- અનાવૃત-જય વસાવડા
- ગ્રીસના સ્ટેડિયમમાં ભજવાતા નાટકો કે ઇટાલીમાં યોજાતાં 'સિમ્ફની ઓરકેસ્ટ્રા'ના સંગીત કાર્યક્રમોમાં સમયાંતરે 'દાદ' રૂપે વાગતી રહેતી તાળીઓ પશ્ચિમમાં પોપ્યુલર છે.
'ગિવ હિમ એ બિગ હેન્ડ!' અમિતાભ બચ્ચનના રિંગિંગ વોઇસમાં જયારે આ વાકય 'કેબીસી'ના સેટ પર બોલાય ત્યારે સેટ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠે છે. અમિતાભના અનુરોધ વિના પણ સેટ પર તાળીઓ અવારનવાર વાગતી રહે છે. જરા તાળીઓના સાઉન્ડટ્રેક વિનાના 'ગેમ શો'ની કલ્પના કરી જુઓ. દરેક રિયાલીટી કે ટોક શોમાં માત્ર તાળીઓ પાડવા સ્ટુડિઓમાં ઓડિયન્સ એકઠું કરાય છે. તાળીઓના 'કરતલઘ્વનિ' ('કર' યાને હાથના 'તલ' યાને હથેળીનો અવાજ)ને અંગ્રેજીમાં 'ઍપ્લોઝ' કહેવાય છે. ગમે તેટલી ચિચિયારીઓ, હાથની મુદ્રાઓ કે ઠેકડાઓ પણ અપ્લોઝ વિના ફિક્કા લાગે છે. 'કેબીસી' જેવા કાર્યક્રમોમાં તો એટલે જ કેમેરામાં ન દેખાય તેવી લાલ લાઇટ સેટ પર રાખવામાં આવે છે. આસિસ્ટન્ટ ડાયરેકટર જયારે જયારે કોઇ ઘટના, સંવાદ કે મુદ્દો 'તાળીમાર' લાગે, ત્યારે એ લાઇટ ઝબકાવી ઓડિયન્સને સંકેત આપે છે. અગાઉથી અપાયેલ સુચના મુજબ પ્રેક્ષકો લાઇટ ઝબૂકે એટલે યંત્રવત તાળીઓ પાડી પ્રોગ્રામને ઇન્ટરેસ્ટીંગ બનાવે છે. ઘણા કાર્યક્રમોમાં તો હસવાના અવાજની જેમ તાળીઓના અવાજનું રેકોર્ડિંગ કરીને બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે વગાડાય છે.
ગ્રીસના સ્ટેડિયમમાં ભજવાતા નાટકો કે ઇટાલીમાં યોજાતાં 'સિમ્ફની ઓરકેસ્ટ્રા'ના સંગીત કાર્યક્રમોમાં સમયાંતરે 'દાદ' રૂપે વાગતી રહેતી તાળીઓ પશ્ચિમમાં પોપ્યુલર છે. પાનો ચડાવતા ભાષણોમાં ઉત્સાહપૂર્વક ગુંજતી તાળીઓ જગતભરમાં જાણીતી છે. પણ પૂર્વના દેશોમાં તાળીઓ સંગીતની રિધમનો એક કિસ્સો છે! અરબસ્તાનમાંથી ઉઠીને ભારત - પાકિસ્તાનમાં મૂળિયા - જમાવતી કવ્વાલીની તો કલ્પના જ તાળીઓની બીટસ વિના શકય નથી. તાળી કવ્વાલીમાં તબલા કે હાર્મોનિયમ જેવા કોઇ વાદ્યની ભૂમિકા ભજવે છે. ઉસ્તાદ કવ્વાલો ખાસ પ્રકારના તાલમાં તાળીઓ 'વગાડી' શકતા અનુભવી 'કલાકારો'ને શોધીને સાથે રાખે છે. મરહૂમ નુસરત ફતેહ અલી ખાનના જલસામાં એમની પાછળ છ - આઠ જણા માત્ર તાળીઓ પાડવા માટે બેઠેલા દેખાતા, જે એક વિશિષ્ટ ઘ્વનિવાળી તાળીઓ પાડતા. ભારતના લોકસંગીતમાં પણ તાળી સંગીત વણાઇ ગયું છે. ગુજરાતી લોકસંગીત જ લો ને... 'દાંડિયા રાસ'ને લીધે મશહૂર થયેલા ગરબામાં અઢળક 'તાળીરાસ' તાળીઓના તાલે આજે પણ રમાતા જાય છે. કેટલાય ગુજરાતી લોકગીતો, ગરબાઓ કે ડાયરાઓ તો તાળી વિના 'જામે' તેમ જ નથી. જાત - ભાતના પ્રકારની તાળીઓ તેમાં શોધાઇ છે! કયાંક બે તાળી, પછી પોઝ (વિરામ)... કયાંક ત્રણ તાળી, પછી પોઝ ઈત્યાદિ.
હિન્દી ફિલ્મોનાં અસંખ્ય યાદગાર ગીતોમાં તાળીઓની રિધમ અમર થઈ ગઈ છે. ઓ.પી. નય્યરના 'સર પે ટોપી લાલ'થી અનુ મલિકના 'એલી રે એલી' સુધી! એની વાતો માંડીશું તો ક્રિકેટ મેચોમાં સ્ટેડિયમ ગજાવતી તાળીઓ, કે સ્કૂલ-કોલેજોમાં ગમતી વાત પ્રત્યેની પસંદગી રજૂ કરવા વાગતી તાળીઓને પણ યાદ કરવી પડશે. તાળીઓ દ્વારા હથેળીના ચોકકસ પોઈન્ટ પર 'એકયુપ્રશર' આવતાં એ સ્વાસ્થ્યવર્ધક પણ છે! પણ આપણે વાત તાળીઓની નહીં. તાળીઓ પાછળના, ખરેખરતો સમૂહમાં એકસાથે વાગતી તાળીઓ (એપ્લોઝ)ના વિજ્ઞાનની કરવી છે!
તાળીઓનું વિજ્ઞાન? જી હા. ઈશ્વરની માફક વિજ્ઞાન પણ અત્ર, તત્ર, સર્વત્ર છે. ઘણા ડફોળચંદો વિજ્ઞાન એટલે યંત્રો એવું માનીને વિજ્ઞાનને વખોડતા રહે છે. વાસ્તવમાં ટેકનોલોજિ તો વિજ્ઞાનની એક શાખા છે! આપણે ઘણીવાર ગુ્રપમાં પડઘાતી તાળીઓને આદતવશ સાંભળી છે. પણ એના ઉપર ઉંડાણથી કશું વિચાર્યું છે? જરા વિચારો... યાનીની અમેરિકામાં યોજાયેલી કોન્સર્ટ હોય કે મુંબઈમાં થતો કોઈ ફિલ્મી એવોર્ડનો જલસો.... ઓડિયન્સ તાળીઓ કેવી રીતે પાડે છે?
પહેલા ચંદ ક્ષણો માટે સાવ શાંતિ છવાઈ જાય છે. પછી કોઈ જ સંકેત, અપીલ કે કોઈની આગેવાની વિના ખૂણેખાંચરેથી આડીઅવળી તાળીઓ પડવાની શરૂઆત થાય છે. શરૂઆતમાં એના સાઉન્ડમાં અંધાધૂંધી (કેઓસ) વર્તાય છે. પણ અચાનક જ જાણે કોઈએ તેની કમ્પોઝિશન સેટ કરી હોય તેમ બધાની તાળીઓ એકસરખી, એક અવાજમાં, એક તાલમાં અને એક સાથે વાગતી સંભળાય છે. એની ગતિમાં વધ-ઘટ પણ જાણે બધાના મગજમાં કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામ ફિક્સ કરી દીધો હોય તેમ સાર્વત્રિક કે હારોહાર થાય છે. તાળીઓનો અવાજ ચરમસીમાએ પહોચીને આપમેળે એક ચોકકસ રિધમમાં ધીમો પડીને બંધ થઈ જાય છે. માત્ર કોઈ એકલ-દોકલ તાળીઓના છૂટા છવાયા અવાજો આ રિધમથી અલગ પડેલા ત્યારે સંભળાય છે. પણ બાકીના શ્રોતાગણનાં ૯૯.૯૯ % લોકો તાળીઓ એકસાથે જ બંધ કરે છે. ભલેને એ એકબીજાથી સામસામેના છેડે હોય, ઓળખીતા હોય, અજાણ્યા હોય, બાળક-જવાન બુઢ્ઢા હોય સ્ત્રી કે પુરૂષ હોય... ભલે એ તાળીઓ ઓપન-એર થિયેટરમાં વાગતી હોય, કે કલોઝ ડોર સિનેમા હોલમાં! વગર સૂચનાએ સ્વાભાવિકપણે બઘું ચોકકસ તાલમેલમાં ગોઠવાય છે.
કયા હૈ ઈસકા રાઝ?
મેથેમેટિકસ (ગણિત), એસ્થેટિકસ (સૌંદર્યશાસ્ત્ર) અને સાયકોલોજી (મનોવિજ્ઞાન)! સ્ટીવન સ્ટ્રોગાત્ઝ નામના યુરોપી વિજ્ઞાની છેલ્લા ૨૧ વર્ષથી 'સિંક્રોનાઈઝેશન' (તાલમેલ, સુમેળ)ના સાયન્સનો અભ્યાસ કરી રહ્યા છે. વિવિધ લોકેશન્સ પર અલગ-અલગ મુદ્દે વાગતી તાળીઓનો એમણે બારીકીથી અભ્યાસ કર્યો છે. એ જ રીતે રોમાનિયાના ભૌતિકશાસ્ત્રી તામાસ વિસ્સેક, આલ્બર્ટ બારાબાસી અને ઝોલ્ટન નેડાએ તો વળી નવી તરકીબ અજમાવી. કેટલાય હોલની દીવાલો અને છતમાં અતિસંવેદનશીલ માઈક્રોફોન્સ રાખીને તાળીઓના અવાજનું રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું. પછી ૭૩ જેટલા ટીનેજર વિદ્યાર્થીઓને અલગ અલગ રૂમમાં એકલા રાખીને એમને જાણે કોઈ સંગીતના કાર્યક્રમનો બિરદાવતા હોય તેવો ઝડપી તાળીનાદ કરવાનું કહેવાયું. પછી તેમને બીજાની સાથે તાલ મિલાવીને તાળીઓ પાડવાનું કહેવામાં આવ્યું.
આ બધા રિસર્ચ-એકસપેરિમેન્ટસનું રિઝલ્ટ શું આવ્યું? માણસ મુળભુત રીતે બીજા સાથે તાલ મિલાવવા ઈચ્છતું પ્રાણી છે. માણસ જ શા માટે? પ્રકૃતિને ખુદ 'સિંક્રોનાઈઝેશન' ખૂબ પસંદ છે? કુદરતમાં અઢળક બાબતો- ઘટનાઓમાં અજાયબ અને દિલચસ્પ તાલેમેલ જોવા મળે છે. જેમ કે, આગિયાઓ. સતત લબૂક-ઝબૂક થઈને ઉડતા રહેતા આગિયાના ટોળામાં એક ચોકકસ પેટર્ન જોવા મળશે. લગભગ બધા જ એક સાથે પ્રકાશ ઝળકાવશે, અને એકસાથે બુઝાવશે. આમ ન થતું હોય તો આગિયાની લાઈટિંગ ઈફેકટ બરાબર ન દેખાત! કંસારી નામનું રાતના અવાજ કરતું જંતુ પણ જયારે ચોમાસામાં ૫-૭ના સમૂહમાં હોય ત્યારે એકબીજાની સાથે સુમેળ સાધીને પોતાનો તંબૂરો 'તૂન તૂન' કરે છે! આવું જ દેડકાના ડ્રાંઉ ડ્રાંઉનું! અરે! સુર્યમાળાના ગ્રહોના પરિભ્રમણમાં પણ તાલમેલ છે. પૃથ્વી અને ચંદ્ર પોતાની ધરી પર એક જ ગતિએ ફરે છે. એટલે ચંદ્રની એક બાજુ આપણને કદી દેખાતી નથી! હૃદયમાં ધબકાર ઉત્પન્ન કરતા 'પેસમેકર' કોષો પણ એકબીજાની સાથે સમન્વય સાધીને ધબકે છે. જે હાર્ટબીટ પરથી સ્તો વેસ્ટર્ન મ્યુઝિકની ખ્યાતનામ ડિસ્કો બીટ આવી છે! સાથે રહેતી સ્ત્રીઓના ઋતુસ્ત્રાવમાં પણ ઘણીવાર સંવાદિતા આવી જાય છે. એ તો ઠીક, દાદાજીના જમાનાની ખમતીધર દીવાલ ઘડિયાળોને પણ એક દીવાલે ટાંગો, તો થોડા સમય પછી ડંકા વાગે ત્યાર બાદ બધાના લોલકની ગતિ સરખી થતી જશે. જાણે બધાને કોઈએ એક ઈશારે નચાવ્યા હોય!
તાળીનાદ પણ આપોઆપ આવા સિંક્રોનાઈઝેશનને પામવા મથે છે. દાખલા તરીકે, ગોળ ચકકરમાં થોડા દોડવીરો દોડી રહ્યા છે. જો એ લોકો મિત્રો હશે, અને દોડતા - દોડતા એકબીજા સાથે વાત કરતા હશે... તો શું થશે? ખબર પણ ન પડે તેમ ઝડપથી દોડનારો થોડો ધીમો થશે અને ધીમે દોડનારો પોતાની ઝડપ થોડી વધારશે. બધા એકસમાન ગતિ પકડીને તેને જાળવશે. અજાણતા જ. વિના પ્રયત્ને! માત્ર એમની આંખો કે જીભ જ નહીં, એમના પગ પણ જાણે કશુંક 'કમ્યુનિકેટ' કરી આંતરસંબંધ સ્થાપિત કરશે! પણ આ માટે તેઓ એકબીજાને નિહાળે, અને સુષુપ્ત (સબકોન્સિયસ) મનમાં એકબીજાની ઝડપ નોંધે એ અનિવાર્ય છે.
આ તો વિચારશીલ માનવની વાત થઈ. છેક ઈ.સી. ૧૬૬૫માં ડચ વિજ્ઞાની ક્રિસ્ટીન હ્યુજીન્સે પેલી દીવાલ ઘડિયાળના લોલકનું તિલસ્મ ઉકેલી કાઢયું હતું. જે મુજબ લોલક (પેન્ડલુમ)ના હલન ચલનથી થતી ધુ્રજારી દીવાલ મારફતે એકબીજા સાથે અથડાતી, અને પછી પેલા દોડવીરની જેમ એકબીજા સાથે કદમ મિલાવવાનો યાંત્રિક (પણ સ્વચાલિત) પ્રયત્ન કરતી. એ જ રીતે સાઉન્ડ પ્રૂફ રૂમમાં રાખેલી કંસારી બીજી કંસારીઓની ચિચિયારી સાંભળ્યા વિના એમની સાથે તાલ મિલાવી નહોતી શકતી.
બસ, આ જ સિઘ્ધાંતો જાહેર સ્થળોએ થતા સામૂહિક તાળીનાદને લાગુ પડે છે. શરૂઆત તો એકદમ અવ્યવસ્થિત થાય છે. આડેધડ. કદાચ કોઈ અજાણતા આગેવાની લે છે. પણ લગભગ તમામના અચેતન મનમાં એવું હોય છે કે બીજા સાથે તાલ મિલાવવો... એકલા ન પડી જવું. (બરાબર આવી જ અસર સમૂહમાં દાંડિયારાસ લેતી વખતે પણ દરેકના મનમાં ઉભી થાય છે!) અને અન્ય અવાજના અભાવમાં પણ જાણે દરેક તાળી પાડનાર એક ચોક્કસ 'બીટ' પકડી લે છે! બીજાની તાળી સાંભળતા કાનના હૂકમ મુજબ હાથ ચાલે છે, અને તાળીનું કોરસગાન શરૂ થાય છે! થોડા તાળી પાડનારાઓ ચોક્કસ 'રિધમ'માં હોય જ છે. બાકીના બધા 'ઓટોમેટિક' તેમની સાથે જોડાઈ જાય છે! કારણ કે, બધાના દિમાગમાં એક ખાસ તાલમેલવાળા તાળીનાદનો હિસ્સો બની, તેને સાંભળવાની ઈચ્છા છે!
જ્યારે એપ્લોઝની એક હાર્મની રચાય છે, ત્યારે તેનું પણ એક ઘોંઘાટમાંથી ઘડાયેલું સંગીત વહે છે. બધા તાળી પાડનારાઓમાં જાણે એકબીજા સાથે જોડાઈ ગયાની, મૈત્રીભાવની અને સમાન રસવાળા હોવાની એક પરિચિતતાની કુટુંબ ભાવના જન્મે છે. પોતાના વિચારોને સામૂહિક સમર્થન મળ્યાનો આનંદ પ્રત્યેક અનુભવે છે. આ પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી તરત જ તાળીનાદ રૂટિન, કંટાળાજનક અને પુનરાવર્તીત લાગે છે. એટલે એની ગતિ અને ઘ્વનિ ઘટતા જાય છે. સાઉન્ડનું રેગ્યુલેટર ઉલટુ ફેરવ્યું હોય તેમ એ ચરમસીમાએથી નીચે ઉતરતો જાય છે. કોઈ અજાણ્યા 'લીડર' તાળી જાણે એ બંધ કરવાનો છૂપો સિગ્નલ આપે છે. બધા એ ઝીલે છે. ફરી શરૂઆતની જેમ થોડા છૂટાછવાયા એકલદોકલ અવ્યવસ્થિત તાળી પાડનારાઓ વધે છે. અંતે તેઓ પણ શાંત થઈ જાય છે!
ઉત્સાહમાં આવીને થનગનવા લાગેલો માણસ 'હૂટિંગ' (કિકિયારીઓ) સાથે સેકન્ડની ૩થી ૫ તાળીઓ પાડે છે. પણ દુનિયા ગમે તે ખૂણે ગમે તે પ્રકારનો માણસ જ્યારે એક ચોક્કસ રિધમમાં ('કેબીસી' સ્ટાઈલમાં) તાળી પાડે ત્યારે એ પ્રતિ સેકન્ડે ૨ તાળીઓ પાડે છે. માટે સંખ્યાની વધ-ઘટ ભૂલી જાવ તો જગતના તમામ તાળીનાદો તાલમાં સરખા જ લાગે છે! હા, જો ઓડિયન્સ બે ભાગમાં વહેચાઈને- મતલબ જુદા જુદા કારણોસર... એક જ દ્રશ્યમાં કોઈ નાયિકાના ઠુમકા પર તો કોઈ ગીતના શબ્દો પર... તાળી પાડે- ત્યારે તાળીનાદ પણ બે ભિન્ન તાલમાં વહેચાઈ જાય છે. એ જ રીતે રિહર્સલ કરાવીને વગાડાવાતી તાળીઓની રિધમ 'મિકેનિકલ' હોઈ અલગ પડે છે. પરાણે પડાવાતી તાળીઓ (રાજકીય સંમેલનો કે વિદ્યાર્થી સમારંભો)માં ચિત્ત પુરુ ચોંટેલુ ન હોઈ, એમાં ભાગ્યે જ કોઈ તાલ ઉભો થાય છે. એવી ખાલી તાળીઓ કરતા તો 'તાબોટા' સારા!
ક્યારેય વિચાર્યું છે કેતાળીથી'પૉપ' જેવો અવાજ કેવી રીતે બને છે? વૈજ્ઞાનિકોએ હવે આનો જવાબ શોધી કાઢયો છે. તેમાં ભૌતિકશાસ્ત્રના અનેક તાણાવાણા છુપાયેલા છે. 'ફિઝિકલ રિવ્યૂ રિસર્ચ' જર્નલ મુજબઅમેરિકાની કોર્નેલ યુનિવર્સિટી અને મિસિસિપી યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે તાળીનો અવાજ માત્ર બે હથેળીઓના અથડાવાથી નથી આવતો. તેની પાછળ હવાની એક નાની જગ્યા એટલે કે એર કેવિટી હોય છે, જે ઝડપથી બહાર નીકળે છે અને તે જ અવાજને જન્મ આપે છે.આ અભ્યાસમાં પ્રકાશિત થયો છે. તેમાં જણાવાયું છે કે જ્યારે બે હથેળીઓ એકબીજા સાથે મળે છે, ત્યારે તેમની વચ્ચે એક નાની જગ્યામાં હવા ફસાઈ જાય છે. જેમ જેમ આ હવા એક સાંકડી તિરાડમાંથી - મુખ્યત્વે અંગૂઠા અને તર્જની તરફથી - ઝડપથી બહાર નીકળે છે, ત્યારે હવાના અણુઓ કંપન કરવા લાગે છે. આ કંપન જ તાળીનો અવાજ બનાવે છે.
વૈજ્ઞાનિકોએ અસલી હાથોની સાથે-સાથે સિલિકોનથી બનેલા નકલી હાથોનો પણ ઉપયોગ કર્યો. હાથોની ગતિ, આકાર, ત્વચાની નરમાશ જેવી બાબતોને બદલીને જોયું કે અવાજમાં શું ફેરફાર થાય છે. હેલ્મહોલ્ટ્ઝ રેઝોનન્સ ખબર છે ? આ એ જ સિદ્ધાંત છે જેના કારણે બોટલની ગરદન પર ફૂંક મારવાથી એક ખાસ ધ્વનિ નીકળે છે. ફરક માત્ર એટલો છે કે બોટલની દીવાલો સખત હોય છે, જ્યારે આપણી હથેળીઓ નરમ અને લચીલી હોય છે. બોટલનો અવાજ લાંબો સમય ગૂંજે છે, જ્યારે તાળીનો અવાજ ટૂંકો ! દરેક વ્યક્તિની તાળીની ફ્રીક્વન્સી અને ટોનમાં ફરક હોય છે. એટલે ફિંગરપ્રિન્ટની જેમ તાળીનો અવાજ પણ એક પ્રકારની અંગત ઓળખ બની શકે છે !
આ નવતર લેખ ગમ્યો? જો હા, તો... તાલીયાં!
ઝિંગ થિંગ
'કલાકારે સમજવું જોઈએ કે તાળીનાદ તેનું પરફોર્મન્સ સભાને પહોંચ્યાની રસીદ છે, વધારે માંગણીની અરજી નથી!'
(આર્થર કશ્ચ્નેબેલ, ૧૯૫૧)


