Get The App

જ્ઞાન, ડહાપણ અને જીજ્ઞાસાની શતાબ્દીનો માસ્ટરક્લાસ : સો વર્ષે નોટ આઉટ એ ટીવી પ્રેઝન્ટર જેમણે પર્યાવરણ માટેની આપણી સમજણ બદલી નાખી !

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
જ્ઞાન, ડહાપણ અને જીજ્ઞાસાની શતાબ્દીનો માસ્ટરક્લાસ : સો વર્ષે નોટ આઉટ એ ટીવી પ્રેઝન્ટર જેમણે પર્યાવરણ માટેની આપણી સમજણ બદલી નાખી ! 1 - image

- અનાવૃત - જય વસાવડા

- તમારે જે રીતે જીવવું હોય તે રીતે જીવો, બસ માત્ર કોઈ વસ્તુનો વેડફાટ ન કરો. આ કુદરતની, અને તેમાં રહેલા પંખીપ્રાણીઓ, જંતુજળચરો તથા વનસ્પતિઓની પણ સંભાળ રાખો. આપણે એમની સાથે ઘર શેર કરીએ છીએ !

'આપણે શ્વાસમાં લેતા હવાનો દરેક ઘૂંટડો અને આપણે ખાતા ખોરાકનો દરેક કોળિયો આ કુદરતી દુનિયામાંથી જ આવે છે. જો આપણે પ્રકૃતિને નુકસાન પહોંચાડીશું, તો આપણે આપણી જાતને જ નુકસાન પહોંચાડીશું. શું આપણે એ વિચારીને ખુશ રહીશું કે આપણા ગ્રાન્ડચિલ્ડ્રન કદાચ ચિત્રોની ચોપડી સિવાય રૂબરૂમાં ક્યારેય હાથી નહીં જોઈ શકે? આ ફૂલો, તેની મુલાયમ પાંખડીઓ અને એ અદભુત સુગંધ... આ બધું મનુષ્યોના પૃથ્વી પર આગમન પહેલાં, કરોડો વર્ષો અગાઉ માત્ર જીવજંતુઓને આકર્ષવા અને ખુશ કરવા માટે જ વિકસિત થયું હતું.  આખી દુનિયા કંઈ માણસની જાગીર નથી. આ ગુલાબ, લિલી અને ઓર્કિડના ફૂલો કંઈ આપણી માલિકીના નથી. આપણી પાસે તેમને નષ્ટ કરવાની શક્તિ છે, તેનો અર્થ એ બિલકુલ નથી કે આપણને તેમ કરવાનો  હક પણ મળી ગયો છે. આ દુનિયા માત્ર આપણા શોખ કે મોજમજા ખાતર ખતમ કરવા માટે નથી બની.'

કેવી અદ્ભુત વાતો ! અને કેવા અદ્ભુત માણસ દ્વારા કહેવાઈ છે આ. તાજેતરમાં ૮ મીએ પૂરી સ્વસ્થતા સાથે ૧૦૦ વર્ષના થયેલા સર ડેવિડ એટનબરોના ક્વોટ છે. એ ડેવિડ એટનબરો કે જેમના અવાજે એક આખી સદીને અને ચાર પાંચ પેઢીઓને નેચર સાથે કનેક્ટ કરી. ટેલીવિઝન પ્રોગ્રામિંગમાં આજે જે મહત્વનો ભાગ ગણાય એવા વાઈલ્ડ લાઈફનાં પ્રોગ્રામ્સનો ટ્રેન્ડ સેટ કર્યો. એ અર્થમાં એ એકલે હાથે આજની ડિસ્કવરી, નેશનલ જ્યોગ્રાફિક કે એનિમલ પ્લેનેટ જેવી ચેનલોના 'બાપુજી' બન્યા અને આખી એક નવી ધારા બનાવી ટીવીના જગતમાં ! જગતમાં ૫૦ જેટલી દુર્લભ પ્રજાતિઓને જેમનું નામ અપાયું છે એવા પર્યાવરણની જાગૃતિના જ્યોતિર્ધર !

દુનિયામાં અનેક સેલિબ્રિટીઓ કબૂલે છે કે ડેવિડ એટનબરોને લીધે એમને વાઈલ્ડ લાઈફમાં રસ પડયો. વિશ્વની કેટલીય સ્કૂલોના બાળકો માટે એમણે સજીવસૃષ્ટિના આખા સંસારનો અભ્યાસક્રમ ઓડિયોવિઝયુઅલ ફોર્મેટમાં રચી આપ્યો. એમને લીધે પેલી આફ્રિકામાં સિંહો સાથે રહેતા પરિવારની બોર્ન ફ્રી ફિલ્મ બની. એમને કારણે ગોરિલા ભયાનક કિંગ કોંગ જેવા લાગવાને બદલે આપણા ભોળા સ્વજનો જેવા લાગ્યા અને કોંગોની એક ગોરિલા પ્રજાતિને નષ્ટ થવાના આરેથી એમણે આજે હજારની સંખ્યા સુધી પહોંચાડી એનું ટુરિઝમ શરુ કરાવીને મોત અટકાવ્યા. એમને લીધે જગતનું ધ્યાન સમુદ્રના તળિયે પણ ગ્રેટ બેરિઅર રીફ જેવી રંગબેરંગી અજાયબી મોજૂદ છે, પણ ઝડપભેર અસ્તિત્વ ગુમાવતી જાય છે એના તરફ ગયું. 

આ ધ્યાન ખેંચવું એ જ એમની સૌથી મોટી ગિફ્ટ માનવજાતને. ડેવિડ એટનબરોને કંટાળો આવ્યા વિના વિસ્મયથી છલોછલ વાર્તાઓ કહેતા બખૂબી આવડી. સાત દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં એમણે અહેસાસ કરાવ્યો કે પ્રકૃતિ આપણા ફોટોગ્રાફ પાછળનું બેકગ્રાઉન્ડ નથી. હોલિડે સીનરી નથી. આપણે હોમ કહીએ છીએ એવા ગ્રહનું આપણી સાથેનું જીવંત અસ્તિત્વ છે. બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીથી ફોરકે કલર્સ સુધી, રેડિયોથી ઓટીટી સુધી એમણે આ જાદૂ જીવતો રાખ્યો. તમને ખબર છે, વર્ષો સુધી દૂરદર્શન પર કોઈ પણ સિરીયલના ૧૩ એપિસોડ્સ જ આવતા. એ ફોર્મેટ મૂળ બીબીસી યાને બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનનું, જે જગતે અપનાવી લીધું. ત્રણ મહિના કોઈ સિરીઝ ચાલે જેમાં ધારો કે રવિવારે આવતી હોય તો એક મહિનામાં પાંચ રવિવાર આવી જાય. ત્રણ મહિના સુધી સિરીઝ ચલાવાય ના ઓછી ના વધુ આ ધારો નક્કી કરનાર જ ડેવિડ એટનબરો !

મિલીપીડ્સને (કાનખજૂરા જેવા જીવો) સમાગમ કરતા, એક નર દેડકાને પોતાના બચ્ચાં મોંમાંથી બહાર કાઢતા, વ્હેલ માછલીને ગાતી અને ચામાચીડિયાને માછલી પકડતા એમની સંગ માનવજાતે જોયા. ડેવિડ એટનબરો પાંચેય ખંડોના ખડકો પર બેઠા અને આપણને પ્રાચીન ફોસિલ્સ અને અવશેષો બતાવ્યા. રણ, હિમશિખરો કે ઘાસના મેદાનોમાંથી ફૂંકાતા પવનો જ્યારે તેમના ચમકતા વાળને વિખેરતા, ત્યારે તેઓ ચોકસાઈથી સમજાવતા કે કેવી રીતે આ 'ટ્રાઇલોબાઇટ' મેમથના દાંતનો માલિક એ જીવો સાથે જોડાયેલો હતો ! તેમણે ઓસ્ટ્રેલિયાના રણની રેતીમાંથી એક સુકાઈ ગયેલી 'લંગ-ફિશ'  ખોદી કાઢી. કાયમી અંધકારમાં રહેતા ડરામણા જીવોનું નિરીક્ષણ કરવા એ એક સબમર્સિબલમાં બેસીને સમુદ્રના ઊંડા ગર્ભમાં પ્રવેશ્યા. એક ઇલેક્ટ્રિક ઇલ માછલીથી તેમને જોરદાર આંચકો લાગ્યો છતાં એ એટલા જ ઉત્સાહથી આપણને શાર્કની તાકાતથી રોમાંચિત થવા અને 'પિંક ફ્લાવર મેન્ટિસ' (ગુલાબી ફૂલ જેવા જંતુ)ની સુંદરતા પર મુગ્ધ થવા માટે આમંત્રિત કર્યા કરતા !

ડેવિડ એટનબરો માટે પ્રકૃતિ એક પાઠશાળા, એક પુસ્તક છે અને પોતે એના અનુવાદક વિદ્યાર્થી છે ! કુદરતના એ માલિક નથી રક્ષક છે. બહુ ઓછા એવા જાહેર અવાજો છે જે લોકોને તેમનું કામ પડતું મૂકીને સાંભળવા માટે મજબૂર કરે. ડેવિડનો અવાજ એમાંનો જ એક છે. શાંત, સૌમ્ય, અપાર ધીરજવાળો, છતાં જરૂર પડે ઉત્સાહ, તકેદારી અને રોમાંચક ઉતાવળ પણ એમાં અનુભવાય ! ટેલિવિઝનના દાયકાઓ દરમિયાન, સર ડેવિડ એટનબરોએ માત્ર ડોક્યુમેન્ટ્રીઝના વોઈસઓવર નથી કર્યા, પણ આ પૃથ્વી સાથેના આપણા સંબંધોની કથા ગાઈ છે. હતાશા અને ગૂંચવણથી ઘેરાયલા દૌરમાં તેમણે આપણને આશ્ચર્યથી ભરી દીધા. આપણને એક નવો દ્રષ્ટિકોણ આપ્યો. સત્ય બતાવ્યું, એ અવાજ દ્વારા જંગલો શ્વાસ લેવા લાગ્યા. મહાસાગરો બોલી ઉઠયા. પોતાના ઘરમાં શાંતિથી બેઠેલા કરોડો લોકો માટે, પૃથ્વીના સૌથી ઊંડા ખૂણામાં છુપાયેલા જીવો અચાનક ચમત્કાર બની ગયા. એમણે આપણને આપણી જવાબદારીનું ભાન કરાવ્યું. પેઢીઓ એ શીખી છે કે પ્રકૃતિ આપણાથી અલગ નથી, પરંતુ આપણે તેનો જ એક ભાગ છીએ અને તેના પર જ આધારિત છીએ.

ડેવિડ એટનબરોએ કુદરતનું દસ્તાવેજીકરણ જ નથી કર્યું; તેમણે આપણને તેના પ્રેમમાં પડતા શીખવ્યું. અને જ્યારે એ પ્રેમને સત્યની જરૂર હતી, ત્યારે તેમણે વિનાશ, લુપ્ત થતી પ્રજાતિઓ અને તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત વિશે સ્પષ્ટ સ્ટેન્ડ લીધું. પણ ક્રોધથી એક્ટીવિસ્ટ બનીને નહીં. હંમેશા નમ્રતા, જિજ્ઞાસા અને શાંત દ્રઢતા સાથે. તેમના વારસાને જે અસાધારણ બનાવે છે તે માત્ર તેમણે બતાવેલું સૌંદર્ય જ નથી, પરંતુ તેની પાછળ રહેલી એમની કરુણા છે. પ્રેક્ષકોને આવી બાબતોમાં રસ ના લેવા માટે ભાંડવાને બદલે એમણે હસતા હસતા એમને જિજ્ઞાસુ બનવા આમંત્રણ આપ્યું. આપણા ગ્રહને વધુ નજીકથી જોવા અને એ સમજવા કે વિશાળ બ્લુ વ્હેલથી લઈને નાનામાં નાના ભમરા સુધી, પૃથ્વીની આ વાર્તામાં દરેક સજીવની એક ચોક્કસ ભૂમિકા છે. એમને કારણે જ લાખો બાળકો વૈજ્ઞાનિક, પર્યાવરણપ્રેમી, ફિલ્મકાર, સંશોધક અને વન્યજીવોના રક્ષક બનવાના સપના જોઈને મોટા થયા. બીજા લાખો લોકો તેમની આસપાસ રહેલા જીવનના આ નાજુક સૌંદર્યની કદર કરી કાળજી લેતા શીખ્યા. સત્ય, પ્રેમ, કરુણા ત્રણે જીવે એની કથાઓ શતાબ્દીથી પણ આગળ ચાલે. 

પણ એ કારકિર્દી સાવ અનાયાસ શરુ થયેલી. મૂળ તો એની પાછળ એના ઘડવૈયા હતા એમના પપ્પા. જેમનો એક દીકરો સર રિચાર્ડ એટનબરો એક્ટર ડાયરેક્ટર થયો અને ગાંધી જેવી અમર ફિલ્મ બનાવી એ. જી હા, ડેવિડ એના જ ભાઈ અને એમાં તો જ્યુરાસિક પાર્ક બનાવનાર ડાયનોસોર પ્રેમી હેમન્ડનો રોલ રિચાર્ડે કરેલો. એક ભાઈ જોન ને એક ડેવિડ. પણ એના પપ્પાએ બાળકમાં કૂતુહલ પ્રયત્નપૂર્વક ખીલવ્યું. તેમના પિતા લિસેસ્ટર યુનિવર્સિટી કોલેજના પ્રિન્સિપાલ હતા. સિનિયર બરાબર જાણતા હતા કે જીવાશ્મો અને ન્યૂટ્સ (નાના જીવો) પ્રત્યેના પોતાના દીકરાના ઉત્સાહને કેવી રીતે પ્રોત્સાહન આપવું. ખરા ટીચરનું મોટું સિક્રેટ એ છે કે સર્વજ્ઞાની હોવાનો ડોળ કરવાને બદલે બાળકોને એ રોમાંચક ક્ષણ માણવા દેવી જોઈએ. જ્યારે એ ઉત્સાહથી ચમકતી આંખો સાથે તમારી પાસે દોડી આવે અને કહે, 'જુઓ, આ શું છે!' ત્યારે હા ખબર છે કહીને ગૂગલછાપ ભાષણ ના દેવાય, એના રસમાં રસ લઇ વાર્તાની જેમ એના રહસ્યો હળવે હળવે ખોલાય. બાપનો આ ગુણ બેટા માટે તાલીમ બન્યો. અને બ્રિટીશ કન્ટ્રીસાઈડના રળિયામણા વિસ્તારમાં એને જલસો પાડવા લાગ્યો. ડેવિડ કહે જ છે કે 'મને લાગે છે કે જો થોડી પણ તક આપવામાં આવે, તો બધા બાળકો આવા જ હોય છે. એમને કુદરત અને ઇતિહાસમાં રસ ન પડે એવું 

બને જ નહીં.'

ડેવિડ જો કે બાપની જેમ કેમ્બ્રિજમાં જ ભણ્યા, ઝૂઓલોજી, બાયોલોજી, એન્થ્રોપોલોજી બધું સરખું સમજ્યા. ભણીને એમની ઈચ્છા તો રેડિયોમાં કામ કરવાની હતી. ત્યારે એનો જમાનો હતો ને નવાસવા ટીવીમાં કોઈ ભીડ નહોતી. પણ પહોંચી ગયા બીબીસી ટીવીમાં. થોડું કામ કરી એમણે સૂચન કર્યું કે દર્શકો વધારવા માટે આપણે લંડનના પ્રખ્યાત પ્રાણીબાગની ટીવી પર સફર કરાવીએ. એમાંથી શરૂ થઇ એક સિરીઝ 'ઝૂ કવેસ્ટ', જેમાં ઝૂનાં પ્રાણીઓ માટે આફ્રિકા જવાનું થયું. ઝૂના ડિરેક્ટર બધી વાતો કરવાના હતા પણ એ બીમાર પડતા ડેવિડ જ પ્રોડયુસર સાથે પ્રેઝ્ન્ટર બની ગયા. ને ઉનકી તો નિકલ પડી !

ડેવિડે આયખાની હમણાં સેન્ચુરી મારી ત્યારે ઘણા લોકોએ એમની મનપસંદ 'એટનબરો મેમરી' શેર કરેલી. બોનયોની ગુફામાં એ ચામાચીડિયાની હગારમાં ઘૂંટણ સુધી ડૂબેલા ચાલતા હતા અને અચાનક ડરામણા પ્રકાશમાં ગભરાઈ ગયેલા બેટ્સે તેમની આસપાસ ગોળ-ગોળ ઉડવાનું શરૂ કર્યું ને એ પાંખોથી ઘેરાઈ ગયા હતા. કે મડાગાસ્કરના વહાલસોયા નાના લીમરની ફિલ્મ હોય કે પછી ન્યૂ ગિનીના ડ્રેગનની ફિલ્મ. એ બનાવે જ ફિલ્મો એવા આનંદથી કે લોકોને એ લાગી જાય. એ કહે કે  'આખી પ્રકૃતિ જે રીતે કામ કરે છે, તે કેટલું અદભુત છે? જો કોઈ ઉંદર રૂમમાં આવી જાય તો હું ડરીને કૂદી પડું. કારણ કે તેઓ ગટર અને બીમારીઓ સાથે જોડાયેલા છે. પરંતુ વિચિત્ર દેખાતા જીવજંતુઓ કે ચીકણા-લબળચા જીવોથી મને ક્યારેય સૂગ નથી આવતી. હું તો એમની લાજવાબ કાર્યક્ષમતા જ જોયા કરું!'

૧૯૬૫માં એમને કલર ટીવીના યુગના આરંભે બીબીસી ટુનો હવાલો મળ્યો. એમણે સમુદ્રના પેટાળથી આજના માનવી સુધીની કથા કહેવાનું નક્કી કર્યું. એમાંથી જન્મ થયો એમના પ્રોગ્રામ 'લાઈફ ઓન અર્થ'નો. 'લાઇફ ઓન અર્થ' એ એક ૨૦ વર્ષ લાંબો પ્રોજેક્ટ બની ગયો, જેમાં 'લાઇફ' સિરીઝના બેનર હેઠળ અનેક નવી ડોક્યુમેન્ટ્રીઝ બની. આ ૭૯-એપિસોડની સફરનો અંત ૨૦૦૮માં 'લાઇફ ઇન કોલ્ડ બ્લડ' સાથે થયો. એ ઉપરાંત 'પ્રાઇવેટ લાઇફ ઓફ પ્લાન્ટ્સ'  અને 'ધ બ્લુ પ્લેનેટ' જેવા કાર્યક્રમો દ્વારા, એટનબરોએ પ્રકૃતિની સુંદરતા, તેની ખતરનાક ભયાનકતા અને અનોખી વિચિત્રતાઓને મધુર અવાજમાં રજૂ કરી છે. છેલ્લે  'ઓશન વિથ ડેવિડ એટનબરો'માં ૯૦ વર્ષ પણ આપણા સમુદ્રોની 

ભવ્યતા માટે ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા અને પશ્ચિમ આફ્રિકા પહોંચ્યા હતા. એમના રિચમંડ ઘરમાં મ્યુઝિયમની જેમ જ્ઞાનના પુસ્તકો અને દુનિયા આખીમાંથી ભેગી કરેલી ચીજો મળે. એ સાચવવાનો શ્રેય એમની પત્નીને એ આપતા જે ૧૯૯૭માં ગુજરી ગઈ. પણ કુદરતના ખોળે રહી ડેવિડ એટનબરો લાંબુ જીવ્યા. 

અને એમના અવાજે જાણે હિમાલય, એમેઝોન અને પાપુઆ ન્યૂ ગિનીના અજાણ્યા જંગલોની સફર કરાવી. રમણીય દ્રશ્યોની પાછળ વૈજ્ઞાનિક ચોકસાઈ પર એટલું જ બારીક ધ્યાન એમણે આપ્યું, જેનાથી લોકોને ઉત્ક્રાંતિ, પ્રાણીઓનું વર્તન અને બાયોડાઈવર્સિટી  જેવા સબ્જેકટસ આસાન લાગ્યા ! સ્ટોરીટેલર એટનબરો સચોટ વર્ણન સાથે એમની ફાંકડી સેન્સ ઓફ હ્યુમર ભેળવી જ્ઞાનવર્ધક વાતોને રમુજી બનાવી જાણે. એટલાન્ટિક સાગરથી લઈને આફ્રિકાના મેદાન સુધી જાતે પહોંચી જાય (શતાયુ ના હોત તો અત્યારે નિકોબારના જંગલોમાં બેઠા હોત !) જેમ જેમ પર્યાવરણના વિનાશના પુરાવાઓ મળતા ગયા, તેમ તેમ તેમણે ક્લાઈમેટ ચેન્જ, સમુદ્રમાં વધતા પ્લાસ્ટિકના પ્રદૂષણ અને બેફામ ઇન્ડસ્ટ્રીઅલાઈઝેશનના જોખમો વિશે દુનિયાને ચેતવણી આપવાનું શરૂ કર્યું. પરંતુ એ માને છે કે કે જો ખૂબ વધારે પડતો ઉપદેશ આપો, તો લોકો કંટાળીને વિષયથી મોં ફેરવી લે !

બ્રિટનના સૌથી લોકપ્રિય નાગરિકોમાંના એક ડેવિડ એટનબરો પોતાના સબ્જેક્ટસમાં એટલા ઊંડા ઉતરી ગયા કે ધીરે ધીરે વન્યજીવોને પ્રેમ કરતા શાકાહારી બની ગયા અને લોકોને માંસાહારને લીધે થતા પર્યાવરણના નુકસાન બાબતે ચેતવવા લાગ્યા. એમણે માણસની ક્રૂરતા માટે કહ્યું 'મને એ ખૂબ અયોગ્ય લાગે કે માણસે આક્રમકતા અને હિંસાનું પ્રતીક બનવા માટે ગોરિલાને પસંદ કર્યો, જ્યારે હકીકતમાં ગોરિલા એવો આક્રમક બિલકુલ નથી, પણ આપણે જ (માણસો) એવા (હિંસક) છીએ.'

થોડા સમય પહેલા એમણે ગ્લાસગો સમિટમાં યુવા પેઢીને કહેલું : 'મારા જીવનકાળ દરમિયાન મેં પ્રકૃતિનો એક ભયાનક વિનાશ જોયો છે. પણ તમારા જીવનકાળમાં, તમે તેની ઉત્તમ રિકવરી  જોઈ શકો છો જો સમયસર ચેતીને જવાબદાર બનો તો.' અને કદાચ સૌથી હૃદયસ્પર્શી વાત એ છે કે, પરિવર્તનની એક આખી સદી, વિશ્વયુદ્ધો, ટેકનોલોજીકલ ક્રાંતિ, પર્યાવરણનો વિનાશ અને જળવાયુ પરિવર્તનની વધતી જતી કટોકટીના સાક્ષી બન્યા હોવા છતાં, તેમણે ક્યારેય નિરાશા સામે હાર માની નથી. તેમના અંતિમ વર્ષોમાં પણ, જ્યારે તેઓ સરળતાથી નિવૃત્ત થઈને જાહેર જીવનથી દૂર રહી શક્યા હોત, ત્યારે તેમણે પૃથ્વી વતી બોલતા રહેવાનું પસંદ કર્યું. કોઈ ખ્યાતિ માટે નહીં. ઓળખ માટે પણ નહીં. પરંતુ એટલા માટે કે તેઓ સમજતા હતા કે આવનારી પેઢીઓ એક એવી દુનિયાની હકદાર છે જે વારસામાં આપવા લાયક હોય. આવું ડેડીકેશન દુર્લભ છે. અને આવું કમિટમેન્ટ તો એનાથી પણ વધુ દુર્લભ છે.

સર ડેવિડ એટનબરો આપણને યાદ અપાવે છે કે ડહાપણ કોઈ દિવસ ઈમેજ બનાવવા માટે ખોટા ઘોંઘાટ કરતું નથી. ક્યારેક, બરફ પર ચાલતા પેન્ગ્વિન, વરસાદી જંગલોમાં નાચતા પક્ષીઓ કે મહાસાગરોની નીચે ચમકતા પરવાળાના ખડકોનું વર્ણન કરતા અવાજમાં પણ ડહાપણ છુપાયેલું હોય છે. ક્યારેક, માનવજાતને પ્રેમ કરતા શીખવવું એ જ સાચું ડહાપણ છે. સો વર્ષ છતાં પણ એવું લાગે છે કે જાણે તેમનું કામ માત્ર વીતેલી સદીનું જ નહીં, પરંતુ આવનારા ભવિષ્યનું પણ છે. લોકો તેમના એ ઓળખીતા અવાજને જયારે સાંભળશે અને તેમની અંદર એક આશ્ચર્ય જાગૃત થતું અનુભવશે. આ સેન્ચુરી એક વ્યક્તિની નહિ, પણ જીજ્ઞાસાની છે. 

થેંક યુ સર ડેવિડ, માનવજાત એ પ્રકૃતિનો જ એક ભાગ છે, તેનાથી અલગ નથી, તે યાદ અપાવવા બદલ તમારો આભાર. જિજ્ઞાસા, નમ્રતા અને આશાથી ભરેલા આખા જીવનની પ્રેરણા માટે. પણ તમે તો હજુ પણ એ કહો છો કે ધજો મારામાં કશું સ્પેશ્યલ હોય તો વાતને સરળતાથી સમજાવવાની કળા. સો વર્ષે જીવન બાબતે મને કોઈ અફસોસ નથી, કે કોઈ ફરિયાદ નથી. હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું - હું દુનિયાના સૌથી અદભુત સ્થળોની મુલાકાત લઉં છું, અવનવી વસ્તુઓ જોઉં છું અને એ માટે મને પૈસા પણ ચૂકવવામાં આવે છે. નાનપણથી મને થતું. તમે કોઈ પથ્થર પર હથોડી મારો અને તે અચાનક બે ટુકડામાં વહેંચાઈ જાય, અને તેમાંથી એક બેનમૂન ગોળાકાર છીપ નીકળે. જેને  છેલ્લા ૧૫ કરોડ વર્ષોમાં પહેલાં કોઈએ જોયું ન હોય ! આ તો છે સ્વર્ગીય આનંદ ! અને સંદેશ એટલો જ કે તમારે જે રીતે જીવવું હોય તે રીતે જીવો, બસ માત્ર કોઈ વસ્તુનો વેડફાટ ન કરો. આ કુદરતની, અને તેમાં રહેલા પંખીપ્રાણીઓ, જંતુજળચરો તથા વનસ્પતિઓની પણ સંભાળ રાખો. આપણે એમની સાથે ઘર શેર કરીએ છીએ !'

ડેવિડ એટનબરોની સમાજજીવન પર થયેલી એટનબરો ઈફેક્ટ પર હવે સંશોધનો થાય છે. અને સાયન્ટીફિક એંગલ રાખી સેન્ચુરી મારી ગયેલા ડેવિડભાઈ કહે છે કે 'વિજ્ઞાનનો અર્થ છે વાસ્તવિક સચ્ચાઈ સામે આંખ મિલાવીને, કોઈ પણ જાતના પૂર્વગ્રહ વિના જોવું, અને જ્યારે એ હકીકતો તમારી માન્યતાઓ સાથે મેળ ન ખાતી હોય, ત્યારે વિજ્ઞાન બદલવાને બદલે આપણા જૂના વિચારો બદલીને નવું જાણવું સમજવું !'

ઝિંગ થિંગ 

'જાત નિચોવી કામ કરો, પણ એની જોડે જે કરો છો એની સરખી જાહેરાત કરવાનું ભૂલી ન જતા. નહિ તો લાઈફની ગેમમાં મનીનો સ્કોર નહિ થાય' આવું પ્રેક્ટિકલ ક્વોટ આપનાર અમેરિકન મીડિયા મુઘલ ટેડ ટર્નર હમણાં ૮૭ વર્ષે વિદાય લઇ ગયા. મંદીમાં ખાલી પડેલા જાહેરાતોના હોડગ સસ્તા ભાવે ખરીદી, ટીવીના ફેલાવાના કારણે ખોટ ખાતી રેડિયો ચેનલો ખરીદી એની મફત જાહેરાતો પોતાના જ હોર્ડિંગ પર કરીને એમાંથી મળેલા નફામાંથી ટીવી ચેનલ ખરીદનાર આ બિઝનેસમેનની પાસે ઘણું શીખવા જેવું હતું. પણ એમની લેગસી પ્લેનેટ અર્થ ભૂલી નહિ શકે. 'સીએનએન' જેવી ચેનલથી ચોવીસ કલાક ન્યુઝ આપવાનો આઈડિયા એમનો ! બાળકો માટે સેપરેટ કાર્ટૂન ચેનલ ચોવીસ કલાકની હોય એ 'કાર્ટૂન નેટવર્ક' ચેનલ પણ એમની અને નવી સાથે જુની ફિલ્મો બતાવતી ચેનલ જોઈએ એ 'ટીએનટી'નો આઈડિયા પણ એમનો ! આને કહેવાય રિસ્ક લઈને રસ્તો કંડારતા ટ્રેન્ડસેટર. ગુડબાય ટેડ ટર્નર.