For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પરીક્ષાઓનો સમય બદલાવવાની કસોટીમાં આપણે ફેઈલ છીએ!

Updated: Mar 14th, 2023

Article Content Image

- અનાવૃત-જય વસાવડા

- કેટલા પરીક્ષા કેન્દ્રો એરકન્ડીશન્ડ છે? મોટે ભાગે પોપડા ઉખડી ગયેલી દીવાલો વચ્ચે લાકડાની ખપાટિયા જેવી બેન્ચ પર કેદીઓની જેમ બેસવાનું હોય છે. પંખો જોરથી ફેરવો તો પાના ઉડી જાય. ઘચડ ઘચડ અવાજ આવે તે છોગામાં!

અં ગ્રેજ ચલે ગયે મગર અંગ્રેજી છોડ ગયે ! આ તો સારું થયું  કારણ કે અંગ્રેજી તો આજે જ્ઞાાનભાષા છે. એ શીખવી તો જરૃરી છે જગતને જાણવામાણવા. પણ અંગ્રેજી રીતરસમ અમુક એવી છે કે આબોહવાને અનુકૂળ ન હોય તો પણ ચાલ્યા કરે. જેમ કે આ ગરમ દેશમાં ઉનાળામાં પણ પહેરાતી ટાઈ! સૂટ બુટ વિના એન્ટ્રી ના આપતી ક્લબો. કાયદાની ઊંચી અદાલતોમાં માત્ર અંગ્રેજી રીતરસમનો દબદબો અને કાળો કોટ. કોર્નફ્લેક્સ ને બ્રેડનો બ્રેેકફાસ્ટ. વર્ષો પહેલાં પ્રથમ વાર આ બાબતે લખ્યા બાદ  હવે માંડ ઓછી થઈ એ કબરમાં કયામત / જજમેન્ટ ડે સુધી પોઢનારા માટેનો શબ્દ આર આઈ પી અગ્નિસંસ્કાર કરનારા માટે પણ વપરાતો એ નાદાની. ભગવાન કૃષ્ણનું લોર્ડ ક્રિષ્ના કરવાની ભાષાભૂલ. અંગ્રેજો પાસેથી સતત પરિવર્તનનું વૈજ્ઞાાનિક ઈનોવેશન ના અપનાવ્યું પણ એકઝામિનેશન નેશન આપણે બનાવી કાઢયું! 

સૂર્યમાળાના ગ્રહો જેમ સૂર્યની પ્રદશિણા કરે છે, એમ આપણી શિક્ષણપદ્ધતિ પરીક્ષાની આસપાસ ફેરફૂદરડી ફરે છે. રેડીમેઈડ જવાબોના શબ્દે શબ્દ ગોખવાના, અને પછી એ ગોખણપટ્ટીને ત્રણ કલાકમાં સજાવી ધજાવીને લખવાની! મૌલિકતા કરતા 'મેમરી'નું મહત્વ મુઠ્ઠી ઉંચેરૃ કરતી આ પરીક્ષાઓની મોસમ ખીલી છે. વિદ્યાર્થીઓ, વિદ્યાગુરૃઓ અને વાલીઓ ભારત જતી પરદેશી ટીમની જેમ જરા નર્વસ થઈ જાય છે. કોઈ પણ ભારતીય/ ગુજરાતી નાગરિકનું ભવિષ્ય ઘડવામાં નિર્ણાયક એવી પરીક્ષાઓ આવી રહી છે. લશ્કરની જેમ ટીનએજર્સનું ટોળું પરીક્ષાના કેન્દ્રો તરફ 'ક્વિક માર્ચ' કરતું નજરે ચડશે. બસોમાં, રિક્ષાઓમાં, સાયકલ, સ્કૂટી, બાઈક પર અને પગે ચાલીને!

પણ કયારે? મોટે ભાગે મેઇનસ્ટ્રીમ એકઝામિનેશન્સનો ગાળો ત્રણ કલાકનો હોય છે. અને સમય હોય છે, ૧૧ થી ૨! હવે એક સાથે એક દિવસમાં બે પેપર લેવાતા નથી. રોજનું એક પેપર જ હોય છે, અને એમ જ હોવું જોઈએ. કયારેક વળી પેપરનો સમય હોય છેઃ બપોરે ૩ થી ૬. આ સમયપત્રક ભારતભરની તમામ મોટી પરીક્ષાઓનું હોય છે. પરીક્ષા એટલે જ ૧૧ થી ૨નું પેપર એ ગણિત સમાજે ગોખી નાખ્યું છે.

પણ શા માટે ૧૧ થી ૨? પણ આ '૧૧ થી ૨' ના સમય પાછળ કયો તર્ક (કે 'કુતર્ક'!) કામ કરે છે?

જવાબ એટલો સરળ છે કે માન્યામાં નહીં આવે. જવાબ છેઃ 'આગે સે ચલી આતી હૈ'! ભારત તો ભાઈ, પરંપરાઓનો દેશ છે. દાદાજી દીવો કરતા એટલે બાપુજી કરતા, બાપુજી કરે એટલે બેટાજી કરે છે. યે તો હમારી ખાનદાની રસમ હૈ. અંગ્રેજો ગયા પછી અંગ્રેજી ભાષા સામે સાવ કારણવગરનો ગોકીરો થાય છે. અવાજ અંગ્રેેજ શાસનની એવી અસરો સામે ઉઠવો જોઈએ- જે ભારત માટે બિનજરૃરી જ નહીં. અગવડદાયક પણ હોય! જરા યાદ કરો, આજના દસમા- બારમા- ટી.વાય.કે ફાઈનલ સેમેસ્ટરના સ્ટુડન્સના મમ્મી-પપ્પાઓ જયારે પરીક્ષા આપતા ત્યારે પણ એનો સમય ૧૧ થી ૨ જ રહ્યો હતો. એમના મમ્મી-પપ્પાઓએ જયારે મેટ્રિકની પરીક્ષાઓ આપી હશે, ત્યારે પણ એનો સમય ૧૧ થી ૨ જ રહ્યો હશે. પૂછી લો દાદાજી (અને એ વખતે ભણવા દેવાયા હોય તો) દાદીજીને. ગાંધીજી કે સરદાર પટેલ કે સુભાષચદ્ર બોઝ પણ પેપર દેવા જતા હોય ત્યારે પણ સમય રહ્યો હશેઃ અગિયાર થી બે ?

બસ, ભારતવર્ષની તમામે તમામ જનતાને પેઢીઓથી જડબેસલાક ઠસાવી દેવાયું છે કે પરીક્ષાઓ તો ૧૧ થી ૨ જ લેવાની હોય! હવે તો ઘણાખરાને એ એટલું માફક પણ આવી ગયું હશે કે આ સમયના ફેરફારનો પણ વિરોધ થઈ શકે! આપણે ત્યાં મૂર્ધન્ય મહાનેતાઓ જયાં બિરાજતા એવી સંસદમાં માત્ર બ્રિટિશ પાર્લામેન્ટને ફાયદો (અને ભારતીય મિડિયાને નુકસાન) કરાવે એવો બજેટનો સાંજે ૫ વાગ્યાનો સમય દાયકાઓ સુધી એમ જ કોપી પેસ્ટ ચાલ્યો હતો. કારણ કે બ્રિટીશ સમય આપણાથી પાછળ હોઈને એને ફાયદો થાય ! એમાં તો દિવાળી નું ચોપડા પૂજન ૩૧ માર્ચ થઈ ગયું ! આ તદ્ન હાસ્યાસ્પદ અને આઝાદી પછીની ગુલામી પ્રદર્શિત કરતી પ્રથામાંથી માંડ દેશનો છૂટકારો થયો. હવે તો બજેટ સવારે અને અંગ્રેજી રસમ મુજબ ચામડાની બેગને બદલે લાલ. કપડાંમાં વીંટી રજૂ થાય છે  ૧૧ થી ૨ની પરીક્ષાઓનું પણ આવું જ છે.

અંગ્રેજોએ જ ભારતમાં શિક્ષણનું તંત્ર ગોઠવ્યું. ધોરણો અને ડિગ્રીઓ નક્કી કર્યા. શાળાઓ અને કોલેજોને માન્યતાઓ આપી. આ બઘું કંઈ સાવ નકામું હતું એવું નથી. દેશવ્યાપી ધોરણે એક સળંગસૂત્ર શૈક્ષણિક નેટવર્કની સ્થાપનાનું કામ ખરેખર પ્રશંસનીય હતું. પણ બહારથી આવેલા વહીવટદારો સ્થાનિક વાતાવરણની લાક્ષણિકતાઓ કેટલી હદે સમજી શકે?

એવું થયું હોવું જોઈએ કે... યુરોપ- અમેરિકામાં માર્ચ- એપ્રિલનો સમય 'સમર સીઝન' છે. શિયાળો ત્યાં ક્રૂર ઋતુ ગણાય છે, આપણા ચોમાસાની જેમ ત્યાં શિયાળામાં હિમવર્ષાને લીધે 'જનજીવન ઠપ્પ' થઈ જાય છે. ઉનાળામાં સૂરજ તપે એટલે બરફ ઓગળે. વાસંતી વાયરાઓ વાતાવરણને ખુશનુમા બનાવે. વહેલી સવારે ઠંડી હોય પણ દિવસ ચડયે હૂંફાળુ વાતાવરણ બને. પશ્ચિમ ગોળાર્ધના દેશોમાં કયાંય પણ પ્રવાસ કરવો હોય તો સમર ઈઝ ધ બેસ્ટ સીઝન. માટે ત્યાં ઊનાળાના આરંભે પરીક્ષાઓ હોય અને પછી સમર વેકેશન, સમર કેમ્પ. આપણે ત્યાં ખરેખર તમામ તહેવારો અને ફરવાની રંગત શિયાળામાં હોઈને શૈક્ષણિક વર્ષ એ મુજબ પુરૃં થવું જોઈએ.

એની વે, ૧૧ થી ૨નો સમય અંગ્રેજોએ પોતાના વતનની અનુકૂળતા મુજબ ગોઠવ્યો. વળી અંગ્રેજી સ્ટાઈલની ઓફિસોના 'વર્કિંગ અવર્સ' (કામના કલાકો)માં આ '૧૧ થી ૨'નું એક પેપર, પછી 'લંચબ્રેક' અને પછી '૩ થી ૬'નું બીજું પેપર આ સીસ્ટમ એકદમ હિટ હતી. ૧૧ થી ૫ના ઓફિસ અવર્સ મુજબ જ પરીક્ષાઓ યાંત્રિક ધોરણે લેવાઈ જાય!

પણ આજે ભલે ટેવાઈ ગયા હોઈએ, આ ઉનાળાની ઋતુમાં ૧૧ થી ૨ની પરીક્ષાઓ તદ્દન અવૈજ્ઞાાનિક અને અન્યાયી છે. કેવી રીતે? લેટસ ચેક.

ભારત એક ઘૂળિયો દેશ છે. વિષુવવૃત્તની નજીક કોઈને ગરમ પ્રદેશ છે. અહીં ઉનાળો કંઈ આનંદની નહિ, પણ ત્રાસની ઋતુ છે. ધગધગતો સૂરજ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારાવી દે છે. આપણે પાછી શિક્ષણપદ્ધતિ એવી ગોઠવી છે કે પરીક્ષાના દિવસો વિદ્યાર્થી માટે અતિ અતિ અગત્યના બની રહે. અક્ષયકુમાર સ્ટાઈલમાં કહીએ તો 'ઉન બેચારો કો સિર્ફ એક ટેક મિલતા હૈ, માલૂમ, એક ટેક!' જી હા, પરીક્ષાઓમાં રિટેકના ચાન્સ નથી. તમારે ફરજીયાતપણે પરીક્ષાના ટાઈમટેબલમાં ગોઠવાઈ જવાનું છે. તમને એ દિવસોમાં માંદા પડવાનો હક નથી. મમ્મી રમવાની પણ ના કહે છે, 'રખે ને પરીક્ષાટાણે લપસી જવાય'... પપ્પા જાતે ઉઠીને દૂધનો ગ્લાસ ભરી દે છે 'વખતે પરીક્ષા ટાણે તબિયત જોખમાય'.... પણ આ લાડલીઓ કે લાટસાહેબો બાપડા પરીક્ષાખંડમાં ધોમધખતી ગરમીમાં હેરાન થાય છે, એનું શું? કેટલા પરીક્ષા કેન્દ્રો એરકન્ડીશન્ડ છે? મોટે ભાગે પોપડા ઉખડી ગયેલી દીવાલો વચ્ચે લાકડાની ખપાટિયા જેવી બેન્ચ પર કેદીઓની જેમ બેસવાનું હોય છે. પંખો જોરથી ફેરવો તો પાના ઉડી જાય. ઘચડ ઘચડ અવાજ આવે તે છોગામાં!

વિદ્યાર્થી તો માત્ર પરીક્ષા ઉપર જ ઘ્યાન લગાવીને બેઠો હોય, એટલે એનું ચિત્ત પ્રશ્નપત્રમાં હોય, ગરમીમાં નહિ. પણ એનો અર્થ એવો કે એને પરીક્ષાટાણે પરેશાન કરવો? ભારતમાં ઉનાળામાં જરા મુંબઈની લોકલ ટ્રેનમાં કે ગુજરાત એસ.ટી.ની બસમાં બેસો. બપોરે તો બધા ઝોકા ખાતા હશે. અમુક સરકારી કચેરીઓમાં તો તક જોઈને ઘણા પોતાની જાતને જ 'જાદૂ કી ઝપ્પી' દેતા હશે. મતલબ વામકૂક્ષી કરતા હશે. વળી વિદ્યાર્થીઓ કયાંય નોકરી કરતા હોતા નથી. ઘરમાં કે હોસ્ટેલ/ મેસમાં ભોજનનો સમય અગિયાર-બાર આસપાસ હોય છે. બહુ બહુ તો એક વાગ્યાનો. વર્ષોથી રહેલી આદત કંઈ અઠવાડિયામાં જાય નહિ, પરીક્ષાખંડમાં જેમ જેમ સૂરજ તપે એમ એની સુસ્તીતો વધવાની જ. જમવા કે ચા-પાણીની તલબ પણ લાગવાની. એ અવગણો તો 'બોડી કલોક' ડિસ્ટર્બ થાય, એટલે તંદુરસ્તી પાછળથી જરા જોખમાય. વળી પસીનો વળે. એની અકળામણ થાય. એકદમ જીનિયસ ન હો, તો આ કંટાળા કે ગરમીની અસર ઉત્તરવહીમાં દેખાય.

જરા વિચારો, એમાં જો ગાયબ થતી વીજળી વેઠવાની આવે, તો બફારા વચ્ચે પ્રેશર કૂકરમાં બફાતા બટેટાની જેમ બેસવું પડે એ હાલાકી! વારંવાર તરસ લાગે એટલે લખવાની 'લિન્ક' તૂટે. સમય પણ બગડે. સરકાર કંઈ બધે જનરેટર રાખતી નથી. ખસની ટાટ પણ કયાંય પરીક્ષાખંડમાં ભાળી છે?. ઊનાળાની બપોરે તાજગી જાળવવી, એ પણ એક પરીક્ષા છે!

માટે ઘણા વિદ્યાર્થીઓએ ખબર પણ ન પડે એવી રીતે એના ગુણ પરીક્ષાનો સમય જ કાપી લે છે. બપોરની અસ્વસ્થતા શક્તિ ચૂસી લે અને યાદશકિત પણ ડામાડોળ થાય. બપોરે તડકામાં ધેર જવાનું... જમવાનું.. અને થોડોક ફરજીયાત આરામ કરી બીજા - દિવસની તૈયારી કરવાની! આમાં વાંચવાના કલાકો પણ બગડે.

હવે જો કે પરીક્ષાઓ સવારે ૮ થી ૧૧ લેવાય અથવા ૯ થી ૧૨ લેવાય.... તો સવારની ઠંડક અને તાજગી એકદમ 'કૂઉઉલ ઈફેકટ' લઈ આવે. ઉઘડતી સવારે માણસની સ્ફૂર્તિ પણ મહત્તમ હોય. સૂરજ તપે એ પહેલા પેપર ખતમ. મઘ્યાન્હ પહેલા તો ઘર/ હોસ્ટેલ ભેગા. સમયસર જમી, આરામ કરી બીજા દિવસનું રિવિઝન શરૃ. રાતના જરા વહેલા સૂઈ, વહેલા ઉઠો. સવારે ફ્રેશ માઈન્ડથી મુદ્દાઓ શોર્ટ ટર્મ મેમરીમાં ગોઠવો.. અને તરત જ પરીક્ષા દેવા ગુલાબી તડકાની સોબતમાં પહોંચો. તરત વાંચીને તરત જ લખવાનું. વચ્ચે દિવસ ચડે નહિ. ટ્રાફિક નડે નહિ. વાતાવરણમાં પણ ઘોંઘાટ ઓછો ને શાંતિ વધુ હોય. અરે, સુપરવાઈઝર્સ પણ ફ્રેશ હોઈને તરવરાટથી કામ કરે! મજબૂરીથી બપોરની શાળા-કોલેજોમાં બધા ભણતા હોય એ બરાબર, પણ જરા પૂછો તો સ્ટાફ સહિત બધા કહેશે કે સવારનો સમય હોય તો ભણવા ભણાવવામાં મજા આવે.

પણ સાચી વાત કઈ આટલી સહેલાઈથી બધા સ્વીકારી લે તો તો આ દેશમાં સૂરજને બદલે સોનું તપતું હોત! તરત જ પ્રતિદલીલો આવશે. એને પણ જરા ઝૂડી કાઢીએ..

દલીલ નં. ૧ઃ  બહારગામનાં દૂર દૂર થી આવતા વિદ્યાર્થીઓનું શું?

 જવાબઃ વર્ષો અગાઉ આપણા વડીલો કોઈ એક જ મોટા કેન્દ્ર પર પ્રવાસ ખેડીને પરીક્ષા દેવા જતા. આજે વાહનોની સગવડ છે. પરીક્ષા કેન્દ્રો કંઈ ખૂઉઉઉબ દૂઉઉઉઉર નથી હોતા! અને આ જ બહારગામના વિદ્યાર્થીઓ સવારની શાળા- કોલેજોમાં આખું વર્ષ ભણવા નથી પહોંચતા? (કે પછી એમની હાજરીના નામે લોલેલોલ ચાલે છે?) કોઈ ઈન્ટરવ્યુ માટે કે અન્ય કસોટી માટે પહોંચી જવું પડે છે. મોટી ફિલ્મો પણ વહેલી સવારના શોમાં ફૂલ હોય છે.  પરીક્ષાના થોડાક દિવસો સમયસર પહોંચવું એ પણ એક પ્રકારની 'જીવનકસોટી' છે. કાલ ઉઠીને પરીક્ષાર્થી નોકરી- ધંધો કરશે, ત્યાં રોજ સવારે નહિ પહોંચે? થોડાક અપવાદરૃપ ગ્રામીણવિસ્તારમાં વાહનની સગવડ ન હોય તો એમને રહેવાની સગવડ કરવી જોઈએ. પણ એના માટે કંઈ બાકીના બધાને સજા ન અપાય.

દલીલ નં. ૨ઃ  વહેલી પરીક્ષાઓમાં સુપરવિઝન, પેપરની વહેંચણી, નિયંત્રણ વગેરેનું નેટવર્ક ગોઠવવું આસાન નથી.

જવાબઃ એ તો કામ ન કરવું હોય ત્યાં બઘું જ અઘરું છે. પરીક્ષા વિદ્યાર્થીઓ માટે છે. શિક્ષકો કે વહીવટીતંત્ર માટે નહિ. એમાં પહેલા સ્ટુડન્ટની સગવડ જોવાની હોય. આમ પણ, અમુક લોકોને તો વટભેર આંટાફેરા કરવાના હોય છે. ઘણી જગ્યાએ તો સુપરવિઝન બહારના 'રોજમદારો'ને સોંપી દેવાય છે. એ તો પૈસા અને સમય આપો, તેમ હાજર થવાના જ છે. સવારની સ્કૂલ-કોલેજો તો આમ પણ સવારના ધમધમાટથી ટેવાયેલી જ હોય છે. બપોરે એ પણ સમયસર છૂટ્ટા! જરૃર પડે આઠના સાડા આઠ કરો, નવ કરો.... પણ અગિયાર.. નોઓઓઓ!

દલીલ નં. ૩ઃ બધા જ વિદ્યાર્થીઓને એક સાથે સમાવી ન શકાય, એટલે જગ્યાના વહીવટી આયોજનના ભાગરૃપે અમુક પરીક્ષાઓ બપોરે ૩ થી ૬ ગોઠવવી જ પડે. એમાં ગરમીનું પરિબળ જોવા જાય તો એ સાંજે ગોઠવવી પડે. આ તો દવાને બદલે દરદ લેવાની વાત થઈ. બધા કંઈ થોડા સવારે સમાય?

જવાબઃ વાહ, પરીક્ષા લેનારાની પાસે પૂરતી સગવડતા ન હોય, એનો ભોગ પરીક્ષા દેનારાએ બનવાનું, એમ! ઓલિમ્પિક હોય કે ક્રિકેટનો વર્લ્ડ કપ હોય.... એક વર્ષ અગાઉ તો એના સમયપત્રક જાહેર થઈ જતા હોય છે. આઇપીએલનું આવી જ ગયું ને. દર વર્ષે પરીક્ષાઓ તો લેવાની જ છે. તો પછી એનું જરા ચોકસાઈપૂર્વક પ્લાનિંગ કરી સિવિલ સર્વિસની જેમ એની તારીખો સત્રના આરંભે જ જાહેર કરી દો. જરૃર પડે એનું જુદું કાયમી સેટ અપ ગોઠવો ચૂંટણી જેવું. મોટા ભાગે કાગળ ઉપર તો સવારની શિફટમાં હજારો વિદ્યાર્થીઓ જે- તે બિલ્ડીંગમાં હોય જ છે, પછી એ બધા ભણવા બેસી શકે (કે પછી નથી બેસતા?) તો પરીક્ષા પણ દઈ જ શકે. આ દેશમાં તો મધરાતના ઉઠીને વેબ સીરીઝ જોવાનું આયોજન પણ ગોઠવાય છે, તો પછી પરીક્ષાનું પ્લાનિંગ કેમ ન થાય? આવશ્યકતા મુજબ અન્ય મકાનો પણ થોડા સમય માટે લઈ શકાય. તંત્ર ચાહે તો શું ન થાય? સવાલ કેમ કરવું એ નથી, 'કરવું છે કે નહિ' એ છે! કાળઝાળ ગરમીમાં બપોરના ૩ થી ૬ પેપર લેવું એ તો થર્ડ ડિગ્રી ટોર્ચર થયું. કોણ પોતાની મરજીથી આ સમયમાં સંમત છે કહો જોઈએ!

યાદ રાખો, સવારની સ્કૂલ-કોલેજોની શિફટમાં એકસાથે ધોરણ ૮ થી ૧૨ કે એફ.વાય થી ટી.વાય.ના સ્ટુડન્સ બેસતા હોય છે. જયારે આ તમામ ધોરણે કે એકેડેમિક ઈયરની પરીક્ષાઓ એક જ તારીખે નથી હોતી. માટે બેઠક વ્યવસ્થાની મૂંઝવણનો પ્રશ્ન જ નથી!

પ્રશ્ન તો છે દિમાગી તાળા ખોલવાનો. પણ એની આવી બહુ ઓછા હિન્દુસ્તાનીઓ પાસે હોય છે. જો કોઈ પરીક્ષાઓ મોડી રાખવાથી વિદ્યાર્થીઓને સવારે વાંચવાનો સમય મળે, એવી વાહિયાત દલીલ કરે તો હસવાની સાથે બેદક આંસુડા પણ પાડી લેજો. છેલ્લે દિવસે વાંચવાની બે કલાક મળે એટલા માટે જો ટાઈમ આપવો પડતો હોય...

... તો એ જ બતાવે છે કે આ પરીક્ષાપદ્ધતિ પેલી માંડ ગઈ એવી કેરોસીનથી ચાલતી ખખડધજ રીક્ષાથી પણ વધુ ખરાબ રીતે પ્રદૂષિત છે! એક્ઝામ રિફોર્મ ચેટજીપિટી યુગમાં બીજા ઘણા થઈ શકે એમ છે. જેમ કે, બધો ભાર એક જ પરીક્ષા પર નાખી કૂમળા બાળકો આપઘાત કરે એવું પ્રેશર કેમ ? પરીક્ષા દેવાના તારીખોનાં વૈકલ્પિક ઓપ્શન કેમ નહિ ? એક્ઝામ ને ટેલન્ટની ફિલ્ટર પ્રોસેસ ગણો તો લેખિત યાદશક્તિ સિવાયની શક્તિઓનું શું ?

અને ગુજરાતમાં શ્રાવણ મહિના પછી તહેવારોની મોસમ છે.  નવરાત્રિ વખતે કે દિવાળી પર પરીક્ષા હોય છે. અંગ્રેજોને એ ઉત્સવોનું મહત્વ ખબર નહોતી. તો સમર વેકેશન મોટું કરવાને બદલે જ્યારે પરિવાર સાથે સમય વિતાવવાની અને તહેવારો ઉજવવાની મજા આવે એ વેકેશન મોટું ને નવરાત્રિથી જ કેમ નહિ , જો કુટુંબ અને સંસ્કૃતિ બચાવવાની ખેવના હોય તો ?

પણ એમ તો વર્ષો અગાઉ પણ આવું બધું લખેલું, ફરક ખાસ પડયો નથી. માત્ર પરંપરાને પ્રેમ કરનારા પરિવર્તનમાં પાછળ રહી જાય છે ! નહિ તો સાટા કે દહેજ જેવી કેટલીય પ્રથામાંથી છૂટકારો ન થયો હોત સમાજનો ! 

ઝિંગ થિંગ  

તમારા સપના માટે કશુંક છોડવાનું નહિ શીખો, તો એક દિવસ તમારું સપનું જ છૂટી જશે !

Gujarat