mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સફર પીછે કિ જાનિબ હૈ, કદમ આગે કી ઓર... મૈં બૂઢા હોતા જાતા હૂં, જવાન હોને કિ ખાતિર!

Updated: Sep 12th, 2023

સફર પીછે કિ જાનિબ હૈ, કદમ આગે કી ઓર... મૈં બૂઢા હોતા જાતા હૂં, જવાન હોને કિ ખાતિર! 1 - image


- અનાવૃત - જય વસાવડા

- બોલકા વિરોધીઓ થિયેટરમાં જાય નહિ અને ગેરકાનૂની પાઇરસીમાં ફિલ્મો મફત જોઇ અપરાધ કરે ને પૈસા ખર્ચી ફિલ્મો જોવા જનાર બધા બોલકા ન હોય ને મનોરંજનને માથાકૂટનો ઇસ્યુ ન બનાવે!

''ને વુંના દાયકાના અલ્ટીમેટ લવર બોયમાંથી લગભગ એક દસકાનો સંઘર્ષ કરીને લેટ ફોર્ટીઝથી મિડ ફિફટીઝ સુધી ઓડિયન્સ સાથે નવેસરથી કનેકશન બનાવવાની મથામણ બાદ અંતે સાઠની લગભગ નજીક હો ત્યારે પણ ભારતની વિશાળ જનમેદનીમાં ફરી પોપ્યુલર સુપરહીરો તરીકે ઉપર ઉઠવું એ રિયલ લાઈફમાં સુપરહીરો હોવાની નિશાની છે. મને યાદ છે, ઘણીવાર લોકોએ એની ટીકા કરી, એની પસંદગીની મજાક ઉડાવીને એના નામનું નાહી નાખ્યું. પણ એનો સંઘર્ષ તો લાંબી કારકિર્દી ધરાવતા અને પોતાની જાતને નવેસરથી નવા રૂપરંગમાં પ્રસ્તુત કરીને ફરી મજબૂતીથી કરિઅર જમાવવા માંગતા દરેક આર્ટિસ્ટસ માટે માસ્ટરક્લાસ છે. શાહરૂખખાન - એસઆરકે તો સિનેમાનો ભગવાન છે અને માત્ર એના ગાલના ખંજન અને હૂંફાળા આલિંગન માટે જ નહિ પણ એક આખા (ફિલ્મમાધ્યમ અને માનવતાના) વિશ્વને બચાવવા એની જરૂર છે. શાહરૂખ, તમારા ખંત, મહેનત અને ચિરંજીવ નમ્રતાને હું દંડવત કરું છું !''

કોણે લખ્યું આ ? જવાન રિલીઝ થઈ એ સમયે બોલીવૂડના નેપોટિઝમ માટે ખુલ્લેઆમ બોલતી અને ભગવા ઝંડીધારી પ્રોફાઈલોની આઈકોન બનેલી, શાહરૂખના દોસ્ત કરણ જોહર સામે મોરચો માંડી ચૂકેલી અને અત્યારે ઈન્દિરા ગાંધીની 'ઈમરજન્સી' પર ફિલ્મ બનાવતી અને છડેચોક ભાજપ અને સંઘના વખાણ કરતી રહેતી કંગના રણૌતે ! કંગનાના મૂંહફટ સ્વભાવને જાણનાર એને તો પીઆર કહી શકે એમ નથી. અરે, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તો ત્યાં સુધી હમણા કહ્યું કે ''દરેક દેશ પોતાના ખાણખનીજ, જંગલ વગેરે નેચરલ રિસોર્સીઝ (કુદરતી સંસાધનો) સુરક્ષિત રાખે છે, ચોકીપહેરો ગોઠવીને. કારણ કે એમાંથી રાષ્ટ્રને આવક થાય છે. વિદેશી હૂંડિયામણ મળે છે. હવે સમય આવી ગયો છે કે આપણા શાહરૂખખાનને પણ નેશનલ એસેટ જાહેર કરી દેવો જોઈએ ?''

તો એસ. એસ. રાજામોલિ જેવા બાહુબલિ વર્લ્ડ ફેમસ ડાયરેકટર તો જન્માષ્ટમીએ જ જવાન જોઈ આવ્યા ને 'ધરતી ધુ્રજાવતું ઓપનિંગ લેતી ફિલ્મ' કહીને એમની જ ફિલ્મનો રેકોર્ડ તૂટયો હોવા છતાં ખેલદિલીથી શાહરૂખને 'બોક્સ ઓફિસ બાદશાહ' કહ્યો. રમૂજ અને નમ્રતા માટે જાણીતા અને સુપરસ્માર્ટ કોમેન્ટમાં પાવરધા શાહરૂખે તરત નમ્રતાથી પ્રતિસાદ આપ્યો. અરે, જેમની ફિલ્મ વેકસીન વોર આવી રહી છે એવા અને અર્બનનકસલ બોલીવૂડ માફિયા વિશે વારંવાર બોલ્યા કરતા - 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મના સર્જક તરીકે સાઈબર ભક્તોના માનીતા વિવેક અગ્નિહોત્રીએ પણ શાહરૂખના વખાણ કરી જવાનની ટિકિટ મેળવવા માટે રમૂજ પોસ્ટ કરી હતી.

આ લખાય છે ત્યારે જ જવાને તો બોકસ ઓફિસમાં હિન્દી ફિલ્મ માટેના તમામ રેકોર્ડસ તોડી નાખ્યા છે. ઘણા ઘનચક્કર ઘેલચંદ્રો એમને ના ગમતી કોઈ ફિલ્મ બ્લોકબસ્ટર થાય એટલે માટીમાં મોં ખોસી બેસતા ઘોરખોદિયાની જેમ એ આંકડાથી જ નામુકર જઈ ચિલ્લાવા લાગે કે આ સ્પોન્સર્ડ છે, પીઆર છે. (એમને ગમતી ફિલ્મોના કલેકશન બાબતે કોઈ ડાઉટ ના કરે પાછો !) વહેલા જઈને કે ઓડ ટાઇમ પર જઈને ખાલી થિયેટરના ફ્રોડ ફોટા ફેરવવા લાગે. અરે મંદમતિ મૂઢાત્માઓ, પહેલા તો તમારે કોઈ નોંધ નથી લેતું, છતાં વિરોધ કરવા આટલું મહત્વ આપવું પડે છે - ત્યાં જ શાહરૂખ કે એવા તમને એલર્જી છે, એ સ્ટાર્સ કે મેકર્સની જીત છે. પોતાને તો આમે ટિકિટ પોસાતી ના હોય એટલે દર સપ્તાહે ફિલ્મો જોતા અઠંગ સિનેપ્રેમી બની ન શકે, પણ એવા ફટીચરો બીજા ખુદના ખર્ચે ફિલ્મ જોવે એને પણ દેશદ્રોહી જાહેર કરવા ભસાભસ કરે !

આ તો દેખીતી તાલિબાની વૃત્તિની નાલાયક નકલ છે. કોણે કઈ ફિલ્મ જોવી કે વખાણવી એના પરથી દેશપ્રેમ કે ધર્મનિષ્ઠાના માપ કાઢવાના ? ફતવાબાજ ઈરાની મુલ્લાઓ જેવી શૌચને લાય સોચ થઈ આ. જેને ન ગમે એ ના જુએ. પણ એ કોઈ સેન્સર બોર્ડ કે સુપ્રિમ કોર્ટ નથી કે બીજાને જોતા રોકી શકે. આવા બોયકોટિયાઓના બેફામ બકવાસ માટે પઠાણ વખતે ખુદ વડાપ્રધાન મોદી સાહેબે 'જવાબદાર આગેવાનોએ ફિલ્મો પર કોમેન્ટ કરવાથી બચવું જોઈએ.' જેવી સ્પષ્ટ સૂચના જાહેરમાં ભાજપના કાર્યકર્તાઓની સભામાં આપી હતી. પછી સૂચના પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુરે તો આવા બોયકોટ હેશટેગ ભારતની છબી ખરાબ કરે છે, સિનેઉદ્યોગને નુકસાન કરે છે, એવું સોઈઝાટકી કહેલું.

અરે, બોલીવૂડને ફોરવર્ડક મેસેજો ચાટીને મગજમાં પૂર્વગ્રહો બાંધી બદનામ કરનારા જે સની દેઓલને આગળ કરે છે એણે જ તો હમણાં કહ્યું કે, 'બોલીવૂડમાં ખરાબ માણસો હોય કે ખોટું થાય તો એવું દરેક ઈન્ડસ્ટ્રીમાં હોય છે. સોફ્ટ ટાર્ગેટ તરીકે બોલિવૂડને બદનામ કરવું ખોટું છે.' સનીને શાહરૂખ તો હમણાં ભેટયા ને ધર્મેન્દ્રએ તો શાહરૂખ મને એટલો પ્રેમ કરે છે કે હું એને દીકરા જેવો માનું છું. એવું સ્પષ્ટ કહ્યું. પણ નફરતના નખ્ખોદિયાઓ આ ફોરવર્ડ નહિ કરે. વડાપ્રધાન મોદી સાહેબને શાહરૂખ નવા સંસદભવનના નિર્માણ વખતે વિડિયો મોકલે ને સાહેબ આભાર સાથે એ રિપોસ્ટ કરે એ જાણી જોઈને યાદ નહિ રાખે. સંસદમાં શાહરૂખની ફિલ્મ વખતે કાશ્મીરમાં થિયેટર છલકાયા એની પોઝિટિવ નોંધ પીએમે લીધી, એ બાબતે મોઢામાં મગ ભરી લેશે.

આ રીતસરની લુચ્ચાઈ, જલન અને નાદાનીનું ઝેરીલું કોમ્બિનેશન છે સડેલ સંતરાઓ જેવા શાહરૂખહેટર્સ ઝંડીધારીઓનું એ જાહેર થઈ જ ગયું કે આર્યન ખાનને પૈસા પડાવવા ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવેલો ને ચાર્જશીટમાં સબૂત વિના પૂરી રાખેલો, ને હાઈકોર્ટે નારકોટિક્સ બ્યૂરોને ઠપકા સાથે એને છોડયો એટલું જ નહિ, સીધી કેન્દ્ર સરકાર નીચે આવતી સીબીઆઈએ એને પકડનાર સમીર વાનખેડે સામે તપાસ શરૂ કરી ને એની બદલી પણ થઈ - છતાં બીજાઓના મગજમાં મંથરાની જેમ ઝેર ભરવા ડ્રગની વાત ચલાવ્યા જ કરશે. જાણે એમની કાંગારૂ કોર્ટ (આ શબ્દ સમજવા જેટલું જીકે એ ફાંકાઠોક ફોલ્ડરિયાઓ પાસે હોતું નથી.) ભારતના ન્યાયાલયોથી ઉપર 

હોય !

એટલે માત્ર ફિલ્મી નહિ, તટસ્થ ન્યૂઝ મિડિયા પણ જે કલેકશન બતાવે, જેનો ફિલ્મલાઇનમાં રહેલા હરીફો પણ સ્વીકાર જ નહિ, બેમોઢે વખાણ પણ કરે - એ પ્રચંડ કલેકશન ઘેર બેઠાં ખોટા કે પ્રચાર લાગે તો પછી એને ઉઘાડા કરવા કેસ કરવો જોઈએ. આંકડા જાહેર મૂકો તો એનો ટેક્સ પણ હોય છે, જે સરકાર પારદર્શક રીતે કલેક્ટ કરે છે. પણ ડિજીટલ ડફાકિયાઓને ક્યાં એટલી આવક હોય કે આટલી ખબર પડે ? ખીખીખી.

એકચ્યુઅલી અત્યારે ફિલ્મનું ગણિત ફરી ગયું છે. ફિલ્મ થિયેટરમાં જોવી એક ફેમિલી ઈવેન્ટ છે. દરેક ફિલ્મો ચાલતી નથી. સ્ટારપાવરનો ટેસ્ટ ઓપનિંગમાં લોકોને ખેંચવાનો છે ખર્ચો કરવા, પછી ફિલ્મનું મેરિટ આવે. લોકોને રસ ન પડે તો રજનીકાંતની કાલા કે અમિતાભ આમિર કેટરીનાની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન કે આમિરની લાલસિંહ ચઢા નથી ચાલતી. અક્ષયની પૃથ્વીરાજ કે કંગનાની ધાકડ પણ નહિ. એમને ગમે તો રોકીરાની કી પ્રેમ કહાની તરત ઉપડી જાય છે. ને ના ગમે તો સમશેરા પીટાઈ જાય છે. મોટી ફિલ્મના સ્ક્રીન ને શોઝ વધુ હોય ને ટિકિટના ભાવ પણ. ઓનલાઈન બુકિંગમાં ટિકિટ દીઠ ચાલીસ-પચાસ એકસ્ટ્રા દેવા પડે એટલે ઘણા સ્પોટ પર ટિકિટ ખરીદે, ને મોટે ભાગે નાઇટ શોમાં જાય. હાઉસફૂલ શો ઓછા હોય તો પણ વોલ્યુમ મોટું આવે. અને સારું છે, હિન્દી ફિલ્મો બ્લોકબસ્ટર થાય એ. દક્ષિણના કલાકારો ને સર્જકો વધુ હિન્દીમાં આવે એ. ત્યાંનો હિન્દીદ્વેષ ઘટશે. બાકી અહીં એવા તળિયા વગરના લોટાઓ છે કે સાઉથમાં સનાતન સંસ્કૃતિના હિન્દીને સ્થાનિક ભાષાના ગુમાન સાથે હડેહડે થતું હોય તો ય હિન્દીના ભોગે સાઉથની ઇન્ડસ્ટ્રી મજબૂત કરવા ચડી જાય !

એમાં પણ શાહરૂખની ફિલ્મ આવે એટલે પાણીમાંથી પોરા કાઢવાવાળા નવરાબેકારો સક્રિય થઇ જાય. બેશરમ રંગવાળો ઢંગધડા વગરનો વિવાદ એટલો તો વાહિયાત હતો કે ઉલટું પઠાણની ક્ષમતા કરતાં વધુ કલેક્શન એના લીધે થયું. પબ્લિસિટીનો ખર્ચ બચ્યો ને જેન્યુઇન ફિલ્મ લવર્સ જે પૈસા ખર્ચને ફિલ્મો જુએ છે, શાહરૂખને ચાહે છે - એ સતત શાહરૂખને વન વે વખોડાતો ખોટી રીતે જોઈ એના તરફી સહાનુભૂતિથી ફિલ્મ જોવા ગયા. (બરાબર આવું જ એક સમયે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સાથે થયેલું!) મતદાનની જેમ ફિલ્મમાં સ્ટારડમનું છે. બોલકા વિરોધીઓ થિયેટરમાં જાય નહિ અને ગેરકાનૂની પાઇરસીમાં ફિલ્મો મફત જોઇ અપરાધ કરે ને પૈસા ખર્ચી ફિલ્મો જોવા જનાર બધા બોલકા ન હોય ને મનોરંજનને માથાકૂટનો ઇસ્યુ ન બનાવે !

એટલે જવાન વખતે ઉદયનિધિ મારનના સનાતન બાબતના બફાટને જોડી પરાણે બોયકોટ રમવાના બૂમબરાડા કોઇએ જીટ્વેન્ટીના ઝગમગતા માહોલમાં ગણકાર્યા નહિ. ઉદયનિધિની કંપની જવાન - જ નહિ, મોટાભાગની હિન્દી ફિલ્મો ડિસ્ટ્રીબ્યુટ કરતી હોય. એમાં ખોટું થતું હોય તો સરકાર નરેશ ગોયલને પકડે એમ એને પકડીને પૂરી દે, તાળા મારી દે. બાકી એવા તે કંઇ મુદ્દા હોય ? ચીન આપણું દુશ્મન હોય ને સામ્યવાદી નાસ્તિક હોય એટલે ઘરમાં ઓફિશ્યલી જે મેઇડ ઇન ચાઈના હોય એ બધું તોડી નાખીએ છીએ ? હિંગ કે પેટ્રોલ સનાતની ના હોય એવા દેશોનું છે, અને ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટયુબ, ફેસબૂક, એક્સ પણ. એટલે એ વાપરવાનું બંધ કરીએ છીએ ? કોઇ સાચો ફિલ્મપ્રેક્ષક આવા લવારાગોકીરા પર ધ્યાન ના આપે. ફિલ્મો એ પોતાની રોજીંદી ઘટમાળથી છૂટવા, બે ઘડી થાક ભૂલવા, ગમતા હીરોહીરોઈન કે ગીતસંગીત માણવા જોવા જાય છે. નહિ કે મગજની નસો ખેંચતી દેશ ને ધર્મની ચર્ચા કરવા. આમે બોલીવુડ માટે નફરત એટલે જ વધુ છે કે એ આધુનિકતા, પ્રેમ, એખલાસની વાત કરે છે, જે નફરતી નાઝીછાપ દિમાગોને એમના સંકુચિત એજેન્ડામાં સ્પીડબ્રેકર લાગે છે !

અને અગાઉ લખેલું એમ એટલે વાતાવરણ આગળ જવાને બદલે પાછળ જવા લાગ્યું છે. પ્રોગ્રેસીવ ઓએમજી વન નિર્વિરોધ રિલીઝ થઇ પણ ઓએમજી-૨માં કટ્સ આવે. (માઇલ્ડ સ્પોઇલર એલર્ટ) શંકરની હિન્દુસ્તાનીમાં કે બચ્ચનની શહેનશાહ, અંધાકાનૂન, આખરી રાસ્તા, ઇન્કલાબ, દીવાર (ત્યારે તો એના સ્વજન ઇન્દિરા-રાજીવની સરકારો હતી.) રિલીઝ થાય, વેનસડે કે નાયક કે રંગ દે બસંતી રિલીઝ થાય, મદારી રિલીઝ થાય ત્યારે કોઇને વાંધો ના આવતો. સીસ્ટમ, કરપ્શન, નેતાઓ, રાજકારણ, નાગરિકોની જવાબદારી, સવાલ પૂછવાની, નાગરિકધર્મની વાત તો એમાં પણ હતી. ક્રાંતિકારી વિજયના રોલથી તો બચ્ચન મેજીક ભારતમાં છવાયો હતો. પણ ત્યારે ફોરવર્ડ ફેક મેસેજીસથી માનસપ્રદૂષણ થયું નહોતું. હવે એ જ મેસેજ આપો તો પણ ઘણાને આંતરડામાં આંટીઓ પડે છે. કોઇને પર્સનલ ટાર્ગેટ કર્યા વિના નાગરિક તરીકે જાગૃત થવાની ભારતના હિતની વાત કરો એમાં પણ કેટલાક જડસુ ધાર્મિકો રાષ્ટ્રદ્રોહ ગણે છે. તો પછી એમના રાષ્ટ્રની વ્યાખ્યા સત્તા થતી હશે ! એન. ચંદ્રાએ બનાવેલી ગુજરાતી સુજાતા મહેતાની પ્રતિઘાત ફિલ્મમાં દક્ષિણના ચરણરાજે કાલિ નામના ખલનાયકનું પાત્ર ભજવેલુ જે સડક પર બળાત્કાર કરે છે, પણ જવાનમાં વિલનના નામના સડેલ સવાલો પૂછાય છે ! આ ફિલ્મોને માઇક્રોસ્કોપ લઇ જોયા કરનારા ગડબેશો પોતે કદી સડકના ખાડા કે રખડતા ઢોર બાબતે, ગંદકી કે પીવાના પાણી બાબતે સ્થાનિક પ્રશાસનને પણ સવાલ પૂછતા ના હોય. પણ બીજા ય એમની જેવા નમાલા થઇ જીવે એવું ભારત એમને ખપતું હશે !

જવાન એ કોઇ પ્રભાસની સાહો જેવી હેંગઓવરમાં બનેલી કે કેજીએફ/પુષ્પાની જેમ કાર્યત તોડવાને ગ્લેમરાઈઝ કરવા બનેલી ફિલ્મ નથી. ડાયરેક્ટર શંકર (હિન્દુસ્તાની, કમલ હસનને નાયક અનિલ કપૂર યાદ છે ને ?)ના શિષ્ય એવા એટલીને આજની દોઢ મિનિટની રીલ માંડ જોઈ શકતી જનરેશનની નાડ બરાબર પરખાઈ ગઈ છે. તેજ રફતાર, સુપર સ્વેગ એન્ટ્રી, મસાલેદાર મનોરંજક પ્લોટ, જૂની નીવડેલી ફોર્મ્યુલાનો ડ્રામા બધાની ભેળપુરી. લાલ બાદશાહ અને આખરી રાસ્તાનો 

મૂળ વાર્તાતંતુ (એ બેઉ પણ સાઉથની બચ્ચન મેજીક સાથે રિમેક હતી) શાહરૂખનો સ્ટારપાવર, કોરિયન ફિલ્મોને ઝાંખુ પાડે એવું એકશન (પ્રિ ઇન્ટરવલ ને બાઈક ને બીડીવાળી તો જમાવટ) સીટીમાર ડાયલોગ્સ - બધું જ છે મોડર્ન ટેકનિક સાથે. પણ મસાલાનો માફક વઘાર ડ્રામા સાથે ---- ફાવે છે, એટલે એની ફિલ્મો કદી ફ્લોપ નથી હોતી. હા એનાં ઠહેરાવની કમી ખૂંચે. એટલે દીપિકાવાળો ટ્રેક વધુ અસરકારક લાગે જેમાંલાઉડ સાઉથ ફ્લેવરને જરા જુદી શાંતિ છે. વઘાર વચ્ચે છાશના ઘૂંટડા જેવી. પણ અત્યારે ચાલે છે આ જ. ને ચેલન્જ એ ફોર્મેટમાં જકડી રાખે એમ મનોરંજન પીરસી દર્શકોના પૈસા વસૂલ કરવાની છે. જેમાં જવાન સફળ થશે એ ભરોસો ટ્રેલરથી હતો ને એટલે ટિકિટબારી રેકોર્ડતોડ છલકાઈ ગઈ. વર્ષોથી શાહરૂખને બચ્ચન થવું હતું. એટલે બચ્ચન સાથે એને ખટરાગ નથી. મીઠા સંબંધ છે. પણ એનો આદર્શ હતો. ડોનથી કેબીસી સુધીના પ્રયાસો કર્યા. પણ અંતે જવાનમાં લાગે કે શાહરૂખ બચ્ચન મેજીક સુધી પહોંચ્યો ! સલમાન-અક્ષય-અજયનું એકશન ગ્રાઉન્ડ લઇને ! મોહબ્બતે વખતે અમિતાભની ઉંમર ૫૭ની હતી. એ જ જવાન વખતે શાહરૂખની છે ! એની લોકોને ગમેલી દેવદાસ કે રઇસ ના ગમી તો લખ્યું છે. કેરી એજલ કે રાવન જેવા હથોડા વાગ્યા હોય તો એ પણ ટીકા કરી લખ્યું છે. લોકોને ના ગમેલી ફેન કે ઝીરો ગમી હોય તો એ પણ લખ્યું છે. એમ જ જવાન તો ટિકિટ ખર્ચી ફર્સ્ટ ડે જોવી હતી ને ધારી હતી એવી નીકળી.એમાં ય ઘણા છૂપા લેયર્સ છે. મીડિયા સુશાંતના આપઘાત પર જેટલું ચિંતીત છે, એટલું જેનાપર નથી એવા મુદ્દા તો છે જ. પણ મેઇન કુંવારો હેન્ડસમ હીરો એક બાળક ધરાવતી સ્વતંત્ર કારકિર્દી ધરાવતી ડિવોર્સી સ્ત્રીના પ્રેમમાં પડે (સુપર્બ નયનતારા) એ ભારતમાં મેઇનસ્ટ્રીમમાં બધા ન બતાવી શકે. વિમેન એમ્પાવરમેન્ટનો સ્ટ્રોંગ મેસેજ સ્ત્રીઓ બાબતે કાયમ સૌજન્યશીલ શાહરૂખને લીધે કન્વિન્સિંગ લાગે. શોર્યચક્ર વિજેતા બ્રિગેડિયર હરદીપસિંઘે લશ્કરના હથિયાર બાબતે ફિલ્મ જોઈ સમર્થન આપ્યું છે ! બીજી ચર્ચામાં સ્પોઇલર્સ આવી જશે. પણ ફુલ પેકેજ તરીકે મસાલા એન્ટરટેઇનર જવાન જોવાનોજલસો છે.

બાકી, શાહરૂખખાને જે કર્યું જ નથી. એ માત્ર ફોરવર્ડે વિષ વિદ્યાલયને લીધે એના નામે ચોંટી ગયું છે. પાકિસ્તાનને કદી એણે દાન આપ્યું નથી. કોઈ પુરાવો નથી. દેશ છોડવાની વાત કરી નથી, ઉલટું હાફિઝ સઇદને એથી ઉલટો જવાબ આપેલો. એના ત્રણ પ્રિય પુસ્તકોમાં એક રામાયણ છે. પત્નીનો ધર્મ પણ બદલાવ્યો નથી. પોતે મંદિરે પણ જાય. ગીતા કુરાન બધું સાથે છે. માના નામનો કેન્સરવોર્ડ, કોવિડમાં મુંબઇમાં સૌથી વધુ સત્તાવાર આર્થિક મદદ, (અમૃત પટેલ ગુજરાતી એક્ટરનું ડાયાલીસીસ વર્ષો સુધી કરાવ્યું એવી તો ગણતરી નહિ), મીર ફાઉન્ડેશનની એસિડ એટેક મદદ એ યાદી તો લાંબી છે. પણ ઇનટોલરન્સ વિશે તો એની ભવિષ્યવાણી સાચી પડી. એની ફિલ્મો બાબતે ગપગોળા ને કોમવાદી નફરતથી એક વર્ગ જે અસહિષ્ણુતા ધરાવે છે, એ એને જ સાચો ઠેરવે છે.

પણ શાહરૂખે દંભી આમિરની જેમ સ્ટેન્ડ બેવડાં નથી રાખ્યા. વટભેર પરફોર્મન્સથી જવાબ આપી, લોકોનું દિલ જીતી માફીવેડા કર્યા વિના મક્કમ સ્ટેન્ડ રાખી જવાબ દીધો છે. આ ઇન્ટેલીજન્ટ, સ્માર્ટ ને હ્યુમન એટીટયુડ માટે એ જવાન છે. સાચો, સારો મેસેજ આપી નવી પેઢીને સારા અને સાચા માણસ બનાવતો જવાન ! જેણે એકલે હાથે જગ્યા બનાવી ભારતમાં ને હજુ ત્યાં અણનમ ઉભો છે !

(શીર્ષક ઃ ઝફર  ઇકબાલ)

ઝિંગ થિંગ

પ્રેમ ગણો, જપ્પીઓ-પપ્પીઓ પર ધ્યાનઆપો. રૂપિયા આવ્યાગયા કરશે. (ફિલ્મોના કલેકશન બાબતે શાહરૂખખાનની સિકસર)

Gujarat