ થાય. બોરડમ ને લીધે તો કોઈના એટ્રેકશનનો ચાર્મ બનવાની તલપ જાગી હોય ને થ્રિલ યાને રોમાંચ એ ભગાડી દે એટલે બધાથી છુપાઈ છુપાઈને મહોબ્બતની મોજ માણવામાં વધતી ઉંમર જાણે ઘટીને ટીનએજ થઇ ગઈ હોય એવો અહેસાસ થાય. પછી ભલભલા ઠરેલ ને સમજદાર લગતા માણસો નાના કિકલા જેવા થઈને ઘેલા કાઢવા લાગે કારણ કે એમાં એમને અંદરથી બહુ મજા પડતી હોય. ઢાંકવાનું છે એટલે બતાવવાની એક લિજ્જત છે. ન્યુડ બોડી કરતા બિકિની બોડી કાયમ ઈમેજીનેશનને લીધે વધુ લોભામણું લાગે એવું.

પણ આમ છુપાવવામાં કોલ્ડપ્લેમાં હોટપ્લે ઉઘાડો થઇ જાય ! પેલા બેઉએ મોઢા છુપાવવા ને સરકી જવા જેવા રિએકશન ભયભીત થઈને ના આપ્યા હોત તો પબ્લિક એ ભૂલી ગઈ હોત. પણ આમાં માત્ર પ્રાઈવેટ લાઈફ નથી. ઓફિસમાં થતી ખટપટ ને કોઈને અફેરને લીધે મળતી ખોટી ફેવર ને એમાં કામના મેરિટ પર પડતી અસર પણ હોય છે.

છતાં, આ અટકવાનું નથી. વર્કમાં બર્નઆઉટ થઇ જવામાં એક મોટો ડાઉટ આવે સેલ્ફ વર્થનો. કોઈની સાથે લફરું કરવામાં અંદરખાનેથી હજુ આપણે કોઈના આકર્ષણના કેન્દ્રમાં છીએ એવી કિક આવે છે. ઓફિસ કે બિઝનેસમાં બધાને સદાય મોટીવેટેડ રહેવાના શાબ્દિક ઇન્જેક્શન અપાતા હોય છે. આ પણ એક રીતેની જાતમાં વિશ્વાસ પેદા કરતી પ્રેરણા છે. ટીમ બોન્ડિંગ કયારે રિલેશનના બેન્ડિંગમાં ફેરવાઈ જાય છે, એ ખુદને પણ ખબર નથી રહેતી !  કોઈ પણ સંબંધમાં મુખ્યત્વે છ પરિબળો હોય છે : સંપર્ક, સંપર્ક, સંપર્ક અને સંવાદ, સંવાદ, સંવાદ. કોન્ટેક્ટ એન્ડ કોમ્યુનિકેશન ઈઝ ધ કી!

ઝિંગ થિંગ 

'પ્રાઈવસી ઈઝ પાવર. લોકો જે જાણતા નથી, એને ખતમ કરી શકતા નથી !'

Tags :