પંડિત જવાહરલાલ નેહરુ : સત્ય - અસત્ય! .

- અનાવૃત-જય વસાવડા
- જવાહરલાલ નહેરુના મોટા ભાગના જીવનચરિત્રકારોએ પરિવારની અટક 'કૌલ'માંથી 'નહેરુ'માં બદલાવવાનું કારણ દિલ્હીમાં નહેર કિનારે વસવાટ કરવાનું જ આપ્યું છે
ન્યુ યોર્કના મેયરની ચૂંટણીમાં સમાજવાદના સપના સાથે ચૂંટાઈ આવેલ અને પ્રચારમાં ફિલ્મમેકર માતાને લીધે બોલીવુડનો ઉપયોગ કરનાર ગુજરાતી મૂળના મુસ્લિમ યુવાન ઝોહરાન મામદાણીએ એની સ્પીચમાં ભારતના પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને ક્વોટ કર્યા ! નેહરુને લીધે જ મુક્ત ને ન્યાયી લોકશાહી ચૂંટણીના રખોપા ભારતમાં થયા, એનો જ ઉપયોગ કરી સત્તા ખાતર એક પેઢીનેહરુને એમના દેશમાં માત્ર ગાળો આપતી થઇ ગઈ. ના ગમે ત્યાં નેતાઓને વખોડવા એ નાગરિકનો જન્મસિદ્ધ હક છે, પણ એના માટે જૂઠ બોલવાનું શરુ કરો તો એ આલોચના નથી, અવળચંડાઈ છે.
જવાહરલાલ નેહરુ એઆઇમાં ફેક ઓડિયો વિડીયો બનાવવાની મેલી રમતો આંગળીના ટેરવે આવી, એ પહેલાથી જ ગપ્પાબાજીની ફાંકાફેક્ટરીનો ભોગ બનેલા છે. એમની ભાણેજ નયનતારા લંડનમાં એમને વહાલથી વળગી પડેલી હોય એ ફોટાને પણ લફરા તરીકે ખપાવી દેનારા ખેપાનીઓ છે, ને એવું કોઈ તપાસ વગર માની લેતા અજ્ઞાનીઓની તો ભીડ છે. હજુ ઘણા એવું માને છે કે જવાહરલાલ નેહરુના દાદાનું નામ ગ્યાસુદ્દીન હતું ! કેટલાક ભ્રમમાં કે છે કે નેહરુએ દેશ માટે કોઈ ભોગ આપ્યા વિના વિલાસ ભોગવેલા ફક્ત.
લેટ્સ ચેક ધ ફેકટફાઈલ.
***
૧૭૧૩થી ૧૭૧૯ દિલ્હીની ગાદી પર મુઘલ બાદશાહ ફર્રુખસિયારનું શાસન હતું, જેણે ૧૭૧૭માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને મુગલ સામ્રાજ્યની અંદર રહેવાની અને વેપાર કરવાની પરવાનગી આપેલી. તે દિવસોમાં કાશ્મીરમાં એક કૌલ પરિવાર રહેતો હતો. તેના વડા હતા રાજનારાયણ કૌલ. ૧૭૧૦માં તેમણે કાશ્મીરના ઇતિહાસ પર એક પુસ્તક લખ્યું તારીખ-એ-કાશ્મીર. આ પુસ્તકની વાહવાહી બાદશાહ સુધી પહોંચી.૧૭૧૬માં બાદશાહે વિદ્વાન તરીકે રાજ નારાયણ કૌલને દિલ્હી આવવા અને ત્યાં જ રહેવા માટે આમંત્રણ આપ્યું.
તો રાજ નારાયણ કાશ્મીર છોડીને દિલ્હી આવી ગયા. ફર્રુખસિયરે તેમને થોડી જાગીર (જમીનનો ભાગ) અને ચાંદની ચોકમાં એક હવેલી આપી. તેના લગભગ બે વર્ષ પછી જ ફર્રુખસિયર માર્યો ગયો. આ હવેલીની પાસે એક નહેર વહેતી હતી. ચાંદની ચોકમાં રાજ નારાયણ કૌલ જ્યાં રહેતા હતા, તે વિસ્તારમાં અન્ય ઘણા કાશ્મીરીઓ પણ રહેતા હતા. નહેરના કિનારે હવેલી હોવાને કારણે તે લોકો રાજ નારાયણ કૌલના પરિવારને 'કૌલ નહેરુ' કહીને બોલાવવા લાગ્યા. બી.આર. નંદા સહિત જવાહરલાલ નહેરુના મોટા ભાગના જીવનચરિત્રકારોએ પરિવારની અટક 'કૌલ'માંથી 'નહેરુ'માં બદલાવવાનું કારણ દિલ્હીમાં નહેર કિનારે વસવાટ કરવાનું જ આપ્યું છે. ખુદ નહેરુએ પણ પોતાની આત્મકથામાં 'નહેરુ' અટક પાછળ આ જ કારણ ગણાવ્યું છે.
પરંતુ શેખ અબ્દુલ્લાની આત્મકથા 'આતિશ-એ-ચિનાર'ના સંપાદક મોહમ્મદ યુસુફ ટેંગ કહે છે કે નહેરુ ઉપનામની ઉત્પત્તિ કાશ્મીરમાં જ થઈ છે. જ્યાં ઉત્તર ભારતમાં લાંબા 'ઈ'થી ઉપનામ બને છે (જેમ કે સુલ્તાનપુરી, લાયલપુરી, નોમાની, દેહલવી), ત્યાં કાશ્મીરમાં લાંબા 'ઊ'થી (જેમ કેકાઠમાંથી કાટજૂ, કુંઝરથી કુંઝરુ) ઉપનામ બને છે.નહેરુ પરિવાર શ્રીનગર એરપોર્ટ પાસેના નૌર ગામનો અથવા પછી ત્રાલ પાસેના નુહરગામનો રહેવાસી હોઈ શકે છે.
ખેર,જેમ મુગલોની બાદશાહત નબળી પડી રહી હતી, તેમ તેમ રાજ કૌલને મળેલી જાગીર પણ ઘટતી ગઈ. આ અધિકારોનો લાભ મેળવનારા છેલ્લા વ્યક્તિઓ હતા મૌસારામ કૌલ અને સાહેબરામ કૌલ. આ બંને રાજ નારાયણ કૌલના પૌત્રો હતા. આ જ મૌસારામના પુત્ર હતા લક્ષ્મી નારાયણ કૌલ નહેરુ. લક્ષ્મી નારાયણને મોટું પદ મળ્યું. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ તેમને મુઘલ દરબારમાં પોતાના વકીલ બનાવ્યા. તેઓ અહીં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના પહેલા વકીલ હતા. આ પછી કૌલ નહેરુ પરિવારે ખૂબ પ્રગતિ કરી.
લક્ષ્મી નારાયણના પુત્ર હતા ગંગાધર નહેરુ. ૧૮૫૭ના સ્વાધીનતા સંગ્રામ વખતે તેઓ દિલ્હીના કોતવાલ (મુખ્ય પોલીસ અધિકારી) હતા. આ સમય સુધીમાં કૌલ નહેરુ પરિવારને દિલ્હીમાં વસે લગભગ દોઢ સદી જેટલો સમય વીતી ગયો હતો.તેમની કોતવાલી વિશે દિલ્હી પોલીસની વેબસાઇટ લખ્યું છે કેથ ૧૮૫૭પછી અંગ્રેજોએ કોતવાલનું પદ જ ખતમ કરી દીધું. રસપ્રદ વાત એ છે કે ૧૮૫૭માં ગંગાધર નહેરુને દિલ્હીના કોતવાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એટલે તેઓ દિલ્હીના છેલ્લા કોતવાલ હતા.
૧૮૫૭ વખતે દિલ્હીમાં ખૂબ જ માર-કાટ થઈ. હજારો લોકોને જીવ બચાવીને ભાગવું પડયું. ભાગનારાઓમાં ગંગાધર નહેરુનો પરિવાર પણ હતો. એ બધા ભાગીને આગ્રા જતા રહ્યા. ગંગાધર અને તેમની પત્ની ઈન્દ્રાણીને પાંચ સંતાનો થયા. બે દીકરીઓ - પટરાણી અને મહારાણી. અને ત્રણ દીકરા - બંસીધર, નંદલાલ અને મોતીલાલ.
મોતીલાલના જન્મમાં ત્રણ મહિના બાકી હતા, ત્યારે તેમના પિતા ગંગાધરનું મૃત્યુ થયું. આ વર્ષ હતું ૧૮૬૧. પિતાના મૃત્યુ પછી પરિવારની જવાબદારી મોટા પુત્ર બંસીધરે સંભાળી. તેઓ આગ્રાની સદર દીવાની અદાલતમાં ન્યાયાધીશે સંભળાવેલા નિર્ણયો લખવાનું કામ કરતા હતા. આગળ જતાં તેઓ પોતે સબઓર્ડિનેટ જજ બન્યા.બંસીધરથી નાના ભાઈ, એટલે કે નંદલાલ, પહેલા સ્કૂલ માસ્તરી કરતા હતા. તે દિવસોમાં આગ્રા પાસે એક નાની રિયાસત હતી - ખેતડી. અહીંના રાજા હતા ફતેહ સિંહ. નંદલાલને તક મળી અને તેઓ રાજા ફતેહ સિંહના પ્રાઇવેટ સેક્રેટરી બની ગયા. આગળ જતાં રાજાએ તેમને પોતાના દીવાન બનાવ્યા.રાજાના મૃત્યુ પછી એમની ઈચ્છા મુજબના ગાદીવારસ બનાવવાની ખટપટ કરવા જતા વફાદાર નંદલાલે નોકરી ગુમાવવી પડી.
નંદલાલ ખેતડીમાંથી નીકળ્યા અને તેમણે વકીલાતનો અભ્યાસ કર્યો. દાદા લક્ષ્મી નારાયણ કૌલ નહેરુ પછી હવે તેમના બંને પૌત્રો - બંસીધર અને નંદલાલ વકીલ બની ચૂક્યા હતા. નંદલાલ પણ આગ્રા કોર્ટમાં વકીલાત કરવા લાગ્યા. કૉલેજ પછી મોતીલાલે પણ વકીલાતનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. આ માટે તેમને કેમ્બ્રિજ મોકલવામાં આવ્યા. ૧૮૮૩માં મોતીલાલ કાયદાની ડિગ્રી લઈને ભારત પાછા ફર્યા. વચેટ ભાઈ નંદલાલ સાથે મળીને તેઓ વકીલ તરીકે પ્રેક્ટિસ કરવા લાગ્યા.
મોતીલાલે બે લગ્ન કર્યા હતા. પહેલું લગ્ન નાની ઉંમરે જ થઈ ગયું હતું, પરંતુ તેમની પત્ની બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ પામી. પછી ૨૫ વર્ષની ઉંમરે મોતીલાલે બીજા લગ્ન કર્યા. પત્નીનું નામ હતું સ્વરૂપરાણી. ૧૪ નવેમ્બર, ૧૮૮૯ના રોજ બંનેને એક પુત્ર થયો, જેનું નામ જવાહરલાલ રાખવામાં આવ્યું.
મોતીલાલ કાનપુરની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલાત કરતા હતા. તેમનું કામ પણ સારું ચાલી રહ્યું હતું. પણ મોતીલાલ વધુ પ્રગતિ કરવા માંગતા હતા. આથી તેઓ ઈલાહાબાદ આવી ગયા. અહીં હાઇ કોર્ટ હતી. મોતીલાલની બેરિસ્ટરી ચમકી ઊઠી. તેમણે ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી. ૯, એલ્ગિન રોડ પર રહ્યા. પછી સન ૧૯૦૦માં તેમણે ૧, ચર્ચ રોડ પર સૈયદ અહમદનું બનાવેલું એક ઘર ખરીદ્યું. ઘર શું હતું, મહેલ જ હતો. મોતીલાલ અને સ્વરૂપરાણીએ પોતાના આ ઘરનું નામ આનંદ ભવન રાખ્યું.પછી આગળ જતાં આ ઘરની પાસે બીજું એક ઘર બનાવવામાં આવ્યું. જૂના 'આનંદ ભવન'ને 'સ્વરાજ ભવન' નામ આપવામાં આવ્યું. નવું ઘર 'આનંદ ભવન' કહેવાવા લાગ્યું. મોતીલાલે પોતાનું તે 'સ્વરાજ ભવન' દેશને સમર્પિત કરી દીધું.
મોતીલાલે જ 'કૌલ' હટાવીને માત્ર 'નહેરુ' લખવાનું શરૂ કર્યું. તેમની શરૂ કરેલી આ પરંપરા તેમના પુત્ર જવાહરલાલે પણ ચાલુ રાખી.નહેરુ પણ કેમ્બ્રિજમાં ભણેલા બૅરિસ્ટર હતા. તેમનો પરિવાર ખૂબ જ ધનવાન હતો, જેને ખાનદાની રઈસ (સમૃદ્ધ) કહી શકાય. મહાત્મા ગાંધીના પ્રભાવ હેઠળ નહેરુ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા.
૧૯૨૨માં પ્રથમ વખત જેલમાં ગયા અને ૧૯૪૫માં છેલ્લી વખત મુક્ત થયા, તે દરમિયાન તેઓ કુલ નવ વાર જેલમાં ગયા. ભારતની આઝાદીની લડતમાં આ સંભવત: સૌથી મોટો આંકડો છે ! સૌથી ઓછો સમય ૧૨ દિવસ અને સૌથી લાંબો સમય ૧,૦૪૧ દિવસ જેલમાં રહ્યા. એવું નહોતું કે રાજકીય કેદી હોવાને કારણે જેલમાં સારી સગવડો મળતી હોય. તે અંગ્રેજોની જેલ હતી અને તેમની સજામાં સશ્રમ કારાવાસ (સખત મજૂરી સાથેની કેદ) પણ સામેલ હતો
નહેરુના જેલવાસના નવ તબક્કા હતા : ૨ ૬ ડિસેમ્બર, ૧૯૨૧ થી ૩ માર્ચ, ૧૯૨૨ (૮૭ દિવસ) નવેમ્બર ૧૯૨૧માં પ્રિન્સ ઑફ વેલ્સ ભારતની મુલાકાતે આવ્યા. કૉંગ્રેેસ વર્કિંગ કમિટીએ પ્રિન્સની મુલાકાતનો બહિષ્કાર કર્યો. બ્રિટિશ સરકારે કૉંગ્રેસ કાર્યકરો પર સખ્તાઈ શરૂ બહિષ્કારને સફળ બનાવવામાં નહેરુનો મોટો હાથ હતો. ૬ ડિસેમ્બરે પોલીસ 'આનંદ ભવન' પહોંચી અને નહેરુની ધરપકડ કરવામાં આવી. તેમના પિતા મોતીલાલ નહેરુની પણ ધરપકડ થઇ. નહેરુ પર કલમ ૧૭ (૧) હેઠળ કેસ ચલાવવામાં આવ્યો. તેમને છ મહિનાની જેલ અને રૂપિયા ૧૦૦ દંડની સજા મળી. નહેરુએ દંડ ભરવાનો ઇનકાર કર્યો. તેમને લખનઉ ડિસ્ટ્રિક્ટ જેલમાં રાખવામાં આવ્યા.૩ માર્ચ, ૧૯૨૨ના રોજ ૮૭ દિવસની જેલ સજા પછી તેમને મુક્ત કરવામાં આવ્યા. નહેરુ મુક્ત થવા માંગતા નહોતા. તેમણે કહ્યું હતું 'હું નથી જાણતો કે મને શા માટે મુક્ત કરવામાં આવી રહ્યો છું. મારા પિતાને અસ્થમા છે. તેઓ અને મારા સેંકડો સાથીઓ હજુ પણ જેલમાં છે. હું બસ એટલું જ કહેવા માંગુ છું કે 'કરો યા મરો'. આઝાદ ભારત માટે સંઘર્ષ ચાલુ રાખો. જ્યાં સુધી આઝાદી ન મળે ત્યાં સુધી શાંતિથી બેસવાનું નથી.'
બીજી વખત : ૧૧ મે, ૧૯૨૨ થી ૩૧ જાન્યુઆરી, ૧૯૨૩ (૨૬૬ દિવસ) પ્રથમ સજા પૂરી કરીને બહાર આવ્યા પછી નહેરુ વિદેશી વસ્ત્રોના બહિષ્કારની ઝુંબેશમાં લાગી ગયા. (એમના કપડાં પેરિસ ધોવાતા એ ત્યારે ચાલતી મજાક હતી, જેનો ઉલ્લેખ નેહરુએ પણ ગપગોળા તરીકે કરેલો છે.) ૧૧ મેના રોજ તેઓ પોતાના પિતાને મળવા જેલમાં ગયા હતા, જ્યાં તેમની જ ધરપકડ કરી લેવામાં આવી. તેમને ઈલાહાબાદ ડિસ્ટ્રિક્ટ જેલ અને પછી લખનઉ ડિસ્ટ્રિક્ટ જેલમાં ખસેડવામાં આવ્યા. તેમને ૧૮ મહિનાના સશ્રમ કારાવાસની સજા થઈ. એ વખતે જેલ જતી વખતે નહેરુએ કહ્યું હતું : 'ભારતને આઝાદ કરાવવાની આ લડાઈમાં સામેલ થવું સન્માનની વાત છે. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં કામ કરવું બમણા ગર્વની વાત છે. આપણા પ્રિય દેશ માટે તકલીફ સહન કરવાથી સારું શું હોઈ શકે. આપણા ભારતીયો માટે આનાથી વધારે ભાગ્યની વાત શું હોઈ શકે કે કાં તો પોતાના દેશ માટે સંઘર્ષ કરતાં મરી જઈએ અથવા તો આપણું આ સપનું પૂરું થઈ જાય.'
ત્રીજો જેલવાસ : ૨૨ સપ્ટેમ્બર, ૧૯૨૩ થી ૪ ઓક્ટોબર, ૧૯૨૩ (૧૨ દિવસ)આ સૌથી ટૂંકા સમયની સજા હતી. બ્રિટિશ સરકારે નાભાના રાજાને ગાદી પરથી હટાવી દીધા હતા, જેના કારણે શીખ ભડકી ગયા. શીખોના જથ્થાઓ નાભા પહોંચ્યા, જેને અંગ્રેેજોએ માર માર્યો અને જંગલમાં છોડી દીધા. નહેરુ આ સમાચાર મળતા જ એક જથ્થામાં સામેલ થઈને નાભા પહોંચ્યા. પોલીસે તેમને નાભા છોડવા કહ્યું, પણ તેઓ ન માન્યા.તેમને નાભા જેલમાં બંધ કરવામાં આવ્યા. પોતાની આત્મકથામાં નહેરુએ આ સજા વિશે લખ્યું છે : 'મને, મારા સાથી એ.ટી. ગિડવાણી અને કે. સંથાનમને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં નાભા જેલની અંદર રાખવામાં આવ્યા હતા. જેલની કોટડી ખૂબ જ ગંદી હતી... રાત્રે અમે ફર્શ પર સૂતા હતા. સૂતી વખતે જ્યારે કોઈ ઉંદર મારા ચહેરા પરથી પસાર થતો, ત્યારે ઝબકીને મારી ઊંઘ ઊડી જતી હતી.'
ચોથો જેલવાસ : ૧૪ એપ્રિલ, ૧૯૩૦ થી ૧૧ ઓક્ટોબર, ૧૯૩૦ (૧૮૧ દિવસ) : ફેબુ્રઆરી ૧૯૩૦માં કૉંગ્રેસે ગાંધીજીને સવિનય કાનૂન ભંગ આંદોલન શરૂ કરવાની મંજૂરી આપી. નહેરુ આ સમયે કૉંગ્રેસના અધ્યક્ષ હતા. ૧૪ એપ્રિલ, ૧૯૩૦ના રોજ નહેરુ રાયપુર જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેમની ધરપકડ કરી લેવામાં આવીતેમને છ મહિનાની જેલની સજા મળી. તેમને ઈલાહાબાદની નૈની જેલમાં રાખવામાં આવ્યા.
પાંચમી જેલયાત્રા : ૧૯ ઓક્ટોબર, ૧૯૩૦ થી ૨૬ જાન્યુઆરી, ૧૯૩૧ (૧૦૦ દિવસ) : નહેરુ ખેડૂતોને એકજૂથ કરી રહ્યા હતા કે તેઓ અંગ્રેજ સરકારને ટેક્સ ન આપે. આવા જ એક અભિયાન દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી. તેમના પર રાજદ્રોહ સહિતના ઘણા કેસ ચાલ્યા. અલગ-અલગ કેસોમાં મળેલી સજાને જોડીને કુલ બે વર્ષની સશ્રમ કેદ થઈ. પણ અંગ્રેજો જે સશસ્ત્ર લડાઈમાં ના હોય એવા રાજકીય કેદીઓને સફળ કાનૂની અપીલ બાદ ઘણી વાર વહેલા છોડી દેતા. આ સમય દરમિયાન તેમણે ઈન્દિરાને ઘણા પત્રો લખ્યા, જે પછીથી 'ગ્લિમ્પ્સેઝ ઑફ વર્લ્ડ હિસ્ટ્રી' અને ગુજરાતીમાં જગતના ઇતિહાસના રેખાદર્શન (અનુવાદ : નગીનદાસ પારેખ) તરીકે પ્રસિદ્ધ થયા. ત્યારે એમણે 'આઝાદી-ગુલામી અને સાચું-ખોટું વચ્ચે કોઈ સમાધાન થઈ શકે નહીં... હું પ્રાર્થના કરું છું કે મારા દેશના લોકો થાક્યા વિના આ સંઘર્ષ ચાલુ રાખશે. ત્યાં સુધી, જ્યાં સુધી આપણને સફળતા નથી મળી જતી... આઝાદ ભારત ઝિંદાબાદ.'
છઠ્ઠી જેલયાત્રા : ૨૬ ડિસેમ્બર, ૧૯૩૧ થી ૩૦ ઓગસ્ટ, ૧૯૩૩ (૬૧૪ દિવસ) : નહેરુ ખેડૂતોને અપીલ કરી રહ્યા હતા કે જ્યાં સુધી સરકાર તેમની મુશ્કેલીઓ દૂર ન કરે, ત્યાં સુધી તેઓ જમીનદારોને લગાન (કર) આપવાનું બંધ કરી દે. સરકારે એક વટહુકમ લાવીને આને ગુનો ગણાવ્યો.તેમની ધરપકડ કરવામાં આવી. તેમને બે વર્ષના સશ્રમ કારાવાસ અને રૃા. ૫૦૦ દંડની સજા સંભળાવવામાં આવી. તેમને નૈની સેન્ટ્રલ જેલ, બરેલી ડિસ્ટ્રિક્ટ જેલ, અને દેહરાદૂન જેલમાં ફેરવવામાં આવ્યા. આ વખતે આગલો ગુનો પણ ગણાતા વહેલા છૂટવા ના મળ્યું.
સાતમી જેલસફર : ૧૨ ફેબ્રુઆરી, ૧૯૩૪ થી ૩ સપ્ટેમ્બર, ૧૯૩૫ (૫૫૮ દિવસ) ૧૭ અને ૧૮ જાન્યુઆરી, ૧૯૩૪ના રોજ નહેરુએ કોલકાતા (તત્કાલીન કલકત્તા)માં સભાઓ કરી. આ ભાષણોને કારણે તેમની પર રાજદ્રોહનો કેસ થયો.તેમને અલીપુર સેન્ટ્રલ જેલ, દેહરાદૂન જેલ, નૈની સેન્ટ્રલ જેલ, અને અલ્મોડા જેલમાં રાખવામાં આવ્યા.પોતાનો પક્ષ રજૂ કરતાં નહેરુએ કહેલું 'જો રાજદ્રોહનો અર્થ છે ભારતની આઝાદી અને વિદેશી ગુલામીના બધા નિશાનોને હંમેશા-હંમેશા માટે ખતમ કરવા, તો નિ:શંક મેં રાજદ્રોહ કર્યો છે.'
આઠમો કારાવાસ : ૩૧ ઓક્ટોબર, ૧૯૪૦ થી ૩ ડિસેમ્બર, ૧૯૪૧ (૩૯૯ દિવસ) : બીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું હતું. કૉંગ્રેસ બ્રિટિશ સરકાર પાસે ભારતને આઝાદ કરવાની માંગણી કરી. નહેરુએ સત્યાગ્રહ શરૂ કરવા એલાન કર્યું. ૬-૭ ઓક્ટોબર, ૧૯૪૦ના રોજ ગોરખપુરમાં આપેલા ભાષણોને કારણે તેમની ધરપકડ કરવામાં આવીતેમને ચાર વર્ષના સશ્રમ કારાવાસની સજા સંભળાવવામાં આવી. પણ પછી એક વર્ષમાં છોડી મુકાયા.
નવમો જેલવાસ : ૯ ઓગસ્ટ, ૧૯૪૨ થી ૧૫ જૂન, ૧૯૪૫ (૧,૦૪૧ દિવસ) : આ નહેરુનો સૌથી લાંબો જેલવાસ હતો અને જેનું કારણ કવિટ ઇન્ડિયા 'ભારત છોડો'નો પ્રસ્તાવ પસાર કર્યા. જિન્નાહ જેવા મુસ્લિમ લીગ વાળા ને સાવરકર જેવા હિંદુ મહાસભાવાળા યાને ઉગ્ર હિન્દુવાદીઓ
અને ઇસ્લામવાદીઓ તો અંગ્રેજોના સમર્થનમાં હતા. ગાંધીજીના વિરોધમાં હતા એટલે એ કોઈને તો ૧૯૨૫ પછી જેલવાસ વેઠવાનો આવ્યો જ નહોતો. અને પ્રાંતીય ચૂંટણીઓમાં કૉંગ્રેસનો પ્રભાવ હતો એટલે આઝાદીની લડતમાં એ જ ભારતનું પ્રતિનિધિત્વ કરતી હતી. આ વખતે ઘણા કેદીઓ હતા અને બ્રીટીશરોને યુધ્ધને લીધે ભારતની જરૂર હતી. એટલે આકરી સજા થાય એમ નહોતી. માત્ર જાહેરજીવનથી દૂર કરવામાં હતા. આમે કોઈ મોટો ગુનો તો હતો નહિ માટે. તેમને સૌથી પહેલા અહમદનગર કિલ્લાની જેલમાં બંધ રાખવામાં આવ્યા, જ્યાં તેમણે એમની સૌથી અદ્ભુત અને પ્રસિદ્ધ કિતાબ 'ડિસ્કવરી આફ ઇન્ડિયા' લખી. ત્યાંથી તેમને બરેલી સેન્ટ્રલ જેલ અને પછી અલ્મોડા જેલ મોકલવામાં આવ્યા.
૧૯૪૬માં વચગાળાની સરકારના વડા બનતા પહેલાં જવાહરલાલ નેહરુએ પૈતૃક સંપત્તિ, આનંદ ભવન જેવા મકાન,બેંક બેલેન્સ અને પુસ્તકોની રોયલ્ટી બધું મળીને કુલ સંપત્તિનો લગભગ ૯૮% હિસ્સો યાને લગભગ ૧૯૬ કરોડ દેશને આપી દીધેલો! આશરે કદાચ ૧૨,૦૦૦ કરોડ ગણાય આજે એના ! (ભારતીય ફુગાવા દરના આધારે).
જેમનો કોઈ અભ્યાસ નથી ને વોટ્સએપના મેસેજ કે યુટયુબના વિડીયોમાં જે આવે તે બધું માની લે છે, એવા લોકો વાંચતા કશું નથી હોતા ઓથેન્ટિક.
દેશની આઝાદી મેળવવા અને ટકાવવામાં નેહરુની ભૂમિકા મોટી હતી. એમણે એમાં ભૂલો પણ કરી ને એ માટે એમની ટીકા પણ થઇ. થવી જ જોઈએ. અમુક વખત આર્થિક નીતિ કે વિદેશનીતિ બાબતે એમનો સ્વપ્નીલ સ્વભાવ દેશને મોંઘો પડયો. તો વૈજ્ઞાનિક કે કળાત્મક અભિગમનો ફાયદો પણ થયો. પણ નીતિઓની ટીકા થઈ શકે છે, પરંતુ નેહરુ એમની સાચી ટીકા કરનારનો દુશ્મન ગણી બહિષ્કાર ના કરતા, અને એમની ચારિત્ર્ય ખંડન માટે જૂઠ ના ફેલાવતા. આલોચના કરવી અને અસત્ય કહેવું બે વચ્ચે હાથી ઘોડા નહિ, હાથી કીડી જેટલો તફાવત છે !
ઝિંગ થિંગ
'તમારા ગમવા કે ના ગમવાથી સત્ય બદલાતું નથી.'
(જવાહરલાલ નેહરુ, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા)

