શોલે : પચાસ સાલ બાદ ભી બહુત યારાના લગતા હૈ!
- અનાવૃત-જય વસાવડા
- રમેશ સિપ્પીએ હમણાં જ કહ્યું કે ગોલ્ડન જ્યુબિલીએ એટલું સમજવું કે શોલે એક ગેબી જાદૂ છે, જે મારાથી પણ ફરી રિપિટ નથી થયો. એને ફરી બનાવવાની કોશિશ ન કરો!
શો લે અભાવો કિ કહાની હૈ! યે ઇતની ચલી ક્યું કિ લાઇફ કિ તરહ ઇસમેં ભી કુછ અધૂરાપન હૈ. ઇસલિયે કિરદાર ગહરાઈમેં ઉતર જાતે હૈ ઉસકે, એકશન કે પીછે ઇમોશન કિ ડેપ્થ આતી હૈ.'
દરિયાની ઉછળતી લહેરો સામે જોતા બાંદ્રાના નિવાસની બાલ્કનીમાંથી વીતેલા સમયમાં ડૂબકી મારી સલીમ ખાન સાહેબ (સલમાનના પિતા અને જાવેદ અખ્તર સાથે મળી હિન્દી સિનેમાથી સૌથી વધુ આઇકોનિક ફિલ્મો લખનાર બાપ લેખક) આ સિક્રેટ ખોલે છે.
સામાન્ય હિન્દી ફિલ્મોની વિરૂદ્વ શોલે કોઈનું ધાર્યું થતું નથી! જય (અમિતાભ) ના મૃત્યુને લીધે રાધા (જયા) ફરી એકાંતની બખોલમાં જતી રહે છે. પરિવાર ગુમાવી એકલા પેટા ઠાકુરનો બદલો (સેન્સર બોર્ડના વાંધાને લીધે!) પૂરો થતો નથી. કે વેર પછી પણ ચેન નથી. દોસ્તના મૃત્યુથી કાળઝાળ કાળઝાળ વીરૂને ગબ્બરને મારતા ઠાકુર અટકાવી દે છે. એકલા એવા ગબ્બરની બાજી પણ ઉલટી જ પડે છે. વીરૂ બસંતી મેળવે છે પણ જય જેવો દોસ્ત ગુમાવે છે. બસંતી ગામ છોડે છે. માસ્ટરજી હંગલ દીકરો ગુમાવે છે. શોલેનો અંત સાહસિક છે. એમાં સૂમસામ ખાલીપો છે. વેદના છે. કોઈની કહાની પુરી હેપી એન્ડિંગમાં નથી. બધાને કોઈ ખટકો છે, જિંદગીની જેમ જ !
***
ગોંડલ જેવા નાના શહેરનો એ મેળો હતો. સમય લગભગ વીસેક વર્ષ પહેલાનો. એક હાથમાં ફૂગ્ગો અને એક હાથમાં મમ્મી કે પપ્પાની આંગળી ઝાલીને એ બાળક કૂતૂહલથી રોજ મેળામાં ફરવા જાય. બાળકના મમ્મી પપ્પાને ફિલ્મોનો ખાસ શોખ નહિ. બાળક તો નાનો હતો ત્યારે જ થિયેટરમાં રડવા લાગતા એને મનોરંજન માટે મેળામાં લઈ જવાનો, ફિલ્મોમાં નહિ!
એ વખતે વીસીડી-ડીવીડી તો જવા દો, વિડિયો કેસેટ પણ કોઈએ ભાળી નહોતી. ત્યારે ઉત્તરપ્રદેશના ભૈયાજીઓ મેળામાં તંબૂ તાણીને 'સિનેમા'બતાવતા. મૂળ તો થિયેટરોમાં ફિલ્મોની રીલ ચાલીને જે ઘસાયેલા ટુકડા છુટ્ટા પડયા હોય, એ લઈ આવે. ખખડધજ પ્રોજેક્ટરથી બતાવે. નર્યા અચરજથી પેલો બાળક આવો એક ટુકડો જોવા ગયો. દસેક મિનિટના દ્રશ્યમાં એને અમિતાભ બચ્ચન નામના મહારથીના દર્શન થયા. પહલા પહલા પ્યારની માફક અમિતાભે જાણે જાદૂ કર્યો. રાતના સપનામાં પણ એ આવે. પછી તો પેલા તંબૂની બહારની પાટી વાંચીને એક ખાસ નામ લખાયેલું હોય એટલે જઈને બેસી જવાનું. માત્ર અમિતાભ જ નહિ, એ ફિલ્મમાં કશુંક ચૂંબક હતું. આમને આમ આઠમના પાંચ દિવસના મેળામાં ૮૦% ફિલ્મ કટકે કટકે જોવાઈ ગઈ. અંત પહેલા જોવાયો, આરંભ છેલ્લે!
સિલ્વર સ્ક્રીનની મુહોબ્બતના એ પહેલા પડાવનું નામ હતું :'શોલે'!
પ્રથમ 'શોલે' દર્શનને ચાલીસેક વરસ વીતી ગયા. અને ૧૯૭૫માં ૧૫ ઓગસ્ટે રિલિઝ થયેલ શોલેને આ વાંચશો ત્યારે પચાસ વરસ થઈ ગયા હશે ! પણ હમણા જ એની કેમિકલને લીધે ખતમ ગયેલી પ્રિન્ટને લંડનમાં 'ડિજીટલી રિ-માસ્ટર' ને ૭૦એમએમ જેવા આઈમેક્સ રેશિયોમાં કરીને ઇટાલીમાં ને ટોરન્ટોમાં રિલિઝ કરાઈ, ત્યારે લાગ્યું કે શોલેના સિક્કાનો રણકાર હજુ ટિકિટબારીએ સંભળાય એમ છે. આ વખતે એમાં સેન્સરે કઢાવેલો ખીલાવાળા બુટથી ઠાકુર ગબ્બરને મારે એ સીન અંતમાં છે. સચિનના મોતનો એડિટ થયેલો સીન ડાયરેક્ટર કટમાં છે. શોલેની અદભૂત પેરોડી ટીવી પર કરીને સચિને જ એ સીન બતાવેલા બધા ! એમ તો એનું થ્રીડી વર્ઝન રિલીઝ થયેલું પણ એમાં સાઉન્ડના ઠેકાણા નહોતા. છતાં 'કિતને આદમી થે ?' વાળા સવાલના જવાબમાં તીનને બદલે એટલા પ્રેક્ષકો 'શોલે' છૂટથી ટીવી પર આવતી હોવા છતાં ઉમટતા કે જ્યારે રિલીઝ થઈ હાઉસફૂલ થતી ગઈ!
'હાઉસફુલ' અને 'શોલે ' બંને 'શોલે'ના અંતમાં આવતા સિક્કાની જેમ એકસરખી સાઈડ ધરાવે છે! ધંધાના આંકડાની દ્રષ્ટિએ ઘણી ફિલ્મો આવી, પણ આવકની ટકાવારી અને જનમાનસ પરનો પ્રભાવ ગણો તો ૩૨ વર્ષની ઉંમરે રમેશ સિપ્પીએ બનાવેલી ફિલ્મ શોલેએ રિલિઝ વખતે ત્રણ થિયેટરોમાં ૭૫ સપ્તાહ, ૬૦ થિયેટરમાં ૫૦ સપ્તાહ, ૨૬ થિયેટરોમાં ૨૫ સપ્તાહ પૂરા કર્યા હતા! મિનરવા થિયેટરમાં સળંગ ૫ વર્ષ એ ચાલેલી, એ તો સૂરમા ભોપાલીના 'એ ભાઈ'વાળા તકિયા કલામ જેટલી જાણીતી વાત છે!
શોલેની કઈ ટિટબિટ્સ ખાનગી છે ? શોલેની રજુઆત વખતે એની એક ટેરેટરીના ૨૭ લાખ ઉપજ્યા હતા, પણ ૧૦ વર્ષ પછી ભાવ ઘટવાને બદલે વધીને ૪૫ લાખ થયો હતો. ફુગાવાને લીધે એ આંકડાના વિક્રમો તો બોલિવૂડ અને ભારતીય સિનેમાના તૂટયા. વધુ શોઝના પણ તૂટયા પણ ૨૫ કરોડથી વધુ ફૂટફોલ અને એ ઉપરાંત વીડિયો કે ટીવી કે ઓટીટી એમ ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં સૌથી વધુ પ્રેક્ષકો મેળવવાનો શોલેનો રેકોર્ડ અતૂટ છે !
૯૦% શૂટિંગ જ્યાં થયેલું એ રામગઢ ગામનો સેટ બેંગ્લોરથી ૫૦ કિમી.દૂર 'રામનગ્રમ'ગામમાં કળાનિર્ર્દેશક રામ ચેડેકરે બનાવ્યો હતો. એક વરસ માટે ત્યાંના ખેતરો ભાડે લીધા બાદ ઠાકુરની હવેલી સિપ્પીએ ગામલોકોને આપી દીધેલી. ફિલ્મના પ્રારંભમાં આવતા ટ્રેનલૂંટના દિલધડક દ્રશ્યોનું શૂટિંગ ૭ અઠવાડિયા સુધી પનવેલ-ઉરણમાં ચાલ્યું હતું. પહેલી જ વખત કોઈ ફિલ્મના ડાયલૉગ્સની કેસેટનો સેટ બહાર પડયો હતો. ૨૦મી સપ્ટેમ્બર ૧૯૭૩માં અમજદખાનને એક નાટકમાં જાવેદ અખ્તરે જોયા પછી સાઈન કરાયો ત્યારે જ તેને ત્યાં પુત્રનો જન્મ થયો હતો!...બાકી, 'ધર્માત્મા'ના શૂટિંગ માટે ડેની અફઘાનિસ્તાન ન ગયો હોત તો ગબ્બરસિંહ ગુરખા જેવો લાગત!
ગબ્બર! 'મેરા ગાંવ,મેરા દેશ'ના વિલન જબ્બર (વિનોદ ખન્ના)માંથી પ્રેરિત આ નામ આજની તારીખે હિન્દી ફિલ્મોના ખલનાયકોમાં નંબર વન છે! અમિતાભ અને સંજીવકુમારને પણ ગબ્બર જ થવું હતું! તો વળી ધર્ર્મેન્દ્રને ઠાકુર થવું હતું. પણ ધર્મેન્દ્ર જીદ કરે તો એની સ્વીટહાર્ટ હેમાનો ભૂતપૂર્વ પ્રેમી સંજીવકુમાર વીરૂ બનશે, એવું રમેશ સિપ્પીએ કહેતા જ હરિયાણે દા જાટ ચક્કી પિસંગ કરવા તાબડતોડ રેડી થઈ ગયા. તારીખ ત્રીજી આકટોબર,૧૯૭૩થી શોલેનું શૂટિંગ શરૂ થયેલું. એ વખતે જયા બચ્ચન પ્રેગનન્ટ હતી! ગબ્બર સચીનને મારી નાખે છે એ શોટ અને 'ચાંદ સા કોઈ ચહેરા'વાળું કવ્વાલી સોંગ કાપીને ૨૦૦ મિનિટની ફિલ્મ તૈયાર થઈ. બાકીનો ઈતિહાસ ઐતિહાસિક છે!
જમાનો બદલાયો. પ્રેક્ષકો જ નહિ, સર્જકોની પણ પેઢીઓ બદલાઈ. પણ શોલેના ભડકા હજુ ય દઝાડે તેવા હૂંફાળા છે! ફરાહખાન 'મૈં હૂં ના'માં બસંતી અને ધન્નોને ટ્રિબ્યુટ આપે, તો સંજય ગઢવી 'ઘૂમ'માં અભિષેક-ઉદય ચોપરાને જય-વીરૂની 'યે દોસ્તી તોડેંગે' વાળી ટીમ બનાવી ભેગા કરે! શોલેની ટીવી તો ઠીક, ફિલ્મોમાં પેરોડી થયા કરે...'આંધી તૂફાન'થી 'ચાઈના ગેટ'સુધી એના પ્લોટની નકલો થાય...અંગ્રેેજ લેખકો બોલીવૂડને 'પ્રિ-શોલે'અને 'પોસ્ટ શોલે'એમ બે ભાગમાં વહેંચે...'શોલે'પર દળદાર પુસ્તકો અને સાઈટસ બને...શોલે શા માટે અમર છે ?
'શોલે'ની અસર શેડકઢાં દૂધ જેવી અસલી છે. આ ફિલ્મ માર્કેટિંગ પર નહિ, પણ એના મેરિટ પર જ ઉંચકાઈ હતી. પહેલા દિવસે જ્યાં કાગડા ઉડતા હતા, ત્યાં પછી ટોળાં ઉભરાતા હતા. કારણ કે,આજની તારીખે ટેકનીક હોય કે કન્ટેન્ટ, ફીલિંગ્સ હોય કે થ્રીલ્સ, સ્ક્રીપ્ટ હોય કે શોટ ટેકિંગ...શોલે એક ટેક્સ્ટબૂક છે. કહો કે આખો સિલેબસ છે!
જેમ કે, એનો સાઉન્ડટ્રેેક રેકોડસ્ટ મંગેશ દેસાઈએ આર.ડી.બર્મનના માઉથ ઓર્ગન, વ્હીસલીંગ અને વેસ્ટર્ન ઈન્સ્ટ્રુમેન્ટલ થીમની સાથે બંગડીનો રણકાર, ઝાંઝરનો ઝણકાર, સિક્કાનો ખણકાર...બઘું ગૂંથી લીઘું છે! ઠાકુરના કુટુંબની કત્લેઆમનો ખૌફ માત્ર હિંચકાના કિચૂડાટથી જ ઉભો કરાયો છે... કોઈ સંવાદ નહિ... ઢિશૂમ ઢિશૂમ નહિ! એવા જ ચમકદાર એના સંવાદો છે. ભારેખમ નહિ, કાવ્યાત્મક નહિ....સીધાસાદા છતાં ચોટદાર! સેમ્પલ: 'દામ જો તુમ ચાહો, કામ જો હમ ચાહે!'
'શોલે'માં આમ તો મહાભારતની જેમ કોઈ એક 'હીરો' નથી. પણ એના ખરા નાયકો લેખત સલીમ-જાવેદ હતા. 'સેવન સમુરાઈ','મેગ્નિફિસન્ટ સેવન','હાઉ ધ વેસ્ટ વોઝ વન','ડર્ટી ડઝન','દો આંખે બારહ હાથ','ફાઈવ મેન આર્મી'..અનેક હોલીવૂડ વેસ્ટર્ન કે બોલીવૂડ ડાકુગન ફિલ્મોની પ્રેરણાથી શોલે લખાઈ. પણ એ ક્યાંય 'કોપી'ન બનતા 'ક્રિએટિવ'બની. એક ઉછીના લીધા વિચારે જાણે મૌલિક વિચારોનો ધોધ વહાવ્યો. ધોતી-પાઘડીવાળા 'ગંગા-જમુના' બ્રાન્ડ ડાકુઓના સ્થાને કાળા દાંત અને મિલટ્રી ડ્રેસમાં ગબ્બર રજુ થયો.'શોલે'ની ઓરિજીનાલિટીનો સૌથી મોટો પુરાવો એનું પાત્રાલેખન છે. બધા જ પાત્રો હિન્દુસ્તાની મિટ્ટીમાંથી ઘડાયેલા હતા. સલીમ ખન્ના પિતા ને સસરાની પર્સનાલિટી ભેગા કરી બનાવાયેલ ઠાકુરમાં એક શૂન્યતા હતી એમના તરફ ખેંચતી, અમિતાભ બચ્ચન વિના જય આટલો ઊપસ્યો ના હોત, મસ્તીખોર છતાં શક્તિવાન વીરૂ તો ઠીક... ચૂપચાપ રહીને ફાનસના અજવાળે પ્રેમ પ્રગટ કરતી વિધવા રાધા... બહુ બોલકી એવી માસૂમ બસંતી... માસ્તર સાહેબ બનતા હંગલ ચાચા... અંગ્રેજો કે જમાને કે જેલર અસરાની... એકચ્યુઆલી હયાત હતો એ સૂરમા ભોપાલી...હરિરામ તાઈ.. કાલિયા... ધન્નો...
આમાંના ઘણા પાત્રો તો માત્ર એક-બે દ્રશ્ય પુરતા જ પડદા પર આવ્યા છે, છતાં કદી ભૂલાય તેમ નથી! જુઓ, આખી ફિલ્મમાં 'જી સરકાર...પચ્ચાસ હજાર' જેવા સંવાદોથી વઘુ સાંભાને ભાગે શું આવ્યું છે ? છતાં મેકમોહન પણ એ પાત્રથી અમર થઈ ગયો! આટલું સફાઈદાર પાત્રાલેખન ક્લાસિક સાહિત્ય કૃતિઓમાં પણ ભાગ્યે જ જોવા મળે છે. મૌસી અને જય વાળો કોમેડી સીન લેખક સલીમનું માંગુ નાખવા જાવેદ ગયા એ રિયલ લાઈફમાંથી ઝીલાયો છે!
'શોલે'ની સ્ક્રીપ્ટ પણ દમદાર છે. ઓપનિંગમાં આરડીએ વેસ્ટર્ન સ્ટાઇલનું હજુ પણ કોલર ટયુનમાં ગાજતું મ્યુઝિક ભારતીય વાદ્યો મિક્સ કરી તૈયાર કરેલું. પહેલી દસ જ મિનિટમાં એ દર્શકોને અંત સુધી બાંધી રાખતી હવા ઉભી કરે છે. ઠાકુર શા માટે ગબ્બરની સામે પડે છે ? શાલ ઓઢીને કેમ ફરે છે ? જય અને વીરૂ જ શા માટે ? ગબ્બરસિંહનો કોપ વળી કેવો છે ? આ બધા જ સવાલો પ્રથમ દ્રશ્યમાં જ પ્રેક્ષકને થાય અને એના જવાબો પણ ક્રમશ: ઉઘડતા જાય!
આખી ફિલ્મમાં સંગીતનો કોઈ સ્કોપ નથી, છતાં આર.ડી. બર્મનના 'મહેબૂબા' કે 'કોઈ હસીના'હજુ ભૂલાતા નથી! માઉથ ઓર્ગનની ધૂન પણ. એક કવ્વાલી 'ચાંદ સા કોઈ ચહેરા' તો રેકોર્ડ થઈ પણ શૂટ ન થઈ એ સાંભળવા મળી હતી એ મિત્ર નિરંજન પણ અમજદખાન અને સંજીવકુમારને કંપની આપવા ઉપર જતો રહ્યો. સેક્સ એમાં હીરોઈનની કાયાને બદલે વિલનની આંખોમાં ચમકે છે. કહેવાય ભારતમાં એક્શનયુગનો આરંભ કરનારી ફિલ્મ અને આખી ફિલ્મમાં હિંસા મારામારીને બદલે ઘેરાયેલા મેઘવાદળની જેમ માત્ર માહોલમાં જ છે! રમેશ સિપ્પીના શોટ ટેકિંગે ઘોડાઘાડીના પૈડા, લાકડાના પુલ, રૂપિયાના સિક્કા અને પહાડના ખડકોને પણ જીવતા કરી દીધા છે. શોલેમાં રણની રેતી જેવું વેરાનપણું છે. લાલ અંગારાનો તાપ છે. જીભને બદલે આંખથી વાત કરતા બચ્ચનની મર્દાના છબી છે. ભારતનું ગામડું છે અને હોલીવૂડની થ્રીલ છે!
સત્યજીત રે એ શોલેને 'પરફેક્ટ હિન્દી ફિલ્મ'ગણેલી. આજના માસ્ટર ડાયરેક્ટર મણિરત્નમ જ્યારે મુંબઈમાં એમ.બી.એ.કરતા ત્યારે એમણે શોલે જોયેલી...અને વારંવાર જોયા પછી ફિલ્મ દિગ્દર્શક બનવાનું સપનું જોયેલું. રામગોપાલ વર્માથી સાજીદ ખાન સુધીના ફિલ્મરસિયાઓના જીવનમાં 'શોલે'નામનું એક પ્રકરણ છે. અંત અને આરંભમાં ટ્રેન બતાવી જીંદગીની ઉતાર-ચડાવ... મિલના-બિછડનાવાળી સફરને 'એસ્ટાબ્લિશ' કરનાર સર્જકે શોલેમાં ગજબનાક ઈમોશનલ પક્કડ જમાવી હતી.
શોલે ભલે સેંકડો વેસ્ટર્ન ફિલ્મોમાંથી આખી સિચ્યુએશન ઉઠાવીને બની હોય, એમાં જે પાત્રો ને વાર્તાનું પોત હતું, એ ભારતીય હતું ને આગવું મૌલિક હતું. નકલ કરવાથી એમ ફિલ્મો ચાલતી હોત તો શોલે પહેલા રિલીઝ થયેલ ખોટે સિક્કે માટે આ લેખ લખાયો હોત ! તો પોતીકી ફ્લેવર ને પાત્રોને લીધે શોલેના સર્કિટ બોર્ડ પર કર્મા ચાલી શાહરૂખ શ્રીદેવીની આર્મી એટલી ના ચાલી !ફ્લોપનું વિશેષણ બની જનાર રામગોપાલ વર્મા કી આગમાં બચ્ચન ગબ્બર ને મોહનલાલ ઠાકુર હોવા છતાં ન ચાલી !
વર્માની જ આત્મકથા મુજબ શોલેની સિક્વલ માટે સિપ્પી ફિલ્મ્સના સાશા સિપ્પીએ એમનો કોન્ટેક્ટ કરેલો. એનો પ્લોટ તો સાવ વિચિત્ર હતો. એમાં તો ગબ્બર ને મૂળ શોલમાં રિલીફ માટે ઉમેરાયેલા મહેબૂબા સોંગ (એ ધૂન પણ અમિતાભે લંડનમાં કોઈ હોટલમાં સાંભળીને સૂચવેલી!)ની ડાન્સર હેલન થકી એક અનૌરસ સંતાન થાય જે ધર્મેન્દ્ર હેમા માલિનીના સંતાનો સામે બદલો લેવા આવે ને એમ જેકી ચાનની (હા, જેકી ચાનની!) એન્ટ્રી થાય એવો પ્લોટ હતો. એને ના કહ્યા બાદ આરજીવીને આગનો વિચાર આવ્યો ને અમિતાભને પહેલેથી ગબ્બર બનવું હતું. એનું પોસ્ટર બન્યું ને...
રમેશ સિપ્પીએ હમણાં જ કહ્યું કે ગોલ્ડન જ્યુબિલીએ એટલું સમજવું કે શોલે એક ગેબી જાદૂ છે, જે મારાથી પણ ફરી રિપિટ નથી થયો. એને ફરી બનાવવાની કોશિશ ન કરો!
***
પેલો બાળક હવે જવાન થઈ ગયો છે. છાપામાં લેખો લખે છે. એના ગામ ગોંડલમાં ફરી એકવાર ટીવીસિરિયલ બનાવવા રમેશ સિપ્પી આવે છે. ચાલુ શૂટિંગે એ જવાન સિપ્પીને પૂછે છે,'આપ અબ ફિલ્મે ક્યૂં નહીં બનાતે ? આપને દૂસરી શોલે કિ ટક્કર કી ફિલ્મ ક્યૂં નહિ બનાઇ ?
'સિપ્પી ખામોશ આંખોથી શૂન્યમાં તાકીને હળવેકથી કહે છે: 'શોલે ને મુજે નિકમ્મા કર દિયા !'
પણ શોલેએ આપણને ઘણું આપ્યું. અમિતાભ હજુ પણ હીરો તરીકે છવાયેલો છે. તુમ્હારા નામ ક્યાં હૈ બસંતીની રમૂજથી લઈ મુજે તો સબ પુલિસવાલા કિ શકલ એક જૈસી લગતી હૈ જેવા ડાયલોગ જે ઠંડકથી એણે રજૂ કર્યા એમ એ કોન્ફિડન્ટ પ્રોટેક્ટરની છાપ જન્માવી ગયો. આજે શોલેના પાત્રો ધાર્મિક સાહિત્યની માફક જાણે કલ્પનાને બદલે હકીકત બની ગયા છે પોપ્યુલર કલ્ચરમાં !
છેલ્લે જયંતીલાલ ગડાએ રાજકોટના હવે પોતાની ગોલ્ડન જયુબિલી ઊજવીને નિર્વાણ પામેલા ગેલેક્સી સિનેમા ખાતે શોલે રિ રિલીઝ કરી હતી ત્યારે પૂરી પાંસઠ ટિકિટો લઈને બાલ્કનીમાં જૂન દોસ્તોને ટ્રીટ આપેલી ને બધા દોડતા પહોંચેલા શોલે જોવા. શોલે એક ફિલ્મનો કિસ્સો નથી, ભારતીય જીવનનો હિસ્સો છે ! શોલે મૂવી નહિ, લોગો કે સાથ જુડ કે ખુદ કો ખો દેને જન્માષ્ટમી કે મેલે હૈ...
ઝિંગ થિંગ
છેલ્લે શોલે સિનેમાઘરમાં રિલીઝ થઈ એના પ્રમોશનમાં વર્ષોથી અલગ પડેલા સલીમ જાવેદ ભેગા થયા ને એકબીજા સાથે સંબંધનો તૂટેલો તાર ફરી સંધાઈ ગયો ! શોલેએ એના જ સર્જકોની દોસ્તીને ગીત વાસ્તવમાં જીવાડી દીધું... તોડેંગે દમ મગર તેરા સાથ ન છોડેંગે!