Get The App

શુગર એન્ડ સ્પાઈસ, લતા એન્ડ આશા : થાય સરખામણી તો ચડિયાતા છીએ?

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
શુગર એન્ડ સ્પાઈસ, લતા એન્ડ આશા : થાય સરખામણી તો ચડિયાતા છીએ? 1 - image

- અનાવૃત-જય વસાવડા

- લતાએ ગાયેલા બધા ગીત આશા ગાઈ શકે. આશાએ ગાયેલા અડધાથી પણ વધુમાં લતા બિલકુલ ના ચાલે 

જે મનો અભ્યાસ ઓછો અને સાચું સ્પષ્ટ કહેવાની હિંમત એથી પણ ઓછી હોય એવા લપલપ પચપચશ્રીઓ કાયમ કહ્યા કરે છે કે હાય હાય સરખામણી થાય નહીં, કરાય નહીં. એમને ઝાઝું દિમાગ લડાવ્યા વિના પોલિટિકલી કરેક્ટ રહેવું હોય છે. બાકી સરખામણી તો થાય, થવી જ જોઈએ ને એનું પરિણામ પણ સમજવું જોઈએ. એવરીવન ઈઝ યુનિક ફિલોસોફીના એંગલથી બહુ સારી ને સાચી વાત છે. બધા પોતપોતાની રીતે શ્રેષ્ઠ હોય ને બધાને પોતાની આગવી મજા હોય. રાજસ્થાનના રણ અને કેરલમનાં લીલા જંગલ બેઉ આગવી રીતે સુંદર છે. સમોસાં વધુ સારા કે રસગુલ્લા વધુ સારા એમાં કન્ફયુઝન સ્વાભાવિક છે. પણ સ્વીટસમાં રસગુલ્લા વધુ સારા કે ગુલાબજાંબુ એવો સવાલ થઇ શકે જ. ભલે જેને જે ભાવે ને ફાવે એ ખાય. પણ બધા ગુલાબની સરખામણી ગરમાળા સાથે ના થાય, પણ ગલગોટા જેવા હારમાં જોડીદાર ફૂલ સાથે તો થાય ને. અને એમાં કહેવું પણ પડે ગુલાબ એ ગુલાબ છે. રંગ, રૂપ અને સુવાસમાં બીજાઓથી ધ બેસ્ટ છે !

એક જ ફિલ્ડમાં બે જણ હોય તો કમ્પેરિઝન થાય જ. કાલ ઊઠીને કોઈ એમ કહેશે કે બધી ફિલ્મો બધા એક્ટર પોતાની રીતે મહાન છે ઓસ્કાર એવોર્ડ બંધ કરી દો. બધી ટીમો બેસ્ટ પ્રયાસ કરે છે તો વર્લ્ડ કપ ન રમાડો. ને એને ઘેલચંદ્ર કહેવાય. ચોક્કસ સમીક્ષાના ધારાધોરણ હોય એક સરખા કામ બાબતે. આધાર પર તો ઓસ્કાર જેવા એવોર્ડ અપાય ને પરફોર્મન્સની કસોટી કરવા ક્રિકેટનો વર્લ્ડ કપ રમાડાય. સરખામણી હોય જ નહિ તો દુનિયાભરમાં એક્ઝામ જ બંધ કરી દો. 

તટસ્થભાવે જુઓ તો સનાતનના બધા અવતારોમાં પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને કહેવાયા. સોઈ ઝાટકીને કહેવું જોઈએ કે સચિન દ્રવિડથી મહાન જ ક્રિકેટર હતો કે રોહિત કોહલી કરતા સારો જ કેપ્ટન હતો. પ્રિયંકા રાહુલથી કુશળ વક્તા છે ને ગાંધીજી સાવરકરથી ક્યાય ઉત્તમ આગેવાન હતા. અમિતાભ રાજેશ ખન્ના કરતા ક્યાંય સારો અક્ટર હતો, ને બોલવામાં આમિર ખાનનું શાહરૂખ સામે પાંચિયુ પણ ન આવે કે રેખા જયા ભાદુરી કરતા સુંદર જ છે ને સિડની સ્વીની સામે ઝેન્ડયાનો કોઈ ક્લાસ જ નથી ને અભિનયમાં શ્રીદેવી હેમા માલિની કરતા જોજનો આગળ હતી. જાવેદ અખ્તર ગુલઝાર કરતા સારા વક્તા જ છે, ને ગુલઝાર જાવેદ અખ્તર કરતા સારા શાયર જ છે. દરેકને પોતાનું કલ્ચર હોય છે. એમાં સરખામણી ન હોય. દરેક પોતાની રીતે મહાન જ છે, એવા ડેમોક્રેટિક ટાહ્યલા કરનારે ભારત છોડીને પાકિસ્તાન જતું રહેવું જોઈએ. અમેરિકાને બદલે અફઘાનિસ્તાન રહેવા જવું જોઈએ. ત્યાં કેમ તરત સરખામણી આવી જાય છે ? 

તો ચિબાવલી ચાંપલી વાતોને બદલે એક ફિલ્ડમાં લગભગ સરખું કામ કરતા બે વ્યક્તિઓની સરખામણી કરવાની કસરત પણ મગજના સ્નાયુઓને આપવી જોઈએ. ઓછી અક્કલ અને એથી ઓછો અભ્યાસ હોય એમને આમાં ઊંડા ઉતરીને સત્યશોધનમાંથી છટકી જવું હોય છે. બાકી સરખામણી ક્યાં ના થાય એની પણ એક સમજ હોય અને ક્યાં કેવી રીતે કરવી એની પણ એક રીત હોય. એમાં ક્રાઈટેરિયા નક્કી કરવા પડે એકદમ સાયન્ટીફિક. વકતૃત્વ જેવી સ્પર્ધાઓમાં સારા નિર્ણાયકો જેમ ધોરણો બનાવતા હોય છે માર્ક આપવાના વિષયવસ્તુથી વાકછટા સુધીના એવું કૈંક. 

તો, હિન્દી ફિલ્મોના પ્લેબેક સિંગરમાં બે સરખા મહાન લાગતા લીજેન્ડ્સ જેમકે રફી અને કિશોર કે આશા અને લતામાં નમ્બર વન અને નંબર ટુ નક્કી કરવું હોય તો આ રહ્યા એના ક્રાઈટેરિયાઝ. યાદ રાખજો કે આ ફિલ્મી પાર્શ્વગાયન માટે છે. કેવળ સંગીત માટે નથી !

૧, ગળાની ક્વોલિટી ૨. વૈવિધ્યની રેન્જ ૩. પડદા પરના દ્રશ્યો કે અભિનય સાથે તાલમેલ ૪. અઘરા ગીતોને આસાન બનાવવાની આવડત ૫. લાંબી સળંગ કારકિર્દી ૬. લોકપ્રિયતા ૭. ગીતોનું અમરત્વ ૮. આવડત સાથે અનુશાસન૯. માનસિક વ્યાવસાયિક સંઘર્ષનું પ્રમાણ અને એની વચ્ચે જાળવેલી ને કેળવેલી કુશળતા ૧૦. અવાજનો જાદૂ ૧૧. સફળતાની સંખ્યા ૧૨. સમય મુજબ અલગ અલગ પેઢીઓ પર જાદૂ અને તેરમું એક્સ ફેક્ટર સ્વભાવની સારપ. 

આમાં મોટી ઉંમરે આશાનું ગળું લતાના વીર ઝારા વખતના દેખીતા તરડાયેલા અવાજ કરતા ક્યાય સારું રહ્યું અને એણે અભિનયવાળા નૃત્ય ગીતોને જમાવી દીધા અને લતાની જેમ ક્મ્ફર્ટ ઝોનમાં ક્લાસિકલ બેઝન અને અવાજની સ્વીટનેસને જ આગળ કરીને ગાતા રહેવાને બદલે સતત નવી ચેલેન્જ વાળા અઘરા ગીતો ગયા કરવામાં ને છેક નેવું વર્ષે પણ સ્ટેજ પર ચડીને કોન્સર્ટ કરવામાં એમ એકથી પાંચ નંબરમાં આશાના માર્ક લતા કરતા વધી જાય. એવું નહિ કે એમાં લતા ક્યાય છે જ નહિ, પણ નંબર ટુ આવે. ૬ નંબરમાં નેચરલી લતાના માર્ક વધે. સાત અને આઠમાં બેઉ ઇકવલ ગણાય. ૯માં આશા ચડી જાય અને અને ૧૦માં અંગત મત અલગ હોવા છતાં લતાને વધુ ગુણ આપીએ. ૧૧માં તો દેખીતી રીતે ૧૨,૦૦૦ ગીતોનો ચોપડે ચડેલો વાઇરલ રેકોર્ડ આશાનો છે. બારમાં ટફ નેક ટુ નેક ગણાય પણ અત્યારની જનરેશનમાં આશાના ગીતો વધુ ચાલે છે રિમિક્સમાં એ ટાઈબ્રેકર પોઈન્ટ એમને મળે. અને ૧૩માં તો બહુરંગી, સતત મુલાકાતો આપતા, બેહદ ખૂબસુરત પૌત્રી ઝનાઈ સાથે પણ નાચતા રહેતા રસોઈ શીખવાડતા અને પતિઓ ગુમાંવ્યા છતાં ઓન એકની એક બોરિંગ સફેદ સાડી પહેરીને ભારમાં ઓછું બોલવાને બદલે મીઠું મલકતાં આશા આગળ નીકળી જાય. અને એ રીતે અનપોપ્યુલર ઓપિનિયન પર મહોર મારવી પડે કે બેઉ બહેનોમાં આશા લતાથી ચડિયાતા છે ! (અને એવી જ રીતે કિશોર રફીથી ક્યાંય આગળ નીકળી જાય !)

ઇન ફેકટ, આશા આ બાબતે એક સમયે બડી માં ફિલ્મમાં પોતાના માટે (હા, એમાં આશાએ અભિનય કરેલો ! મોટી ઉંમરે ફરી આઈ નામની ફિલ્મમાં કરેલો ) પ્લેબેક સિંગિંગ કરી ચૂકેલા અને એને તેડીને સ્કૂલે ભેગા લઇ જતા મોટા બહેન લતા મંગેશકરને કાયમ આદર આપતા. ભલે બેઉ વચ્ચે આમ સ્નેહગાંઠ શરૂઆતના વર્ષોમાં આશાના બોલ્ડ લાઈફ ડિસીશનને લીધે ના રહી. એમ તો પ્રભુકુંજમાં રહેતા ત્યારે એકબીજાના ફલેટમાં જવાનો સિક્રેટ ડોર પણ હતો. આશાએ કહેલું કે દીદીનો જ અવાજ સૌથી વધુ બાળપણથી કાને પડયો હોય તો એમના વિના બીજી કોણ પાર્શ્વગાયિકા ગમે ?

પણ આશાના ઘણા ઇન્ટરવ્યુમાં એક છૂપી ટીસ દેખાય. ક્યારેક કહી દે કે નવી પેઢીમાં મને સુનીધિ ગમે છે કારણ કે એ લતાની કોપી નથી કરતી (એ આશા જેવી છે આમ પણ. લાઈફમાં પણ. નાની ઉંમરે ટેલેન્ટ છતાં લગ્ન, એ તૂટયા બાદ બીજા લગ્ન ફરી સંગીતકાર જોડે... કોન્સર્ટ અને વિવિધ પ્રકારના ગીતો મસ્તીભર્યા ગાવાના) ક્યારેક સ્પષ્ટ કહી દે કે હું નાની હતી એટલે બધાએ કાયમ નાની જ માની લતાથી. નંબર ટુ. બાકી જો કોઈક બીજા દેશથી આવી હોત ને મંગેશકર સિસ્ટર ના હોત તો મને વધુ ન્યાય મળ્યો હોત !

જી, ગળું સ્વરકોકિલા લતાજીનું ઉત્તમોત્તમ માનો તો પણ કોઈ પણ વ્યવસાયમાં ખરી કસોટી છે વરાયટી. રેંજ હોવી જોઈએ. અલગ અલગ કામ કરવાની. લતા પાકિઝા કરે તો આશા પણ ઉમરાવજાન કરી શકે. પણ લતા રાત બાકી બાત બાકી પણ આટલું અદ્ભુત ના ગઈ શકે ! લતાએ ગાયેલા બધા ગીત આશા ગાઈ શકે. આશાએ ગાયેલા અડધાથી પણ વધુમાં લતા બિલકુલ ના ચાલે. ઇતિ સિધ્ધમ.

એકબીજાને બરાબર મળતા આવતા અવાજો તરીકે, આ બંને બહેનોની જોડી પહેલીવાર ૧૯૫૫ માં શંકર-જયકિશન દ્વારા કમ્પોઝ કરાયેલા 'ચોરી ચોરી' (૧૯૫૬) ફિલ્મના ગીત 'મનભાવન કે ઘર' માં નોંધાયેલી. પણ બેઉ બહેનો વચ્ચે એવી કડવાશ કે ખટપટ વિના પણ હરીફાઈ પડદા પરની સ્ટોરી સાથે મેચ થાય એમ 'આઈના' (૧૯૯૩) માં દિલીપ સેન-સમીર સેનના સંગીત આઈના હૈ મેરા ચહેરા, અપની તસવીર તૂ દેખ લે'માં સાંભળવા જેવી છે. 

આશા કહેતા. 'લતા દીદી સાથે ગાવું એ કોઈ મોટા તહેવારની ઉજવણીમાં ભાગ લેવા સમાન હતું. દીદી માત્ર મારી સામે જુએ અને તેમના ચહેરાના હાવભાવ પરથી જ મને ખબર પડી જતી કે હું બરાબર ગાઈ રહી છું કે નહીં.' ડિસેમ્બર ૨૦૧૪ માં, લતાજીએ તેમના પોતાના રેકોર્ડ લેબલ એલએમ મ્યુઝિક' હેઠળ આલ્બમ પ્રોડયુસ કર્યું, જેમાં આશાએ શાન સાથે ગીત ગાયું હતું. આ આલ્બમમાં બંને બહેનોને 'મન ક્યૂં બહેકા' (ઉત્સવ) ગીતના પૂરા ૩૦ વર્ષ પછી ફરી એકસાથે લાવી દીધી હતી. આલ્બમ રિલીઝ કરતી વખતે લતા મંગેશકરે કહ્યું હતું,  'મારી બહેન સાથે ફરી કામ કરવાનો આનંદ કંઈક અનેરો જ છે. મેં હંમેશાં કહ્યું છે કે તે ખૂબ જ વર્સેટાઇલ (વૈવિધ્યસભર) અને કુશળ ગાયિકા છે. અમે સાથે ઘણાં ગીતો ગાયાં છે, પણ આશા સાથે ગાવું હંમેશાં એક પડકાર હોય છે.'

ક્યારેક તેમનાં ગીતોમાં કોઈ ત્રીજા ગાયકનો પણ સાથ મળતો. જેમ કે  : શંકર-જયકિશનના ફિલ્મ 'પ્રિન્સ' (૧૯૬૯) ના ગીત 'મુકાબલા હમ સે ના કરો' માં મોહમ્મદ રફી હતા.કલ્યાણજી-આણંદજીના 'મુકદ્દર કા સિકંદર' (૧૯૭૮) ના 'પ્યાર જિંદગી હૈ'માં મહેન્દ્ર કપૂરનો અવાજ હતો. લક્ષ્મીકાંત-પ્યારેલાલના કમ્પોઝિશન 'પ્યાર કિયે જા' (૧૯૬૬) ના 'સુન લે પ્યાર કી દુશ્મન દુનિયા' ગીતમાં કિશોર કુમાર અને મન્ના ડે પણ જોડાયા હતા.આ ઉપરાંત, કલ્યાણજી- આણંદજીના સંગીતવાળા 'તીન બહુરનિયાં' ફિલ્મના 'હમારે આંગન બગિયા' ગીતમાં તેમની સાથે ઉષા મંગેશકર પણ જોડાયાં હતાં. આશાજીના પુત્ર હેમંત ભોસલેએ જ્યારે સંગીતકાર તરીકે 'ટેક્સી ટેક્સી' (૧૯૭૭) ફિલ્મથી ડેબ્યૂ કર્યું, ત્યારે તેમાં પણ લતા અને આશાએ 'લાઈ કહાં યે જિંદગી' ગીત સાથે ગાયું હતું. જોકે તે બહુ સફળ નહોતું રહ્યું, પરંતુ નૌશાદના સંગીત નિર્દેશનમાં 'મેરે મહેબૂબ' (૧૯૬૩) ફિલ્મના 'મેરે મહેબૂબ મેં ક્યા નહીં' અને 'જાન-એ-મન એક નજર દેખ લે' ગીતો સુપરહિટ રહ્યા હતા. સી. રામચંદ્ર જેવા લતાજીના કટ્ટર ચાહકોએ પણ 'શારદા' (૧૯૫૭) ના ગીત 'એ ચાંદ જહાં' માટે આશાને સાથે લીધા હતા. જ્યારે મદન મોહને 'જહાં આરા' માટે 'જબ જબ તુમ્હેં બુલાયા' અને રોશને 'બહૂ બેગમ' (૧૯૬૭)માં બંને બહેનો માટે 'પડ ગયે ઝૂલે' ગીત બનાવ્યું હતું. આ ઉપરાંત પણ આવાં ઘણાં ગીતો હતાં, જેમ કે : આર.ડી. બર્મનનું 'શાન' (૧૯૮૦) નું 'મિતવા' લક્ષ્મીકાંત-પ્યારેલાલનું 'દિલ ઔર દીવાર' (૧૯૭૮) નું 'બાંધ લે મન કો' હેમંત કુમારનું 'બીવી ઔર મકાન' (૧૯૬૬) નું 'દબે લબોં સે કભી જો કોઈ સલામ લે' શંકર-જયકિશનનું 'બસંત બહાર' (૧૯૫૬) નું 'કર ગયા રે'સારી છોકરી અને ખરાબ છોકરી' ના અવાજના ભેદને 

વસંત દેસાઈના સંગીતમાં 'દો ફૂલ' (૧૯૫૮) ફિલ્મનાં ગીતો 'રૂઠી જાયે રે ગુજરિયા' અને 'બચપન કા તેરા મેરા પ્યાર' માં એક નવો અને મીઠો અવતાર મળ્યો, જેમાં આશાએ છોકરાનો અને લતાએ છોકરીનો અવાજ આપ્યો હતો.

જોકે નોંધવા જેવી વાત એ છે કે, આશાના મતે તેમના જીવનની સૌથી ખુશીની પળોમાંની એક પળ એ હતી જ્યારે, 'દીદીએ મારા માથા પર હાથ મૂકીને કહ્યું કે મેં જીવનમાં જે કંઈ પણ મેળવ્યું છે, તે મારી પોતાની મહેનતથી મેળવ્યું છે. પંદર વર્ષની ઉંમરે મેં ઘર છોડી દીધું હતું અને ક્યારેય મારા પરિવાર પાસે આર્થિક મદદ માંગી નહોતી. જ્યારે દીદીએ આ વાત માટે મારાં વખાણ કર્યા, ત્યારે મને ખૂબ જ ખુશી અને સંતોષની લાગણી થઈ હતી. ભગવાનની મારા પર ખૂબ જ કૃપા રહી છે.'

આપણને તો ફાયદો જ છે એમ તો લતા પણ ક્યારેક ગમ છોડ કે (ગુમનામ જેવું ગાઈ લે કે આશાની જીને દે એ દુનિયા ચાહે માર ડાલે (લાવા)ની અદામાં ક્યા યહી પ્યાર હૈ (રોકી) ગાઈ લે. પણ આપણે તો બેઉ કોકિલકિન્નરીઓ માટે યે ઈશ્ક ઈશ્ક હૈ ઈશ્ક ઈશ્કની માફક ગાઈ જ શકીએ કે નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ !

***

અગાઉના બે લેખોમાં વિગતે જોયું કે જીવન બાબતે આશાનો અભિગમ કેવો ઝિંદાદિલ ને જુઝારૂ હતો. સ્ટીલના બનેલા જ્ઞાનતંતુઓ હતા એમના અને એમાં સિલ્કના બનેલા વોકલ કોડ્સ હતા ! જેને એ સવારે ચાર વાગે તાનપુરો લઈને બેશુમાર પ્રેક્ટિસ કરીને જાળવતા. એમણે ૨૦૨૩માં છેલ્લી પબ્લિક કોન્સર્ટ કરી ત્યારે એનું નામ આપેલું 'વો ફિર નહીં આતે'. આપણા સંગીતની દુનિયાના પંચ પ્યારે એવા લતા, રફી. મુકેશ, કિશોર ગયા પછી એકલા આશા રહ્યા હતા એ જમાનામાંથી. પણ એમણે ઝનાઈની જનરેશન સાથે કનેક્શન બનાવ્યું હતું કારણ કે પહેલેથી જ એ નવું નવું ગાવાના શોખીન હતા. અંગ્રેજી ગીતોની એમને એલર્જી તો નહોતી જ પણ પહેલી વાર હિન્દી ફીલ્મ ગીતોમાં એ અંગ્રેજી શબ્દો ગાતા સીએટી કેટ જેવા ગીતોમાં ! એમણે બોય જ્યોર્જ સાથે એંશીના દસકામાં ગાયેલું ! આ ઈન્ટરનેશનલ બ્રાન્ડિંગ બહુ ઓછા સંગીતકારોને આવડયું છે આપણે ત્યાં. ઈન્ડીપોપમાં પણ આવેલા આશાએ કલ્ચર ક્લબના સાથેના 'બો ડાઉન મિસ્ટર' (૧૯૯૧) ગીત ઉપરાંત, આશાજીએ ફિલ્મ 'વન જાયન્ટ લીપ' (૨૦૦૨) ના ગીત 'ધ વે યુ  ડ્રીમ'માં એક સંસ્કૃત શ્લોક પણ ગાયેલો, જે ફિલ્મ 'બુલેટપ્રૂફ મોન્ક' (૨૦૦૩) ફિલ્મના સાઉન્ડટ્રેકમાં હતો. એમટીવી પર છવાયેલી નેલી ફર્ટાડોના ગીત 'આઇ એમ લાઇક અ બર્ડ' નું રિમિક્સ (નેલી વર્સીસ આશા, ૨૦૦૧), બોય બેન્ડ કોડ રેડ સાથેનું ગીત 'વી કેન મેક ઇટ ઇફ વી ટ્રાય' (૧૯૯૭) અને રોબી વિલિયમ્સ, ક્રિકેટર બ્રેટ લી તથા ક્રોનોસ કેવોર્ટેટ જેવા અન્ય દિગ્ગજો સાથે ઘરને બાળકો ઉછેરવા સાડી પહેરીને રહેતી ભારતીય આશાએ ગાયું. યુકે યુએસએમાં તેમને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ૧૯૯૭ માં રિલીઝ થયેલા બ્રિટિશ ઇસ્ટ-વેસ્ટ ફ્યુઝન બેન્ડ 'કોર્નરશોપ' ના ગીત 'બ્રિમફુલ ઓફ આશા'થી મળેલી જેનું  રિચર્ડ કૂક અને ફેટબોય સ્લિમે તેને રિમિક્સ કર્યું, એમાં પણ આશા ને લતાની સ્પર્ધાની વાત સાથે આશા ભોસલે અને તેમનાં બહેન લતા મંગેશકર વચ્ચેની હરીફાઈનું વર્ણન કરતું હતું, જેમાં 'આશા' (એટલે કે હોપ, ઉમ્મીદ) શબ્દ પર ખૂબ સરસ રીતે રમત કરવામાં આવેલી.  

આશાપુત્ર આનંદ ભોસલેએ જ્યારે તેઓ લંડનના હીથ્રો એરપોર્ટ પર 'સિંગર'ના વ્યવસાય વિશે અધિકારીને કહ્યું કે પેલા અંગ્રેજી  ગીતવાળાં 'આશા'  આ માતાજી પોતે જ છે. તો એ ઓફિસર પોતાની ડેસ્ક છોડીને પોતાના મિત્રોને લઇ આવેલો. ૨૦૦૫ માં 'ફેન્ટમ ઓફ ધ ઓપેરા' થી જાણીતાં બનેલાં અને એન્ડર્યુ લોયડ વેબરનાં પૂર્વ પત્ની સારાહ બ્રાઇટમેને તેમના 'હરેમ' આલ્બમના ધયુ ટેક માય બ્રેથ અવે' ગીતની શરૂઆતમાં ઉમરાવ જાનના 'દિલ ચીઝ ક્યા હૈ' નો એક ભાગ વાપર્યો હતો. એ જ વર્ષે, બ્લેક આઈડ પીઝે તેમના ગીત 'ડોન્ટ ફંક વિથ માય હાર્ટ' માં ફિલ્મ અપરાધ(૧૯૭૨) ના 'એ નૌજવાન સબ કુછ યહાં' અને ડોન ફિલ્મના 'યે મેરા દિલ'ની ધૂન ઉમેરીને દેશી મસાલાનો જબરદસ્ત ટચ આપેલો. ૨૦૦૬માં આશાએ ક્રિકેટર બ્રેટ લી જોડે 'યુ આર ધ વન ફોર મી' ગાયું. પાકિસ્તાની ફિલ્મ 'મૈં એક દિન લૌટ કે આઉંગા' માટે તેમણે પાકિસ્તાની પૉપ સ્ટાર જવા' અહેમદ સાથે 'દિલ કે તાર બજે' ગીત ગાયું,  પરંતુ,  'ક્રોનોસ ક્વાર્ટટ' સાથેના તેમના જોડાણે સૌથી વધુ ચર્ચા જગાવેલી. તેની શરૂઆત ૧૯૯૦ના દાયકામાં થઈ, જ્યારે ગુ્રપના ડેવિડ હેરિંગ્ટને 'અનામિકા' (૧૯૭૩) નું ગીત 'આજ કી રાત' સાંભળ્યું હતું. 

યસ, આશાના ગીતો જ એમનો પ્રોફાઈલ બનાવતા ગયા દુનિયામાં એમને નવીનતાની એલર્જી નહોતી. એ કહેતા કે 'પ્રોબ્લેમ એ છે કે ઇવન બપ્પી લહેરી - જેના પર ડિસ્કો કોપીની છાપ પડી એ બહુ ભોળો હતો મેં તો ૫૦૦ ગીતો એના માટે ગયા ! - પણ પોતાનું કશુંક લઈને આવેલો કમ્પોઝર બનવા. (એટલે એની તાકી હો તાકી કે યાર  બિના ચૈન કહાં રે કે પ્યાર કભી કામ નહીં કરના જેવા સાવ અલગ મૂડના ગીતો પણ ચોંટી જતા.) હવે મોટે ભાગે બધા અગાઉ જે થઇ ગયેલું એ ફરી ફરી માત્ર સજાવટ બદલીને મુક્યા કરે છે. અરે તમે વેસ્ટર્ન બનાવો પણ પંચમ (આરડી) જેવું બનાવો ને. જેમાં પોતાની છાપ હોય કૈંક. પણ એ વખતે ડિજીટલ કશું નહોતું. એટલે લાઈવ રેકોર્ડિંગમાં આખું ગીત સાજીંદાઓ જોડે ગાવાની ફીલ આવતી. બંધ બારણે કોન્સર્ટ જ રચાતી. એમાંથી પેલો મેજિક આવતો. અમે બધા સાથે બેસીને ચર્ચા કરતા. હવે બધા ટુકડામાં રેકોર્ડ કરીને એડિટ કરી લે છે.' જો કે છતાં એમને રહેમાનનું સંગીત ગમતું ને કહેતા કે એ નવું કરે છે પોતાનું.

રોજ રોજ આંખો તલે (જીવા) ની જેમ આશાના ગીતો કાનો તલે રહેવાના ને રેડ રોઝના ગીતની જેમ આપણે પોકારતા રહીશું : કિસ કી સદાયેં, મુજ કો બુલાયે...

ઝિંગ થિંગ 

'લતાનો અવાજ સદીઓ (સેન્ચુરીઝ)માં એક ગણાય એવો હતો. પણ આશાની ગાયકી તો સહસ્ત્રાબ્દીઓ (મીલેનિયમ્સ)માં એક ગણાય એવી હતી !' (ઓ.પી.નય્યર)