Get The App

મોટીવેશનલ ને 'ખોટીવેશનલ' .

Updated: Mar 19th, 2024

GS TEAM


Google News
Google News
મોટીવેશનલ ને 'ખોટીવેશનલ'                                . 1 - image


- પોપકોર્ન બ્રેઈનને ફાસ્ટફૂડ જેવું અધ્યાત્મ કે પ્રચારાત્મક પ્રેરણા પીરસનારાઓમાં હીરા ને કાચનો ફરક કેમ સમજવો?

- અનાવૃત-જય વસાવડા

- જે સત્યનું જ્ઞાન વહેંચવા છતાં પણ નિજાનંદની મજાકમસ્તીથી સરળ હળવાફૂલ રહે એ ખરા અને ઉધારના જ્ઞાન છતાં અન્યો પર પ્રભાવ પાડવા કોર્પોરેટ એપ્રોચ રાખે ને રસાલાની ફોજ રાખી ગુમાનમાં ગંભીર થઈને ફરે, એ ખોટા! 

એ ક કોફી શોપમાં એકધારું કામ કરીને એનો જુવાન માલિક કંટાળી ગયો. સતત ગ્રાહકોના ધસારા ને બસ મોનોટોનસ એવું કોફીં બનાવવાનું કામ. જેમાં કોઈ ચેન્જ નહિ, કોઈ ગ્રોથ નહિ. બસ, બીજા માટે કોફી બનાવ્યા કરવાની અને એની જ એકની એક સ્મેલ લીધા કરવાની. થાકને લીધે એનું માથું દુ:ખવા લાગ્યું. થોડીવાર માટે કાફે છોડી, રોડ ક્રોસ કરી હોસ્પિટલમાં ગયો કે જરા તરોતાજા થવા માટે માથાનો દુ:ખાવો મટાડતી દવા લઇ આવીએ. પણ ત્યાં ડોક્ટર જ ચેમ્બરમાં હાજર નહિ ! એણે પૂછયું 'ડોક્ટરસાહેબ ક્યાં ગયા? મારે અત્યારે જ દુ:ખતું માથું મટાડવા એમને મળવું હતું.' રિસેપ્શન પરથી જવાબ મળ્યો. 'સતત પેશન્ટસ જોયા કરવાનું એકધારું કામ કરવાના થાકને લીધે એમનું માથું દુખતું હતું તો એ હળવું કરવા માટે સામે કોફી શોપમાં કોફી પીવા હમણાં જ ગયા !'

લોકો ઘણી વાર જેમને વધુ પડતા ઊંચા આસને બેસાડી દે છે એમની ડાયનોસોરના ફેફસાં ફાડી દે એવી મસમોટી પ્રેરણાત્મક વાતો સાંભળીને, એ ખુદ ક્યારેક અંદરખાનેથી આવી હાલતમાં હોય છે. એમના રિલેશનશિપ્સની નાવડી સંસારસાગરમાં ગોથાં ખાતી હોય છે. એ ખુદ પૈસાની ભૂખને લીધે ધાર્યા રૂપિયા ના મળે, તો સતત ટેન્શનમાં દુ:ખ અનુભવતા હોય છે. પોતાને બદલે કોઈ બીજા આગળ નીકળી જશે એની ઇનસિકયોરિટીઝને લીધે એમનો કોન્ફિડન્સ તૂટી જતો હોય છે અને લોકપ્રિયતા ઓસરી જશે તો ? એનો ડર એમને ડિપ્રેશન ભણી લઇ જાય એવું પણ થતું હોય છે. 

જેમ કે, ગત રવિવારે સ્પેક્ટ્રોમીટરમાં છેડેલી ચર્ચા આગળ ધપાવતા યાદ કરીએ વિવેક બિન્દ્રા અને સંદીપ મહેશ્વરીને. ડિજીટલ વિડીયો યુગમાં યુવાઓ અને બિઝનેસ લીડર્સના બેઉ ચહિતા નામો છે. જેમને ફોલો કરી લોકો જિંદગી જીતવાની જાદૂઈ જડીબુટ્ટી મેળવી લેવાના ખ્વાબમાં રમતા હોય છે. બીજાને સુખી જીવન શીખવાડતા વિવેક બિન્દ્રાના પત્નીએ એમની સામે ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કરી એમના દ્વારા થતા હેરેસમેન્ટની ફરિયાદ કરી !  તો સંદીપ મહેશ્વરીએ વળી એક સ્ટોરી મૂકી કબૂલાત કરી કે પોતે બીજાઓને હતાશ ના થવાના ઉપદેશ આપે છે, પણ કોવિડ દરમિયાન બંધ પડેલ કામ, ગભરાટ કે ઉચાટ વોટએવર રીઝનને લીધે ખુદ જ ડિપ્રેશનનો સામનો કરીંને એની સારવાર લઇ રહ્યા છે ! 

આ વિવેક અને સંદીપ વળી સામસામે વિડીયો મોરચો ખોલીને બેઠા હતા ! વિવેક બિન્દ્રાએ એક લાઈફ કોચિંગ કોર્સ શરુ કર્યો અને આવડત કરતા અરમાનો પર ફોકસ કરી ઘણા ડ્રીમી યુવક યુવતીઓને તગડી ફીથી એમાં જોડયા. જેના પછી કામ મળવાની ને સફળ થવાની ગેરેન્ટી હતી. કોઈ ફર્જી ડિગ્રી હોવાના વિવાદમાં ઘેરાયેલા ખુદ એકેડેમિક આઇકોન બનવા લાગ્યા. હોંશે હોંશે એમાં જોડાયેલા યુવાઓને એને લીધે કોઈ ચમત્કારિક ફાયદો થયો નહિ. પરેશાન થઇ ફરિયાદો કરવા ગયા તો વિવેક બિન્દ્રાની ટીમે બધાને નેટવર્ક / મલ્ટીલેવલ માર્કેટિંગના મોડલ મુજબ બીજા બકરા બકરીઓ શોધવાનું કહ્યું જેમને એ કોર્સ બારોબાર વેંચીને એ લોકો કમિશન કમાય અને વિવેકભાઈની આવક નવા ગ્રાહકો આપમેળે મળતા વધી જાય ! સકસેસ ને હેપિનેસ ચેઝ કરવા નીકળેલા યંગ પીપલ રૂડા ટાઈટલ ધરાવતા સેલ્સમેન બનીને રહી ગયા અને મોકો જોઈ પ્રોફેશનલ હરીફનો દાવ લેવા સંદેપ મહેશ્વરીએ એક્ટીવિસ્ટ મોડમાં આવી એમને ચેલેન્જ કરતા અને એમની ખામીઓ કાઢતા વિડીયો બનવ્યા. સ્ટ્રીટ ફાઈટની જેમ બેઉ એકબીજાને ઉઘાડા પડવાની ધમકી આપવા લાગ્યા ! 

એમનું મોટીવેશન એમને જ કામ ના લાગ્યું કારણ કે એ મોટા ભાગના ચાલતી ગાડીએ ચડી ગયેલા ચલતા પૂર્જાઓની જેમ પોતાની જિંદગીના અનુભવો કે સંઘર્ષમાંથી નહિ પણ ચારેબાજુથી ચાલાકીપૂર્વક ઉઠાવેલા ચોરાઉ માલ પર ચાલતું હતું. ગુજરાતીમાં પણ અમુક ચાંપલાઓ કાળજીપૂર્વક અંેગ્રેજી સેલ્ફ હેલ્પ કિતાબોમાંથી કોપી કરી કરીને ચીકણીચૂપડી ફિલસુફીઓ પાંચેક વખત ડ્રાફ્ટિંગ કરી સ્માર્ટલી ફટકારી દે છે. જેમાં નીચોવો તો એમનું ખુદનું ટીપું ય જડે એમ નથી બધા વિચારો કોપીપેસ્ટ હોય છે. અમુક તો બીજાને રિલેશનમાં મર્યાદા અને વફાદારી અને સંસ્કૃતિના લેસન ભણાવનાર દંભીસ્તાનીઓ પોતે લફરાં માટે કૂટાઈ ચૂક્યા હોય છે ને એમના ઘરમાં એમના જીવનસાથી સાથે ભળતું ના હોય કે ડિવોર્સ સુધી નોબત આવી હોય એવું થયું છે. 

બીજાને શૂરાતન અને સફળતાના પાઠ ભણાવનાર પોતે ડિપ્રેશનની નિયમિત દવાઓ ખાનગીમાં લેતા હોય ને જરાક અમથી કોઈની નેગેટીવ કોમેન્ટથી ફફડી ઉઠે ને રાતોની એમની નીંદર હરામ થઇ જાય અને પોઝીટીવલી પોતાનું કામ કરવાને બદલે કે સમી છાતીએ રોકડો જવાબ દેવાને બદલે ચિંતામાં આવી દરમાં લપાઈ જતા ડરપોક ભાગેડુ બની જાય એવા પણ આપણી આસપાસ જ ધમધોકાર હોય છે. પોતાની બીમારી સાજી ના કરનાર કે ખુદની મુફલિસી દૂર ના કરનાર નાટકીયા ઢોંગી બાબા બની બીજાને આરોગ્ય અને ઐશ્વર્ય આપવાના દાવાઓ કરે છે !

પણ આમ છતાં એમના ફોલોઅર્સ ખાસ ઘટવાના નથી. આ બધા ઉસ્તાદો એટલું સમજે છે કે લોકો પાસે ઝાઝું જાતે તૈયાર થઈને વાંચવાવિચારવાની ફુરસદ નથી. જેમ કે, ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેેલીયાની ફિટ એન્ડ ફાઈટર ટીમે બાબા બાગેશ્વરની આગાહીનો ફાલુદો કરી નાખ્યો તો કોઈને ફરક પડયો ? ડોબાઘોઘા લોકોને એટલે તો ખબર નથી પડતી કે એમને સ્માર્ટ પેકેજીંગમાં જે જ્ઞાન પીરસાય છે એ વાસી છે કે તાજું ? એ ઉધાર છે કે મૌલિક ? એ સહજ છે કે ધંધાદારી ? આવી વિવેકબુદ્ધિના અભાવે મૂરખા ઝાઝા હોય ત્યાં માલદાર બનવું સહેલું છે.

એટલે આજકાલ શેરીએ શેરીએ મોટીવેશનના પડીકાંબાજોનો રાફડો ફાટયો છે. જેમ કોઈ રિયાલીટી શોમાં કોઈ નાનકડી ઢીંગલી રાત બાકી બાત બાકી જેવા સિડકટીવ સોંગ પર ઠુમકા લગાવતી હોય ત્યારે ખબર પડી જવી જોઈએ કે એને આ શબ્દો કે નખરાંના અર્થની કોઈ સમજ નથી પણ બિચારી ઉત્સાહમાં કોઈએ શીખવાડીને ટ્રેઈન કરાવેલા સ્ટેપ્સ પર નાચે છે. એમ રીતસર મા-બાપ કે કોઈ અન્ય વડીલ ગુરુ તૈયારી કરાવીને ગોખણપટ્ટી કરાવીને એમના ચિરંજીવીઓને એવા એવા વિષયો પણ ભાષણ તૈયાર કરાવે છે કે સાંભળતાની સાથે જ એની કૃત્રિમતાની ખબર પડી જાય. નાટકીયા અંદાજમાં ઉંમરની ઉપરવટ અનુભવ વિના ગોખેલું જ્ઞાન ઝીલી તાળીઓ પાડનારા મળી રહે પણ એનાથી કંઈ આંતરિક વિકાસ થાય નહિ, ઉલટો અટકી જાય. બાંધેલા વિષયોની બહાર જઈને જરાક સવાલ પણ કરો તો ઉપરનો ખોટો ચળકાટ ઉતરી જાય અને અંદરના ખાલીપણાનો કાટ દેખાઈ જાય ! 

મોટા ભાગના નામાંકિત થયેલા વ્યક્તિઓ પણ એકસરખી સ્ક્રિપ્ટ પર જ ગાડું ગબડાવે છે. યાદશક્તિના આધારે બીજા બોલ્યા હોય કે વોટ્સએપમાં આવ્યું હોય એમાંથી પરબારું (ડાયરેક્ટ, યુ નો ?) બઠાવી લે છે. એમને એમની ફ્રેમની બહાર કંઈ પૂછો કે સબ્જેક્ટ આપો તો એમના જ મોટીવેશનના ડોઝની એમને જરૂર પડે કારણ કે ના વિશાળ વાચન છે, ન કોઈ આગવું ચિંતન છે. માત્ર ખટપટ અને ભભૂકતી સ્વકેન્દ્રી મહત્વાકાંક્ષાઓ છે. જેમના જોરે બિઝનેસ અને પોપ્યુલારિટી વધારવી હોય છે. એ પરદેશ પણ જાય તો પોતાની અઢળક આવકને ખર્ચીને કોઈ નવા અનુભવ જીવનમાં લઈને આવતા નથી. પણ આયોજકોના ખર્ચે ને જોખમે ખાણી 'પીણી'ને જલસા પાર્ટી કરીને એકની એક વાતો આજીવન કર્યા કરે છે. ધે આર નોટ ક્રિએટીવ બ્રેઈન. ધે આર જસ્ટ સ્માર્ટ એન્ડ ક્કેડ. લુચ્ચાઈ થકી અને આડાઅવળા ગોરખધંધા થકી નામના ને સંપર્કો કેળવી લઇ પછી પોતાની બ્રાન્ડ જમાવી ભૂતકાળ દફન કરનારા પણ પડયા છે. સેમ્પલ, આજકાલ પોપ્યુલર બનેલા સ્પીકર પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ સામે દિલ્હી પ્રેસ ક્લબમાં કોઈ ગોટાળા બાબતે તપાસ થઇ હતી ને નિયમોની ઉપરવટ જઈ એમણે ૨૦૦૯માં સોનિયા ગાંધીને કાર્ડ અપાવેલું ને પોતે પાકિસ્તાનની ટીવી ચેનલ માટે કામ કરતા હતા એવી વિગતો પણ ગૂગલ કરવાથી મળી આવશે !

પોતાને અધ્યાત્મ અને ધર્મના સંદેશવાહક કહેતા ઉપદેશકો પણ આમાંથી બાકાત નથી. કવિઓમાંથી કથાકારો થઇ જનારા અને લેખકોમાંથી તાંત્રિકો થઇ જનારા મૂળ તો મોકાપરસ્ત મેનિપ્યુલેટર્સ હોય છે. ઉપર ઉપરથી નકલી અધ્યાત્મની વાતો કરનારાઓ કદી વેદ ને ઉપનિષદની મીમાંસા જેટલા ઊંડા નહિ ઉતરે. માત્ર પ્રજાને ઈમ્પ્રેસ કરવા જેટલી ભૂરકી છાંટશે કોઈ શ્લોેકોની ને પ્રસંગોની. સંસાર છોડનારા ભગવા ધારણ કરેલા રાજનીતિમાં આવી સત્તાસ્થાને બેસી જતા હોય તો આજકાલ તમામ એવા મહામહંતો, મૌલવીઓ, પાદરીઓ બધા જ વિડીયોજીવી થઇ ગયા છે. કેમેરા એન્ગલથી એડીટિંગ સુધીની આખી ફોજ રાખે છે. દીક્ષાનું પણ જોરદાર માર્કેટિંગ કરે છે. ત્યાગ ને સંયમના ઉપદેશ આપતા આપતા બીજા હરીફોને પાડી દેવા દાવ રમે છે, પોસ્ટરથી પ્રોજેક્ટ સુધી બીજાથી આગળ નીકળી જવાની હુંસાતુંસી કરે છે, ને અનુયાયીઓના પૈસે તાગડધિન્ના કરે છે ! 

પહેલા તમારે કઠિન રસ્તે તપસ્યામાં તલ્લીન ગુરુઓ સુધી જવું પડતું. હવે દરેક ધર્મના વાચાળ ગુરુઓ ટીમ બનાવી તમારા સુધી પહોંચવા થનગને છે. એ કોઈ દાતા કે કળાના સમર્થ ઉપાસક નથી મોરારિબાપુની માફક. એ કોઈ ખરા અર્થમાં મુક્ત વિચારના ઉપાસક અને અદ્ભુત તર્ક તથા તથ્યોના સાધક નથી ઓશો રજનીશ જેવા. બલકે એમના જ કોપીકેટ હોય છે ! એ તો બધા કોઈને કોઈ રીતે ઉઘરાણા કરવા આવે છે, તમને બીવડાવે છે ને મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરી, ફોરેન ટ્રીપ કરીને આધુનિકતા અને પશ્ચિમી સંસ્કૃતિ કે નૈસર્ગિક પ્રેમ કે સાહજિક સેક્સ કે વિજ્ઞાન અને કળાની સર્જકતાને, સાહિત્યને, ફેશનને સતત ભાંડતા પુરાતનવાદી સંકુચિતો છે ! 

પણ ટુચકાઓ કહે, જોશીલી વકતૃત્વકળા રાખે, નાટકીય અંદાજમાં ટોળા ભેગા કરી એન્ટ્રી મારે આ બધા તામઝામમાં એમની સપાટી ઉપરની ઉપરછલ્લી વાતોની નબળાઈ કે અભ્યાસ અને અનુભવ બાબતે અજ્ઞાન ઢંકાઈ જાય છે. બધા અવ ગપ્પીદાસો એડ બનાવીને, ચેનલો તૈયાર કરીને પ્રમોશન કરતા રહે છે. સંસાર છોડીદેન સંસાર કેમ ચલાવવો એનું જ્ઞાન આપ્યા કરે છે સતત ! અમુક વીઆઈપી ધર્મગુરુઓ ઉદાહરણો પણ કારોબારીઓ કે રાજકારણીઓના આપે. બેઠકઉઠક પણ એમની જોડે રાખે. કોઈ આધાર વિના સાવ ખોટા આંકડા કે સંદર્ભો કે અન્ય સંસ્કૃતિઓ બાબતે ફાલતુ ટીકાઓ કરીને મિથ્યાભિમાનથી ઘેટાંઓનું બ્રેઈનવોશિંગ કર્યા કરે. ખરા અલગારી હોય તો બંધ ના કરાવી દે એ પ્રચારનો વેપાર !

મૂળ તો જનતા એટલે છેતરાય છે કે સાદા સવાલો પણ એમને થતા નથી. ૨૧મી સદી ૨૫ વર્ષની થવા આવી ને આપણે નાસાની સ્પર્ધા કરવા લાગ્યા ત્યારે નવી પેટન્ટ કેમ આવે લાઈફ ચેન્જીંગ એનો આંકડો વધવાને બદલે સતત અભણ રીગ્રેસીવ સોચના પ્રોગ્રામો ગ્રામીણ વિસ્તારોમાં શક્તિપ્રદર્શન સાથે વધવા લાગ્યા. ઘરેણા અને ઠાઠઠઠારાના વલ્ગર પ્રદર્શન સાથે ગપ્પા ને મરીમસાલા સાથે જ્ઞાતિવાદી કે ભવિષ્યને બદલે કેવળ ભૂતકાળનું જ નશો ચડાવી દેતું મહિમાગાન વધવા લાગ્યું. એમાં ભૂવાઓ ને તાંત્રિકોની નવી બજાર ખુલી ગઈ ! બે ચાર સાચા સારા માણસોના અપવાદ સિવાય આખું ઘોડાપૂર આવ્યું છે. જેમને કશીં પડી નથી એવું કહેવાય એવા લોકો કેમેરો જોઇને પેશન અનુભવવા લાગે છે. ભૂત ભગાડનારા કે ભગવાનને હાજરાહજૂર રાખનારને આટલી બધી વાસના વિડીયો બનાવવાની કે એ ફેલાવવાની કે આવડે નહિ તો પણ વાતો કરવાની કેમ છે ને એમની પાસે એવી મહાન શક્તિઓ છે તો કોઈની કાર કે કેમેરા પર આટલા આધારિત કેમ રહેવું પડે છે એવો સિમ્પલ સવાલ પણ કોઈને થતો નથી !

સનસનાટી અને પબ્લિસિટીની એવી તો ભૂખ છે કે પૂનમ પાંડે જેવાઓ પોતાના મોતના પણ સ્ટંટ કરે ! સુંવાળો ઉછેર ધરાવતી શહેરી ઈંગ્લીશ મિડીયમ જનરેશન સતત મખમલી દાબડીમાં મોટી થાય છે મા બાપના લાડમાં. એટલે સ્ટાઈલમાં સ્માર્ટ લાગે બહારથી પણ ઈમોશનલી સ્ટ્રોંગ હોતી નથી. બધું ઈન્સ્ટન્ટ એમને જોઈએ છે એટલે ધીરજની આદત નથી. સહનશક્તિ દુ:ખો જીરવી જવાની એમને છે નહિ. ઈગો સાવ ફ્રેેજાઈલ એટલે બટકણો હોય છે. પછી બહાર ડાન્સ, ડ્રાઈવ ને ડ્રિંંકની મસ્તીં ચાલતી હોય ને ભીતર ડિમન્સ હોય અંધારી માનસિકતાના. ચીડિયો સ્વભાવ થતો જાય, આપઘાતના વિચાર આવે, ક્યાંય ચેન ના પડે અને એવું અશાંત મન ક્રિએશનના સ્ટ્રગલ કરવાને બદલે ઝટ કોઈ મોટીવેશનનું રેડીમેઈડ તરણું ઝાલે.

બે શબ્દો આવ્યા છે નવા. એક છે પોપકોર્ન બ્રેેઈન. જેમ તવામાં ફૂટતી ધાણી આમતેમ ઉછળતી હોય એમ ચંચળ, હાઈપર ેબ્રેઈન થતું જાય છે બધાનું. આડેધડ અવનવા વિચારો ફૂટયા જ કરે છે. રેન્ડમ થોટ્સનો થાક લાગે. અમુક સાવ વિચિત્ર અને કાબૂ બહારના એબ્સર્ડ વિચારો આવે. જાગતા સપનું જુઓ એવી ર્ંતંદ્રાનો અનુભવ થાય. બેઠાબેઠા બસ કોઈ ફેન્ટેસીમાં મન સરકી પડે. કન્ટ્રોલ ડિઝાયર પર રહે નહિ ને વ્યસનોમાં આ તણાવ ઓછો કરવા સરકી પડવું પડે. એમ જ મૂડ સ્વિંગ્સ આવ્યા કરે. ફોકસ રહે નહિ. ચિત્ત સરખું ક્યાંય ચિંતે નહિ. મોબાઈલમાં કારણ વગરના કન્ટેન્ટનું એડિકશન સમય બધો ખાઈ જાય. મગજના સ્નાયુઓ જાણે એગ્રેસીવનેસથી થાકી જાય. નિર્ણય ડામાડોળ થઇ જાય. યાદ કશું લાંબુ રહે નહિ ને કારણ વગર ગુસ્સો કે વેદનાની લાગણી થયા કરે. અને સ્થિરતા કેળવે એવો કોઈ સંગ કે શોખ ના હોય તો પછી બહાર ટેકા શોધવા પડે. આવું આડેધડ બનેલું દિમાગ એટલે પોપકોર્ન બ્રેઈન. 

અને કોઈ રિયલ ડેપ્થ વિના માત્ર થોડી રજૂઆતની આવડત, વાક્પટુતા કે ચાંપલી ફિલોસોફીની પંચલાઈન લખવાની આવડત અને પ્રોફેશનલ ટૂલ્સ કે ટીમના સહારે પ્રેઝન્ટેશનની કિમીયાગરી કરી આવા પોપકોર્ન બ્રેેઇનને ઠગારી શાંતિની ભ્રાંતિ આપે કે પોતાની ક્ષમતા અને મર્યાદા ઓળખવાની વાત કર્યા વિના જ સફળતાની સ્વપ્નીલ કિક આપે, સાયન્ટીફિક હોવાના દાવા કરે પણ ખરું વિજ્ઞાન કે રિસર્ચ કશું એની પાછળ હોય જ નહિ, ફેકટચેક કરો તો અલ્કાઈન વોટર જેવું સ્યુડો સાયન્સ નીકળે. પણ છતાં એક્સપર્ટ હોવાના દાવા કોન્ફિડન્સથી કરવામાં આવે ને સ્માર્ટલી તમારા ગજવામાંથી એ  માટે પૈસા સેરવવામાં આવે એ પોપ સાયકોલોજી. ( કહો કે પોપ સ્પિરિચ્યુઅલિટી) જેમાં મોટા ઢોલમાં મોટી પોલ હોય. 

જો થોડીક સમજણ કેળવો તો ગોળ ને ખોળ તારવવા એટલા અઘરા નથી. આગલો રવિવારનો અને આ ભાગ પણ ધ્યાનથી વાંચશો તો ધુતાઈ કે ભોળવાઈ જવામાંથી બચવાની 

ચાવીઓ જડશે એમાં. બીજું કશું વિશેષ ખબર ના પડે તો એટલું ધ્યાન રાખવું કે જે પોતાની ઈમેજ બાબતે બહુ જ સભાન હોય, કેમેરા એન્ગલથી લઈને કપડાં સુધી વધુ પડતી ચીવટ રખાતી હોય. સાહજિકતાને બદલે કૃત્રિમતા ભારોભાર હોય. મળવા કે સવાલ પૂછવાના પણ પૈસા પહેલા લઇ લેવાતા હોય, ખોટી વાતો જોશથી કહેવાતી પણ અણગમતી છતાં સાચી વાતો કહીને ઘેનમાં ડૂબેલા સમાજને બેઠો કરવાની હોશ ના હોય. વિજ્ઞાન ને કળાનો ઊંડો અભ્યાસ ના હોય, જે બિઝનેસ, સકસેસ, હેપિનેસના મોટીવેશન સિવાય અન્ય કોઈ વિષય પર પક્કડ ના ધરાવતા હોય, સિનેમાથી ટ્રાવેલ સુધીના રંગબેરંગી અનુભવો ના લેતા હોય, ડાહીડાહી ડાયાબીટીસ થઇ જાય એવી ગળીગળી ફેમિલી, સંકર, ત્યાગ, સંયમ, ભણતર, કારકિર્દી, શ્રધ્ધા વગેરે સ્ટાન્ડર્ડ ફોર્મેટ વાતો જ કર્યા કરે, ધાર્મિકતા વટાવ્યા કરે, ફોરેનની સેલ્ફ હેલ્પ બુક્સ સિવાય કોઈ કવિતા નવલકથાની વાત કરે જ નહિ, નવીન કશું ઉમેરાય જ નહિ જેમનામાં, શૃંગારિક રસિકતાના દંભી વિરોધી હોય, વારંવાર પોતાની પ્રોડક્ટની જ જાહેરાતો કરે કે તમારું જીવન સુધારવાને બદલે એમનો કોઈ પ્રોજેક્ટ કે કોર્સ જ ફાઈનલ સોલ્યુશન છે એવો પ્રચાર કરી ફંડ માંગ્યા કરે એ બધાને ખોટીવેશનલ જાણવા !

જે ખરા મોટીવેશનલ છે, એ બધાને એસેમ્બલી લાઈન સકસેસના સપના નહિ વેંચે. ગીતાની જેમ કાળની પણ વાતો કરશે. જે નિતનવો અભ્યાસ કરી તમને પીરસવા માટે તપ કરશે. ખોટું કહેવાઈ ગયું તો ભૂલ કબૂલ કરી જાહેર માફી માંગશે ને આવડતું નહિ હોય તો ખોટા ફાંકા નહિ મારે. પોતાને અપગ્રેડ કરશે. દરેક વાત પૈસાથી નહિ જોખે. ઈમેજ બાબતે કે સતત પ્રચાર બાબતે અલગારી રહેશે અને જેવા હોય એવા જ દેખાશે. જે સંવેદના અનુભવશે બીજા માટે ને એમને મદદ કરવાની પ્રામાણિક કોશિશ કરશે. જે કહેશે કે તમારી મર્યાદા અને ને તમારી પ્રતિભાને સમજો ને એ મુજબ તમને મળશે. બધાને સતત બધું ના મળે. સુખ કે સફળતા કાયમી ના હોય. હાર કે પીડા પણ જીવનનો હિસ્સો છે. અણધાર્યું થઇ શકે ને તમામ સવાલોના જવાબો ના જડે લાઈફની ભેદી પઝલમાં. સંઘર્ષ એ આપણી સનાતન નીયતિ છે ને માણસ ભૂલ પણ કરે ને સમય પલટાઈ જાય તો આવડતું હોવા છતાં ફેઈલ પણ થાય. આ વાસ્તવિકતાનો પરિચય લોકપ્રિયતાને ઠોકરે મારીને ઓરિજીનલ વોઈસની આઝાદીની ખુમારીથી કહહેનારા હવે ઓછા છે, પણ જે છે એ સાચા છે !

ઝિંગ થિંગ 

'સાહેબ, હું જીવનમાં સાવ હતાશ છું, ફેઇલ્યોર છું. મારી પાસે કશું જ નથી, સાવ ભાંગી પડયો છું'

'અરે હોતું હશે કંઈ? તમને જો મારા સેલ્ફ હેલ્પ વર્કશોપ્સ, સ્પેશ્યલ મોટીવેશનલ કોર્સીઝ અને ઇન્સ્પિરેશનલ બુક્સની કિંમત પોસાતી હોય અને તમે જો મારી ઇન્સ્પિરેશનલ સ્પિરિચ્યુઅલ પ્રિમીયમ ચેનલના સબસ્ક્રાઈબર હો તો તમે આર્થિક રીતે સાવ નિષ્ફળ તો ના જ કહેવાવ ! ખીખીખી.' 

Tags :