Get The App

રૂપિયાનું 'વસ્ત્રાહરણ' ભારતમાં 'આર્થિક મહાભારત' ઊભું કરશે?

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
રૂપિયાનું 'વસ્ત્રાહરણ' ભારતમાં 'આર્થિક મહાભારત' ઊભું કરશે? 1 - image

- અનાવૃત-જય વસાવડા

- જો ડોલર સો રૂપિયાની પાર જતો રહેશે, તો વિદેશી રોકાણકારોનો ભારતની ઇકોનોમી પરથી ભરોસો હજુ વધારે ઊઠી જશે. શેરબજારમાંથી વધુ પૈસા પાછા ખેંચવા લાગશે. આપણું ક્રેડિટ રેટિંગ ઘટી જશે આઈએમએફમાં. આમાંથી બહાર આવવા માટે આપણને લોન પણ મોંઘા દરે મળશે. મતલબ કે, આ એક મુશ્કેલ ચક્રવ્યૂહ બની જશે

ગુ જરાતી ફિલ્મ 'લાલો' અણધારી બ્લોકબસ્ટર થઇ એમાં ઘણાને લાગ્યું કે કૃષ્ણ ભગવાનની ભક્તિની વાત છે તો ચાલી ગઈ. એ વહેતી યમુનામાં હાથ ધોવાનાં બીજા પ્રયાસો પણ થયા, પણ એ ના ચાલ્યા. કારણ કે લાલો ચાલવાનું ફેક્ટર એકમાત્ર કૃષ્ણભક્તિ કે આસ્થા નહોતી. અમુકને લાગ્યું પણ હતું કે આની વાર્તામાં એવું કંઈ ખાસ નથી પણ કેમ ચાલી ગઈ ?

એ એમ વધુ ચાલી ગઈ કે એમાં સામાન્ય લોઅર મિડલ ક્લાસ જે આજે વર્ષોથી સહન કરી રહ્યો છે એ તકલીફોની પીડા સ્પર્શી જાય એમ આબાદ બતાવી શકી, એક સમયની ગોવિંદ નિહલાની કે સહાયમ બેનેગલ કે સત્યજીત રાયની વાસ્તવવાદી ફિલ્મોની માફક. એમાં સ્યુગર કોટેડ ગુજ્જુ ફેમિલી લાઈફ નથી. જ્ઞાાતિવાદ સામે લડીને પ્રેમલગ્ન કરો પણ પછી બાળકની ફીના ખરચા, ઘરના ભાડા, બે ટંક ખાવાનું કે થોડું હરવા ફરવાનું, પહેરવા ઓઢવાનું, ટીવી મોબાઈલ, ઘરવખરી, તહેવારો આ બધાના ખર્ચમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવી હાલતમાં સેંકડો પરિવારો પીસાઈ રહ્યા છે આપણે ત્યાં. આપણી નજર સામે, આપણી આસપાસ. આ લખાય છે ત્યાં ગુજરાતના આર્થિક રીતે સંપન્ન ગણાતા મોરબીના ન્યુઝ છે કે પેટિયું રળવા આવેલ પરિવારના પુરુષે રોજગારીના અભાવે મહીને બે હજારનું ભાડું ના ભરી શકાયું, એમાં પત્ની અને પુત્રીનો દેહ મકાનમાલિકને ભોગવવા આપી દીધો ! શરમ નામનો શબ્દ પણ જાનકીની જેમ ધરતીમાં સમાઈ જાય ! 

રિયાલીટી આ છે, ચિંતાની ચિતા ખડકે એવી. દેશમાં સેંકડો લોકો આવા આર્થિક સામાજિક ટેન્શનમાં પીસાય છે. એમાં વ્યસન, મોબાઈલ કે કૈંક ખોટું કરી શોર્ટકટથી રૂપિયા મેળવવાના ચક્કરમાં સલવાઈ જાય છે. કોઈક નીકળી જતા હશે આગળ એમાં. ઘણા એમાં વધુ પરેશાન થાય છે. આપઘાતની હદે વાત પહોંચી જાય છે. ઘરના સ્વજનો સાથેના સંબંધો તૂટવાની અણી પર આવે એવા ઝગડા થાય છે. જૂની મિલકતો હોય એ પણ વેંચાઈ જાય છે. એ વ્યથાકથા વ્યાપક હોવા છતાં અમુક માટે બોરિંગ રૂટીન છે એટલે બહુ દેખાતી નથી. લાલો ફિલ્મે એકદમ ઘરેલું કેરેક્ટર્સ બતાવી કોઈ પોલિટીકલ કોમેન્ટના એજેન્ડા વિના એ વેદના પર હાથ મુક્યો. અને માત્ર આર્ટહાઉસ સિનેમા જેવું દર્દ બતાવવાને બદલે ભારતની રગેરગમાં વણાઈ ગયેલા કૃષ્ણના માધ્યમે એક હોપ, એક આશા જગાવી કર્મ અને ચમત્કારિક ઈશ્વરીય મદદનો સંકેત આપ્યો. જે સપનું જોવું દરેક દુખી આત્માને ગમે કે કોઈ તારણહાર આવીને ઉગારશે ને ગાડી પાટે ચડાવશે. આ છે અસલી સિક્રેટ.

અને આ લોકપ્રિયતા એની ઉનાળાની વધતી ગરમી જેવું જ થર્મોમીટર છે, કે ખરેખર કેટલાય પરિવારો પર શું વીતી રહી છે. તરત કહેવા આવી જશે ઇકોનોમિકસનો ઈ ના સમજતી ઈયળો કે કેટલી નવી ગાડી છૂટે છે, કેટલી મોંઘી સ્કૂલોમાં એડ્મિશન ફૂલ થાય છે, કેટલા લગ્નો ધામધૂમથી ઉજવાય છે, કેટલા દાગીના ખરીદાય છે, કેટલા લોકો ફરવા જાય છે, કેટલા ફિલ્મો જોતી વખતે મોંઘી ધાણી ખાય છે વગેરે વગેરે. અરે, એ એક વર્ગ છે જેમાં અમીર લોકો છે. નેતાઓ, સરકારી અધિકારીઓ અને જામેલા વેપારીઓ, મોટા ખેડૂતો, જાણીતા કલાકારો કે કોર્પોરેટ જોબ કરનારના ફેમિલી છે. અમુક સફળ અપરાધીઓ પણ છે અને ધર્મગુરુઓ પણ. અમુક એમાં દેખાદેખીથી લોન લઈને કે જૂની બચત/વેલ્થની રોકડી કરીને પણ ચાદર બહાર પગ પહોળા કરનારા છે અને અમુક જેન્યુઈનલી નવા પૈસાપાત્ર બનેલા છે. 

જોજો, એમાં એક ગાડી હશે એ બીજી લેશે, એક મકાન હશે એ બીજું લેશે. ટૂંકમાં, એમની સંપત્તિ છે જ પહેલેથી. પણ એ બધા ભેગા થઇને જે ગુલાબી ચિત્ર બનાવે છે એની સામે કાળો કૂચડો ફેરવતો એનાથી ઘણો મોટો એક બીજો વર્ગ છે જે ભણવા જવા કરતા મજૂરીએ જવાનું પસંદ કરે છે. જે સરકારી રાશન અને યોજનાઓની મહેરબાની પર જીવે છે. જીવતા નથી પણ મરી ના જાય એની કોશિશ કરે છે! એમાં પણ તત્કાલ ફરજીયાત વસતિનિયંત્રણને બદલે સરકારની અમીનજર જેમના પર હોય એ વધુ બાળકો પેદા કરવાની નારાબાજીઓ કરે છે. આટલા મેનેજ નથી થતા, ને હજુ નવા પણ એક બે નહિ ચાર ચાર પેદા કરવા છે ને જે કરે એને વખોડવા સિવાય કોઈ નક્કર એક્શન તો લેવા નથી ! સતત સંયમ અને પવિત્રતાની રોજ દુહાઈ આપતું રાષ્ટ્ર વસતિમાં નંબર વન છે. બાકીના ઇન્ડેકસમાં ભલેને નીચે ને નીચે આવે !

જસ્ટ થિંક, આપણે અનુમાનિત દોઢસો કરોડનો દેશ છીએ એમાં માત્ર નવેક ટકા લોકો પાસે પાસપોર્ટ છે ! અર્થાત ભારતની નેવું ટકાથી વધુ વસતિ પાસે તો પાસપોર્ટ જ નથી તો જગત જુએ કેવી રીતે? ઘણા સક્ષમ છે એ તો પરદેશમાં જ રહે છે. અને બાકી સત્તાવાર વાર્ષિક આશરે ત્રણેક કરોડ ભારતીયો વિદેશ પ્રવાસ કરે છે. જેમાં મોટા ભાગના તો અખાતી દેશો કે વિએતનામ, થાઈલેન્ડ જેવા ફાર ઇસ્ટના પાડોશી દેશોના હોય છે. હજુ એકસો ચાલીસ કરોડ ભારતીયોને તો સ્ક્રીનની બહાર દુનિયા કેવી છે એ ખબર જ નથી !

અને આમાં કરકસરના ઉપદેશ અપાઈ રહ્યા છે, ઉપલા લેવલે તો દેખાડા માટેના નાટકો રાબેતા મુજબ ઠેર ઠેર ચાલુ થઇ ગયા છે. પણ ડોલર સામે રૂપિયો ૯૬ થઇ ગયો, એ બાબતે તો વિગતે ગયા રવિવારે લખ્યું પણ એનું કનેક્શન વર્તમાન યુદ્ધ સાથે છે એ અર્ધસત્ય છે. આવું લખવું ગમે નહિ, કારણ કે એનો ભોગ બનવું પડે છે ખોજી પ્રવાસી તરીકે. પણ આપણો રૂપિયો કોઈ સ્ટ્રીપટીઝ ડાન્સર હોય એમ એનું ચીરહરણ બધે જ ચાલુ છે. ૨૦૧૪માં ડોલરના ૬૪ રૂપિયા હતા ત્યારે ઘણાની રાડ નીકળી ગયેલી, એ બધાની સ્વરપેટીમાં પંચર છે ને આંગળીએ પાટા બાંધેલા હશે અત્યારે. કોવિડ વખતે એક ડોલરના ૭૬ હતા જે ગયા વર્ષે ૮૫ હતા અને એક વર્ષમાં બીજા ૧૧ વધી ગયા ! અરે ડોલર જ નહિ,  રિયાલ, દિરહામ, દીનાર, પાઉન્ડ, સ્વીસ ફ્રાંક બધા સામે રૂપિયાનો વિનિમય દર પાછલા વર્ષોમાં કેટલો ગગડી ગયો છે એ જુઓ. અરે એક યુરો બરાબર આ લખાય છે ત્યારે ૧૧૩ રૂપિયા છે, એ તરફ તો ધ્યાન જ નથી જતું ! આ સેન્ચ્યુરીઓ જે રૂપિયાની લાગે છે એ શું વિદેશ જતા હોય કે એની ચીજો ડાયરેક્ટ વાપરતા હોય એને જ અસર કરે એવું માનો છો ? એ ધીરે ધીરે સ્વદેશી માર્કેટ પણ તોડી શકે છે. 

જો કોઈ એમ કહે કે છેલ્લા દશકામાં મોંઘવારી પણ કેટલી વધી છે, તો હે અબૂધ, આપણે અહીં સ્થાનિક બજારની નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ચલણમૂલ્યની વાત કરી રહ્યા છીએ. મોંઘવારી તો બધે જ વધી છે, એટલે એક કરન્સી સામે બીજી કરન્સી નબળી નથી પડતી. કરન્સી ત્યારે જ ગગડે છે જ્યારે ઇકોનોમીની હાલત કથળવા લાગે. જો ડોલર સો રૂપિયાની પાર જતો રહેશે, તો વિદેશી રોકાણકારોનો ભારતની ઇકોનોમી પરથી ભરોસો હજુ વધારે ઊઠી જશે. શેરબજારમાંથી વધુ પૈસા પાછા ખેંચવા લાગશે. આપણું ક્રેડિટ રેટિંગ ઘટી જશે આઈએમએફમાં. આમાંથી બહાર આવવા માટે આપણને લોન પણ મોંઘા દરે મળશે. મતલબ કે, આ એક મુશ્કેલ ચક્રવ્યૂહ બની જશે. છેલ્લા કેટલાક વર્ષોથી જે મોટા ઉદ્યોગપતિઓ વિદેશમાં ઘરો ખરીદીને બેઠા છે પણ સામાન્ય માણસ ક્યાં જશે ?

અને એવો તર્ક પણ તથ્ય નથી ધરાવતો, કે રૂપિયો નબળો પડે તો સારું આપણી એક્સપોર્ટ વધશે. આવું માનનારને અર્થશાસ્ત્રમાં એટલી જ સમજ પડે છે જેટલી એડમ સ્મિથને ભરતનાટયમમાં પડતી હતી ! જો તમારી ઇકોનોમી મજબૂત છે. તમારા દેશ પર કોઈ દેવું નથી. ઊલટાનું તમે અમેરિકન ફેડરલ રિઝર્વના બોન્ડ ખરીદી રાખ્યા છે. એટલે કે એક રીતે તમારા દેશે અમેરિકાને લોન આપી રાખી છે, તમે 'ટ્રેડ સરપ્લસ'માં છો, અર્થાત્ તમારી આયાત કરતાં તમારી નિકાસ ચીન, જાપાન, જર્મનીની જેમ વધારે છે. તો પછી ટેન્શન નહીં લેને કા, ભલે યુદ્ધ આવે કે રોગ. 

જો આપણા દેશમાં મેક ઇન ઇન્ડિયા માત્ર કેમ્પેઈન ના રહેતા મેન્યુફેક્ચરિંગ સેક્ટર ડેવલપ કરત તો એક્સપોર્ટ વધ્યું હોત. પણ આપણું દેવું દેશ બહારની લોનનું ૭૩૬ અબજ ડોલર છે જે આવતા વર્ષે ૭૬૫ અબજ ડોલર થઇ જશે એ રૂપિયો નબળો પડે તો આપોઆપ બીજા કરોડો એમ જ ઘેર બેઠા કરજમાં વધી જાય છે એનો અંદાજ આવે છે? સુતાં સુતાં જ પથારી ફરી જાય એવી હાલત થઇ શકે.  જો સમયસર લાંબા ગાળાના દૂરંદેશી પગલા કોઈ ખરેખરા આર્થિક નિષ્ણાતનું માનીને ના લઇએ તો આ આત્મઘાતી લપસણી છે. આપણે એક્સપોર્ટ કરીને જેટલું વિદેશી હૂંડિયામણ કમાઈએ, તેના કરતાં વધુ તો ઇમ્પોર્ટના પેમેન્ટમાં જતું રહે છે. અને ખાટલે મોટી ખોડ એ છે કે ઉત્પાદનમાં આપણે આટલા વર્ષે ય દુનિયાનો વિશ્વાસ પૂરો જીતી નથી શક્યા.

જો ભારતે વિકસિત દેશ બનવું હોય, તો આ કામમાં સ્મોલ એન્ડ મિડીયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી જોઈએ. તમે અત્યારે પ્રમાણમાં સુખી ને પૈસાપાત્ર કે વિદેશમાં સ્થાયી થયેલા નવી પેઢીના લોકો જોશો તો એમાંના પંચોતેર ટકા જેટલા ૨૦૦૪થી ૨૦૧૪ દરમિયાન આગળ આવ્યા હશે કે ભણ્યા હશે. ત્યારે ભારતીયોની આંખમાં ધાર્મિકતાના ઝેરને બદલે એક સપનું હતું પ્રગતિનું. એટલે તો એમણે હજુ વધુ વિકાસ માટે સત્તા બદલી. અંબાણી, અદાણી રુઇયા, વાડિયા, બિરલા મુંજાલ, સિંધાનીયા, બજાજ, પ્રેમજી, સિંઘવી, ગોદરેજ કે ટાટા જેવા ઘણા મોટા ઉદ્યોગપતિઓ તો ભારતમાં પહેલેથી જ છે. પરંતુ તેમણે કોઈ નવી શોધ કરી? કોઈ ઓપરેટિંગ સીસ્ટમ, કોઈ સ્માર્ટફોન કે કોઈ એઆઇ કે કોઈ આખું જગત વાપરે એવી નવી ટેક્નોલોજીનું ઇનોવેશન કર્યું છે?

સર્વિસ સેક્ટર અને એગ્રીકલ્ચર સિવાય ભારતમાં ધંધો એટલે કમિશનનું ટ્રેડિંગ અથવા તો દેશના સંસાધનોનો સરકારી મહેરબાનીથી ઉપયોગ કરીને તેમાંથી પૈસા બનાવવાના. કાં બીજે શરુ થયેલો કોન્સેપ્ટ લેબલ બદલી કોપી કરવાનો. એ પણ જનતાના ટેક્સ કે બચતમાંથી લોન કે ફંડ મેળવીને. ઉદાહરણ જુઓ, એક ઢંગની ઇન્ટરનેશનલ એરલાઈન જેટ એરવેઝ ચાલતી હતી એ બંધ કરાવાઈ. એર ઇન્ડિયા વેંચાઈ ગઈ. શાબાશ. હવે મોનોપોલીને ઇન્ડિગો પહોંચી વળે એમ નથી ને કોઈ મજબૂત હરીફ નથી તો વેકેશનમાં સ્વદેશમાં ફરવાના વિમાની ભાડા જોયા છે અત્યારે? કાશ્મીર જવા કરતા યુરોપ જવું સસ્તું લાગે એમ છે !

આ જ સમયગાળા દરમિયાન અમેરિકા, દક્ષિણ કોરિયા અને યુરોપમાં નવી શોધો થઈ રહી હતી. આજે અમેરિકાનો આઇફોન અને કોરિયાનો સેમસંગ આખી દુનિયામાં વેચાય છે અને ત્યાંથી પૈસા ખેંચાઈને અમેરિકા અને કોરિયા જાય છે. આપણે એના સ્પેરપાર્ટસ જોડીને હરખાઈએ છીએ ! હા, ચીન એકમાત્ર એવો દેશ છે જેણે વિકસિત દેશોની હરોળમાં એન્ટ્રી મારી લીધી. 

કારણ કે ચીને સરમુખત્યારી સત્તા છતાં નાના ઉદ્યોગોને ખૂબ મોટા પાયે પ્રોત્સાહન આપ્યું. ભ્રષ્ટાચાર કડક સજાથી ઓછો કર્યો અને દરેક રાજ્ય/પ્રાંતની સરકારોની જવાબદારી નક્કી કરી કે તમે તમારા વિસ્તારમાં ઉદ્યોગો અને રોજગાર લાવો. ચીનનું ફોકસ નાના ઉદ્યોગોને આગળ વધારવા પર વધુ રહ્યું છે. આ માટે તેણે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું જેથી નાના વેપારીઓએ ફેક્ટરી લગાવવા માટે છેક શહેરોમાં ન જવું પડે. સસ્તી મજૂરીને લીધે અમેરિકા અને યુરોપે પોતાનું મેન્યુફેક્ચરિંગ ચીનમાં શિફ્ટ કર્યું. પણ આનાથી ચીનને મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી મળી, એમાં એણે પોતાની બ્રાન્ડ જેમ કે ઈવી કાર ઉભી કરી એક્સપોર્ટ વધારી દીધી. આજે ઘણી કંપનીઓ ભારતમાં પણ મેન્યુફેક્ચરિંગ કરી રહી છે, પણ ભારત આ તકનો એવો ફાયદો નથી ઉઠાવી શકતું. કેમ?

કારણ કે, ભારતમાં આજે પણ જો તમારે કોઈ નાની વસ્તુના મેન્યુફેક્ચરિંગનો ધંધો કરવો હોય, તો મોટા શહેરમાં કે ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં જ જવું પડે છે. અને એવા શહેરો પણ ગણ્યા-ગાંઠયા જ છે. નાના ગામોમાં આજે પણ પાયાની સુવિધાઓનો સદંતર અભાવ છે. અને બધે બેફામ કરપ્શન છે. એમાં નોટબંધી, આરંભે અધકચરો જીએસટી અને પછી કોવિડ લોકડાઉન. સરવાળે ડિજીટલ પેમેન્ટ વધ્યા પણ કેટલાય રોકડિયા નાના વેપારી ખતમ થતા ગયા. હુ કેર્સ? ઉલટું, આપણા સમાજે ધર્મ, જ્ઞાાતિ અને ભાષાના રાજકારણને જ માથે ચડાવી રાખ્યું છે. જો આર્થિક વિકાસ, યોગ્ય સુવિધા, ભ્રષ્ટાચાર નાબુદી, સાચો ન્યાય, વૈજ્ઞાાનિક અભિગમ, ઉત્તમ શિક્ષણ મતદારોની ડિમાન્ડ જ ના હોય તો નેતાઓ શું કામ સમય આપે એમાં. પબ્લિક નાટકોથી ખુશ થઇ જાય તો વધુ ને વધુ સ્ટંટ ચાલ્યા કરે. બાકી, જ્યાં તંત્ર અને એજન્સીઓની બાજનજર હોય ભ્રષ્ટાચાર પર, એવા દેશ જેમ કે અમરિકામાં આપણા જ અબજપતિઓ સમાધાન માટે રૂપિયા ગણવા તૈયાર થઇ જાય છે. પણ અહીં એવો ડર જ નથી નાના મોટા કોઈ પણ ગુનેગાર ભ્રષ્ટાચારીઓને !

પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી માટે દરેક રાજ્યમાં હજારોની સંખ્યામાં બિઝનેસપર્સન જોઈએ. કરપ્શન ફ્રી ઓનેસ્ટ સીસ્ટમ જોઈએ. 

જે લાખો રોજગાર પેદા કરે ને કરોડો કસ્ટમર જગતના મળે એવું સાયન્ટીફિક એજ્યુકેટેડ બ્રેેઈન જોઈએ. બરાબર વાંચજો. ધાર્મિક નહિ, વૈજ્ઞાાનિક. અને ઇન્ડસ્ટ્રીમાં મોનોપોલી કે જૂઠ/ઘાલમેલ સામે સરકારની કડક નજર જોઈએ. નિષ્પક્ષ ને ઝડપી ન્યાય કરતા આધુનિક મિજાજના જજ અને અધિકારીઓ જોઈએ. પણ આપણે ત્યાં બધા પક્ષોની સરકારોએ પોતે જ મોનોપોલીના કલ્ચરને સપોર્ટ કર્યો છે. જોખમ બહુ મોટું છે. જો એક મોટો ઉદ્યોગપતિ ડૂબે, તો આખો દેશ હચમચી જાય. એની જગ્યાએ જો સેંકડો નાના-મોટા ઉદ્યોગપતિઓ હોય અને તેમાંથી એકાદ ડૂબી પણ જાય, તો અર્થતંત્રને ખાસ કોઈ ફરક ન પડે, ફરી એરલાઈનનો કેસ સ્ટડી યાદ કરો. 

તો સાર એ કે ભારત એ એક્સપોર્ટ નહીં, પણ ઇમ્પોર્ટ પ્રધાન દેશ છે. દુનિયામાં જે એક દેશ છે જ્યાં ભારત સૌથી વધુ એક્સપોર્ટ કરે છે, એ છે અમેરિકા. પણ ત્યાં તો કૂટનીતિ કૂટાઈ જતા સંબંધ એવા રહ્યા નથી, અને હવે અમેરિકા પોતાની શરતોએ આપણી પાસેથી કામ લે છે એ દેખાઈ ગયું છે. ને બીજી માર્કેટએટલી હદે ડેવલપ તાત્કાલિક આપણી પાસે છે નહિ. અને દુનિયામાં જે એક દેશ છે જ્યાંથી ભારત સૌથી વધુ ઈમ્પોર્ટ કરે છે એ છે ચીન ! જેને ચૂકવવા માટે રૂપિયો નબળો થતો જાય છે. આપણા સ્થાનિક બજારમાં લાઈટથી ફર્નીચર અને દવાઓથી રમકડાં સુધીની ઘણી નાની-મોટી વસ્તુઓ કાં તો ચીનથી આવી રહી છે અથવા તો એ બનાવવાનું મટીરિયલ. કારણ કે એ છાતી ફૂલાવતી ભાષણબાજી નથી કરતું, પાક્કી ગણતરી અને કામગીરી મુજબ પરિણામ લાવે છે. આપણે ચીનથી કાચો માલ આયાત કરીને, અહીં વસ્તુઓ બનાવીને એક્સપોર્ટ પણ કરતા હતા. હવે ફિનિશ્ડ પ્રોડક્ટ સસ્તી છે ને રો મટીરીયલ મોંઘુ કારણ કે રૂપિયો ઝીરો ફિગર છે !

આ અર્થતંત્રના દર્દીને પાટાપિંડી નહિ, ઓપરેશનની જરૂર છે!

ઝિંગ થિંગ 

વહી બાતેં બડી,  વહી દાવા બડાઈ કા..

હમ હી મૌકા દેતે હૈ,  અપની જગહંસાઈ કા!

(વસીમ બરેલવી)