Get The App

નશો, નબીરા, નફ્ફટાઈ અને નખ્ખોદ : ચેતજે, મારા ગુજરાત !

Updated: Mar 18th, 2025

GS TEAM


Google News
Google News
નશો, નબીરા, નફ્ફટાઈ અને નખ્ખોદ : ચેતજે, મારા ગુજરાત ! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- ચીનને બરબાદ  કરવા અંગ્રેજોએ ઓપિયમ વોર છેડી એને વર્ષો સુધી અફીણના રવાડે ચડાવી ખતમ કરી નાખેલું. ગુજરાત આમ જ તમાકુ, દારૂ કે ડ્રગ્સનું વ્યસની થાય તો એની અસ્મિતાનું સ્મિત વિલાઈ જાય. ખબર નહિ આ ડ્રગ્સનો નશો અચાનક કેવી રીતે પગપેસારો કરતો જાય છે ખોખલી થતી જવાન જનરેશનમાં. 

જા પાનના ટોકિયો નગરમાં રાતના આઠ જેવા વીકએન્ડ પ્રાઈમ ટાઇમના ટ્રાફિકથી ધમધમતા પોશ ઝિન્ઝા એરિયામાં આ લખવૈયાએ રાહદારીઓ માટે રસ્તો ક્રોસ કરવાનું સિગ્નલ ઓન થતા લાંબી ડાંફે ચાલવાનું શરૂ કરેલું. આવનજાવન બેઉના મળીને સામસામેના આઠ ટ્રેક્સ હતા. આપણે ત્યાં નથી, પણ મોટા ભાગના દેશોમાં પેડસ્ટ્રીઅન્સ યાને પગે ચાલીને રોડ ક્રોસ કરનાર માટે અલાયદી લાઇટ (અને મોટે ભાગે રોડના છેડે બટન, એની રિકવેસ્ટ કરતું) હોય. એ ચાલુ થાય, ત્યારે સડકને બે બાજુના વાહનવ્યવહાર થંભી જાય.

તો એ સાઇન ઓન થતા ચાલવાનું શરૂ કરતી વખતે સામેના ઓપેરા હાઉસ જેવી ભવ્ય ઇમારત પર બંદાની નજર હતી. ખભે યાત્રામાં કાયમી જોડીદાર એવી શોલ્ડરબેગ. નાનીમોટી ખરીદી, પાણી, ક્વિક બાઈટસ, નેપકીન, સ્પેક્સ, પેન, પેપર બધી સામગ્રી એમાં હોય. આગળના બૂક સ્ટોરમાંથી ખરીદેલી બૂક્સના વજનથી કે ઘસારાને લીધે અચાનક જ ખભાના થેલાનો પટ્ટો તૂટયો. થેલો નીચે ફસડાયો. અધખુલ્લી ચેઇનમાંથી કેટલીક ચીજો રોડ પર વીખેરાઈ. ઝડપભેર ચાલવામાં વજન હળવું થયાનો અહેસાસ અને નેચરલ રિફલેક્સ એકશન નીચે ઝૂકીને બધું ભેગું કરવાનું. એમાં ટાઇમ પૂરો થયો, પેડેસ્ટ્રીઅન્સ માટે સિગ્નલ ઓટોમેટિક લાલ થયું ને બે બાજુ હકડેઠઠ રહેલા વાહનો, કાર, ટ્રક વગેરે માટે ગ્રીન થયું. અહીં આવું જો થયું હોત તો આ કલમ અત્યારે કાગળ પર ચાલતી ન હોત ! બેઉ બાજુથી ધોધમાર વ્હીકલ્સનું સુનામી એકલા રાહદારી પર ફરી વળ્યું હોત.

પણ જાપાનમાં એનો અહેસાસ પણ તરત ન થયો કે સિગ્નલ ખૂલી ગયું છે ! નિરાંતે બધુ વીણીને થેલો બે હાથે પકડયા પછી એ ભાન થયું. કારણ કે, આઠ લાઇનમાં બેઉ તરફનો ટ્રાફિક સ્ટેન્ડસ્ટિલ હતો ! જાણે કોઈએ ચપટી વગાડી સ્ટેચ્યૂ કહી દીધો હોય એવો ! આગળની લાઇનના કારચાલકોએ દ્રશ્ય જોયું હશે, માટે ઓટોમેટિક સિગ્નલ મળ્યા છતાં એમણે ગાડી ચલાવી નહિ, અરે હોર્ન પણ વગાડયું નહિ ! આગળના રોકાયા હોય તો કંઈક કારણ હશે, એમ માનીને પાછળની લાંબી કતારો પણ ડિસિપ્લીન અને ધૈર્યથી ચૂપચાપ ઉભી રહી, ત્યાંથી પણ કોઈ હોર્ન ના વાગ્યું. ના કોઈએ વાંકાચૂકા થઈને સાઇડમાંથી જગ્યા હતી, એમાંથી પણ નીકળવાનો પ્રયાસ કર્યો. રોડ ક્રોસ કર્યા પછી આભાર માનતો હાથ વેવ કર્યો, ને આસાનીથી ટ્રાફિક વહેતો કર્યો. હા, સામી ફૂટપાથેથી આ ઘટના નિહાળનાર એક ફ્રુટસ્ટોરવાળાએ થેલાનો પટ્ટો તૂટયો જોઈને એક મોટી પ્લાસ્ટિક બેગ ભાષા જાણ્યા વગર આપી, જેમાં એ મૂકી શકાય ! આ છે બેઝિક, રોજીંદી ટ્રાફિક સેન્સ !

જેનો આપણે ત્યાં સદંતર અભાવ છે. સેન્સ તો નથી પણ નોનસેન્સ ભરપૂર છે ! વાહનચાલકો બેફામ, કોઈ નિયમના પાલન વિના, આડેધડ ચલાવે ને જરાક જામ થાય ત્યાં જ્યાં જગ્યા દેખાય ત્યાં ત્રાંસા થઈને ઘૂસીને એને જડબેસલાક બનાવે, એ તો છે જ. પણ રાહદારીઓ પણ દૂધે ધોયેલા નથી. પશુઓ હજુ સમજી જાય, પણ રોડ પર બગીચામાં ટહેલતા હોય એમ બેધ્યાન બનીને ગમે ત્યારે ગમે ત્યાંથી કોઈ ફૂટી નીકળે ! વળી જીવદયાપ્રેમી ભારતમાં એની વાતો કરનારા રખડતા ઢોરકૂતરા એમની ઘેર બાંધતા નથી, ફેન્સિંગ જેવું તો કંઈ તગડી ટોલ વસૂલતા હાઇવે પર પણ હોતું નથી, એટલે એ પણ ગમે ત્યાંથી આવે. પોતાની લેનમાં રહેવું એટલે શું, એવું કોઈ સ્કૂલમાં શીખવાડાતું નહિ હોય, એટલે ધીમા જમણી બાજુ ચાલે ને ઝડપભેર નીકળનારાએ અટવાઈ જવું પડે. ગમે ત્યારે ડાબી બાજુથી કોઈ પણ ફૂટી નીકળે, ઓવરટેક કરવામાં સેફટીના બેલ્ટ, હેલ્મેટમાં તો કોઈને રસ નથી. સિટીમાં હેલ્મેટ પ્રેક્ટિકલ પણ નથી. ટ્રાફિક પોલિસ પાસે સ્પીડ લિમિટ ક્રોસ કરતા ફોટા પાડતા કેમેરા ને ડિજીટલ મેમો આવી ગયા, એટલે એમનું સમૂળું ધ્યાન બેઠાંબેઠાં હાઇવે પર એ ચેક કરવાનું છે, ને કેટલાય શહેરોમાં રાત્રે ધૂમધામ ડ્રાઇવિંગ કરનારને રોકતું નથી કોઈ ! હાઇવે પર ફાસ્ટ ડ્રાઇવિંગ નેશનલ ફયુઅલ ઇકોનોમી માટે છે. પણ ફાસ્ટ ડ્રાઇવ ને રેશ ડ્રાઇવ વચ્ચે ફરક છે. રેશ ડ્રાઇવિંગ યાને કોઈ જાતના કંટ્રોલ વગરનું 'તથ્ય' 'રક્ષિત' 'વિસ્મય' બ્રાન્ડ ડ્રાઇવિંગ !

અને વાહનચાલકો, રાહદારીઓ, ટ્રાફિક પોલીસ બધામાં જો ટ્રાફિક સેન્સમાં આખા મોટા હાથી નીકળે એવા ગાબડાં હોય, તો સરકારી તંત્રમાં પણ લોચાલબાચા બેસુમાર છે. પેલો દિલ્હીથી મુંબઈનો જે રસ્તો બન્યો છે, એવો વડોદરાથી સુરતનો પટ્ટો જોજો. રીતસર ઘોડિયું ફંગોળાતું હોય એવા હીંચકા આવશે. સાવ નવા થયેલા રાજકોટ અમદાવાદ હાઇવે પર એક જ ચોમાસામાં ગાભાની ગોદડી જેટલા થીગડાં મળશે. ખાડા અને સફેદ પટ્ટાનો સ્પીડબ્રોકર/ડિવાઇડર પર અભાવ ચોમેર મળશે. અમુક જગ્યાએ ગુજરાતમાં રોડની વચ્ચે કોઈ બ્રિજ બનાવતા થાંભલા કે માળખા દેખાશે, પણ કુવાડવાની જેમ ત્યાં મહિનાઓથી કશું કામ જ નહિ થતું હોય ! શહેરોમાં સર્કલ કે ફલાયઓવર વગદાર વ્યક્તિઓના એલિવેશનને ધ્યાનમાં લઈ વિચિત્ર રીતે બન્યા હોય એવા દાખલા પણ છે.

વિશ્વગુરૂ ભારતને ટ્રાફિક સેન્સ એન્ડ ડિસિપ્લીનની બાબતમાં ટચૂકડા દેશોના પણ શિષ્ય થવું પડે એવી હાલત ઓલરેડી છે, જેના પર ગમે તેટલું લખો કોઈ ફરક તો પડતો નથી. વાલીઓને અને વિદ્યાર્થીઓને માર્કસ એન્ડ મનીમાં રસ છે, આવા કોઈ નાગરિક મૂલ્યોનાં નહિ, અને ઓલરેડી આવી હાલત હોય એમાં હવે ભળ્યો છે - નશો ! દારૂબંધી જ દંભી છે, ત્યાં તો ડ્રગ્સ બેફામ થયા છે. ઉડતા પંજાબની જેમ ઊંઘતા ગુજરાત થઈ જાય એવી હાલત છે. લિટરલી, આ તો વાંદરાને દારૂ પાયો, ઓછું પાત્ર ને અદકું ભણ્યો જેવો ઘાટ છે !

***

અગાઉ પણ લખેલું છે કે વારંવાર ગુજરાતમાં ડ્રગ્સનો વિપુલ જથ્થો પકડાયો, એવા સમાચાર આવે છે. પકડનારની બાહોશી કે બાતમીને સલામી સાથે એ સવાલ થવો જોઈએ કે આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં પહોંચે જ શા માટે ? અગાઉ ગોલ્ડ સ્મગલિંગ થતું કારણ કે સોનાની માંગ હતી અને છે. તો પછી આ નારકોટિક્સ ડિમાન્ડ ગુજરાતમાં હોય, તો જ સપ્લાયનું જોખમ લેવામાં આવે ને ? નથી પકડાતો એ જથ્થો ક્યાં જાય છે ?

ભીરૂતા અને દંભથી ગુજરાત દારૂબંધીને પકડી બેઠું છે, ગાંધીજીના બીજા બધા મૂલ્યો છોડીને ! એક પણ વ્યસન ના હોવા છતાં આ સત્ય લખવું પડે છે કે આ દારૂબંધી એક નાટક છે, લાગતાવળગતાના ઘર ભરાય છે ને ટેક્સની આવક ગુમાવી ભ્રામક શાંતિ મળે છે કે બધું એને લીધે સલામત છે. ગુજરાત શાંત ને સલામત એની સંસ્કારિતાને લીધે છે, બાકી પીવાવાળા એનું શોધી લે એવા રિપોર્ટ છે જ. આમે દારૂની છૂટ હોય એવા મુંબઇ કે બેંગ્લોરમાં કંઇ અસલામતી નથી થતી. કારણ કે જાહેરમાં નશો કરી છાકટા થવાનું ગેરવર્તન વિશ્વભરમાં પ્રતિબંધિત છે.

એની વે, દારૂબંધી એટલે યાદ કરી કે એને લીધે વર્ષો પહેલાં ગુજરાતમાં ઝેરી ગુટકા ઘર કરી ગયા. દુનિયામાં ક્યાંય ગુજરાતની જેમ પ્રતિબંધ કે ભાવવધારા છતાં ગુટકા ભચડતા કેન્સરવાંચ્છુઓ જોયા નથી. કિકના પ્યાસા શોખીનો ગુટકામાંથી અપગ્રેડ થઇ ગાંજા, ચરસ કે આગળના ડ્રગ્સ સુધી પહોંચી ગયા છે. એકાદ સેક્સી સીન હોય ત્યાં અશ્લીલતાના નામે યુવાધનની બરબાદીની ચિંતા કરનારાને યૌવનની ડ્રગ્સને લીધે થતી શારિરીક માનસિક બરબાદી દેખાતી નથી જાણે ! કિસ ને હગમાં અશ્લીલતા શોધવા નીકળતા પ્રેમવિરોધી સંસ્કૃતિ રક્ષકોના વાવટા ડ્રગ્સ બાબતે પડકાર ફેંકવામાં સંકેલાઈ જાય છે ! બગીચામાં બેઠેલા પ્રેમીયુગલો પર ઘોંસ બોલાવતા યૌવનચિલ્લર (એમ ધન કેવી રીતે કહેવું ?) ટપોરીઓને ડ્રગ્સના કારોબાર બાબતે મર્યાદાની ચિંતા લગીરે નથી થતી. અગાઉ નારકોટિક્સના ગુનામાં સંસ્કૃતિરક્ષક ડાયરાઓમાં મહાલતા એક આરોપીની ધરપકડ થયેલી. જાણે બધું રહેમરાહે ચાલતું હોય !

કેમ ગુજરાત જેવા ઉર્વીસાર અને આસ્થાવાન પ્રદેશની આટલી ધાર્મિકતા અને સંતોષી પાપભીરૂતા છતાં આવી હાલત છે ? પ્રોફિટ મેકિંગની સાયકોલોજી શું આટલી હદે ઝેરી વેપારી માનસ બતાવે છે કે આમ નિર્દોષોના જીવ જાય એ જોયા કરે ? બરાબર સમજજો, વાત પ્રતિબંધની નથી. નિયમપાલન ને શિસ્તની પહેલા છે. જગતમાં વીડ (કોકેન, હેરોઇન, બ્રાઉન સ્યુગર તો ખતરનાક છે ને પ્રતિબંધિત છે. આ તો ભાંગ ગાંજો જે અગાઉ ૧૯૮૪ સુધી ભારતમાં પણ હતો) માન્ય હોય એવા અમેરિકા, નેધરલેન્ડસ સહિત ઘણા દેશો છે. એ લોકો એવું માને છે કે ચેતવણી આપો, સમજાવો, ભાવ વધારો, પૂરવઠો નિયંત્રિત કરો પણ જેમાં વિક્ટીમલેસ ક્રાઈમ હોય - યાને ભોગ બનનાર ખુદને બરબાદ કરવા ઇચ્છે, પણ બીજાને નુકસાન ન કરે ત્યાં સુધી એની ગેરકાયદે હેરાફેરીના નેટવર્ક તોડવા માપમાં એને પ્રાથમિક સ્તરે કાયદેસર કરો.

પરંતુ, ગુજરાતમાં એવું વારંવાર જોવા મળે છે કે નશેડીઓ પોતાને બરબાદ તો થતા કરે, બીજાને ને પોતાના પરિવારને બરબાદ કરી નાખે છે. વડોદરામાં અનધર રાઉન્ડ, નિકિતા, અંકલ, ઓમ નમ શિવાય ચિલ્લાતો ચોરસિયો નિર્દોષ હેમાલીબેનનો જીવ લઇ લે છે, બીજાઓની હોળી બગાડતી આગ લગાડે છે ને પછી કહે છે કે ઓટોમેટિક કાર આવડતી નહોતી. તો બેસવામાં બીક કેમ ન લાગી ? કારણ કે મૂળ મામલો લો એન્ડ ઓર્ડરની ઘટતી ધાકનો છે. પક્ષભગત ફોલ્ડરિયાઓએ નાગરિક હિતમાં શીર્ષ નેતૃત્વને એની જાણ પણ કરતો અવાજ ઉઠાવે એની પાછળ હડકાયા કૂતરાની માફક પડી જાય છે, અને નાગરિકહિતમાં બોલનારનું રીતસર મવાલીઓની ટોળકી જમાવી આઈખરબુલિઇંગ એટલું થાય કે કાચોપોચો માણસ જનહિતમાં ખોટી આદતો, ભ્રષ્ટાચાર ને તમામ પ્રકારના રાજકીય સામાજીક ગોરખધંધા સામે બોલતો જ બંધ થઇ જાય. આ એવો ઘાટ છે કે દર્દના ઉપચારને બદલે દર્દીની ચીસોને દબાવી દેવાની. મૂળ ખલનાયકોને બદલે વ્હીસલબ્લોઅરને જ વિલન ચીતરી દેવાના ! હેડલાઈન મેનેજમેન્ટ કરવાનું પણ ક્રાઈમનો સફાયો નહિ કરવાનો !

ઉત્તર પ્રદેશ કે મહારાષ્ટ્ર જેવા અપવાદો બાદ કરતા ખોંખારો ખાય એવા ટોચના અસરકારક પબ્લિક કનેક્ટ ધરાવતા નેતાઓ બધે ઓછા જોવા મળે. રાજકીય રીતે કદાવર ગણાય કે જેમના અવાજનું વજન પડે એ સાઇડમાં જતા રહે એ તો પોલિટિકલ એંગલ થયો પણ આ બધી સોગઠાબાજીમાં ગુજરાત પોલિસની હાલત એવી થઇ કે મોટે ભાગે એમણે સતત સેફ રમવું પડે. રાજકારણના અતિરેક તબક્કાવાર જાણે પોલિસતંત્ર ને ન્યાયતંત્રના દાંત ને નહોર ખેંચી લીધા છે. વીઆઈપી કલ્ચરથી ડરીને ચાલવું પડે છે. પોલિસમાં અગાઉ ઉપરની નેતાગીરીના સમર્થનથી ચમરબંધીઓને જેર કરતા જે જાંબાઝ ને બાહોશ અધિકારીઓ આવતા, એ પ્રમાણ ઘટતું જાય છે. અધૂરામાં પુરૃં, સમજ્યા વગરના મોબાઇલ રેકોર્ડિંગ ને વિડિયો ને માનવાધિકાર ટાઈપના વામપંથીઓની બબાલો અને મીડિયાની સનસનાટી આ બધાનું એવું 'કોકટેલ'તૈયાર થાય છે કે ખાખી વર્દીની જે રાડ પડવી જોઇએ લુખ્ખા તત્ત્વોમાં, એ પડતી જ નથી. ઉપરના વજન સિવાય સામાન્ય માણસને ફરિયાદ કરવામાં પણ ડર પેસી ગયો છે.

એટલે કડક સજા ને ત્વરિત ન્યાયના અભાવે ડ્રગ્સ હોય કે સાઈબરક્રાઈમ-લુખ્ખા, ઠગ, મવાલી, ગુંડાઓને મોકળું મેદાન મળતું જાય છે. કેટલાક તો પોતાના વિસ્તારમાં આગેવાન બની બેસે છે. ટપારવા જતા ટ્રાફિક પોલિસ પર 

હુમલા કર્યા હોય, એવા બનાવો પણ બને છે. બ્લેકમેઇલરો ને ટપોરીઓને સાંઠગાંઠના લીધે બખ્ખાં થઇ ગયા છે.

આ બધું અગાઉ પણ ચેતવણીના સૂરમાં લખ્યું છે, પણ પથ્થર ઉપર પાણી. પણ જેમ રાજકીય નેતાઓ, અધિકારીઓ, પ્રશાસનતંત્ર, ફોલ્ડરો, અશિસ્તપ્રિય પ્રજા બધાની જવાબદારી છે, એમ એક મોટું પોલાણ આપણા શિક્ષણમાં છે. તથ્યો, ને રક્ષિતોનો ફાલ વધતો જાય છે કારણ કે આ બધા ભણે છે દેખાવ પૂરતું કે ડિગ્રી પૂરતું. સ્કોલર વિદ્વાન ગુરૂજનોનો યુગ તો હવે જ્યુરાસિક થઇ ગયો છે. શિક્ષણ સંસ્થાઓના નેતૃત્વમાં પણ અપવાદો બાદ કરતા હીર રહ્યું નથી. ચંદ સેકન્ડના વિડિયોમાં જ જીવનનું જ્ઞાાન શોધવા નીકળી પડેલી મોબાઈલમચડુ યુવા પેઢીનું કોઈ માનસિક સ્થિરતા આપતું વાચન નથી. અભ્યાસ કે મૌલિક વિચાર નથી. ફેશન કે વ્યસન કે બાઈક ને કાર જેવી શોબાજી સિવાય કળાથી એમના ફ્રસ્ટ્રેશનની કોઈ અભિવ્યક્તિ નથી. નાની નાની વાતોમાં ગુસ્સો કે હતાશા આવી જાય છે. પેલો નશેડી અપરાધી નિકિતા નિકિતા ચિલ્લાતો હતો, મતલબ નશામાં એને એની કોઈ ભૂતાવળ યાદ આવી ગઈ હતી. જેના ક્રોધ કે ફ્રસ્ટ્રેશનનો ભોગ નિર્દોષો બની જાય છે. ટેલેન્ટેડ યુવાઓ તો દેશ છોડી જતા રહેવાની ફિતરતમાં વધુ હોય છે ! આ પણ એક નશો છે, ખાલીપાનો ! પણ સહન કરીને માત્ર ધાર્મિક લાગણી દુભાવવાની ટેવ પડી ગઈ છે અભણને.

તો વડોદરા કેસના પેલા નાલાયક નશાખોર રક્ષિતને દાખલો બેસે એવી આકરી સજા થવી જ જોઈએ ને ફટાફટ થવી જોઈએ. આ કોઈ અનાયાસ થયેલો અકસ્માત નથી નશાની હાલતમાં કરેલી ગુન્હાહિત બેદરકારી છે. એવા લોકોનો બચાવ કરવા માટે કે કોઈ આંગળી ન ચીંધે. ડ્રગ્સ બાબતે ને ટ્રાફિક મેનેજમેન્ટ બાબતે શિથિલ પ્રશાસન સામે એટલે રોકડી જનહિતમાં વાત કરવા જાવ તો પણ રોકવા આવતા તત્વોને ઓળખીને આઘા પણ કરવા જોઈએ. પણ  આ કિસ્સો પહેલો નથી એમ છેલ્લો પણ નહીં હોય. ચીનને બરબાદ  કરવા અંગ્રેજોએ ઓપિયમ વોર છેડી એને વર્ષો સુધી અફીણના રવાડે ચડાવી ખતમ કરી નાખેલું. ગુજરાત આમ જ તમાકુ, દારૂ કે ડ્રગ્સનું વ્યસની થાય તો એની અસ્મિતાનું સ્મિત વિલાઈ જાય. ખબર નહિ આ ડ્રગ્સનો નશો અચાનક કેવી રીતે પગપેસારો કરતો જાય છે ખોખલી થતી જવાન જનરેશનમાં. ટોચ પર બેઠેલા નેતાઓએ ગુજરાતમાં આ સફાઇકામ તાબડતોબ મેગા ઓપરેશન કરીને કરવાની તાતી જરૂર છે. કોઈ નિર્દોષની આ રીતે હત્યાઓ થતી રહે એનું ખરું તર્પણ કાયદાનો જડબેસલાક ખૌફ બેસી જાય એવી આકરી સજા છે મફતની મજા વાળાઓને. પણ ભવિષ્યમાં આવું ન થાય એ માટે અગમચેતી રાખી આજે જો નહીં જાગીએ તો ઘેનમાં આખી એક પેઢી ધુમાડો થઈ જશે !

ઝિંગ થિંગ

'યમરાજ પહેલા પાડો લઇને આવતા, હવે લક્ઝરિયસ કાર ( બેફામ ચાલતા વાહનો) લઇને આવે છે.'

(રીડરબિરાદર ગંગા મોડેદરા)

Tags :