Get The App

કાયપો છે : જાહેરજીવનની ખબરોના પતંગરંગ!

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
કાયપો છે : જાહેરજીવનની ખબરોના પતંગરંગ! 1 - image

- અનાવૃત-જય વસાવડા

- અત્યારે બફાટની ચૂહાદૌડમાં ભારે માર્જીનથી આગળ ઉડી રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા! કચરા અને પ્રદૂષણના એક્યુઆઈ જેવા મુદ્દે એમનું ઘોર અજ્ઞાન જાહેરમાં છતું થયા બાદ હમણાં ભગતસિંહે કોંગ્રેસ સરકાર સામે કેવો બોમ્બ ફોડેલો એની વાતો કરવા જતાં એમનું સૂરસૂરિયું થઈ ગયું ! 

૨૦૨૬ શરૂ થયું ત્યાં તો એટએટલી હેડલાઈન્સ ગાજવા લાગી છે કે આ ઉત્તરાણ પર એ વાસી થાય એ પહેલા જ એના પતંગો વ્યંગના વાયરે ચગાવી લેવા જેવી લાગે છે. ચાલો ઉડાડીએ.

ઢાલ : સામાન્ય કરતા મસમોટા કદના પતંગને ઢાલ કહેવાય છે. અત્યારે આ પતંગ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબનો પૂરબહારમાં ઉડી રહ્યો છે. નવા કેલેન્ડર ઇયરના આરંભે જ જીવડાંને ગળી જવા જીભ લંબાવી બેઠે બેઠે જ શિકાર કરતા એમેઝોન જંગલોના દેડકાંની માફક એમણે વેનેઝુએલા કબજે કરી લીધું છે ! મિસ વર્લ્ડ ને મિસ યુનિવર્સ મળીને દોઢેક ડઝન સુંદરીઓના ફળદ્રુપ પ્રદેશ વેનેઝુએલામાં ઓઈલ ને રેર અર્થનો પણ વિપુલ જથ્થો છે, એની અચાનક મેસેજ ફોરવર્ડિયા એક્સપર્ટસને ખબર પડીને બધા કિસમ કિસમની થિયરીઝ ચગાવવા લાગ્યા. વેનેઝુએલાનો ઈતિહાસ રસપ્રદ છે ને સમાજવાદનો ઘેલો અતિરેક કેવો ખતરનાક નીવડે એની ચેતવણી સમો છે. પણ ટ્રમ્પનું તો પેલા દાનેશ્વરીઓ કહે છે કે જમણા હાથે દાન કરો તો ડાબાને ખબર ન પડે, એ જરા અવળી રીતે છે. જમણુ મગજ શું કરે એની ડાબાને ખબર પડે એમ નથી. વેનેઝુએલામાં શું થઈ રહ્યું છે, એ બાબતે વાદળછાયું આકાશ છે. લોકો ખુશ છે કે નાખુશ, સરકાર કોના હાથમાં બધું ધૂંધળું છે. પણ ટ્રમ્પસાહેબે એટલું તો દેખાડી દીધું છે કે અમેરિકા હજુ સુપરપાવર છે. ચીન કે રશિયા આમ માખણમાં છરી જેવું ઓપરેશન એમના સરહદી દાવા માટે પણ કરી શકતા નથી. સ્ટ્રોંગ ડોલર સાથે ધરખમ ઓઇલ મળે તો આ ઢાલિયો પતંગ એકસાથે ઈરાન અને ગ્રીનલેન્ડના પેચ લડાવવા માટે ગગનવામી છે. આડેધડ ઉડતા પતંગને બેકાબૂ સમજવાની ભૂલ કરવા જેવી નથી. આ પતંગ પવનને ફેરવી શકે એમ છે, અને બટકબોલા પ્રેસિડેન્ટસાહેબ ગ્રેસના નામે ઇરાદા છુપાવતા સુંવાળા શબ્દો વાપરવાને બદલે માંજો ચાઈનીઝ દોરી જેવો ધારદાર જીભે રાખે છે !

ફૂદી : ભાજપને સરપ્રાઇઝ આપવા માટે કોઈ જાણતું ન હોય એવા ઉમેદવાર યાને જેને ખુદને 'ઉમ્મીદ' પણ ના હોય એવા નંગપતંગોને ઉચ્ચાસને ગોઠવવાની પ્રેકટિસ પડી ગઈ છે. યાદ કરો ત્રિપુરાના પેલા સીએમ જેમણે બફાવિયા નિવેદનોની હારમાળા સર્જેલી ? (યાદ ને બદલે ગૂગલ કરવું પડે એવા તો ગુમનામ નામો હોય છે આ બધા !) એની વે, અત્યારે બફાટની ચૂહાદૌડમાં ભારે માર્જીનથી આગળ ઉડી રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ! કચરા અને પ્રદૂષણના એક્યુઆઈ જેવા મુદ્દે એમનું ઘોર અજ્ઞાન જાહેરમાં છતું થયા બાદ હમણાં ભગતસિંહે કોંગ્રેસ સરકાર સામે કેવો બોમ્બ ફોડેલો એની વાતો કરવા જતાં એમનું સૂરસૂરિયું થઈ ગયું ! પછી પાછા પીલુડાં પાડતાં (મતલબ રોતાં રોતાં) કહે કે હું જરાક બોલવામાં ભૂલ કરું તો વિપક્ષો મારી રીલ બનાવે છે ! વાચનવિચાર વિનાના, નોનટેલેન્ટેડ લોકોને જીતના મદમાં આગળ કરી દો પછી કાર્ટૂન નેટવર્ક ન્યુઝ ચેનલો પર શરૂ થઈ જાય ! ફૂદી બાળકો માટેના આવા કાર્ટૂનવાળા ઢબૂકડા પતંગને સ્તો કહેવાય !

લંગસિયું : જેનઝીને તો ખાસ સમજવા જેવો પતંગ શબ્દકોશનો આ શબ્દ છે. કોઈ પતંગ મસ્ત ચગતો હોય એમાં અનાચક કોઈક એને કાપવા પોતાનો ઠુમકો લગાવે, એ લંગસિયું ! તારા સુતરિયા બોલીવૂડમાં દેખાતી બેહતરીન સુંદરીઓમાંથી એક છે. એ ને જાહનવી કપૂર ભાઈઓ વીર-શિખર પહાડિયાના સંગ જૂની ગુજરાતી નવલકથાઓની અદામાં પ્રણયફાગ ખેલતા હતા. પણ ભારતની સૌથી ખૂબસુરત દેરાણી-જેઠાણીની જોડી બનતા બનતા રહી ગઈ એવા સમાચારો 'સૂત્રો' થકી આવ્યા છે. આ લખાય છે ત્યાં સુધી કશું કન્ફર્મ તો નથી થયું, પણ વીર ને તારાની મની એન્ડ હની વાળી જોડીનું બ્રેકઆપ થઈ ગયું છે, એવા વાવડ છે. એ.પી. ઢિલ્લો નામના પંજાબી ગાયક (આમ તો પંજાબી દોસ્તો બધા ગાયક જ હોય એવું લાગે છે !)ની કોન્સર્ટમાં જે રીતે તારા પહેલા બ્લેક ને પછી વ્હાઇટ મિની સ્કર્ટમાં સ્ટેજ પર 'ગલબહિયાં' (કેવો મીઠડો શબ્દ છે !) કરી રહી હતી ને એમાં લગીર ચૂમ્માચાટી પણ થઈ, એ તો સરાજાહેર ઉઘાડેછોગ પાર્ટીમાં આવેલા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ પર નખાયેલું લંગસિયું હતું ! અને એવું લાગી રહ્યું છે કે પેલા 'મોઢું ફાટેલું રહી ગયું' વાળા રિએકશનની એકિટેડ હોય તો પણ વાઇરલ થયેલા વિડિયોએ પ્રેમનો ઉડતો પતંગ કાપી નાખ્યો છે !

ફટી પતંગ : યાને કપાયેલી 'કટી' નહીં પણ ઉડવા જતા ફાટી ગયેલી પતંગો ! જેમકે, પ્રજ્ઞાચક્ષુ પદ્મભૂષણ એવા રામભટ્ટાચાર્યજી દેખીતી રીતે જ યંગ જનરેશનને આકર્ષી શકે એવા શિવાનીદીદી, સદ્ગુરૂ જગ્ગી વાસુદેવ કે શ્રી શ્રી રવિશંકર જેવા તો એ છે નહિ, પણ બાકાયદા રટ્ટામાર જ્ઞાનના 'થોથા પંડિત' સાબિત થઈ રહ્યા છે. એમને ટેવ પડી ગઈ છે કે વારંવાર કંઈ પણ ભરડી નાખવું પૂરી જાણકારી વિના ને હોહા થાય તો મારો આવો મતલબ નહોતો હું તો એના બાપ જેવડો છું કરીને ફેરવી તોળવું. હમણાં એમણે ઓપરેશન સિંદુરની સ્ટ્રેટજી પીએને એમને પૂછીને નક્કી કરેલી એવું ધુપ્પલ ચલાવી પોતાને ફજેતો નોતરેલો. પછી કોઈ જાતની ગતાગમ વગર કોઈકે ગપોડી વોટસએપ મેસેજ વાંચી સંભળાવ્યા હોય એમ શાહરૂખખાનનું કેરેકટર સર્ટિ ફાડવા લાગ્યા. હદ તો ત્યારે થઈ કે લોકપ્રિયતાની જલન હોય એમ હસમુખા પ્રેમાનંદ મહારાજ વિશે પણ આમ જ ટીકાઓ કરતા હતા. એમની હડફેટે તો ગાંધીબાપુ પણ ચડી ગયા છે અને નફરતી ઝેર એવું છે ચિત્તમાં આટલા શાસ્ત્રો વાંચ્યા પછી કે બ્રાહ્મણોમાં પણ ઉંચુ કોણ ને નીચું કોણ એવું નિવેદન પણ આપતા હતા ! અર્થાત સતત શ્રેષ્ઠતાના પવનમાં ફુલાઈ જવાની જ આદત છે, પણ વાસ્તવમાં બાકોરાવાળો ફાટેલો પતંગ ઉડી શકતો નથી !

કટી પતંગ : બિચારો મોહમ્મદ શામી. ફિટ છે, ફોર્મમાં છે. વિકેટો લે છે ને ભારતને એક દમદાર બોલરની તાતી જરૂર પણ છે પણ પવન એટલો સિરિયસ યાને ગંભીર થઈને પડી ગયો છે કે ના કોઈ ઉમંગ હૈ, ના કોઈ તરંગ હૈ જેવું ગીત ગાતા ડોમેસ્ટિક ક્રિકેટની ડાળે ઝૂલ્યા કરવાની જ નિયતિ છે. ડિટ્ટો ટીમમાં લઈને પણ પૂરી તક નથી મળી એવો ધમધોકાર રન કરતો સરફરાઝ ખાન ! પરફોર્મ કરો ને ચાન્સ જરૂર મળશે વાળી મોટીવેશન સ્પીચ અપગ્રેડ કરીને પરફોર્મન્સ સાથે નેટવર્કિંગ શીખશો તો ચાન્સ મળશે એમ કરી નાખવાનું મન થાય ! આમ જ વન ડેમાં સંજુ સેમસન સારું રમતો હતો તો ખરાબ કરવા એનો ક્રમ ઉલટસૂલટ કરીને એને કાંઠે ફરજિયાત બેસાડી દેવાય ત્યારે ! પતંગમાં પ્રોબ્લેમ નથી, પણ કાપીને ફેંકી દેવામાં આવે તો ફિરકી વિના ઉડે કેવી રીતે !

ગોથામારું : ઉપર ઉડવાને બદલે વારંવાર આડાઅવળા ગોથાલિયા ખાતા પતંગમાં આજકાલથી નહિ, વર્ષોથી સુબ્રમણ્યમ સ્વામી એકદમ ફિટ બેસી ગયા છે. છેક ૨૦૧૨-૨૦૧૩માં જ્યારે એમના બેસિસ્પેરના આક્ષેપોની વાર્તાઓને ભોટ એવા પક્ષભક્તગણ સનાતન સત્ય માની માથે ચડાવતા હતા, ત્યારથી નક્કી કરેલું કે 'આ સોબત કરતા શ્વાનની બે બાજુનું દુ:ખ, ખીજ્યું કરડે પિંડીએ રિઝ્યું ચાટે મુખ' જેવું કેરેક્ટર છે. કઈ બાજુ ગોથું ખાશે નક્કી નથી. એ જે સાઈકિક કોન્સપિરસી થિયરીઝ ભરડયા કરે છે, એ મૂળ એમના મનોતોગી હોવાની નિશાની છે. આવા ઘણા ઓનલાઈન વિશ્વમાં આંટા મારતા સાયકોઝ છે. કોઈના પર ગમે તેવા આક્ષેપાત્મક ગપ્પા જોરશોરથી મોટું સત્યશોધન કર્યું હોય એમ કહે, એ બહાને પબ્લિસિટી ખંખેરે. વાતમાં કંઈ તથ્ય હોય નહિ, પણ એના જોરે એને સાચું માની લેતા લોકો હવે ચૂપ છે કારણ કે સ્વામીજીની ઠોકમઠોક તેમનું નાળચું પોતાના જ પક્ષના આગેવાનો તરફ છે. એ સોનિયા-રાહુલ બાબતે પણ ભરોસાપાત્ર નહોતા ને મોદી - શાહરૂખ બાબતે પણ નથી. આવા પતંગ ચગે નહિ, ચગાવનારના હાથે ઉઝરડા કાપા પડે !

નમણિયો : આવા પતંગ કદી સીધા ચગે જ નહિ, એક બાજુ ઝૂકેલા જ રહે. અર્ણવ ગોસ્વામી ટાઈપ ! પહેલા ચીસાચીસી કરીને સરકારને સાચા જેન્યુઈન સવાલ પૂછનારાઓની બોલતી બંધ કરી ને વન વે માઉથપીસ જેમ ન્યુઝ ચેનલો ચલાવી. હવે અચાનક પબ્લિકના વડીલ થઈ અરવલ્લી જેવા એક પછી એક મુદ્દે સરકારની વિરૂદ્ધ દિશામાં નમવા લાગ્યા. આથી ઉંધું રાજદીપ સરદેસાઈ કરી ચૂક્યા છે. એકધારા વિરોધ બાદ હવે પ્રસંશાના રસ્તે છે. આવા બધા મીડિયા માંધાતાઓ નમણિયા પતંગો થતા રહે છે. એ સ્થિર પોતાની રીતે ઉભા નથી રહી શકતા. એક દિશામાં ઝૂક્યા જ કરે છે !

છપ્પર : એકધારો ઉંચે ને ઉંચે પતંગ જતો હોય એ અચાનક સડસડાટ ઉપરથી નીચે આવી જાય એ છપ્પર મારેલો પતંગ કહેવાય. સૌરભ દ્વિવેદી જેવો ! હવામાંથી સીધો નીચે. હજુ હમણાં તો ચોમેર ગિરીજા ઓકથી જાવેદ અખ્તર સુધી ધૂમ મચેલી હતી. લલ્લનટોપની અને કારકિર્દીની ટોચ પર હતા, ત્યાં ભેદી રીતે પોતે જ ઉભી કરેલી ચેનલ છોડીને ઇન્ડિયા ટુડે ગુ્રપમાંથી વિદાય લીધી ! સટ્ટાક નીચે ! અલબત્ત, એ તો 

નવું આકાશ, નવી ફિરકી શોધી લેવા સક્ષમ છે. એટલે ફરી ચગશે. પોપ્યુલારિટીના પવનમાં પણ. જે ગતિએ સપાટાબંધ સ્થાન છોડયું એમાં છપ્પર મારવી યાદ આવ્યું !

બરેલી દોરી : એક સમયે સુરતી ને બરેલી માંજા રાજ કરતા હતા, પછી ચાઈનીઝ દોરીનો જમાનો આવ્યો. પણ ટિકટોકના બેનમાં રીલના દરવાજા ખુલી ગયા, એમ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મૂકાતા ફરી બરેલી દોરીની માર્કેટ ખુલી 

ગઈ ! રાજકારણમાં ઘણી વખત લાંબો સમય બેકગ્રાઉન્ડમાં રહેતા નેતાને અચાનક લાઈમલાઈટમાં આવવાનું મળે છે, એમ અક્ષય ખન્ના અને બોબી દેઓલ એમની જવાનીમાં જેટલી લોકપ્રિયતા ના મેળવી શક્યા એ વાઈરલયુગમાં મેળવીને કમબેક કરી ગયા ! માંજો જેવો જ એક અંગ્રેજી સ્લેગ વર્ડ છે : મોજો. તો આ મોજો-માંજો બેઉનો મજબૂત છે, એટલે સરપ્રાઈઝિંગલી સુપરહિટ થઈને કમબેક કરી ચૂક્યા છે !

ઠુમકા : ઘણા પતંગ ઠુમકા મારતા રહે છે. એ ચગે ત્યારે પણ ઠુમકા મારવાનું છોડતા નથી. કુમાર વિશ્વાસ જેવા. મમતા બેનરજીથી યોગી આદિત્યનાથ બધી દિશામાં ઠુમકા લગાવે પણ પોતાનો પતંગ કદી કપાવા ન દે ! પોતે જ કહે છે, નેતાઓની ટ્રોફી ના બનો. જનતા મહોબ્બત કરે છે, એ જોઈને રાજકારણીઓ માનપાન આપે છે. જનતાની જોડે રહો ! ભલે પોતાના જ સ્ટેટમેન્ટમાંથી ઠુમકા મારતી ગુલાંટ મારવી પડે પણ કપાવાનું નહિ !

છાશિયો : અચાનક ઉપર જતો પતંગ નીચે આવે ને પછી ગમે તેટલી માથાકૂટ કરો, ઉપર જાય જ નહિ. એ આનું નામ. અમુક કલાકાર હિટ થતા થતા બસ, ધડાધડ ફ્લોપ થવા લાગે. કોઈ અગાઉ બહુ વ્હાલા હોય કોઈના ત્યાંથી અચાનક દરવાજા ભીડાઈ જાય અને આમંત્રણ બંધ થઈ જાય એ છાશિયા ! મહારાષ્ટ્રના મુખ્યમંત્રીમાંથી બીએમસીના કોર્પોરેશનની ચૂંટણી અસ્તિત્વનો સવાલ થઈ જાય એવા ઠાકરેપુત્ર હોય કે એકધારી હિટમાંથી એકધારી ફ્લોપે પહોંચેલા અક્ષય હોય, આ બધા પવન પડી જતા 'છાશ' મારતા થયા છે ! અને ભફાંગ નીચે. ફરી અનુકૂળ પવનની રાહમાં કોંગ્રેસ પક્ષની જેમ !

ઘેંશિયો : ઘેંસ બનાવી હોય એવો પાતળો પતંગ ઘેંશિયો કહેવાય. આજકાલ મોડેલિંગમાંથી સ્ટાર બનવા નીકળી પડેલ કન્યાઓ જેવો પાતળો પતંગ ! એ ક્યારે ફાટી જાય એનો ભરોસો નહિ, પણ બસ ચગી જાય એટલા પૂરતું ચાલી જાય. આ 'સય્યારા'ના હીરોહીરોઈન જેવું. કંગના રણૌત જેવું. વાતમાં કંઈ દમ ન હોય પણ થોડો સમય ઉડી લે !

તુક્કલ : એવા ફાનસ જે કોઈને કોઈ પતંગના સહારે ઉડયા કરતા હોય. પેલા ચક્રમ ફિલ્મમેકર અભિનવ કશ્યપની જેમ ફિલ્મ બનાવતા આવડે નહિ પણ કોઈકને ગાળો દઈ ફેમસ થવું હોય એવા. અત્યારે મોટું તુક્કલ તો પેલા બાબા રામરહિમ છે, જેમને રેપ એન્ડ મર્ડર જેવા સંગીન ગુનાની સજામાંથી એટલા પેરોલ મળ્યા કરે છે, કોઈ સત્તાધીશ ફિરકીની મહેરબાનીથી કે ફાનસ ઓલવાતું જ નથી ને ! આપણા દેશમાં સજા જાહેર થવાથી સજા નથી થતી એના નક્કર નમૂના જેવા તુક્કલ ઠેકઠેકાણે છે !

તો મહુવા મોઈત્રાના લગ્નની જેમ ગુપ્ત દાન કરતા રહો ને આવી બધી જિંદગીની ખાટીમીઠી ભૂલવા પતંગો ચગાવો નહિ તો કોઈના ચગે એ હરખથી નીરખતા રહો !

ઝિંગથિંગ

ગજબ દેશ થઈ ગયા છીએ આપણે. પરદેશમાં હિન્દુઓ મરે એની ચિંતા કરીએ છીએ. પણ સ્વચ્છતા માટે એવોર્ડ લઈ જતા શહેરમાં દૂષિત પાણી પીવાથી નાગરિકો મરે એની નહિ!