Get The App

સુપરમેન : અલ્ટીમેટ સુપરહીરોનું સર્જન કેવી રીતે થયું ?

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
સુપરમેન : અલ્ટીમેટ સુપરહીરોનું સર્જન કેવી રીતે થયું ? 1 - image


- અનાવૃત-જય વસાવડા

- કહેવાય છે કે શૂસ્ટર અને જેરી સીગલે સર્જેલું, ચિતરેલું, વિચારેલું સુપરમેનનું પાત્ર અને એની કહાણી ડીસી કોમિક્સે તમામ હક હિસ્સા સાથે ચણામમરા જેવી રોયલ્ટીમાં ખરીદી લીધેલું!

ક ઈ સાલ પહલે કી એક બાત હૈ...! આપણે ત્યાં આઝાદીની ચળવળો અને ગોળમેજી પરિષદો કે દાંડીયાત્રાઓ થવાની હતી. મોહનદાસ કરમચંદ ગાંધી સામાન્ય માનવીમાંથી 'મહાત્મા બનીને દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા હતા એ અરસામાં અમેરિકામાં બે દોસ્તો સ્કૂલેથી ભાગીને ખેતરો અને ગુફાઓમાં અલગારી રખડપટ્ટી કરતા. એમની એક ફેવરિટ અવાવરૂ ગુફા હતી એક મિત્ર કેનેડિયન હતો, એનું નામ જો શૂસ્ટર અને બીજો અમેરિકન હતો એનું નામ જેરી સીગલ. એકને કલમ સાથે દોસ્તી, બીજાને પીંછી સાથે ! એક શબ્દોથી ચિત્રો દોરે, બીજો ચિત્રો બનાવી જોનારના મનમાં શબ્દો ઉભા કરે !'

એક રાત્રે ગુફામાં બેઠા-બેઠા બંનેને એક પાત્ર સર્જવાનો વિચાર ઝબુક્યો કોલસાથી એક આકાર ભીંત પર એમણે દોરવાનો શરૂ કર્યો. એક બોલે, બીજો સુધારા કરે. બેઉની દોસ્તી જ એ રીતે થઇ હતી કે બેઉ મૂળ યહૂદી. અમેરિકામાં એ વખતે બહારથી આવેલા ગણાય. હિટલર જેવો નહિ પણ ચુસ્ત રોમન કેથોલિક ખ્રિસ્તીઓ જ્યુઝને ઈસુના હત્યારા તરીકે ને શોષણખોર મુડીવાદી તરીકે ધિક્કારે. એની અસર સ્કૂલમાં જોવા મળે. એ ઉપરાંત બે ય શાંત પ્રકૃતિના આર્ટીસ્ટ ટાઈપ સંવેદનશીલ બાળકો. એટલે સ્કૂલમાં એમનું બુલીઈંગ થાય. એમની બધા પટ્ટી પાડે. સીગલને તો એક વાર રજા માંગવા છતાં બાથરૂમ જવા નહોતો દીધો તો પેન્ટમાં પેશાબ થઇ ગયેલો ! તરુણાઈમાં છોકરીઓ પણ એને ભાવ ના આપે. ગમતી કન્યા નોંધ પણ ના લે ત્યારે મિત્ર શૂસ્ટર તો જીમમાં બોડી બિલ્ડીંગ કરતો પણ પછીથી આર્મીમાં જોડાયેલા સીગલને એ વખતે થાય કે છોકરીઓને ઈમ્પ્રેસ કરવા કાર ઊંચકી લેવા જેવું અસામાન્ય પરાક્રમ કરી બતાવું ?

આ ફેન્ટેસીમાંથી બેઉ વાર્તાઓ લખતા થયા. મુખ્યત્વે સીગલ લખે ને શૂસ્ટર એના ચિત્રો બનાવે. ટીનએજમાં એક વાર્તા લખી. જેમાં એક વિજ્ઞાાની એક સડક પરના બિલી નામના ભિખારી પર એક અજીબ દવાનો પ્રયોગ કરી એને કામચલાઉ ધોરણે શક્તિશાળી બનાવે છે જેમાં એ લોકોના મન પર કબજો કરી શકે ને ભવિષ્ય જોઈ શકે. ચાલાકીથી એનો દુરુપયોગ કરી કમાણી કરવા લાગેલા બિલી પરથી દવાની અસર ખતમ થતા એ ભૂખ ભેગો થઇ જાય. પાછળથી અલ્ટીમેટ સુપરહીરો ગણાતા સુપરમેનના બીજ આ વાર્તામાં જોવા મળે !

ફાઇનલી ૧૯૩૩માં એ કેરેક્ટરના ઘાટ ઘડાઈ ગયા લાડમાં જેને 'જાંગિયો પેન્ટની ઉપર પહેરે તે' એવો એ સુપરમેન રચાઈ ગયો એનું નામ અતિ પ્રભાવશાળી છતાં અતિ સરળ હતું. બસ, સુપરમેન ! અને એનો એક પોતાના અસલી જીવન જેવો ઓલ્ટર ઈગો યાને બીજું સ્વરૂપ ક્લાર્ક કેંટ. ગભરુ, શાંત, ને છોકરી તો શું ટેક્સી પણ મેળવી ના શકે રોડ પર એવો ચશ્મીસ છબરડાખોર પત્રકાર ! બેઉ ભાઈબંધો જુવાન હતા, બીજા લોકો સાથે થોડું કામ કર્યા બાદ ત્યારે ડિટેક્ટીવ કોમિક્સ (પછીથી 'ડીસી' ઉર્ફે ડાલ્ટન કોમિક્સ)ને પોતાની ચિત્રવાર્તા વેચવા ગયા. પોતાના મૌલિક આઇડિયાની સંભાવનાઓની એમને ખુદને ખબર નહોતી.

કહેવાય છે કે શૂસ્ટર અને જેરી સીગલે સર્જેલું, ચિતરેલું, વિચારેલું સુપરમેનનું પાત્ર અને એની કહાણી ડીસી કોમિક્સે તમામ હક હિસ્સા સાથે ચણામમરા જેવી રોયલ્ટીમાં ખરીદી લીધેલું ! સીગલ અને શૂસ્ટર બંને આ દુનિયામાં આજે નથી. એમણે તો ખોબે ભરાય એટલા દામમાં દરિયો ઉલેચાય એવો ખજાનો ખાલી કરી નાંખ્યો હતો. એ તો પાછળથી એમણે કોર્ટે ચડીને હકહિસ્સાનું ધન અને માન મેળવ્યું. 

એની વે,૧૯૩૮માં 'એક્શન કોમિક્સ'ના ટાઇટલ નીચે સુપરમેનનો પહેલો ઇસ્યૂ બહાર પડયો !સુપરમેન કદી સુપરહિટ ગયા વિના રહે ખરો ?સમય જ એ એવો હતો. મંદીમાંથી બહાર આવેલા અમેરિકાને પર્લ હાર્બર પરના જાપાનીઝ એટેકને લીધે ૧૯૪૧ પછી વિશ્વયુધ્ધમાં ઝુકાવવાનું થયું. દેશને એક રાખી બીજા કરતા આગળ સુપરપાવર હોવાની ઓળખ આપતો સુપરમેન અમેરિકન રાષ્ટ્રધ્વજના બ્લુ રેડ કલર્સમાં પીળી છાંટ સાથે જનમાનસમાં છવાઈ ગયો. એના રેડિયો ને સ્ટેજ પ્લે શરુ થયા. રાજાની કુંવરીની માફક જ એની લોકપ્રિયતા કૂદકે ને ભૂસકે વધવા લાગી... વર્ષો સુધી એ કોમિક્સની દુનિયાનો સરતાજ રહ્યો. સુપરમેન પરથી પછી જ્યોર્જ રીવ્સને લઈને બનેલી ટીવી સીરીયલ જામી ગઈ. એનિમેશન સિરીઝ પણ બની. અમેરિકાની વિશ્વયુદ્ધ બાદની પ્રગતિનું પોઝીટીવ પ્રતીક સુપરમેન બની ગયો ! 

***

સુપરમેનનું સર્જન થયું, એ કાળમાં પશ્ચિમી દેશોમાંં સાયન્સ ફિક્શનનો નશો બરાબર ચડયો હતો. પણ સુપરમેન જેવું આધુનિક અને અસરકારક પાત્ર કોઈ સર્જી શક્યું નહોતું. કારણ કે સુપરમેનની કહાણી - સરળ છતાં (કે એટલે જ) સરસ રીતે ગૂંથાયેલી હતી.

ક્રિપ્ટન નામનો એક ગ્રહ હતો. દૂર આકાશગંગાના એ ગ્રહ પર પણ માણસો જેવી જ વસ્તી હતી. પણ એ લોકો ધરતીવાસીઓ કરતા ક્યાંય વધુ એડવાન્સ્ડ હતા. ત્યાં પ્રલયની સંભાવના આવી. સુપરમેન ત્યારે તો તાજું જ જન્મેલું બાળ હતો. એનું નામ કાલ એલ, અને એના પિતા વિજ્ઞાાની હતા જેમનું નામ જોર એલ. એના માતાપિતાએ એને એક 'સ્પેસ કેપ્સ્યુલ'માં મૂકીને અવકાશમાં મોકલી, પ્રલયમાંથી બચાવી લીધો. પોતે ભસ્મીભૂત થઈ ગયા. પણ શિશુ સંતાન પુથ્વી પર મોકલ્યું,જ્યાંના લોકો સુપરમેનના મૂળ ગ્રહ જેવા વિકસીત નથી, પણ બાળક એકલું ના પડે એટલા લાગણીશીલ છે. વધુ પડતો વિકાસ તો અંતે ક્રિપ્ટન પ્લેનેટનો વિનાશ લઇ આવ્યો !

ત્યારે માત્ર મામુલી બચ્ચા તરીકે એક નિ:સંતાન પ્રૌઢ કિસાન દંપતી જોનાથન અને માર્થા કેન્ટને પૃથ્વી પર (નેચરલી, અમેરિકામાં) મળી આવ્યો. એમણે અવકાશમાંથી પડતાં અચાનક મળી આવેલા બાળકને કેન્સાસ રાજ્યના 'સ્મોલવિલ'માં દીકરાની જેમ ઉછેર્યો. નાનપણમાં જ પોતાની અલૌકિક શક્તિઓનો સુપરમેનને અહેસાસ થયો એનામાં અપાર બળ હતું. એકલે હાથે એ ભૂલકાં તરીકે ટ્રક ઉંચી કરી શકતો. એ પૂરપાટ ઝડપે પવનને ચીરીને આસમાનને ચૂમવા ઉડી શકતો. એની આંખોનું વિઝન એક્સ-રે વિઝન કપડા જ નહિ, કોંક્રીટની દીવાલો વીંધીને અંદર જોવા સક્ષમ હતું અને મોટો થઇ ન્યૂયોર્ક જેવા કાલ્પનિક મહાનગર 'મેટ્રોપોલિસ'માં 'ડેઇલી પ્લેનેટ' (જૂનું નામ 'ડેઇલી સ્ટાર') છાપામાં ચશ્મીસ ખડ્ડૂસ રિપોર્ટર ક્લાર્ક કેન્ટ તરીકે જોડાયો. મોટા શહેરમાં બનતા દરેક ક્રાઇમની ફોટોગ્રાફર દોસ્તી જિમી પત્રકાર તરીકે એને ખબર પડે, અને ચપ્પટ પટિયા પાડેલા વાળ અને માસ્તરિયો કોટ-ટાઇ છોડી એ રેડ-બલ્યુ કલરના એવરગ્રીન ડ્રેસમાં દુશ્મન સામે જંગ છેડવા ઝૂકાવી દે ! સાથી રિપોર્ટર લોઈસ લેન સાથે નવરાશમાં એ તારામૈત્રક રચે ! રૂડી રૂપાળી લોઇસને ક્લાર્ક કેન્ટ દીઠ્ઠો ન ગમે, પણ સુપરમેન પાછળ એ ઘેલી ઘેલી થઈને ફરે ! (સાર: છોકરીઓને સુપરમેન સીધોસાદો, શાંત સ્નેહાળ બનીને સાક્ષાત પ્રગટ થાય તો પારખતા નથી આવડતું, એમને આકર્ષવા માટે સ્ટાઇલ, પાવર એન્ડ ચાર્મ જોઈએ !)

સુપરમેન પૃથ્વી ગ્રહ પર ક્રિપ્ટન ગ્રહના બાળક કાલ-એલમાંથી સુપરમેન કેવી રીતે બન્યો ? એનું કારણ એવું અપાયું છે કે પૃથ્વીના પીળા સૂર્યને લીધે સુપરમેનના શરીર ફરતું ઊર્જા કવચ રચાયું. એ એલિયન (બહારના ગ્રહનો) હોઈ અહીંના વાતાવરરણમાં કિરણોત્સર્ગી અસરને લીધે દિવ્ય શક્તિઓનો સ્વામી બની ગયો ! પણ સુપરમેનની નબળાઈ એના જ ગ્રહ ક્રિપ્ટનનો લીલો ક્રિપ્ટોનાઇટ પદાર્થ હતો, જેની હાજરીમાં એની તમામ શક્તિ હણાઈ જતી ! એના સુપર વિલન એવા ટાલીયા સાયન્ટીસ્ટ લેક્સ લૂથરને એ બરાબર ખબર હતી ! એને સુપરમેનની એલિયન તરીકે એલર્જી હતી જે એના મહાન અમેરિકામાં બહારથી આવી ચડેલો હોઈને ખતરો લાગતો ને રૂથલેસ લૂથરને દુનિયા કબજે કરવી હતી એના પ્લાનમાં આડખીલી પણ લાગતો. પણ એસ અક્ષર છાતીએ લઇ ફરતો સુપરમેન ઈશ્વરની જેમ રક્ષક હોય ત્યાં સુધી માનવજાતને ટાઢક હતી !

***

અપરંપાર સફળતાને લીધે સુપરમેન થોડા દાયકાઓમાં તો ફેન્ટમ, ટારઝન, મેન્ડ્રેેક સ્પાઇડરમેન, બેટમેન જેવા લોકપ્રિય કોમિક હીરોઝને હટાવીને અમિતાભ બચ્ચન બની ગયો. એનો રેડ બ્લ્યુ કલરને પેપ્સીએ અપનાવી લીધો. એ આજે પણ ચિત્રપટ્ટીનું પાત્ર નહિ બલ્કે એક વિશેષણ છે એની જેમ પાછળ કલોક યાને લબાદો રાખીને ફરવાની કે કપાળે વાંકી લટ રાખવાની ફેશન ચાલી નીકળી. એ કેપ તરીકે ઓળખાતું લૂગડું પણ એ જેમાં વીંટાઈને આવેલો હોઈને શક્તિશાળી હતું. જે એને અનોખી આભા આપતું હતું. સૌથી મોટી વાત એ હતી કે એ કોઈ સાધન વિના એમ જ હવામાં ઉડી શકતો હતો એને વાતાવરણ નડતું નહોતું.

૧૯૭૮માં રિચાર્ડ ડોનરની આજે પણ જગતમાં શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં સ્થાન પામતી 'સુપરમેન' ફિલ્મ આવી અને ક્રિસ્ટોફર રીવે સુપરમેનને એવો જીવંત કર્યો કે હજુ પણ કોઈ અભિનેતા એના પેંગડામાં પગ નથી મૂકી શક્યો. ઘોડેસવારીના અકસ્માત બાદ પેરેલાઈઝડ અવસ્થામાં રિયલ લાઈફમાં પ્રેરણા આપતા સુપરમેન બનેલ ક્રિસ્ટોફર રીવ નીતિશ ભારદ્વાજના કૃષ્ણની જેમ સુપરમેનનો પર્યાય રહ્યો. આજે પણ સુપરમેન શબ્દ સાંભળો તો મનમાં એની જ ઈમેજ આવે. અરે સુપરમેન પર આજે કશું પબ્લિશ થાય એમાં કોમિક્સના ગ્રાફિક્સને બદલે ક્રિસ્ટોફર રીવનો જ ચહેરો હોય ! આર્નોલ્ડ ને સ્ટેલોન જે રોલ ઝંખતા હતા એમાં ૬ ફીટ ૪ ઈંચની ઊંચાઈ ધરાવતો ક્રિસ્ટોફર રીવ રિજેક્ટ થયેલો પાતળી કાયાને લીધે. પણ એની બ્લ્યુ આંખોમાં દેખાતી સાત્વિકતા અને મક્કમતાને લીધે ઓમેન ડિરેક્ટ કરી ચૂકેલા રિચાર્ડ ડોનરે એને પાછો બોલાવી કસરતી કાયા બનાવવાનું કહ્યું. 

એ સુપરમેન ફિલ્મની વાર્તા ગોડફાધરથી છવાઈ ગયેલા મારિયો પુઝોએ ૩૦૦ પાનાની નવલકથા તરીકે લખેલી. જેમાં માર્લોન બ્રાન્ડોએ સુપરમેનના બાપ તરીકે એન્ટ્રી કરેલી. કેટલાય સીન એના ફેમસ થઇ ગયા છે. સ્પેશ્યલ ઈફેક્ટસ જૂની થઇ હોવા છતાં રીવનો મેજિક એવો હતો કે રાતોરાત છોકરીઓને મનના માણીગર સાથે હવામાં ઉડતા કિસ કરવાના સપના આવતા જે ત્યારે અકબંધ રહેતી પણ ૨૦૨૫ની ફિલ્મમાં આપણા સંક્સરીના નામે સડેલા કેન્સર બનેલા સેન્સર બોર્ડે ૩૩ સેકન્ડનું ચુંબન ઉડાવી દીધું ! ખેર, હજુ પણ મમ્મી પપ્પા છએક વર્ષના બાળક તરીકે એ સુપરમેન ફિલ્મ બતાવવા આંગળી પકડીને રાજકોટના હવે ધરાશાયી થયેલા ગેલેક્સી થિયેટરમાં લઇ ગયેલા એ યાદ છે. જીન હેક્મેન એમાં લૂથર હતો ને જનરલ ઝોડ વિલન હતો. બીજો ભાગ પણ જોરદાર હતો. પણ ત્રીજો નબળો હતો. ચોથો કચરો હતો. અને ત્યાં એ ફિલ્મોનું નામું લખાઈ ગયું. દરમિયાન સુપરમેનની કઝીન કારાની સુપરગર્લ ફિલ્મ પણ આવી. પછી સ્મોલવિલ જેવી સિરીયલો બહુ ચાલી. પણ બે દસકા સુધી સુપરહીરોમાં પહેલો બાજોટ જેનો પડે એ સુપરમેની ફિલ્મો ના બની. 

જમાનો બદલાયો, એમ જનરેશન ફાસ્ટ બનતી ગઈ. ધીરે ધીરે સુપરમેનના વળતા પાણી શરૂ થયા. હળવે હળવે એની ચિત્રવાર્તાઓ ઘટતી ચાલી. એ લગભગ બંધ પડી ગયા પછી - ૧૯૮૬માં જોન બેયર નામના લેખકે ડીસી કોમિક્સ માટે જ 'મેન ઓફ સ્ટીલ' તરીકે એનો પુનર્જન્મ કરાવ્યો. જૂના સુપરમેનની વાર્તામાં ઘણાં ફેરફારો સાથે મોડર્ન  સુપરમેન રજૂ થયો. આ સુપરમેન 'ટેસ્ટ ટયુબ બેબી' તરીકે (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) જન્મેલો બતાવાયો હોઈને એ પૃથ્વી પરનો જ માનવી સિદ્ધ કરાયો... ૧૯૯૦માં સ્પેશ્યલ વેડિંગ આલ્બમ બહાર પાડીને એના લગ્ન કરાવ્યા (અફ કોર્સ, એની સ્વીટહાર્ટ લુઈસ બેન સાથે... આ કોમિક્સ છે, જીંદગી નથી કે એમાં પ્રેમ નિષ્ફળ જાય !) નવા ખલનાયકો આવ્યા બેટમેન, રોબિન, ડેરડેવિલ, ઇલેક્ટરા બધા સાથે સુપરમેનની દોસ્તી બતાવાઈ ફ્લેશ ઇત્યાદિ સાથે મળીને 'જસ્ટીસ લીગ ઓફ અમેરિકા' (જે.એલ.એ.)ની સુપરમેને સ્થાપના કરી.

પણ કોમ્પ્યુટર યુગ પારણામાંથી પોકારો કરતો હતો. કોલ્ડવોર (રશિયા સાથેની) પૂરી થઈ ગઈ હતી. અમેરિકા સુપરપાવર બની ગયું હતું. હવે સુપરમેન એટલો મહાન દેખાતો નહોતો અંતે ૧૯૯૨માં 'ડૂમ્સ ડે' નામના વિલન સામે બાથ ભીડતા એને માર્યા પછી પ્રેમિકા લોઈસ લેનની બાહોમાં સુપરમેન મરી પરવાર્યો ! પછીથી 'સુપરબોય' નામે એના ભૂતકાળના પરાક્રમો અને બ્લેક સિલ્વર ડ્રેસમાં 'કાલ એલ' નામે એના બીજા ગ્રહના પરાક્રમો થોડા સમય પ્રગટ થયા. પણ પછી બાળકો માટે વિડિયો ગેઇમ્સના નવા અજીબોગરીબ એબ્સર્ડ સુપરહીરો આવતા ગયા કાર્ટૂન નેટવર્ક, પોકેમોન, નવા સ્વરૂપે ફિલ્મોથી છવાયેલા બેટમેન અને સ્પાઇડરમેન... આમાં સુપરમેને રિટાયર થયા વિના છૂટકો નહોતો ! મેચ્યોર્ડ પબ્લિકને અતિશય પરાક્રમી 'સુપરહીરો' કરતાં 'હ્યુમન હીરો'માં વઘુ રસ પડતો, અને યંગ કિડ્સ માટે સુપરમેન આઉટડેટેડ હતો.

પણ સામ રાઈમીની સ્પાઈડરમેન ફિલ્મો (૨૦૦૨, ૨૦૦૪) બ્લોકબસ્ટર બનતા ટેલેન્ટેડ દિગ્દર્શક બ્રાયન સિંગરે સુપરમેન રિટર્ન્સ ફિલ્મથી એને નવજીવન આપવાનો પ્રયાસ બ્રાન્ડોન રૂથ અને કેવિન સ્પેસીને સુપરમેન તથા લૂથર તરીકે લઈને ૨૦૦૬માં કર્યો. એમાં લાવ સ્ટોરી કાબિલે દાદ હતી. સુપરમેન ધરતી છોડી પરાક્રમોથી બ્રેક લેવા ચાલી જાય છે ને પ્રેમિકા એના સંતાનની માતા બની એની રાહ જોતા બીજા સારા હૃદયના નોર્મલ પુરુષના પ્રેમમાં પડે ત્યારે એ પાછો આવે છે ને સંબંધોની કશ્મકશ સર્જાય છે એમાં એ ઉદાસ રહે છે. લોકોને આ બદલાવ એટલો પસંદ ના પડયો એટલે નિર્માતા વોર્નર બ્રધર્સે બીજો ભાગ ના બનાવ્યો પણ માર્વેલ આયર્નમેન બાદ છવાતું હતું એટલે ૨૦૧૩માં '૩૦૦'ના દિગ્દર્શક ઝેક સ્નાઈડરને લઈને હેનરી કેવિલ સાથે મેન ઓફ સ્ટીલમાં ઓરીજીન સ્ટોરી રિબૂટ કરી. આ વખતે રસેલ ક્રોવ જોર એલ હતો ને કેવિન કોસ્નર ધરતી પરનો બાપ. 

ફિલ્મ નોન સ્ટોપ ધમાકેદાર એક્શન ને કેટલાક હૃદયસ્પર્શી ઈમોશનવાળી હોઈને ચાલી ગઈ. પણ એમાં નોલાનની અસરમાં રેડ બ્લ્યુ યેલોથી પોઝીટિવ ને રિફ્રેશિંગ લાગતા સુપરમેનને ફ્નને બદલે બેટમેન જેવો ડાર્ક ટોન આપીને સ્નાઈડરે પગ પર કૂહાડો મારેલો. જેનો ઘા પબ્લિકને બેટમેન વર્સીસ સુપરમેનની બીજી ફિલ્મમાં ફીલ થયો. જેસી અઈઝ્નબર્ગને લૂથર બનાવતી એ ફિલ્મમાં બેન એફ્લેક બેટમેન હતો પણ વાર્તા સાવ હિન્દી મસાલા ફિલ્મોની મેરે પાસ મા હૈ ટાઈપ હતી. કાળો સુપરમેન જોવો ગમે એની આંખોનો ઈલાજ થવો જોઈએ. નેચરલી ધબડકો થયો ! જસ્ટીસ લીગ પણ ભૂંડેહાલ પછડાઈ. એનો ૪ કલાકનો કટ મોડો આવ્યો ને પછી શઝામ કે બ્લેક એડમના કેમિયો બાદ હેનરી કેવિલ જામતો હોવા છતાં (કાશ, એને જેમ્સ બોન્ડ બનવા મળે !) સુપરમેનના એ અધ્યાયનું સમાપન થઇ ગયું. 

અને માર્વેલમાં ગાર્ડિયન ઓફ ગેલેક્સી બનાવી ચુકેલા જેમ્સ ગનને નવી સુપરમેન ફિલ્મ કોમિક્સના ચાહકોને ધ્યાનમાં લઇ ડોગ ક્રિપ્ટો સાથે ડેવિડ કોરેનસ્વેટ સાથે બનાવી એ ધામધૂમથી રીલિઝ થઇ ચૂકી છે. આઈમેક્સમાં જોયેલી એ ફિલ્મ અને સુપરમેનનું સપનું માનવજાતને કેમ આવ્યા કરે છે એબાબતે પાર્ટ ટુ આવતા રવિવારે સ્પેક્ટ્રોમીટરમાં !

ઝિંગ થિંગ

'તું તારી આંખે મારી દુનિયા જોઇશ અને હું મારી આંખે તારી ! આમ જ  દીકરો બાપ બનશે ને બાપ દીકરામાં જીવશે !' 

(સુપરમેન ફિલ્મનો 

આઇકોનિક ડાયલોગ ) 

Tags :