Get The App

યાદ આ ગયા મુજે વો ગુઝરા જમાના..ખુશ્બૂ ભીની ભીની, ઔર જાયકા સુહાના!

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
યાદ આ ગયા મુજે વો ગુઝરા જમાના..ખુશ્બૂ ભીની ભીની, ઔર જાયકા સુહાના! 1 - image

- અનાવૃત-જય વસાવડા

- 1984થી 1995 સુધી આ એ દાયકો હતો, જેને ડીડીના સુવર્ણયુગ તરીકે પાઠયક્રમમાં ભણાવવો જોઈએ એટલે ડિજિટલ ક્રિએટર્સને ખબર પડે કે કવોલિટી કન્ટેન્ટ માટે ઇન્ટેન્ટ યાને ઇરાદો જોઈએ, ઈન્ટરનેટ નહીં ! 

એ ઊંચો પાતળો અને દિલખુશ સ્મિત સાથે ફર્રાટેદાર અંગ્રેજી બોલતો બંગાળી જીવન તાજ હોટેલ્સ  ગુ્રપમાં નોકરી કરતો હતો. એ સમયે, તેના જૂના મિત્રો એક ક્વિઝ શોનો સેમ્પલ એપિસોડ બનાવી રહ્યા હતા. તેમણે એને એક હોટલના પ્રોગ્રામમાં એન્કરિંગ કરતો જોયેલો. તેમાંથી એકે બપોરે ફોન કરીને પૂછયું કે, 'શું તેં અત્યારે સૂટ પહેર્યો છે?' - એણે પહેર્યો જ હતો કારણ કે ઓફિસમાં એવો જ નિયમ હતો. પછી તેણે મને ૧૦ મિનિટ માટે આવીને દિલ્હીમાં શોનું ઇન્ટ્રોડક્શન આપવા માટે કહ્યું. 

લગભગ એક મહિના પછી પેલા મિત્રનો ફરી ફોન આવ્યો અને સમાચાર આપ્યા કે દૂરદર્શને આ શો સિલેક્ટ કરી લીધો છે અને તેઓ ઇચ્છે છે કે આ જુવાનિયો જ આ શો હોસ્ટ કરે. એને રવિવારે રાત્રે  ૯ વાગ્યાનો પ્રાઈમ ટાઇમ અપાયો. ત્યારે અનુપમાઓના યુગ ન્હોતો. ભારતની એકમાત્ર ટીવી ચેનલ પર વૈવિધ્ય રાખવામાં આવતું. અને એ શો 'ક્વિઝ ટાઈમ' ૧૯૮૫માં શરૂ થયો. જેનો પહેલો એપિસોડ પણ જોયેલો. એ ક્વિઝમાસ્ટરનું નામ સિધ્ધાર્થ બાસુ. 

ત્યારે આ શો ખૂબ જ ઓછા બજેટમાં બનતો હતો અને અલગ-અલગ ઓડિટોરિયમમાં શૂટ થતો. પણ બેરી જોને એના સેટ બનાવ્યા હતા અને લોય મેન્ડોન્સાએ મ્યુઝિક આપ્યું હતું. એટલે તે સમયના બીજા શો કરતા તેની ક્વોલિટી અને માહિતી ઘણી સારી હતી, અને આખા દેશમાંથી લોકો તેમાં જોડાતા. બાસુએ એક પછી એક ક્વિઝ શો હોસ્ટ કરવાનું ચાલુ રાખ્યું, અને દરેક શોમાં તેમનો પ્રેમાળ, પ્રોત્સાહિત કરતો અને જોશથી ભરેલો અંદાજ જોવા મળતો. એમને જોઈને લોકો. અંગ્રેજી શીખતા. ડેરેક ઓબ્રાયનની એન્ટ્રી થઈ એ પહેલા સિધ્ધાર્થ બાસુનું એકચક્રી શાસન હતું ક્વિઝમાં. ભારતમાં એને જોઈ ગામે ગામ ક્વીઝ શો  શરૂ થયા. દાયકાઓ દરમિયાન તેમણે જેમાં આ લખવૈયો જીતેલો એવી ઇન્ડિયા ક્વિઝ, માસ્ટરમાઇન્ડ ને બીજા અનેક ક્વીઝ શો કર્યા. ને પછી સેટેલાઇટ ચેનલોમાં એ બધાના રિશ્તામાં બાપ જેવા ક્વીઝમાસ્ટર અમિતાભ બચ્ચન સાથે એણે જ ભારતનો ૨૫ વર્ષથી અડીખમ શો પ્રોડયુસ કર્યો : કેબીસી યાને કૌન બનેગા કરોડપતિ.

પણ એના મૂળિયાં ૧૯૮૦ના દાયકાના દૂરદર્શનના પ્રેઝન્ટેશનમાં છે! ૧૯૮૪થી ૧૯૯૫ સુધી આ એ દાયકો હતો, જેને ડીડીના સુવર્ણયુગ તરીકે પાઠયક્રમમાં ભણાવવો જોઈએ એટલે આજના જિંજરાના ફોતરાંની જેમ ઊભરાતા ડિજિટલ ક્રિએટર્સને ખબર પડે કે કવોલિટી કન્ટેન્ટ માટે ઇન્ટેન્ટ યાને ઇરાદો જોઈએ, ઈન્ટરનેટ નહી ! 

***

વાત જો કે એ સમયની સિરિયલોની તો અગાઉ કરી છે. આજે તો ડાઉન મેમરી લેનમાં લટાર મારવી છે દૂરદર્શનના ન્યૂઝ રીડર્સ માટે. આજે પણ દિલ્હી કે મુંબઈની મેટ્રો ટ્રેનમાં જેમનો ઘેઘૂર અવાજ સંભળાય છે, એ શમ્મી નારંગે તાજેતરમાં ૭૧ વર્ષની વયે અવસાન પામેલા દૂરદર્શનના વર્ષોથી નિવૃત્ત ન્યૂઝરીડર સરલા મહેશ્વરીના અવસાનના સમાચાર આપ્યા. એના પરથી એ ક્રશની ઉમર યાદ આવી ને એક પોસ્ટ લખાઈ એને આજના સમયમાં પણ રેગ્યુલર ૪૭ ગણા વ્યૂઝ મળ્યા ! કોઈ નેતા અભિનેતા ક્રિકેટર કે કરોડપતિ નહી પણ એક ન્યૂઝ એંકર માટે આટલી ખામોશ ચાહત ! આમ વ્યક્ત ન થાય પણ કોઈ યાદ દેવડાવી દે તો ધોરિયો છૂટે ધોધમાર એવી પ્રચ્છન્ન પ્રેમ એ સમયના સમાચાર વાચકોને પણ કરતો એક આખી જનરેશન આ નેશનમાં હજુ જીવે છે. 

શું હતું એવું મૂળ સુરતના હોઈને પાલવ આગળ દેખાય એવી ઊંઘ છેડાની ગુજરાતી સાડી પહેરી શુદ્ધ હિન્દી બોલતા સરલા મહેશ્વરીમાં ? 

માધુરી દીક્ષિતના ફિલ્મોદય પહેલાનું સોહામણું સ્મિત હતું ! 

દૂરદર્શનના સુવર્ણયુગનો ઉષાકાળ હતો ત્યારે ન્યૂઝરીડર્સ પણ સેલિબ્રિટી લાગતા. ગંભીર મુખમુદ્રા. શાંત અવાજમાં બ્રેકિંગ ન્યૂઝ કે કોઈ રાડારાડન મસાલા વગરના સુપાચ્ય પૌષ્ટિક ખીચડી જેવા ન્યૂઝ આવતા ત્યારે. પણ કોણ વાંચશે રાત્રે એની ઉત્કંઠા રહેતી. શોખીનો તો શરત મારતા.

આ બધામાં એક માસૂમ ક્રશ હતો. સરલા મહેશ્વરી. શુદ્ધ ભારતીય દેખાવ. ઘાટીલી દેહયષ્ટિને સાંગોપાંગ ઢાંકતી ઊંધા છેડાની ગુજરાતી શૈલીની સાડી. કાયમ માપસર બાંધેલા વાળ. નેચરલ મેક અપ. નાનકડો સિમ્પલ ચાંદલો. પણ હજુ માધુરી સુપરસ્ટાર ન્હોતી બની એ પહેલાનું સ્મિત ! રીતસર હસે તો ફૂલ ઝરે એવું સ્મિત ! પાતળા ચમકતા હોંઠ વચ્ચે શ્વેત સુરેખ દંતપંક્તિ. ચહેરા પર અને અવાજમાં સ્વસ્થ શાંતિ. હાશ અનુભવાય જેમની હાજરીમાં એવું વ્યક્તિત્વ ! એમની સાડીઓ ત્યારે નેશનલ ક્રેઝ બનેલી. એના માટે નાના ગામની ગૃહિણી ન્યૂઝ જોતી ! 

સરલા મહેશ્વરી લાગે પણ એકદમ ઠાવકા. ને પ્રગલ્લભ છતાં પ્રસન્ન મુખમુદ્રા. મંજુલ રણકામાં હિન્દીના સ્પષ્ટ શુધ્ધ ઉચ્ચાર. પછી બહુ મોડી ખબર પડી કે પીએચડી હતા. થોડો સમય ભણાવેલું. ઇતિહાસ અને સંસ્કૃતિના સ્કોલર હતા. થોડો સમય ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ પતિને પ્રેમ કરીને પરણી લંડન ગયેલા. બે દીકરા પણ છે ને છેક સુધી સુખી સંસાર રહ્યો. 

સરલા મહેશ્વરીની સાદગી જ બહુ આકર્ષક લાગતી. બચપણમાં યુવાન મમ્મીનો આદર્શ લાગતા એ ! એક નારી તરીકે. અલ્લડ યુવતી નહીં ને પ્રૌઢ શિક્ષિકા પણ નહીં. ઠરેલ ઠાવકા પણ જીવનની ઉર્જા ને ઉત્સાહને આંખોથી છલકાવતા જાજરમાન સન્નારી. સાડી એવી રીતે રાખે કે ખભા ખુલ્લા ન દેખાય છતાં મેચિંગ બ્લાઉઝની રેખાઓ લીમડાની ડાળીમાંથી ચળાઈને ડોકાતા સૂર્ય કિરણની જેમ ઉપસી આવે ! શમ્મી નારંગે પણ લખ્યું કે અમે લોકો સરલાના ગ્રેસથી અને જ્ઞાનથી પ્રભાવિત રહેતા ! એમની હાજરીમાં જ એવું હતું કે આદર, આત્મીયતા ને અનુશાસન આસપાસ રહે ! 

કોઈ અંગત ઓળખાણ નહીં. પણ દુનિયા તરફ મીટ માંડવાની શરૂ કરેલી ત્યારે નાના પડદે જોઈ ગમીને મનમાં વસી ગયેલ એક નમણો લાવણ્યમય ચહેરો. સાદગી, સૌંદર્ય અને સ્મિત. છતાં રૂઢિચુસ્તતા નહીં. એમની સત્તાવાર શ્રધ્ધાંજલિ વાંચો તો ખબર પડી જાય કે એમના પુત્રવધૂઓ ને સંભવત ભારતીય નથી. પરદેશી ને પરધર્મી છે. એટલે પ્રેમ બાબતે ખુલ્લું મન ધરાવતા વિદુષી ! 

હવે ન્યૂઝ ચેનલો પર સ્માર્ટ ફેશનેબલ ફિમેલ એન્કર્સ હોય છે. સારું કમાય છે. પણ એ અશાંતિ જોવાનું કંટાળીને બંધ કર્યું છે. સરલાની પ્રેઝન્સની યાદ અપાવતી એવી જ ઠસ્સાદાર છતાં સરળ સૌમ્ય અને નિત્ય સાડીમાં સજ્જ છતાં જુનવાણી જરાય ન લાગે એવી છેલ્લી ન્યૂઝરીડર એનડીટીવી પર નિધિ કુલપતિ હતી. એણે કોઈ ઘોંઘાટ વિના હળવેકથી યે મેરા આખરી બુલેટિન હૈ કરી થોડા સમય પહેલા કદાચ બદલાયેલા સમીકરણો જોઈ નિવૃત્તિ લઈ લીધી. કોઈ વિવાદ કે ચર્ચા વિના બેદાગ કારકિર્દી શાંતિથી 

સમાપ્ત કરી.

સરલા મહેશ્વરીની તો જીવનયાત્રા જ સમાપ્ત થઈ. પણ સ્મરણયાત્રા શરૂ થઈ ! 

શમ્મી નારંગની પર્સનાલીટી ઘેરા અવાજ ને મૂછોને લીધે હતી. એ વખતે આવતા એક ગંભીર જે. વી. રમણ પપ્પા જેવા લાગતા ચશ્મામાં. એ માતૃભાષા તેલુગુ હોવા છતાં શુધ્ધ હિન્દી બોલતા ને એમણે ૪૪ વર્ષ કોલેજમાં ભણાવ્યું ! એક હતી મોટ્ટી મોંફાડવાળી મીનુ તલવાર. નેતા મણિશંકર અય્યરના સ્કોલર ભાઈ સ્વામિનાથન અય્યરના એ સમયના સંગિની ગીતાંજલિ અય્યરના બોબ્ડ વાળ અને લિપસ્ટિક ચુંબકીય આકર્ષણ પેદા કરતા ! એમની સાડી પહેરવાની સ્ટાઇલ હીરોઈન જેવી. એક બાજુનો છેડો ચુસ્ત વીંટાળી રાખે કંચૂકી પર. હવે એ પણ આ જગતમાં નથી રહ્યા. હસમુખા અવિનાશ કૌર સરીન તો પંજાબી  બાંધાને લીધે હીરોઈન જ લાગતા હતા. એમના ઠસ્સાનું અભિન્ન અંગ એમનો ચાંદલો. એમની જેમ જ શોભના જગદીશનો અંબોડો એમના સ્મિત સાથે મેચ થતો.. મંજરી જોશી, સાધના શ્રીવાસ્તવ, પ્રતિમા પુરી, ઉષા આલ્બુબુકર્ક અને એક ક્લાર્ક કેન્ટ જેવા ચશ્મા પહેરતા એકવડા બાંધાના લેખક પત્રકાર વેદપ્રકાશ આવતા. પાછળથી ડોક્યુમેન્ટ્રી ફિલ્મમેકર બનેલા નીતિ રવિન્દ્રનના ગાલ પરનો મોટો મસો એમની ઓળખ હતો. 

રૂપકડી કોમલ જી. બી. સિંધ તો મીઠડી લાગતી નાની હોવાથી બધામાં. એણે પછી સાઉન્ડ સ્ટુડિયો મોડેલિંગ એજન્સી શરૂ કરેલી. રિની સાયમન હવે રિની ખન્ના છે ને ત્યારે એકદમ મોડર્ન લૂકમાં આધુનિકા લાગતી, એનો પણ અવાજ મેટ્રોમાં છે. દાઢીવાળા તેજેશ્વરસિંહ તો જલવા ફિલ્મના વિલન તરીકે આવેલા. રામુ દામોદરન કાગળ વિના વાંચતા વિદેશ ખાતાના અધિકારી જે પછી વડાપ્રધાન નરસિંહરાવ સાથે જોડાયા. એક રાજીવ મેહરોત્રા પણ પ્રણય રોય જેવી દાઢી સાથે આવતા. પ્રણય રોયની જેમ વિનોદ દુઆ પણ કોટી સાથે પહેલા પ્રગટ થતા. 

આ બધામાં  જાજરમાન સલમા સુલતાન ગંભીર પ્રિન્સિપાલ લાગે. સાડી બેઉ ખભે વીંટાળી હોય ચુસ્ત. મોટે ભાગે સફેદ કપડાં. કોરા કપાળ સાથે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીમાં ડાર્ક લિપસ્ટિક દેખાય ને કાયમ એમના એક કાન નીચે એક ખીલેલું ગુલાબ હોય ! છેક ૧૯૬૭થી એ દૂરદર્શનમાં. હજુ જીવે છે. ત્યારે ન્યૂઝ માટે એપ્સ ન્હોતી. કાગળ સિવાય ટેલીપ્રોમ્પ્ટર મળે તો એવા, કે સલમાએ એક વાર કહેલું કે ''પુરાને જમાને મેં સ્ત્રી કો પરદે મેં બંધ રખા જાતા થા'' એવું વાક્ય લખાઈને ''સ્ત્રીઓ કો બંદર ખા જાતા થા'' એવું આવ્યું ! પણ એમણે દિમાગ લગાડી તરત એને સાચું વાંચ્યું. સરલા મહેશ્વરીને પણ ગરોળીથી ગભરાતા ન્યૂઝ વાંચવા પડતા. એક વાર ક્રિકેટના સ્કોરમાં ચાર ચૌકે ઔર છે છક્કે વાંચતા લાઈવમાં હસી પડેલા.

પણ એ ન્યૂઝરૂમ કાગળોના ઢગલાવાળા ને એ શૈલીની તાલીમ જ એકદમ ગંભીર અને વિવેકી હાવભાવ સાથે મૃદુ ભાષાની હતી. સાદગી સાથે લહેકો આત્મીય રાખવાનો. દેશ આખાને ખેડૂતથી કોર્પોેરેટ સુધી જોડવાના રાત્રે જમીને કે જમતા જમતા ન્યૂઝ જોવા માટે. પરિધાન ભપકાદાર નહીં, પણ શાલીન. 

***

ગ્લોબલાઇઝેશન સાથે ભારતમાં બે સ્પર્ધક મ્યુઝિક ચેનલોથ એમટીવી અને ચેનલ વી આવી  ને ટીવીનો અંદાજ ફરી ગયો. આ કલરફૂલ પ્લેટફોર્મ્સ કૂલ હતા. રમતિયાળ ને રંગીનમિજાજ. એમના વીજે અથવા વિડિયો જોકી ફાટેલા જીન્સ અને ટી-શર્ટ પહેરતા, અથવા તેમને જે ઠીક લાગે તે પહેરતા, તેમના વાળ કદાચ વેરવિખેર હોય અથવા ટોપીથી ઢંકાયેલા હોય. ગળામાં સ્કાર્ફ અને હાથમાં રિસ્ટબેન્ડ્સનો ભારે ક્રેઝ હતો. પછી તો ધાંધલિયા ન્યૂઝ ચેનલો સુધી પહોંચ્યા આપણે ! 

પણ એક એવું ભારત પાછળ છૂટી ગયું, જ્યાં બાળકો હજુ પણ તેમના માતાપિતાના દબાણને લીધે સ્કૂલ પછીનો દરેક કલાક હોમવર્કનો સમય છે તેવું માનતા, ત્યારે એમની લાઇફમાં સત્યમ્ શિવમ્ સુન્દરમ્ લખેલા દૂરદર્શનના કેસરી લોગોએ કલર પૂરેલા ! 

એવું નહોતું કે લોકો બધું જાણતા હતા, પણ વાત એ હતી કે ફિક્કા  સમાચાર વાંચતા આ ન્યૂઝરીડર્સને જોઈને પોતાપણું લાગતું. એ જમાનામાં પડદા પર દેખાતા લોકોની પર્સનલ લાઈફ વિશે કોઈને કશી ખબર નહોતી પડતી. અત્યારની જેમ કંઈ એમના મોટા હોર્ડિંગ્સ નહોતા લાગતા કે ન તો છાપાના પેજ-થ્રી પર એમના ફોટા આવતા.

આજના જમાના પ્રમાણે જોઈએ તો એ ન્યૂઝ સેટ સાવ સાદો કહેવાય. કોઈ વર્ચ્યુઅલ સેટ નહીં, ન કોઈ એલઇડી લાઈટ્સ કે ગ્રીન સ્ક્રીન. પાછળનું પ્લાયવુડ ને કપડું પણ ચોખ્ખું દેખાઈ આવે એવું હતું. એસી વિના ગરમીમાં બેઠા રહેવું પડે. પણ ત્યારે આપણને એવું કંઈ અજીબ નહોતું લાગતું, કારણ કે સરખામણી કરવા માટે બીજું કંઈ હતું જ નહીં.

ડિઝાઇનના નામે ખાલી એક 'દૂરદર્શન'નો લોગો હતો. બ્લેક એન્ડ વ્હાઇટ સ્ક્રીન પર આખો સેટ બસ ગ્રે કલરના બે શેડ જેવો લાગતો. કોઈએ સેટ પર ખાસ ધ્યાન જ નહોતું આપ્યું, કારણ કે બધા તો એમ જ જે આવે તે જોવા સાંભળવા બેસતા. ગમે તેવો મોટો અકસ્માત હોય કે પછી એશિયન ગેમ્સનો ઉત્સાહ-એમની શાંતિ અને અવાજ ક્યારેય નહોતા બદલાતા. ભારતમાં કલર ટીવીની શરૂઆત થઈ, ત્યારે પણ એમનો એ જ જૂનો ઠાઠ અને શાંતિ જોવા મળતી.  અત્યારના સમયમાં જો આવો કોઈ મોટો ટેકનિકલ ફેરફાર આવે, 

તો ટીવી પર કેવી ધમાલ મચી જાય!

કોઈ  એપ વિના કાગળ પર જે લખ્યું હોય ને, એ એટલું સરસ રીતે તૈયાર કરવું પડતું કે કેમેરા સામે જુઓ ત્યારે બધું નેચરલ લાગે. ખાલી વાંચવાનું નહીં, પણ સમજવું પણ પડે-જેથી જો ક્યાંક 'લોચો' પડે તો એને શાંતિથી સંભાળી શકાય. જાહેરાત  કે રુકાવટ બાદ સમાચાર ફરી ચાલુ થાય, એટલે ન્યૂઝ રીડરે તરત જ ત્યાંથી જ શરૂ કરવું પડતું જ્યાંથી અટક્યા હતા. જેણે પણ લાઈવ ટીવીમાં કામ કર્યું હોય એને જ ખબર હોય કે આ કેટલું ટેન્શનવાળું કામ છે. પણ  આ લોકો આપણને જરાય અકળાયા વગર સમાચાર આપ્યે રાખતા.

ત્યારે કદાચ એમને પોતાને પણ ખબર નહીં હોય, પણ સરલા મહેશ્વરી  જેવા ન્યૂઝ રીડર્સ કેટલાય લોકો માટે પ્રેરણા હતા. એમને જોઈને જ કોઈએ પત્રકાર બનવાનું કે બ્રોડકાસ્ટિંગમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું હતું.બધાને એમના જેવું જ બનવું હતું-એકદમ શાંત, ઠાવકું અને બુદ્ધિશાળી વ્યક્તિત્વ. પણ એ જેટલી આસાનીથી બેબાકળા થયા વિના ન્યૂઝ વાંચતા, એની પાછળ નક્કી બહુ મહેનત હશે. એ જમાનામાં પ્રોડયુસર્સ એમને ઉચ્ચાર અને બોલવાની લઢણ બાબતે સાવ 'ઘસી નાખતા'. 

ત્યારે 'ગ્લેમર' શબ્દ ખાલી ફિલ્મ સ્ટાર્સ કે મોડેલ્સ માટે જ વપરાતો. ન્યૂઝ વાંચતી મહિલાઓ માટે તો એકદમ 'સોબર' સાડી, હલકો મેકઅપ અને કાન પાછળ વ્યવસ્થિત રીતે ઓળેલા વાળ-પણ આટલા કડક નિયમો હોવા છતાં, આ બધી સ્ત્રીઓનો ફેન-બેઝ હતો ! 

મૂળ તો આ બધા સાથે આપણી જિંદગીના એ સાદા અને સરળ દિવસો જતા  રહ્યા જ્યારે મોબાઇલ ન્હોતો. ફિલ્મો જોવી એક ઘટના હતી. મિષ્ટાન્ન તહેવારો પર જ ખવાતા. ફેશન કરતા ટકાઉ કપડાં જૂતાંને મહત્વ અપાતું. ગીતો રેડિયો પર સંભળાતા ને ક્રિકેટર સફેદ કપડાં જ પહેરતા. જ્યારે  તમીઝ એક તાલીમ હતી. એવો સમય જ્યારે આપણે ગંભીરતા અને સભ્યતાની આશા રાખતા, કોઈ પણ ચળકાટ કે દેખાડા વગર અને આપણને એ મળતું પણ ખરું ! ને ત્યારે લાગતું કે કેમેરો સાચું જ બોલે. આજની જેમ જૂઠ નહીં ! 

ઝિંગ થિંગ

''નકલી ફૂલોને અસલી પાણી ખીલવી શકતું નથી !''

( પૂરું સમજાય નહીં ત્યાં સુધી વાંચો)