Get The App

લેફટ 'લિબરલ'નું ફની ફેનેટિઝમ: બહુ ડાહ્યા બહુ ખરડાય !

- અનાવૃત- જય વસાવડા .

Updated: Jul 14th, 2020

GS TEAM

Google News
Google News

- જેન્યુઈન લિબરલ્સ હંમેશા માનવતાવાદી હોય. લિવ એન્ડ લેટ લિવમાં માને. કળાઓને, સૌંદર્યોને દિલ ફાડીને ચાહે. વિજ્ઞાાનથી સત્યની પરખ કરતું વિસ્મય કેળવે. પ્રેમ, સેક્સ, જલસા બાબતે છેતરપિંડી-બળજબરી ન હોય ત્યાં ઓપન માઇન્ડેડ મુક્ત એપ્રોચ રાખી યુવતીને પોંખે

લેફટ 'લિબરલ'નું ફની ફેનેટિઝમ: બહુ ડાહ્યા બહુ ખરડાય ! 1 - image

અ મેરિકાની મજા એ છે કે ત્યાં ખરા અર્થમાં ફ્રીડમ ઓફ સ્પીચ છે. ટાઉનનો પોલિસ ઓફિસર ઓન કેમેરા પ્રેસિડેન્ટને માપમાં રહેવાનું કહી શકે. ને બટકબોલા પ્રેસિડેન્ટ પણ 'તને જોઈ લઈશ' કહીને નોકરીમાંથી કઢાવી ન શકે. આપણા મોટા ભાગના બીજું કશું કરવાની લાયકાતના અભાવે નેતા થઈ બેઠેલાઓની તો કોઈ ઈન્ટેલીજન્ટ ટીકા કરે કે કાયદાનું પાલન કરાવવા જાય તો માખી છીંકાઈ જાય ઇગો હર્ટ થવાને લીધે.

ફ્રીડમ ઓફ સ્પીચનો મતલબ ગમે તેવા ગાંડાઘેલા મંતવ્યોની છૂટ છે. વ્યક્તિગત આધારહીન આક્ષેપબાજીથી પર્સનલ થઈ જવાનું નથી, એ આમન્યા મેચ્યોર્ડ ડેમોક્રસી અને ક્વોલિટી એજ્યુકેશનને લીધે અમેરિકા-યુરોપના મોટા ભાગના પશ્ચિમી દેશોમાં પાળવામાં આવે છે. પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યથી વ્યક્તિત્વ ઘડતરની ચુસ્ત સુરક્ષા ય આપવામાં આવે છે. આ અભિગમ થયો બિરબલ. યાને ઉદારવાદી જેન્યુઈન ઉદાર આવા હોય.

જેન્યુઈન લિબરલ્સ હંમેશા માનવતાવાદી હોય. લિવ એન્ડ લેટ લિવમાં માને. કળાઓને, સૌંદર્યોને દિલ ફાડીને ચાહે. વિજ્ઞાાનથી સત્યની પરખ કરતું વિસ્મય કેળવે. પ્રેમ, સેક્સ, જલસા બાબતે છેતરપિંડી-બળજબરી ન હોય ત્યાં ઓપન માઇન્ડેડ મુક્ત એપ્રોચ રાખી યુવતીને પોંખે. ઊંચનીચ, કાળાગોરા, સ્ત્રી-પુરૂષ વગેરેના નામે ઉભા થયેલા ભેદભાવને હસી નાખે. પોતે ધારો કે નાસ્તિક હોય, તો પણ અન્ય ધર્મ-સંસ્કૃતિના શુભતત્ત્વોને પોતીકા ગણીને બિરદાવે. જીંદગીની લિજ્જતને, લાઇફના કોન્ટ્રાડિક્ટરી યાને વિરોધાભાસી કલર્સને બિરદાવે. જોક્સ બાબતે, ટ્રુથ બાબતે દુભાઈ જતી આવી લાગણીઓ ન રાખે.

મોજમસ્તીથી હસે. ડિફરન્ટ કલ્ચર્સ, ખાનપાન, પોશાક કે નગ્નતા, હ્યુમર કશાનો છોછ ન રાખે. મસ્તીમાં જીવવાને જ પ્રાથમિકતા આપે. શ્રદ્ધાનો તિરસ્કાર ન કરે, પણ ધાર્મિકતાના નામે જામેલી જડતાનો જડમૂળથી વિરોધ કરે. સાયન્સ, ટેકનોલોજી, ડિસ્ટર્બિંગ આર્ટ એન્ડ થોટને શત્રુ માન્યા વિના યુવા પરિવર્તનને બે હાથ પહોળા કરીને આવકારે. એ સેન્સરશિપના પ્રખરમુખર વિરોધી હોવાના. પણ એમની ક્રાંતિમાં ભેદ ન હોય. શાર્લી હેબ્દોથી હુસેન સુધી સમાન અભિગમનું સાતત્ય હોય. સંસ્કૃત શ્લોકો, ઉર્દૂ શાયરીઓ કે અંગ્રેજી ક્વૉટ્સ એમના માટે એકબીજાને પૂરક હોય. કારણ કે, સર્વ ભાષા-સંસ્કૃતિ માધ્યમે માણસાઈનો જ સ્વીકાર હોય. કોઈ ગમતા નેતા અભિનેતાનું પણ અનુગ્રહ-પૂર્વગ્રહથી પરફોર્મન્સ મપવાનું ને પ્રાકૃતિ, જ્ઞાાન, જીવન માણવાનું. નવીનતાનું સ્વાગત ને આનંદની ચાહત.

રીડરબિરાદર, આ લાંબો પેરેગ્રાફ જેટલો પર્સનલ છે એટલો જ યુનિવર્સલ છે. મુરલીધર મોહનથી મોહનદાસ ગાંધી સુધીના ભારતને આવા જ વિશ્વનાગરિકોનું નિર્માણ કરવું હતું. આ અસલી હ્યુમન લિબરલ એપ્રોચની સમરી છે, જે એજ્યુકેટેડ સિવિલાઇઝડ ડેમોક્રસીના નાગરિકોમાં હોવી જોઈએ. એ માટે લિબરલ વોઇસ મક્કમ હોવો જોઈએ ને કોઈની સાડીબારી વિના રોકડું પરખાવી દેવા જેટલો નીડર અને વેવલા આદર્શો સિવાય વ્યવહાર સમજે એવો વાસ્તવવાદી પણ રહેવો જોઈએ. આ ય એક રીતે સમાજ સેવા છે. પણ પ્રકાશ હોય ત્યાં પડછાયો હોય. મેટરની એન્ટીમેટર જેવા લુચ્ચા લિબરલ લોકો ય બહુ બોલકા પેદા થયા છે. જે છે લેફટ લિબરલ્સ.

આ સમજવા ખાતરનો સ્વદેશી શબ્દપ્રયોગ છે. વામપંથી વિષાણુઓને ડોબા ડાબેરીઓનાં ફોતરાં જેન્યુઇન લિબરલ ઘઉં કરતા દુનિયાભરમાં વધી ગયા છે. કાર્લ માર્કસ જીનિયન્સ મુફલિસ હતો. એના અનુયાયીઓ બેવકૂફ બદમાશો મોટા ભાગના છે. ચીન, ઉત્તર કોરિયા, જૂનું રશિયા કે પૂર્વ જર્મની એના નાદર નમૂના છે. આવા લબાડ...લેફટ લિબરલ્સે જ ભારતમાં સ્યુડો સેક્યુલરિઝમના વન વે તુષ્ટિકરણનો એવો અતિરેક કર્યો કે એમાં ઊલટું બેકલેશમાં સર્વધર્મસમભાવનું મૂળભૂત ભારતીય વસ્ત્ર તાર-તાર થવા લાગ્યું. ઇન્ટલેકચ્યુઅલ કેપેસિટીનો દુરૂપયોગ થયો. હજુ નેહરૂ સુધીની પેઢી તો અભ્યાસુ ને ભારતના વારસાને સમજીને વખાણનારી હતી. પછી તો ફાઇવસ્ટાર લોન્જમાં ખાદીની બંડી સિલ્કના કૂર્તા પર ચલાવી ગરીબો-લઘુમતીઓની ફિકરનો ડોળ કરતા માલદાર દંભીસ્તાનીઓ ઘૂસી ગયા. રાજકારણ, મીડિયા બધે દબદબોને સાહ્યબી સાથે.

એમની નિષ્ઠા તકલાદી અને સંતુલન બનાવટી હતું, એમાં જ લોકો ઓળખીને એમને રિજેક્ટ કરતા ગયા. ભારતના સામાન્ય માણસની વાત કરનારાઓ હિન્દીમાં ન બોલી શકે સરખું. બોલે તો ઉધાર અંગ્રેજી જ્ઞાાન હોય એટલી સંસ્કૃતની સમજ ન હોય. એમાં જેની ચિંતા કરવાનો દેખાવ કરતા હતા, એ દેશ સાથેનો એમનો 'કનેક્ટ' જ ખોરવાઈને તૂટી ગયો. ને એ ખાલી જગ્યા સોશ્યલ નેટવર્કનો વ્યાપ વધતો ગપોડી રાઈટ વિંગર્સ કહેવાતા ઉદ્દામવાદી ઝનૂની સંકુચિતોએ પૂરી દીધી રાષ્ટ્રવાદના નામે ! જેમાંથી ટપોરીટા્રેલિગનું દૂષણ આવ્યું.

આ 'લેફટ લિબરલ્સ' ઉર્ફે સ્યુડો ઇન્ટલેક્ચ્યુઅલ ઉસ્તાદ પ્રાણીઓ હોય છે. સર્વસમાવેશકતાની વાતો કરશે, પણ એમની તરત જ પર નાચે નહિ એવા કોઈને એમના વર્તુળમાં આવવા નહિ દે. જેમના મસીહા બનવા નીકળશે, એ મજદૂરો, ગરીબો, વંચિતો, લઘુમતીઓ, બ્લેક (અમેરિકા) કે મુસ્લિમો (ભારત)ને એમના હિતમાં એમની ખામીઓ સુધારવા બાબતે બે સાચા શબ્દો કહી એમને લિબરલ પ્રોગેસિવ નહિ બનાવે. બિકિનીના વખાણ કરશે પણ બુરખાને સ્પષ્ટપણે છોડવા જેટલી પરંપરાભંજક હિંમત નહિ કેળવે. બૌદ્ધિકતાના તોરમાં આધુનિકતાનો ડોળ કરનારા આ વામપંથીઓ અંદરખાનેથી કટ્ટર ફાંસીવાદી જ હોય છે.

બનાવટી નમ્રતાના મ્હોરા નીચે કેવળ જજમેન્ટસ આપ્યા કરે. બાયસનો વિરોધ કરવાનું નક્કી કોઈ માટે ખુદ પરમેનન્ટ પર્સનલ બાયસ કેળવી લે. ચર્ચાના નાટક પહેલા ચૂકાદા નક્કી રાખે. સેવા અને સામાજીક ક્રાંતિના ઓઠાં નીચે ઘેરા પૂર્વગ્રહો રાખે. ફેમિનિઝમનો સ્વાંગ કરે, પણ એમની ફ્રેમ જેટલો જ. એ બહાર કોઈ હ્યુમર કે બ્યુટીની વાત કરે તો એમને જાણે વિરોધનું બ્રેઇન ટયુમર થઇ જાય. નેચરલ એટ્રેકશનને ય સ્વીકારે નહિ !

અભ્યાસના નામે લોકપ્રિયતાની ઇર્ષાળુ એલર્જી રાખે છે, આવા ટુચ્ચા ટુણિયાટો. એમના રાજકીય, આર્થિક સ્વાર્થ અને ઝેરી કિન્નાખોરીને વિવેકના અંચળા નીચે સંતાડી રાખે છે. આ ચાલાક ચાંપલાચીબરાઓ ! ફેમિનિઝમ, હ્યુમન રાઇટ્સ, ગરીબી-શોષણમુક્તિના એજેન્ડા તળે સિલેક્ટીવ ગેઇમની ગંદી રાજરમત રમ્યા કરે. એકાંગી દાવપેચ કરે, સાચી તટસ્થ મુક્તિનો સાધુચરિત સ્વીકારભાવ નહિ. સિલેક્ટીવ મેમરીથી અમુક જ બાબતે સ્ટેન્ડ લે. ખુદની વિદ્વત્તાનું એવું છુપું ગુમન દેખાડાના વિનય નીચે સંતાડી રાખે, કે સાચુકલા તેજસ્વી લોકો એમનાથી સહન જ ન થાય. સોદાબાજી કરે, પણ કબૂલે નહિ. ખાનગીમાં ખટપટ ને લાલસા અને જાહેરમાં નિસબત ને સાદગીના દંભથી લોકલાગણી છેતર્યા કરે.

આવા એક નંબરના દંભીસ્તાની લેફ્ટ લિબરલ્સે જ ક્રાંતિકારી સોનાર બાંગ્લાને ભૂખડી બારશ પશ્ચિમ બંગાળ બનાવી દીધું. ચીનને રશિયા સામ્યવાદના ઓછાયામાંથી બહાર આવી ગયા પણ અહીં એનું પૂંછડું છૂટતું નથી. ચપડ ચપડ અંગ્રેજીમાં ફિલસૂફીઓની ફાંકાઠોક કોમનસેન્સથી જીવતો કોમનમેન સ્વીકારતો નથી. સૂફિયાણા પોંગા પંડિતો કરતા એ નીરક્ષીર વિવેક વધુ રાખે છે. આ લેફ્ટ લિબરલ્સ ભિન્ન મતના સ્વીકારનો પોપટપાઠ કરશે, પણ સાચું કહેનાર સ્પષ્ટવક્તા લોકપ્રિય હોય તો એના પર દાઝ રાખશે. જેહાદી મુસ્લિમ કે ઉગ્રવાદી હિન્દુ કે - એ પ્રકારના કોઇ પણ ધાર્મિક - મઝહબી - સાંપ્રદાયિક - કોમી- જ્ઞાાતિવાદી કટ્ટરવાદની સામે કાયમ આધુનિકતાની વાત કરતા મશાલચીને બિરદાવવાનું કૌવત નહિ રાખે. બુધ્યુ હોય સપનામાં ને બદમાશ હોય જીવનમાં. મૂલ્યોની માત્ર શિખામણો. આચરણ નહિ.

એટલે તો એમના પાપે એમણે શક્તિશાળી હતા ત્યારે શિક્ષણ કે ન્યાયતંત્રના સુધારામાં દાખવેલી બેદરકારીને લીધે આવારાગીરી કે મવાલીગીરી પર ઉતરી આવતા વૉટસએપ વિશ્વવિદ્યાલયના ઝનૂની સ્વદેશભક્ત ટપોરીઓ બેલગામ બની ગયા છે. ખોટી ક્લિપ્સથી ધર્મના નામે ઉશ્કેરણી ફેલાવ્યા કરે છે. આ બધા લેફ્ટ લિબરલ એવા ડિજીટલ ડેવિલ સામે સજ્જડ એકતા સાથે મોરચો નથી માંડી શકતા. કારણ કે એમના ભળતાસળતા પોલિટિકલ લેબલમાં ગાડી અવળા પાટે ચડી જાય છે. ભારતીય લેફ્ટ લિબરલ્સ લુચ્ચા છે. પશ્ચિમી લેફ્ટ લિબરલ્સ બોઘા છે !

મૂળ ગુજરાતી પણ અંગ્રેજીમાં લખતા હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ જર્નાલિસ્ટ આકાર પટેલ વારંવાર વિવાદોમાં આવ્યા કરે છે. પણ હમણાની એમની ટ્વીટ જોઇને તો અચંબાથી ગોઠીમડું ખવાઇ જાય એમ છે ! ના, ના જે બાબતે એમના પર કેસ થયા એ પ્રોટેસ્ટ વાળી ટ્વીટની વાત નથી. એમના મોદીવિરોધની ય નહિ. કાયદાની મર્યાદામાં સરકાર કે પક્ષ કે કોઇ પણની ટીકાટિપ્પણ એ લોકશાહી અધિકાર છે.

પણ એ વિરોધ એવા કેવા ક્રોધમાં પલટાઇ જાય કે અમિતાભ બચ્ચનને કોવિડ પોઝિટિવ થયો એની ખબર ટ્વીટર પર શેર કરતી વખતે કોઇ લર્નેડ હ્યુમન રાઇટસ એક્ટિવિસ્ટ એવું સ્પેસિફિકલી લખે અમિતાભ તો મોટો તકવાદી છે, ને ઇન્ડિયન મિડલ ક્લાસની - ભૂંડામાં ભૂંડી બાબતોનો પ્રતિનિધિ છે.

આ તો 'ઇનહ્યુમન' (અમાનવીય) વાત થઇ. બચ્ચન ગમે એ ચાહકો એમના સ્વાસ્થ્યની કામના કરે. ન ગમે એ સમાચાર ઇગ્નોર કરે. પણ કોઇ બીમાર પડે એમાં ય એવી દોંગાઈ કરવાની કે એની દાઢમાંથી ટીકા કરવાની ? બેઝિક વિવેકનો ય ચોખ્ખો અભાવ છે આ. અરે, માનવ તરીકેની સંવેદના કે સૌજન્યનો ય. દુશ્મનોની ય ખાનદાની પરખાઇ આવા વખતે. સામાન્ય રીતે રાજકીય બાબતોમાં ઝગડતા રહેતા નેતાઓ ય આવી વિચિત્ર હલકાઈ કોઈ હરીફ નેતા માંદા પડે ત્યારે બતાવતા નથી. પક્ષ કોઇ પણ હોય. દરેક માણસની જીંદગીના અનેક રંગ હોય, બધા બધાને પસંદ પડે એ જરૂરી નથી. પણ કોઇ - નાલાયક બળાત્કારી કે ત્રાસવાદીના નબળાં પાસા પ્રગટ કરતા હો, એમ લોકપ્રિય કલાકારની માંદગીના સમાચારમાં કારણ વગરની ટીકા ઘુસાડી દેવાની ? આ તો ગ્રેસ ને ડિસન્સીનું ય કોઇ લેવલ નથી, જેની વકીલાત લેફ્ટ લિબરલ્સ કર્યા કરે છે.

અમિતાભ ટીકાપ્રૂફ નથી. એની આલોચના ને આંકલન એના ચાહકો ય કરે છે. આ કટારમાં ય થયું છે. અરે, મૃત માણસોના ય સારાનરસા પાસાના લેખાજોખા થાય. પણ કોઈના પરિવારને કોરોના થાય એમાં ગાળો વાઈરસને દેવાની હોય કે વ્યક્તિને ? આ ટ્વીટ પછી પટેલસાહેબે તરત બીજી ટ્વીટ કરી ૧૧ જુલાઈએ. ''અમિતાભ, અક્ષયકુમાર અને સચીન તેંડૂલકર 'મધ્યમવર્ગના તકવાદી'ઓ છે. જે દેખાડે છે કે પૈસાથી કલાસ આવતો નથી !''

કેવી ચક્કરબત્તી વાત છે આ તો ? આખી વાતમાં અક્ષય ને સચિન ઘૂસી ગયા ! કારણ કે, મોદીનો વિરોધ કરવો છે ધરાર ! વિરોધના ય મુદ્દા હોય. આ વળી કઈ જાતનો વિરોધ. અમિતાભ કે સચીનની અભિનય - ક્રિકેટ કે ઈવન સ્વભાવ બાબતે ટીકા કરનારા પણ એવું ન કહે કે એમનામાં 'કલાસ' નથી. પહેલેથી જ વાતચીતની શાલીનતા, ક્યારેક તો સાહજીક ન લાગે એટલી ઉમદા ગરિમા આ બેઉએ જાળવી છે. તકવાદી હોવાની વાત જુદી છે. બધા પોતાના માટે બહેતર ઓર્પ્ચ્યુનિટી શોધતા હોય. પણ આ એવા બીજાની કનડગત કરનાર તકવાદી પણ નથી. ઈવન અક્ષયકુમારની પત્ની ટવિન્કલ તો બેધડક બોલ્ડ રિયલ લિબરલ થોટ્સ રજૂ કરે જ છે. એમાં અક્ષયને વાંધો નથી પડયો. અક્ષયને બોલાવનારાને વાંધો નથી પડયો !

ને વાંધા કાઢવાનો આ ટાઈમ ? અમિતાભને કોરોના થયો એમાં અક્ષય-સચીન ક્યાંથી આવી ગયા ? આગળ ત્રીજી ટ્વીટ વિકારમય થઈ ગયા હોય એમ આકારભાઈએ લખી ''ગમે તેટલા પૈસા કમાઈ લે તો ય તો ય અમિતાભ, અક્ષય, સચીન કાયમ માટે ભૂંડાભૂખ - મિડલ કલાસ જ રહેશે. ફાલતુ, તકસાધુ, કૂપમંડૂક ને સ્વાર્થી. કોઈ દહાડો ગમ્યા નથી. સચીનના ઓટોગ્રાફ વાળું બેટ મળેલું એ ય બીજાને આપી દીધું !''

કર લો બાત ! જોયા આ લેફ્ટ લિબરલ ? નફરત ન હોવી જોઈએ એની વાતો કરે ને જગતના સર્વશ્રેષ્ઠ ક્રિકેટ બેટ્સમેનની સાઇનવાળા બેટને ય કારણ વગર ધિક્કારે ! ને જનહિતની, નાગરિકહિતની વાતો કરે પણ જૂની બ્રિટિશ ઉમરાવશાહીના એલાઈટ લોર્ડની જેમ આખેઆખા ઈન્ડિયન મિડલ કલાસને જ ઉતારી પાડે ! કારણ ? પોપ્યુલારિટીનો તેજોદ્વેષ જે હોશિયાર લોકોને ય અંધ બનાવી દે છે ! ભારતીય પબ્લિકની ખોટી બાબતોની લગાતાર અપરંપાર ટીકા એમના હિતમાં અશિસ્તથી અંધભક્તિ સુધી થવી જોઈએ.

ગાંધીચીંધ્યા માર્ગે કાયમ કરી છે. પણ સનાતની હિન્દુ છતાં સાચા હયુમન સેક્યુલર ગ્લોબલ લિબરલ ગાંધીજીએ આમ મિડલ કલાસનો ઉપયોગ કરી કોઈના કારણ વગર ટાંટિયા નથી ખેંચ્યા. એ ય કોઈની બીમારીના સમાચારનું ઓછું લઈને. દુઃખે છે પેટ કૂટે છે માથું જેવી વાત છે. અમિતાભ, અક્ષય, સચીનની છાપ સરકાર તરફી છે એટલે ? અક્ષયના સસરા રાજેશ ખન્ના કોંગ્રેસી સાંસદ હતા. અમિતાભ તો કોંગ્રેસી સાંસદ પોતે જ હતા. સચીનને રાજ્યસભામાં કોંગ્રેસે મોકલી સાંસદ બનાવ્યો. બેલેન્સ્ડવ્યૂમાં તો આ ય લખવું જોઈએ.

પણ એવું મગજ જ ચાલતું નથી. એકચ્યુઅલી, પોલિટિકલી ગમે કે ન ગમે - અમિતાભ, અક્ષય, શાહરૂખ અને બેનામો બીજા ધોની ને શાહરૂખ. આ મધ્યમવર્ગમાંથી ટેલેન્ટેડ માણસ પડકારો ઝીલી, આત્મવિશ્વાસ કેળવી, સંઘર્ષ કરીને કેવી રીતે ટોપ કલાસ પર પહોંચી લાખેણા લાડકા બની શકે એના ઈન્સ્પાયરિંગ આઈકોન્સ છે. કોઈ ગોડફાધર કે લાગવગ કે બાદશાહી વિના વર્ષોની તપસ્યા બાદ સફળ થયા. તો ય ચાહકો માટે સરળ રહ્યા.

સાથીઓ માટે ખેલદિલ રહ્યા. રિગ્રેસીવ થોટ્સ ફેલાવ્યા નહિ. પર્સનલ લાઈફ કે પ્રોફેશનલ લાઈફમાં 'લવ'ની વકીલાત કરી. અક્ષયે તો ટોયલેટ ને પેડમેન જેવી 'ટેબૂ સબ્જકેટ' પર જાગૃતિ કરતી ફિલ્મો કરી. બીજા તમામે પોતપોતાનું યોગદાન કર્યું. આમાં ક્યાં એ લોકો 'વર્સ્ટ ક્વોલિટી ઓફ ઈન્ડિયન મિડલ કલાસ' થઈ ગયા ? આ મધ્યમવર્ગના ઢસરડા ને ટેક્સ પર તો બધી ધમાધમ ચાલે છે. એમનેસ્ટી જેવી ઈન્ટરનેશનલ સંસ્થા સાથે કામ કરી ચૂકેલા વિદ્વાન નો લોકો માટે જ 'છી ! ચીપ મિડલ કલાસ' જેવો 'સુપ્રિમિસ્ટ' અભિપ્રાય હોય તો લોકચાહના ક્યારેય મળે ખરી ?

લેફ્ટ લિબરલ ગાંડપણનો આવો નમૂનો હમણા અમેરિકાના જાણીતા લેખક પત્રકાર ડેવિડ કોફમેને ય આપ્યો. ત્યાં સરસ વ્યવસ્થા હોય છે - લોકો ટ્રાફિક સિગ્નલ ક્રોસ કરી એકથી બીજી બાજુ જાય ત્યારે સાઈન આવે તમે હવે ચાલો એની. જેમાં વ્હાઈટ કલરમાં એક માણસની આકૃતિ દેખાય. ડેવિડભાઈએ કકળાટ કર્યો કે 'આ જોઈ બાપડા આફ્રિકન અમેરિકનને શું થતું હશે ? આ લિટલ વ્હાઈટ મેન છે !' અંતે ટ્રાફિક ડિપાર્ટમેન્ટે કહ્યું કે 'હે ધેલચંદ્ર, બ્લેક બેકગ્રાઉન્ડમાં વ્હાઈટ કલર દૂરથી દેખાય ને લાલ-લીલા-પીળા તો વપરાઈ ગયા એટલે વ્હાઈટ નહિ, બ્રાઈટ મેન છે આ !'

ઠીક છે, રેપિસ્ટ ઝેર ઓકતા શુભમ મંગલા ને અંકુર આર્યા જેવા શેતાની હિન્દુત્વવાદી ફેનેટિકસની ફ્રીડમ ઓફ સ્પીચ કરતાં આ લેફ્ટ લિબરલની સ્ટુપિડિટી સારી. હસવાનું તો મળે !

ઝિંગ થિંગ

સો વર્ષનું તંદુરસ્ત જીવન જીવનાર અને ખરા અર્થમાં સમતોલ વિશ્લેષક એવા અભ્યાસુ વિદ્વાન પદ્મશ્રી નગીનદાસ સંઘવીને ગુજરાતે ગુમાવ્યા. પ્રજ્ઞાાને વિદાયવંદન.

Tags :