Get The App

ભારત કેમ વૈશ્વિક મહાસત્તા હજુ બની શક્તું નથી?

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
ભારત કેમ વૈશ્વિક મહાસત્તા હજુ બની શક્તું નથી? 1 - image


- અનાવૃત-જય વસાવડા

- આજની ઘણીખરી સ્વદેશી ગણાતી ચીજોમાં કેટલાય પુરજા તો ચીન જેવા દેશોના આયાતી વપરાય છે. બેસ્ટ ગણાતા મોબાઈલ, કોમ્પ્યુટર, કાર, ટીવી વગેરેમાં કશું સ્વદેશી નથી

'ઇ ન્ડિયા ઇઝ એ રિચ લેન્ડ, વ્હેર પુઅર પીપલ લિવ!' દાયકાઓ પહેલા ભારતમાં એક જર્મન ફિલોસોફર આવેલો. નામ એનું કાઉન્ટ કેસરલિંગ. એણે એના પ્રવાસના સંસ્મરણો લખ્યા, એમાં આ વાક્ય લખેલું. પહેલી નજરે વિચિત્ર લાગે. લોકો ગરીબ હોય તો દેશ અમીર ના હોય, દેશ અમીર હોય તો લોકો ગરીબ ના હોય.

આ સમજવા માટે ચાલો અમેરિકા, બધાને ખબર છે કે ગમે તેટલી વાતો થાય, પણ અમેરિકા મહાસત્તા છે ને ડોલર સ્ટ્રોંગ છે. પણ અમેરિકા તો કોલંબસને લીધે ધ્યાનમાં આવ્યો, એ પહેલા પણ હતો એ જ ધરતી હતી. કોઈ ત્રણસો-ચારસો વર્ષ પહેલા અચાનક તો ઉપસી નથી આવ્યો. ત્યાંના મૂળનિવાસી ૯૫% નેટીવ અમેરિકન ઉર્ફે રેડ ઇન્ડિયનોને પરદેશી ગોરાઓએ (અંગ્રેજો, સ્પેનિયાર્ડો, ડચ, ફ્રેન્ચ, ઇટાલીયન વગેરે) ખતમ કરી નાખ્યા એ ક્રૂરતા પણ જગજાહેર છે. પણ એ બધા જે વિકાસ એ ભૂમિ પર હજારો વર્ષો રહીને ન કરી શક્યા, એનો પ્રચંડ વિકાસ પાછળથી થયો. દેશ સુપરપાવર બની ગયો, જેના મદમાં તોરીલા ને તોછડા ગણાય એવા નેતાઓ પણ આવી ગયા. હવે આ જ પ્રગતિ એ જ ધરતી પર રહેલા મૂળ વતની રેડ ઇન્ડિયનોએ કેમ ન કરી ?

કારણ કે, એ લોકો માત્ર એમની પ્રાચીન સંસ્કૃતિને વળગી રહ્યા. દુનિયા એમને દરવાજે આધુનિક હથિયારો સાથે ઉભી રહી ત્યારે એમની જાદૂઈ ગણાતી દેવતાઈ શક્તિઓ પરની શ્રદ્ધા એમને બચાવી ના શકી ! પછી ત્યાં વસીને અમરિકન બની ગયેલા યુરોપિયનોએ સાયન્સ, કોમર્સ અને આર્ટસ ત્રણેમાં ગજુ કાઢ્યું. સૌથી વધુ નોબેલ પ્રાઈઝ મેળવ્યા, લાખો પેટન્ટસ રજીસ્ટર્ડ થઇ, પ્રીમિયમ એજ્યુકેશન ઇન્સ્ટિટયુટ બન્યા, તોતિંગ મલ્ટીનેશનલ બ્રાન્ડસ બની, અવકાશયાત્રાઓ કરતી નાસાથી લઇ મોટરકાર દોડાવતી ફોર્ડ સુધીના પાયા નાખ્યા. એન્ટરટેઇનમેન્ટમાં હોલીવુડ કે એનટીવીથી શરૂ કરીને નેટફ્લિક્સ, ડિઝની, એમેઝોન સુધીના ધ્વજ લહેરાયા. ઇન્ટરનેટનું આખું સામ્રાજ્ય ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ, મેટા, ટ્વીટર, એનવીડિયા, ઇન્ટેલ વગેરેનું થયું. રોકફ્લેર સુધીના માંધાતાઓ પેદા થયા. ઇલોન મસ્કથી આલ્બર્ટ આઈન્સ્ટાઇન, સ્ટીવન સ્પીલબર્ગથી આર્નોલ્ડ શ્વારઝેનગર ત્યાં રહ્યા. ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ્સ મળ્યા, દુનિયાની નંબર વન ગણાતી સેના બની.

યાદી લાંબી છે, પણ ટૂંકી વાત એટલી કે એ દેશમાં શ્રીમંતાઈ અને શક્તિ ત્યારે આવી જ્યારે શિક્ષણ, વિજ્ઞાાન, કળા, વ્યાપાર અને આરોગ્યના તથા જાહેર સુવિધાઓના ધારાધોરણોનો ધમધોકાર વિકાસ થયો. વર્તમાન કે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટસની નીતિરીતિઓની ટીકા કરી શક્તું સ્વતંત્ર મીડિયા બન્યું ને ધાર્મિકતાના પાપને બદલે કાયદાની ધાક બેસાડતી કાનૂની શિસ્તની આદત બની. અગાઉની પ્રજા એ જ અમીર દેશમાં ગરીબ હતી. આજે એ જ દેશ રણમાં પણ પ્રવાસીઓને આકર્ષી લક્ષ્મીવંત બની ગયો કે સંબંધો તંગ થાય, તો પણ ભારતીયો ત્યાં સંતાનો મોટા કરવા માંગે છે ! આ જ કહાની ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ડેન્માર્ક, કેનેડા વગેરેની છે.

હવે ભારતના સંદર્ભમા આ વાત સમજો. એક સમયે આજના મોર્ડનયુગને ટક્કર મારે એવી ઉદાર (લિબરલ) જીવનશૈલી, સંશોધનો (રિસર્ચ) અને સાહસ (એડવેન્ચર) ઉપરાંત તબિયત (ફિટનેસ) અને સૌંદર્ય (બ્યુટી, લવ, સેક્સ) બધી બાબતમાં અખંડ એવો રાજકીય રીતે એક દેશ ન હોવા છતાં પ્રગતિ કરીને હુન્નર ઉદ્યોગથી ફિલોસોફી સુધી અગ્રેસર એવો આપણો દેશ ધીરે ધીરે શ્રદ્ધાના અતિરેકમાં સંકુચિત થયો ને ગુલામ બનતો ગયો. વિભાજીત થતો ગયો, આળસુ ને કામચોર ઉપરાંત ખટપટિયો ને ભ્રષ્ટાચારી થતો ગયો.

ભારત રાષ્ટ્રમાં તો અપાર સંભાવનાઓ હતી. જેણે સરખું રાજ કર્યું એ અશોક હોય કે અકબર હોય કે અંગ્રેજો - બધા જ કુબેરપતિ થયા. પણ પ્રજા ધીરે ધીરે આગળ ભવિષ્ય તરફ જવાને બદલે ભૂતકાળ તરફ જવા લાગી. એટલે રણની રેતીથી હિમાચ્છાદિત શિખરો, લીલાછમ વનથી સોનાના ભંડારો ધરાવતો અને સ્ટ્રોબેરીથી સિરામિક સુધીનું બધું જ પેદા કરી શક્તો દેશ હજુ આર્થિક રીતે એટલો પગભર નથી થયો કે ચીનની જેમ એને ડારો આપતા પહેલા દુનિયાને વિચાર કરવો પડે. આપણે છેલ્લા એક દસકામાં અમેરિકન સોશ્યલ મીડિયાના જોરે કેવળ હૂપાહૂપ કરતા રાષ્ટ્રવાદના ઓઠાં નીચે ગપ્પાબાજીના ઘેનમાં જીવતા અડધા અભણ, અડધા નવરા ટ્રોલિયાઓની સંખ્યામાં વધારો કર્યો ત્યારે ચીને ટિકટોકથી અલીબાબા જેવી ઇન્સ્ટાગ્રામ ડે અમેઝોનનો મુકાબલો કરતી બ્રાન્ડસ ઉભી કરી નાખી તે અમેરિકાના આઈફોનથી ભારતના ગણપતિની મૂર્તિ સુધી, સ્કૂલોના ફર્નિચરથી મેડિકલ ફિલ્ડના કોમ્પોનન્ટસ સુધીનું ઉત્પાદન એવું ઊભું કર્યું કે કાગળથી રમકડાં સુધી આજે પણ આત્મનિર્ભર ભારત એની આયાત અટકાવી શક્યું નથી !

કડવી લાગે, તો પણ હૈયાબળતરામાંથી નીપજેલી સાચી વાત છે આ. અને વધુ એક સ્વાતંત્ર્યદિન નજીક છે, ને જરા ઉચાટનો માહોલ છે કે દેખીતા ત્રાસવાદનો ભોગ બનવા છતાં જગત કેમ ખોંખારો ખાઈ આપણા પડખે નથી કે આખું ફુલ સર્કલ ફરીને સ્વતંત્રતા બાદ જવાહરલાલ નેહરૂએ જે રશિયા, ચીન, ફ્રાન્સ અને અમુક ઇસ્લામિક રાષ્ટ્રોની દોસ્તી પર દારોમદાર રાખવો પડેલો, એ જ ગતિવિધિ આપણે કરવી પડે છે ?

એક કારણ તો એ ચર્ચાય છે કે આપણા વિદેશ વિભાગ અને સંરક્ષણ વિભાગે પૂરો ચક્રવ્યૂહ જાણ્યા વિના ઝુકાવી દેતા અભિમન્યુની જેમ આર્થિક, વૈજ્ઞાાનિક, શૈક્ષણિક સિદ્ધિઓ પૂરતી મેળવ્યા વિના જ આપણે વિશ્વગુરૂ થઈ જ ગયા છે, એવો એટીટયુડ રાખવાનું શરૂ કર્યું. નેચરલી, કોઈ ચાલાક કે મુત્સદ્દી લીડર્સ બોલે નહિ, પણ ધીરેધીરે એમને અમુક હકીકતો સમજાતા કેટલાંક દુભાઈને દાવ લેવાની રાહ જુએ, કેટલાંક માત્ર ધંધાકીય ટ્રેડર સમજી આપણને દબાવવાનો મોકો જુએ અને કેટલાંકને આપણી હેડલાઈન મેનેજમેન્ટ પાછળની હકીકત ખબર પડે તો પ્રભાવિત થયા વિના આપણા માટે બહુ દરકાર ના રાખે. દરેક સ્થિતિમાં સાચાખોટા કારણ જે હોય તે, નિવારણ તો એ જ છે કે આપના હાથ, જગન્નાથ ! એટલે ગાંધી કે સરદાર અળખામણા થઇને પણ પહેલા પ્રજાનું અને સાચી મજબૂત નિષ્પક્ષ નાગરિકતા શીખવતી લોકશાહીનું ઘડતર ધર્મના લડાઈ ઝઘડા કોરાણે મૂકીને કરવા માંગતા હતા !

એમના ગયા પછી પણ આપણા સદ્નસીબે ઓશોએ ઉઘાડેછોગ આ અણગમતી સચ્ચાઈ આપણને કહી અને કમનસીબે આપણે સમયસર જાગ્યા નહિ ! એમણે એ વખતે કહેલું કે ''આઝાદ થયા પછી પણ અહીં શુદ્ધ ઘી કે શુદ્ધ તેલ'' એવું લખવું પડે, મતલબ આપણે સ્વીકારી લીધું છે કે ઘણુંબધું અશુદ્ધ છે ! આપણે દેખાવ તંદુરસ્ત હોવાનો કરવો છે, પણ બીમારી સ્વીકારવી નથી એટલે ઈલાજ થઈ શકતો નથી. આપણને એવો ભ્રમ છે કે આખા જગતને આપણી પાસેથી ઉપદેશ લેવો છે. વાસ્તવમાં આપણા અસ્તિત્વ બાબતે દુનિયાના મોટાભાગના લોકોને કશી ગતાગમ પણ નથી.

સત્યવચન. વિશ્વ તો પ્રોફેશનલ છે. બધા પોતાના હિતોનું જુએ. અમેરિકાને ભારતમાં માર્કેટ પૂરતો રસ છે, ઘણા ખરા યુરોપને પણ. ચીનને જમીનમાં રસ છે ભારતની. રશિયાને યુરોપ-અમેરિકા સામે એક સાથીદાર જોઈએછે, પણ ચીનના વિરોધમાં રસ નથી. ઇઝરાયેલ તો પહેલેથી જ પોતાના જ અસ્તિત્વ બાબતે ચિંતીત છે અને બાહોશ વેપારી મુલ્ક છે. ઇસ્લામિક રાષ્ટ્રો વધતી જતી કટ્ટરતાને લીધે અંદરથી મદદગાર બને નહિ ને આફ્રિકા-દક્ષિણ અમેરિકાને આપણે મદદ કરવી પડે એમ છે. કેનેડા-ઓસ્ટ્રેલિયામાં સ્વદેશીની વાતો વચ્ચે ભણવા-રહેવા આપણે ધસારો કરીએ છીએ ! મૂળ તો આપણે આંકડાબાજી ને નિવેદનબાજી છોડીને સાચુકલું ડેવલપમેન્ટ કરીને જાતે જ મહાસત્તા થવું પડે. એ માટેની મુખ્ય ત્રણ શરત છે :

પહેલું - ધર્મને બદલે વિજ્ઞાાનનો વિકાસ. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આવતીકાલનો બિઝનેસ છે. ને એના થકી વિશ્વના નાણા આપણે ત્યાં ઠલવાઈ શકે. કરપ્શન પણ ટ્રાન્સપરન્સી વધતા ઘટે અને આપણી ટેલન્ટ બીજે ઘસડાઈ જતી ઓછી થાય. એવું નહિ કે સામ્યવાદી બની ધર્મવિરોધી થવાનું. પણ આસ્થાને અંગત મામલો ગણીને જાહેરશિસ્તથી શિક્ષણ બાબતે વિજ્ઞાાનની ગોખણપટ્ટીને બદલે વૈજ્ઞાાનિક અભિગમ ને આવિષ્કાર વિકસે, એ માહોલ બતાવવો. યુરોપ-અમેરિકામાં આપણા મહાનગરોમાંથી ક્યાંય નાના શહેરોમાં જે લેવલના સાયન્સ એન્ડ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ કે એક્ટીવિટી લર્નિંગ સેન્ટર્સ છે, એ લેવલનું એક પણ (સિટી એક પણ - મુંબઈ, કલકત્તા, બેંગ્લોર પણ નહિ ને સાયન્સ સિટી પણ નહિ - બધે જ નબળી નકલ છે ફોરેનની !) સાયન્સ સેન્ટર વિદ્યાર્થીઓના કુતૂહલ જગાવે એવું આપણે ત્યાં નથી. હજુ પણ મંદિર-મસ્જીદ, મહાકુંભ-મોહમ્મદ એ જ બધો કંકાસ આપણે ત્યાં ચાલે છે ને ગપગોળા થકી ભયભીત પબ્લિક કટ્ટરતામાં ચેમ્પિયન થાય છે, સ્પોર્ટ્સમાં નહિ ! શિક્ષણનું સ્તર સુધાર્યા વિના રાજકીય દખલ વિના અને બનાવ્યા વિના છૂટકો નથી !

બીજી શરત : હાર્ડ પાવર એન્ડ સોફટ પાવરનું બેલેન્સ. આપણી પાસે ધંધાની કુનેહ છે, કારીગરીનો કસબ છે અને જરૂરિયાતમંદ મેનપાવર યાને શ્રમિકો પણ છે. પણ પવિત્રતાની દિવસરાત દંભી વાતો કરનારાના માંહ્યાલામાં જૂઠ, લુચ્ચાઈ, ટાંટિયાખેંચ, ઇર્ષા, અહંકાર અને ભ્રષ્ટાચારના ષડરિપુ (છ શત્રુઓ) કાયમી છે ! આપણે સારા આર્થિક નિષ્ણાંતો મળે છે તો નેતૃત્વમાં દમ નથી હોતો ને નેતાગીરી સક્ષમ મળે છે તો આર્થિક બાબતે સ્વદેશીના નામે હાકલાપડકારામાં અસલી ઉદ્યોગોનો ઉદ્યમ થતો નથી. સ્ટાર્ટઅપથી ને મધ્યમ લઘુ ઉદ્યોગોની ચર્ચા ખૂબ ચાલી, પણ એ શરૂ થાય છે એમ સપાટાબાંધ બંધ પણ થાય છે ! મોટા ભાગના ઓરિજીનલ આઇડિયા પર કામ નથી કરતા, કોઈની નકલ કરે છે, આપણે આખી દુનિયા ઉપયોગમાં લઈને ઓળખે એવી (મેક્ડોનાલ્ડસ કે ટેસ્લા કે એરબસ કે સોની કે મર્સીડિસ જેવી) એક પણ બ્રાન્ડ આટલી વસતિ છતાં આઝાદીના આટલા વર્ષે બનાવી શક્યા નથી.

બરાબર સમજી લેજો વર્ષોથી અનેકવાર ગાઈવગાડીને દેશહિતમાં અળખામણા થઈને કહેવું છે એ સત્ય : આપણા મોટા ભાગના 'સ્વદેશી' ઉત્પાદનો એ જ જૂના કપડાં કે મસાલા વગેરે સિવાય ટ્રેન્ડસેટિંગ નથી, પણ બીજા કોઈએ પહેલીવાર શોધ્યા પછી એની આપણે કરેલી નકલ છે. વિશ્વનો પહેલો કાગળ, પહેલો ફટાકડો, પહેલો સેટેલાઇટ કે પહેલું માઇક્રોસ્કોપ કશું આપણા નામે નથી. આજની ઘણીખરી સ્વદેશી ગણાતી ચીજોમાં કેટલાય પુરજા તો ચીન જેવા દેશોના આયાતી વપરાય છે. બેસ્ટ ગણાતા મોબાઈલ, કોમ્પ્યુટર, કાર, ટીવી વગેરેમાં કશું સ્વદેશી નથી. આપણે આર્થિક ઉદારીકરણ પછી પણ એ જ જ્ઞાાતિવાદ, મોક્ષ, પ્રતિ-ભાષા-કોમના ઝગડામાં સમય વેડફી નાખ્યો ને એટલા જ વર્ષોમાં ચીન અમેરિકાની હારોહાર આવી ગયું, જ્યાં ટેરિફ વોરનો ટેરર પણ તરત કામ નથી કરતો ! જાપાન, સિંગાપોર, સાઉથ કોરિયા, તાઇવાન, વિએતનામ જેવા ટચૂકડા એશિયાઈ દેશો પણ આગળ નીકળી ગયા. આપણી પાસે તો બીટીએસના લેવલની ગ્લોબલ એન્ટરટેઈનમેન્ટ બ્રાન્ડ કે જેકી ચાનથી જોન ચુ લેવલના ગ્લોબલ એક્ટર-ડાયરેક્ટર પણ નથી !

હરીફરીને સંસ્કૃતિના નામે બોયકોટની ફાંકોડી રાજીવ દીક્ષિત છાપ વાતોનું પુનરાવર્તન થાય છે, પણ ખુદ વડાપ્રધાને કહેલું કે ''સ્વદેશી એટલે આપણી મહેનત લાગેલી હોય અને આપણને આર્થિક લાભ થાય એવી ખરીદી'' એ ભૂલાઈ જાય છે. આપણને વિદેશી લાગે છે એવી કેટલીય પ્રોડક્ટસ પાછળ ભારતીયોની ફ્રેન્ચાઇઝી છે, ભારતીઓના રોજગાર છે, ભારતને થતી ટેક્સની આવક છે અને સ્ટોક માર્કેટમાં ભારતીઓનું ઈન્વેસ્ટમેન્ટ છે ! પછી આર્યુવેદિક દવાઓની જેમ સ્વદેશીના નામે કંઈ પણ ચલાવવાથી દુનિયા ઝુકી જવાની નથી. મૂળ વાત છે બેસ્ટ ક્વોલિટીના સ્વદેશી વિકલ્પો તૈયાર કરવા, જે આપોઆપ પ્રજાને ખેંચે, નહિ કે વધુ અળખામણા થઈને બહિષ્કારના નામે દુનિયાની આંખે ચડવું ! ખેતી-પશુપાલનમાં આપણે મક્કમ સ્ટેન્ડ લીધું એ બરાબર જ છે, બિરદાવવાલાયક છે. પણ દેશની જીવાદોરી જેવા એ સેક્ટરમાં નફાકારક નવીનતા કેટલી આવી ?

ત્રીજું, સેક્સ, ફ્રીડમ એન્ડ રિલેશનશિપ બાબતે આપણો રૂઢિચુસ્ત તાલિબાની એપ્રોચ. જુઓ, મહાસત્તા બનેલા કોઈ પણ દેશ અમેરિકા, ચીન, રશિયા જેવા મોટા હોય કે ફ્રાન્સ, ઇટાલી, જાપાન, જર્મની, જેવા છોટા હોય - પ્લેબિટિકલ સેન્સરશિપ અમુક જગ્યાએ છે, પણ આ મૂળભૂત બાબતે આપણા જેવી જૂનવાણી સંકુચિતતા ને દંભ નથી. યુવાવર્ગની ઉર્જા છોકરા કે છોકરીના પ્રોફાઈલ ફરતે ચક્કર મારવામાં જ ખર્ચાઈ ત્યાં ચાંદ-સિતારાના ચક્કર કોણ મારશે?

વિચારજો, પંદરમી-સોળમી ઓગસ્ટની રજામાં થોડું ભવિષ્યના ભારત વિશે !

ઝિંગ થિંગ

''ભૂતકાળમાં બધા રામ, કૃષ્ણ, બુદ્ધ કે મહાવીર નહોતા. અપવાદ હતા એટલે યાદગાર છે. આપણે ભૂતકાળ મહાન હતોના વળગણને નહિ છોડીએ તો સુંદર ભવિષ્યનું નિર્માણ શક્ય નથી.''

 (ઓશો રજનીશ)

Tags :