Get The App

2022ના અંત પહેલા આ ફિલ્મો જોઈ લીધી?

Updated: Dec 13th, 2022

GS TEAM


Google News
Google News
2022ના અંત પહેલા આ ફિલ્મો જોઈ લીધી? 1 - image


- અનાવૃત-જય વસાવડા

- ઓક્ટોબર 1: કોઈ મજૂર જેવો લાગતો ડિટેક્ટીવ સાઇકલ પર ફરતો હોય ગામડામાં એવી ડિટેકટીવ ફિલ્મ ભાગ્યે જ જોઈ હશે. આ નાઇજીરિયન ફિલ્મ એ રીતે કમાલની છે, જેમાં સસ્પેન્સની સાથે હિસ્ટ્રી પણ ગૂંથવામાં આવી હોય.

ના, ના. જે જોવાતી જ હોય એવી સીતારામમ કે વિક્રમ, ફક્ત મહિલાઓ માટે કે દ્રશ્યમ કેજીએફ વગેરેની વાત નથી. અને અગાઉના વાર્ષિક ચેકલિસ્ટ કે સ્વતંત્ર લેખોમાં આવી હોય એની પણ નહિ. એ સિવાય આ વર્ષે રહી ગયેલા વેકેશન આર્ટિકલ્સની કસર પૂરતી સીરિઝની યાદી આ રહી.

(૧) લવિંગ એડલ્ટસ: કરોડ રૂપિયાની ટિપ મફતમાં. ઝટ આ ડેન્માર્કની નેટફલિક્સ પર રિલિઝ સાથે ૫૦થી વધુ દેશોમાં નંબર વન બનેલી ફિલ્મના રાઈટસ ખરીદી લો! થોડાક ઇન્ડિયન રિરાઈટ સાથે સ્યોરશોટ વિન્ટ હાથમાં આવશે ! બે જણ, પતિ અને પત્ની વચ્ચે ચાલતી ફાઈટસ અને એમાંથી ઉભા થતા ટ્વીસ્ટસ ! દર પંદર મિનિટે વાર્તા અણધાર્યા વળાંકમાં જતી રહે. શરૂઆત જ કેવી ધાકડ ! એક પોલિસવાળો પોતાની લગ્નોત્સુક પુત્રીને પ્રેમ અને લગ્નના ગેરફાયદા સમજાવવા માટે એક રહસ્યમય કેસની વાત કરે અને અફેર પ્લસ મેરેજના તાણાવાણા શરૂ થાય. જસ્ટ વોચ ઇટ.

(૨) નોપ: જોડર્ન પીલ ઇઝ મેન ટુ વૉચ. આ બ્લેક ડાયરેક્ટરે પહેલા 'ગેટ આઉટ' બનાવી, પછી 'અસ' બનાવી. હોરરમાં સાયન્સ સાથે ફિલોસોફીનું અદ્ભૂત કોમ્બિનેશન. હવે એલિયન સાયન્સ ફિકશન 'નોપ' બનાવી. અદ્ભૂત આંખો ધરાવતા અભિનેતા ડેનિયલ કલુયા તો છે જ અને રક્ષાબંધન પર જોઈ શકાય એવી ભાઈબહેનને મેઈન લીડ બનાવતી સ્ટોરી છે. અવકાશમાં રહસ્યમય પદાર્થ દેખાયાની વાતોને ગૂંથી આખો એક રિવેન્જ ડ્રામા હળવે હળવે આકાર પામે છે. દિલધડક અને દિલચસ્પ ફિલ્મ.

(૩) ધ મેનૂ: આ ફિલ્મ પર તો સ્વતંત્ર લેખ લખવાનું મન છે. કલાસિકલ પ્લોટના લાજવાબ આર્ટિસ્ટિક ટ્વીસ્ટને લીધે પણ એ માટે બધા એ જુએ એ જરૂરી છે ! એટલે સ્તો આ ભલામણ એક ટાપુ પર એક ફેમસ શેફના મોંઘાદાટ ડિનર માટે બાર વ્યક્તિઓને આમંત્રણ મળે છે. લહેજતદાર ભોજન પાછળ રાઝ છે રક્તરંજીત. જેના પડળ ધીરે ધીરે ખુલે છે અને ધાર પર આવી જાય પ્રેક્ષક સીટની એવો ડ્રામા રચાય છે. રાલ્ફ ફિનેસ અને આના ટેલર જોયની અદ્ભૂત જુગલબંધી. શેલો યાને તકલાદી થતા માર્કેટ ફ્રેન્ડલી જીવન પરનો કાતિલ કટાક્ષ.

(૪) બ્લેકકલાન્સમેન: ડેન્ઝલ વોશિંગ્ટનના દીકરાને ચમકાવતી આ સ્વાઈક લી દિગ્દર્શિત ફિલ્મ ફેક્ટ ને ફિકશનનું મર્મવેધક મિશ્રણ છે. એક જ જાતિ, રંગ, ધર્મ તરફ નફરતના પ્રચારથી કેવું બ્રેેેઇનવોશિંગ થાય, અને કોઈ એકાદ પુસ્તક કે ફિલ્મમાં મીઠુંમરચું ભભરાવી કરેલી અર્ધકાલ્પનિક વાતો લાંબા ગાળે કેવું વિભાજન કરી શકે એનો ઉઘાડો અને કાળજું કોરતો સત્ય ચિતાર એમાં છે. કથાબીજ પણ સત્યઘટના ઉપરથી છે. કુ કલકસ કલાન એ કાળાઓને મારવા માટે અમેરિકન ધોળાઓએ ઉભી કરેલી ફાસીવાદી સંસ્થાની સોચ અને કુકૃત્યોને રોકવા પોલિસના એક બ્લેક ઓફિસરને વેશપલટો કરીને જવાનું થાય છે. ડાર્ક કોમેડીના રેપરમાં થ્રિલર જ નહિ થોટફૂલ પેકેજ આખું મળે જુઓ તો.

(૫) વન ડે: એન હેથવેની આ ૨૦૧૧ની ફિલ્મ બ્યુટીફુલી રોમેન્ટિક તો છે જ, પણ સાથોસાથ મેરેજ અને કાળક્રમે બદલતી રિલેશનશિપ્સનો સમજવા જેવો દસ્તાવેજ છે. બે પાત્રોના જીવનનો એક દિવસ એમાં ૨૦ વર્ષ સુધી બતાવાયો છે. એ કોલેજમાં મળ્યા એ દિવસની તારીખે પછીના વર્ષે એ પછીનાં વર્ષે, એ પછીના વર્ષે શું થયું એમના જીવનમાં કેટલા નજીક આવ્યા, કેટલા દૂર ગયા. જીવનમાં કોણ આવ્યું, રસ્તાઓ કેવી રીતે ફંટાયા - બધાના જીવનમાં આવું થાય પણ આમ એકસાથે એક જગ્યાએ ઉભીને દાયકાઓ જુઓ તો જરા સહેલાઈથી સમજાય. એની વચ્ચે આમાં ગૂંથાયેલી છે પ્રેમની કરૂણ મધુર ક્ષણો.

(૬) લોસ્ટ સિટી: ઇન્ડિયાના જોન્સ ટાઈપ જૂના ખજાના શોધવાની ફિલ્મો તો આમેય જોવી ગમે. પણ આ ટિપિકલ પ્લોટમાં જોરદાર લોકેશન સાથે ધારદાર હ્યુમરનો વધારો થાય તો બેનમૂન મનોરંજન મળે ! આન્ડ્રા બુલોકની આ ફિલ્મ એવું પેકેજ છે. મસ્ત હળવાફૂલ ડાયલોગ્સની રોમેન્ટિક અને સેલ્ફ ડેપ્રિશિએટિંગ યાને ખુદ પર તેજ કરતી મસ્તી અને જમાવટ કરી દેતું એકશન. જે હીરો લાગે એ તરત હીરો ન નીકળે ને જે ખજાનો લાગે એ સીધો ખજાનો ન નીકળે ટ્વીસ્ટમાં ગૂંથેલો રોમાન્સ. મજા પડી જાય એવી ફિલ્મ.

(૭) વન્સ અપોન અ ટાઇમ ઇન મેક્સિકો: રોબર્ટ રોડરિગ્ઝની 'અલ મરિયાચી' ટ્રાયોલોજીની આ છેલ્લી ફિલ્મ. બીજી રીતે, ઓન્ટેનિયો બેન્ડેરાસની ડેઓરેડોની સિકવલ. સલમા હાયેક તો છે જ એમાં મદમસ્ત. પણ જલવો જેની ડેપનો ય જોવા જેવો છે ! એકશનને ય જાણે ડાન્સની જેમ કોરિયોગ્રાફ કરવામાં આવે અને જોડે હ્યુમર તો આવ્યા જ કરે. સ્પેનિશ કલ્ચરનું બેકડ્રોપ અને ગેંગવોરની ધમાધમ.

(૮) ઓક્ટોબર ૧: ડિટેક્ટીવ ફિલ્મો તો ઘણી જોઈ હશે. પણ કોઈ મજૂર જેવો લાગતો ડિટેક્ટીવ સાઇકલ પર ફરતો હોય ગામડામાં એવી ડિટેકટીવ ફિલ્મ ભાગ્યે જ જોઈ હશે. આ નાઇજીરિયન ફિલ્મ એ રીતે કમાલની છે. જેમાં સસ્પેન્સની સાથે હિસ્ટ્રી પણ ગૂંથવામાં આવી હોય. સિરિયલ કિલર સ્થાનિક યુવતીઓને મારતો હોય એની સાથે બ્રિટિશરોથી મળતી આઝાદીનું રાજકારણ ચાલતું હોય. અણીશુદ્ધ આફ્રિકન ફિલ્મ.

(૯) બુલેટ ટ્રેન: આ વર્ષે આવેલી આ મલ્ટીસ્ટારર ફિલ્મ પણ એન્ટરટેઈન્મેન્ટનો ટોપલો છે રીતસરનો. આજની નેટીઝન જનરેશનની સ્પીડનું એક્શન. એમાં સ્માર્ટલી ગૂંથવામાં આવેલો પ્લોટ. ધીરે ધીરે પત્તાની બાજીની જેમ ખુલે. અને શું મસ્તમનસ્ત સંવાદો લખાયા છે. આહાહા. અંગ્રેજીમાં એની લિજ્જત કંઈક ઓર જ આવે ! ડલ મોમેન્ટ જ નહિ ને. ફિલ્મ પણ ટ્રેનની સાથે જ ભાગે. સ્ક્રીનપ્લે લખવાની કળા આવડી જાય એવી ફિલ્મ !

(૧૦) વિવો: બચ્ચાંલોગને એનિમેશન જોવું હોય તો આ મ્યુઝિકલ મૂવી રસદાર અને કસદાર છે. એક સરસ પ્રેમકથા અને સાહસકથાની ગૂંથણી છે એમાં ઓળખની તલાશ સાથે. સિંગ અને પીટર રેબિટની સિક્વલ જોઈ લીધા પછી કોકોની આભામાં બનેલા આ મ્યુઝિકલ એનિમેશન પર નજર નાખવા જેવી ખરી.

(૧૧) ૩૦ મિનિટસ ઓર લેસ: ફિલ્મ એક દસકા જૂની ખરી પણ આજની જનરેશનને કોઈ વેબસીરિઝ જેવી મજા કરાવી દે એવી ! એક પિત્ઝા ડિલીવરી બોયને બોમ્બ પહેરાવી બેન્ક લૂંટની સાજીશમાં ધકેલવામાં આવે અને પછી ગાંડી થયેલી કૂકરીને લીધે જો થઈ છે જેવો હાસ્યના હુલ્લડ જેવો ઘાટ સર્જાય ! થ્રિલર કોમેડી.

(૧૨) ૪૦૦ બ્લોઝ: ક્રિટિકમાંથી ફિલ્મમેકર બનેલા અને નાની ઉંમરે ગુજરી ગયા હોઈ અપાર શક્યતઓથી ઈરફાનની જેમ વંચિત કરી ગયેલા ફિલ્મમેકર ફ્રાંઝવા ત્રુફાંની આ ૧૯૫૯ની કમિંગ ઓફ ધ એજ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ તો સ્ટીવન સ્પીલબર્ગ, માર્ટીન સ્કોરએન્ડી, અકીરા કુશેસાવા, સત્યજીત રે, રિચાર્ડ લિંકલેટર, વુડી એલન, વેસ એન્ડરસન જેવા દરેક ધુરંધર ફિલ્મમેકર્સના ફેવરિટ લિસ્ટમાં આવી ગઈ ! એક બાળક જે તરૂણાઈમાં પ્રવેશ કરે છે અને માતા-પિતાના તૂટેલા લગ્નને લીધે ઘરમાં અને નીરસ શિક્ષકોને લીધે સ્કૂલમાં પરેશાન થઈ વારંવાર ભાગી છૂટે છે, એની જજમેન્ટલ થયા વિના મનોભાવોની વાત કહેતી ફિલ્મ. પછી એ પાત્રની જ જીવનકથા આગળ ધપાવતી કુલ પાંચ ફિલ્મો ત્રુફાંએ બનાવી ! એમાંની આ પહેલી.

(૧૩) ધ અનહોલી: આ હોરર ફિલ્મ પ્રમાણમાં નાના સ્કેલની છે. પણ એની મજા એ છે કે એ સિફતથી સવાલ મૂકે છે કે ચમત્કારથી પ્રભાવિત થતા હો તો ભગવાન ને ભૂતમાં ઝાઝો ફરક જ નથી ! અને જોવામાં વધુ સ્ટ્રોંગ એટલે લાગે કે એમાં જે ખલનાયિકા પ્રેતાત્મા છે, એ ચર્ચમાં પાદરીઓનો જ ખાત્મો બોલાવી દે એવી અબીટેબલ છે. તો એને નાથવી કે હંફાવવી કેવી રીતે ? જુઓ.

(૧૪) ધ ગેમ: માસ્ટર સ્ટોરીટેલર ડેવિડ ફિન્ચરે જમાના જૂના આધ્યાત્મિક દર્શન કે જીવન અંતે તો જેના વગર જીવી ન શકાય એવી બાબતો વિના જીવતા શીખવાની તાલીમ છે, એના અર્થ વિસ્તારરૂપે ૨૫ વર્ષ જૂની હોવા છતાં જકડી રાખે એવી ફિલ્મ માઇકલ ડગ્લાસને લઈને બનાવી. એક મગજનો તોરીલો અને ગુમાની અબજપતિ એકલો રહે છે મોટી હવેલીમાં. જેના જન્મદિને એને એક લાઇવ ગેઇમ રમવાની ભેટ મળે છે, અને પછી સર્જાય છે એને આંતરડામાં પરસેવો પડાવી દે એવી ધમાચકડી !

(૧૫) હિટ: મૂળ આ સાઉથની ફિલ્મ. એ જ ડાયરેક્ટરે રાજકુમાર રાવને લઈને બનાવી. ક્લાઈમેક્સ ઓવર ધ ટોપ લાગે પણ એક સુરેખ સસ્પેન્સ થ્રિલર જેમાં શેરલોકની માફક કલુ ગોતવાની હોય અને વાર્તા પ્રેક્ષકોને સાથે લઈને આગળ વધે, એ રીતે જરૂર મોજ પડે જોવાની. રાજકુમાર રાવનું એવરગ્રીન કન્વિન્સિંગ પરફોર્મન્સ. દક્ષિણમાં તો એની તેલુગુ સિક્વલ પણ બની ગઈ છે.

(૧૬) બુલી: ૨૦૦૧ની આ ઓફબીટ અમેરિકન ફિલ્મ બોબી કેન્ટ નામના એક હાઈસ્કૂલમાં ભણતા દાધારંગા ને ભારાડી છોકરાના મર્ડરની સત્યઘટના પર આધારિત છે. એમાં બુલી થઈને બીજાને દબાવતો છોકરો ને એની ઘરમાં ઠાવકી અને ગુ્રપમાં શેતાન જેવી ઈમેજની સાથે જે રીતે ફરે છે, એની સામે એની ગંદી હરકતોનો ભોગ બનેલા અન્ય ટીનએજર્સ બળવો કરે છે. બધા ગ્રે શેડ્સના છે. કોઈ ડ્રગ્સમાં, કોઈ સેક્સમાં, કોઈ વિચિત્ર બાળપણમાં, કોઈ લુખ્ખાગીરીમાં અને ઝાઝું કલીયર વિચારી શકે એમ નથી. અને ભેગા થઈ બુલી બોયનું મર્ડર પ્લાન કરે છે. ડિર્સ્બિંગ ફિલ્મ છે એ ચેતવણી સાથે જ જોજો. આવા જ ટીનએજર્સ બે દસકે અમેરિકાને બદલે આપણી આસપાસ વધવા લાગ્યા છે, ત્યારે એમનો આબાદ બ્રેઈન સ્કેન કરતી લેરી કલાર્કની ફિલ્મ જોવા જેવી ખરી.

(૧૭) લવર્સ ઓફ આર્કિટિક સર્કલ: માને પ્રેમ કરતો છોકરો માના ગયા પછી બાપ સાથે રહે અને સ્કૂલમાં એ છોકરીના પ્રેમમાં પડે. જેની મા સાથે એનો હવે સિંગલ રહેતો બાપ પ્રેમમાં પડયો હોય. મૂળ તો વાત હળવેકથી આમાં કહેવાઈ છે એ કે લવર્સ જે અંદરથી સળગતી પેશન ફિલ્મ કરે પણ દુનિયાદારીના કોઈ બંધનથી પરાણે વિખુટા પડે. મળતા મળતા રહી જતા પ્રેમીઓ આગળ તો વધે છે લાઈફમાં પણ પાછળ જે છૂટી ગયું, એ ભૂલી નથી શકતા. ત્યારે ફરી ફરી બધું છોડી પ્રેમ મેળવવા તરફ ખેંચાય છે, પણ નીયતિ એમને ચકરાવે ચડાવે છે, એ પછી... વોચ ઈટ.

(૧૮) ચૂપ: સની પાજી કમબેક બાલ્કીની ફિલ્મમાં કરે એટલે નહિ, પણ નોવેલ કોન્સ્પેટ માટે. જેમાં આખી એક ડિબેટ છે ક્રિટિક્સ એન્ડ ક્રિએટર પરની, એ ય સીરિયલ ક્લિર પ્લોટમાં ! ઈન્ટરેસ્ટિંગ !

(૧૯) ઈન્ફર્નલ અર્ફેસ ટ્રાયોલોજી: આ ૨૦૦૨થી ૨૦૦૩ સુધીમાં આવેલી ત્રણ ભાગની ચાઈનીઝ ફિલ્મ અનુરાગ કશ્યપો ને માર્ટીન સ્કોરસીઝીઓ (જેમણે પહેલા ભાગની રિમેક ડિપાર્ટેડ બનાવેલી)ને ભૂ પાઈ દે એવી છે. 

કોમ્પલેક્સ એન્ડ ક્વોલિટી. ડોનલાઇક જમાના જૂનો પોલિસ અધિકારી એક ગેંગમાં પોતાનો છદ્મવેશી ખબરી નાખે છે. જેની બીજાને ખબર નથી. પણ વાત આટલી સિમ્પલ નથી. એમાં ક્રાઈમ, પોલિસ, પાવર, પોલિટિક્સ, લવ, ફ્રેન્ડશિપ, અમીરી-ગરીબી વગેરેનું આખું એક જાળું ધીમે ધીમે ખૂલે છે. વિલનની પણ બેકસ્ટોરી છે. દરેક પાત્રોના ગ્રે શેડસ છે. જેવા માટે આંખો સાથે મગજ ઈન્વેસ્ટ કરવું પડે એવી ફિલ્મ છે આ ! સિનેમાની કળાને ચાહતા મિત્રો માટે મસ્ટ.

(૨૦) મૃગતૃષ્ણા: પેન નલિનનો 'ધ લાઈટ ફિલ્મ શો' તો હવે ઇન્ટરનેશનલ લેવલ પર ગાજી ઉઠયો. અને ઓસ્કારમાં તો ધૂમ મચાવવા પોતાના બાળપણ પરની સ્ટીવન સ્પીલબર્ગની 'ધ ફેલાલમેન્સ' પણ છે. પણ આ એક નાનકડી ગુજરાતી ફિલ્મ ખેંચવું જોઈએ, એટલું ધ્યાન ન ખેંચી શકી. જેમાં એક જુદું ઉત્તરનું ગ્રામીણ ગુજરાત છે. એની બોલી અને ગામડું છે. અને 'બ્રિજ ટુ ટેરાબિથિયા' ફિલ્મના સ્વપ્નલોકની જેમ નદીપાર જાવાનું બાળકોનું એક માસૂમ કુતૂહલ છે. સ્ટીવન કિંગના 'સ્ટેન્ડ બાય મી'ની યાદ દેવડાવે એવું અને ગુજરાતી જોની ડેપ એવા જયેશ મોરેનું ફક્કડ પરફોર્મન્સ છે. કળશ છતાં જામફળની જેમ ભાવે એવી પારદર્શક પરફોર્મન્સની ગુજરાતી બાળફિલ્મ.

(૨૧) ધ લાસ્ટ હોલિડે: આમ ટિપિકલ લાગે એવી પણ આમ ફીલગુડ હૂંફ કરાવી દે એવી આ ફિલ્મ રજામાં આરામથી ખાસ જોવા જેવી છે. એકલી રહેતી નારી દંભી દુનિયાથી કંટાળેલી છે અને જ્યારે એને દરવાજે અંતના ટકોરા સંભળાય છે, ત્યારે દુઃખી થવાને બદલે મોજથી જિંદગી જીવી લેવા નીકળે છે. ડ્રીમ વેકેશન ઉપર અને કોમેડી, રોમાન્સ, થ્રિલ્સ બધું જ છે. સૌથી મજા એકલપંડે જલસા કરવાના મેસેજ અને પ્રિન્ટેન્ડિંગ લાગતા ચાંપલા દેખાડાથી દૂરની મસ્તીની છે. મસ્ટ સી, મસ્ત સી.

ઝિંગ થિંગ

'આજ કી દુનિયા મેં લોગો કે નેચર 

નહિ...નેટફિલક્સ ચાહિયે, પેડ નહિ, આઇપેડ ચાહિયે, લોકબક્સ નહિ, સ્ટારબક્સ ચાહિયે. લોગોં કે જંગલ સે જ્યાદા જંગલ બુક ઔર ટાઈગર સે જ્યાદા ટાઈગર શ્રોફ પસંદ હૈ !'

(વનલાઈનર કોમેડીથી ભરપૂર ભેડિયાનો સંવાદ)

Tags :