- અનાવૃત-જય વસાવડા
- અમેરિકાએ 1953માં જે કારસ્તાનો કર્યા એ કપોળકલ્પિત થિયરી નથી. 60 વર્ષે કલાસિફાઈડ ડોક્યુમેન્ટ પબ્લિક થાય એમાં ખુદ સીઆઈએની જ કબૂલાત લેખિતમાં 2013માં અમેરિકામાં બહાર આવેલી છે.
ઇ રાનના મિનાબ વિસ્તારમાં અમેરિકાનું ટોમહોક મિસાઇલ પડયું, અને ૧૮૫ જેટલી વિદ્યાર્થિની દીકરીઓના વર્તમાન ઇઝરાએલ પ્રેરિત યુદ્ધમાં દુ:ખદ મોત થયા. દુનિયાના કોઈ સંવેદનશીલ વ્યક્તિને આ રૂચે નહિ. હમાસે આવું ગાઝામાં કર્યું એ પણ ખરાબ ને વળતા જવાબમાં ઇઝરાએલ કરે તો એ પણ ભૂંડુજ. અનિષ્ટને એલિમિનેટ કરવામાં નિર્દોષોનો ભોગ લેવાતો જાય તો એ અન્યાય ભવિષ્યમાં નવા અનિષ્ટને જન્મ આપે. ભારતમાં એટલે જ 'આતતાયી' સામે ધર્મયુદ્ધ કૃષ્ણ પ્રબોધે છે, એ પણ શાંતિદૂત તરીકે જાતે પ્રયાસ કર્યા પછી ગમે તેને મારી નાખવા એ હિંસા છે, સંગ્રામ નથી ! પણ વોટ્સએપિયા મેસેજમાં યુદ્ધ લડનારને નહિ સમજાય.
એની વે, અમેરિકન લીડરશિપે તો પહેલા આવું કશું કર્યાનો નનૈયો ભણી દીધેલો, ને ઉલટી પટ્ટી પઢાવી કે એ તો ખુદ ઇરાને જ સામા પક્ષને બદનામ કરવા કરાવેલો હુમલો છે. પણ ન્યુયોર્ક ટાઈમ્સ ને અન્ય અમેરિકન મીડિયાએ સાચી લોકશાહીને છાજે એમ સરકારી વાજીંત્ર બનવાને બદલે સ્વતંત્ર ઇન્વેસ્ટિગેશનવાળું પત્રકારત્વ બુલંદ કર્યું ને પકડી પાડયું કે એ મિસાઇલ અમેરિકન હતું. પુરાવા એવા સજ્જડ હતા કે સરકાર માટે 'સોનમ વાંગચૂકવાળી' થઈ, અમેરિકન સંરક્ષણમથક પેન્ટાગોને 'આઉટડેઇટ ડેટા'ને લીધે થયેલી ગફલત સ્વીકારી તપાસના આદેશ આપ્યા !
આ છે ડેમોક્રસીની તાકાત. અમેરિકાના પ્રમુખો કે રાજકીય નેતાઓ અમેરિકા નથી. એ તો આવે ને જાય. ત્યાં ઊભું થયેલું અભિવ્યક્તિ ને કળાનું ધર્મથી મુક્ત ને વિજ્ઞાનથી યુક્ત સ્વાતંત્ર્ય ને મલ્ટીકલ્ચરલ સહજીવન એ અમેરિકા છે. આ લોકશાહી ઇરાનમાં નથી. ઇરાનમાં ઇસ્લામિક રિવોલ્યુશન બાદ અફઘાન તાલિબાન કરતા સામા છેડાનો એપ્રોચ રાખીને કન્યાકેળવણી પર એટલું ધ્યાન અપાયું કે ૧૯૭૬માં સ્ત્રીશિક્ષણનો દર ૩૫% હતો એ ૨૦૨૨માં ૯૯% (એટલે લગભગ તમામ સ્ત્રીને લખતાવાંચતા આવડે) એ હદે પહોંચી ગયો. પણ એજ્યુકેશન સાથે આવતી આઝાદી સ્ત્રીઓને ન મળી. એટલે સૌથી વધુ વિપ્લવ ઇરાની તાનાશાહી સામે મહિલાઓનો છે. લોકશાહીની પ્રથમ શરત અંગત આક્ષેપ વિના કામ, પસંદ અને અભિવ્યક્તિની કાયદાથી સુરક્ષિત આઝાદી છે. આપણે ત્યાં બંધારણીય હક છતાં બે અલગ જ્ઞાતિના દીકરા-દીકરી પ્રેમ કરે કે લગ્ન કરે ત્યાં એના રક્ષણની જવાબદારી છે, એવા આગેવાનો સરેઆમ લુખ્ખાગીરી સામે બે પગ વચ્ચે વોટબેન્કની લાળ ટપકાવતી પૂંછડી દબાવી બેસી જાય છે, ને હરફ સુધ્ધાં કાઢી શક્તા નથી, એમાં કાયદો ખાલી કિતાબી બની જાય છે !
પણ, લેેેકિન, કિન્તુ, પરંતુ ઇરાનમાં અમેરિકા જે લોકશાહી સ્થાપવાની 'સમાજસેવા' કરવાની જીદ લઇ બેઠું છે, એ ઇરાનની લોકશાહી પર અમેરિકાએ જ મોટું ખંભાતી તાળું મારેલું એ ખબર છે ?
***
ગયા સપ્તાહે અનાવૃતમાં જોયું કે ઇરાન પાસે પર્શિયન સભ્યતાનો કેવો ભવ્ય ઇતિહાસ રહ્યો છે. (એનો આ બીજો ભાગ રવિવારે આવી ગયો હોત પણ ભારત ટી ટ્વેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપ જીતી જતા એ બુધવારે શિફ્ટ થયો !) ભાષાને ખાનપાન સિવાય પણ પ્રાચીન પર્શિયા ને પ્રાચીન સિંધુખીણ (ભારત) સાથે ગાઢ સંબંધ હતો. પૂજાપધ્ધતિ અસુર ને અહૂર જેવા શબ્દો, હવન જેવી વિધિ, ઋગ્વેદને મળતી આવતી બાબતો... અને મુઘલોના ફારસી (પર્શિયાનું થયું પારસ ને એનું ફારસ) સંસ્કૃતિના લગાવને લીધે એક સમયે વસતિને લીધે ઇરાન કરતા તો ભારતમાં ઇરાનિયન એવી ફારસી ભાષા બોલનારા સમજનારા લોકો સાત ગણા હતા !
ભારત આઝાદ થયું એ પહેલા જ ઇરાનના શાહ સાથે અંગ્રેજોએ સાંઠગાંઠ કરેલી. જેમ ભારતમાં બ્રિટિશ ગુલામીને લીધે આધુનિક વૈજ્ઞાનિક શિક્ષણ, વહીવટી આયોજન, પુરાતત્વીય શોધ, વર્ણવ્યવસ્થામુક્તિ, જેવા આડકતરા ફાયદા થયા, એમ વીસમી સદીના આરંભે શાહના ઇરાન સાથે અંગ્રેજોની સાંઠગાંઠ. ત્યારે રોયલ મહાસત્તા બ્રિટન હતું, ને ઇરાનમાં આજની જેમ ઓઇલના ભંડારમાં એને ને એના જોડીદાર (એને લીધે જ સર્જાયેલા) અમેરિકાને રસ. એટલે ઇરાનનું શાહ પરિવારે મોર્ડનાઇઝેશન કર્યું. વેસ્ટર્ન અસર કમાલ પાશાના તુર્કીની જેમ ઇરાનમાં ભરપૂર દેખાય. મજલિસ (સંસદ)ની લોકશાહી તો શાહની નિગેહબાનીમાં શરૂ થયેલી. પણ ૧૯૫૨માં મોહમ્મદ મોસાદ્દેહ જ્યારે ઇરાનના વડાપ્રધાન થયા, ત્યારે એક વળાંક આવ્યો.
ઇરાનમાં શાહ તો રાષ્ટ્રપતિની જેમ વડા, બાકી આંતરિક વહીવટ આપણી જેમ ચૂંટાયેલા વડાપ્રધાન સંભાળતા. મોહમ્મદ મોસાદ્દેહ પ્રગતિશીલ નેતા હતા. સૂટ ટાઈટમાં સજ્જ ને વેરવિખેર લંબાતી દાઢી નહિ. ક્લીનશેવન. ૧૯૨૩થી ચૂંટાતા આવતા પીઢ સાંસદ હતા. એમણે કારભાર સંભાળી મોટી મોટી વાતોને બદલે એકચ્યુઅલ રિફોર્મ્સની શરૂઆત કરી. હવે સાચે સુધારા અમલમાં લાવો, તે સ્થાપિત હિતોના પેટમાં તેલ રેડાય. ભાષણ સુધી કોઇને વાંધો ન આવે. ગજગ્રાહ તો બીજા વિશ્વયુદ્ધ પછી ચાલુ થયેલો. આજે જેને જગત 'બ્રિટિશ પેટ્રોલિયમ'ના નામે ઓળખે છે, એ એંગ્લો ઇરાનીયન આઈલ કંપનીના નામે ઇરાનના ઓઇલ (ખાવાનું તેલ નહિ, પ્રીમિયમ પેટ્રોલિયમ)ને કાઢીને એનો વેપાર, સંચાલન કરવા બ્રિટિશરોએ જ બનાવી હતી. ૧૯૨૩થી ઇરાનનું પેટ્રોલિયમ એ રીતે અંગ્રેજોના કબજામાં હતું. બીજી સુખસુવિધા ભોગવો પણ રિર્સોસીઝ અમને આપીને અમીર બનાવો, એ તો અંગ્રેજોની પોલિસી હતી. બ્રિટિશરોની એ દલીલ પણ એમ તો સજ્જડ હતી કે ઇરાન પાસે ભલે ભવ્ય સાંસ્કૃતિક વારસો હોય. પેટ્રોલિયમના ઉપયોગનું વિજ્ઞાન નહોતું. ઇનફેક્ટ, ઇરાનની ધરતી પર પેટ્રોલિયમના ભંડારો શોધેલા જ ગલ્ફની જેમ બ્રિટિશરોએ ! સ્થાનિક પ્રજાએ નહિ ! બ્રિટન બહાર એ બ્રિટિશ સામ્રાજ્યની સૌથી મોટી ઇકોનોમિક એસેટ હતી. બ્રિટિશ સ્કિલના જોર નીકળતા પેટ્રોલના ઘણા અધિકારો ૧૯૩૩થી એની પાસે હતા.
પણ મોહમ્મદ મોસાદ્દેક આ બ્રિટિશરોને મળતી સ્પેશ્યલ ફેવરના વિરોધી હતા. એમની દલીલ હતી કે ઇરાનનાં ઘણા ગરીબો છે, એને બદલે આ વિશેષાધિકારો તો ઇરાનની ધરતીના પેટ્રોલિયમના જોરે પશ્ચિમને શ્રીમંત બનાવે છે ! 'ઘરના છોકરાં ઘંટી ચાટે...' જેવી કહેવત સાંભળી હોય એમ એ પેટ્રોલિયમના ખાનગીકરણ (બ્રિટીશ પેટ્રોલિયમ)ને બદલે રાષ્ટ્રીયકરણ યાને નેશનલાઇઝેશનના તરફદાર હતા. મોકો મળતા જ એમણે એ કરી પણ નાખ્યું ! પોતે શોધેલું, પોતે જ જેની વ્યવસ્થ ઉભી કરેલી એ પેટ્રોલિયમનો તગડો હિસ્સો મળતો એ છીનવાઈ જતાં બ્રિટિશરો ગિન્નાયા. એમને મોસાદ્દેહ સામ્યવાદી લાગ્યા, જેની ત્યારે રશિયાને લીધે મૂડીવાદી અમેરિકાને એલર્જી હતી !
મોસાદ્દેહના સુધારા પણ નેહરૂ ગાંધી જેવા સમાજવાદી હતા (એ સમયે એનો ટ્રેન્ડ હતો જગતમાં). કામદારોને પૂરું વળતરને અધિકાર મળે, બેરોજગારી ભથ્થું મળે, માંદગી ભથ્થું મળે, સોશ્યલ સિક્યુરિટી મળે વગેરે. જેમાં ફંડ જોઈએ. બ્રિટિશરો ઈરાનના ઓઈલની ખોજ ને વેપારી વહીવટના બદલામાં પચાસ ટકા આવક ઘરભેગી કરતા હતા, જેના પર મોસાદ્દેહે રોક લગાવી, રાતોરાત ચિક્કાર આવક શૂન્ય થઈ. બ્રિટિશ સરકારે કડક વાંધો ઉઠાવ્યો, પણ મોસાદ્દેહ 'ગરીબો કા મસીહા' ટાઇપ પોપ્યુલર હતા ને શાહ મોહમ્મદ રઝા પહેલવી પણ લોકશાહીમાં લાચાર હતા, એકહથ્થુ શાસક નહિ. બ્રિટિશરોએ વધુ કજીયો કરતા મોસાદ્દેહે છપ્પનની છાતી બતાવીને ઈરાનમાં બ્રિટિશ એમ્બેસી જ બંધ કરાવીને એમને રીતસર ઉચાળા ભરી જવા મજબૂર કર્યાં.
કૂટનીતિમાં કાબેલ અંગ્રેજોને આ ફટકો અસહ્ય લાગ્યો. 'મેરી બિલ્લી મુજસે મ્યાંઉ' જેવી ખીજ ચડી. જેન્સ બોન્ડવાળી સિક્રેટ એજન્સી એમઆઈસિક્સને કામ સોંપાયું ઇરાનને પાઠ ભણાવવાનું પણ બ્રિટિશ એમ્બેસી તો બંધ હતી. ઈરાનમાં ઓપરેશનને અંજામ કેવી રીતે દેવો ? બીજા વિશ્વયુદ્ધના મિત્રરાષ્ટ્ર અમેરિકા તરફ બ્રિટને નજર દોડાવી. ઇઝરાયેલ તો હજુ રાષ્ટ્ર તરીકે ઘોડિયામાં હીંચતું બાળક હતું. અમેરિકન એમ્બેસી ઈરાનમાં ચાલુ હતી. અમેરિકાની પરદેશમાં આપણી રોની જેમ જાસૂસી કરતી સંસ્થા સીઆઇએ મેદાનમાં આવી. પહેલા એમણે ઈરાની મિલિટરીને લાંચ દઈ ભડકાવવા પ્રયાસ કર્યો, પણ ઈરાન સાવ અજાણ જેહાદીઓનો મુલ્ક નહોતો. અનુશાસન વિરુદ્ધ ત્યાંની આર્મી ન ગઈ. હજુ પણ આ યુદ્ધમાં ઇરાની હુમલા મોટા પાયે નિર્દોષોના જાનમાલ જોખમાય નહિ, એવી કાળજીભરી શિસ્ત સાથે થાય છે, એ નોંધ્યું હશે !
ઉસ્તાદોએ તરકીબ બદલી. ગજબનો શેતાની પાસો ફેંક્યો. મોસાદ્દેહના સુધારાથી સામાન્ય માણસ, મજૂરવર્ગ તો ખુશ હતો. પૈસા ફેંકી એમને ઈરાનના વડાપ્રધાન મોસાદ્દેહના સમર્થનમાં રેલીઓ કરવા, સભાઓ ભરવા બહાર કાઢવામાં આવ્યા ! હા, બરાબર વાંચ્યું છે. વિરોધમાં નહિ પણ સમર્થનમાં ! ખેલ એ પાડયો કે આવી રીતે ટોળા મોસાદ્દેહને ટેકો કરવા ભેગા થાય, ત્યાં સીઆઇએના ગોઠવેલા લોકલ એજન્ટો છેલ્લે ઉન્માદના ઉભરાનો લાભ લઈ તોડફોડ કરાવે, પબ્લિક પ્રોપર્ટીને નુકસાન થાય. આગ લાગે, અંધાધૂંધી થાય, લોકોને ઈજા થાય.
કારણ કે, રેલી તો મોસાદ્દેહના સમર્થનમાં હોય એટલે આ અસ્થિરતા અને ભાંગફોડનું એકાઉન્ટ ઈરાની સરકારના ખાતે ઉધારાય ! મોસાદ્દેહના ચાહકો તોફાની ને નાલાયક છે, એવી છાપ ઊભી થાય ! (હવે તો એવો જમાનો છે કે આવા ફોલોઅર્સ હોવા એ તો નેતાગીરીમાં લાયકાત ગણાય છે !) ધીરે ધીરે વેપારધંધા પર અસર થઈ. ૩૦૦ જેટલા લોકો ગુજરી ગયા. રોજ હુલ્લડો થવા લાગ્યા. લોકોના ઘર ને વાહનોની સલામતી જોખમાઈ. અંતે લશ્કરને થયું કે મોસાદ્દેહની સરકાર તો નબળી ને જોખમી છે, એટલે પૈસા મળતા હતા ને જે બળવો ન કર્યો, એ લશ્કરે રાષ્ટ્રમાં શાંતિ ખાતર મફતમાં બળવો કર્યો ને અમેરિકાની ગોઠવેલી બાજીની સોગઠીએ ધાર્યું નિશાન પાર પાડયું. મોસાદ્દેહ સરકાર ઈરાની લશ્કરે ગબડાવી ને ફરી લોકશાહીના સ્થાને રાજાશાહી લાવી શાસન શાહને સોંપ્યું. પાકિસ્તાનની જેમ કોઈ લશ્કરાનો વડો ચડી ન બેઠો સિંહાસને.
બિચારા દેશનું ભલું કરવા જતા દેશમાં બદનામ ચીતરી દેવાયેલા મોસાદ્દેહની જિંદગી બરબાદ થઈ ગઈ. એમની પણ લોકપ્રિયતા હતી, એટલે એમને ઉડાવી તો ન દેવાયા. નહિ તો વળી વધુ હોળી સળગી જાત. પણ એમને ચતુરાઈથી 'ઈરરિલેવન્ટ' કરી દેવાયા. એમને આજીવન નજરકેદ મળી. એ ૧૯૬૭માં ગુજરી ગયા ત્યાં સુધી બહાર ન નીકળી શક્યા. એટલી હદે કે એમને દફન પણ એમના ઘરના આંગણે જ કરવામાં આવ્યા.
ઈરાનમાં તખ્તાપલટો થયો. શાહ રઝા પહેલવીના પુત્ર શાહ મોહમ્મદ રઝા પહેલવી હવે લોકશાહી ગુમાવી ચૂકેલા ઈરાનના સર્વેસર્વા હતા. અમેરિકનોના ધનનું એમને પીઠબળ હતું. ઈરાનમાં સામાજીક સ્તરે કે ધાર્મિક સ્તરે કોઈ જડતા એને લીધે ન આવી કારણ કે ફોરેનમાં જ ભણેલો શાહનો આખો પરિવાર ત્યારે ને આજે પણ વિચારોથી તો મોર્ડન હતો. પણ શાહ ટકી ફરી ઈરાની પેટ્રોલિયમ પર બ્રિટન ને હવે અમેરિકાએ કબજો જમાવ્યો ! આફટરઓલ રેલવે કરતા રોડ વધુ હોઈને અને આધુનિક કારનું એ જન્મદાતા હોઈને અમેરિકાને પણ ઓઈલની જરૂર હતી.
૧૯૦૧માં લંડનના કુબેરપતિ વિલિયમ ડાર્સીને ઇરાનના મુઝફ્ફર શાહે ઓઈલની ભાળ બતાવેલી. ડાર્સીએ આકડે મધ ભાળ્યું. ઈરાનના તત્કાલીન શાહને આજની દ્રષ્ટિએ બે કરોડ સિત્તેર લાખ ર્સ્ટલિંગ પાઉન્ડ જેવી રકમ, ડાર્સીની કંપનીમાં ભાગીદારીને ૧૬ ટકા નફામાં હિસ્સેદારી જેવી મલાઈ આગોતરી આપી ભાગીદાર બનાવાયા. જ્યોર્જ બર્નાડ રેનોલ્ડસ નામના ભેજાબાજ ભૂસ્તરશાસ્ત્રીને ઈરાનની ધરતી પર ઓઈલના ભંડારો શોધવા ઉતારવામાં આવ્યો. રણમાં સ્થિતિ ભયાનક હતી. શીતળા જેવી રોગો ને અસહ્ય તાપ. તરત કશું જડયું નહિ ને ડાર્સીના સપનાનો બોજ એની કંપની પર એવો આવ્યો કે ગ્લાસગોની બૂમરાહ ઓઈલ કંપનીને એણે ઘણાખરા ઓઈલના અધિકારો વેંચી દીધા. નસીબની આડેનું પાંદડુ તો યે હટયું નહિ. એ સમયના ૫ લાખ પાઉન્ડ એટલે આજના અબજોના અબજો રૂપિયાનું આંધણ ચડી ચૂકેલું. ફિલ્ડ પરના રેનોલ્ડસને ઓપરેશન સમેટવાનો ટેલિગ્રામ મળ્યો. ખોજી દિમાગના એ અભ્યાસુ જીવને પાક્કી ખાતરી થયેલી કે કાલા સોના તો યહીં કહીં હૈ. એણે આદેશ અવગણી શોધ
ચાલુ રાખી. અંતે ૨૬ મે ૧૯૦૮માં ઓઈલનો ખજાનો એને જડયો. રેનોલ્ડસની બ્રિટિશ મા ભારતમાં ભણેલી ને રેનોલ્ડસ પણ વીસ વર્ષ ઇન્ડિયન રેલવેમાં સિવિલ સર્વિસ ઓફિસર તરીકે હતો. આ કહાની ભારત સાથે એ રીતે પણ જોડાયેલી છે.
અને ત્યારથી ઈરાનમાં આગ ભડકે છે. અમેરિકાએ ૧૯૫૩માં જે કારસ્તાનો કર્યા એ કપોળકલ્પિત થિયરી નથી. ૬૦ વર્ષે કલાસિફાઈડ ડોક્યુમેન્ટ પબ્લિક થાય એમાં ખુદ સીઆઈએની જ કબૂલાત લેખિતમાં ૨૦૧૩માં અમેરિકામાં બહાર આવેલી છે. પણ આખી કથામાં ઇસ્લામિક રિવોલ્યુશનને વળાંક ક્યાંથી આવ્યો ? ઈન્તેઝાર કિજીયે રવિવાર કે સ્પેક્ટ્રોમીટર કા !
ઝિંગ થિંગ
''એક ઇશ્વરમાં ન માનો તો બીજો મળી જાય છે.
જીસસ નહિ તો જ્વેલ (રત્નો), અલ્હા નહિ તો ઓઈલ (મેટ્રોનિયમ) !''
- વિક્ટર રોબર્ટ લી


