2025 અને પ્રલયની ધાર્મિક ભવિષ્યવાણીઓ
- દુનિયા કા અંત... તુરંત?
- અનાવૃત-જય વસાવડા
- પાપ - પુણ્યનો ન્યાય તોળી ઈશ્વર એક દહાડે આ નાટક પર પડદો પાડી દેવાનો છે, એવું અંદરખાનેથી પ્રત્યેક ધાર્મિક માણસ હજારો વર્ષોથી માનતો આવ્યો છે
જૂ ની અને જાણીતી બાળબોધકથા છે. ઉલટી પડી ગયેલી એક ટિટોડી (એક જાણીતું પંખી, નવી પેઢીને આ સમજાવવું પડે ! ) એ આસમાન પડતું જોઈને બે પગેથી એને ઝીલવાની કોશિશ કરી. 'બચાવો બચાવો... આકાશ તૂટી પડયું'ની કાગારોળ કરી. અંતે ટિટોડીને બધાએ ચત્તી કરી ત્યારે એને ખબર પડી કે પોતે ઉલટી હતી !
***
મ્યાનમારમાં ભૂકંપ આવ્યો ને પ્રેસિડેન્ટ ટ્રમ્પની કાઉન્ટર ટેરિફને લીધે અમેરિકા ભારત સહિત જગતના અર્થતંત્રમાં ભૂકંપ આવ્યો કે તરત વેસ્ટર્ન મીડિયામાં બાબા યેંગા નામના અંધ મહિલા અને એથી પણ અગાઉ થઈ ગયેલા નોસ્ત્રાદામુ (નોસ્ટ્રાડેમસનો સાચો ફ્રેન્ચ ઉચ્ચાર)ની આગાહીઓ ખોદકામ કરીને સાફસૂફ કરવામાં આવી જેમણે ,૨૦૨૫માં ભીષણ કુદરતી આફતો અને ત્રીજા વિશ્વયુદ્ધ ને એલિયન્સ સાથેના સંપર્ક સુધીની ભવિષ્યવાણીઓ કરેલી. યુધ્ધના ઉત્પાતના બે ત્રણ વર્ષથી દરેક દેશોમાં નેતાગીરીના સંકટને લીધે સળગે છે ને આર્થિક બાબતોનો સંગ્રામ વધુ તેજ બન્યો છે. આપણે ત્યાં ગ્રહોની યુતિને ધ્યાનમાં લઈ અમુક જ્યોતિષીઓએ કાળ ભાખ્યો છે. કોઈ શનિના અદ્રશ્ય થતા વલયોની વાત કરે છે તો કોઈ સૂર્યકલંકની.
જેમની અગાઉ કોઈ આગાહી સચોટ સાચી પડી હોય એ આવું કહે ત્યારે ઘણાને ફફડાટ ને ગભરાટ તો થાય. પણ ટ્રેક રેકોર્ડ એવું કહે છે કે બધાની બધી બાબતે આગાહીઓ કદી સાચી નથી પડતી. ભગવાન ને ઇન્સાનમાં એટલો ફરક રહી જાય છે. એમાં હવે સોશ્યલ મીડિયાના આગાહીકારો આવ્યા છે. દેખીતી રીતે પબ્લિસિટી માટેના પેઇડ પોડકાસ્ટમાં એક પછી એક બધા સાથે દેખાય એ એજન્સીઓનો કમાલ. એમાં એક મનફાવે એમ કાળવાણી કરતા કાકા આવે છે. જે એક પોડકાસ્ટમાં કહેતા હતા કે સુહાના ખાન નહી ચાલે. બીજામાં કહેતા હતા કે જોરદાર સફળ થશે ! સુહાનાના જન્માક્ષર એમણે કોણ આપી ગયું એવું ના પૂછીએ તો પણ પોતે ક્યાં શું બોલ્યા એની નોંધ રાખે તો પણ ફજેતો ન થાય !
હમણાં જાપાનના સુનામીની પણ આગાહીથી થઈ છે જૂન જુલાઈમાં. જાપાનમાં હમણાં તો ગ્લોબલ એક્સ્પો ચાલુ થવાનો છે ને ત્યાં ફાળ પડે એવી આ વાત એમની પાસેથી આવી જેને અગાઉના એક ભૂકંપની આગાહી આબાદ કરેલી. મોટે ભાગે આમાં કેવળ ગ્રહોના ગણિત કરતા થોડી કુદરતી અંત:પ્રેરણા વધુ કામ કરે છે, એવો અનુભવ ખરો. પણ આ બધું વાંચીને ૨૦૧૨ યાદ આવી ગયું જેમાં મેક્સિકોની મય જાતિના ગેબી કેલેન્ડરના આધારે દુનિયાના અંતથી એવી આગાહી થયેલી કે પ્રલય પર ફિલ્મો બનવા લાગી હતી !
એ સમયે 'રેપ્ચરરેડીડોટકોમ' નામની એક અવળચંડી વેબસાઈટ પર અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મંજૂર કરેલી 'વેરિચિપ'ની ઝાટકણી કાઢવામાં આવી હતી. શું છે આ વેરિચિપ ? એક ટચૂકડી માઈક્રોચિપ છે. હોસ્પિટલમાં દર્દીના કપાળે રાખવાથી એનો પૂરેપૂરો મેડિકલ રેકોર્ડ ઝપાટાબંધ કોમ્પ્યુટર પર જાણી શકાય. આમાં રેપ્ચરરેડીડોટકોમને ક્યાં પેટમાં દુખ્યું? ટેકનોલોજી પ્રાઈવસીનો ભંગ કરે એ ના ગમ્યું ?
જી ના. આ વેબસાઈટ કેટલાક 'બોર્ન અગેઈન ક્રિશ્ચિયન'નાં જૂથો દ્વારા ચલાવવામાં આવે છે. એ લોકો એમ માને છે કે 'રેપ્ચર' નામની એક મહાવિનાશક દુર્ઘટના ટૂંક સમયમાં થશે, જેમાં ઈસુ ખ્રિસ્ત પાછા ફરશે અને એમનામાં શ્રઘ્ધા રાખનારા (અર્થાત્ રેપ્ચર નામના ગપગોળાને સાચો માનનારા)ઓને પોતે સીધા સ્વર્ગમાં લઈ જશે. પછી ? સ્વર્ગમાંથી પૃથ્વી પરનો નજારો જોવા માટે ખાસ બાલ્કનીની સ્પેશ્યલી રિઝર્વ્ડ સીટ્સ પર તેઓ બિરાજમાન થશે. અને ત્યાંથી કોઈ દિલધડક ફિલ્મ જોતા હોય એમ પૃથ્વી પર ફાટી નીકળેલાં યુદ્ધો, ભૂકંપો, રોગચાળા, આગ વગેરેથી સર્જાતી તબાહી નિહાળશે !
યે બાત હજમ નહિ હુઈ ? તો આગળ વાંચો. જે લોકો હવે રેપ્ચર (કહો કે પ્રલય)નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોવાનું માને છે, એમણે પોતાનાં સ્વજનો, સગાંવહાલાં માટે ફ્રિજ પર ચિઠ્ઠી ચોટાડી જવાની... જેમાં આવનારા પ્રલયનાં દારૂણ વર્ણનો હોય ! રેપ્ચરની પાછળ ભૂરાંટા થઈ ગયેલા આ ભક્તજનો વળી બાઈબલનો આધાર ટાંકીને કહે છે કે 'માર્ક ઓફ બીસ્ટ' યાને શેતાનનું સંકેતચિહ્ન લોકો કપાળે કે હાથે પહેરે ત્યારે પ્રલય નજીક હશે. (કર્ટસી: બૂક ઓફ રિવેલેશન) માટે 'વેરિચિપ' કોઈ આઘુનિક શોધ નથી, પણ પ્રલયનો પગરવ છે ! જે કોઈ એ ધારણ કરશે એ અનંતકાળ લગી નરકમાં સબડયા કરશે ! યુરોપિયન યુનિયનની એકસાથે મળવાની ઘટના પણ 'એન્ટીક્રાઈસ્ટ' તાકાતોનું પ્રતીક છે !
કાગડા બધે જ કાળા ! સોરી, બાપડા કાગડાઓને શા માટે બદનામ કરવા ? માણસ બધે જ મૂરખ એવું કહીએ તો ? પણ જગતનો કોઈ અંધશ્રદ્ધાળુ પોતાની શ્રદ્ધાને અંધશ્રદ્ધા ક્યાં માને જ છે ? જો ભારતમાં જ 'જાતભાત કે પાખંડ' ખદબદતા હોવાનો વહેમ હોય તો કાઢી નાખજો. પાશ્ચાત્ય સંસ્કૃતિની જીવનશૈલી જરૂર એડવાન્સ્ડ, મોડર્ન અને હાઈફાઈ છે. પણ વિચારોમાં વૈજ્ઞાાનિકતા અને મૌલિકતાનો દુકાળ સાર્વત્રિક છે.
નથી માનતા ? લો એક વધુ સેમ્પલ: ફ્રાન્સના એક રેસિંગ કાર મેગેઝીનનો પત્રકાર. નામ એનું ક્લોડ શેરિહોન. ૧૯૭૩માં એણે દાવો કર્યો કે એક 'ઉડતી રકાબી'એ (યુ.એફ.ઓ. યાને અનઆઈડેન્ટીફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ્સ) એને ઝડપી લીધો ! લીલા રંગના એક એલિયન (પરગ્રહવાસી)એ છ દિવસ સુધી (ઉડતી રકાબીમાં સ્તો) ક્લોડભાઈ સાથે ગપ્પાં માર્યાં (લિટરલી !). એલિયનદાદા બોલ્યા કે ''તારું સાચું નામ રાઉલ છે. પૃથ્વીની પ્રજાએ બાઈબલનું ખોટું અર્થઘટન કર્યું છે. હિબૂ્ર ભાષાના શબ્દ 'એલોહિમ્'નો અર્થ 'ઈશ્વર' નહિ પણ 'આકાશમાંથી ઉતરેલા' એવો થાય છે.'' એલિયનસાહેબે રાઉલજીને આગળ ફરમાવ્યંુ કે આ સચરાચરની સૃષ્ટિ, આ સઘળી દુનિયા એમના ગ્રહવાસીઓનુ સર્જન છે !
એક અદ્યતન સ્પેસ લેબોરેટરીમાં એની રચના થઈ છે. હવે એલિયન્સ એમના આ વ્હાલા વિશ્વને કેટલીક આઘુનિક ટેકનોલોજી આપવા થનગન થનગન થઈ રહ્યા છે. જે મળ્યા પછી પૃથ્વીની તો સિકલ ફરી જવાની છે. બસ, આ માટે પવિત્ર શહેર ગણાતા જેરુસાલેમ (ઈઝરાયેલ)માં એક 'એમ્બેસી ઓફ એલિયન્સ' (પરગ્રહવાસીઓનો રાજદૂતાવાસ) ખોલવો. આ માટે યથાશક્તિ ફંડફાળો ઉઘરાવવો. આવી એમ્બેસી નહિ ખૂલે, ત્યાં સુધી એલિયન્સ એન્ડ કંપની પાછા ધરતી પર નહિ આવે !
અલબત્ત, ઈઝરાયેલની સરકારે આવા ફેલફિતુરને કાને ધર્યા નથી. પણ સેક્યુલર ધર્મ નામે 'રાઓલિયન' સ્થાપીને રાઉલજીએ ધનના ઢગલા વચ્ચે બેઠા બેઠા પ્રલયનાં પગલાં સાંભળવાની શરૂઆત કરી દીધેલી !
'આ કિસ્સા વર્ષો અગાઉના એટલે વિગતે ટાંક્યા કે પછી દાયકાઓ સુધી આવું કશું જ થયું નથી ! વાયટુકે' પ્રોબ્લેમ પછી છેલ્લે 'નાઈનઈલેવન'ની વર્લ્ડ ટ્રેડ સેન્ટરવાળી ઘટના પછી પ્રલયના વર્તારા ભાખતી બજારમાં ભડકે બળતી તેજી આવેલી. પછી સુનામીના સપાટા અને માયન કેલેન્ડરના ગપાટા બાદ એનો ઇન્ડેક્સ ઊંચો ગયો. પછી કોવિડનો વારો આવ્યો. ત્યારે ચૂપ થઈને બધું નોર્મલ થઈ ગયા બાદ પૃથ્વીલોકના પ્રલયપારખુઓ માતેલા સાંઢની જેમ ધડબડાટી મચાવી રહ્યા છે.
બસ, દુનિયાનો અંત હાથવેંતમાં છે. 'પાપ તારું પ્રકાશશે...ધરમ તારો સંભાળ રે...' ગાતી સતી તોરલની જેમ 'ભજગોવિંદમ્ મૂઢમતે'ના પોકારોથી લોકોને તનમન અને ખાસ તો ધનથી વૈરાગી બનાવવા માટે એક આખી 'ડૂમ્સ ડે' પ્રલય દિન) ઈન્ડસ્ટ્રી સક્રિય છે. અત્યારે તો રાઓલો અને રેપ્ચરોની કાલીઘેલી વાતો છોડો, તો પણ વત્તે ઓછે અંશે દરેક ધર્મમાં સૃષ્ટિના પૂર્ર્ણવિરામ સમા પ્રલયનો ઉલ્લેખ છે જ ! જે દરેક કુદરતી કે અકુદરતી આફત પછી ઢૂકડો (ઓ ડોન્ટ ગેટ ઈટ ? નજીક) આવી રહ્યો હોવાની રીડિયારમણ થતી રહે છે.
ખ્રિસ્તી ધર્મે તો એના આરંભની સાથે જ દુનિયાનો સર્વનાશ થવાનો છે - એવી માન્યતામાં ભરપૂર શ્રદ્ધા રાખી છે. જીસસે શિષ્યોને કહેલ પ્રાર્થનામાં પણ પ્રભુને પ્રકોપથી બચાવવાની વિનંતી છે. ઈ.સ. ૧૫૬માં મોન્ટેનસ નામના એક આદમીએ પોતાને જીસસનો પુનરાવતાર (રિકાર્નિએશન) ગણાવી સ્વર્ગમાંથી નવું જેરૂસાલેમ ઉતરે, તેનું સ્વાગત કરવાની હાકલો કરી હતી. આ નવું સ્વર્ગ ક્યાં સ્થપાવાનું હતું, ભલા ? અમેરિકા - આફ્રિકામાં નહિ... મોન્ટેનસના વતન ફ્રિજીયામાં !
એ અગાઉ પણ ઘણા એશિયન, રોમન કે આફ્રિકન પ્રલયવાદીઓ (એપોક્લેપ્ટિક્સ) જાતને ચાબુક મારી પોતાનાં પાપ ધોવાની ક્રિયાવિધિ કરતા. હજારેક વર્ષ પહેલાં જર્મનીમાં એક ભેદી પંથ સ્થપાયેલો, જેમાં પ્રલયની બીકે જાત પર દમન કરી કષ્ટ આપવાનું રહેતું. ૧૯મી સદીમાં આવો જ નુસખો વિલિયમ મિલર નામના અમેરિકને પોતાનો સંપ્રદાય શરૂ કરીને અજમાવ્યો હતો. એ જ વખતે બ્રિટનના એક ધર્મોપદેશક જાહોન નેલ્સન ડર્બીએ સંત પોલના પત્રનો હવાલો આપી વાદળમાં મૃતાત્માઓ અને શ્રદ્ધાળુઓ સાથે બેસી પ્રલયતમાશો જોશે (રેપ્ચરના આઈડિયાનું મૂળ)... એવું સિઘ્ધ કરીને પ્રસિઘ્ધ બનવાની સફળ કોશિશ કરી હતી. એ પછી તો પ્રલયની જ થીમ પર રચાયેલી 'લેફ્ટ બિહાઈન્ડ' સીરિઝની નવલકથાઓ એ વખતે ૪ કરોડની સંખ્યામાં વેંચાઈ ગઈ હતી ! ૨૨મી ઓક્ટોબર, ૧૮૪૪ના રોજ પેલા મિલરભાઈનાં ચેલા-ચેલીઓ તો પ્રભુ ઈસુ પ્રગટ થવાની રાહ જોતાં હતાં. પણ ત્યાર પહેલા હિટલર પ્રગટ થઈ ગયેલો !
આવું કંઈ ન થાય એટલે પ્રલયનો લય ખોરવાઈ જાય ? જી ના! એમાંથી પણ ઘણા પોતાની ભાખરી શેકી લેવાનો ચૂલો બનાવી કાઢે ! હિરામ એડસન નામના એક ખેડૂતે અગાઉ પ્રલયની આગાહી વખતે પ્રલય ન થતાં એવું ગતકડું જોડી કાઢેલું કે એ વખતે ઉપર સ્વર્ગમાં મોટી ઘટના બનેલી, અને પ્રભુ મૃતાત્માઓની ખાસ યાદી બનાવી એની 'ઈન્વેસ્ટિગેટિવ ઈન્કવાયરી' કરતા હતા ! 'વોચટાવર' નામની એક પ્રલયવાદી સંસ્થાએ તો ૧૮૭૪થી ૧૯૭૫ના ૧૦૦ વર્ષમાં ૯ વખત પ્રલયની ચેતવણી આપી હતી ! 'બોર્ન અગેઈન ટેક્સન' નામની ધાર્મિક સંસ્થાએ વળી અખાતી દેશોમાં અમેરિકાના આક્રમણને 'આર્માગેડન'ની તૈયારી બતાવી હતી !
આર્માગેડન ? એ વળી શું ? જે બુ્રસ વિલિસની ફિલ્મનું ટાઇટલ હતો એવો આ શબ્દ પશ્ચિમમાં ખાસ્સો પ્રચલિત છે. ગેલીલી સરોવરની દક્ષિણે એક પ્રચંડ મહાયુઘ્ધ થવાનું છે, એવું ઘણા શ્રદ્ધાળુઓ માને છે. જે 'આર્માગેડન' હશે - જેમાં દુનિયા 'દટ્ટણ સો પટ્ટણ' (ગોરખ - મચ્છંદરની કથામાં બાવાજીનું ખપ્પર ઉલટું થતાં શહેર ભૂગર્ભમાં સમાઈ ગયું, એવી વાયકા છે) થઈ જશે ! મૂળ તો ખ્રિસ્તી પરંપરા અનુસાર દુનિયા એકદમ પરફેક્ટ હતી. પછી એમાં નૈતિકતાના અધ:પતનને લીધે બગાડ થયો છે. હવ ક્રાઈસ્ટના પુનરાગમન બાદ ગુડ વર્સીસ ઈવિલનો યાને શ્રદ્ધાળુઓ અને અરાજક્તાવાદીઓનો ભીષણ મહાસંગ્રામ થશે, જે પછી ૧૦૦૦ વર્ષ સુધી પૃથ્વી પર સુજલામ્ સુફલામ્ જેવું 'કિંગડમ ઓફ ગોડ' (ઈશ્વરનું રાજ્ય) રચાશે. ખ્રિસ્તી ધર્મમાં 'ટર્મિનેટર' ફિલ્મથી દુનિયામાં જાણીતો બનેલો 'જજમેન્ટ ડે' શબ્દ મહત્ત્વ પૂર્ણ છે. આ મત અનુસાર મહાપ્રલય તો અનિવાર્ય છે. માનવજાતના ભાવિનો ફેંસલો (જજમેન્ટ) પછી ઈશ્વર કરશે. સારાં અને ખરાબ કર્મો મુજબ દરેક જીવતા - મૃત આત્માઓને ન્યાય મળશે. આવી જ કંઈક વાત ઈસ્લામમાં પણ છે. ખુદા 'કયામત'ના દિવસે વિશ્વવિનાશકારી પ્રલય બાદ દરેક રૂહની જન્નત અને જહ-ન્નમના કાયમી સરનામા નક્કી કરશે. આજે પણ 'કયામત' શબ્દ 'પ્રલયકારી'ના અર્થમાં જ વપરાય છે.
દુનિયાના ધાર્મિક પ્રલયવાદીઓની વાતમાં ગ્લોબલ મીડિયા પર પશ્ચિમનો પ્રભાવ વઘુ હોઈને ખ્રિસ્તી સંપ્રદાયોની વાત વઘુ આવે. પણ વત્તાઓછા અંશે ધર્મમાત્રના ક્લાઈમેક્સમાં વિસર્જન, સંહાર કે પ્રલયની વાતો છે જ. ગુજરાતમાં ખૂબ જાણીતા પારસીઓના જરથોસ્તી ધર્મ વિશે બધા બહુ ઓછું જાણે છે. પારસીઓ ભારતને લૂંટવા આવેલા એવો બફાટ કરીને માફી માંગતા આગેવાનોએ ખરેખર પસ્તાવો થાય તો વાચન વધારવું જોઈએ આપણે મહાન હતા વાળા પોપટપાઠ સિવાયનું. ઇરાન યાને પર્શિયાથી એ રેફ્યુજી તરીકે શરણ લેવા પહોંચેલા ગુજરાત.
તો કહેવાય છે કે ઈસવીસન પૂર્વે ૧૫૦૦થી ૧૨૦૦ દરમિયાન થઈ ગયેલા અશો જરથુષ્ટ્રના ઉપદેશ મુજબ 'અહૂર મઝદ' (ધોરણસર ચાલનાર દુનિયાના રખેવાળ) અને 'આંગ્રા મેન્યુ' (નિયમોની તોડફોડ કરનાર) વચ્ચેના ગજગ્રાહમાં અંતે પવિત્રતા જીતીને દુનિયા કાયમ માટે 'એકદમ ઝક્કાસ' બનાવી દેશે એવી કલ્પના છે.
જો કે, ઈજીપ્શ્યન્સની માન્યતા ઘણા અંશે ભારતીય સંપ્રદાયોને મળતી આવે છે. બ્રહ્માકુમારીઝ જેવા ઘણા ધાર્મિક પંથો મિસરવાસીઓની માફક માને છે કે દુનિયા એક 'સાયકલ' (ચક્ર) મુજબ ચાલે છે. 'પુનરપિ જન્મમ્, પુનરપિ મરણમ્'ની માફક સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગનુંમ્ક્ર અનંતકાળ સુધી ચાલ્યા કરશે. દરેક વખતે છેલ્લે પ્રલય થશે. ફરી નવસર્જન થશે અને એ જ ઘટમાળ ચાલુ રહેશે. એમાં નેચરલી, જે લોકો લાગતાવળગતા ગુરુ કે પંથને વળગી રહેશે, એમનો ચમત્કારિક બચાવ થશે ! એ જ પછી નવી ધાર્મિક આચારસંહિતાથી સુરક્ષિત દેવતાઈ દુનિયા બનાવશે ! એમાં વળી ખુદને સર્વોપરી ગણનારા તો પોતાનું સ્વર્ગ પણ એક્ઝિક્યુટિવ ક્લાસનું અલાયદું સમજે છે !
સનાતન હિન્દુ ધર્મના પૌરાણિક અવતારવાદમાં તો બાઈબલના નોઆહઝ આર્ક જેવી જ મત્સ્યાવતારની વાર્તા છે. જેમાં માછલાનું રૂપ ધારણ કરી વિષ્ણુ ભયાનક જળપ્રલય વચ્ચે વૈવસ્વત મનુ (સત્યવ્રત), સાત ઋષિઓ, કેટલાક પશુ-પંખી, વનસ્પતિને બચાવી પૃથ્વીનું નવ નિર્માણ કરે છે. વરાહ અવતારમાં પણ હિરણ્યાક્ષ સાથે લડીને પાણીમાં ગરક ધરતીને બહાર કાઢવામાં આવે છે. છેલ્લે રાહ જોવાઈ રહી છે 'કલ્કિ'ની ! જે અંતિમ યુદ્ધ (આર્માગેડન ?) લડીને ફરી સત્યની સ્થાપના કરશે ! જો કે, આજકાલ સિત્તેર - એંશી જેટલા કલ્કિ અવતારો ભારતમાં ભમી રહ્યા છે, એ વળી અલગ વાત થઈ ગઈ ! આટલા બધા કલ્કિઓ ઓલરેડી જન્મ્યા છતાં 'ધર્મની પુન: સ્થાપના' ભરતખંડે આર્યાવર્ત દેશે દેખાતી નથી. હવે તો સૃષ્ટિનો ગંજીપો સંકેલી લેનાર શિવ ત્રીજું નેત્ર ખોલીને ક્યારે સંસાર ભસ્મ કરી દે, તેની જ રાહ જોવાની રહી !
ધર્મ માત્રની બુનિયાદ કંઈ ફક્ત પ્રેમ, દયા ક્ષમા, ઉદારતા પર ઉભી નથી. એના વિસ્તારનો મુખ્ય પાયો છે ભય, ખૌફ. જો અચળ, અવિનાશી અને અકળ એવું મૃત્યુ ન હોત... તો ભગવાનને ભજનારાઓમાં નેવું ટકાનો જંગી ઘટાડો થઈ ગયો હોત ! ધાર્મિક સદ્ગુણો અનુયાયીઓ, ભક્તજનો માટે છે - બાકી પાપ - પુણ્યનો ન્યાય તોળી ઈશ્વર એક દહાડે આ નાટક પર પડદો પાડી દેવાનો છે, એવું અંદરખાનેથી પ્રત્યેક ધાર્મિક માણસ હજારો વર્ષોથી માનતો આવ્યો છે.
એ વખતે પડદો પડી ગયા પછી બેકસ્ટેજમાં પાંઉભાજી ખાવામા પોતાનો નંબર પહેલો આવે એ માટેની પ્રાર્થનાઓ સદીઓથી ચાલતી રહી છે. કોઈ પણ ભયંકર ઘટના બને કે પ્રલયની એપોઈન્ટમેન્ટ સળવળે છે. આજકાલ તો મંદી, મોંઘવારી, ત્રાસવાદ, હિંસા, હત્યા, બળાત્કાર, સ્વાર્થ, જૂઠ , દગો, વિભાજન વગેરેનો રાફડો ફાટયો છે... એવું માનનારાઓ માટે પ્રલય આકાશમાંથી ઝળુંબી રહ્યો છે ?
મોટે ભાગે આવું માનનારાઓ કદી ઈતિહાસ વાંચતા નથી. દુનિયા કેવાં કેવાં ભયાનક યુદ્ધો, રોગચાળા કે આફતોમાંથી પસાર થઈ છે, એ જાણતા નથી. આ બઘું થયા પછી પણ આપણે આ મોજૂદ છીએ. અને આપણે જીવતા હોઈએ એ જ જગતનો શ્રેષ્ઠ યુગ હોય છે ! બાકી તો ઈડનના ગાર્ડન (સ્વર્ગીય બાગ)માં આદમ અને ઈવે સાપ (શેતાન)થી મતિભ્રષ્ટ થઈ જ્ઞાાનવૃક્ષનું ફળ ખાઘું, ત્યારથી પ્રલયની વાત ચાલે છે. માણસની આ એક ફેન્ટેસી છે.
શુઘ્ધ પ્રકૃતિ (ઈડન ગાર્ડન), નૈતિક મૂલ્યોનું અધ:પતન (આદમ-ઈવનું આકર્ષણ), શેતાની પ્રલોભન (ભૌતિકવાદ)... આ વચ્ચેનો સંઘર્ષ નિરંતર ચાલ્યો રહે છે. વ્યક્તિત્વવિકાસ માટે આ ધાર્મિક આચારસંહિતા મદદરૂપ થાય ત્યાં સુધી ઠીક છે, પણ વ્યક્તિ જો આત્મવિશ્વાસ જ ગુમાવી દે તો પ્રલયની રાહ જોતો રહેશે ! એમ તો જન્મની સાથે જ મૃત્યુ નિશ્ચિત છે (જાતસ્ય હિ ધુ્રવો મૃત્યુ)... એટલે આપણે રોજ મોતની રાહ જોતા પગ વાળીને બેસીએ છીએ ?
નાસા એક લઘુગ્રહને ટ્રેક કરી રહી છે એમ તો એની પણ ભટકાવાની કે ભટકવાની સંભાવના છે. સ્ટીફન હોકિંગ જેવા સાયન્ટિસ્ટે પર્યાવરણ બાબતની બેદરકારીને પ્રદૂષણને લીધે માનવજાત ૨૨મી સદીમાં નહીં જાય એવું ભાખેલું. પોઇન્ટ. જાતે આપણી ઘોર ખોદવાનું બંધ કરીએ. પ્રલયનાં ગમે તેવાં ગણિત મંડાય, એક મનોવૈજ્ઞાાનિક ફાયદો છે. આપણી એક્ઝિટ થઈ જાય અને જગત જલસા કરે તો અફસોસ થાય. આપણી સાથે જગત જ જતું રહે એ તો કેવું મજાનું મોત ! આપણા પછી જીવીને મોજ કરનારાઓની ઈર્ષા જ નહિ ! પૂર્ણમાંથી આવ્યું એ પૂર્ણમાં ભળ્યું ! બાકીનું સરવૈયું : શૂન્ય !
પ્રલય કરતા સૃષ્ટિનો લય સમજો. આ જગત આપણે બનાવેલું નથી, આપણું નથી. આપણે એમ મુસાફરની જેમ વિસામો લેવા છીએ. આપણી પહેલા પણ બધું હતું, આપણા પછી પણ હશે. જે જીવી ગયા, અનુભવી ગયા, જાણી ને માણી ગયા એ આપણું ! એ મૃત્યુ નહિ છીનવી શકે !
ઝિંગ થિંગ
'મને આ દુનિયાના દુ:ખો, ગુના ને વિકૃતિ જોઈને ઈશ્વર પર તો ભરોસો ક્યારનો ઊઠી ગયો છે. પણ હું સ્વર્ગમાં માનું છું. કારણ કે નરક તો આ પૃથ્વી પર જીવવામાં ભોગવી લીધું છે !' ( એરોન પોવેલ )