હોમમેકર કે વર્કિંગ વુમન? મહિલા જેમ મજબૂત થાય એમ મેરેજ લાઈફ તકલાદી બને છે?
- અનાવૃત-જય વસાવડા
- આમાં કોઈ ખોટું કે કોઈ સાચું એવા જડબેસલાક જજમેન્ટ લેવા કરતા એ સ્વીકારો કે વર્તનમાં આવેલું આ વર્તમાન પરિવર્તન વધતું જવાનું છે
સ લમાન ખાનના પિતા લેખક અને મરમી માનવી સલીમ ખાન સાથે વર્ષો પહેલા વાત થયેલી કે સલમાન લગ્ન કેમ નથી કરતો ? ઓપ્શનનો અભાવ છે, એવું તો એ કહે તો પણ કોઈ માને નહીં. તો કારણ શું ?
'આપ સેલિબ્રિટી હો તો ભી અબ મોડર્ન શહરવાલી કા શરીર ઔર પુરાની ગાંવવાલી કા નેચર એકસાથ કૈસે મિલ સકતા હૈ ?' બાપના એ જવાબથી એ વાતોની શરૂઆત થયેલી. ચાલો, એમાં થોડો વૈચારિક શાબ્દિક વિસ્તાર મૂળ અર્થ બદલાય નહિ એમ કરીને એ મૂકીએ :
આ ફિલ્મ ગ્લેમરની પણ એક ઇન્ડસ્ટ્રી તો છે જ. હવે સાહજિક છે, એમાં કામ કરતા કરતા સ્ત્રી પુરુષ એકમેકની નજીક આવે, આકર્ષણ થાય, સાથે સહવાસનો સમય ને એકાંત અને રંગીન માહોલ બધું હોય. તો પ્રેમ પણ થાય, અમે પણ આમાંથી પસાર થયા છીએ.પણ લગ્નની વાતમાં સિરિયસનેસ આવે ત્યારે થોડું ગરબડ શરૂ થાય. સલમાન જેવા પુરુષને પત્ની એની મા જેવી જોતી હોય. હવે એની મા ફિલ્મી વ્યક્તિ નહોતી. યુવાનીમાં બહુ પાર્ટીઓમાં જવા કરતા બાળકોને પાટીપેન લઈ ભણાવવામાં સમય આપતી. તેડવા મૂકવા જાય. એને અને પતિને ગરમાગરમ જમવાનું મળે એનું ધ્યાન રાખે. ઘર સાચવે ને શણગારે. ખર્ચના હિસાબ રાખે, સગાઓ કે જૂના મિત્રો બહારના અન્ય અજાણ્યા લોકો સાથે ઝટ હળેમળે નહિ, વ્યસનોથી દૂર રહે ને ઘર પરિવાર વડીલો બાળકો બધા માટે થોડો ભોગ આપે, માંદગીથી મહેમાનો સુધી સાથ નિભાવવા પડખે રહે...
હવે ફિલ્મ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કરિઅર બનાવવા આવતી યુવતીઓ તો નેચરલી મહત્વાકાંક્ષી હોવાની. એનો સંઘર્ષ ફેમિલી લાઇફ માટે નથી, ફેમસ થવા માટે છે. એને જલસા કરવા હોય, ખુદ નામ કમાવું હોય. બીજાના હાંસિયામાં જીવ્યા ન કરવું હોય. એને કિચન કરતા જિમમાં વધુ રસ પડે. ફિગર ને ફેશન એની પ્રાથમિકતા હોય, ગેસ્ટ માટે ઉજાગરા કે સંતાનો ઉછેરવા એની કારકિર્દી પાટા પરથી નીચે ઉતારી દે. એ ઘર સંભાળવા નહીં, દુનિયાનું ધ્યાન ખેંચવા ઘરની બહાર નીકળી હોય. કામને લીધે એના નવા નવા સંપર્કો પણ થાય. પોતાની મોજ એને પરિવાર માટે કુરબાન કરી એડજસ્ટ ન કરવું હોય.
પણ મોટા ભાગના (સલમાન જેવા) સફળ પુરુષોને દેખાવમાં હીરોઈન જોઈએ છે, માત્ર રૂપ નહીં. સ્ટાઇલ ને સ્માર્ટનેસ બેઉ જોઈએ છે. પાર્ટી કે પ્રવાસ બેઉમાં ફિટ થાય એવી. અને સ્વભાવમાં ગામડામાં રહેતી એવી ઘરરખ્ખુ ગૃહિણી જોઈએ છે. આ બેઉનો મેળ કેવી રીતે પડે ? ભાગ્યે જ આવું કોમ્બિનેશન મળે. લગ્ન પછી સ્ત્રીઓ પહેલાની નામ અને દામ બેઉ કમાઈ દેતી કરિઅર છોડીને પતિ માટે નવી ભૂમિકા સ્વીકારી લેતી. (જેમકે, જયા ભાદુરી કે નીતુ સિંઘ ) હવે તો ડિજિટલ યુગમાં બહુ બધા પ્રલોભનો ઘેર બેઠાં આવે. એમની લાઇફ બીજા માટે સેક્રિફાઈસ થાય નહીં. પોતાને સેન્ટર માની એના ફરતી ફર્યા કરે. બાળકો પછી નોકરચાકર ડ્રાઈવરનેનીઆયા ઉછેરી દે. બીમારી હોસ્પિટલમાં નર્સને ખભે પસાર થાય. રસોઈકામ કે સફાઇકામ પોતાનું ઘર ચલાવવા મથતી કોઈની ગૃહિણી આપણા ઘરમાં નોકરી કરવા આવીને પૈસા ખાતર કરી દે કે પછી સતત બહારનું ખાઈ અને અવ્યવસ્થિત જીવી તબિયત બગાડવાની આવે.
આમાં કોઈ ખોટું કે કોઈ સાચું એવા જડબેસલાક જજમેન્ટ લેવા કરતા એ સ્વીકારો કે વર્તનમાં આવેલું આ વર્તમાન પરિવર્તન વધતું જવાનું છે. ઉદાહરણ ફિલ્મી છે, પણ લાગુ બધે પડે છે. મૂળ તો આપણે સ્વીકારતા નથી કે લગ્નસંસ્થાના પાયા જ જગતમાં હચમચી રહ્યા છે. મોટી ઉંમરે ગ્રે ડિવોર્સ (રહેમાન-સાયરા) કે સેપરેશન (ગોવિંદા-સુનિતા) સેલિબ્રિટીના થાય છે, પણ ઉપરથી એ ભેખડો ઉપરથી નીચે પણ નદીના વહેણમાં પડવાની છે. વિકસીત દેશોની સારું ભણતી અને કમાતી મોટા ભાગની નવી પેઢી સિંગલ રહેવા લાગી છે. લગ્ન સંસ્કાર કે કરાર પછી, પહેલા સહજીવનની કસોટી છે એ બાબતે સ્ત્રી પુરુષ બેઉએ હૈયું ખોલવું પડશે, જેમાં સેન્ટીમેન્ટલ થયા વિના આપણે એ સત્ય સ્વીકારવું પડશે. ગયા રવિવારે સ્પેક્ટ્રોમીટરમાં સ્ત્રીના માધ્યમે સહજીવનના સંસાર પર જે ચર્ચા શરુ કરી એના ફર્સ્ટ એપિસોડમાં મિસિસ બન્યા બાદ ફ્રસ્ટ્રેટ થતી સ્ત્રીઓની વાત હતી. આ એનો બીજો એપિસોડ છે એટલે ના વાંચ્યો હોય તો આગલો વાંચી લેજો.
સમય ફરી ગયો છે. સરકાર, સામાજિક સંસ્થા, સંતો તમામે આગેવાની લઇ પાછલા દાયકાઓમાં કન્યાકેળવણી પર ભાર મુક્યો. અગાઉના સમયના પ્રમાણમાં સૌથી વધુ ભણેલી સ્ત્રીઓનો યુગ આપણી આસપાસ છે આજે. અને એની સાથે ઈન્ટરનેટ અને મોબાઈલની ક્રાંતિએ બીડાયેલી પાંદડીઓ અને ભીડાયેલા કમાડ ખોલી નાખ્યા. સૌમ્ય જોશીની ભાષામાં સજ્જડબમ પાંજરું પહોળું થયું. અને અમુક રીતે એના કેટલાક સળિયાઓ પણ તૂટયા. સમસ્યા એ થઇ કે સદીઓ સુધી રાણી હોવા છતાં ઘરમાં પરણીને પતિ કે સાસરિયાની સેવિકાની જેમ રહેતી કન્યાઓ જેટલી ઝડપે આઝાદમિજાજ થતી જાય છે, એટલી માનસિક મોકળાશ પુરુષોમાં અને વડીલોમાં (અપવાદો બાદ કરતા જોવા મળતી નથી) મોડર્ન નારીને પોતાના મા બાપ પણ જો આઉટડેટેડ લાગે તો સાસુસસરાનું જૂનવાણીપણું કેટલું સહન કરે ?
અને પુરુષો ભણતા હોવા છતાં ભાગ્યે જ સાયકોલોજીકલી અને સોશ્યલી અપગ્રેડ થાય છે. એમને હજુ પત્ની સહચરી નહિ, પણ સંપત્તિ લાગે છે. દીકરી અને વહુના કાટલાં ઘણા પરિવારોમાં અલગ થતા જાય છે. પપ્પાની પરીઓને લાડ લડાવે છે, કાયદો પણ ફેવર કરે અને ફેમીલી પણ. એટલે હોમસાયન્સ કે ઘરગૃહસ્થી શીખવા કરતા એમને વધુ રસ મેકઅપ કે ડાન્સ સ્ટેપ્સ શીખવામાં છે. હમણાં વડાપ્રધાને દેશમાં વધતી મેદસ્વીતા બાબતે ટકોર કરી. આપણી નજર સામે ઘરમાં બનતી વાનગીઓ કે નાસ્તા કરતા બહારથી રેડીમેઈડ મળતા પેક્ડ ફૂડનું બજાર કૂદકે ને ભૂસકે વધતું જાય છે. એમાં કોઈ મંદી આવતી નથી. કારણ કે પુરુષોને બચપણમાં મમ્મીઓએ આવી તાલીમ આપીને તૈયાર કર્યા નથી, ને એમના બાળકોની વર્તમાન કે ભાવિ મમ્મી એવી સ્ત્રીઓને રસોડામાં રસ ઇઝી ટુ કૂક વાનગીઓ સિવાય રહ્યો નથી. કડાકૂટ વધુ કરે તો હેરાન એને એકલીએ થવાનું આવે. મોટે ભાગે ટિપિકલ ઇન્ડિયન મેન તો ના શાક સમારી આપે, નાં વાસણ ગોઠવવામાં મદદ કરે.
એવું ય નથી કે બધા પુરુષો જાણી જોઇને આવું કરે છે. આવડતું નથી ને હવે એ કેળવવાનો સમય નથી, એ એક વાત સાચી. બીજો અગત્યનો મુદ્દો એ પણ છે કે સતત બહાર જઈને કમાવામાં જ એમની જાત નીચોવાઈ જાય છે. એ પણ સહેલું કામ નથી. ટેન્શનવાળું કામ છે. જેમ સ્ત્રીને ઘરકામનું એપ્રિસિએશન નથી મળતું એમ પુરુષને નોકરીધંધા ખાતર 'કૂચે મરવા' બાબતે કોઈ કદર નથી મળતી. એ થાકીને કંટાળી જાય ત્યારે એને માનસિક શારીરિક આરામ માટે ઘર કે શ્રીસખી ભાર્યા (વાઈફ યુ નો) જોઈએ છે. જે પોતે મોટે ભાગે બહાર કામ કરીને એ જ હાલતમાં ઘેર આવે છે, અથવા ઘરના રોજીંદા ઢસરડામાં કોઈ બ્રેક વિના થતા કામથી ખુદ કોઈનો સપોર્ટ કે રેસ્ટ ઝંખે છે. સાવ ગૃહિણી ગૃહમાં રહે એ સમય નથી રહ્યો કારણ કે ટેલન્ટ ને ભણતર સામે કશું વળતર ના મળે તો એમને સમયની બરબાદી લાગે છે. મોંઘવારી અને ખર્ચ એટલા વધી ગયા છે કે બે છેડા ભેગા નથી થતા એકલાની આવકમાં અને ઈલોન મસ્ક સિવાય બાળકો ઝાઝા પેદા કરવા હવે પોસાય એમ નથી.
એક્ચ્યુઅલી, ઘણા પુરુષોને બદલાવું હોય તો પણ જિંદગીની જંજાળ એમને મોકો નથી આપતી. બધા સાવ ગરીબ નથી કે કોઈ જવાબદારી કે જોખમ ના હોય ને અમીર પણ નથી કે ઘરમાં જોઈએ એટલી ડોમેસ્ટિક હેલ્પ રાખવા માટે અઢળક પૈસા હોય. ઘણા પત્નીઓને ટેકો આપતા હોય છે, એને બહાર મોકલી એની સફળતામાં રાજી થતા હોય છે. જેમ ગૃહિણીઓની પુરતી કદર વધુ કામ કરવા છતાં ને બધાના મૂડ કે ટેસ્ટ સાચવવા છતાં નથી થતી, એમ આવા હસબન્ડની ઠેકડી ઉડાવાય છે પણ જોઈએ એટલું એપ્રિસિએશન મળતું નથી.
મામલો પેચીદો છે. આદર્શ તો એ છે કે એવું યુગલત્વ રચાય કે જેમાં સ્ત્રીને ધારો કે સરસ રાંધવાનો શોખ હોય તો પુરુષને સરસ જમવાનો શોખ હોય. આને કહેવાય કોમ્પિટેબિલીટી. પણ આ તો એક બાબત મેચ થઇ. પણ એ જ કપલની સેક્સ ડ્રાઈવ મેચ ના થતી હોય તો ? એક ભૂખનો પ્રશ્ન સોલ્વ થયો તો બીજી પ્યાસ અતૃપ્ત રહે ! બેઉ મેચ થાય પણ વાતચીતમાં સ્વભાવ સેટ ના થાય કે એકબીજાની નસકોરાંથી સુવાઉઠવા સુધીની આદતો મિસમેચ થાય એમ પણ બને. ક્યાંક બાંધછોડ ને સમાધાન કરવાની રહે. ક્યાં ને કેટલી દરેક વ્યક્તિએ નક્કી કરવાનું હોય. પ્રેમ કે લગ્ન બેઉમાં સરખું કોમ્યુનિકેશન કરવું પડે આગોતરું, કઈ બાબતમાં બિલકુલ ના ફાવે ને કઈમાં જતું કરવાની તૈયારી છે એનું. અંગત નિરીક્ષણ એવું છે કે સંબંધ શરૂઆતમાં સ્ત્રીને વ્યક્ત થવામાં સંકોચ થાય, પણ પછી પુરુષ કમાઈ શકે, કાળજી રાખી શકે પણ પૂરો વ્યક્ત ના થઇ શકે !
જેમ ધણીપણાની ધોંસ જમાવી ધોલધપાટ કરતા ધમાલિયા રાક્ષસી પુરુષો હોય છે, એમ પોતે પરિવાર માટે ઘસાઈ જાય, એમને બધી સગવડો આપવામાં કામ કરીને બોજ ઊંચકીને કંતાઈ જાય, વાઈફને એસી મળે કે એના વાહનમાં પેટ્રોલ ભળે કે એની જોડે ફિલ્મ જોવા ફરવાનું થાય એને માટે ખુદ મજૂરની જેમ લોથપોથ થાય પણ પ્રેમ હોય કે ફરિયાદ કે સાચી વાતની રજૂઆત, કશું કર્યા વિના ખામોશ રહી વિસ્ફોટક બ્રકિંગ પોઈન્ટ ના આવે ત્યાં સુધી સહન કરતા પુરુષો પણ ભરપૂર છે આજેય. જેમ પત્ની કમ્પ્લેઇન કરે કે હું મારા માટે ક્યારે જીવું જો સતત બીજાના સુખનો બોજ ઊંચક્યા કરું તો ? એમ આવા પુરુષો ગિફ્ટ વારંવાર આપી નથી શકતા, પણ હિસાબ પણ નથી રાખતા ને એમ જ પૈસા વાપરવા બધા આપી દે છે. એ થેન્ક્સ કે લવ યુ કહી નથી શકતા પણ એની સંગિની વિના એકલા રહી પણ નથી શકતા ! ને સ્ત્રીને અકળામણ એ છે કે એક વ્યક્તિ જીવનમાં ઉમેરવા જતા આખા પરિવારની જંજાળ ઉમેરાઈ જાય છે એ આર્થિક મજબૂરી ના હોય તો કેટલી હદ સુધી સહન કરવી ! ક્રિકેટર તરીકે નામ કમાયા પછી મુલ્લા જેવી દાઢી લઈને ફરતો પાકિસ્તાની ઓપનર સઇદ અનવર નવી પેઢીને યાદ પણ નહીં હોય. પણ એણે એક સ્ફોટક નિવેદન હમણાં કરેલું કે 'હું યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા બધે ફર્યો છે. બધે મારા મિત્રો છે. સમૃધ્ધ ને શિક્ષિત લોકો છે. જે પુરુષો બદનામીના ડરે જાહેરમાં બોલતા નથી પણ ખાનગીમાં મને કહે છે કે આ વર્કિંગ વિમેન કલ્ચરને લીધે લગ્નજીવન ભાંગી પડયું છે. વર્કિંગ વિમેન (બહાર જઈને કામ કરતી પ્રોફેશનલ વિમેન માટેનો શબ્દ છે. બાકી ઘરમાં પણ કામ તો સ્ત્રીને કાયમ કરવાનું હોય છે, છતાં એને વર્કિંગ વિમેન કહેવાતી નથી.) ને એક વાર ફાઇનાન્સિયલ ફ્રીડમ મળે, પછી એ સમાધાનો કરવાની સહનશીલતા ગુમાવતી જાય છે. એને થાય છે કે હું જાતે કમાઈને મારી રીતે ઘર ચલાવી શકું છું. પછી મારે શું કામ પતિ પર આધારિત રહીને એડજેસ્ટમેન્ટ કરવા જોઈએ ? ના ગમતી એની વાતો ચલાવી લેવી જોઈએ ?નથી ફાવ્યું તો નથી રમતા. સિમ્પલ. આમ જ ઉછાળો ડિવોર્સ રેટમાં આવ્યો છે. દુનિયાભરમાં લગ્નસંસ્થા બચાવવી હોય તો સ્ત્રી ઘરની બહાર કમાવા જાય એ સિસ્ટમ બંધ કરવી પડે.'
અલબત્ત, પાકિસ્તાની માનુનીઓએ જ અનવરને ધધડાવી નાખેલો ઓનલાઇન. ઈરાનમાં સ્ત્રીઓ મુક્તિ ખાતર મરવા તૈયાર છે ત્યાં આવી ઘડિયાળના કાંટા પાછા ફેરવવાની સામંતશાહી વાતો કોણ સાંભળે ? આપણે ત્યાં પણ અમુક પિતૃસત્તાક વ્યવસ્થા પકડી રાખતી જ્ઞાાતિઓમાં મર્યાદાના પડદા ધીમે ધીમે ચીરાતા જાય છે. સ્વતંત્રતાનો સ્વાદ ચાખ્યા પછી કોણ ગુલામ થવા તૈયાર થાય ? એટલે અનવરના ઉપચાર તો વાહિયાત અને અવાસ્તવિક છે. પણ એની નિદાન નોંધ લેવા જેવું છે. સ્ત્રી ઘર સાચવે ને પુરુષ એ સ્ત્રીને સાચવે એ વણલખ્યા કરાર પર લગ્નસંસ્કાર સદીઓ સુધી ટક્યા. હવે આ પાયામાં જ કેલિફોર્નિયાની જેમ દાવાનળ લાગ્યો છે.
આમાં બીજા ફેક્ટર પણ પ્લસ થાય છે. સોશ્યલ મીડિયામાં આજે સ્ત્રીને પુરુષ કરતા વધુ એટેન્શન મળે છે. હવે એ એક મસ્ત પિક મુકે અને જે રીતે એને વાહવાહી કરનારા 'અધર્સ' મળે, એટલી હદે રોજીંદા સંબંધમાં રહેલ પ્રેમી કે પતિ કાયમ એને ગુલાબી હથેળીમાં થૂંકાવી નથી શકતો. એ સ્કેલ જ શક્ય નથી. દૂર બેઠા તમારે આખા પેકેજ સાથે પનારો નથી પાડવાનો. થોડા સમય માટે ખુશ રહેવાનું છે. સામેનાને ખુશ કરવાના છે. એટલે એ આસાન આકર્ષણ છે. સમય જતા દરેક ગૃહિણીને એવું થાય છે કે ઘર કરતા તો બહાર આપણી કદર વધુ છે, ને પોતે પસંદ કરવામાં ઉતાવળ કરી બાકી બેહતર વિકલ્પોનો તો ઢગલો છે. એ જ રીતે સામાજિક પ્રતિષ્ઠા ખાત્ર કે લાઈફસ્ટાઈલ કે સ્માર્ટ
પર્સનાલીટી કે સુખસુવિધા ખાત્ર સ્ત્રીઓ સેટલ થવાનો નિર્ણય લે છે, થોડા સમયમાં એને અહેસાસ થાય છે કે એ બધું સેટ કરવામાં મૂળ માણસ જ ગમતો નથી. સ્ટેટ્સ જોઇને સાથી બનાવ્યો એની સાથે મનમેળ બેસતો નથી ને એ પછી માનસિક કે શારીરિક રીતે તૃપ્ત થવા માટે બહારના પુરુષથી મોહિત થાય છે. બે ટ્રેન અનુભવો પછી એને લાગે છે કે સ્થિર થવામાં જોખમ વધુ છે, સ્વતંત્ર રહેવામાં પરમેનન્ટ જવાબદારીની લટકતી તલવાર નથી ને પ્રેમ વધુ મળે છે, જે કોઈના જીવનસાથી બનવામાં મૂરઝાઈ જાય છે. સો, ડેટિંગ કરો, વેડિંગ ના કરો.
સ્ત્રી સ્વભાવે મૂડી હોય. કોઈ એના પર સ્ટ્રોંગલી હૂકમ ચલાવે કે એના વતી નિર્ણયોે લઈને એને માત્ર આનંદ કરાવે કે કોઈ પુરુષ બાળકની જેમ પોચકા ના મુકે પણ મેચ્યોર થઇ પોતાની શરતે કોન્ફિડન્ટલી જીવે એ એને અંદરખાનેથી આરામદાયક લાગે. દરેક સ્ત્રીને એટ્રેકશન સરખા નથી હોતા. કોઈને નાની ઉંમરનાની ચંચળતા ગમે તો કોઈને મોટી ઉંમરનાની પરિપક્વતા. મરો આમાં એવા જેન્યુઈન પુરુષોનો છે જે એવું માને છે કે સ્ત્રીને મરજી મુજબની મજા મળવી જોઈએ. એને આપણે ઈચ્છીએ એમ ફરમાઈશ કરી રસોઈ બનાવવાનું કે દુખતા હોય તો પણ પગ દબાવવાનું ના કહેવાય. એ અન્ય પુરુષોની જેમ સ્ત્રીને દાબમાં રાખી ના શકે એટલા સારા હોય તો ખુદ એના રિમોટ કંટ્રોલમાં જીવી પોતાની અપેક્ષા મૂરઝાવી નાખે છે. એને તો બહારની દુનિયામાં જઈને કમાવા કે વ્યવહારમાં સારાસારી રાખવા ઘસાઈ જવાનું, પણ ઘરમાંથી સરખો સાથ ના મળે કારણ કે પત્નીને પોતાની અલાયદી દુનિયામાં ઉડવું હોય. એ કોઈ સ્પેશ્યલ ટેલન્ટ ધરાવે તો ડબલ દુ:ખી થાય કારણ કે એનું ફોકસ એ સ્કિલને બદલે રોજેરોજ ઘરમાં વહેંચાઇ જાય, જ્યારે એને જરૂર ઘરનો મોરચો સાચવે એવી કુશળ હોમ મેનેજર પત્નીની હોય જે કાર્યેષુ મંત્રી ઉપરાંત ભોજ્યેષુ માતા તો હોય પણ પછી સ્ટ્રેસ ઓછો કરવા શયનેષુ રંભા પણ જોઈએ. નહિ તો કુદરતી આવેગોના આનંદ માટે બહાર અફેર થાય ને પત્નીને વધુ અન્યાયની ફીલિંગ આવે જે એને જ ના ગમે !
આ જ ચાલે છે ચોમેર અત્યારે, પણ કોઈ ઝીણવટથી જોતું નથી. અહીં સ્ત્રીને માટે આઝાદી નવી બાબત છે, અને એક વેસ્ટર્ન વિડીયોમાં ટેટૂ કરાવેલી શોર્ટ્સ પહેરેલી બિન્દાસ બાળા એ વિમેન્સ લિબરાલાઈઝેશનથી કંટાળીને કહેતી હતી કે 'મને તો એવો પુરુષ ગમે કે જે મને કહે કે તારે ક્યાંય કામ કરવા જવાની જરૂર નથી. તારે કોઈ બિલ જાતે ભરવાના નથી. તું ઘરે રહે, બાળકો મોટા કર ને જલસા કર. બહાર નીકળી અનેક લોકોને રાજી કરવાના, બોસના ઠપકા સાંભળવાના કે ક્લાયન્ટના કકળાટ હેન્ડલ કરાવન ટેન્શન કરતા હું એકને જ ના સાચવું. એને માટે હોંશે હોંશે બે ટંક એને ને મને ભાવે એવું ભોજન બનવું, એની જોડે ફરવા જાઉં, અરે મારી બધી જરૂરીયાતોની એ સંભાળ લે તો ક્યારેક જસ્ટ ફોર ફલર્ટફન એ એકલો કોઈ પાર્ટીમાં જઈને કોઈ સાથે ગુલછર્રા ઉડાવે તો પણ માફ કરું, એ તો ટેમ્પરરી હોય મારી જગ્યા થોડી લઇ શકે ? નથી થવું બીજે તાબેદારી કરીને વર્કિંગ વુમન. હાઉસવાઈફ થઈને ઘરમાં રજવાડું ના ચલાવું ?'
તમને શું લાગે છે ? હજુ બદલાતા સ્ત્રીત્વની થોડીક વધુ વાતો મોકો મળ્યે કરીશું.
ઝિંગ થિંગ
'પુરુષ દુનિયામાં એટલે ઘર બહાર આગળ નીકળ્યો હતો કે એની પાસે મસલ, મોબિલિટી (એકથી બીજી જગ્યાએ ડર્યા વિના ફરવાનો) અને મની પાવર હતો. આજે સ્ત્રી ફિટનેસ, ફીઅરલેસનેસ અને ફાઈનાન્સ બધું કેળવે તો દુનિયા એની છે.'
(કથાકાર દિપાલી પટેલની વાતના આધારે)