- અનાવૃત-જય વસાવડા
- કેવી રીતે સૂરને ઉંચેથી નીચે રમાડે છે આશા ! ભલભલા આજના ધુરંધર કોન્સર્ટવીરોને પરસેવો છૂટી જાય !
દા યકાઓ પહેલા એવું બન્યું કે સંગીતકાર ખેમચંદપ્રકાશ એક ગીત રેકોર્ડ કરી રહ્યા હતા. સોંગ ડયુએટ હતું અને કિશોરકુમાર તથા આશા ભોંસલે ગાવાના હતા જે ત્યારે ખાસ્સા નવોદિત ગણાય એમ હતા. સિનીયર સાઉન્ડ રેકોર્ડિસ્ટ રોબિન ચેટર્જી ગીત રેકોર્ડ કરવાના હતા. કિશોર અને આશાનો અવાજ એમને જરાય ના ગમ્યો. રોબિનદા તાડૂક્યા અને એમણે ફરિયાદ કરી કે આ લોકો ગીત સરસ રીતે ગાઈ નહીં શકે, ખેમચંદ પ્રકાશે બંનેની છુટ્ટી કરીને એમને તાબડતોબ રવાના કરી દીધા. અને નારાજ કિશોરકુમાર અને આશા ભોંસલે ફેમસ રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી બહાર નીકળીને રાતના મહાલક્ષ્મી સ્ટેશન પર આવ્યા.
બેઉના દિલ રિજેકશનથી ભારે થયેલા હતા. કિશોરકુમારે આશા ને કહ્યું 'હમકો તો નિકાલ દિયા'. કાઢી મૂકવાના દુ:ખની સાથે સ્ટુડિયોનું ભોજન ના મળવાની ભૂખ પણ ઉમેરાઈ હતી. મોડેથી ખાવાનું પણ મળે એમ નહોતું. સ્ટેશન પરથી વાસી વડાપાંઉ લઈને એ લોકોએ જેમતેમ પેટ ભર્યું. પણ આશા ભોંસલે નામ મુજબ આશાવાદી હતા. તેમણે કહ્યું 'આપણે અગાઉ પણ ગાયું છે હજુ પણ ગાશું મારા કે તમારા અવાજમાં એવી કોઈ ખરાબી નથી. તમે પણ અદભુત ગાવ છો. હું પણ બચપણથી ગાઉં છું. એટલે એમને ભલે એવું લાગ્યું હોય, પણ એક ગીત આપણને ન મળે એને કારણે આપણી કારકિર્દી અટકી જવાની નથી.'
ખેર, આ વાતને વર્ષો વીતી ગયા અને સ્ટુડિયોમાં હવે નામાંકિત ગાયક બેલડી તરીકે એક યુગલગીત કિશોર અને આશાએ ગાવાનું હતું. રેકોર્ડિસ્ટ તરીકે એ જ રોબિન ચેટરજી હતા. તોફાની સ્વભાવના કિશોરકુમારે તરત જ આશાને કહ્યું 'આ જો પેલો વિલન બેઠો'. આશાતાઈ હસી પડયા. આમ પણ એ કહેતા કે એમના ફેવરિટ ફેલો સિંગર કિશોરકુમાર એટલું બધું હસાવે રેકોર્ડિંગ વખતે કે હસીહસીને આપણા ગળું દુખી જાય ! પછી અચાનક એમને મૂડ આવે એટલે ગાવાનું કહે અને આપણો અવાજ ખરજવાળો થઈ ગયો હોય. પણ આ વખતે કિશોરકુમાર હસવાના મૂડમાં નહોતા એમની કમાન પેલી ઘટના યાદ આવતા છટકી ગયેલી હતી. એમણે તરત જ આશા ભોંસલેને કહ્યું 'આ વખતે હવે એને આપણે કાઢી મૂકીએ. હવે આપણું નામ થયેલું છે. સંગીતકાર આપણને રાખશે એને છૂટો કરી દેશે.' આશાતાઈ શાંતિથી કિશોરકુમારને સમજાવતા બોલ્યા કે 'દાદા, એમ કોઈના પેટ ઉપર લાત મારવી યોગ્ય નથી લાગતી. અને આમ પણ એને વિલન ન માનો. વિલન તો સમય હોય છે. ત્યારે આપણો સમય સારો નહોતો ને એટલે આપણને એવી રીતે ગીતમાંથી પડતા મુકયા. હવે આપણો સમય ફરી ગયો છે, એટલે તકદીરે આપણને અનેક ગીતો ગાવા માટે આગળ કર્યા છે. એમાં ગુસ્સો કોઈ એક વ્યક્તિ પર ઉતારવો જરૂરી નથી. સમય સમયની વાત છે. આશાએ ટાઢા પાડેલા હોય ને કિશોરે બીજી લમણાઝીંક તો ન કરી પણ પેલા રોબિનભાઈને બંગાળીમાં જઈને બે ચાર ચોપડાવી તો ખરી.
આશા ભોંસલે લીજેંડ હતા. કોઈ દેવતાઈ ચમત્કાર હતા. બહેનની સાથે એ જ કારકિર્દી, એમની જેમ જ આમ તો એકલા. એમની જેટલું જ આયુષ્ય અને રવિવારે એક જ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી બેઉની વિદાય ! કશુંક ગેબી લાગે એવી ચેતનાઓ હતી આ મંગેશકર સિસ્ટર્સ ! એમાં પણ આશા ભોંસલે પર્સનલ ફેવરિટ. અંગત રીતે સૌથી વધુ ગમતા ફિમેલ પ્લેબેક સિંગર. કેવા કેવા ગીતોનો ખજાનો આપણા માટે મુક્યો છે એ તો તમે શોખીન હશો તો જાણતા હશો ને રસ હશે તો એમના નિધનના કલાકોમાં લખાતો આ લેખ છપાશે ત્યાં સુધીમાં બધા મીડિયામાં જાણી લીધું હશે. પણ અત્યારે વાત એમની ગજબનાક ગાયકી સાથે એમના અભિગમની કરવી છે. જેમાં આપણા માટે ગીતોના આનંદની જેમ પ્રેરણાનો મોટીવેશનલ ધોધ જડે એમ છે ! લાઈફ બાબતે, કરિઅર બાબતે થોડા લેસન ભણાવી શકે એમ છે આપણને આ આશા ટીચર !
આશા ભોંસલેનો સ્વભાવ જ સ્થિતિ અને સંઘર્ષને સ્વીકારીને સતત કામ કર્યા કરવાનો ને પોતાને વધુને વધુ બેહતર બનાવવા નવું શીખવાનો હતો. એમણે એક વખત એક ઇન્ટરવ્યુમાં કહેલું કે 'જેવી રીતે સાઝ એટલે કે હાર્મોનિયમ ઉપર ખોટી ચાંપ પર આંગળી પડે, અને ખોટો સુર નીકળે અને સાચી ચાપ પર આંગળી પડે અને સાચો સુર નીકળે એવું જિંદગીનું છે. એમાં કાયમ માટે ડિપ્રેસ શું થવાનું?'
જી હા, ભૂલ થાય કે તકલીફ આવે તો નવેસરથી સુર મેળવી નવું ગીત ગાવાનું !૧૬ વર્ષની ઉંમરે આશા મંગેશકર ચાર વર્ષ મોટી બહેન લતાના સેક્રેટરી ગણપતરાવ ભોંસલે સાથે પ્રેમ થતા ઘર છોડીને ભાગી ગયેલા ! કાચી ઉંમરના પ્રેમમાં ત્રણ સંતાનો થયા. મોટા દીકરા હેમંત અને પત્રકાર થયેલી દીકરી વર્ષા આંગળીએ વળગેલા હતા ત્યારે આજે જેમની સાથે રહેતા છેલ્લા શ્વાસ સુધી (કારણકે બાકીના બેઉ સંતાનો તો હવે આ દુનિયામાં નથી) એ દીકરો આનંદ પેટમાં હતો ત્યારે પતિનાં ઉગ્ર સ્વભાવ અને પ્રેમનું બાષ્પીભવન થતાં વધી ગયેલી મારઝૂડથી કંટાળીને ઘર છોડી દીધું મક્કમતાથી ! એવો કોઈ ફિલ્મલાઈનમાં હીરોઈન બને એવો દેખાવ નહિ.પણ પોતાના ગળાના જોડે આગળ વધવાની કોશિશ કરી. સંગીતકાર ઓ.પી. નય્યરને સમયપાલનના અનુશાસન બાબતે લતાદીદી સાથે કૈંક ઈગો કલેશ થયેલો. ફાસ્ટ બીટના ગીતોના ત્યારે એ ખેરખાં. સાથે પહેલી વખત ગીતના રેકોર્ડિંગમાં એમણે વાંસો થાબડયો ત્યારે એવી હરકત સામે એમના પત્નીને ફરિયાદ કરનાર આશા ભોંસલે લતા સાથે કામ ના કરવાની હઠ લેનાર એ જ ઓપી નય્યરના પ્રેમમાં પડયા.
એમની સાથે એ જમાનામાં ૧૯૬૦થી ૧૯૭૩ એમ કુલ ૧૩ વર્ષ લિવ ઇન રિલેશનમાં રહ્યા. એમાં પણ ખટરાગ ઉભો થયો. ગીતકાર એસ એચ બિહારી સામે એક વખત પોતાની દર્દીલી દાસ્તાન આશાજીએ સંભળાવી. એના આધારે જ બિહારીએ 'ચૈન સે કભી આપને હમેં સે જીને ના દિયા' જેવું ગીત ઓ.પી, નય્યર માટે જ લખ્યું.પણ એ માટે એવોર્ડ મળ્યો ત્યારે આશા એવોર્ડ સ્વીકારવાય નહોતા ગયેલા. નય્યર સાહેબ સાથે બ્રેકઅપ કરી લીધું પછી એમના જીવનમાં પોતાનાથી પાંચ વર્ષ નાના પંચમ એટલે કે રાહુલદેવ બર્મન આવી ગયેલા. ત્રણ બાળકોની મા અને એ પણ ઉંમરમાં મોટી દેખાવમાં શ્યામ અને બંગાળીને બદલે મહારાષ્ટ્રના ઘાટણ એટલે એની સાથે બબુઆ ગીતને લીધે એને બબ કહેતા આર ડી બર્મન એ પરણે એમાં રાહુલદેવ બર્મનના માતા વિરોધમાં હતા.પંચમદાના પ્રથમ ગુજરાતી પત્ની સાથે એ સાસુગીરીના લીધે જ છુટાછેડા થઈ ગયેલા. છતાં પણ આશા મક્કમ. એ લોકો સાથે રહ્યા. પછી ૧૯૮૦માં પરણી પણ ગયા થોડો સમય માટે. ફરી કંઈક થોડો સમય અલગ રહેવા લાગ્યા પણ કાળજીમાં રૂપાંતર પામેલો પ્રેમસંબંધ એવો જ રહ્યો.૧૯૯૪માં અચાનક આશા ભોંસલેને યાદગાર ગીતો આપનાર આરડી બર્મનની અકાળ વિદાય પછી આશા ભોંસલે ફરી એકલા પડી ગયા.
પણ આમ છતાં આ બધાથી સતત ઉદાસ ને દુ:ખી હોવાને બદલે એમનું સ્ટેન્ડ બહુ સ્પષ્ટ હતું. 'જે તે ઉંમરે મને જે સાચું લાગ્યું એ મેં કર્યું એમાં નથી મારી કોઈ ફરિયાદ નથી. મારો કોઈ અફસોસ નથી. એને લીધે હું કંઈ કોઈની વિરોધી નથી બની જતી. મારા નિર્ણય હતા એના પરિણામ પણ મેં ભોગવ્યા, એનો આનંદ પણ મેં ભોગવ્યો. એટલે કંઈ પોતાને કે કોઈ બીજાને દોષ દેવાનો મતલબ નથી. સમય સમયનો ખેલ છે. નસીબ, બીજું શું. આપણે આગળ વધવાનું. અને એટલે તો બેહદ ખૂબસુરત એવી આજની ફિલ્મી હીરોઈનોને ટક્કર મારે એવી પૌત્રી ઝનાઈ સાથે પણ એ એવા કનેક્ટ થયેલા કે જેન ઝીની ઝનાઈ એમની જોડે જ બધે ફરે. એમના એ ફેવરીટ દાદી. નવી પેઢીને ટકોર કરે આશા ભોંસલે, પણ ટીકા ના કરે. બધું બદલાયું કહેતી વખતે ગમગીન ના થાય. સાક્ષીભાવે જુના નવાની સરખામણી કરે. પોતે એમના સમયમાં ઓછી નવીનતા થોડી અપનાવેલી. મોટી ઉંમરે આશા કી આશા તમનો યુટયુબ પર ટેલન્ટ હન્ટ શો પણ કરેલો. આશાજી કહેતા કે મને તો ફાઈવ સ્ટાર હોટલ હોય તો પણ એકલા રહેવું ના ગમે. હું તો માણસો વચ્ચે રહેવા ટેવાયેલી છું.
નાના હતા ત્યારે નાની ઉંમરે એમને બહુ વ્હાલા હતા એવા સંગીતકાર પિતા દીનાનાથ મંગેશકરને ગુમાવ્યા પોતે પહેલવાન બધા ભાઈબહેનો તોફાની. મંગેશકર ફેમિલીમાં સંગીત પણ ભરપૂર. લતા આશા બધાના માતૃશ્રી સેવંતી વળી ગુજરાતી. ધમાલ તોફાન કરે તો બાળકોને ધમારે. બાકીના છટકી જાય અને આશા ભોંસલેને માર પડે કારણ કે એને બધા બુધ્ધુ કહેતા. એમાં જ બડીદીદી લતાને જોઈને ગાવાનું શિખવા લાગ્યા. દસ વર્ષની ઉંમરે ૧૯૪૩માં મરાઠી ફિલ્મ માઝા બાલમાં ગીત ગાયું. હિન્દી ફિલ્મોમાં લતાનો સિતારો ચમકવા લાગ્યો. સિબલિંગ રાઈવલરી આજીવન રહી. લતા આશા બેઉ બહેનો એકબીજાને સન્માન બહુ આપે, પણ સી. રામચંદ્ર પાસે રિહર્સલ કરી લીધું હોવા છતાં પણ મોટી ઉંમરે 'એ મેરે વતન કે લોગો' ગીત આશા પાસેથી લતાએ લઈ લીધું એવા પ્રોફેશનલ ખેલ પણ ચાલે ! લતા મંગેશકર કક્ષાની તેજસ્વીતાના સૂર્યના પડછાયામાં બીજું કોઈ પણ કાળું ધબ થઈ ગયું હોય ! ત્રીજા બહેન ઉષા મંગેશકર સાથે આવું થયું જ ને ચોથાને તો કોઈ જાણતું પણ નથી. ભાઈ સાથે પણ એ જ થયું. લતાના સુવર્ણકાળમાં હેમલતાથી લઈને સુમન કલ્યાણપુર સુધીના ગાયિકાઓ સાથે આ થયું પણ આશા ભોંસલેનો મિજાજ જુદો. એમણે બહુ વહેલા જ પારખી લીધું કે લતાની હરોળમાં આવવા કરતા લતાથી અલગ પડવું બહેતર છે. જેમ મહેન્દ્રસિંહ ધોનીએ બેટ્સમેનોના ઢગલા વચ્ચે જગ્યા બનાવવા માટે વિકેટકીપિંગ શીખી લીધું. એવી રીતે આશા ભોંસલેએ એ જમાનામાં અંગ્રેજી ફિલ્મો જોવાના શોખને લીધે અગ્રેેજી ગીતો સાંભળતા સાંભળતા પરદેશી ગાયકો જેવું અવાજનું કંપન શીખી લીધું ! એ કહેતા કે હું લતા જેવું મંદિર કા ગાના (કાજલનું તોરા મન દર્પણ કહેલાયે ટાઈપ) પણ ગઈ શકું પણ એ ના ગાય એવું હોટલ કા ગાના યાને કેબ્રે ડિસ્કો ( યે મેરા દિલ પ્યાર ક દીવાના કે જવાની જાનેમન હસીન દિલરુબા ) પણ ગઈ શકું ! અને ઉમરાવજાન જેવા ઇન આંખો (આવાઝ) કી મસ્તી કે દીવાને બનાવે એમ ગઝલ પણ ગાઈ દે આશા તો 'મેરા કુછ સામાન' જેવું ઈજાઝ્તનું અઘરું અછાંદસ ગીત હાઈને નેશનલ એવોર્ડ લઇ લે !
સારા સારા ગીતો અને ટોચના સંગીતકારો લતાની પસંદગી કરે ત્યારે આશા ના ભાગે વધ્યા ઘટયા ગીતો અને ઓછા જાણીતા સંગીતકારો આવે. પણ આશા આ બાબતે મૂંઝવણ કે અસલામતી અનુભવ્યા વિના પોતાની રીતે નવા નવા ગીતો નવી નવી રીતે ગાવાની રીત શીખી લે, એટલે તો ક્યારે અભિજાત્ય સંગીતકારો જેને હાથ ન અડાડે એવું ઇનામીનાડીકા પણ એમણે ટેસથીગાયું. ગુરુદત્તની ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રીઓ માટે ગીતાદત્ત ગાય તો આશા સેકન્ડ લીડ વહીદા રહેમાન માટે પણ ગાય અને ઉત્સવમાં લતા સાથે જ મન કયું બહેકામાં છેલ્લે એવી હલક અચાનક ફેરવે કે ગાતા ગાતા લતા આંખોથી એમને બિરદાવે !આશાબહેન એ વખતે સંગીતની બારીકીઓ શીખવા માટે નુપુર નાગરકર જેવા અજાણ્ય ગુરુજી પાસે પણ ખાસ સમય ફાળવીને જતા ઉર્દુનું શુદ્ધ ઉચ્ચારણ શીખ્યા. આશા ભોંસલે એવું માનતા કે ઉર્ર્દુ ઉચ્ચારો અઘરા છે એના ઉપર પકડ આવી જાય તો આપોઆપ તમારી જબાન સાફ થઈ જાય અને પછી તમે આસાનીથી કોઈ પણ ભાષાના ગીતો ગાઈ શકો.વીસ ભાષામાં ૧૩૦૦૦ ગીતો ગાવાનો કાયદેસરનો અદ્ભુત વિશ્વવિક્રમ અમસ્તો એમના નામે નથી થયો. અલબત્ત ગિનેસ બુક ની અંદર ઓલરેડી નોંધાયેલા રેકોર્ડેડ ગીતોમાં સંખ્યામાં મતભેદ છે. ઘણા માન્ય આંકડો ૭૦૦૦ કહે છે તો ઘણા ૧૨૦૦૦.
પણ મિનીમમ આંકડો પકડો તો પણ પૃથ્વીના પટ ઉપર સૌથી વધારે સાતેક હજાર ગીતો ગાવાનો લગભગ તૂટી ન શકે એવો કાયમ માટે અનબીટેબલ રેકોર્ડ તો આશા ભોંસલેના નામે જ છે. એ પણ કેવી રેઇનબો રેન્જમાં ! નવી પેઢીમાં એમના જેવા રમતિયાળ ગીતો કવિતા કૃષ્ણમૂર્તિ અને પછી સુનીધિ ચૌહાણ ગઈ શકે. પણ આશાના ભાથામાં એથી આગળના પણ તીર હોય ! આ આંકડો એમના નામે થયો એના માટે એમણે પોતાની જાતને લતા મંગેશકર જેવી મીઠાશ ઉપરાંતના અલગ અલગ પ્રકારના ગીતો ગાવામાં ઢાળી દીધી. ટીકાકારો એવી ગોસિપ પણ કરતા કે નય્યર કે પંચમ સાથેના એમના પ્રેમસંબંધો પણ કારકિર્દી માટેની શતરંજમાં એમની એક ચાલ હતી. જેથી ઉત્તમ ગીતો અલગ અલગ વૈવિધ્યના જાણીતા સંગીતકારોના પ્રોજેક્ટમાં એમને મળ્યા કરે !
અલબત્ત આશા ભોંસલેને સાંભળનાર કોઈ પણ વ્યક્તિ કહી શકે કે આવી પ્રચંડ રેન્જ ધરાવતી પ્રતિભાને આમ પણ કોઈ સંગીતકાર તો શું સાધારણ શ્રોતા પણ અવગણી જ ના શકે ! અને છતાં નમ્રતા રાખવાની. સજ્જાદ હુસેન જેવા નૌશાદના બાપ જેવા પણ સ્વભાવમાં માથાફરેલા સંગીતકાર સાથે ગાતા બીજા ડરે પણ આશાએ એમને મળી પગે લાગીને કહ્યું કે 'હું નાની છું, મને આવડતું નથી. તમારા આશિષ આપીને શીખવાડો એમ કરીશ ને દુર્વાસા જેવા સ્વભાવના સજ્જાદ જે લટને ગાળ આપી કાઢી મુકતા એમને આશા સાથે કોઈ પ્રોબ્લેમ ના થયો. આ પણ સમજવા જેવી કળા છે !
કેટલાય ગીતો જ આશાએ એવી રીતે ગાયા છે કે એમનું રિપ્લેસમેન્ટ વિચારવું પણ શક્ય ન બને ! મોટી બહેન લતા મંગેશકરનું કશું છીનવ્યા વિના એમની જ સાથે કરિઅરમાં અલાયદી ઓળખ બનાવી આગળ વધવાની એમની ખરી સ્માર્ટનેસ. આશાવાદી લેસન એ આપણા માટે કે આપણી જાતને જ મહેનત કરીને એ લેવલે તૈયાર કરવાની, ઈશ્વરે આપેલ ટેલન્ટ (અહીં કંઠ) ને એવી રીતે ઘડવાની કે લોકો પાસે ગમે કે ન ગમે, આપણી સાથે કામ કરવા સિવાયનો વિકલ્પ રહે જ નહિ, એટલો મજબૂત પ્રોફાઈલ બનતો જાય કન્ટેન્ટનો ! એ માટે રીતસર તપસ્યા કરવાની. સિનીયર એસ ડી બર્મને એમને ટકોર કરેલી કે અલગ અલગ રેન્જના ડાન્સનાં ગીતો ગાવા માટે ફેફસું મજબૂત જોઈશે અને આશા ભોંસલેએ સખત પ્રેક્ટિસ પછી શ્વાસ પર કાબુ મેળવ્યો. શાસ્ત્રીય સંગીતના રાગોની સમાજ કેળવી. ખુબ સરસ રસોઈ બનાવી શકે, પોતે જબરા ખાવાના શોખીન પણ ખરા છતાં ગાવાનું હોય તો પાણીપુરી જેવી ચટાકેદાર આઈટમ કે આઈસ્ક્રીમથી દૂર રહે. ખાસ કરીને ઠંડા બાબતે તો એ કહેતા કે 'નાની હતી ત્યારે કાયમ થતું કે પહેલા સરસ ગાઈ લઉં અને પછી નિવૃત્ત થઈને શાંતિથી જિંદગી જીવવાની છે ત્યારે ખૂબ બધો આઈસ્ક્રીમ ખાઈશ. પણ ગાવાનું બંધ થયું નહીં ! જીવ્યા ત્યાં સુધી ગાયું ! રનિંગ ૯૩ વર્ષની ઉંમરના થયા અને ૯૦ વર્ષની ઉંમરે પણ કોન્સર્ટ કરી દુબઈમાં એમાં લાઈવ પરફોર્મ કર્યું ! આ બધો ભોગ આપીને તેમણે પોતાના મનપસંદ કામ યાને ગાયનની મોજ ચાલુ રાખી. કામને જ આરામ બનાવી લીધો !
આરડીએ એવા એવા અઘરા ગીતો એમને આપ્યા કે પિયા તુ અબ તો આજામાં હાંફવા માટે એમની પાસેથી માઉથ ઓર્ગન વગાડી વગાડીને અવાજને તાલીમ આપી ! ટેક્સીમાં બેઠા બેઠા હાંફવાનો પ્રયાસ કરે તો ડ્રાઇવર મૂંઝાઈને કહે કે હોસ્પિટલે લઇ લઉં? આ લેવલનું સેલ્ફ કમિટમેન્ટ ! બહુ બધામાંથી માત્ર બે સેમ્પલ પર ધ્યાન આપો. કારવાં ફિલ્મમાં 'અબ જો મિલે હૈ' અને તલાશ ફિલ્મમાં 'કર લે પ્યાર કર લે'. કેવી રીતે સૂરને ઉંચેથી નીચે રમાડે છે આશા ! ભલભલા આજના ધુરંધર કોન્સર્ટવીરોને પરસેવો છૂટી જાય !
આશા ભોંસલે કહેતા જ કે લતા અને હું અમે બંને સારું કમ્પોઝિશન હોય સરસ ગીત હોય અને અમારા સદભાગ્યે અમારા સમયમાં મળ્યા એવા ઉત્તમ ગીતકારોએ સુંદર શબ્દોમાં પર આવેલું હોય ત્યારે અમારા તરફથી કશુક ઉમેરતા. એની તો મજા હતી એને લીધે તો અમારી પાસે જ ગવડાવવાનો લોકો આગ્રહ રાખતા. ગીતોમાં શબ્દો સમજીને પડદા પર મીનાકુમારી કે મધુબાલા આશા પારેખ કે અરુણા ઈરાની, ઝિન્નત અમાન કે હેલન કોણ ગાવાનું છે એના વ્યક્તિત્વને અને પાત્રને સમજીને પછી એક ગીતોને ગાતી વખતે એમાં અલગ અલગ તાન પલટા, મરકી, ઠેસ, થોડો મસ્તીનો થોડો સિડકશનનો ભાવ, અવાજને બદલાતા આરોહ અવરોહ વગેરે ઉમેરતા ! આશાતાઈ હસતા હસતા કહેતા કે કટી પતંગનું પેલું મેરા નામ હે શબ્દો જેવું ગીત હોય તે ખાલી ગીત નથી એ તો અભિનયનો પીસ જ છે ! અવાજથી મારે અભિનય કરવાનો છે એમ જ હું માનતી !
એટલે તો યે ક્યા જગહ હૈ દોસ્તો સાંભળો તો રીતસર રણનો ખાલીપો વર્તાય અને આઇયે મહેરબાન સાંભળો તો રીતસર કોઈ હાથ પકડીને ખેંચી જતું હોય એમ લાગે ! દમ મારો દમ તો હજુ એવું ડોલાવે છે દરેક પેઢીને. હરે કૃષ્ણ હરે રામ ગવાયું હોઈને વિવાદ થશે એવી છેલ્લી ઘડીએ દેવ આનંદને બીક લાગેલી પણ આશાએ એમને કહેલું કે આ એવું ગવાયું છે કે એક વાર સાંભળશે તો લોકો ટ્રાન્સમાં જતા રહેશે ને બધું ભૂલી જશે ! માત્ર ગાઈને ચરસ જેવો ઉન્માદક નશો ઉભો કરી દે એ આશા ભોંસલે ! રંગીલા માટે રહેમાનના તાલે ઉર્મિલાનો અવાજ બની જાય અને સંદીપ ચૌટા માટે ખલ્લાસ ગાતી વખતે જાણે કોઈ વાઈલ્ડ છોકરી બચકું ભરતી હોય પ્યારમાં એવી અસર ઉભી કરે !
આગે ભી જાને ના તૂ ગાનાર એ આશા ભોંસલે આમ જ આપણે જાણતા નથી એવી કોઈ જગ્યાએ જતા રહ્યા, આઓ હઝુર તુમકો સિતારોં મેં લે ચલું એવું કોઈએ સ્વર્ગમાંથી એમના કાનમાં ગાયું હશે એટલે ! પણ આપણે જઈએ દિલ ચુરાવીને કહીશું ને કે જાઈએ આપ કહાં જાયેંગે ? ( ગીતોની વધુ વાતો હવે પછી
ઝિંગ થિંગ
'આશા ભોંસલે આપણને છોડીને જઈ શકે, અપન આપણે આશા ભોંસલેને છોડી નહિ શકીએ!' ( સુભાષ ઘાઈ )


