Get The App

ઉતાવળની ભૂતાવળ : મોત પલકવારમાં ઝડપથી થતી ઘટના છે, જીવન તો સ્લો મોશનમાં ચાલે છે!

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
ઉતાવળની ભૂતાવળ : મોત પલકવારમાં ઝડપથી થતી ઘટના છે, જીવન તો સ્લો મોશનમાં ચાલે છે! 1 - image

- અનાવૃત-જય વસાવડા

- ધૈર્યથી બનાવેલા ચિત્ર કે લખેલા પુસ્તકમાં જે ગુણવત્તા મળે છે, એ કંઈ એઆઈના ક્વિક સર્જનમાં નથી હોતી

ન વા શહેરમાં ઉતાવળમાં ભાગતા પેસેન્જરે રોડ પરથી એક રિક્ષા પકડી. અને કહ્યું કે 'ફટાફટ લેજે, મારે બહુ ઉતાવળ છે. ડબલ પૈસા આપીશ.' ટેક્સીવાળાએ કહ્યું. 'ફિકર ના કરો. અહીં બધા ડ્રાઈવર ભગાવતા જ હોય છે.' પેસેન્જરે જોયું કે રિક્ષાવાળો કોઈ ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઈટ હોય તો પણ રોકાતો નહોતો. એણે અચરજથી પૂછયું. 'અહીં આમ રેડ લાઈટમાં ચલાવવાનો દંડ ના થાય?' પેલા 'લાલા'ની અદામાં રિક્ષાવાળાએ કહ્યું 'આંયાં કોઈ પોલીસવાળા નથી રોકતા. ધોમકડેડાટ જવા દઈયેં અમે તો મોડું થાય ત્યારે'. બે ચાર સિગ્નલ પર રેડ લાઈટ આમ ઠેકાડયા બાદ અચાનક આગળના ચોકે ગ્રેીન લાઈટ ઓન હતી. તરત જ રિક્ષાવાળાએ ચીંઈઈઈ કરતી બ્રેક મારી. મુસાફરે મૂંઝાઈ ને કહ્યું 'અરે ભાઈ. તમે તો હમણાં કહ્યું કે ટ્રાફિકમાં લાલ બત્તી હોય તો પણ મૂંઝાવું નહિ ને ગાડી ભગાવવી. કારણ કે પોલીસ એમ નહિ પકડે. અહીં બધા આમ જ ચલાવે છે. તો આ લીલી લાઈટમાં કાં ઉભા રહ્યા?' 'સળીથી દાંત ખોતરતાં રિક્ષાવાળાએ કહ્યું 'હા, લાલ લાઈટમાં બધા દેમાર જાવા જ દે છે. એટલે આ બાજુ લીલી હોય તો ઉભા રહેવું પડે ને. બીજી ત્રણે બાજુ રેડ સિગ્નલ હોય એમાં બધા મારી જેમ ભગાવે તો આપણે ભટકાઈ ના જઈએ?' ખીખીખી. 

હમણાં '૧૦ મિનીટમાં ડિલીવરી'ની જાહેરાતો જોખમી લાગતા સરકારે તાબડતોબ એના પર પ્રતિબંધના પગલાં લીધા ગિગ વર્કર્સ યાને મોટે ભાગે ડિલિવરીનું કામ કરતા ટેમ્પરરી જોબના કર્મચારીઓ જલદી જલદી પાર્સલ પહોંચાડવાના પ્રેશરમાં અકસ્માત ના કરે કે એના સ્ટ્રેસમાં એમની તબિયત ખરાબ ના થાય એ માટે. કંપનીઓએ સ્લોગન્સ તો હટાવ્યા, પણ હજુ એક્સપ્રેસ ડિલીવરીની માનસિકતા એમ હટી નથી. ખાસ કરીને ફૂડમાં તો મોડું આવે એ ઠંડુ થઇ ગયું હશે એમ માની કસ્ટમર બબાલ કરે ને કર્મચારીના પૈસા કપાઈ જાય. પણ આમ ફટાફટ બહારથી ખાવાનું મંગાવવું જ એટલે પડે ઘેર એ બનાવવાની ધીરજ કે સમય નથી. અથવા તો એ સ્થળે એ આરોગવા ટ્રાફિકમાં રૂબરૂ જવાનો ટાઈમ કે મૂડ નથી !

જલદી જલદી બધું થાય એ ઉતાવળ પણ એક અદ્રશ્ય વાઈરસ છે, કોરોના જેવો. ભરખી જાય છે એ પણ જીવનને. બધાને 'નીડ ફોર સ્પીડ' છે. ફરવા જવાનું પણ ફટાફટ. કામ કરવાનું પણ ધડાધડ. ઉતાવળે આવેલું ફૂડ ખાવાનું પણ સરખું ચાવ્યા કે સ્વાદ માણ્યા વિના ભૂખ્યા થઈને ઉતાવળે જ ! બ્રેક મારવી કોઈ ને ગમતી નથી. 'ઉતાવળે આંબા ના પાકે' એવી કહેવતો પણ હવે વિન્ટેજ કે રેટ્રો છે, કારણ કે કેરીઓ જ તબિયત માટે ઝેરી હોવા છતાં કાર્બાઈડથી સપાટાબંધ પકવીને જ ખાવી હોય છે બધાને ! બાળક પણ લેબર પેઈનની રાહ જોયા વગર જલદી પેદા કરવું છે ને જલદીથી એ બધું ભણી લે એ માટે એજ્યુકેશનની આખી ઇન્ડસ્ટ્રી ઉતાવળે ઉતાવળે કોર્સ પૂરો કરાવે છે ને પરીક્ષાઓના પેપર પણ ઉતાવળે ઉતાવળે તપાસીને રિઝલ્ટ આપી દે છે ! દવાઓમાં પેઈન કિલર તો ઝટ દર્દનું શમન થાય એ માટે મુખવાસની જેમ ખવાય છે ! લેખો પણ ઉતાવળે લખવા પડે, કારણ કે ઝટપટ પૂર્તિ છાપવામાં દેવાની હોય !

ફિઝીક્સના એક્સપર્ટ નીલ ડીગ્રાસ ટાયસનનું તો એક પુસ્તક જ છે  : એસ્ટ્રોફિઝીક્સ ફોર પીપલ ઇન હરી ! આવા ઘણા પુસ્તકો આખો વિષય ઊંડાણમાં સમજવો ના હોય એવા વાચકો માટે ફાસ્ટફૂડ સ્ટાઈલમાં નાનકડા આવે છે. મોટું ના વાંચવું હોય તો એનો ફટફટ સંક્ષેપ વાંચી લો. ટેસ્ટ ક્રિકેટમાં ટીમ સરખું રમી નથી શકતી આપણી કારણ કે ટીટવેન્ટીના ફટાફટ ક્રિકેટની બધાને આદત છે. ફિલ્મો પણ ઉતાવળે જોવાય એવી ટૂંકી ઘણા બનાવે છે. વિડીયો પણ શોર્ટ વધુ એમ વ્યુઅરશિપ વધુ ! કોઈ ગુજરી જાય તો એની વરસી જેવી વિધિ ચંદ દિવસોમાં આટોપાઈ જાય છે ને બેસણા પણ ટેલીફોનિક થઇ ગયા છે ! અરે, લાંબી લગ્નવિધિ પણ બધાને બોર કરે છે, એટલે ફેરા પણ ફાસ્ટ ફોરવર્ડમાં ફરવામાં આવે છે. સુહાગરાત હૈ ઘૂંઘટ ઉઠા રહ હૂં મૈં જેવી ક્રિયાઓ પણ આઉટડેટેડ છે. 

સેક્સમાં કામસૂત્રથી પ્લેબોય સુધી તમને વાંચવા મળે કે પ્લેઝર લેવા માટે થોડો સમય ફાળવો. ક્વિકનું પ્રેશર તો પરફોર્મન્સ એન્ગ્ઝાયટી પેદા કરે. એમાં સરખું લ્યુબ્રિકેશન પણ ના થાય. ફોર પ્લે માટે, ટચિંગ, કિસિંગ, કડલિંગ, કેરેસિંગ વગેરે માટે સમય આપવો પડે. નિરાંતજીવે માણવાનો આ ભોગવિલાસ છે. ઉતાવળમાં તો એ નરી કસરત થઇ જાય! પણ બાળકને ઝટ નર્સરીમાં રવાના કરી રમવાને બદલે ભણતું કરી દેવાની અને વેકેશનમાં પણ ક્લાસ કરાવી એને સફળ બનાવી દેવાની ઉતાવળ આપણે ત્યાં હોપ છે ! દિવસે દિવસે આવેશમાં થતા ખતરનાક ક્રાઈમની ખબરો વધી જાય છે. કન્ટ્રોલનો અભાવ એ ઉતાવળ. ભગવદગોમંડલ શબ્દકોશમાં ઉતાવળના સમાનાર્થી ( સિનોનિયમ્સ ) શબ્દોમાં ત્વરા, તાકીદ, શીઘ્ર, અધીરાઈ, દોડધામ, આતુરતા, ઝડપ જેવા શબ્દો સાથે આઝાદી પહેલા લખાયું છે: વિચાર વગરનું કામ !

યસ, ધીરજના ફળ મીઠાં સમજીને તો ધીરજલાલ ફ્રૂટ સેન્ટરમાં જઈને એ પસંદ કરવાની પણ ફુરસદ નથી એટલે મોબાઈલમાં જ ઉતાવળે એનો ઓર્ડર કરી દેવામાં આવે છે. 

ઉતાવળ આપણી રાષ્ટ્રીય આદત છે. આપણા દેશમાં સિત્તેર ટકા ટ્રાફિક જામ તો માત્રે ને માત્ર વાહનો લઇ નીકળેલાઓની અધીરાઈને લીધે જ રોજેરોજ થતા હોય છે. અકસ્માતો તો અલગ. કયુ યાને લાઈન ફોલો કરો તો દસ મિનીટમાં નીકળી જાવ એવી બાબતમાં કોઈ ઉતાવળે આડેધડ ઝુકાવે ને પછી ક્લીયર કરતા કલાકો નીકળે. સૌથી વધુ રોડ એક્સિડન્ટસ દુનિયામાં થાય છે, એનું કારણ પણ આ ઉતાવળ જ. ઉતાવળના અવગુણને લીધે જ હેલ્થ માટે સારું હોવા છતાં ઘેર જમવાનું બનાવવાની ટેવ જ શહેરી વર્કિંગ કપલમાંથી ઓસરતી જાય છે. કારણ કે રાંધવું એ શાંત ચિત્તે ધીરજ માંગી લેતું કામ છે. માટલા ઊંધિયું માઈક્રોવેવ ઓવનમાં ના થાય. 

કોઈને આજકાલ પ્રક્રિયામાં રસ લેવો જ નથી. એ બધું ફાસ્ટ ફોરવર્ડ કરીને ડાયરેક્ટ રેડીમેઈડ રિઝલ્ટમાં જ રસ છે. એટલે ખેતી નથી કરવી, ફ્રેશને બદલે ફ્રોઝન ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ ખાવા છે. મેળવણથી દહીં જામે ને છાશમાંથી માખણ થાય ને એમાંથી ઘી એવું નથી જોઈતું. ઈડલી કે ઢોકળાંમાં આથાની આખી પ્રોસેસ જ બાયપાસ કરી નાખવી છે. જાતે મકાનના ચણતરકામમાં આપવાનો સમય નથી એટલે કોઈકના બનવેલા પ્લાનમાં પૈસા ખર્ચીને ફિટ થવું પડે છે. કામ કે જવાબદારી તો શું મનોરંજન માટે ફિલ્મો જોવાનો સમય નથી હોતો એવો એક વર્ગ ઉતાવળે ફોરવર્ડ કરીને વિડીયો જોઈ લે છે. આખા પુસ્તક વાંચવાને બદલે એનો સંક્ષિપ્ત સાર જ બધાને જોઈએ છે, એ પણ સમરી વિડીયો તરીકે. પૈસા મુદ્દો નથી, સમય મુદ્દો છે. જેનો અભાવ છે ફાસ્ટ થતી લાઈફમાં  એટલે સતત ઉતાવળ રહે છે. ઓનલાઈન શોપિંગ પણ હરિનામ કરતા વધારે હરી યાને ઉતાવળા ઓર્ડરની ડિલીવરીના કામ માટે છે. 

મહાનગરોમાં વસતિવધારા, ટાઉનપ્લાનિંગ, પ્રદૂષણ, ટ્રાફિક જેવા કારણોસર મેટ્રો કે ફ્લાઇઓવર એ જરૂરિયાત છે. પણ જ્યાં આરામ કરવા કે મનની શાંતિ મેળવવા જ જવું છે, એવા હિલ સ્ટેશને કે પ્રાકૃતિક તીર્થસ્થળે ઝટ પહોંચી જવાની ઉતાવળમાં મોટા રોડ બનાવવામાં આસપાસનું આખું સૌન્દર્ય જ નષ્ટ કરવામાં આવી રહ્યું છે. અમુક જગ્યાએ જવાની મંઝિલ કરતા વધુ આનંદ એ સફરનો હોય. વાર લાગે પણ વર્ષો જૂના વિરાટ વૃક્ષો જોતા જવાથી કોઠો ટાઢો થાય. હાશ થાય. એ સફર સાત કલાકમાંથી બે કલાકની કરવામાં એ ઝાડનું જ નિકંદન નીકળી જાય ને દ્રશ્યમાં માત્ર પહોળા નિર્જીવ લાગતા રસ્તા વધે કૃત્રિમ સુશોભન સાથે. વિશ્રામ લેવા જ જ્યાં જતા હોઈએ, ત્યાં પણ પહોંચવાની ને પહોંચીને પાછા જાણીતા સ્થળે વિડીયો ઉતારવાની ઉતાવળ. એમાં મૂળ જગ્યાનાં વાઈબ્સ શાંતિથી એબ્સોર્બ કરવાનો ઠહરાવ જ જતો રહ્યો ! તમે નિરીક્ષણ કર્યું છે? સ્પીડ આપણો એવો સ્વભાવ થઇ ગયો છે કે શાસ્ત્રીય રાગોની જેમ જ ગઝલ સાંભળવાની કે કમ્પોઝ કરવાની વાત જ દુર્લભ બની ગઈ. છેલ્લે ક્વોલિટી ગઝલ કઈ મેઈનસ્ટ્રીમ બોલીવુડ ફિલ્મમાં આવી ? યાદ કરવાનો પ્રયાસ કરજો. રોતલું બીબાંઢાળ સૂફી રોક કે પંજાબી રિમિક્સ આવશે કારણ કે એમાં બીટ્સ છે, નાચવાની. પણ સિતાર કે બાંસુરી નહિ સંભળાય કારણ કે એના બજવૈયા દ્વારા થતા વાદનની જગ્યા જ ઈલેક્ટ્રોનિક સિન્થેસાઈઝરના કી બોર્ડે લઇ લીધી. આદિત્ય ધર કે સંજય ભણસાલી સંચાના આઈસ્ક્રીમની જેમ સમય લે છે, તો એમની ફિલ્મ પણ એવી ટકાઉ બને છે. ધૈર્યથી બનાવેલા ચિત્ર કે લખેલા પુસ્તકમાં જે ગુણવત્તા મળે છે, એ કંઈ એઆઈના ક્વિક સર્જનમાં નથી હોતી. અરે, જૂની રોલ ધોવડાવ્યા બાદ આવતી બ્લેક એન્ડ વ્હાઈટ તસ્વીરો જેવી ડેપ્થ મોબાઈલના ડિજીટલ હાઈ મેગાપિક્સેલ કેમેરામાં નથી આવતી. એલપી રેકોર્ડ્સ જેવી એરેન્જમેન્ટની રેંજ ડિજીટલ એમપીથ્રીમાં નથી. 

અરવલ્લી વિવાદ વખતે અચાનક પબ્લિકમાં જાગેલો પર્યાવરણપ્રેમનો ઉભરો ઓસરી ગયો, પછી હવે પાછલે બારણે બે પાંચ ટેકરીઓ ગાયબ થઇ જશે તો પણ કોઈને પડી નહિ હોય ! પણ આ પહાડો વધુ એટલે ખોદાવા લાગ્યા કે બધાને ઉતાવેળે વિકાસ દેખાડી દેવો છે. કન્સ્ટ્રકશનમાં ફટાફટ કામ થાય એવા ગ્લાસ ને એલ્યુમિનિયમ વાપરવા છે. પછી ઝડપથી થતું બાંધકામ બહાર આગ કે ભૂકંપ સામે તકલાદી બને છે. અને અંદર વધુને વધુ એસી વાપરવા પડે છે. હવે તો લોન મેઈન્ટેનન્સની ધીરજ નથી એટલે હરિયાળી ને ફૂલો પણ આર્ર્ટીફિશ્યલ આવી ગયા છે. જલદી જલદી જે દિવસરાત પસાર થાય એ ચાલુ વાહને ઝડપથી ફેરવેલા મોબાઈલ કેમેરાની જેમ યાદમાં સરખા ઝીલાતા નથી. જીવાઇ તો જાય છે, પણ કશું લાંબુ યાદ નથી રહેતું. 

હજુ લાઈફ આટલી ફાસ્ટ નહોતી થઇ, ત્યારે ૧૯૭૩માં એક રિસર્ચ થયેલો. જેમાં બે ગુ્રપ પસંદ કરવાના હતા. જેમણે તાત્કાલિક ઉતાવળે બાજુના બિલ્ડીંગમાં અગત્યના ડોક્યુમેન્ટસ સાઈન કરાવવા ભાગવાનું હતું. એક ગુ્રપ ને આવી ટાઈમ ફ્રેમ અપાયેલી. બીજાને ઉતાવળ વિના રિલેકસ્ડ ટાઈમફ્રેમ અપાયેલી. રસ્તામાં સંશોધકોએ જાણી જોઈ તરફડતી વ્યક્તિઓ રાખેલી, જેમને મદદની જરૂર હોય. તારણ એ નીકળ્યું કે જેમને કામમાં ઉતાવળ નહોતી કરાવી, એમાંથી ૬૦% લોકો બીજા અજાણ્યાની તકલીફ જાણવા ને હેલ્પફુલ થવા ઉભા રહ્યા. પણ જે રશમાં હતા એમાંથી તો ૧૦% પણ ઉભા ના રહ્યા ! મતલબ, આપણી સારપના માનવીય ગુણો જ દટાઈ જાય છે, ઘાઈ ઘાઈ યાને ઝડપમાં. પોતાની કામની ઉતાવળને લીધે બીજાની જીવનમરણની ઉતાવળ પણ ધ્યાને ચડતી નથી. યાને કે, ઉતાવળના અતિરેકને લીધે જીવવાનું જ ભૂલાઈ જાય છે જે જીવન ચાવ્યા વગર ગળે ઉતારેલા ડૂચા જેવું થઇ જાય છે. નાં સરખો સ્વાદ, ના સરખું પોષણ !

બરાબર સમજી લેજો, ઉતાવળ કાયમ થયા કરે એવા અતિરેક સામે આ ચેતવણી છે. ઉતાવળ ક્યારેય સાવ જ ના હોય એવું જીવન ભાગ્યે જ જડે. એના માટે કષ્ટ સહન કરીને અલિપ્ત રહેવું પડે. માણસ આળસુ ના થઇ જાય એટલે જ એનામાં પ્રકૃતિએ આતુરતા અને અધીરાઈ જેવા ગુણો મુક્યા છે. જેથી એની મૂવમેન્ટ ફાસ્ટ બને. કોઈ ખૂંખાર ખૂંટીયો કે હડકાયો શ્વાન ધસમસતો આવતો હોય ત્યાં છટકવામાં છાપું વાંચતા બેસી ના રહેવાય, ઉતાવળ જ રાખવી પડે. ટ્રેન કે ફ્લાઈટ કનેક્શનમાં લેટ થયું હોય ત્યાં લહેરી લાલા બન્યા સિવાય ઝડપ રાખવી પડે. કોઈને હાર્ટ એટેક કે સ્ટ્રોક આવે ત્યાં એમ્બ્યુલન્સ કૌશિકી ચક્રવર્તીના આલાપની જેમ નહિ પણ હની સિંઘના રેપ સોંગની જેમ દોડાવવી પડે. કામની ડેડલાઈન માથે ગાજતી હોય ત્યાં આરામની ફુરસદનો ભોગ આપવો પડે. ક્રિએટીવ મૂડ સાચો પણ કમિટમેન્ટમાં અનુશાસન ના રાખો તો બેકાર રખડવું પડે. રન રેટ વધતો જતો હોય ત્યારે નિરાંતજીવે ટિચૂક ટિચૂક રમવાથી તો હારી જવાય. 

મુદ્દો એ છે કે ઉતાવળ સિચ્યુએશનલ હોય એ અનિવાર્યે છે. પણ રઘવાયા થઈને જ કાયમ જીવવાનું આવે તો એ પ્રેશર નથી. આપણી ભૂલ છે. કહો કે, એકની એક ભૂલોનું પુનરાવર્તન છે. રઘવાટ કાયમ માટે થાય એ સારા લક્ષણો નથી. કાર સતત સ્પીડમાં જ ચલાવો તો સર્વિસમાં દાખલ કરવી પડે. ઉતાવળે ફટકાબાજી કે ગોલંદાજી કરનારા ક્રિકેટરની કરિયર લાંબી ના ચાલે. સતત હાર્ટબીટ ઉતાવળના તણાવમાં રહે તો ડાયાબિટીસ બીપી જેવા રોગો ઘર કરી જાય. આપણો દેહ કે આપણા દિન એ રીતે નથી ઘડાયા કે કાયમ એલર્ટ મોડમાં રહી શકે. વચ્ચે વચ્ચે ઠહરાવ જોઈએ રિચાર્જિંગ માટે. 

ભણતર એ પણ છે કે જીવનમાં અર્જ૨ેન્સી (તાબડતોબ) અને ઈમરજન્સી (કટોકટી) વચ્ચેનો ભેદ સમજાય. જ્યાં ઈમરજન્સી છે ત્યાં ઉતાવળ રાખવી પડે. ભૂકંપ હોય કે સુનામી. પણ જ્યાં અર્જન્સી છે ત્યાં ઝડપની જરૂર છે, એવી ઉતાવળની નહિ જેને લીધે ઘાંઘા થઇ રઘવાટમાં એવા કામ બગડે કે ઉલટો વધુ સમય લઇ લે ! અને રોજેરોજ વારંવાર ના અર્જન્સી હોય ના ઈમરજન્સી હોય. રૂટીન નિરાંતભાવનું હોય, જેને એન્જોય કરી શકાય. જે પળોને શાંતિથી પૂરેપૂરા ઇન્વોલ્વ થઈને માણી શકાય. રિચ લાઈફ માત્ર લકઝરીથી નથી બનતી. લીઝર યાને નિરાંતથી બને છે. ફીલિંગ એવી મોમેન્ટમાં આકાર લે છે. હેસ્ટ યાને ઉતાવળમાં જે ડેમેજ થાય છે, એ આપણા સમયની હેઈસ્ટ યાને લૂંટ છે. કુદરત જુઓ. એ સતત કામઢી રહે છે. પણ ઉતાવળ નથી કરતી. નવ માસે જ ગર્ભ પૂર્ણ કરે છે. ફૂલો એની મોસમમાં જ કળીમાંથી હળવે હળવે ખીલે છે. વસંત એની ગતિએ આવે છે. રંગ ધીરે ધીરે ચડે છે. બચ્ચાં ચાલતા ધીરે ધીરે શીખે છે. માત્ર ઠોકર જલ્દી લાગે છે. ખૂન જલ્દી થાય છે. બાકી, સૂરજ ને ધરતી રોજ ફરે છે, પણ ખોટી ઉતાવળ વિના. અધીરાઈનો અતિરેક વિચાર વગરના નિર્ણયો અને પછી બરબાદી તરફ લઇ જાય છે. 

જલદીના જલદ જમાનામાં સતત ઉતાવળમાં રહીએ એવી ટેકનોલોજી વધી રહી છે, ત્યારે સાહસ એમાં પોતાની હાશ ગોતીને શ્વાસ શાંત બનાવવામાં પણ છે ! ખામોશ રસાળ ફિલ્મની જેમ લાંબા લેખ વાંચવામાં પણ છે !

ઝિંગ થિંગ 

એ 'ના' કહીને સહેજમાં છૂટી ગયા 'મરીઝ',

કરવી ન જોઈતી'તી ઉતાવળ સવાલમાં.

- મરીઝ